જીપ્સીની ડાયરી-૩૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


જીવન અને મૃત્યુ વચ્ચે અંતર કેટલું?

એક સેન્ટિમીટર જેટલું!!!

વર્ષમાં એક વાર સૈનિકોને પોતાનાં અંગત હથિયાર અને ગ્રેનેડ વાપરવાનો મહાવરો કરવો જરૂરી હોય છે. સિપાહીને હોદ્દા મુજબ આપવામાં આવતા હથિયારને તેનું અંગત હથિયાર (personal weapon) કહેવામાં આવે છે. રાઇફલમૅનનું હથિયાર…શું હોય છે તે સમજી ગયા હશો! તેથી લાઇટ મશીનગન, સ્ટેનગન, પિસ્તોલ તેમજ ટુ-ઇંચ મોર્ટરના બોમ્બ અને ગ્રેનેડના ફાયરિંગની પ્રૅક્ટિસ કરવા માટે `ફિલ્ડ રેન્જ’માં જવું પડે. દરેક સૈનિકે નિયત કરેલ સંખ્યામાં ગોળીઓ, ગ્રેનેડનું ફાયરિંગ કરવું જરૂરી હોય છે. ગુજરાતમાં ધ્રાંગધ્રાની નજીક આવેલા ટીકર પાસેની `રેન્જ’માં આવું ફાયરિંગ કરવામાં આવે છે. ફાયરિંગ રેન્જની સંપૂર્ણ જવાબદારી એક ઓફિસરને સોંપવામાં આવે છે. ફાયરિંગ પૂરું થયા બાદ રેન્જમાં ઘણી વાર કેટલાક ગ્રેનેડ કે બે-ઈન્ચ વ્યાસના મોર્ટર બોમ્બ તેમાં રહેલા `ફ્યૂઝ’ની ખરાબીને કારણે અથવા કાટ લાગવાથી જામી ગયેલ હૅમરને લીધે ફાટતા નથી. આવા ગ્રેનેડ અને બોમ્બને `બ્લાઇન્ડ’ કહેવામાં આવે છે. રેન્જમાં પડેલા દરેક બ્લાઇન્ડને શોધી તેને નષ્ટ કરી, લેખિતમાં રિપોર્ટ આપવાનો હોય છે કે રેન્જ ઓલ ક્લિયર છે. ઘણી વાર આવી રેન્જમાં ગોવાળિયા, રેન્જનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરનાર નાગરિક અથવા બાળકો રેન્જમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય છે. ત્યાં આવી રીતે પડેલ એકાદ બ્લાઇન્ડને કોઈ અકસ્માતથી ઉપાડે, અથવા કોઈ પણ તેને સ્પર્શ કરે તો તેઓ વિસ્ફોટનો ભોગ બને. તેથી રેન્જમાં પડેલા બ્લાઇન્ડ ને નષ્ટ કરવાની જવાબદારી રેન્જ અધિકારીની હોય છે.

અહીં થોડી ટૅક્નિકલ વાત કરવી જરૂરી છે.

ગ્રેનેડ એક પ્રકારનો નાનો બોમ્બ હોય છે. લગભગ 350 ગ્રામ વજનનો ગ્રેનેડનો જે જગ્યા પર સ્ફોટ થાય, તેના લગભગ ત્રણ મીટરની ત્રિજ્યામાં જે કોઈ હોય તેમની જીવવાની શક્યતા નહીંવત્ હોય છે. મરે નહીં તો મરણતોલ જખમનો ભોગ બને. ગ્રેનેડ ફાટે ત્યારે તેની ભરતરના લોખંડની ધારદાર એવી અનેક કરચો બંદૂકની ગોળીની ગતિથી વછૂટતી હોય છે અને વ્યક્તિના શરીરમાં ઊંડો જખમ કરે છે.

