જીપ્સીની ડાયરી-૨૯(કેપ્ટન નરેંદ્ર ફણસે)


પૂર્વસૂચન…

દુશ્મનના ગોળીબારમાંથી બચીને મેજર તેજાના બંકર પાસે પહોંચ્યો. તેણે સ્મિત સાથે કહ્યું, `તુમ બડે તકદીરવાલે નિકલે! બાલ-બાલ બચ ગયે!’ મને સંતોષ હતો કે અમારા `ખોવાયેલા’ જવાનોને જર્નેલ અને હું મળી શક્યા હતા, અને તેમના પર મુકાયેલા desertion રણમેદાન છોડીને નાસી જવાના આક્ષેપને જૂઠો સાબિત કરી તેમના શૌર્યગાથા જાહેર કરી શક્યા હતા. તેજાને મેં અમારી બન્ને પ્લૅટૂન્સની deploymentની પૂરી માહિતી આપી અને નકશામાં તેમના ગ્રીડ રેફરન્સ બતાવ્યા. હવે તેણે આ કંપનીના ફાયરિંગ પ્લાનમાં ફેરબદલી કરી અને અમારા સૈનિકોને તેમાં આવરી લીધા. ત્યાંથી અમે સીધા અમારી ડેલ્ટા કંપનીના હેડકવાર્ટર્સમાં ગયા. અમારા જવાનો માટે ચા તથા બે વખતનું ભોજન બનાવડાવ્યું. કંપની હેડક્વાર્ટર્સનો અમારી બટાલિયન સાથે ટેલિફોન લાઇનનો સંપર્ક હતો તેથી અમારા સી. ઓ.ને અમારા અભિયાનનો રિપોર્ટ આપ્યો. ડેલ્ટા કંપનીના જૈફ કંપની કમાન્ડરને પ્લૅટૂનોના લોકેશનની માહિતી આપી, ભોજનની ગાડી રવાના કર્યા પછી અમે અમારા બટાલિયન હેડકવાર્ટર્સ તરફ જવા નીકળ્યા.

ધુસ્સી બંધની બાજુના ધુળિયા માર્ગ પર અમારી ગાડી જઈ રહી હતી. ત્યાંથી દક્ષિણ દિશામાં વળીએ તો અમારા હેડકવાર્ટર્સ જવાનો રસ્તો આવે ત્યાં પૂર્વદિશામાં અમારી બ્રિગેડની સીમા જ્યાંથી શરૂ થતી હતી, ત્યાં ડેરા બાબા નાનકમાં આવેલી બ્રિગેડની હદ પૂરી થતી હતી. મિલિટરી ઓપરેશન્સમાં રક્ષાપંક્તિમાં રહેલા બે યુનિટ્સની જે બિંદુ પર હદ મળે છે તેને જંક્શન પોઇન્ટ કહેવાય છે. જંક્શન પોઇન્ટને બેમાંથી એક યુનિટની જવાબદારીમાં સામેલ કરવામાં આવે છે. હેડકવાર્ટર્સના રસ્તા તરફ વળતાં પહેલાં મને વિચાર આવ્યો: સીધા હેડકવાર્ટર્સ જવાને બદલે જંક્શન પોઇન્ટ સુધી જઈ ત્યાંથી હેડકવાર્ટર્સ જઈએ તો કેવું? મારા મનમાં તે જગ્યાએ આવેલી બીએસએફની બટાલિયનના મારા મિત્રને મળી તેના હાલહવાલ જાણવાનો વિચાર આવ્યો. મેં જર્નેલસિંઘને ત્યાં ગાડી વાળવાની સૂચના આપી.

જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ મને જણાયું કે ધુસ્સી બંધ તથા તેની આસપાસનો આખો વિસ્તાર ખાલી પડ્યો હતો. પાંચ કિલોમીટરના સમગ્ર ક્ષેત્રની રક્ષાપંક્તિ સાવ ખાલી પડી હતી. ત્યાંથી રાવી નદી સરેરાશ 25 મીટર દૂર હતી, અને તેને પાર હતી પાકિસ્તાનની સેના. ભૂલેચૂકે તેમની એકાદ ટુકડી આ સંરક્ષણ-વિહીન સ્થાન પર આવી ચઢી હોત તો તેનાં પરિણામ અકલ્પ્ય હતાં. તેમની સેના માટે અમૃતસર-અજનાલા-ડેરા બાબા નાનક-ગુરદાસપુરની ધોરી સડક પર કબજો કરી, અમૃતસરનું રાજા સાંસી એરપોર્ટ તથા દેશના સંરક્ષણની ધોરી નસ જેવો મુખ્ય માર્ગ નેશનલ હાઈવે નંબર 1 સહેલાઈથી હાથમાં પડે તેવું હતું..

એક પ્રોફેશનલ સોલ્જર તરીકે પરિસ્થિતિની ગંભીરતા જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગયો. હું સીધો બટાલિયન હેડકવાર્ટર્સ ગયો અને મારા સી. ઓ.ને આનો રિપોર્ટ આપ્યો. તેઓ પણ ચોંકી ગયા અને મને બ્રિગેડ કમાન્ડર પાસે લઈ ગયા. બ્રિગેડિયર મારી વાત સાંભળી હેબતાઈ ગયા. તેમના માન્યામાં આ વાત આવી નહીં. મારા રિપોર્ટની ખાતરી કરવા તેમણે આર્ટિલરીના કર્નલની આગેવાની નીચે નિરીક્ષક ટુકડી મોકલી. પૂરી તપાસ બાદ તેમને જણાયું કે મારી વાત સાચી હતી. આપણી સંરક્ષક હરોળના છીંડાનો દુશ્મનને સહેજ પણ અંદેશો ન આવે તે માટે તે જ રાત્રીના સમયે આખા વિસ્તારમાં માઇન્સ બિછાવવાનો હુકમ અપાયો.

અહીં એક મહત્ત્વની વાત કહીશ. બુર્જમાં 43 બલૂચ રેજિમેન્ટને પરાજય આપ્યા બાદ તેમની બટાલિયનના સેકન્ડ-ઇન કમાન્ડ મેજર શેખનો યુદ્ધક્ષેત્રના વિસ્તારનો નકશો અમારા હવાલદાર ચંદર મોહનની આગેવાની હેઠળની ટુકડીને હાથ લાગ્યા. તેમાં દોરવામાં આવેલ રેખાઓ પરથી પાકિસ્તાનની સેનાનો ઉદ્દેશ જાણવા મળ્યો. બુર્જના ધુસ્સી બંધ પરની બલૂચ સૈનિકોની કિલ્લેબંધીના `ફર્મ બેઝ’ ઉપર વધારાની સેના લાવી, પાકિસ્તાની સેનાએ 6/7 ડિસેમ્બરની રાતે ભારતની સેના પર હુમલો કરી ચોગાંવા ગામ પાસે આવેલ અમૃતસર જતી સડક પર કબજો કરવાની યોજના કરી હતી. અહીંથી અમૃતસર સુધીના માર્ગમાં નદી-નાળાંનો કોઈ અવરોધ ન હોવાથી તેમને રાજાસાંસી એરપોર્ટ પહોંચવાની ઉમેદ હતી. તેમની આવી મહત્ત્વાકાંક્ષી યોજના સફળ થાય તો રાજાસાંસી એરપોર્ટ પર પાકિસ્તાન એર ફોર્સનાં વિમાનો એક બ્રિગેડ તથા હળવી ટેંક્સ ઉતારી શકે તેવું હતું. 4થી ડિસેમ્બરની રાતના હુમલામાં બુર્જ-ફતેહપુર સુધીના ત્રણ કિલોમીટર લાંબા ધુસ્સી બંધ પર તેમણે કબજો કર્યાે હતો. પાંચમી ડિસેમ્બરના આખા દિવસ કે રાત દરમિયાન ભારતીય સેનાએ જગ્યા પાછી મેળવવા કાઉન્ટર એટેક કર્યાે નહોતો. તેમને એવું લાગ્યું હતું કે આ વિસ્તારમાં ભારતની સેનાની હાજરી નથી, તેથી 6 ડિસેમ્બરની રાતે તેમણે વિશાળ પાયા પર હુમલો કરવાની યોજના ઘડી હતી.

