બારી બહાર વાદળ ઘેરાવાના સંકેત, પણ રેખાની નજર સ્વચ્છ બનતી જતી હતી. બૅકયાર્ડમાં પિંક ફૂલોથી લચિત ડૉગવૂડ પર એણે નજર ઠેરવી. થડ એક જ પણ વિભિન્ન દિશામાં વિકસતી ડાળીઓ.
રૂટિનથી ટેવાઈ ગયેલા મને આજે મુદ્દો ઉઠાવ્યો હતો : ‘આમ ક્યાં સુધી ચાલશે, રેખા?’
સવારના સપનાની જેમ શરૂ થયેલું જીવન. મૅરેજ બળજબરીથી, ઇચ્છાવિરુદ્ધ નહોતાં થયાં. યૌવન, સમાજ, સમજણ-પરણીને પોતે અમેરિકા આવી ગઈ. પરિસ્થિતિને અનુકૂળ થવાનો યથાશક્તિ પ્રયાસ. બાળકોની પધરામણી, મિત્રો-સગાંઓએ મદદ માટે લંબાવેલા હાથ. સૌને માટે પોતે જીવી રહી. અહીંના મુક્ત વાતાવરણમાં સરી જતી જિંદગી સાથે પરિપક્વ થતી સમજણ અને સભાનતા…
‘મૉમ, બી રેડી ઑન ટાઇમ.’ પૌલમીની તાકીદ.
‘યસ બેટા.’ ટૂંકો જવાબ.
રેખા ઊઠીને સિંકમાં કૉફીના કપ ધોવા લાગી. પણ મનના વિચારોને ધોઈ ન શકી. અંદર ઊછરતી ગિલ્ટ… કોના પ્રત્યે? સંજોગો સાથેની સમજૂતી… ઇમ્પરફેક્ટ લાઇફ… સ્વાર્થ પ્રત્યે ઓરમાયું વર્તન રાખતાં જિવાયેલું સંયુક્ત જીવન, બહાર વર્ષાઋતુ, ભીતર પાનખરી બનતી વસંત. એક મોટું કારણ નહોતું… અનેક નાનકડાં કારણોને લીધે મિસફિટની પ્રતીતિની વિસ્તરતી ક્ષિતિજ. લાઇફનું કૉકટેલ ફ્રિક્શન અને કૉમ્પ્રોમાઇઝનું મિશ્રણ.
‘મૉમ, મેં જે પસંદ કરી છે એ સાડી પહેરજે.’ પૌલમી ફરી ટહુકી.
‘નો મૉમ, એ પહેરશે તો મારી સિસ્ જેવી બુઢ્ઢી લાગશે.’
રાખી સાંભળી રહી. એક વાર વર્તુળ રચ્યા બાદ એના કેન્દ્રમાંથી છટકવું સહેલું નથી. પણ પોતે રચેલું બ્રહ્માંડ પોતાની ધરી પર સ્થિર ફરી રહ્યું છે.
બપોરે લંચમાં ચીઝ સેન્ડવીચ અને સૂપ આરોગતાં મયંકે કૉમેન્ટ કરી : ‘ગૂડ ઍઝ યુઝવલ’.
રેખાને લાગ્યું સમથિંગ ઇઝ મિસિંગ. સ્વાદિષ્ટ રસોઈમાં મીઠું? ન કોઈ મૅજર અણબનાવ, ઝઘડો, ન બૉડીલી કે મેન્ટલ ટૉર્ચર… છતાંય ઇયળની જેમ કશુંક એને અંદર કોરી રહ્યું. જીવવા માટે અવલંબનની જરૂર છે એ સર્વાંગે સાચું નથી. છંદોબદ્ધતા તોડી અને અછાંદસ જીવવું હતું.
તૈયાર થવાનો સમય, પ્રસંગ સાચવવાની ઘડી. સાડી પહેરી તૈયાર થતાં એણે જોયું તો એની નણંદ બેડરૂમમાં દાખલ થતી પૂછી બેઠી, ‘ભાભી, બે મિનિટ છે?’
હું સમય જ શોધી રહી છું’ ઍમ કહીને તે બોલી, ‘છે ને બહેન, બોલો…’
‘જુઓને મારો નાનકો માનતો નથી.’
‘બેના, એ ચોવીસ વર્ષનો થયો છે.’
‘પણ બુદ્ધિ તો બાળક જેવી છે.
‘શું થયું છે?’
‘પરણ્યાને વરસ પણ નથી થયું ને છૂટાં પડવાની હઠ લઈ બેઠો છે.’
‘તમારા ભાઈને વાત કરી…’
‘એમણે જ મને તમારી પાસે મોકલી છે. તમે જરા…’
ત્યાં જ પૌલોમી અંદર દાખલ થતાં બોલી : ‘મૉમ આર યૂ રેડી? લેટ્સ ગો.’
