હરીશ દાસાણીના કાવ્યો


(૧૯૫૧ માં પોરબંદરમાં જન્મેલા શ્રી હરીશ દાસાણી ૧૯૭૦ થી ૨૦૦૭ સુધી બેંકમાં નોકરી કરતા હતા. હાલમાં તેઓ મુંબઈમાં રહે છે. કવિતા લખવાની શરૂઆત તો એમણે છેક ૧૯૬૬ થી કરી દીધેલી, જે શોખ એમણે આજ સુધી જાળવી રાખ્યો છે. એમની કવિતાઓ પરબ સૃષ્ટિ, નવનીત, અખંડ આનંદ, મિલાપ, નિરીક્ષક અને અન્ય સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. એમની વાર્તાઓ અને અન્ય ગદ્ય લખાણ કંકાવટી, અખંડ આનંદ, નવચેતન અને સંકલ્પમાં પ્રકાશિત થયાં છે. આકાશવાણીના રાજકોટ કેંદ્ર ઉપરથી એમની કવિતાઓ અને વાર્તાઓ પ્રસારિત થઈ છે. આંગણાંના તેઓ નિયમિત મુલાકાતી છે.

આજે એમની ટુંકી ટુંકી પંક્તિઓવાળી પાંચ કવિતાઓ અહીં રજૂ કરૂં છું. એમની કેટલીક કવિતાઓમાં માત્ર શબ્દાર્થ સમજવો પુરતું છે, તો કેટલીકમાં ભાવાર્થ અને ગુઢાર્થ સમજવા પડે એમ છે. –સંપાદક)

  ()

ઝૂલો

મેં કહ્યું -હા.

તેં કહ્યું -ના.

તેં કહ્યું -હા.

મેં કહ્યું -ના.

આમ ચાલે રોજ.

હા કહી-ના કહી નો ક્રમ.

પણ

એમ કરતાં કરતાં

ખેંચાખેંચી માં પડી ગઇ  ગાંઠ.

હવે એક છેડો તારી પાસે.

એક છેડો મારી પાસે

હું થોડી સરકાવી દઉં  દોરી.

તું પણ થોડી ઢીલ મૂક.

તો  બની જાય

સરસ મઝાનો ઝૂલો.

આ હીંચકા

આવે ને

આ આવે

સુખના ઓડકાર.

-હરીશ દાસાણી.

      ()

કેટકેટલા રૂપ !

“હું “ના  કેટકેટલાં રૂપ.

કદી સિકંદર કદી કલંદર

કદી સિંહ તો કદી છછૂંદર

પલપલ બદલે કાયા જેની

ધરે હજારો રૂપ.

કયાંક કરે એ કાલાવાલા

કયાંક બતાવે બહાનાં ઠાલાં

કયાંક રડે ને કયાંક હસે એ

શું છે તેનું સ્વરૂપ?

હું કારે એ ગગન ગજવતો

સુર્ય -ચન્દ્ર ને સાથ પકડતો

ભૂતોનું એ મહાભૂત છે

અરૂપ છતાં ય સરૂપ.

આદિઅંત ને મધ્યે બેસી

જરા મૃત્યુ ને જન્મે બેસી

સૃષ્ટિ ઉત્પત્તિ  પ્રલય સુધી છે

તેના અદૃભુત રૂપ.

“હું “ના કેટકેટલાં રૂપ!

-હરીશ દાસાણી.

            ()

ક્ષણના ઝરૂખામાં ખૂણે ઊભો રહી

આવી રીતે ના સતાવ.

મારી હયાતી પ્રમાણ તારા હોવાનું,

લાખ  ભલે જાતને છૂપાવ.

આંખોમાં તારી હું આંખો પરોવી

રાત દિવસ રમતાં હું જોઉં.

તેમ છતાં ડર આછો આછો લાગે

કે જાણે જાતને જ તેમાં હું ખોઉં.

સ્થિર કરી પાંપણો ઊભો રહીશ હું

ચાહે તું નજરો ચૂરાવ.

મારી હયાતી પ્રમાણ તારા હોવાનું

લાખ ભલે જાતને છૂપાવ.

યાદ ક્યાંથી હોય તને તારી અંગુલિથી

ચેતનાનું સરોવર સર્જાય.

કાંકરીઓ ગોઠવીને રમતો તું મારામાં

ચણતર અનોખું થઇ જાય.

તારો એ સ્પર્શ હવે પામવાને ઝંખું છું

કોકવાર મળવા તો આવ.

મારી હયાતી પ્રમાણ તારા હોવાનું

લાખ ભલે જાતને છૂપાવ.

            ()

કોઈ તો શબ્દમાં તેજ લઇ આવશે.

કોઈ તો આંખમાં ભેજ લઇ આવશે.

એ પછી ઝળહળે સૂર્ય થઇ એકલો;

તેં જ દીધેલ કંઈ સ્હેજ લઇ આવશે.

જે મને મોકલે યુદ્ધ કરવા હવે –

તીર તલવાર પણ તે જ લઇ આવશે.

વાણીની વાચના સર્વ વિરમી જશે.

મૌનની સુખભરી સેજ લઇ આવશે.

         ()

શબ્દથી જે પર હશે.

એ જ તારો સ્વર હશે.

ક્યાંક ગુંજારવ હશે.

કોઈ સચરાચર હશે.

બોલતાં પુષ્પોની સાથે

મૌન પણ ભીતર હશે.

ભાવ ને વિચાર વચ્ચે

સ્થિરતાનું સ્તર હશે.

જે હશે જ્યાં પણ હશે.

રસથી તરબતર હશે.

શૂન્ય કહી દો તે છતાં

અંદર તો એ સભર હશે.

સ્થળ હશે કે જળ હશે.

નાદ હર હર હર હશે.

ન જાણવું કે શું હશે?

તું ભલે ક્ષણભર હશે.

-હરીશ દાસાણી.

2 thoughts on “હરીશ દાસાણીના કાવ્યો

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s