ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૫


હૂંફ

મૅનહટન શહેરની ગગનચુંબી ઇમારતો વચ્ચે અથડાતો–કુટાતો સાંજનો તડકો ગૂંગળાતા ધીરે ધીરે પીગળવા લાગ્યો. શિયાળાનો ઠંડો પવન અંધારી થતી ગલીઓમાં આડોઅવળો રખડતો હતો. જ્યૉર્જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની ઘડિયાળ પર નજર ઠેરવી. આમ તો ચાર વાગ્યે જ એની ડ્યૂટી પૂરી થઈ જતી હતી. પણ આજે બીજી શિફ્ટમાં કામ કરતો કૅવિન અડધો કલાક મોડો આવવાનો હતો. એની બીમાર વાઇફને હૉસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે જ્યૉર્જને અડધો કલાક કાઉન્ટર પર ઊભા રહેવાની રિકવેસ્ટ કરતા, એણે જ કટકટ ન કરતાં હા પાડી હતી. માત્ર હવે પાંચ જ મિનિટની વાર હતી. છતાંય એની નજર વારંવાર દરવાજા તરફ દોડી રહી હતી. સાડાચાર થતાં જ આગળના દરવાજામાંથી કૅબિનમાં દાખલ થયો. કાઉન્ટર પાસે આવતાં જ બોલ્યો:

‘જ્યૉર્જ, થૅંક્સ…’

‘યૂ આર વેલકમ’ બોલતાં જ્યૉર્જ કાઉન્ટર પાછળથી બહાર આવ્યો, અને ટાઈની ગાંઠ ઢીલી કરી.

‘કેમ, મારી વાઇફ વિશે નહીં પૂછે?’

જવાબમાં આછું સ્મિત વેરતા એણે વિન્ટર કોટ પહેર્યો.

‘બહાર ઘણી ઠંડી છે. તબિયત સાચવજે.’ કાઉન્ટર પાછળ ઊભા રહી કૅશ–રજિસ્ટર ખોલતાં કૅવિને સલાહ આપી.

શરીર પર કોટ ચઢાવી, ગળામાં મફલર વીંટાળી, માથા પર ગરમ ટોપી પહેરતાં એણે ઠંડા સ્વરે ‘ઑફકોર્સ’ કહ્યું અને સ્ટોરની બહાર નીકળ્યો. પવનની ઠંડી લહેરખી જ્યૉર્જની નાસિકાને ઠંડી કરી ગઈ. હાથ પર ગરમ મોજાં પહેરતાં એને સિગારેટ પીવાની ઇચ્છા થઈ. પણ શર્ટના ખીસામાં ગરમાટો ભોગવતા સિગારેટના પાકીટને અડવાના મુલાયમ ખયાલને ત્યજતાં એણે ચાલવાની શરૂઆત કરી. ફિફથ ઍવન્યૂ માણસો અને વાહનોની ભીડથી કચડાતી કણસી રહી હતી. એના પર પોતાનો ભાર વધારતાં જ્યૉર્જ સામે આવતા ઠંડા પવનને અથડાતો રહ્યો. મુલાકાત ગમી નહીં પણ એ કરેય શું? ઠંડીથી બચવા સૂર્યે જળસમાધિ લઈ લીધી. પવન અને અંધકારની વધતી ભીંસને ન ગણકારતા જ્યૉર્જે 36મી સ્ટ્રીટ પાસે આવી જમણો વળાંક લીધો. નાલાયક ઠંડા પવને એનો પીછો ન છોડ્યો. બે મકાન પસાર કરી જ્યૉર્જ નાનકડા બારમાં દાખલ થયો. ફૂંફાડા મારતો પવન કતરાતો આગળ દોડી ગયો.

બાર ભરેલો હતો. બીયરની ચૂસકીઓ, સિગારેટની ગંધ અને માનવીઓના કોલાહલથી એ પરિચિત હતો. રોજની આદત મુજબ જાણીતા ટેબલ તરફ પગલાં મૂક્યાં. રોજિંદા ત્રણ મિત્રો બીયરની રાહ જોતા બેઠા હતા. જ્યૉર્જે મોજાં ઉતારી કોટના ખિસ્સામાં મૂક્યાં પછી કોટ અને ટોપી ઉતારી ખુરશી પર ગોઠવ્યાં અને બે હથેળીઓ ઘસી.

