જીપ્સીની ડાયરી-૩૩ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


ઝાંઝર વજદી સુણ મૂંડીયે!

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક મહિનો આરામ કર્યાે અને મારી બદલી F Companyમાં થઈ. કંપનીની ત્રણે પ્લૅટૂન નદી પાર હતી તેથી ધુસ્સી બંધની પાછળ આવેલ ગામમાંથી મારું કંપની હેડકવાર્ટર્સ ખસેડીને રાવી નદીને પાર આવેલી એક પ્લૅટૂનમાં હું લઈ ગયો. આનું મુખ્ય કારણ એ હતું કે લડાઈ બાદ પાકિસ્તાન તરફથી અફીણ તથા બ્રાઉન શુગરને પંજાબમાં મોટા પાયા પર ઘુસાડવાનું શરૂ થઈ ગયું હતું. તે રોકવા અમે દિવસના સમય દરમિયાન ઘનિષ્ઠ પેટ્રોલિંગ તથા રાતના સમયે નદીના કિનારા પર કે બાઉન્ડરી પિલરની નજીક નાકાં ગોઠવવાનું શરૂ કર્યું. રાત્રે ક્યાં એમ્બૂશ લગાવવા તેના હુકમ અમને તે દિવસની સાંજે હેડકવાર્ટર્સમાંથી મળતા જેથી અન્ય કોઈને અગાઉથી માહિતી ન મળે કે અમુક દિવસે કે રાતે જવાનો ક્યાં પેટ્રોલિંગ કે નાકાબંધી કરવાના છે. રાતના સમયે નાકાબંધી કરવા મારા ત્રણ પ્લૅટૂન કમાન્ડરો અને હું વારાફરતી જતા. આમ દર ચોથી રાતે હું રાવી કાંઠે અથવા બાઉન્ડરી પિલરની નજીક `એમ્બૂશ પાર્ટી’ લઈને જતો.

શિયાળાની રાતમાં મધ્યરાત્રીની નાકાબંધી રોમાંચકારી હોય છે. ખાસ કરીને નદીના કિનારા પાસે બેસીને પાણીમાંથી ધુમ્મસનું સર્જન થતું જોવાની મઝા અનન્ય હતી. ત્યાર બાદ ઝાકળ પડવાની શરૂઆત થાય. અમે કામળાની સાથે પાતળી રજાઈ પણ લઈ જતા. મધરાત પછી ટાઢ એટલી પડતી કે નદીની સપાટી પર બરફની પાતળી પર્ત જામી જતી, અને અમારાં હાડકાં બરફની જેમ ઠરી જતાં. આખી રાત અમારે શાંત રહેવું પડે તેથી રાત વીતતાં વીતે નહીં. આવા સમયે નદી પાર આવેલા ગામડાંઓમાં લગ્નપ્રસંગે વાગતાં લાઉડ સ્પીકર પરનાં ગીતો સાંભળીએ: મેરી ઝાંઝર વજદી, સુણ મૂંડીયે… (મારી ઝાંઝરનો ઝણકાર તો સાંભળ, છોરા!) લઠ્ઠેદી ચાદર, ઉત્થે સલેટી-રંગ માયા/આવો સામણે, ખોલો જી રૂસકે ના લંઘ માહિયા… જેવા ગીતો આખી રાત ચાલતાં. પરોઢિયું થતામાં ગુરુ ગ્રંથસાહેબમાંની ગુરબાણી અને શબદની શાસ્ત્રીય રાગરાગિણીની રૅકર્ડ વાગતી. આના સહારે આખી રાત પસાર થતી. સૂરજ ઊગવા લાગે એટલે અમે અમારા તાલપત્રીના `ગ્રાઉન્ડશીટ’, કામળા અને રજાઈ લપેટી, હથિયાર, દારૂગોળો ચેક કરી બીઓપીમાં પાછા જઈએ. આવી અનેક નાકાબંધી કરી. રોજ રાતે દૂરથી હવામાં તરીને આવતા આ ગ્રામ્યગીતોના સહારે અમે ડ્યૂટી બજાવતાં ટાઢ, એકલતાને ભૂલતા.

અમારી બીઓપીની ચારે બાજુએ15 ફીટ ઊંચો બંધ હતો અને વચ્ચે સપાટ જમીન. અહીં અમે શાકભાજી, ફૂલના છોડ વાવીએ. ઊંચા બંધમાં બંકર બાંધેલાં હોય. મેદાનમાં વોલીબોલનું કોર્ટ, રસોડું વગેરે. દિવસના સમયે ટ્રેનિંગ કરીએ, અને ત્યાર બાદ જવાનો લુડો, ચેકર્સ જેવી રમત રમે. રાતે ડ્યૂટી પર જનારા જવાનોને સૂઈ જવાનો હુકમ આપીએ તો પણ બપોરના સમયે બહુ ઓછા જવાનો ઊંઘે. મારો સમય પુસ્તકો વાંચવામાં જતો.