બુર્જ પર સમયસરની કાર્યવાહીને કારણે દુશ્મનની યોજના નિષ્ફળ થઈ. આ અભિયાનમાં અમારી બટાલિયનની ડેલ્ટા કંપનીએ કરેલ અભૂતપૂર્વ કામગીરીનો સિટરેપ (સિચ્યુએશન રિપોર્ટ) જાલંધરના ફ્રન્ટિયર હેડકવાર્ટર્સમાં તથા દિલ્હીના અમારા સર્વાેચ્ચ હેડકવાર્ટર્સમાં પહોંચી ગયો હતો. શરૂઆતમાં આને અતિશયોક્તિ ભરેલ વાત ધારવામાં આવી હતી. જ્યારે સબ-ઇન્સ્પેક્ટર અજિતસિંઘને વીરચક્ર જાહેર થયું ત્યારે અમારી વાત પર સૌને વિશ્વાસ બેઠો. તેમ છતાં અમારી કંપનીની સિદ્ધિની ચકાસણી કરવા અમારા ઈન્સ્પેકટર જનરલ શ્રી અશ્વિનીકુમાર ઠેઠ અગ્રિમ મોરચા સુધી આવ્યા. તેમણે સબ ઇન્સ્પેક્ટર અજિતસિંઘ, ઇન્ફન્ટ્રીના મેજર શેરસિંહ તથા જવાનોની મુલાકાત લીધી. સમગ્ર વાતની ખાતરી થયા બાદ અમારા કમાન્ડન્ટને અભિનંદન આપવા બીએસએફના ડાયરેક્ટર જનરલ શ્રી રુસ્તમજી અમૃતસર આવ્યા. રણભૂમિ પરથી દુશ્મનના ગોળીબાર વચ્ચેથી મેં આણેલ `વોર ટ્રોફી’માંની ભાંગેલી રાઇફલ શ્રી સિંઘે તેમને ભેટ ધરી અને વાયરલેસ સેટ અમૃતસર બટાલિયનના કમાન્ડન્ટ તેમના ભાઈએ આપ્યો. તેમની કામગીરીથી ખુશ થઈ બન્ને ભાઈઓને 1972ના પ્રજાસત્તાક દિને થતી પરેડમાં બીએસએફની ટુકડીનું નેતૃત્વ કરવાનું બહુમાન આપ્યું. પ્રજાસત્તાક દિનના ઇતિહાસમાં પ્રથમ વાર એક ટુકડીનું સંચાલન બે ભાઈઓએ કર્યું! બીજી ખુશીની વાત: અમારી બટાલિયનને 1971ના વર્ષની સર્વશ્રેષ્ઠ બીએસએફ બટાલિયનનો જનરલ ચૌધરી ટ્રોફીનો પુરસ્કાર મળ્યો. અમારી બટાલિયનના અફસર/જવાનોએ એક વીરચક્ર (સબ ઇન્સ્પેક્ટર અજિતસિંઘ), એક સેનામેડલ (સબ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ), રાષ્ટ્રપતિના પોલીસ એન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફોર ગૅલન્ટ્રીના છ (સબઇન્સ્પેક્ટર ઠાકુર કરમચંદ, ચંદરમોહન, લાન્સનાયક તુલસી રામ, લાન્સનાયક સુરજીતસિંહ, હવાલદાર હરબન્સ લાલ અને આ લેખક) તથા ત્રણ પોલીસમેડલ ફોર ગૅલન્ટ્રી (સંતોખસિંહ, અજાયબસિંહ અને પ્રભાકરન નાયર) જીત્યા. 1971ના યુદ્ધમાં અમારી બટાલિયન સૌથી વધુ બહાદુરીના ચંદ્રક જીતનારી બીજા નંબર પર આવી.