‘આજે કેમ મોડું થયું?’

‘બ્લડી, એની વાઇફ હોય ઍમ સવાલ કરે છે.’ મશ્કરીભર્યા સ્વરે જ્યૉર્જની જગ્યાએ મૅથ્યૂ બોલી પડ્યો.

‘આજે તું ઉદાસ કેમ લાગે છે?’ સ્ટેનલીએ બીજો પ્રશ્ન કરતાં બીયરની બૉટલ હાથમાં લીધી.

જ્યૉર્જે શર્ટના ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી સિગારેટ સળગાવી ઊંડો કશ લીધો. પછી નાક અને હોઠોમાંથી ધૂમ્રસેર છોડતાં વેઇટરને મિલર લાઇટ બીયરનો ઑર્ડર આપ્યો અને સિગારેટનો બીજો કશ લીધો.

જ્યૉર્જના બદલે મૅથ્યૂ ફરી બોલી ઊઠ્યો, ‘આખો દિવસ લેડીઝને બ્યૂટી પ્રોડક્ટ વેચતા સાંજે આંખોને અંધાપો આવે તો ઉદાસ થઈ જાય ને!’

બીયરની બૉટલ ટેબલ પર આવતાં જ, જ્યૉર્જે બૉટલ હાથમાં ઉઠાવી હોઠે લગાવી.

ચૂંચી આંખે જ્યૉર્જને જોતાં હવે માઇકલથી પ્રશ્ન કર્યા વગર રહેવાયું નહીં, ‘એય, તારી તબિયત તો ઠીક છે ને કે પછી તારી વાઇફ પાછી આવી ગઈ?’

ત્રણેયને ખડખડાટ હસતા જોઈ જ્યૉર્જને હવે બોલવું જ પડ્યું: ‘મને સવારથી જ મૂંઝવણ થાય છે.’

બીજી બે બૉટલ ચઢાવીને મૂંઝારો દૂર કર્યો. સેન્ડવિચ મોઢામાં ખોસતાં સ્ટેનલીએ બોલવાનો પ્રયત્ન કર્યો.

‘લ્યુસી લ્યુસી…’ બીયરની બૉટલ ટેબર પર મૂકી બહાર જોતાં એ બોલ્યો:

‘શું થયું તારી લ્યુસીને?’ સ્ટેનલીનો ત્રીજો પ્રશ્ન.

‘બે દિવસથી બરાબર ખાતીપીતી નથી.’

‘હા…હા…હા…!’ માઇકલનું મુખ ખૂલતાં જ હાસ્ય સાથે આગળના તૂટેલા દાંતની વચ્ચેથી દુર્ગંધનો ધાબળો ઓઢીને હવા જ્યૉર્જ તરફ ધસી ગઈઃ ‘બેવકૂફ છે, વાઇફ છોડીને ભાગી ગઈ તો હવે લ્યુસીનું લફરું વળગાડ્યું.’

‘નેકસ્ટ વીકમાં ક્રિસમસ. વાઇફ માટે ગિફ્ટ લેવી પડશે. મારા ટૂંકા પગારમાં બીયરના ખર્ચા પછી પૈસા જ ક્યાં બચે છે.’ મૅથ્યૂ ઠંડો નિસાસો નાખતાં બોલ્યો.

‘વાઇફોને ગિફ્ટ લેવાની બીમારી અને આપણને પૈસાની ચિંતા. ગૉડ બ્લેસ અસ!’ સિગારેટના ઠૂંઠાને ઍશટ્રેમાં બુઝાવતાં જ્યૉર્જે વાક્ય પૂરું કર્યું.

‘ધિસ ઇઝ અવર હૅપી ટાઇમ, ગિફ્ટની ચિંતા કાલે.’ બીયરના મગને ટેબલ પર પછાડતા સ્ટેનલીએ અણગમો પ્રગટ કર્યો, ‘પ્લીઝ, ટોક સમથિંગ એલ્સ.’

‘મારે હવે જવું જોઈએ.’ ટેબલ પર દસ ડૉલરની નૉટ મૂકતાં જ્યૉર્જ ઊભો થયો.