ગ્રેનેડનો સ્ફોટ કરવા માટે સૌથી પહેલાં તેને એક હાથમાં મજબૂત પકડી, બીજા હાથ વડે તેના ઉપરના ભાગમાં આવેલી લિવરને જકડી રાખતી પિન ખેંચી કાઢવાની હોય છે. પિન કાઢ્યા બાદ ગ્રેનેડ અત્યંત જોખમકારક બની જાય છે. આ પિન કાઢ્યા બાદ જો લિવર છટકી જાય તો તે ચાર સેકંડમાં ફાટે, અને પડેલા ગ્રેનેડની આજુબાજુમાં જે કોઈ હોય તે બચી શકે નહીં. ગ્રેનેડ ફેંકવાની પ્રૅક્ટિસના સમયે જવાનો સાથે તેમની ટ્રેન્ચમાં એક જવાબદાર અફસર, નોન-કમિશન્ડ ઓફિસર કે સૂબેદારની કક્ષાના અધિકારીએ હાજર રહેવું જરૂરી હોય છે. તેમની અંગત નિગરાણી નીચે તથા તેમની સૂચના પ્રમાણે ગ્રેનેડ ફેંકવાની પ્રૅક્ટિસ કરતા હોય છે. ગ્રેનેડની જેમ રેન્જમાં 2 મોર્ટર બોમ્બનો સ્ફોટ કરવાની પણ પ્રૅક્ટિસ કરવાની હોય છે. 2 ઇંચ મોર્ટર બોમ્બને એક ભૂંગળા જેવા `launcher’માં મૂકી, લોન્ચરની કળ દબાવવાથી તે બસો મીટર દૂર ફેંકાય છે અને જમીન પર પડતાંની સાથે જ ફાટતા હોય છે, તેથી તેને ફાયર કરનાર જવાન અને અધિકારી સામાન્ય રીતે સુરક્ષિત હોય છે.

બ્લાઇન્ડ થયેલા ગ્રેનેડ કે બોમ્બને નષ્ટ કરવાની રીત સરળ છે. જ્યાં ગ્રેનેડ કે બોમ્બ પડ્યો હોય, તેની નજીક ડેટોનેટર અને ફ્યૂઝ (વાટ) લગાડેલા પ્લાસ્ટિક એક્સ્પ્લોઝિવ (લાપી કે પ્લાસ્ટિસિન જેવો સ્ફોટક પદાર્થ) મૂકી, તેના પર માટીનો ઢગલો કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાંથી બહાર કાઢેલી વાટને સળગાવી પચાસેક ગજ દૂર આવેલી ખાઈમાં પોઝિશન લેવી પડે. આ કામ અત્યંત સાવધાનીપૂર્વક કરવું પડે, કારણ કે ઘણી વાર ગ્રેનેડ પર માટી ઢાંકતી વખતે ગ્રેનેડને સહેજ ધક્કો લાગી જાય તો તેનો `ફ્યૂઝ’ અથવા હૅમર activate થઈ શકે છે, અને આવું થાય તો તે ચાર સેકન્ડમાં ફાટી જાય. આવી હાલતમાં ગ્રેનેડને ઉડાવવા માટે જવાબદાર અધિકારીની બચવાની શક્યતા નહીંવત્ હોય છે. અખબારોમાં ઘણી વાર ગ્રેનેડના આકસ્મિક વિસ્ફોટને કારણે સૈન્યના એક મેજરનું અવસાન થયું, અથવા ટીકરની મિલિટરી રેન્જની હદમાં કચરો ઊપાડતી વખતે બોમ્બ જેવી વસ્તુ ફૂટતાં બે બાળકો મૃત્યુ પામ્યાં, જેવા સમાચાર આવતા જ હોય છે. એક દિવસની `ચાંદમારી’ – એટલે ગોળીબારમાં વીસથી પચીસ ગ્રેનેડ અને બોમ્બ બ્લાઇન્ડ થતા હોય છે, અને તે મુજબ દરેક બ્લાઇન્ડ દીઠ એક પ્લાસ્ટિક એક્સ્પ્લોઝિવનું પૅકૅટ, એક મિનિટમાં એક ફૂટ સળગે તેવી વાટ (ફ્યૂઝ)ની જરૂર પડતી હોય છે.

હું જ્યારે મારી બટાલિયનના સૈનિકોને લઈ દારૂગોળા લેવા ગયો ત્યારે અમારા સ્ટોરમાં પ્લાસ્ટિક વિસ્ફોટકનાં ફક્ત દસ પૅકેટ હતાં. નિયમ પ્રમાણે મને ઓછામાં ઓછા ત્રીસ જેટલાં પૅકેટ મળવા જોઈએ. ફાયરિંગ તો રોકી શકાય નહીં, કારણ કે રેન્જનું બુકિંગ મહિનાઓ પહેલાં કરવું પડતું હોય છે તેથી જેટલી સામગ્રી મળી એટલી લઈને હું કાલાનોર નામનું સ્થળ, જ્યાં અકબરનો રાજ્યાભિષેક થયો હતો તેની નજીક આવેલ રેન્જ પર ગયો. સાંજે ફાયરિંગ પૂરું થયું ત્યારે અમારી નોંધ મુજબ 20 ગ્રેનેડ અને ચાર 2 મોર્ટર બોમ્બ ફૂટ્યા નહોતા. રેન્જની ચારે બાજુએ આ હાથગોળા અને બોમ્બ પડ્યા હતા. આવી હાલતમાં રેન્જ ઓફિસર તરીકે મારી પાસે એક જ વિકલ્પ હતો:

