કાવ્યધારા-૩


મુકેશ જોષીની કવિતા કાગળ લખવાના એ દિવસોનો  હિતેન આનંદપરા દ્વારા  આસ્વાદ

આજે તારો કાગળ મળ્યો

ગોળ ખાઈને દિવસ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં.. વ્હાલ ભરેલો અવસર

થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર

વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી ફળ્યો

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત

‘લે મને પી જા હે કાગળ!’ પછી માંડજે વાત

મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે

તારા અક્ષર તારા જેવું, મીઠું મીઠું મલકે

મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો

 • મુકેશ જોષી

 આસ્વાદ

એક જમાનો હતો જ્યારે એસએમએસ, ઈમેલ કે વૉટ્સેપની સગવડો નહોતી. આ કંઈ બહુ જૂની વાત નથી. 1995માં મોબાઈલ અને ઈન્ટરનેટની સેવા ભારતમાં શરૂ થઈ. હજી તો આ વાતને બે દાયકા પણ નથી થયા, છતાં ટેકનોલોજીનો વિકાસ એવો ત્વરિત ને તોખાર છે કે બે-ચાર મહિનામાં નવી શોધ જૂની લાગવા માંડે. આવા ફાસ્ટ જમાનામાં કાગળ લખવાની રીતરસમને યાદ કરીએ તો લોકો જૂનવાણી ગણે.

ટપાલી આમ જુએ તો જાણે ભગવાને મોકલેલો ફરિસ્તો જ ગણાતો. વિશેષ કરીને પ્રેમપત્રોની આપલે થતી હોય ત્યારે જાણે ગોરમહારાજ ટપાલીના સ્વરૂપે પત્ર આપતા હોય એવી મનગમતી કલ્પનાઓમાં મનને વિહરવું ગમતું.

કાગળ લખવાની એક પદ્ધતિ રહેતી. કાગળ લખવા બેસીએ એટલે જાણે પરીક્ષા આપવા બેઠા હોઈએ એવી કસોટી થાય. સ્કૂલમાં પત્રલેખન માટે કરેલી ગોખણપટ્ટી પ્રેમપત્રમાં કામ ન લાગે. માનનીય મહોદયશ્રી, સંદર્ભ ક્રમાંક, જત જણાવવાનું કે ઈત્યાદિ ઈત્યાદિ ભાષા પ્રેમપત્ર માટે નગુણી અને નીરસ ગણાય. અધિકારીઓને લખવામાં વપરાતી ભાષા જેના પર અધિકાર મળવાનો છે એ પ્રિયજન માટે ન વપરાય. ખરી કસોટી અહીં જ શરૂ થાય.

સંબોધન શોધવામાં ઘણીવાર ખાસ્સી મથામણ કરવી પડે. ત્રણ-ચાર મસ્સાલા ચા ઓવારી જઈએ તોય ચાહ કાગળ પર ન ઉતરે. ઘણા બધા વિકલ્પો વિચારાય, પણ અંતે તો સૌનું ફેવરીટ એવું વ્હાલી-વ્હાલા-પ્રિય સંબોધન વિજેતા નીવડે. વ્હાલી શબ્દ લખવામાં તો પેન પાણી પાણી થઈ જાય ને એના પછી પ્રિયજનનું નામ લખી પેન પતાસું બની જાય. કોઈ પણ કંપનીની હોય, વિવિધ સંવેદનો સાથે પેન રોમાંચ ધારણ કરતી રહે. કાગળ પૂરો લખાય અને અંતે ‘તારો’ કે ‘તારી’ જેવું લિખિતંગ લખાય ત્યારે એક તરફ કાગળ લખવાનો હર્ષ હોય અને બીજી તરફ કાગળ પૂરો થયાનો વસવસો.

પ્રિયજનનો પત્ર આમ તો કબાટમાં મૂકેલી ચલણી નોટોથી, પચ્ચીસ-પચાસ લાખ રૂપિયાની લોટરી ટિકિટથી જરાય ઉતરતો નથી. આમ તો એ કાગળનો ટુકડો છે, પણ હકીકતમાં એ વાદળનો ટુકડો છે જેમાં વરસાદ છૂપાયો છે. એમાં વિરહની વીજળીના કડાકા પણ સંભળાય અને મિલનના ઝબકારા પણ દેખાય. દૂર દૂર રહેતા હોવા છતાં આ કાગળને કારણે બે જણ વચ્ચે એક સાંનિધ્ય સર્જાતું.

