હજીયે, હજીયે ચચરે છે – પન્નાબેન નાયક
પંચમહાભૂતોનું બનેલું
બાનું શરીર
ક્યારનુંય
ભસ્મીભૂત થઈ
નામશેષ થઈ ગયું
અને છતાંય
ચિતામાં દાહ દીધેલી કાયાની
ઓલવાતી આગનો
આછો ધુમાડો
જોજનો દૂરથી આવીને
હજીયે ચચરે છે મારી આંખોમાં
ને
એને ઓલવવા
ઊભરાયાં કરે છે.
ઊનાં ઊનાં પાણી….
આસ્વાદ– જયશ્રી વિનુ મરચંટ
આ કવિતામાં પોતાના માતાના અવસાનની વાત કવયિત્રી કરે છે, પણ, “સ્વ”થી શરૂ થતી આ વાત એક સ્વાભાવિકતાથી સર્વની થઈ જાય છે. વાંચનાર આ કવિતાની પ્રથમ પંક્તિથી જ કવિતાની સાથે કોઈ પણ આયાસ વિના જોડાઈને કવિતાને પોતીકી કરી લે છે. પન્નાબેનની કવિતા અહીંથી એમની ન રહેતાં ભાવકની હસ્તી સાથે તાદત્મ્ય સાધી લે છે,
માતાનું પંચમહાભૂતોનું બનેલું પાર્થિવ શરીર અંતે પંચમહાભૂતમાં જ મળી જાય છે અને હવે માનું નામ શેષ રહી ગયું છે. માનું શરીર તો સ્મશાનમાં લઈ જવાયું છે. ત્યાં દાહ અપાયેલી ચિતાની રાખ હજી ઠરી નથી અને ઓલવાતી આગનો ધુમાડો અનેક માઈલો દૂર આવીને આંખમાં ચચરે છે. પહેલાં જો સંતાનની આંખમાં આંસુનું એક ટીપું પણ આવે તો માનો એક હાથ મસ્તક પર ફરતાં જ એ અશ્રુ મોતી બની જતું હતું. આજે માની વિદાય પછી, એની ચિતાની આગની ધુમ્રસેરથી બળબળતી આંખોને ઠારવા આંખોમાંથી આંસુઓ વહે છે! બસ, આટલું કહીને કવિ પોતાની વાત, દેખીતી રીતે પૂરી કરે છે પણ, કવિ આ અંતિમ પંક્તિઓમાં ભાવકની આંગળી પકડીને, એને અંતરની “સ્વ”-સફરના ફલક પર સિફતથી મૂકી દે છે. અને, અહીંથી જ આ કવિતા વાચકના લોહીમાં વહેવા માંડે છે. આ કવિતા વાંચતા માની મમતાની મધમીઠી આંગળીએ વળગીને શૈશવથી માંડીને માના જીવનના અંતિમ ક્ષણ સુધીની સફર પર વાંચનાર અનાયસે જ નીકળી પડે છે. પણ, એના અંતરમનને ખબર છે કે, મા ફરીથી આ ધરતી પર હરતી-ફરતી દેખાશે નહીં. વાંચકનું હ્રદય પણ છાનાં આંસુ સારે છે, જે એની આંખમાં આવીને ઝરણાં જેમ વહી રહ્યાં છે. કેટકેટલું યાદ આવે છે! ઝરણું એક નૈસર્ગિક નિર્દોષતાનું પ્રતીક છે પણ કવયિત્રી તો કહે છે કે આંખમાં આવનારા આંસુઓ તો માતાની ચિતાના ધુમાડાથી બળતી આગને કારણે ચચરતી આંખોને ઠારવા માટે વહ્યા છે. બચપણનું એ લડવું ઝઘડવું, પડવું, આખડવું અને મોટાં થતાં આવતી અનેક મુસીબતો અને અકળામણોનું માનો એક હાથ માથા પર ફરતાં શાંત થઈ જવું! કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયા વિના કારણ નથી થતી. ભાવકના મનની અંદર ચાલતી આ પ્રક્રિયાનાં પડઘા, હવે માના જવા પછી પડી ગયેલી શૂન્યાવકાશની ખીણમાં સદૈવ બોલતાં રહેશે. એક દિવસ કદાચ એવુંયે બનશે કે આ અશ્રુ ઝરણાંમાંથી નદી બની જશે પણ, એને લૂછવાવાળી વ્હાલસોયી માની નજર, આજ બાદ કદી જ મળશે નહીં. સમય જતાં ચિતાની આગ તો બુઝાઈ જશે અને એનો ધુમાડો શરીરના રોમરોમમાં ચૂપચાપ કાયમનું ઘર બનાવી લેશે!
“હો મરણ કે મુશ્કિલ બે નામ જ યાદ રહ્યા સદા!
એ એક નામ હતું ઈશ્વરનું બીજું તો માનું હતું!”
પન્નાબેનની કવિતાઓનું “હુસ્ન”- સૌંદર્ય જ એ છે કે જે કવિતાનાં સાદા અને સરળ દેખાતાં શબ્દો, ગહન અર્થો બની જઈને વાંચનારની અંદર ઉઘાડ પામે છે. વાચકને અવગત થઈ ચૂક્યું છે કે દિવંગત માતાનો આ વિયોગ શોણિત સંગે વહેતો રહેશે, એના પોતાના છેલ્લા શ્વાસ સુધી. પન્નાબેનની આમ તો દેખાવે સાદી અને સરળ કવિતાને વાંચનાર, પોતાના મનગમતાં જુદા જુદા આભૂષણો પહેરાવીને, પોતાને ગમતાં સ્વરૂપે માણી શકે છે, વારંવાર. આ જ એમના કવિકર્મની સૌથી મોટી સિદ્ધિ છે, જેનો જોટો આજની તારીખમાં મળતો નથી.
******************************
સમય નામનો શિક્ષક
અહીં ઊગવાનું સમય શીખવે છે,
અને ડૂબવાનું સમય શીખવે છે.
કદી રક્તમાં છેક પહોંચી જઈને,
કદી છૂપવાનું સમય શીખવે છે.
સંબંધો તમે માંડ જોડી શકો ત્યાં,
ફરી તૂટવાનું સમય શીખવે છે.
બધાં પથ્થર સામસામે ઉગામે,
છતાં પૂજવાનું સમય શીખવે છે.
સફરમાં ન સામાન લેશો અહીં તો,
બધું મૂકવાનું સમય શીખવે છે.
છે જન્મોજનમ બંધનો એ તજીને,
સતત છૂટવાનું સમય શીખવે છે.
કદીયે દિશાઓ અને પંથ વિશે,
નહીં પૂછવાનું સમય શીખવે છે.
યુગો–ને સદી ને ક્ષણોની યે સામે,
કદી ઝૂકવાનું સમય શીખવે છે.
– મનસુખ નારિયા
l