‘અમને વાઇફ પાસે જવાની ઉતાવળ નથી; અને એક તું છે કે જે ઘરે જવા અધીરો થયો છે.’ માઇકલ બોલ્યા વગર ન રહી શક્યો. જ્યૉર્જે ભવાં ચઢાવ્યાં.

‘જ્યૉર્જ, માઇકલને એની વાઇફની બીક લાગે છે. તેથી ઘરે જવાની ઉતાવળ ન કરતાં ડંફાસ મારે છે.’ સ્ટેનલીએ વાત સંભાળી લીધી.

આર્ગ્યુમેન્ટ ન કરતાં, બહાર નિર્દય રાજાની જેમ રાજ્ય કરતી શિયાળાની કાતિલ ઠંડી સામે યુદ્ધ કરવાનાં સાધનો પરિધાન કરી, બાર છોડી જ્યૉર્જ બહાર આવી ઊભો રહ્યો. પછી થોડે દૂર સુધી ચાલી સબ–વે સ્ટેશનમાં દાખલ થઈ નૉર્થ સાઇડ જવાની ટ્રેન પકડી. ચિંતાના ભાવો એના ચહેરા પર બરફની જેમ થીજી રહ્યા હતા.

રોજના સ્ટેશને ઊતર્યો. પગથિયાં ચઢી સ્ટ્રીટમાં આવ્યો. 302 વેસ્ટ 63 સ્ટ્રીટ પાસે આવી થાકતાં જરા વાર અટક્યો. પછી ઝડપથી બિલ્ડિંગનો દરવાજો ખોલી અંદર દાખલ થયો. આજેય લિફ્ટ ચાલતી નહોતી. ગાળો આપતો ત્રીજા માળ સુધીનાં પગથિયાં ચઢ્યો. અને એપાર્ટમેન્ટનો દરવાજો ખોલતાં ફૂલી ગયેલા શ્વાસો સાથે ‘લ્યુસી…લ્યુસી…’ પોકારી ઊઠ્યો. શબ્દો એપાર્ટમેન્ટમાં ફરીને એકલા જ પાછા આવ્યા.

‘લ્યુસી… લ્યુસી ડિયર, આઈ ઍમ હિયર.’ બોલતા એ કિચનમાં ગયો. ‘અરે! તું અહીં છે?’ પ્રશ્નમાં હાશ ભળી ગઈ.

લ્યુસીએ ડોક ઊંચી કરી. અર્ધખુલ્લી આંખે જ્યૉર્જ તરફ જોયું. આજ એની બોલવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. એ લ્યુસીની બાજુમાં બેઠો. પછી માથે હાથ ફેરવતાં બોલ્યો ‘હં…અ…અ! આજેય તેં ખાધું નથી.’

જવાબ ન આપતાં લ્યુસીએ ડોક નીચી કરી આંખો બંધ કરી.

‘જો, આમ નારાજ નહીં થઈ જવાનું. હું આવી ગયો છું. ચાલ, આપણે સાથે ડિનર લઈએ.’ બોલતાં જ્યૉર્જ ઊભો થવા ગયો ત્યાં જ લ્યુસીના ઊંહકારા સાંભળતા પાછો એની બાજુમાં બેસી પડ્યો. જરા ધ્યાનથી જોયું તો લ્યુસીનો શ્વાસ ભારે થતો જણાયો. એની અર્ધખુલ્લી નિસ્તેજ આંખોમાંનું ખાલીપણું જ્યૉર્જને વીંધી ગયું. કપડાં બદલવાનો વિચાર બદલતા બોલ્યો, ‘મને લાગે છે તને ડૉક્ટર પાસે જ લઈ જવી પડશે. તું તો કંઈ બોલશે જ નહીં એની મને ખબર છે.’

જવાબમાં લ્યુસીએ ઊહંકારો કર્યો. જ્યૉર્જની ચિંતા હવે બમણી થઈ ગઈ. આજે અત્યારે જ ડૉક્ટર પાસે લઈ જવી પડશે એવું નક્કી કરતાં એણે ડૉક્ટરને ફોન કર્યો, લકીલી એપૉઇન્ટમેન્ટ મળી ગઈ. લ્યુસીને લઈ જ્યૉર્જ નીચે ઊતર્યો.

