જીવનરસથી છલકાતું કલાસભર વ્યક્તિત્વ (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)


કુમુદબેન પટેલ

૨૪ જુલાઈ, ૨૦૧૧, વડોદરાના માનવંતા એવા કલાકાર કુમુદબેન પટેલને પંચમહાભૂતમાં વિલીન થયે લગભગ એક વર્ષ પૂરું થયું. જીવનરસથી ભરપૂર અને આનંદી છતાંય નિર્ભય, પોતાના શબ્દો અને મત પ્રત્યે ખૂબજ સભાન એવી આ હસ્તી, પોતાની શરતો પ્રમાણે જીવન જીવી હતી. ૧૯૨૯માં ભાદરણ ગામમાં જયારે તેઓનો જન્મ થયો ત્યારે તેઓ પોતાની માતાની હથેળીમાં માંડ સમાય શકે એટલા નબળા હતા. તેમના પિતા હૈદ્રાબાદ, જે તે સમયે સિંધ(પાકિસ્તાન)નો ભાગ હતો, ત્યાનાં જમીનદાર હતા. ૧૯૪૨માં જયારે ‘હિન્દ છોડો ચળવળ’એ વેગ પકડ્યો હતો તે સમયે સરદાર પટેલની સલાહ માની તેમણે પોતાના કુટુંબને ગુજરાત મોકલી દીધા હતાં અને તેઓ વડોદરામાં સ્થાયી થયા હતાં. એક બાળસહજ ચમક તેમની આંખોમાં ઉતરી આવી અને તેઓ કહેવા લાગ્યાં, “૧૯૪૨મા ગાંધીજીની સ્વદેશીઓ માટેની હાકલને ટેકો આપવા મેં ખાદી પહેરવાનું શરૂ કર્યું, જે આજ દિન સુધી મેં ચાલુ રાખ્યું છે, મારો ખાદી માટેનો આગ્રહ એટલો વધ્યો કે મેં મારા અંતઃવસ્ત્રો પણ ખાદીમાં સીવવાના શરૂ કરી દીધાં.”

“૧૯૫૦નાં વર્ષમાં કુમુદબેન પટેલ, વડોદરાની ‘ફાઈન-આર્ટસ’ શાખામાં ડિગ્રીનાં અભ્યાસક્રમ માટે અને સંગીત શાખામાં નાટ્યશાસ્ત્રમાં ડિપ્લોમા માટે નામ નોંધાવનારા સૌપ્રથમ મહિલા ઉમેદવાર હતાં. તે સમયે, ફાઈન આર્ટસ શાખામાં વિદ્યાર્થીઓ માત્ર ૧૨ અને શિક્ષકો ૧૩ હતા..!”

કુમુદબેનએ લઘુચિત્ર(મીનીએચર)કલાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. નવી દિલ્હીનાં સંસદભવનમાં એક કળાલક્ષી યોજનાની કામગીરી માટે તેઓ પ્રો.એન.એસ.બેન્દ્રે દ્વારા સીનીયર ટુકડી માટે પસંદ થયા હતાં. (અન્ય હતાં ફિરોઝ કાટપીટીયા, જ્યોતિ ભટ્ટ, વિનય ત્રિવેદી, રમેશ પંડ્યા, શાંતિ દવે, પ્રભા ડોંગરે, વી.આર.પટેલ, વિનોદ શાહ, ભુપેન્દ્ર દેસાઈ અને બિહારી બારભૈયા). આ યોજનાનો મુખ્ય આશય ભીંતચિત્રો અને ચિત્રકળાને એકરસ કરી ભારતનાં ભવ્ય ઇતિહાસને દર્શાવતું સંપૂર્ણ દ્રશ્યચિત્ર ઉભું કરવાનો હતો. જેમાં આદિકાળથી લઈને ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધીની બધી માહિતી આવરી લેવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમ્યાન, નજીકમાં કામ કરતા કુંભારોનાં કામથી તેઓ પરિચિત થયા અને એ કળા એમને ખૂબ પ્રભાવિત કરી ગઈ. ૧૯૫૯ની સાલમાં પરત આવી તરત જ તેમણે કુંભારકળા શીખવા માટેનાં સર્ટીફીકેટ અભ્યાસ માટે નોંધણી કરાવી.

