જીપ્સીની ડાયરી-૨૬ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


બેબી શકુંતલા

મારા એક પ્લૅટૂન કમાન્ડર મધુકર ડોરીક પેટ્રોલિંગ પર ગયા હતા ત્યારે રણમાં તેમને દસેક દિવસનું હરણનું નવજાત બચ્ચું મળ્યું. કોણ જાણે કેમ કરીને તે તેની મા પાસેથી છૂટું પડી ગયું હતું અને ખારા પાટની નજીક લગભગ બેભાન હાલતમાં પડ્યું હતું. મધુકરે દૂર સુધી હરણનાં ટોળાંને શોધવાનો પ્રયત્ન કર્યાે, પણ ક્યાંય પત્તો ખાધો નહીં. બચ્ચું લાવ્યા તો ખરા, પણ હવે શું કરવું?

અમારી ચોકીમાં તાજું દૂધ ન મળે. દર મહિને અમે જવાનોનો પગાર લેવા પાલનપુર જઈએ ત્યારે દૂધના પાઉડરનો જથ્થો લઈ આવતા. પણ આ હરણાનાં બચ્ચાને પાઉડરનું દૂધ ન સદે તો? અંતે અમારી કંપનીના પગીને કહી ચોકીની નજીક આવેલા ઝૂંપડામાં રહેતા આદિવાસી પાસે બકરી હતી, તેનું દૂધ વેચાતું લેવાનો વિચાર કર્યાે. મારા કંપની ક્વાર્ટરમાસ્ટરને ભાભર મોકલી બાળકો માટેની રબરના નિપલવાળી દૂધની બાટલી મંગાવી લીધી. બીજા દિવસથી બચ્ચાને બાટલીથી દૂધ પાઈ અમે તેને ઉછેરવાનું શરૂ કર્યું. એક મહિનામાં તો તે ઊંચા ઠેકડા મારવા લાગ્યું. શકુંતલાને પતિગૃહે જતી વેળાએ તેના પાળેલા હરણે તેનું ઉત્તરીય પકડીને રોકવાનો પ્રયત્ન કર્યાે હતો, તે પ્રસંગને યાદ રાખી મેં બચ્ચાનું નામ પાડ્યું: શકુંતલા!

બે મહિના બાદ શકુંતલાને અમે છૂટી મૂકી. અમારો કૅમ્પ છોડી તે ક્યાંય ગઈ નહીં. જવાનો તેને ખાવામાં ઊંટને આપીએ તેવો ચારો ખવડાવે. એક દિવસ તેના ખાવામાં શું આવ્યું, તે બેભાન થઈ પડી ગઈ. મેં તેને જીપમાં મુકાવી તાબડતોબ સૂઈગામ મોકલી. ત્યાંના વેટરિનરી આસિસ્ટન્ટે ખૂબ પ્રયત્ન કર્યાે, પણ તે બચી નહીં. જવાનો અને હું અત્યંત દુ:ખી થયા, પણ શું કરીએ? શકુંતલા થોડી મોટી થાય ત્યાં સુધી અમે તેને અમારી સાથે રાખી બાદ જંગલમાં છોડી દેવાના હતા. કદાચ મા વગરની હરિણીને પોતાના સ્વજનોથી દૂર રાખવાનું કુદરતને તે ગમ્યું નહીં હોય.

રણમાં વિતાવેલ વર્ષ ઘણી દૃષ્ટિએ યાદગાર રહ્યું. અહીં જોયાં અમે જંગલી ગધેડાં. કલાકના 40 કિલોમીટરની ગતિથી દોડતાં આ પ્રાણી બાવળનાં પાંદડા ખાઈને જીવે. પણ પાણી ક્યાંથી મેળવતાં હશે? શિયાળામાં અહીં હજારોની સંખ્યામાં `રાતાં બગલાં’ (ફ્લેમિંગોઝ) રણમાં આવી ચઢે છે અને ખારા પાટમાં આખા વર્ષની ગરમીમાં નજરે ન ચઢનારા નાનકડા કરચલા અને જિંગા એક જ વરસાદમાં લાખોની સંખ્યામાં જાદુઈ રીતે જીવિત થઈને તેમનું ખાદ્ય બનવા તૈયાર થાય છે! રશિયાના સૌંદર્યવાન કુંજ પક્ષી (ડેમોઝેલ ક્રેન) અહીં જ શા માટે આવે છે? `ગ્રેટ ઇંડિયન બસ્ટર્ડ’ તથા હરણાંઓના ઝુંડને રણમાં જેટલી સુરક્ષિતતા જણાય છે, એટલી અન્ય સ્થળે ભાગ્યે જ જણાતી હોય છે અને રાતના સમયે રણમાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-ચાર દીપક કેવી રીતે પ્રગટે છે? તેમને તેજ ગતિથી જમીનને સમાંતર ઝડપથી કોણ ઉડાવે છે?