‘ચલો ભાભી, પાર્ટી પછી વાત…’ નણંદને એ બહાર જતી જોઈ રહી.
અરીસામાં જોઈ સાડી ઠીક કરતાં એ મનમાં બોલી : ‘ચાલ!’ પણ કોને?
પાર્ટીમાં હાજર ઘણી વ્યક્તિઓની સફળતાની ઇમારતના પાયામાં રેખા અને મયંકે ઈંટો મૂકી હતી. એ સૌએ મોકળા મને એમનો આભાર માનવામાં ઓછપ ન રાખી. ‘વન્ડરફૂલ પાર્ટી’નો સંતોષ વાતાવરણમાં તરવરી રહ્યો.
બેડરૂમમાં આવી બારણું બંધ કરતાં જ રેખા ફરી એક વાર પોતાની દુનિયામાં પ્રવેશી ગઈ. એનાં આંખ, કાન અને હોઠોએ શાંતિ અનુભવી. છેલ્લાં બે અઠવાડિયાંઓથી પાર્ટી માટે થતી આર્ગ્યુમૅન્ટનો સુખદ અંત. ઘરેણાંનો ભાર ઉતારતાં રોજિંદો બોજ ખભા પર બેસી ગયો. નિર્ણયની શલ્યાનું વર્તનની અહલ્યામાં રૂપાંતર નહીં થાય તો સફરનો અંત આવી જશે.
‘ઇટ્સ નૉટ ઇઝી…’ ‘આઈ નો ધેટ…’
‘તો પણ…’
‘નો ડિસ્કશન…’ મનને આજ્ઞા કરી તો દીધી…
સ્વસ્થતા અને સ્થિરતાનો અહેસાસ હજુય ડામાડોળ હતો. મયંક મારી માગણી સ્વીકારશે? પોતાનો પૉઇન્ટ ઑફ વ્યૂ સમજી શકશે? એ પૂછશે ‘શું હું ખુશ નથી, સુખી નથી? હા પાડીશ તો સદંતર જુઠ્ઠું કહેવાશે. એનો વાંક? સાંભળીને એ ગુસ્સો કરશે? કરગરશે? મનાવશે? ધિક્કારશે? ધુત્કારશે?’
જીવનના આ મુકામે આવો નિર્ણય…? હું તને ચાહું છું… તારા વગર હું… પ્લીઝ મને છોડીને.. પ્રેમાળ ટાંકણીઓ વાગતાં નિર્ણયનો ફુગ્ગો ફૂટી ગયો’તો? અનેક વિચારો કિનારા તરફ ધસી રહ્યા હતા. એ મનમાં એક પાળ બાંધીને બેઠી હતી. આટલી ભગીરથ તૈયારી પછી મયંક પાસે જીતી નહીં તો ભાગીરથીનું અવતરણ અશક્ય! અણધાર્યે હાથની મુઠ્ઠીઓ વળી ગઈ.
રોજની જેમ બેડરૂમનું બારણું ખૂલ્યું. હંમેશની માફક ટાઈ ઢીલી કરતો મયંક દાખલ થયો. શ્વાસ અને ધડકનની રફતાર તેજ થઈ.
એવું નથી લાગતું કે ઘણીવાર અતિ સુખ પણ દુઃખ કે અસંતોષનું કારણ બની જાય છે..? બીજાઓ જેને સુખ માને છે તે સુખને માત્ર પોતાનો અહં સંતોષવા માટે દુઃખ ગણી લેવાનું..? માત્ર મનમાંજ માનેલા અહં કે દંભને સંતોષવા માટે, સમાજનો જવા દયો, સંસ્કારી સંતાનોનો પણ વિચાર નહીં કરવાનો.?
very touching story..like we are seeing full NATAk. Thx for wonderfully depicting so well all emotions.
LikeLike
સરસ શૈલી અને રજુઆત.
LikeLike
જીવન.દંભ.પરિસ્થિતિ સાથે સમાધાનનો ઝીણો ખટકો.કલાત્મક રીતે વાસ્તવને ઓઢાડી દેવાતા પડદાની સુંદર વાર્તા.
LikeLike
એવું નથી લાગતું કે ઘણીવાર અતિ સુખ પણ દુઃખ કે અસંતોષનું કારણ બની જાય છે..? બીજાઓ જેને સુખ માને છે તે સુખને માત્ર પોતાનો અહં સંતોષવા માટે દુઃખ ગણી લેવાનું..? માત્ર મનમાંજ માનેલા અહં કે દંભને સંતોષવા માટે, સમાજનો જવા દયો, સંસ્કારી સંતાનોનો પણ વિચાર નહીં કરવાનો.?
વાર્તા સરસ છે.
LikeLike