મારા એક પ્લૅટૂન કમાન્ડર જોગીંદર સિંઘ સાવ ભોળા હતા. કોઈ વાત તેમને યાદ ન રહેતી. જવાનો તેમને ભૂતાંવાળે સાબ (ભૂતની અસર નીચે સતત બેભાન રહેનારા સાહેબ) કહેતા. કોઈ કોઈ વાર મને એવા સવાલ પૂછતા, જવાનોની વાત મારે માનવી પડી. દાખલો: `સર-જી પૈંઠ-દા જંગ કિસ સાલ વિચ હોયા સી?’ (સાહેબ, પાંસઠની લડાઈ કયા વર્ષમાં થઈ હતી?) `સર-જી, મુન્શી (કંપની ક્લાર્ક) કહે છે સાપ્તાહિક હિંદુસ્તાન દર અઠવાડિયે છપાય છે. હું કહું છું, મહિનામાં ત્રણ-ચાર વાર આવે છે, તો અમારામાંથી સાચું કોણ છે?’

પેટ્રોલિંગમાં જવાનું હોય, અને કાયદેસરનો માર્ગ લેવાનો હોય તો દિવસમાં 10-12 કિલોમીટર ચાલવાનું થઈ જાય. કાયદેસર એટલા માટે કે મારી બે ચોકીઓની વચ્ચે પાકિસ્તાનની અંગ્રેજી V આકારની સીમા આવી જતી, અને તેની વચ્ચેથી રાવી વહેતી. હવે Vની ઉપરનાં બે પાંખિયાં પર અમારી ચોકીઓ આવી હોય તો સમગ્ર Vની પરિક્રમા કરીને જવું પડે એટલું જ નહીં, નદીને બે વાર પાર કરવી પડે,

કોઈ વાર આટલું ચાલવાનું ટાળવા અમે અમારી એક ચોકી પરથી બીજી ચોકીએ જવા સીધી લાઇનમાં – એટલે પાકિસ્તાનના વિસ્તારમાં વગર પાસપોર્ટ – વિઝાએ નીકળી પડતા! એક વાર હું અને મારા ત્રણ સાથી આમ સીધી લાઇનમાં નીકળ્યા હતા. પગદંડીની બન્ને બાજુએ ઊંચા સરકંડાનું જંગલ હતું. એક વળાંક પર અચાનક અમારો ભેટો પાકિસ્તાનના સતલજ રેન્જર્સના એક હવાલદાર અને છ જવાનો સાથે થયો! આ વખતે સૌથી આગળ મારી કંપનીના સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ હતા, અને તેમની પાછળ હું. રેન્જર્સના હવાલદારે અમને લલકારવાને બદલે અદબપૂર્વક ખભાપર `સ્લંગિ આર્મ’ કરેલી રાઇફલને સ્પર્શ કરી મને સૅલ્યૂટ કરી `સલામ આલેઈકુમ’ કહ્યું. મેં તેમને સૅલ્યૂટ કરી, `વાલેઈકૂમ અસ્સલામ’ કહી જવાબ આપ્યો. તેઓ અમને કેદ કરવાનો પ્રયત્ન કરી શક્યા હોત. સામસામા ગોળીબાર થવાની સંભાવના હતી. પણ આ શાંતિનો સમય હતો. થોડા દિવસ પહેલાં જ દશેરાની ઉજવણીમાં અમે તેમની ચોકી પાસે ફ્લૅગ મિટિંગ કરી ત્યાંના જવાનોને ફળનો કરંડિયો આપ્યો હતો અને તેમણે અમને રમઝાન ઈદના પ્રસંગે ફળ આપ્યાં હતાં. પરસ્પર સદ્ભાવનાને ધ્યાનમાં રાખી તેમણે અમને કશી તકલીફ ન આપી. ઊલટાનું તેમણે કહ્યું, `જનાબ, હમ આપકે સામનેકી પોસ્ટમેં તૈનાત હૈં. ખિદમત કરનેકા કોઈ મૌકા હો તો હમેં ઝરૂર હુકમ દીજિયે!’ અમે ભોંઠા તો પડ્યા, પણ કોઈ આંતરરાષ્ટ્રીય બનાવ વગર સહીસલામત અમારી ચોકી પર પહોંચી ગયા તેમાં સંતોષ માન્યો.