લ્યુસીને તપાસી ડૉક્ટરે કહ્યું, ‘જ્યૉર્જ, મને ન્યુમોનિયાની અસર લાગે છે. મારે લ્યુસીને ઑબ્ઝર્વેશન માટે દાખલ કરવી પડશે.’

‘ડૉક્ટર…’

‘જો, એનો શ્વાસ ભારે છે. પ્રિકોશન માટે એક રાત ભલે રોકાઈ જતી. ચાન્સ શા માટે લેવો?’ ડૉક્ટરે ઇન્સિસ્ટ કર્યું.

‘વેલ! તમે સલાહ આપો છો તો…’ લ્યુસીનું માથું ચૂમતો, જરૂરી પેપર્સ પર સાઇન કરી, ભારે દિલે જ્યૉર્જ પોતાના એપાર્ટમૅન્ટમાં આવ્યો.

કપડાં બદલી એ ટીવી સામે ગોઠવાયો કે સંજોગોએ મજબૂર કર્યો. જ્યૉર્જને એવો શોખ નહોતો. થોડી ચૅનલો ફ્લિપ કરી, થોડી વાર જોઈ. પણ મનને આકર્ષે કે પ્રવૃત્ત કરે એવો પ્રોગ્રામ ન મળતા ટીવી બંધ કરી એ બેડરૂમમાં આવી પથારીમાં આડો પડ્યો. આંખો મીંચી, પછી ખુલ્લી કરી, ફરી પાછી મીંચી. વિરહની રાત! આજે ફરી પાછો એકલો પડી ગયો.

બારી બહાર માથું ફાડતો પવન, અંદર પથારીમાં પડખું ફેરવતી એકલતા વચ્ચે ગૂંગળાતો જ્યૉર્જ. આજે ન કોઈ બાજુમાં, ન હૂંફ, ન ગાલે વહાલ. જીવનમાં અમુક ખોટ સહેવી મુશ્કેલ. આફ્ટર ઑલ, મૅન ઇઝ અ સોશિયલ ઍનિમલ. સંગાથ હોય તો સાનંદે જીવન વીતે. એમાંય પુરુષ એકલો પડે તો બાપ રે! હી ઇઝ લૉસ્ટ ધ નેક્સ્ટ ડે…

પછી આડેધડ વિચારોના બૉંબ ઝીંકતાંય અનિંદ્રાનો ગઢ તૂટ્યો નહીં. વ્યગ્ર મનમાં લ્યુસીની યાદ પ્રજ્વળતી રહી. યાદને છોડવાના પ્રયાસમાં ખૂબ જ બંધાતો ગયો. આ તે કેવી બાંધણી? ભૂંસવાનો પ્રયત્ન કરવા છતાંય વિસ્તરતી જતી હતી. એના પર દયા ખાતી ટેલિફોનની રિંગ પથારીમાં તરફડતા જ્યૉર્જની વહારે આવી.

ટ્રિન… ટ્રિન… ટ્રિન… ટ્રિન…

ફટ દઈ પથારીમાં બેઠો થઈ, છુટકારાનો દમ ખેંચતાં ઝટ રિસીવર કાને લાગડ્યું — જાણે કે કોઈનો અવાજ સાંભળવાની એને ઉતાવળ હતી.

‘જ્યૉર્જ જ્યૉર્જ…’ વિષાદયુક્ત ગંભીર અવાજ સાંભળતાં એ ચોંક્યો.

‘યસ, યસ…’ સામી વ્યક્તિનો અવાજ પરિચિત લાગતાં એ ઉતાવળે બોલ્યો, ‘યસ, આઈ ઍમ જ્યૉર્જ.’ લગભગ ત્રણ વર્ષ પછી સંભળાતો જાણીતો અવાજ.

‘સૉરી ટુ કૉલ યુ સો લેટ.’

‘ઇટ્સ ઓ.કે.’ પોતાની સાથે કોઈ વાત કરવા માગે છે એનો જ્યૉર્જને આનંદ થયો. એને તો વાત કરવી જ હતી.

