કાવ્યધારા-૪


 

ગોઝારી વાવમનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.

રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.

કવયિત્રી મનીષા જોષીની કવિતા ગોઝારી વાવનો આસ્વાદજયશ્રી વિનુ મરચંટ

દરેક કવિની એક Signature Style – આગવી શૈલી હોય છે પણ કોઈ એક એવી કવિતા હોય છે જે માત્ર કવિની આગવી શૈલી જ નહીં પણ, કવિની ઓળખ બની જાય છે. મનીષા જોષીની આ કવિતા પણ એમની એવી જ સશક્ત કૃતિ છે. આ કવિતામાં મનીષા જોષી એક એવો અનોખો કાવ્યનો વિષય અને મનોવિજ્ઞાનનાં અનેક પાસાંઓને અભિવ્યક્ત કરતી એવી રચના લઈને આવ્યા છે કે કદાચ ગત કે આવનારી પેઢીમાં કદીયે એની Replica – પ્રતિકૃતિ બની હોય કે બનશે.

        કવિતાનો ઉપાડ એક Assumption – સ્વીકૃત માન્યતા કે ગૃહીત સિદ્ધાંત સાથે થાય છે કે, વાચકને ખબર છે કે નાયિકા પ્રણયમાં નિષ્ફળ ગઈ છે અને એનો પ્રિયતમ એને નિર્દયતાથી છોડી ગયો છે. ઘવાયેલી પ્રેમિકાનું દર્દ આ પ્રારંભની પંક્તિઓમાં Subtlety થી – મર્મજ્ઞતાથી કરે છે, એકવાર જે પોતાનો હતો એ પ્રેમી આજે “એ માણસ” બની ગયો છે.

 “હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.”

પ્રેમિકાને એ વિચાર માત્રથી ઝીણી ટીસ – પીડાની પ્રબળ અનુભૂતિ થાય છે કે એને તજી જનારો, એનો પ્રેમી, એના પોતાના ઘરમાં સુખેથી જીવે છે! આમાં હતાશા છે પણ અસહાયતા નથી. તો શું થઈ ગયું કે નાયિકા એને કોઈ દેખીતી રીતે નુકસાન નથી પહોંચાડી શકતી, એના મનોવિશ્વમાં તો એ મરી ચૂક્યો છે. પણ એક Nascent Feelings – અવિકસિત સંવેદનામાં એ પ્રેમી આવિર્ભાવ પામે છે. એ જીવતા દગાખોર પ્રેમીને હજાર મોતે મારવાની, એક સપાટી પર ક્રૂર લાગે, પણ, અંદરથી તો લોહી નીંગળતી, વિભ્રમિત સ્થિતિમાં, નાયિકા, પોતાને ધોકો દઈ જનારાને કેવું મૃત્યુ આવે એની કલ્પના કરે છે. એટલું જ નહીં, પણ, એના ફરેબી પ્રેમીને મૃત્યુ આવે ત્યારે એ પોતે પણ ત્યાં કઈ રીતે હાજર હોય, એનું પણ એક Last Death Wish – મૃત્યુ પહેલાંની છેલ્લી ઈચ્છા હોય એવી રીતે વર્ણન કરે છે, હા, એ વાત અલગ છે કે આ છેલ્લી ઈચ્છા એના પ્રેમીનું મૃત્યુ ઈચ્છનારની છે! એક પ્રકારે તો પ્રેમીના મરણના વિવિધ પ્રકારોની કલ્પના વ્યક્ત કરીને, પ્રેમીને ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે, નાયિકાએ હાજર કર્યો છે.