અહીં ખુલાસો કરવો આવશ્યક છે. સૂઈગામ સેક્ટરમાં આવેલી અગ્રિમ ચોકીઓમાં ડ્યૂટી બજાવતી વખતે રોજ રાતે ખારાપાટના કળણયુક્ત વિસ્તારમાં અચાનક દીપજ્યોતિ જોવા મળતી હતી. કોઈ કોઈ વાર બે કે ત્રણ દીવડા જુદી જુદી દિશામાં એકાએક પ્રગટતા દેખાતા. આ જ્યોતિ સામાન્ય રીતે અમારા સ્થાનથી 400-500 ગજ દૂર ઉદ્ભવતી દેખાતી અને પૂર્વથી પશ્ચિમની દિશામાં જમીનને સમાંતર ઊડતી હોય તેવું દેખાતું. 15-20 સેકન્ડ સુધી જલતી જ્યોતિ જેવી રીતે પ્રગટતી, તેવી જ રીતે અલોપ થતી. વળી અદૃશ્ય થયા બાદ અર્ધા-પોણા કલાક બાદ આ જ્યોતિ સાવ જુદી જગ્યાએ પ્રગટ થતી, ફરીથી પૂર્વથી પશ્ચિમ તરફ જમીનને સમાંતર ઊડતી હોય તેવું જણાતું અને અદૃશ્ય થઈ જતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે રણમાં મૃત્યુ પામેલા પ્રાણીઓનાં હાડપિંજરમાંથી નીકળતા ફોસ્ફરસનો વાતાવરણમાંના ઓક્સિજન સાથે સંપર્ક થતાં આ જ્યોતિ દેખાય છે. જમીનથી એકસરખી ઊંચાઈ પર સમાંતર કેવી રીતે જાય છે તેનું કારણ વાંચવામાં આવ્યું નથી. લોકવાયકા એવી છે કે આ અલૌકિક શક્તિ છે. જલોયા ચોકીમાં મારું હેડક્વાર્ટર્સ હતું ત્યારે મેં પોતે તથા મારા સાથી જવાનોએ આવી જ્યોતિ મહિનાઓ સુધી રોજ રાત્રે જોઈ હતી.

રણની રાત્રીઓ ગહન અને દિવસ રોમાંચક હોય છે. દરેક દિવસ જુદા જ સ્વરૂપે પ્રકાશે છે એવી ભાવનાથી અમે અમારો રણમાં સમય વ્યતીત કર્યાે. મારા સૈનિકોની વાત કરું તો સૈન્યમાં પ્રવર્તતી કહેવત સાચી નીકળી: There are good officers and bad officers, but never a bad soldier. મારા જવાનો જગતના સર્વશ્રેષ્ઠ સૈનિકો હતા. બળબળતા રણમાં ઊંટ પર માઈલોના માઈલો પેટ્રોલિંગ ડ્યૂટી કરવામાં તેમણે કદી પાછી પાની ન કરી. રણમાં અમારા માટે આવતા ખારા પાણીમાં સ્નાન કરવાથી શરીર પર મીઠાનો આછો થર જામી જતો તેનો તેમણે હસતા મુખે સ્વીકાર કર્યાે. કેટલાક જવાનોનાં ગામ રાઘાજીના નેસડાથી કેવળ 50 કિલોમીટર દૂર રાજસ્થાનમાં હતા. રજાઓ પર પ્રતિબંધ આવ્યો ત્યારે તેમાંના કેટલાક નવપરિણીતો પોતાની પત્નીને મળવા જઈ શકતા નહોતા, પણ ડ્યૂટીમાં તેમણે કદી કંટાળો કે નારાજી ન દર્શાવી. તેમનો કંપની કમાન્ડર પણ તેમની સાથે જ એકલતા અનુભવી રહ્યો હતો જેનો તેમને અહેસાસ હતો. જોકે હું કેટલીક વાર humanitarian grounds પર આવા નવપરિણીતોને બે દિવસના `આઉટપાસ’ પર મોકલતો. રજા પર બંધી હતી, પણ આઉટપાસ વિશે સ્પષ્ટ આદેશ ન હતો, તેનો મેં લાભ લીધો. આવી રીતે ગયેલા બધા જવાનો સમયસર પાછા આવી જતા. એક વાર બાબુખાન નામના કાયમખાની (આપણા મોલેસલામ ગરાસિયા જેવા મુસ્લિમ રાજપૂત) જવાનને બસ ન મળી તેથી તે 20 કિલોમીટર ચાલીને ચોકીમાં આવ્યો. આવી હતી જવાનોની કર્તવ્યપરાયણતા! એક બીજાના દુ:ખમાં અને સુખમાં અમે સાથી હતા અને મારા જવાનોએ આ સંબંધ બરાબર નિભાવ્યો. મારી બટાલિયનમાં `ફોક્સટ્રોટ’ કંપની બધી વાતે ઉત્તમ હતી.