રેન્જમાં એક સ્થળે બે ફીટ ઊંડો ખાડો ખોદી, બ્લાઇન્ડ થયેલા ગ્રેનેડ કે બોમ્બને એક એક કરીને ઉપાડીને આ ખાડામાં મૂકવા. ત્યાર બાદ પ્લાસ્ટિક વિસ્ફોટક તૈયાર કરી એક સાથે તેમને ઊડાવવા. આ કામ અત્યંત જોખમભર્યું હતું. ગ્રેનેડ ઉપાડતી વખતે તેને થોડો આંચકો લાગે, અથવા હાથમાંથી ગોળો છટકીને નીચે પડે તો તેની અંદરના ફ્યૂઝની યંત્રણા અચાનક ચાલુ થઈને તે ફાટી શકે છે. તેની નજીક જે કોઈ હોય તે રામશરણ થઈ જાય! આ જ રેન્જ પર એક વર્ષ પહેલાં ઇન્ફન્ટ્રીના એક મેજરે આવી રીતે ઉપાડેલો ગ્રેનેડ તેમના હાથમાં જ ફાટી ગયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા.

ઇષ્ટદેવનું નામ લઈ મેં એક પછી એક એવા 24 ખતરનાક ગ્રેનેડ અને બોમ્બ એકત્ર કરી આ ખાડામાં મૂક્યા. મને મળેલા દસ પૅકેટ પ્લાસ્ટિક એક્સ્પ્લોઝિવ (વિસ્ફોટક)નો ગોળો બનાવી, તેમાં ફ્યૂઝ લગાડેલો ડેટોનેટર મૂક્યો. તેના પર ધીમે ધીમે માટીનો ઢગલો કરી તેમાંથી બહાર કાઢેલા ફ્યૂઝને પેટવવાની તૈયારી કરી. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. આમાંનો એક પણ ગ્રેનેડ અકસ્માત ફાટે તો તેના ધડાકાથી તેની બાજુમાં રહેલા બધા જ બોમ્બ એકી સાથે ફાટે અને આ શરીરના ફુરચેફુરચા ઊડી જાય. દીવાસળીથી મેં ફ્યૂઝ ચેતવ્યો અને ત્યાંથી પચાસ મીટર પર આવેલી સુરક્ષિત ટ્રેન્ચ તરફ દોડવાની શરૂઆત કરી. બે-ત્રણ ડગલાં ભર્યાં અને પાછા વળીને જોયું કે ફ્યૂઝ સળગે છે કે નહીં. આવું કરવા જતાં ઠેસ લાગી અને મોતના ઢગલાથી સાત-આઠ ફીટના અંતર પર જ પડી ગયો. ફ્યૂઝ બરાબર સળગી રહ્યો હતો. પચાસ મીટર દૂર ટ્રેન્ચમાં બેઠેલા મારા જવાનો અને નાયબ સૂબેદારના ચહેરા ભયથી ફિક્કા પડી ગયા. તેઓ મારી મદદે આવી શકતા નહોતા. મને બચાવવા પચાસ મીટરનું અંતર કાપીને આવતાં આ બધા બોમ્બ ફૂટે તો તેઓ પણ મૃત્યુમુખે પડે. હું ઊઠીને નીકળી શકું તેવી સ્થિતિમાં નહોતો, કારણ ડેટોનેટર ફાટે ત્યારે આ ઢગલામાં રખાયેલા બધા જ બોમ્બ એકી સાથે ફાટે, અને તેની નજીક રહેલ કોઈ વ્યક્તિના ફુરચા ઊડી જાય.

મારી પાસે એક જ માર્ગ હતો. હું જ્યાં પડી ગયો હતો, તે જ સ્થળે બોમ્બ ફાટે ત્યાં સુધી ચત્તા પડી રહેવું. સામાન્ય રીતે બોમ્બની કરચ 10 થી 15 અંશના કોણમાં છૂટતી હોય છે, તેથી કદાચ હું ઘાયલ તો થઈશ, પણ બચવાની શક્યતા ખરી એવું માની મેં આંખ મીંચી નામસ્મરણ શરૂ કર્યું. મેં જે ફ્યૂઝ લગાડ્યો હતો તે બે મિનિટમાં ડેટોનેટર સુધી પહોંચીને વિસ્ફોટ કરે તેવો હતો. હું શાંતિથી ચત્તો પડી રહ્યો. બેને બદલે પાંચ મિનિટ થઈ ગઈ પણ વિસ્ફોટ થયો નહીં તેથી હું ઊભો થઈ ગયો અને મોતના ઢગલા તરફ ગયો. મારા સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ અને મારી બટાલિયનના વીરચક્ર વિજેતા સબ-ઇન્સ્પેક્ટર અજિતસિંઘ પણ દોડીને ત્યાં આવી ગયા. બોમ્બના ઢગલા પરના માટીનાં ઢેફાં કાઢીને જોયું તો અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો.

