જીપ્સીની ડાયરી-૨૫ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


1970- એક જુદી `રણ’ભૂમિ

બટાલિયન હેડકવાર્ટર્સમાં તથા ઇન્ટર્નલ સિક્યોરિટી માટે જુદાં જુદાં સ્થળે દોઢ વર્ષ રહ્યા બાદ મારી કંપનીની ગુજરાત-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર આવેલ રાઘાજીના નેસડા નામની જગ્યાએ નિયુક્તિ થઈ. અહીં ન કોઈ નેસડો હતો, ન રાઘાજીના વંશજ. માઈલોના માઈલો રેતીના ઢૂવા, વિશાળ ખારો પાટ, આકડા અને કેરડાંના જંગલો અને રેતીનાં તોફાન. અને તોફાન પણ કેવાં! ઘડિયાળની નિયમિતતાથી રોજ સવારે દસ વાગ્યે સુસવાટા કરતો પવન શરૂ થાય. ગરમી વધતી જાય અને વિશાળ કઢાઈમાં રેતી મૂકી તેમાં શિંગદાણા કે ચણા શેકવામાં આવે, તેમ આ રણમાં મારા જવાનો અને હું અમારી ચારે તરફ ઊડતી ગરમ રેતીમાં શેકાતા. અસહ્ય ગરમી અને તરસથી જીવ ત્રાહિમામ્ થાય. પાણીનું ટેંકર અઠવાડિયામાં એક વાર 50-60 કિલોમીટર દૂરથી પાણી લાવે. પાણી પણ એવું, ગમે તેટલું પીવા છતાં તરસ છિપાય નહીં. એક તો ગરમીને કારણે ચાના પાણી જેવું તે ગરમ હોય, અને ઉપરથી એટલું ખારું કે ન પૂછો વાત! 20-25 કિલોમીટરના વેગથી વાતા પવનમાં ઊડીને આવતી પાઉડર જેવી રેતી બારીબારણાંની તિરાડમાંથી પેસીને અમારા ભોજનમાં પણ સમાઈ જતી. કહેવાય છે કે જેલના કેદીઓના ખાવામાં કાંકરા આવતા. અમે કહેતા, કેદીઓ નસીબદાર હતા. તેઓ કાંકરા જોઈને કાઢી શકતા. અમારી રોટલી અને દાળમાં ભળી ગયેલા રેતીના રજકણોને કેવી રીતે દૂર કરીએ?

સાંજે બરાબર છ વાગ્યાના સુમારે પવનનું જોર ઓછું થાય. વાતાવરણ શીતળ થવા લાગે અને રાતે તારલાના ચંદરવા નીચે સૂઈએ તો જાણે પવનદેવ વીંજણો લઈ, મધુર અવાજે હાલરડું ગાઈ સુવડાવતા હોય તેવું લાગે. ધીમેથી વહેતા પવનમાં અદ્ભુત સંગીત વાગતું હોય તેવું લાગે. રાતે ધ્યાન ફક્ત બે વાતોનું રાખવું પડતું: ખાટલાની ચારે બાજુએ બે ફીટ પહોળી અને બે ફીટ ઊંડી snake trench ખોદવી પડે. નહીં તો વીંછી અને અત્યંત ઝેરીલા `બાંડી’ નામના સાપ તમારા ખાટલાની નીચે કે આસપાસ ફરવા લાગે અને કરડે તો આપણું આવી બને. બીજી વાત: `સ્નેક ટ્રેંચ’ ખોદી હોય તો પણ જમીન પર પગ મૂકતાં પહેલાં બૅટરીના પ્રકાશમાં જોવું પડે કે આપણો પગ ક્યાં પડે છે! કેટલીક વાર સાપ-વીંછી `સ્નેક ટ્રેંચ’માં ઊડીને આવી પડેલી રેતીના ઢગલાને પાર કરી આવતા.

સેનામાં હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની ઉત્તર આફ્રિકાની લડાઈ વિશે પુસ્તકો વાંચેલાં. એક પુસ્તકમાં લીબિયાના રણની ગરમીમાં રહેતા સૈનિકોના ફોટોગ્રાફ હતા. એક ફોટોમાં તેઓ બપોરની ગરમીમાં જીપની બોનેટ પર ઈંડું ફોડીને નાખતાં તે રંધાઈ જતું તે બતાવાયું હતું! રાઘાજીના નેસડામાં પણ એટલી ગરમી પડતી હતી. મેં આ પ્રયોગ કરી જોયો હતો અને વાંચેલી વાત સાચી નીકળી!