આજે જમાનો બદલાઈ ગયો છે. મોબાઈલ પર મેસેજે સેવાઓને કારણે પ્રતીક્ષા બિચારી વિહવળ થવાનું જ ભૂલી ગઈ છે. પ્રિયજન મોડું પડે તો અનુભવાતો થડકારો, મૂંઝારો કલ્પનાનો વિષય બની ગયો છે. બસ સ્ટોપ પર જોવાતી રાહ હવે રાહ તાકવાની બદલે મોબાઈલ પર ગૅમ રમી ટાઈમપાસ કરી લે છે. લાંબું ચેટિંગ ડેટિંગના દરિયાને બૂરી દે.

કમ્યુનિકેશન લખલૂટ ઉપલબ્ધ થયું છે. તેના કારણે રોજબરોજના કામ પતાવવામાં ઘણી સરળતા રહે. વાત પ્રેમની આવે એટલે એને અલગ કાયદાઓ લાગુ પડે. પારંપરિક પદ્ધતિઓમાં જે લગન અને લાગણી છલકાતા હતા એ ગેઝેટ્સમાં નથી દેખાતા. અક્ષરની ઓળખ ભૂલાતી જાય છે. ગુજરાતી અક્ષરના આરોહ-અવરોહમાં છલકાતો સ્નેહ મોબાઈલ સ્ક્રીન પર વંચાતા સ્ટિરીયો ટાઈપ અક્ષરોમાં મહેસૂસ નથી થતો. ચબરખીઓ આપલે કરવાનો રોમાંચ હથેળીઓ ભૂલતી જાય છે. અલગ અલગ રંગની પેન સાથે રંગબેરંગી કાગળ પર આકારાતી ઘેલી લાગણીઓનું સ્થાન લેવાનું ટાઈપ કરેલા રૂપાળા ઈમેઈલ કે મેસેજનું ગજું નથી. પર્સનલ કૉમ્પ્યુટરમાં પર્સનલ ફિલિંગને ઉજાગર કરવાની ક્ષમતા નથી.

ટેકનોલોજી પાસે ઉપયોગિતા છે, પરંપરા પાસે મીઠાશ છે. બંનેમાં સંતુલન જળવાય તો આલા ગ્રાન્ડ પાર્ટી આપવાનું મન થાય. હા, પણ બધાને નહીં, માત્ર પ્રિયજનને. વાતાનુકૂલિત રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે પ્રિયજનના હાથમાં એક પ્રેમપત્ર સરકાવી જોજો. શું રિઝલ્ટ આવે છે અમને જણાવજો. અમે મોગરાનું અત્તર છાંટી રાહ જોઈશુંટાઈપ કરેલા રૂપાળા ઈમેઈલ કે મેસેજનું ગજું નથી. પર્સનલ કૉમ્પ્યુટરમાં પર્સનલ ફિલિંગને ઉજાગર કરવાની ક્ષમતા નથી.

ટેકનોલોજી પાસે ઉપયોગિતા છે, પરંપરા પાસે મીઠાશ છે. બંનેમાં સંતુલન જળવાય તો આલા ગ્રાન્ડ પાર્ટી આપવાનું મન થાય. હા, પણ બધાને નહીં, માત્ર પ્રિયજનને. વાતાનુકૂલિત રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે પ્રિયજનના હાથમાં એક પ્રેમપત્ર સરકાવી જોજો. શું રિઝલ્ટ આવે છે અમને જણાવજો. અમે મોગરાનું અત્તર છાંટી રાહ જોઈશું.

-હિતેન આનંદપરા

**************************************

મનીષા જોષીના કાવ્ય આપણે, પિતા-પુત્રી  નો  જયશ્રી વિનુ મરચંટ દ્વારા આસ્વાદ

 મેં વારસામાં મેળવી છે,

આ ઉદાસી,

તમારી પાસેથી.

ભરપૂર જીવાતા જીવન વચ્ચે

અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,

જાણીતી છે મને, જન્મથી.

જન્મ આપનાર અને જન્મ લેનાર,

આપણે, પિતા-પુત્રી,

પોતપોતાના એકાંતમાં અકારણ પેદા થતા અજંપાને

અવગણીએ છીએ, એમ,

જાણે ઊંઘમાં,

મોંમાંથી બહાર આવી જતી લાળ.

લૂછી નાખતા હોઇએ.

ઘણી વખત

એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતા આપણે,

જાણીએ છીએ,

આ અજંપો, ઘર કરી ગયો છે શરીરમાં.

તમે ઘણી વાર જોઇ રહેતા,

એક જૂના ફોટામાં

દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.