મેં સળગાવેલો ફ્યૂઝ ડેટોનેટરથી કેવળ એક સેન્ટિમીટર એટલે લગભગ અર્ધા ઇંચ પર આવીને ઓલવાઈ ગયો હતો!

હવે મેં પ્લાસ્ટિક એક્સ્પ્લોઝિવમાં નવો ડેટોનેટર અને ત્રણ ફૂટ લાંબો ફ્યૂઝ લગાડ્યો. તેની વાટને સળગાવી અને તેમાંથી તણખા નીકળવા લાગ્યા ત્યારે આરામથી ચાલતો ગયો અને ત્યાંથી પચાસ મીટર દૂર આવેલી પાંચ ફીટ ઊંડી ખાઈમાં જઈને બેઠો. ત્યાર બાદ જે ધડાકો થયો તેનાથી ધરતી ધ્રૂજી ગઈ. જ્યાં આ ચોવીસ અતિ વિઘાતક એવા બોમ્બ રાખ્યા હતા, ત્યાં ચાર ફીટ ઊંડો અને દસ-પંદર ફીટની ત્રિજ્યાનો ખાડો થયો એટલું જ નહીં, વિસ્ફોટકોની પ્રચંડ ઉષ્ણતાને કારણે આજુબાજુની જમીન કાળી પડી ગઈ હતી. ખાડાની કિનાર પર ગ્રેનેડની કેટલીક કરચ ખૂંપી હતી. જે સ્થાને હું ચત્તો પડ્યો હતો, તે આ ખાડાની અંદર આવી ગયું હતું. આ જોઈ હું કાંપી ઊઠ્યો. અજિતસિંઘની આંખમાંથી અશ્રુ આવી ગયાં. માથું હલાવી તે બોલ્યા, `સાબજી, વાહેગુરુને આપકો બચા લિયા. ઉસકે બગૈર આપકે આધે ઇંચ નજદીક આયે હુવે મૌત કો કોઈ નહીં રોક સકતા.’

મૃત્યુને એક સેન્ટિમીટર દૂર રોકીને મને બચાવનાર કોણ હતું?

બીજો દિવસ: `રાજાકી આયેગી બારાત!

બીજા દિવસે એક રસપ્રદ બનાવ બની ગયો. તે દિવસે ફાયરિંગ કરવા માટે મારી સાથે અમારી બટાલિયનના રસોઇયા, સેનિટરી સ્ટાફ તથા બાર્બરને મોકલવામાં આવ્યા. પંજાબ-હરિયાણામાં બાર્બરને `રાજા’ કહેવાય છે – જેમ બંગાળ અને બિહારમાં તેમને `ઠાકુર’ના ઉપનામથી આદર આપવામાં આવે છે. અમારા રાજાને ગ્રેનેડ ફેંકવાનો વારો આવ્યો ત્યારે તેની સાથે હું રહ્યો. મેં તેને ફરીથી સમજાવ્યું કે ગ્રેનેડ તથા તેની લિવરને હથેળીમાં મજબૂત પકડવી જોઈએ. ત્યાર બાદ prepare to throwનો હુકમ મળે ત્યારે બીજા હાથની તર્જનીમાં સેફટી પિનના loopને ભરાવી ખેંચી કાઢવી. આમ કર્યા બાદ ગ્રેનેડ અત્યંત જોખમ ભર્યું બની જાય, કારણ કે જે હાથમાં આ હાથગોળો હોય છે તે છટકી જાય તો તેની લિવર નીકળી જતી હોય છે અને ગ્રેનેડ ચાર સેકન્ડમાં ફાટી જાય. આથી જ્યાં સુધી થ્રોનો હુકમ ન મળે ત્યાં સુધી ગ્રેનેડને મજબૂત રીતે પકડી રાખવો. જ્યારે થ્રોનો હુકમ અપાય ત્યારે ગ્રેનેડને જેટલે દૂર ફેંકી શકાય તેટલો ફેંકવો, તે સમજાવ્યું.