સેકન્ડ બટાલિયન બીએસએફમાં મને ત્રણ વર્ષ થયાં હતાં. ગમે ત્યારે મારી બદલીનો હુકમ આવવાનો હતો. હું પણ તૈયાર હતો.

1970નું વર્ષ પારિવારિક દૃષ્ટિએ આનંદપૂર્ણ હતું. જાન્યુઆરીની 21મી તારીખે અનુરાધાએ પુત્રને જન્મ આપ્યો! કાશ્મીરાનો જન્મ સિઝેરિયન સેક્શનથી થયો હતો. અમને પાછળથી ખબર પડી હતી કે કાશ્મીરાના જન્મ સમયે પહેલી વાર સિઝેરિયન સેક્શન કરનાર ઓર્થાેપેડિક સર્જન હતા. તેમને ઓબ્સ્ટેસ્ટ્રિક્સનો જરા પણ અનુભવ નહોતો. વળી અનુરાધાને ઇમર્જન્સી ઓપરેશન કરવાનું થયું હતું. તે દિવસે આ સર્જન રજા પર જઈ રહ્યા હતા અને ભૈયાસાહેબની ઓળખાણને કારણે તેઓ સ્ટેશન પરથી પાછા આવ્યા હતા. અમે બીજા બાળક માટે જોખમ ખેડવા તૈયાર નહોતાં. કાશ્મીરા બે વર્ષની થઈ અને બા વારે વારે કહેતાં હતાં કે અમને બીજું બાળક થવું જ જોઈએ, પછી ભલે તે દીકરી હોય. બાને અમે નિરાશ કરી શકીએ તેમ નહોતાં તેથી અમે બીજા બાળકનો પ્રયત્ન કર્યાે.

હું જીવન વીમા નિગમમાં હતો ત્યારે મારાં સાથી-મિત્ર પારસી બહેન ખોરશેદ હતાં. અત્યંત ભલાં અને ઉદાર હૃદયી ખોરશેદે મને ઘણી મદદ કરી હતી. બાની દૃષ્ટિ અત્યંત ક્ષીણ થઈ હતી ત્યારે મેં તેમને મુંબઈના કોઈ સારા નિષ્ણાતને બતાવવાનો વિચાર કર્યાે. ખોરશેદના એક સગા મુંબઈના સૌથી વધુ જાણીતા અને પ્રખ્યાત કન્સલ્ટન્ટ હતા. ખોરશેદના એક ટેલિફોનથી ડોક્ટરસાહેબે અમને તાત્કાલિક એપોઇન્ટમેન્ટ આપી. અમે મુંબઈ ગયા અને બાની આંખો તપાસ્યા બાદ ઓપ્થેલ્મોલોજિસ્ટે અમારી પાસેથી ફી પણ ન લીધી! અમદાવાદમાં લાલ દરવાજા પાસેના પ્રખ્યાત ગાયનૅકોલોજિસ્ટ ડો. ધન અંક્લેસરિયા તેમનાં બહેન હતાં. ખોરશેદના કહેવાથી તેમણે અનુરાધાને પેશન્ટ તરીકે સ્વીકારી. ડોક્ટર દંપતી ખરેખર અનુરાધાનાં જીવનદાતા નીવડ્યા!

અનુરાધાની પહેલી ડિલિવરીનું ઓપરેશન એટલી ઉતાવળમાં થયું હતું કે તેના ગર્ભાશયમાં સ્કાલપેલના ઊંડા ઘસારા પડી ગયા હતા, અને તે ભાગ અત્યંત ક્ષીણ થઈ ગયો હતો. આથી બીજું ગર્ભાધાન સુધ્ધાં માતા અને બાળક બન્ને માટે જોખમકારક હતું. આની અમને જાણ નહોતી. બીજા ઓપરેશન વખતે બાળકને બહાર કાઢતી વખતે ગર્ભાશય ત્રણ જગ્યાએ ફસકી ગયું. ઓપરેશનમાં એક કે બે દિવસનો વિલંબ થયો હોત તો તેના પરિણામનો વિચાર કરતાં પણ કાંપી ઊઠું છું. જે ઓપરેશનને સામાન્ય રીતે એકાદ કલાક લાગે તેના અહીં ત્રણ કલાક લાગ્યા અને ડો. અંક્લેસરિયાએ અનુરાધા અને નવજાત શિશુને બચાવી લીધાં. ઓપરેશનમાંથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું કે બીજા બાળકના જન્મ બાદ અમે હિસ્ટરેક્ટોમીનો નિર્ણય લીધો હતો તે યોગ્ય હતો, કારણ ત્રીજી ડિલિવરીમાં માતા અને બાળકમાંથી કોઈ બચી શકે તેમ નહોતું.