રણમાં સૌથી આગળના નાના બેટમાં પણ અમારી ચોકી હતી. રણમાં આવેલા નાનકડા બેટમાં વૃક્ષો તો ઠીક, પણ કેરડાનાં ઝાંખરાં પણ નથી હોતાં. અહીં જવાનોને જમીનમાં ભોંયરા જેવા બંકર બનાવી રહેવું પડે. અસહ્ય ગરમીમાં રહેવું તો મુશ્કેલ હોય છે જ, પણ આવા બેટમાં `સેંડ ફ્લાય’ નામનાં બારીક જીવડાં અને લાલ કીડીઓ થતી હોય છે. એક વાર આવાં જંતુ કરડે તો શરીરના તે ભાગમાં ભયંકર બળતરા ઊપડે તે આખો દિવસ પરેશાન કરે. તે વખતે ઓડોમોસ સિવાય બીજા કોઈ insect repellent મળતા નહોતા, તેથી આવી જીવાત કરડે તો તેની પીડા સહન કર્યા સિવાય છુટકારો નહોતો.

આવી કઠણ હાલતમાં રોજનું પેટ્રોલિંગ, હથિયાર સફાઈ, પી. ટી., મૅપ-રીડિંગ અને યુદ્ધ વિષયક `ડ્રિલ’ જેવાં કામ, રમતગમત અને વારતહેવારે સામૂહિક ભોજન બડા ખાનામાં ભાગ લઈ મારા જવાનો અને હું એક પરિવારના સદસ્ય જેવા બની ગયા. જોકે અફસરો અને જવાનો વચ્ચે familiarity કદી સંભવી ન શકે, તેથી પુસ્તકો હંમેશની જેમ મારા ઘનિષ્ઠ સાથી બન્યાં.

મહિનામાં એક વાર કર્નલ કે. કે. મારી કંપનીના ઇન્સ્પેક્શન માટે આવતા અને કંપનીમાં કોઈ ને કોઈ ક્ષતિ કાઢી અભદ્ર શબ્દો બોલીને જતા રહેતા. કોઈ વાર કંપની ક્વાર્ટરમાસ્ટર અમારી જરૂરિયાતો અંગે તપાસ કરવા આવી જતા.

બીએસએફમાં દરેક કંપનીને નિયત નંબરના સીમાસૂચક થાંભલા (boundary pillars)નો વિસ્તાર તેમની જવાબદારીના ક્ષેત્ર તરીકે સોંપવામાં આવે છે. આ વિસ્તારમાંથી કોઈ દાણચોર, જાસૂસ કે ઘુસણખોર આરપાર આવી કે જઈ ન શકે તે જોવાની જવાબદારી અમારી હોય છે. રણનો વિસ્તાર એટલો વિશાળ છે કે અમારે ઠેર ઠેર નાકાબંધી અને સતત પેટ્રોલિંગ કરવું પડતું હોય છે. રાઘાજીના નેસડાની હદ જ્યાં શરૂ થાય ત્યાં રાજસ્થાનની સીમા સમાપ્ત થાય છે, તેથી બન્ને વચ્ચેના સહિયારા બાઉન્ડરી પિલર પર રાજસ્થાન અને ગુજરાત બીએસએફની ટુકડીઓ સાથે રોન (પેટ્રોલિંગ) પર જાય. અમારી કંપનીની જવાબદારી હેઠળ આવતા ક્ષેત્રમાં જઈએ ત્યારે રાજસ્થાનમાં આવેલી બે ચોકીઓની liaison મુલાકાત લઈએ. પહેલી વાર ગુજરાતની સીમા પાર કરી મેં રાજસ્થાનમાં પ્રવેશ કર્યાે ત્યારે જ રાજસ્થાની સભ્યતાનો અનુભવ થયો. ગામના પોલીસપટેલ અને મુખી અમારી પાસે આવ્યા અને પૂછ્યું, `કઠીને પધાર્યા હો? જલપાન જીમકે જાણા, હુકમ!’ ક્યાંથી પધાર્યા છો? ચા-નાસ્તો જમીને જ જવાનું છે!

રાજસ્થાન-પાકિસ્તાન સીમા પર આવેલી બીએસએફની ચોકીઓના જવાન અતિથિ સત્કારમાં એટલા જ કુશળ. રસ્તામાં પડતી રાજસ્થાનની પહેલી પોસ્ટ પર અમે રોકાયા નહીં. `પાછા વળતાં રોકાઈશું’ કહી અમે બીજી ચોકી તરફ જવા નીકળ્યા. ત્યાંથી અમે નીકળીએ તે પહેલાં આ ચોકીના કમાન્ડરે આગલી ચોકીને ટેલિફોનથી ખબર કરી હતી કે અમે તેમની પાસે જઈ રહ્યા હતા. અમે પેટ્રોલિંગ પર જઈએ ત્યારે બપોરનું તૈયાર ભોજન અને ચાની સામગ્રી હંમેશાં સાથે લઈ જઈએ, પરંતુ આ ચોકીના ઘરડા ગોરખા કમાન્ડરે અમને અમારા ભોજનના ડબ્બા ખોલવા જ ન દીધા. તેમણે જંગલી સાંગરીનું શાક, દાળ અને બાજરાના રોટલા અમારા માટે તૈયાર કરાવી રાખ્યા હતા!

