જીપ્સીની ડાયરી-૨૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


1967-ગ્રહોનું પરિભ્રમણ

ગ્રહો તો પોતાની ગતિથી પરિક્રમા કરતા રહે છે. તેમને ક્યાં ખ્યાલ હોય છે કે તેમની કળા, કક્ષા, ભ્રમણ અને તેમની અસરની એક એક પળનો અહેસાસ માનવી જીવોને થતો રહે છે? તેઓ તો મજામાં પોતાનું પરિભ્રમણ કરતા રહે છે. નીચે, આ પૃથ્વી પર રહેનારા માનવો પર શી વીતે છે તે જોવાનું તેમનું કામ નથી. વૈજ્ઞાનિકો કદાચ ગ્રહોના પ્રભાવની વાત નહીં માને. અંગ્રેજીમાં એક જૂની કહેવત છે, જ્યારે મુસીબત આવે છે ત્યારે તે એકલ-દોકલ નથી આવતી; આવે છે ત્યારે પૂરી બટાલિયનની સંખ્યામાં અને એટલા જ ઝનૂનથી આવતી હોય છે. સંસ્કૃતમાં કહેવત છે: छिद्रेष्वनर्था बहुली भवन्ति મારી બાબતમાં ગ્રહોનો કોપ કહો કે ઉપરની કહેવતોનો સાર, જે થયું તેમાં આ બધી વાતોનો સમન્વય આવી ગયો હતો.

બીજા વિશ્વયુદ્ધમાં જે અફસરો ઇમર્જન્સી કમિશનમાં સિલેક્ટ કરવામાં આવ્યા હતા, તેમને કાયમી કમિશન આપવા માટે બે વાતો ખાસ જોવામાં આવતી હતી. એક તો યુદ્ધમાં તેમણે બજાવેલી કામગીરી, અને તેમના વાર્ષિક રિપોર્ટ. અંગ્રેજોના યુગમાં અમુક રેજિમેન્ટસ તથા સર્વિસના કમાન્ડંગિ અફસરોના પદ પર કેવળ અંગ્રેજ અફસરોની નિયુક્તિ થતી. આવી રેજિમેન્ટ અને સર્વિસીઝને `રોયલ’ ખિતાબ આપવામાં આવતો, અને યુનિફોર્મમાં જે લૅન્યાર્ડ પહેરવાનું હોય છે, તે જમણા ખભા પર પહેરવામાં આવતું. રિસાલા (કૅવેલ્રી = આર્મર્ડ કોર), મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી, રાજપૂતાના રાઇફલ્સ, ગોરખા, શીખ અને ગઢવાલ રાઇફલ્સ તથા કોર ઓફ એન્જિનિયર્સ અને આર્મી સર્વિસ કોર (જેમાં મારી નિયુક્તિ થઈ હતી)માં આ વાત પર ખાસ ધ્યાન અપાતું. તેમાં ઉચ્ચ પારંપરિક પશ્ચાદ્ભૂ, ઓફિસર-લાઇક ક્વોલિટી અને અરીસા જેવું સ્વચ્છ ચારિત્ર્ય હોય તેમને આવી બટાલિયનનો કમાન્ડ અપાતો. આથી તેમણે આપેલા રિપોર્ટ પર પૂરો અમલ કરવામાં આવતો.