ગુજરાતી સાહિત્યનું મોખરાનું નામ, વિદ્વાન શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ કરેલા આ જ કાવ્યના આસ્વાદનો કેટલોક અંશ, (કોઈ શૃંખલા વિના, અત્યંત આદરપૂર્વક, એમનો આભાર માનીને) અહીં ટાંકવાનો મોહ હું જતો નથી કરી શકતી. “આ રચના આમ તો અફલિત પ્રેમની છે,…..ઉપર ઉપરથી કેટલાકને એમ પણ લાગે કે આમાં કેટલો બધો પરપીડનનો (Agalomania) છે!…… કદાચ, આગળ વધીને કેટલાક એમ પણ કહી શકે કે કોણે કહ્યું કે નારીઓ સુકુમાર હોય છે!… પણ, આખરે તો રચનામાં રહેલી હિંસા કે એમાં રહેલા પરપીડનમાંથી ઊઠતો ઉત્કટ પ્રેમનો ધ્વનિ જ આ કાવ્યને કાવ્ય બનાવે છે….. અહીં હિંસા અને પ્રેમ એક જ સિક્કાની બે બાજુઓ જેમ રહ્યાં છે…. વક્રતા તો એવી છે કે પ્રેમીના મૃત્યુની જુદી જુદી કલ્પનાઓ કરે છે. આ સમજવા આપણે સાત્ર પાસે જવું પડશે. સાત્રે**(**વીસમી સદીનો, વિખ્યાત ફ્રેંન્ચ મનોવૈજ્ઞાનિક) કલ્પના કરતું વ્યક્તિત્વ અને વાસ્તવિક વ્યક્તિત્વ – એમ બે નો ભેદ કર્યો છે. સાત્ર સમજાવે છે કે કોઈક પોતાના શત્રુને કલ્પનામાં લાવે, એના પર શારિરીક અત્યાચાર ગુજારે એ દરમિયાન કલ્પનામાં તો શત્રુ નિષ્ક્રિય અને અક્રિય રહેશે, ઈચ્છા મુજબ. અવાસ્તવિક કાલ્પનિક વ્યક્તિ, વસ્તુ બનીને બધું સહન કરે છે, પણ જેવી વાસ્તવિકતા હાજર થાય છે કે આક્રમકતા જતી રહે છે…. લોહીમાંસનો સાચુકલો માણસ પ્રત્યક્ષ હાજર થાય છે ત્યારે, કલ્પના ભાંગી પડે છે…. અહીં નાયિકાનું કલ્પના કરતું વ્યક્તિત્વ, પ્રેમીને વસ્તુ બનાવીને, એના પર ઈચ્છે એટલું ગુજારે છેઃ”

 “રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.”

        અહીં પ્રેમીને પાંચ પ્રકારના કાલ્પનિક મૃત્યુદંડ આપતી સમયે, નાયિકા એવું પ્રતીત કરાવવાની કોશિશ કરે છે કે એના છળ આચરનારા પ્રેમીના મૃતદેહને જોઈને, એની સ્વાભિવિકતાથી આચરાતી ક્રિયાઓમાં કોઈ ફરક નહીં પડે, અને એ પણ એ હદ સુધી કે ગોઝારી વાવના તળિયે એની લાશ પડી હોય અને એનું પાણી પોતે એકદમ જ સ્વસ્થતાથી પી શકશે! અહીં એવું ફલિત થાય છે કે આવી કાલ્પનિક કે “આભાસી” હત્યાઓ દ્વારા, કોઈ પણ રીતે, નાયિકા “એક વસ્તુ” બની ગયેલા નિર્જીવ પ્રેમી પર  મનોમન વિજય પામવાની ઠાલી કોશિશ કરે છે. આ સમયે વાચક સૂક્ષ્મ રૂપે નાયિકા સાથે અનાયસે જોડાઈ જાય છે અને વાચકના મનમાં નાયિકા માટે છાની કરૂણા ઉદભવ પામે છે.

        અહીં રજુ કરેલી છેલ્લી ચાર પંક્તિઓમાં, આખી કવિતા, આકાશ સુધી વ્યાપ પામે છેઃ

“રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.”