જમતાં જમતાં મેં હવાલદાર કિસન બહાદુર ગુરુંગ સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ તેમનું લગભગ રોજનું ભોજન હતું.

મહિનાની શરૂઆતમાં જ્યારે બાડમેરથી કંપની કમાન્ડર જવાનોને પગાર આપવા આવે ત્યારે એક કોથળો બટાટા અને ત્રણેક દિવસ ચાલે એટલાં તાજાં શાકભાજી લઈ આવતા. ત્યાર બાદ થોડા દિવસ બટાટાનું શાક અને પછી આવતા મહિનાનો પગાર અને સામગ્રી આવે ત્યાં સુધી સાંગરીનું શાક અને ઘઉં – બાજરાના મોટા-જાડા રોટલા કે ભાખરી. જૂના જમાનાની રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબ્યૂલરી (RAC)ની આ પ્રથા હતી. RACના જવાનોને બીએસએફમાં ભેળવી દેવાયા હતા તેથી આ પદ્ધતિ ચાલુ રહી હતી. રાજસ્થાનની આ ચોકી વેરાન વિસ્તારમાં હતી અને આસપાસ કોઈ ગામ નહોતું. જરૂરી સામાન લાવવા માટે સાંઢણીસવારને ભાખાસર મોકલવામાં આવતો. ચોકીની પાસે એક નાનકડી ઢાણી હતી. ઢાણી એટલે પંદર-વીસ કૂબાઓમાં વસતો એક જ જ્ઞાતિના લોકોનો કબીલો. અહીં તો દુકાન પણ ન મળે. પાણી પાંચ દસ કિલોમીટર દૂરથી લાવવું પડે. ઢાણીમાં રહેતી બહેનો રોજ વહેલી સવારે પાણી લાવવા નીકળી પડે અને તડકો થાય તે પહેલાં પાછા આવવાનો પ્રયત્ન કરે. જવાનો માટે સાંગરી, દાળ અને રોટલી તેમનું રોજનું ભોજન, રોજ સીમા પર ચોકી તથા પેટ્રોલિંગ કરવાનાં અને ગરમીમાં શેકાતા રહેવાનું. આવી વેરાન જગ્યાઓમાં છે આપણી ચોકીઓ, અને ત્યાં સેવા બજાવે છે ભારતના સૈનિકો!

થોડા દિવસ બાદ અમને સ્પેિશયલ પેટ્રોલિંગ માટે ફરીથી રાજસ્થાન જવાનું થયું. નીકળવાના એક દિવસ અગાઉ એક જવાનને પાલનપુર મોકલી પાંચ ડઝન સંતરાં અને તાજાં શાકભાજી મંગાવી લીધાં. રાજસ્થાનની ભાખાસર અને બ્રાહ્મણાં કી ઢાણીની ચોકીઓમાં આ વસ્તુઓ વહેંચી ત્યારે ખાસ તો કિસન બહાદુરની આંખમાંથી આંસુ આવી ગયાં. `ઈશ રણમેં શંતરાં? શાબજી, યો તો હમરો લઈ શપના છ, હુજૂર!! ઘણી મહેરબાની, ઘણી ખમ્મા, હુકમ!’ અર્ધી ગોરખાલી, અર્ધી મારવાડીમાં કિસન બહાદુર બોલ્યા. રાજસ્થાનમાં વાક્યના અંતે નમ્રતાસૂચક શબ્દ હુકમ છે, તેવો ગોરખાલીમાં શબ્દ છે, હુજૂર!

ત્યાર પછી અમે જ્યારે પણ ભાખાસર કે `બી. કે. ઢાણી’ જઈએ, આ શિરસ્તો ચાલુ રાખ્યો.

3 thoughts on “જીપ્સીની ડાયરી-૨૫ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. to day being 26th January–remembered you a lot and felt special love for our Military forces–knowing how much they endure and do sacrifice after reading all your real life experiences–and lastly about this desert post for our national securities.
    many thx and Happy republic day to you and family.

    Like

  2. આજ સુધી આર્મીની કેટલીય અજાણી વાતો આપણી સમક્ષ આવી રહી છે. ઠંડી અને ગરમીના અત્યંત છેડાના
    કહી શકાય એવા વાતાવરણમાં પોતાની ફરજ નિભાવતા જવાનો માટે માન તો હતું જ. આવી આકરી-કઠીન પરિસ્થિતિમાં પણ સ્વસ્થભાવે કાર્ય સંભાળવું કેટલું કપરું હોઈ શકે એ વિચારે એમને સલામ ભરવાનું મન થયું.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s