૧૯૬૦નાં દાયકાની શરૂઆતમાં કુમુદબેને વડોદરામાં પોતાના નેતૃત્વ હેઠળ એક નાટકમંડળી તૈયાર કરી તેની રજૂઆત પૂર્વ આફ્રિકામા કરી, જેના પરિધાન સુદ્ધાં તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ૧૯૬૪માં તેમણે પોતાની ચિત્રકલા અને કુંભારકલાનું પહેલવહેલું પ્રદર્શન મુંબઈની ‘તાજ આર્ટ ગેલેરી’માં ખૂલ્લું મૂક્યું. તેઓ ફાઈન આર્ટસ શાખામાં કુંભારકળાનાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં અને ૧૯૮૯માં નિવૃત્ત થયાં ત્યાં સુધી અવિરત શિક્ષણક્ષેત્રથી જોડાયેલા રહ્યાં. તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સયાજીબાગમાં આવેલી ચિમનાબાઈ મહિલા કલબમાં બ્રીજ રમવા પણ જતા..! મહિલા લાયન્સ કલબની(તારામંડળ) સ્થાપના સાથે સમાજસેવાનાં ક્ષેત્રમાં તેઓએ પોતાની આગવી છાપ બનાવી અને ‘સિંગલ વુમન અસોસિયેશન’ થકી જીવનભર આ કાર્યને સમર્પિત રહ્યા.

કુમુદબેનની કુંભારકલાના નમૂનામાં, તેમનો લઘુચિત્ર કળા (મીનીએચર) પ્રત્યેનો રસ અને તેને આધુનિક ભારતીય ચિત્રકલા જોડે કઈ રીતે સાંકળી શકાય તે પ્રત્યેનું કુતુહલ પ્રત્યક્ષ રીતે છલકાતું. ૨૦૦૭-૦૮માં, અમદાવાદની ‘લેમનગ્રાસહોપર’ ગેલેરીમાં મારા અને સેરામિક કલાકાર તૃપ્તિ પટેલ દ્વારા ‘ભારતીય સેરામિક હસ્તકલા’ને ‘લગતા ત્રણ પ્રદર્શનની અંદર કુમુદબેનનાં ‘મીનીએચર ઘડા’ (લગભગ ૨-૩ ઈંચ ઉંચા અને કલાત્મક પીંછીકામથી મઠારેલા હતા) મુખ્ય આકર્ષણ બન્યા હતા.

ભારતની હસ્તકલાને દર્શાવતાં કોઈ પણ પ્રદર્શન હોય, લઘુકળાની વિશિષ્ટ છાંટ ધરાવતા કુમુદબેનનાં કલાના નમૂનાઓ વગર તે અધૂરાં છે,

ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતો અને તેમની સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય એવો ‘લેમન સેટ’ કોઈ પણ વ્યક્તિને અચરજ પમાડે તેટલો સુંદર અને ઉપયોગી છે. બીકર આકારનો અને પાતળી દીવાલોથી બનેલો આ ગ્લાસ ભારતીય પરંપરાને અનુલક્ષીને એવી રીતે રીતે રચવામાં આવ્યો છે, કે જેમાંથી પાણી પીતી વખતે પીનાર વ્યક્તિ ગ્લાસને હોઠ અડાડ્યા વગર આરામથી પાણી પી શકે છે.

(કુમુદબહેને બનાવેલું લેમન સેટ)

૨૦૦૫-૬માં, ગુરુપૂર્ણિમાનાં શુભ અવસરે વડોદરાની સર્જન આર્ટ ગેલેરી દ્વારા આયોજિત પ્રદર્શનમાં તેમની કળાનું છેલ્લું વ્યક્તિગત પ્રદર્શન જોવા મળ્યું હતું. તે વખતે સૌપ્રથમ વાર વડોદરાની યુવા કલાકાર પેઢીને કુમુદબેનનાં ૧૯૫૦ થી ૧૯૭૦નાં ગાળા દરમ્યાન સર્જેલા કળાનાં નમુના જોવાનો લાભ મળ્યો હતો જેની અંદર તેમણે ગામડાની નૈસર્ગિક સુંદરતા અને માનવજીવનને ખૂબ જ સુંદર રીતે કળાનાં માધ્યમથી વણી લીધું હતું. આ પ્રદર્શન વખતે તેઓ ખુબ નાદુરસ્ત હતાં, છતાં પણ તેમનો કળા અને દર્શકો પ્રત્યેનો પ્રેમ તેમને ઉપસ્થિત રાખવા માટે પૂરતો હતો અને તેઓએ ત્યાં રહીને બધાનું પ્રેમથી સ્વાગત કર્યું હતું.