        મનોજગતમાં, અનેક પ્રકારના કલ્પનોમાં, એક વસ્તુ બની ગયેલા પ્રેમીને જાતજાતની પીડા આપતાં મરણોની આભાસી વાસ્તવિકતા હવે નાયિકાની હસ્તીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. તો, હવે સાચેસાચ, યમરાજ પણ એના પ્રેમી નામના “વસ્તુ”ને નાયિકા પાસેથી છીનવી જવા સમર્થ નથી, એ વાંચતાં કોઈ પણ સહ્રદયી વાચકની આંખ ભીની ન થાય તો જ નવાઈ! કોઈ પણ રીતે નાયિકા પોતાને, એનાથી છીનાવાઈ ગયેલા પ્રેમી પર પોતાનો હક જમાવીને, પોતાને આશ્વસ્ત કરે છે, તે સમયની નાયિકાની મનોભાવના સમજતા, આંખો વરસી પડે છે. પાંચ પ્રકારના મૃત્યુની વાત વાંચતાં એમ લાગે કે વાત અહીં એક “ડીટેચમેન્ટ”ની કરી છે પણ સાચા અર્થમાં, છેલ્લી પંક્તિઓમાં વાત અવિભાજ્ય “એટેચમેન્ટ”ની જ છે સમગ્ર કવિતા અહીં ચરમ સીમા પર પહોંચે છે.

(વિદ્વાન શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ આ કવિતાનો આસ્વાદ કરાવ્યો હતો. એમના આસ્વાદમાંથી અમુક અંશ અહીં લીધા છે તે બદલ હ્રદયપૂર્વક એમની ઋણી છું.)

મનીષા જોષીએ કદાચ આ કાવ્ય પછી કઈં પણ ન લખ્યું હોત તો પણ એમનું નામ ગુજરાતી કવિતાને વિશ્વકવિતાના ફલક પર મૂકનાર એક “ટાઈમલેસ” કવિ તરીકે અમર રહેત.

*****************

રિક્ષા હાજર છે પ્રભુ!

ઓ ભગવાન, તમે પણ મારી રિક્ષામાં બેસો ને!

રોજ રોજ જે જાતભાતનાં

પેસેન્જર સૌ આવે,

કોઈ હોય ખાલી હાથે,

કોઈ સામાન ચડાવે,

સમાવેશ છે સૌને, કોઈ કહેશે નહીં: ખસો ને!’

તો ભગવાન ચલો ને, મારી રિક્ષામાં બેસો ને!

એક ઊતરે, બીજા બેસે,

દરમિયાનમાં ખાલી,

ક્યાં સુધી આ વગાડવાની

એક જ હાથે તાલી?

તમે સતત હો સાથે તો કહેવાયઃ જરાક હસો ને!

એઈ ભગવાન, ખરેખર, મારી રિક્ષામાં, બેસો ને!

કોઈ વખત અટકે રિક્ષા

તો એક જ તસ્દી લેજો,

બંદા મારે હેન્ડલ ત્યારે

અંદર બેસી રહેજો!

ભગત બનાવે કડક “પેશિયલ”, અર્ધી તમે પીશો ને?

ક્હો, ભગવાન, હવેથી મારી રિક્ષામાં ફરશો ને?

–      ભરત પાઠક

કવિશ્રી ભરત પાઠકની કવિતા રિક્ષા હાજર છે પ્રભુ!” નો આસ્વાદ હિતેન આનંદપરા

પુષ્પક વિમાનમાં ફરવાના આદિ ભગવાનને માટે આમ તો રિક્ષા અત્યંત નાનું વાહન ગણાય, પણ કોઈ વ્યક્તિ જ્યારે ભગવાનને અત્યંત ભાવસભર આમંત્રણ આપે ત્યારે એણે સ્વીકારવું જ પડે.

       ભક્તોની એક બલિહારી છે. ભગવાનને કંઈ પણ કહી શકે. એક આત્મીય સંબંધ ભગવાન સાથે બંધાય જેમાં હક પણ હોય ને હઠ પણ હોય. ભક્તમાં જ્યારે ગોપીભાવ પ્રવેશે છે ત્યારે એ ઈશ્વરની નજીક આપોઆપ સરકે છે.

       ઈશ્વરને કોઈ પણ ભજી શકે. લારીવાળા હોય કે ફરારીવાળા,  રંક હોય કે રાજા, ફેશન ડિઝાઈનર હોય કે ફકીર, કલાકાર હોય કે કારીગર. ઉપરવાળા માટે બધા સરખા. હા, પણ નીચેવાળા માટે બધા સરખા નથી હોતા. કેટલાયે મંદિરોમાં વીઆઈપી દર્શનની પ્રથા હોય છે, જેમાં દોકડા લઈને દર્શનાર્થીને પ્રમોટ કરવામાં આવે. હળવી શૈલીમાં કહીએ તો દુકાનમાં સુદર્શન ઘનવટી વેચાય છે એમ મંદિરમાં દર્શન પણ વેચાઈ શકે.