હું ઘણી વાર જોઇ રહેતી,

ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા

નાનીમાના હાથ.

પછી એકવાર તમે કહ્યું હતું, ઇશ્વર નથી.

ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,

એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,

લોહી કરતા પણ સાચો,

આપણો સંબંધ છે,

ઉદાસીનો.

મનીષા જોષી

આસ્વાદજયશ્રી વિનુ મરચંટ 

કહેવાય છે કે પિતા અને દિકરી વચ્ચે એક અનોખો વ્હાલનો નાતો હોય છે. આ સંબંધનું ઉદગમ માત્ર લોહીના સગપણનું જ નથી હોતું. એ સાચું છે કે માતા-પિતા તરફથી વારસામાં જે મળે છે એના પર આપણું નિયંત્રણ નથી હોતું. કવયિત્રી કોઈ પણ છોછ વિના, કવિતાનો ઉઘાડ કરતાં, આગળ-પાછળની કોઈ પણ પળોજણમાં પડ્યા વિના, સીધી જ વાત માંડે છે કે, એને એના જન્મદાતા પાસેથી ઉદાસી વારસામાં મળી છે. પિતા-પુત્રીના હોવાપણાને, એક સાદા વિધાનના સ્ટેમ્પપેપર પર પારિત કરી નાખે છે.  સંબંધના સમીકરણને સાબિત કરવાના તર્કમાં અટવાયા વિના જ, કવયિત્રી સમીકરણના અર્કને ઘોષિત કરી દે છે. વ્હાલના ઉછળતા દરિયા જેવી દિકરી પિતાને કહે છે કે એના અંતરમનમાં ઘર કરી ગયેલી ઉદાસી એને એના પિતા તરફથી વારસામાં મળી છે, પણ, આ “Bold”- સાહસિક કથન કરતી દિકરી પિતા પર તહોમતનામું નથી મૂકતી, પણ, આ સહજતાથી ઉદાસીને “ફેસ્ટીવીટીસ”-ઉત્સવ- બનાવીને મ્હાલતી હોય એવું વાંચનારને પ્રતીત થાય છે. ઉદાસીનો અજંપો તો રોમરોમમાં ઘર કરી ગયો છે. પિતા-પુત્રી એમના એકાંતમાં પાંગરતા આ અજંપાને ગમે તેટલું સંતાડવાની કે એની અવહેલના કરવાની કોશિશ કરે, તોયે આ એકલતા અને એમાંથી છલકાતી ઉદાસી અન્ય કોઈ પણ જોઈ શકે કે નહીં, પણ પિતા-પુત્રી તો જિગરની આરપાર જોઈ લેશે, બસ, માત્ર નજર મળવાની વાર છે, અને આ જ સાચું લોહીનું સગપણ છે. આ ઉદાસીના અજંપાની અવગણના કરવાની પ્રક્રિયાનું આલેખન કરતાં કવયિત્રી “Raw”- સદંતર પ્રાકૃતિક રૂપક, “જાણે ઊંઘમાં, મોંમાંથી બહાર આવી જતી લાળ લૂછી નાખતા હોઇએ” યોજે છે જેની નૈસર્ગિકતા એને જિંદગીના શ્વાસો જેટલું સહજ બનાવી દે છે.

પણ, આખી કવિતાનો ઉપાડ, પ હેલી નજરે સાવ સાધારણ લાગતી, પણ આ “Brilliant” – તેજસ્વી પંક્તિઓમાં મનીષાબેન કરે છે.

“તમે ઘણી વાર જોઇ રહેતા, એક જૂના ફોટામાં દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.

  હું ઘણી વાર જોઇ રહેતી, ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા નાનીમાના હાથ”

એક ચમત્કાર, કવયિત્રી આ પંક્તિઓમાં કરે છે કે, “બોસ, તમારી આ ઉદાસીનું મૂળ મને પણ ખબર છે! એ તમને દાદીમા પાસેથી મળી છે, જે હું સમજી શકી છું. એટલું જ નહીં, એના મૂળમાં તો માતૃપક્ષ પણ હોઈ શકે. મને અપૂર્વ શ્રધ્ધાથી, ભગવાનની મૂર્તિ ઘસીને સાફ કરતાં નાનીમાના બેઉ હાથની સુષુપ્ત ઉદાસી આજે પણ યાદ છે!” આ સાથે, કવિ માતાપિતાની પેઢીઓ સાથે, આ અજંપાભરી ઉદાસીની નાળ સાથેની પોતાની આગવી ઓળખ સિફતથી સ્વીકારી લે છે, નીચેની આ કાવ્યપંક્તિઓમાંઃ

“ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી, એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,

 લોહી કરતા પણ સાચો, આપણો સંબંધ છે, ઉદાસીનો.”