સૌથી પહેલી વાત બની હોય તો મારા પરમેનન્ટ કમિશનના સિલેક્શનની બાબતમાં. કર્નલ રેજી ગોને મારી યુદ્ધની કામગીરી માટે આપેલ રિપોર્ટ તો સારો જ હતો. એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટમાં ચૌધરી સાહેબે જે લખ્યું હતું તે અને તેમણે કરેલી (કે ન કરેલી) શિફારસને કારણે મને ભારતીય સૈન્યમાં પરમેનન્ટ રેગ્યુલર કમિશન ન મળ્યું. જોકે મારે જે બોર્ડમાં જવાનું હતું ત્યાં પહોંચતાં જે જોયું અને જાણ્યું તેનાથી મને દુ:ખ થયું. સિલેક્શન માટે કાશ્મીરથી આવેલા અફસરો સિલેક્શન બોર્ડના અધિકારીઓ માટે સફરજન અને ચેરીના કરંડિયાની સાથે શિફારસના પત્ર લઈ આવ્યા હતા. કેટલાક લોકો સીલ કરેલાં પરબીડિયાં ત્યાંની કૅન્ટીનના મૅનેજરને આપી રહ્યા હતા. આવા સિલેક્શન માટે કરવી જોઈતી કોઈ ચીજ કરવા વિશે મને જાણ નહોતી, અને હોત તો તે માટે મારો અંતરાત્મા તૈયાર નહોતો. પૂર્ણ વર્તૂળ – full circleની વાત કરીએ તો સેનામાં અફસર તરીકે સિલેક્ટ થવા માટે એસએસબીમાં ગયો હતો અને તેમાંથી નીકળવા માટે પણ એસએસબીમાં જ ગયો! બે મહિના બાદ મને આર્મી હેડક્વાર્ટર્સમાંથી પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે 15મી જુલાઈ 1968ના રોજ મને છૂટો કરવામાં આવશે.

એક કે બે મહિના બાદ અમારી ડિવિઝનને પંજાબમાંથી અંબાલા કૅન્ટોનમેન્ટમાં જવાનો હુકમ મળ્યો. અંબાલામાં અમને જનરલ કૌલે જવાનો પાસેથી બંધાવેલા ઓપરેશન અમરમાં બંગલો મળ્યો.

બા હમીરાથી અમદાવાદ અને મુંબઈ ગયાને છ-સાત મહિના થઈ ગયા હતા. તેમના પત્રો અવારનવાર આવતા રહેતા હતા. અમને તો ખાસ `મને લઈ જા’ના પત્રની રાહ હતી. અંબાલામાં રહેવાની સરખી વ્યવસ્થા થઈ એટલે અમે તેમને પત્ર લખ્યો કે તેઓ મુંબઈથી પાછા અમદાવાદ પહોંચે કે તરત અમને જણાવે જેથી અમે તેમને લેવા જઈ શકીએ. એક દિવસ તેમનો પત્ર આવ્યો: પ્રિય ભાઈ, તું વહેલી તકે આવીને મને લઈ જા.

તેવામાં મારો આર્મર્ડ ડિવિઝનનો ટેન્યોર પૂરો થયો. સેનામાંથી મારી રિલીઝની તારીખ પણ આવી ગઈ હતી. એક વર્ષ બાદ હું સેનામાંથી છૂટો થવાનો હતો. મારા કર્નલે મને પૂછ્યું કે મને છેલ્લું પોસ્ટંગિ ક્યાં જોઈએ, તે પ્રમાણે તેઓ આર્મી હેડકવાર્ટર્સમાં ભલામણ કરી શકે. કૌટુંબિક પ્રશ્નોમાં હું એટલો ગૂંચવાઈ ગયો હતો કે ગુજરાતમાં અમારા યુનિટ્સ હતા તેનો વિચાર ન કરી શક્યો અને મેં જમ્મુ માગ્યું. મને જમ્મુમાં એક નવું ટેંક ટ્રાન્સ્પોર્ટર યુનિટ ઊભું કરવા માટે પોસ્ટંગિ ઓર્ડર મળ્યો. બાનો પત્ર આવતાં અને જમ્મુ જતાં પહેલાં તેમને લેવા અમે અમદાવાદ ગયાં.