અમારા પુત્રનું નામ અમે રાજેન્દ્ર-આનંદ રાખ્યું. શ્રીરામ અમારા આરાધ્ય દેવ અને આનંદ મારા દાદાનું નામ. અમને ઉમેદ હતી કે નામ માત્રથી મર્યાદા-પુરુષોત્તમનો એકાદ ગુણ તેનામાં ઊતરે! ભગવાને અમને નાઉમેદ ન કર્યા તેના માટે રાજીવલોચનના સદા ઋણી રહ્યા છીએ.

અનુરાધાની ડિલિવરી બાદનો સમય અમારા માટે ફરી એક વાર મુશ્કેલીભર્યાે હતો. મને બે મહિનાની રજા મળી હતી પણ રહેવા માટે અમારી પાસે ઘર નહોતું. અમારું મકાન અમે એક ઓળખીતાને થોડા સમય માટે ભાડે આપ્યું હતું. તેમની પણ હાલત એવી હતી કે તેમને મકાન ખાલી કરવાનું કહી શકાય તેવું નહોતું.

મારી વિમાસણમાં મારા મિત્ર ભાસ્કર દેસાઈ અમારી વહારે આવ્યા. અનુરાધાના ઓપરેશન પહેલાં એક મહિનો અનુરાધા માટે તેમણે તેમના મકાનમાંનો એક ઓરડો કાઢી આપ્યો. એટલું જ નહીં પણ તેમણે અને તેમનાં પત્ની સુશીલાબહેને પોતાના મહેમાનની જેમ તેની ખાતર-બરદાસ્ત કરી. ઓપરેશન બાદ નજીકની સોસાયટીમાં તેમના મિત્રના બંધાઈ રહેલા બંગલામાં તેમણે અમારી રહેવાની વ્યવસ્થા કરી આપી. મિલિટરીના અફસર તથા પ્રિય મિત્ર તરીકે અમારા માટે ભાસ્કરભાઈ તથા સુશીલાબહેનને અત્યંત સ્નેહ હતો. તેમણે કોઈ રીતે અમને કશાની ખોટ સાલવા દીધી નહીં. અનુરાધાની ડિલિવરી બાદ અમે ભાસ્કરભાઈના મિત્રે આપેલા બંગલામાં રહેવા ગયાં હતાં, તેના બીજા કે ત્રીજા દિવસે મારો મિત્ર અજિતપાલ અમને મળવા આવ્યો. તેની સાથે એક જવાન હતો. `નરિંદર, તને અહીં માણસની જરૂર પડશે. તારો કર્નલ તારા ઓર્ડરલીને કદી નહીં મોકલે. આ જવાનને મેં બે મહિનાની રજા આપી છે. તને મદદ કરવા તારી સાથે રહેશે. આ વાત ખાનગી રાખજે, કારણ કે તેના હકની રજા હું તેને આપીશ જ. અત્યારનો સમય છે તેને `furlough’ ગણીશ. આમ તારું પણ કામ થઈ જશે, અને જવાનનો હક્ક પણ માર્યાે નહીં જાય.’

ભાસ્કરભાઈ અને સુશીલાબહેન જેવા ગુણી સજ્જન તો હવે રહ્યાં નથી, પણ તેમની યાદ આવે છે ત્યારે તેમની મહાનતા પ્રત્યે અમારું મસ્તક નમી જાય છે. અજિતપાલ હવે રિટાયર થઈને પંજાબમાં મોહાલીની નજીક રહે છે. જીવનના પથ પર સુસવાટા કરતા અતિ શીત કે ઉષ્ણ વાયરા હોય છે, પણ તેમાં છાયા અને આશ્રય આપનારા આવાં મહાન વૃક્ષોના સહારે જીવનનો ભાર ઝીલી શકાય છે. માનવતાનાં અમીસિંચનથી જીવનમાં માધુર્યની લહરી વહેતી રહે છે. અમારા હૃદયપૂર્વકના આભાર ભાસ્કરભાઈ અને સુશીલા બહેન; મહેરબાની, અજિતપાલ!