આ પ્રસંગને યાદ કરું છું ત્યારે તેના અનુસંધાનમાં તે જ સમયે બે અભૂતપૂર્વ જંગ ખેલાઈ ગયા. આમાંનું પ્રથમ છે ડેરા બાબા નાનક વિસ્તારમાં થયેલું યુદ્ધ, જેનું સંચાલન હતું 1965ના ગોરખા રાઇફલ્સના ગુજરાતી અફસર પીયૂષ ભટ્ટના હાથમાં. બન્ને પ્રસંગો મારી સ્મૃતિમાં કાયમ માટે અંકાઈ ગયા છે.

1965માં 5/9 ગોરખા રાઇફલ્સમાં મોર્ટર્સ કમાન્ડર તરીકે તેમણે કરેલી પ્રેક્ષણીય કામગીરી બાદ પદોન્નતિ મેળવી મેજર પીયૂષ ભટ્ટની બદલી ભુતાનમાં થઈ હતી. 1971માં વૅલિંગ્ટન ખાતે સ્ટાફ કોલેજમાં શરૂ થનારા કોર્સમાં જવાની તૈયારી કરતા હતા ત્યાં યુદ્ધનાં વાદળો છવાયાં. કોર્સને મુલતવી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.મેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે તે પહેલાં લડાઈ શરૂ થઈ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વશક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય થવા માટે મહિનાઓ-વર્ષાે લાગી જતાં હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભૂમિ જેવી સ્થિતિમાં સાથે રહી, યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. તેમાં જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહીં. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુંબિક પરિસ્થિતિ વિશે માહિતગાર થઈ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:

`1/9 GRની `બ્રૅવો’ કંપનીનો કમાન્ડ લઈને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને એટેક કરવાનો હુકમ મળ્યો. આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો અને 120 સૈનિકો – જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની લઈ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.’

`પંજાબમાં રાવી નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ ભાંધવામાં આવ્યા છે. ડેરા બાબા નાનક વિભાગમાં રાવી નદી સરહદને લગભગ સમાંતર અને પાકિસ્તાનમાં વહે છે. આ કારણે બંને દેશોએ ધુસ્સી બંધ બાંધ્યા છે. પાકિસ્તાને તેમનો ધુસ્સી બંધ બાંધતી વખતે સંરક્ષણપ્રથાનું પણ ધ્યાન રાખ્યું છે. તેઓએ ધુસ્સી બંધમાં વિવિધ પ્રકારના કોંક્રીટના મોરચાઓ (pill boxer) બાંધ્યા છે. તે ઉપરાંત ધુસ્સી બંધ અને સરહદની વચ્ચે `રિંગ બંધ’ કોંક્રીટના મોરચાઓ સાથે બાંધ્યા છે જેથી તેઓના ધુસ્સી ઉપર આપણે સામેથી હુમલો કરીએ તો પહેલાં તેમના `રિંગ બંધ’ પર હુમલો કરવો પડે. આ રીતે તેઓએ ધુસ્સી બંધના મોરચાઓને `રિંગ બંધ’ દ્વારા buffer આપ્યું છે. આ એક ઉત્તમ પ્રકારની અને મજબૂત સંલગ્ન સંરક્ષણ વ્યવસ્થા હતી. મારી `બ્રેવો’ કંપનીને પાકિસ્તાનના ત્રણ `રીગ બંધ’ તેમ જ તેની પાછળ આવેલા પાછલા ધુસ્સી બંધના ભાગનો કબજો કરવાનો હતો. મેં જગ્યાનું છૂપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. પ્રથમ ધુસ્સી બંધ અને તેમાં સફળતા મળતાં રિંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યાે. આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની આપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઈ બીજી હરોળ પર ખાબકવાનું! આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનો સાથે હું રહીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.’

`દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. મેં તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યાે. અમે ચુપકીદીથી એડ્વાન્સ કરી દુશ્મનની હરોળથી 100 મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર `આયો ગોરખાલી’ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઈ દુશ્મન પર હુમલો કર્યાે. પરમાત્માની કૃપાથી મારી યોજના સફળ થઈ. ઝડપથી અમે ધુસ્સી બંધ અને રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને હઠાવ્યો.’

કલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર ગોરખાઓ સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝીને દુશ્મન પર `આયો ગોરખાલી’ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભુત અને રોમાંચકારક હશે!

મેજર ભટ્ટે કહ્યું, `મારી કામગીરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવી નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઈ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં gap હતો. દુશ્મનને તેની જાણ થતાં તે રાવી નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર – પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યાએ મારી કંપનીને માઇન્સની જાળ બિછાવવાનો હુકમ મળ્યો.’

“મારી કંપનીને જ્યાં માઇન્સ બિછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ `ઓબ્ઝર્વેશન પોસ્ટ’ કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને `આર્મ’ કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન બિછાવનાર જવાનના ફુરચેફુરચા ઊડી જાય. રાતના અંધકારમાં અમારું કામ પૂરું થવા આવ્યું ત્યાં રાત્રિના અંધકારમાં અવાજથી દુશ્મનનો નિરીક્ષક અમને પારખી ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાના ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડતાંવેંત ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર પડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બોમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ સનનન કરતી આવીને મારા શરીરથી બે-ત્રણ ઇંચ નજીક વરસતી હતી. તમે પોતે 1965માં આનો અનુભવ કર્યાે છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.’

આ યુદ્ધની કાર્યદક્ષતા અને બહાદુરી માટે ભારત સરકારે મેજર ભટ્ટને સેના-મેડલથી નવાજ્યા.

બીજું યુદ્ધ અમારી બટાલિયનના સેક્ટરમાં ભારતીય સેનાની શીખ લાઇટ ઇન્ફન્ટ્રીની આઠમી બટાલિયને ખેલ્યું હતું . આ યુદ્ધનો હું સાક્ષી છું. ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ જેવા આ `ચાર્જ’નો ઉલ્લેખ ફક્ત બ્રિગેડની તથા રેજિમેન્ટની `વોર ડાયરી’માં, આર્મી હેડકવાર્ટર્સના `બૅટલ ઓનર’ની તવારીખમાં તથા આ યુદ્ધમાં જેમને ચંદ્રક મળ્યા તેમના પ્રશસ્તિપત્રમાં લખાયા છે. આની વિગતવાર માહિતી ભારતની જનતા સુધી કદી પહોંચી નથી.

આ પ્રસંગકથાને જુદું શીર્ષક જ આપવું ઘટે: રેડ ઓવર રેડ…

1 thought on “જીપ્સીની ડાયરી-૨૯(કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. our hearty congratulations to you and your team :” રાષ્ટ્રપતિના પોલીસ એન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફોર ગૅલન્ટ્રીના છ (સબઇન્સ્પેક્ટર ઠાકુર કરમચંદ, ચંદરમોહન, લાન્સનાયક તુલસી રામ, લાન્સનાયક સુરજીતસિંહ, હવાલદાર હરબન્સ લાલ અને આ લેખક) તથા ત્રણ પોલીસમેડલ ફોર ગૅલન્ટ્રી (સંતોખસિંહ, અજાયબસિંહ અને પ્રભાકરન નાયર) જીત્યા. 1971ના યુદ્ધમાં અમારી બટાલિયન સૌથી વધુ બહાદુરીના ચંદ્રક જીતનારી બીજા નંબર પર આવી.”

    proud of Major Pyush Bhatt: “આ પ્રસંગને યાદ કરું છું ત્યારે તેના અનુસંધાનમાં તે જ સમયે બે અભૂતપૂર્વ જંગ ખેલાઈ ગયા. આમાંનું પ્રથમ છે ડેરા બાબા નાનક વિસ્તારમાં થયેલું યુદ્ધ, જેનું સંચાલન હતું 1965ના ગોરખા રાઇફલ્સના ગુજરાતી અફસર પીયૂષ ભટ્ટના હાથમાં. બન્ને પ્રસંગો મારી સ્મૃતિમાં કાયમ માટે અંકાઈ ગયા છે.”

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s