‘આઈ…આઈ હૅવ સમ બેડ ન્યૂઝ ‘સામેનો અવાજ પળ વાર અટક્યો, ‘આઇ ઍમ સોરી…’

‘બેડ ન્યૂઝ’… અવાજમાં આશંકા પ્રગટી… હૃદય જોરથી ધડકી ઊઠ્યું, ‘વ્હોટ… વ્હૉટ બેડ ન્યૂઝ?’

‘સો…સૉરી ટુ ટેલ યૂ… યૉર… વાઇફ…’ અચાનક સામેનો અવાજ ધીમો પડી ગયો.

‘માઈ વાઇફ?’ આશ્ચર્યમિશ્રિત પ્રશ્ન.

‘આઈ… આઈ મીન યૉર એક્સ વાઇફ.’

‘યસ… યસ ગો અહેડ…’

‘શી ઇઝ નો મોર…’ ગળગળો થતો અવાજ.

જ્યૉર્જનો પ્રતિભાવ ન સંભળાતાં ‘જ્યૉર્જ… જ્યૉર્જ આર યૂ ઓ.કે.? તેં સાંભળ્યું? સ્ટેસી હવે આ જગતમાં નથી.’

‘આઈ.સી.’ જ્યૉર્જ આગળ ન બોલી શક્યો.

‘આઈ થૉટ્ યૂ શુડ્ નો ધિસ…’

‘યસ… યસ… થૅંક યૂ ફૉર કૉલિંગ…’

‘વી ઑલ વિલ મિસ હર…’

‘યૂ આર રાઇટ…’ વાતને વધુ ન લંબાવતાં જ્યૉર્જે ફોન મૂકી દીધો. એકાંત અને એકલતા ફરી ગળે વળગ્યાં. પોતે શું મિસ કરી રહ્યો છે તે કોને જણાવે?

‘ગૉડ બ્લેસ હર સોલ…’ કહેવા જેટલીય માણસાઈ ન બતાવી? ‘આઈ ઍમ સૉરી ટુ હિયર ધિસ ન્યૂઝ’ જેવા શબ્દોય ન બોલી શક્યો? જ્યૉર્જને પોતાને જ નવાઈ લાગી. લાગ્યું, પોતે હવે બદલાઈ ગયો છે.

સ્ટેસી પ્રત્યે વહાલ પણ નહીં અને તિરસ્કાર પણ નહીં. તો પોતે શું બોલે? આવનાર બધાં જ વહેલાંમોડાં આ દુનિયામાંથી જાય છે. ‘મારા હોવાના’ સંબંધનું વિચ્છેદન સ્ટેસી કરી ચૂકી હતી. જીવનનો એક ખૂબસૂરત વળાંક એને આકર્ષી ગયો અને હાથતાળી આપી એ છટકી ગઈ પોતાને એકલતાની ખાઇમાં ધકેલતા. તો પછી પોતે શું કહી શકે? થૅંક ગૉડ કે છેલ્લા એક વર્ષમાં લ્યુસી એના જીવનમાં આવી.

છતાંય જ્યૉર્જનું મન દલીલ કરવા લાગ્યું. સ્ટેસી માટે એણે હૃદયના કોઈ ખૂણેથી જર્જરિત લાગણી શોધવી જોઈએ. એના મૃત્યુનો શોક મનાવવા થોડું રડવું જોઈએ. કમસે કમ આંખો તો ભીની થવી જોઈએ. આખરે જીવનમાં પંદર વર્ષનો સહવાસ હતો! કંઈક રેખાઓ સાથે ચીતરી હતી. ચિત્ર ભલે ન પ્રગટ્યું. પણ પોતે સોશિયલ બનવું જોઈએ. કો’કના મૃત્યુ પર શોક પ્રગટ કરવાની પરંપરા સાચવવી જોઈએ. સમાજના રીતરિવાજનું પાલન તો કરવું જોઈએ. કોઈ અજાણ્યાના મોતની વાતો સાંભળીને પણ માનવી તરીકે આપણે શોક પ્રગટ કરીએ છીએ તો તો આ સ્ટેસી તો…