આખી કવિતા અહીં એક અદભૂત ઓપ પામે છે, એટલું જ નહીં, વાચકને પણ પોતાના માતાપિતા પાસેથી જે સ્વાભાવિક ડીએનએ મળ્યા છે, એ સ્વીકાર કરવા માટે નૂતન દ્રષ્ટિ પણ આપે છે. અંત પહેલાં, પિતાનું એક કથન “પછી એકવાર તમે કહ્યું હતું, ઇશ્વર નથી”, કવિ ખૂબીથી ટાંકે છે, જે આમ તો સાવ સ્વાભાવિક લાગે, પણ, એમાં બહુ મોટી વાત કહી જાય છે. અહીં ઈશ્વર સુધી પહોંચવા માટે બીજું કઈં જ વિશેષ નથી જોઈતું. ઈશ્વર જેવું બાહ્ય સ્વરૂપે કઈં જ નથી, પણ, એ પરમ તત્વ તો આપણામાં જન્મ સાથે વણાઈ ગયું છે, આપણો “નાળ”નો સંબંધ પણ ત્યાંથી જ ઉદભવ્યો છે. અહીં “ગાલિબ” યાદ આવે છે-

“જબ કુછ ન થા તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!

  ડૂબોયા મુઝકો હોનીને, ‘ગર મૈં ન હોતા, તો ક્યા હોતા?”

ક્લોઝ અપઃ

રેઈનર મરિયા રિલ્કેની “ઓટમ ડે” કવિતાની છેલ્લી પાંચ પંક્તિઓનો સંપુટનો ભાવાનુવાદ આખી કવિતાના ભાવને અનુરૂપ રહીને કર્યો છે.

 “હજી સુધી જેની પાસે ઘર નથી, એ હવે કદી બાંધી શકવાના નથી,

 જે હજી સુધી એકાંતવાસી અને એકલા છે, એ છેવટ સુધી,

એકલા જ રહેશે, જાગશે, વાંચશે, અને લાંબા લાંબા પત્રો લખશે, (કદાચ પોતાને જ)

 અને, આ એકાંતની ઉદાસ ગલીઓમાં ઉપર નીચે, નીચે ઉપર સતત કર્યા જ કરશે, છેવટ સુધી,

 આમ જ અજંપાના ઉદાસ કોશેટામાં, જ્યાં સુધી જીવનનું છેલ્લું પર્ણ છૂટું ન પડે!”,

“Autumn Day” – Last Stanza –

“Who has no house now – he will never build.
Whoever is alone now, long will so remain;
will stay awake, and read, and write long letters
and wander these alleys up and down,
restless, as the leaves are drifting.”

                                             Rainer Maria Rilke

 

3 thoughts on “કાવ્યધારા-૩

 1. this poetry and its AASWAD is unique liked very much:”આસ્વાદ” by “હિતેન આનંદપરા ” and “જયશ્રી વિનુ મરચંટ”
  ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
  એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,
  લોહી કરતા પણ સાચો,
  આપણો સંબંધ છે,
  ઉદાસીનો.
  “કવિ ખૂબીથી ટાંકે છે, જે આમ તો સાવ સ્વાભાવિક લાગે, પણ, એમાં બહુ મોટી વાત કહી જાય છે. અહીં ઈશ્વર સુધી પહોંચવા માટે બીજું કઈં જ વિશેષ નથી જોઈતું. ઈશ્વર જેવું બાહ્ય સ્વરૂપે કઈં જ નથી, પણ, એ પરમ તત્વ તો આપણામાં જન્મ સાથે વણાઈ ગયું છે, આપણો “નાળ”નો સંબંધ પણ ત્યાંથી જ ઉદભવ્યો છે. “

  Like

 2. કાવ્યો તો કાવ્યો છે,શ્રેષ્ઠ છે જેમાં પત્રો લખ્યા છે જેણે તે પ્રત્યેક્ની ભાવનાની અભિવ્યક્તિ છે, પિતા-પુત્રીના
  નાળ સંબંધની સુક્ષ્મતા અનુભવાય છે ને બન્ને કાવ્યોના આસ્વાદે તો ચોપાસ સ્મૃતિ વિખેરી મૂકી છે.
  ગમ્યા કાવ્યો ને રસદર્શન……

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s