ત્રણ મહિનાને અંતે અમે બંગલો ખાલી કર્યાે અને મકાનમાલિકને ભાડું આપવા ગયો ત્યારે તેમણે પૈસા સ્વીકારવાનો ઇન્કાર કર્યાે! તેમણે કહ્યું, `જીવના જોખમે તમે દેશની રક્ષા કરો છો. અણીના વખતે તમને મદદ ન કરીએ તો અમે નગુણા કહેવાઈએ!’ ગૌરવ અને ઔદાર્યની પરંપરા આપણા ગુજરાતમાંથી કદી ઓછી થઈ નથી. મને શ્રદ્ધા છે કે તે કદી ઓછી નહીં થઈ શકે.

આ અરસામાં કે. કે. સાહેબના જીવનમાં વંટોળિયો આવ્યો. લગભગ 48-50ની વર્ષની વયે તેમનાં પત્નીએ ફરીથી અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેઓ વતન ચાલ્યાં ગયાં અને કૅાલેજમાં દાખલ થઈ ગયાં. ત્યાર પછી તેઓ કે.કે. સાહેબ સાથે તેમની બટાલિયનના બંગલામાં રહેવાં કદી ગયાં નહીં. કર્નલસાહેબ માટે લાંબો વનવાસ શરૂ થયો પણ તેનો તાપ અફસરોને ભોગવવો પડ્યો. અમારામાંથી કોઈ તેમના કોપમાંથી બચ્યું નહીં. કમનસીબે તે જ સમયે મારી બટાલિયન હેડકવાર્ટર્સમાં ક્વાર્ટરમાસ્ટરની ડ્યૂટી પર નિયુક્તિ થઈ. આનો અર્થ, હું કે. કે. સાહેબનો સ્ટાફ અફસર હતો. તેમના ગુસ્સાની `લાઇન ઓફ ફાયર’માં તેમના બે સ્ટાફ ઓફિસર – એડ્જુટન્ટ અને ક્વાર્ટરમાસ્ટર આવતા. આની પરાકાષ્ઠા મારે સહન કરવી પડી.

આવી હાલતમાં બટાલિયનમાં મને ત્રણ વર્ષ થઈ ગયાં. હવે ગમે ત્યારે મારી બદલીનો હુકમ આવે તેવું હતું. બસ, હું તેની જ રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સુધી કે. કે. સાહેબને સહન કરવા જ રહ્યા. તેમણે પણ અમને કનડગત કરવાનો કોઈ મોકો છોડ્યો નહીં!

1 thought on “જીપ્સીની ડાયરી-૨૬ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

 1. learnt about desert life and Jyoti–flemingo and other–shakuntal of 2 months how you all nurtured and left so early due to unknown food poison..
  “There are good officers and bad officers, but never a bad soldier. મારા જવાનો જગતના સર્વશ્રેષ્ઠ સૈનિકો હતા. ”
  appreciate your humanitarian attitude as Good officer : “જવાનોની કર્તવ્યપરાયણતા! એક બીજાના દુ:ખમાં અને સુખમાં અમે સાથી હતા અને મારા જવાનોએ આ સંબંધ બરાબર નિભાવ્યો. મારી બટાલિયનમાં `ફોક્સટ્રોટ’ કંપની બધી વાતે ઉત્તમ હતી.”
  congratulations for new arrival son “અમારા પુત્રનું નામ અમે રાજેન્દ્ર-આનંદ રાખ્યું.” and difficulty in delivery and how both saved..and there after again unseen help from friends: “ભાસ્કરભાઈ અને સુશીલાબહેન જેવા ગુણી સજ્જન તો હવે રહ્યાં નથી, પણ તેમની યાદ આવે છે ત્યારે તેમની મહાનતા પ્રત્યે અમારું મસ્તક નમી જાય છે. અજિતપાલ હવે રિટાયર થઈને પંજાબમાં મોહાલીની નજીક રહે છે. જીવનના પથ પર સુસવાટા કરતા અતિ શીત કે ઉષ્ણ વાયરા હોય છે, પણ તેમાં છાયા અને આશ્રય આપનારા આવાં મહાન વૃક્ષોના સહારે જીવનનો ભાર ઝીલી શકાય છે. માનવતાનાં અમીસિંચનથી જીવનમાં માધુર્યની લહરી વહેતી રહે છે. અમારા હૃદયપૂર્વકના આભાર ભાસ્કરભાઈ અને સુશીલા બહેન; મહેરબાની, અજિતપાલ!”
  …and to endure K.K. still for some time…
  awaiting good great time ahead…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s