મેં એક વાર અછડતું જ તેમને પૂછ્યું હતું, “લગભગ અડધી સદી પહેલા વડોદરા કેવું હતું?”, તેમણે વાતનો દોર હાથમાં લીધો “ત્યારે અલકાપુરીનું અસ્તિત્વ એટલે માત્ર આ પાંચ બંગલાઓ, અને તેમાનું એક એટલે મારું ઘર..! સામે પાર જ્યાં હમણાં ‘નેશનલ પ્લાઝા ઉભું છે, તે એક સમયે ઝવેરચંદભાઈનું ઘર હતું, જ્યાં અમે રોજ બાળકો જોડે રમવા જતા. હું અને ઉર્મિલા(જે પછીથી અભિનેત્રી ઉર્મિલા ભટ્ટનાં નામથી પ્રસિદ્ધ થયા) રોજ સાઈકલ પર કોલેજ જતાં, સવારે ૭.૩૦નાં પહોરે નીકળતાં અને છેક રાત્રે ૧૦.૩૦એ રિહર્સલ્સ પછી પરત આવતાં. અમારા પરિવારો અમને લાડથી ‘રાતની રાણી’ પણ કહેતાં. હું તો બે ડબ્બા જોડે રાખતી, બપોરનું જમવાનું એટલે ‘મગજ’ અને રાતનું વાળું એટલે ‘ગુંદરપાક’, આ સિવાય કશું પણ નહિ.. અને આ આદતએ મને આજદિન સુધી તંદુરસ્ત રાખી છે અને હા, તે પણ મધુપ્રમેહ વગર..!

“મારે મન કુમુદબેનનાં સ્મરણો એટલે સંપતરાવ કોલોનીમાં બેઠેલા, ખાદીની રેશમી સાડી અને બાંય વિનાનાં બ્લાઉઝ માં સજ્જ, ડાઈ કરેલા કાળા ભમ્મર વાળ અને ચાંદીના ઘરેણાંમાં શોભતા એક જાજરમાન સ્ત્રી.”

ખરેખર કહું તો કુમુદબેનનના અડગ વ્યક્તિત્વ પાછળનો મર્મ, માત્ર ‘મગજ’ અને ‘ગુંદરપાક’નો ખોરાક નહિ પરંતુ તેમનો મૂળભૂત ‘ચરોતરી જુસ્સો’ હતો. એક સમય હતો જયારે તેઓ ‘ગાઉટ’ રોગને કારણે વ્યવસ્થિત ચાલી પણ નહોતા શકતા, જોકે તેમણે હોમિયોપેથી દ્વારા આ રોગને કાબુમાં કરી લીધો અને તેઓ ગરબાના તાલે ઉમળકાભેર નવે નવ રાત્રિઓનો આનંદ લેતા. થોડાં વર્ષો પેહલા, નૈરોબીનાં હવાઈઅડ્ડા પર આવેલો  હૃદયરોગનો હુમલો પણ તેમના કાર્યમાર્ગની આડખીલી બની શક્યો નહતો. છેલ્લાં થોડાં સમયમાં તેમની તબિયત ખૂબ જ નાજુક રહેતી પરંતુ તેઓ કોઈ પણ બીમારીને હાથતાળી આપીને છટકી જતાં અને ફરી એજ ઝનૂનથી કામ કરવા લાગી જતા. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે, મેં એમના ICUમાં દાખલ કરાયાની ખબર સાંભળી હોય અને એક અઠવાડીયા બાદ એમને ઘર પાસેનો રસ્તો પાર કરતા જોયા હોય.!

મારે મન કુમુદબેનનાં સ્મરણો એટલે સંપતરાવ કોલોનીમાં બેઠેલા, ખાદીની રેશમી સાડી અને બાંય વિનાનાં બ્લાઉઝ માં સજ્જ, ડાઈ કરેલા કાળા ભમ્મર વાળ અને ચાંદીના ઘરેણાંમાં શોભતા એક જાજરમાન સ્ત્રી.

(ગ્લોબલ ગુજરાત ન્યુઝમાંથી સંધ્યાબહેનની મંજૂરીથી)

2 thoughts on “જીવનરસથી છલકાતું કલાસભર વ્યક્તિત્વ (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)

  1. ‘કુમુદબેનનાં સ્મરણો એટલે સંપતરાવ કોલોનીમાં બેઠેલા, ખાદીની રેશમી સાડી અને બાંય વિનાનાં બ્લાઉઝ માં સજ્જ, ડાઈ કરેલા કાળા ભમ્મર વાળ અને ચાંદીના ઘરેણાંમાં શોભતા એક જાજરમાન સ્ત્રી.’ જ નહીં પણ માનવંતા એવા કલાકાર જીવનરસથી ભરપૂર અને આનંદી છતાંય નિર્ભય, પોતાના શબ્દો અને મત પ્રત્યે ખૂબજ સભાન એવી આ હસ્તી, પોતાની શરતો પ્રમાણે જીવન જીવી હતી.

    વાતો માણી આનંદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s