       સમર્પિત ભાવથી થયેલું આહ્વાન ઝીલવા ભગવાન જરૂર આવે. એને ધનમાં કે સાધનમાં રસ નથી. એને ભક્તિમાં રસ છે. ભક્તોની માગણી નહીં, ભક્તોની લાગણીથી એ પ્રસન્ન થઈ શકે. હાથમાં ભિક્ષાપાત્ર લઈને એની પાસે સતત માગ્યા જ કરીએ, તો એય બિચારો કંટાળી જાય. એના માટે આપણે એક જ થોડા છીએ? આખી સૃષ્ટિ ચલાવવાની છે. કદાચ એટલે જ ભગવાને પુરુષાર્થ નામનું તત્વ રાખ્યું છે જેથી માણસ આપકમાઈ પર જીવતો રહે.

       કવિએ વાત રિક્ષાની કરી છે. શૅર-એ-રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષાવાળો ઊભો હોય અને સમજો કે એમાં પેસેન્જર તરીકે કૃષ્ણ, જિસસ અને મહાવીર ભેગા થઈ જાય તો કેવી મજા પડે! સાથે એક સવાલ ઊભો થાય. એમને લઈ ક્યાં જવા? જે સર્વત્ર છે એને કોઈ એક સરનામે લઈ જવાનું કામ કરવાનું જ નહીં, સમજવાનું પણ અઘરું છે.

       ખરી મજા ભગવાન સાથે શૅર કરવાની છે. આમ તો તમારું તમને ને શોભા અમને જેવી વાત છે, પણ ચાની લારીએ ઈશ્વર સાથે કટિંગ પીવાની થોડી ક્ષણો મળે તો આખો જનમ સુધરી જાય. આપણા લેખાજોખા તો એને ખબર જ હોય, પણ એને કોઈ દુઃખ નથીને એ પૂછવાનો મોકો આપણને મળે. દરેક વખતે એ જ આપણું ધ્યાન રાખે એવું જરૂરી નથી. આપણેય સમય આવ્યે વાટકી વ્યવહાર રાખી શકીએ. એ સર્વજ્ઞ છે એ બરાબર, પણ જ્યારે જ્યારે એણે મનુષ્ય તરીકે અવતારો લીધા છે ત્યારે પારાવાર દુઃખ વેઠ્યા છે. કાનમાં ભોંકાયેલા ખીલાનો ઘા રૂઝાયો કે નહીં, શૂળીએ ચડેલા દેહની પીડા શમી કે નહીં, પગમાં ભોંકાયેલું તીર નીકળ્યું કે નહીં એ પૂછીને સાંત્વન આપવાની તક મળે તો ધન્ય થઈ જવાય.

       ઈશ્વર તો પ્રતીક છે. એ તો જીવની અંદર જ છુપાયેલો છે. એ કંઈ ટિપિકલ ચિત્રો કે સિરિયલમાં દર્શાવેલા વસ્ત્રપરિધાન મુજબ આવે એ જરૂરી નથી. એ તો કોઈ બાળકની આંખમાં છલકાઈ શકે શકે. ખળખળ વહેતી નદીમાં પરખાઈ શકે. વહેતા વાદળોમાં વંચાઈ શકે. યુગોથી ઊભેલા ધ્યાનસ્થ શિખરોમાં વર્તાઈ શકે. મહાસાગરોના અતલ ઊંડાણોમાં સમાઈ શકે. એ અનંત છે.

       હવે ક્યારેક કટિંગ પીઓ તો બે કટિંગનો ઑર્ડર આપજો. જે ચાવાળો નાનકો છોટુ હોય, એને પણ પીવડાવજો. ભગવાનને ચા અને ચાહ બંને પહોંચી જશે.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s