સેનામાં જઈ દેશસેવા કરવાની મારી ઇચ્છા પૂરી થઈ હતી. જે અનુભવો અમને સૌને આવ્યા હતા તેમાં ઘણા સુખદ તો કેટલાક વ્યથા ઉપજાવે તેવા હતા. સેનામાંથી હું છૂટો થવાનો હતો તેથી આગળ શું કરવું તેનો અમે ઊંડાણથી વિચાર કર્યાે. અનુરાધાની વાસ્તવિક વિચારણાનો સાર એ હતો કે સૈન્યમાં સેવા પૂરી થયા બાદ જીવન વીમા નિગમમાં મને મારા મૂળ પદ પર પાછા ફરવાનો હક્ક હતો, તેથી સેનામાંથી છૂટા થયા બાદ મારે જૂની નોકરીએ જવું. વીમા નિગમમાં હું આસિસ્ટન્ટના પદ પર હતો. સેનામાં કૅપ્ટનના હોદ્દા પર પહોંચીને એક વર્ષ માટે હું એક સ્વતંત્ર યુનિટનો કમાન્ડર થવા જઈ રહ્યો હતો. ત્યાંથી એક આસિસ્ટન્ટના પદ પર જવું અમારા માટે અવનતિ અને અપમાન વહોરી લેવા જેવું હતું. તેમ છતાં અનુરાધા આના માટે તૈયાર હતી.

`બીજું કંઈ નહીં, આખરે આપણે સહુ શાંતિથી ભેગાં તો રહી શકીશું. બા આપણી સાથે રહેશે અને હવે દર બે-ત્રણ વર્ષે ઘરવખરી ઉપાડીને વણજારાઓની જેમ રખડવું નહીં પડે! વળી અમદાવાદ આપણું ઘર છે. અહીં આપણાં સગાં-સંબંધીઓ છે. ખાસ તો તમારા મિત્રો અહીં છે. અહીં આપણે આનંદથી રહી શકીશું.’

અનુરાધાની વાત પર મેં ઘણો વિચાર કર્યાે. તે વખતે બધી રાષ્ટ્રીયકૃત બેંક્સ, ઇંડિયન એરલાઈન્સ તથા ઇન્ડિયન ઓઇલ વગેરે જેવી સંસ્થાઓએ ભારતીય સેનામાં ઇમર્જન્સી કમિશન્ડ ઓફિસર તરીકે ગયેલા અને `રિલીઝ’ થયેલા તેમના કર્મચારીઓને ઓફિસરની કક્ષામાં બઢતી આપી હતી. ફક્ત જીવન વીમા નિગમે ત્યાં સુધી આ નીતિ અપનાવી નહોતી. જીવન વીમા નિગમના તે સમયના ચૅરમૅન શ્રી ટી.એ. પૈ પ્રગતિશીલ નેતા હતા. તેઓ આ નીતિ અપનાવશે એવી મને આશા હતી. હું થોડી વિમાસણમાં પડી ગયો, તેમ છતાં હું મારી જૂની ઓફિસે પહોંચી ગયો. ત્યાં મારા મિત્ર સાથે આ બાબતમાં વાત કરી રહ્યો હતો ત્યાં નિગમમાં કામ કરતા અમારી જ્ઞાતિના, મારી ઉમરના એક યુવાન આવ્યા.

`કેમ છો કૅપ્ટનસાહેબ? પાછા આવી ગયા છો? ચાલો, હવે બેસી જાવ તમારી જૂની આસિસ્ટન્ટની ખુરશી પર! હવે તો હવાલદાર-જમાદારના સલામ અને તમારા બૂટ-પાલિશ કરી આપનારા ઓર્ડરલીઓને ભૂલી જવા પડશે. બોલો, ક્યારે પાછા આવો છો?’ કહી મલકાતા મુખે તેઓ ત્યાંથી જતા રહ્યા..

આ સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો.

આ ભાઈએ ઇમર્જન્સી કમિશન માટે અરજી કરી હતી અને પ્રિલિમનરી ઈન્ટરવ્યૂમાં જ નાપાસ થયા હતા, તે મને પાછળથી જાણવા મળ્યું.

સેનામાંથી છૂટા થવાના સમાચાર અમારા પરિવારમાં સુધ્ધાં પહોંચી ગયા હતા. મારા એક પિતરાઈએ મને કહ્યું, `આપણાં નજીકના એક સગા તો તાળી મારીને કહેતા હતા, કૅપ્ટનસાહેબ `ડી-મોબ’ (demobilize) થઈને પાછા આવે છે. મેલ કરવત, આખરે xx ના xx. કહી હસતા હતા!’

આ વાતો સાંભળી મને અત્યંત દુ:ખ થયું. પારકા લોકોની વાત જવા દઈએ, પણ આપણા પોતીકા આવી વાત કરે તેને શું કહેવું?