રાજાએ પ્રીપૅર ટુ થ્રો સુધીનું કામ બરાબર કર્યું અને સેફ્ટી પિન ખેંચી કાઢી, પણ થ્રોનો હુકમ આપું તે પહેલાં તે એટલો ગભરાઈ ગયો કે તેણે ગ્રેનેડ મારા હાથમાં મૂકી દીધો અને કહ્યું, `સાબજી, હમેં બહુત ડર લગ રહા હૈ. આપ હી ગોલા ફેંકે.’ આમ કરવા જતાં ગ્રેનેડની લિવર છટકી ગઈ. હૅન્ડગ્રેનેડનો ફ્યૂઝ ચાર સેકંડનો હોઈ લગભગ તરત ફાટે.(અહીં આપેલા ચાર આંકડા બોલશો ત્યાં સુધીમાં ચાર સેકન્ડ થઈ જશે: 1001, 1002, 1003, 1004 – અને ધડુમ્ – તમે ફેંકેલ ગ્રેનેડ ફાટ્યો!)

અમે બન્ને ટ્રેન્ચમાં હતા. મારામાં ક્યાંથી સમયસૂચકતા આવી ગઈ અને આજુબાજુની ટ્રેન્ચમાં ફાયરિંગ માટે તૈયાર રહેલા જવાનોને ખાઈમાં બેસી જવાનો એક શબ્દનો – `ડાઉન’નો હુકમ આપ્યો તથા મારા હાથમાં રાજાએ મૂકેલા ગ્રેનેડને મોરચા બહાર ફેંક્યો. આ બધું એટલી જલદી થયું કે ગ્રેનેડ અમારી ખાઈની નજીક જમીન પર પડતાં પહેલાં ફાટ્યો! તેની કરચ સનનન કરતી અમારા મસ્તક પરથી ઊડી જતી સાંભળી. મેં `Cease Fire’નો હુકમ આપતી વ્હિસલ વગાડી. થોડી વાર પછી `ઓલ ક્લિયર’ની સિટી વગાડી ત્યારે બાજુની ટ્રેન્ચમાંથી જવાનો અને મારા પ્લૅટૂન કમાન્ડરો બહાર નીકળ્યા અને મારી ટ્રેન્ચ પાસે આવ્યા. અચાનક મેં આપેલ ડાઉનનો હુકમ અને એક જ ગ્રેનેડના ધડાકાનો અવાજ સાંભળી તેઓ ચિંતામાં પડી ગયા હતા. શું થયું તેની તેમને જ્યારે જાણ થઈ ત્યારે બધા રાજા પર ગુસ્સે થઈ ગયા. બધા કહેવા લાગ્યા, `ઇસ રાજેકી બારાત નિકાલ દીજીયે, સર!’

હવે રાજાની કમબખ્તી આવી હતી! તેણે તો ખાઈમાં જ મારા પગ પકડી લીધા અને રડવા લાગ્યો. `સા’બજી, બહુત બડા બલંડર-મિસ્ટિક હો ગયા. (કોણ જાણે તેણે આ અંગ્રેજી શબ્દો blunder અને mistake ક્યાં સાંભળ્યા હતા, તેને પોતાની બિહારી હિંદીમાં ઉચ્ચાર્યા!) જબ તક છમા નહીં કરોગે, હમ આપકે ચરન નહીં છોડુંગા!’ વિપરીત સંજોગ હતા છતાં અમે બધા હસી પડ્યા. રેન્જ પર તેને દસ ફ્રન્ટ રોલ (ગુલાંટ ખાવા)ની શિક્ષા કરીને છોડી દીધો.

અત્યારે વિચાર આવે છે કે રાજાજી જ્યારે મારા હાથમાં ગ્રેનેડ મૂકવા જતા હતા, ત્યારે સરતચૂકથી ગ્રેનેડ છટકીને અમે જે પાંચ ફીટ ઊંડી ખાઈમાં ઊભા હતા, તેમાં પડી ગયો હોત તો? અને મેં ગ્રેનેડને ફેંક્યો, તે પહેલાં મારા હાથમાં ફાટ્યો હોત તો?

1 thought on “જીપ્સીની ડાયરી-૩૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. Again that GEBI SHAKTI saved you :”`સાબજી, વાહેગુરુને આપકો બચા લિયા. ઉસકે બગૈર આપકે આધે ઇંચ નજદીક આયે હુવે મૌત કો કોઈ નહીં રોક સકતા.’”

    and once more Almighty saved you and troop: “`સાબજી, હમેં બહુત ડર લગ રહા હૈ. આપ હી ગોલા ફેંકે.’ “

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s