અતિશય પ્રયત્નો પછીયે અંતરના ઊંડાણમાંથી કશું જ ન ઉદ્ભવતાં એ લાચારી અને શરમની લાગણી અનુભવી રહ્યો. આવી બેરૂખીનો ઉપાય ક્યાંથી શોધવો? એકાદ આંસુ તો સ્ટેસી માટે પોતાના હૃદયના ખૂણેખાંચરેય શોધવા સફળ થશેની માન્યતા અસફળ પ્રયાસો પછી મરી પરવારી. પછી કશ્મકશમાં, જાગતા, સૂતા, આળોટતા, પડખાં બદલતાં માંડ માંડ રાતને ઓગાળી. પાંપણોએ થાકતા ઢળવાની રજા માગી. થાકનો વિજય થતાં આંખો સહેજ મીંચાણી.

ત્યાં જ ઊગતા સૂર્યની સાથે ફોન આળસ મરડતાં જાગ્યો. ટેલિફોનની રિંગ ઊઘડતી પાંપણોમાં બળતરા પેદા કરી ગઈ. ચોથી રિંગ સાથે નાનકડું બગાસું ખાતાં અણગમા સાથે રિસીવર કાને લગાડ્યું. એને થોડું સૂવું હતું.

‘હં…હ… હેલો…’ બોલતા માથાનો દુખાવો એ અનુભવી રહ્યો. હજુય ઊંઘ સાકરના દાણા પર ચોંટેલી લાલ કીડીની જેમ પાંપણો પર વળગી રહી હતી. મણમણનો ભાર ખડકાયો હતો એનાં પોપચાંઓ ઉપર, છતાંય જાગવું પડ્યું.

‘મિસ્ટર ડિલાન્ઝો… મિસ્ટર…’ અવાજ અપરિચિત હતો.

‘જ્યૉર્જ… જ્યૉર્જ…’ બગાસાને દબાવતાં જ્યૉર્જ પરાણે બોલ્યો.

‘ઓહ! યસ જ્યૉર્જ… સૉરી ટુ કૉલ ટુ અર્લી ઇન ધ મૉર્નિંગ.’

‘આઈ…આઈ…નો ધૅટ…’ અવાજમાં ગુસ્સાની છાંટ.

‘સૉરી… આઈ હેવ સમ બેડ ન્યૂઝ.’

‘બેડ ન્યૂઝ અગેન’ સામેની વ્યક્તિનો અવાજ કાપતા જ્યૉર્જ ખિજાયો. અવાજની ધ્રુજારી ફોનના વાયરમાં દોડી.

‘આઈ ઍમ કૉલિંગ યૂ ફ્રૉમ ડૉ. સ્મિથ્સ ઑફિસ.’

‘વ્હૉટ?’ ત્વરિત પાંપણો પર વળગેલી ઊંઘને બળજબરીથી ઉખાડી ફર્શ પર ફેંકતાં એ સફાળો બેઠો થઈ ગયો. ‘યસ… યસ’ જિજ્ઞાસાયુક્ત શંકાભર્યા સ્વરે એ બોલી ઊઠ્યો, ‘ગો અહેડ…!’

‘લ્યુસી… લ્યુસી… યૉર લ્યુસી…’

‘માઈ લ્યુસી… યસ… યસ…’ એ હવે ગભરાયો.

‘જ્યૉર્જ યૉર ડૉગ લ્યુસી ઇઝ નો મોર…’

અચાનક સમય થંભી ગયો… પ્રલંબ ખામોશી… સોપો પડી ગયો એના એપાર્ટમૅન્ટમાં.

‘ઓહ માય ગૉડ…’

‘જ્યૉર્જ… જ્યૉર્જ…’

‘જ્યૉર્જ પથારીમાંથી ઊભો થયો. એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. શરીર પ્રસ્વેદથી ભીંજાઈ ગયું રિસીવર હાથમાંથી છટક્યું. આંખો ચકળવકળ બધે દોડવા લાગી. ચક્કર જેવું આવતાં બેડની બાજુમાં પડેલી ખુરશીમાં એ ફસડાઈ પડ્યો. વળતી જ પળે એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

— ને બહાર વરસતી હિમવર્ષા થંભી ગઈ.

**********

 

 

 

 

 

 

 

1 thought on “ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૫

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s