એક વાર લાંબું પેટ્રોલિંગ કરી મોડી સાંજે મારા `આશ્રમ’માં પહોંચ્યો અને બૂટ ઉતારતો હતો ત્યાં સિગ્નલ્સનો હવાલદાર દોડતો આવ્યો. મને સી. ઓ.નો સંદેશ આપ્યો: `તાબડતોડ બટાલિયન હેડકવાર્ટર્સમાં હાજર થાવ!’

`અરે ભગવાન! What now!?’ના ઉદ્ગાર સાથે એક માઈલ ચાલીને હું પાછો રાવીના પત્તન પર ગયો. નાવમાં બેસી પાર પહોંચ્યો તો ત્યાં જર્નેલસિંહ જીપ લઈને મારી રાહ જોઈ રહ્યો હતો. હેડકવાર્ટર્સ પહોંચ્યો ત્યારે ફાટક પરના સંત્રીએ કહ્યું, `સર જી, સી. ઓ. સાબને આપકો સીધે મેસ પહૂંચને કો કહા હૈ.’ મેસમાં ગયો અને જોયું તો સી. ઓ., તેમનાં પત્ની, અન્ય અફસરો તથા તેમની પત્નીઓ એન્ટિરૂમમાં બેઠાં હતાં. મને જોઈ તરત સહુ બોલી ઊઠ્યાં, `હૅપી એનિવર્સરી!’

હું ભૂલી ગયો હતો કે તે દિવસે અમારાં લગ્નની વર્ષગાંઠ હતી.

હેડકવાર્ટર્સમાં સામાન્ય રીતે રોજ સાંજે અફસરો તથા તેમની પત્નીઓ બૅડમિન્ટન રમ્યા બાદ મેસમાં જઈ સાથે ચા-કોફી પીએ. અનુરાધાએ તે દિવસે સાંજે મીઠાઈ અને સ્નૅક્સ બનાવી રાખ્યાં હતાં અને મેસમાં બધા બેઠાં ત્યારે આ પીરસાયું. શ્રી સિંઘે પૃચ્છા કરી ત્યારે મેસ હવાલદારે તેમને જણાવ્યું કે આ `મિસિસ નરેંદર તેમની વેડિંગ એનિવર્સરીની પાર્ટી આપી રહ્યાં છે.’ તેમણે તરત મને બોલાવવાનો મૅસેજ આપ્યો, અને સાથે સાથે કહ્યું કે મને આ બાબતમાં કશું ન કહેવું. તેમણે પાર્ટી શરૂ ન કરી.

અમારી મેસમાં પાર્ટી થાય ત્યારે અનુરાધા અને મારે ગીત ગાવાં જ પડે! મારો વારો આવ્યો ત્યારે મેં સ્વ. હેમંતકુમાર મુખરજીનું `આંચલસે ક્યું બાંધ લિયા, મુજ પરદેસીકા પ્યાર!’ ગાયું. આ ગીતના અંતરામાં આવે છે, `કલ સુબહુ હોનેસે પહલે કરુંગા જાનેકી તૈયારી…’ આ સાંભળી સી. ઓ.સાહેબનાં પત્નીની આંખમાંથી આંસુ આવ્યાં. તેમણે પોતાના પતિને કહ્યું, `ઈન્હેં કલ સુબહ તક તો રોક હી લેના! હો સકે તો પરસોં જાનેકી તૈયારી કરનેકો કહેના…’

આનાથી વધુ યાદગાર લગ્નતિથિ કઈ હોઈ શકે?

1 thought on “જીપ્સીની ડાયરી-૩૩ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. Great patrolling time with the help of songs and Gurubani :”મેરી ઝાંઝર વજદી, સુણ મૂંડીયે… (મારી ઝાંઝરનો ઝણકાર તો સાંભળ, છોરા!) લઠ્ઠેદી ચાદર, ઉત્થે સલેટી-રંગ માયા/આવો સામણે, ખોલો જી રૂસકે ના લંઘ માહિયા… જેવા ગીતો આખી રાત ચાલતાં. પરોઢિયું થતામાં ગુરુ ગ્રંથસાહેબમાંની ગુરબાણી અને શબદની શાસ્ત્રીય રાગરાગિણીની રૅકર્ડ વાગતી. આના સહારે આખી રાત પસાર થતી. ”

    example of great relation with Pakistani rangers :`જનાબ, હમ આપકે સામનેકી પોસ્ટમેં તૈનાત હૈં. ખિદમત કરનેકા કોઈ મૌકા હો તો હમેં ઝરૂર હુકમ દીજિયે!’ ”

    how much focused you are on your duty that even forgot your anniversary. “હું ભૂલી ગયો હતો કે તે દિવસે અમારાં લગ્નની વર્ષગાંઠ હતી.”

    Best anniversary celebration with : “સ્વ. હેમંતકુમાર મુખરજી” song very touchy.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s