તે સમયે મને મારા પહેલા સિલેક્શન બોર્ડમાં જબલપુર સ્ટેશન પર મળેલા પંજાબી યુવાનની વાત મને યાદ આવી. આગળ વધવા જનાર વ્યક્તિને પરાવૃત્ત કરનારા ઘણા હોય છે, પણ પોતાનો ઉદ્દેશ પૂરો કરી પાછા આવનાર સૈનિકની આવી ઘૃણાસ્પદ અવહેલના કરનારા લોકો સમાજમાં અને પરિવારમાં હોઈ શકે છે તે મારી સમજ બહારની વાત હતી. હું આને બૌદ્ધિક કે ભાવનાત્મક સ્તર પર સ્વીકાર કરવા તૈયાર નહોતો. મારી સહનશીલતાની સીમા ધ્વંસ થઈ ચૂકી હતી. મને અનહદ નિરાશા ઊપજી. ઉપેક્ષા સહેવાય પણ અપમાન સહન કરવા મન તૈયાર નહોતું.

જીવનમાં કે વ્યાપારમાં નફો-નુકસાન તો થતાં જ હોય છે. કોઈકને થતું નુકસાન બીજી વ્યક્તિ માટે લાભકારક બની શકે છે. આવામાં એક win-win situation પણ હોય છે, જે ચાણાક્ષ વ્યક્તિ ઓળખી શકે છે. આનો વિચાર કરીને લીધેલાં પગલાંમાં કોઈને નુકસાન કે ખોટ પહોંચતી નથી. સૌને લાભ થતો હોય છે. યુદ્ધના સમયે જનરલ જે. એન. ચૌધરી અમારા ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. લડાઈ બાદ તેઓ રિટાયર થયા અને તેમના સ્થાને જનરલ કુમારમંગલમ્ આવ્યા. તેમને વિચાર આવ્યો કે ઇમર્જન્સી કમિશન્ડ ઓફિસર્સને અપાયેલ ટ્રેનિંગ અપૂરતી હતી અને ભરતી માટેની લાયકાતમાં થોડી છૂટ આપવામાં આવી હોવાથી ઘણા `સબ-સ્ટાન્ડર્ડ’ ઉમેદવારોને કમિશન મળી ગયું હતું. અમુક અંશે તેમની માન્યતા સાચી હતી. સેનામાં તે સમયે ઇમર્જન્સી કમિશન્ડ ઓફિસર્સ હોવા છતાં સેનામાં ત્રણથી ચાર હજાર અફસરોની કમી હતી. કુમારમંગલમ્ સાહેબે અમારા માટે ફરીથી સર્વિસીઝ સિલેક્શન બોર્ડની રચના કરી અને ચકાસણીના સ્તરમાં વધુ સખત નિયમો મૂક્યા. અહીં તેમને ખ્યાલ ન આવ્યો કે સિલેક્શન બોર્ડના સ્તર પર શિફારસ, ભેટ અને અન્ય વાતો થઈ શકતી હતી તેના પર તેઓ કાબૂ કરી શક્યા નહીં. બીજી તરફ 1965ની લડાઈ બાદ ભારત-પાકિસ્તાન તથા તિબેટની સીમા પર મૂકવામાં આવનાર બીએસએફ, ઇંડો-તિબેટન બોર્ડર પોલીસ તથા સીઆરપીમાં અફસરોની પૂરઝડપે ભરતી થઈ રહી હતી. તેમના માટે સેનામાંથી રિલીઝ થનારા ઇમર્જન્સી કમિશન્ડ ઓફિસર્સ જેવા યુદ્ધમાં પલોટાયેલા અને અનુભવી અફસરો મળ્યા હતા. આવા અફસરોને સરકારે સેનામાં ગાળેલાં વર્ષાેને સળંગ સેવા ગણી તેની સિનિયોરિટી આપીને લેવાનું નક્કી કર્યું. એક પ્રકારે અમારા માટે એક સશસ્ત્ર સેનામાંથી બીજી સેનામાં ટ્રાન્સ્ફર પર જવા જેવું હતું.

ભારત સરકારે બીએસએફના ડાયરેક્ટર જનરલ શ્રી કે. એફ. રુસ્તમજી અને ગુજરાતના પોલીસ વડા રહી ચૂકેલા સીઆરપીના ડાયરેક્ટર જનરલ વી. જી. કાનેટકરની આગેવાની હેઠળ જોઇન્ટ સિલેક્શન બોર્ડની રચના કરી. શ્રી રુસ્તમજી કાબેલ અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા અફસર હતા. તેઓ જાણતા હતા કે લશ્કરી અફસરના કૌશલ્યની ખરી પરીક્ષા યુદ્ધ હોય છે. સિલેક્શનની વિધિમાં ભારતીય સેનાએ સારા અફસરો ગુમાવ્યા હતાં તેમને બીએસએફ તથા સીઆરપીમાં સમાવી લેવાનું તેમણે અને શ્રી કાનેટકરે નક્કી કર્યું. અફસરોની પસંદગી માટે તેમણે બે મુખ્ય વાતો પર ધ્યાન આપ્યું: અફસરોની યુદ્ધકાળની કામગીરી અને તે વર્ષનો તેમનો ખાનગી રિપોર્ટ. તેમણે જોયું કે લડાઈના સંજોગોમાં આ અફસરોએ તેમના સૈનિકો તથા કમાન્ડરોનો પોતાની કામગીરી તથા નેતૃત્વનો જાતે દાખલો આપીને તેમનો વિશ્વાસ સંપાદન કર્યાે હતો કે નહીં. બીજી વાત: બોર્ડના સામે થનારા પ્રત્યક્ષ ઇન્ટરવ્યૂમાં આ અફસર પોતાની પ્રતિભાની કેવી છાપ પાડી શકે છે.

ભારત સરકારે ઇમર્જન્સી કમિશન્ડ અફસરોને અર્ધસૈનિક સેનામાં જવાની પસંદગી દર્શાવવા ઉપરાંત IAS/IPS જેવી કેન્દ્રીય સેવા, એર ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ વગેરેમાં પણ ઇમર્જન્સી કમિશન્ડ અફસરોને લેવાની ભલામણ કરી હતી અને તેના પર અમલ પણ થયો. કેન્દ્રીય સિવિલ સર્વિસ માટે નક્કી કરવામાં આવેલ વય મર્યાદા કરતાં મારી ઉંમર વધુ હતી તેથી હું તેના માટે અરજી કરી શક્યો નહીં. અંતે મેં સિવિલિયન બની જીવન વીમા નિગમમાં કનિષ્ઠ કક્ષામાં પાછા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ અહીં મારા વતનમાં, ઘરમાં અને જૂના કામના સ્થળે આપણા કહી શકાય તેવા કેટલાક લોકો તરફથી મળેલો આવકાર જોઈ હું નિરાશા પામ્યો.

બીજા દિવસે હું અમદાવાદમાં આવેલ બીએસએફના હેડકવાર્ટર્સમાં પહોંચી ગયો અને કંપની કમાન્ડરની જગ્યા માટે અરજી કરી. મને ખબર હતી કે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં મારે બાકીની જિંદગી ભારતની કઠિનતમ સીમાઓમાં ગાળવી પડશે. આવા વિસ્તારોની મોટા ભાગની જગ્યાઓમાં શાળાની વ્યવસ્થા નથી હોતી, તેથી ત્યાં બાળકો સાથે રહેવાનું શક્ય નથી થતું. બીએસએફમાં જવાથી અમારું જીવન અનિશ્વિતતાભર્યું થશે તેની વાત મેં અનુરાધાને ન કરી.

એક અઠવાડિયા બાદ અમે બધાં અંબાલા જવા નીકળી ગયાં.

2 thoughts on “જીપ્સીની ડાયરી-૨૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. આ અનુભવ કથાનો એક અનોખો વળાંક છે. સાહિત્ય કૃતિ તરીકે પણ મારામતે આ અત્યંત મૂલ્યવાન કૃતિ છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s