મને હજી યાદ છે-૭૨ (બાબુ સુથાર)


બાનું અવસાન

આખરે બા સાજાં થઈ ગયાં. પણ, ઘેર, એટલે કે મારા વતન ભરોડીમાં, મોકલી શકાય એટલાં સાજાં તો નહીં જ. એટલે મેં અને મારા નાનાભાઈએ એમને વડોદરામાં જ, નાનાભાઈને ત્યાં જ, રાખવાનો નિર્ણય લીધો. મેં અગાઉ નોંધ્યું છે એમ નાનોભાઈ ત્યાર વડોદરામાં એના એક દીકરા અને એક દીકરી સાથે રહેતો હતો. એનાં પત્ની તો હતાં નહીં. એ ટેલિફોન ખાતામાં નોકરી કરતો હતો એટલે એને સરકારી ઘર મળેલું. ઘર પ્રમાણમાં ઠીક ઠીક મોટું હતું. એટલે બાને રાખવામાં મુશ્કેલી પડે એમ ન હતી. પણ સવાલ એ હતો કે બાની કાળજી કોણ રાખશે? નાનાભાઈએ એના કોઈક મિત્રનો સંપર્ક સાધ્યો. એ નર્સિંગની સુવિધા પૂરો પાડતો હતો. એણે એક બાઈ શોધી આપી. એને પ્રાથમિક સારવારની થોડીક સુઝ હતી. એણે એ બાઈને બાની સેવા કરવા રાખી લીધી.

       પણ, બાની બે મુશ્કેલીઓ હતી. એક તો એ પોતાની જાતે ઊઠબેસ કરી શકતાં ન હતાં. અને બીજું, આટલા બધા દિવસ એ ICUમાં રહેલાં એને કારણે એમને દિશાભ્રમ થઈ ગયેલો. એમને એ ક્યાં છે એ સમજાતું જ ન હતું. એ સ્થળ અને દિશાની સૂઝ તદ્દન ગુમાવી બેઠાં હતાં. એને કારણે એ વારંવાર “હું ક્યાં છું?”, “મારું ઘર ક્યાં ગયું?” જેવા પ્રશ્નો પૂછ્યા કરતાં હતાં અને ક્યારેક જોરજોરથી રડતાં પણ હતાં. બાપુજી પણ એ વખતે બાની સાથે જ મારા નાનાભાઈને ત્યાં રહેતા હતા. એમને એવું લાગતું હતું કે આ તો ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું થયું છે. એક તબક્કે તો એમણે નાનાભાઈને પૂછી પણ નાખેલું કે ભાઈ, તમારાં બા ગાંડાં તો નહીં થઈ જાયને? હું રોજેરોજ નાનાભાઈના સંપર્કમાં રહેતો હતો અને એને એક વાતનું આશ્વાસન આપતો રહેતો હતો કે તું ખર્ચની ચિન્તા ન કરતો. હું બેઠો છું.

       વચ્ચે વચ્ચે દાક્તર બાને ઘેર જોવા જતા. બા દાક્તર સાથે સ્વસ્થ બનીને વાત કરતાં. પણ પછી તરત જ દિશાહીન થઈ જતાં. એક વખતે દાક્તર એમને જોવા આવ્યા ત્યારે બાએ એને પૂછ્યું, “હું મારા ઘેર ક્યારે જઈશ?” દાક્તર કહે, “તમે ચાલતા થઈ જાઓ ત્યારે.” બાએ તરત જ ત્યાં પડેલી લોખંડની ફોલ્ડીંગ ખુરશી લઈ, એને વૉકરની જેમ પકડી, દાક્તરને દસ ડગલાં ચાલી બતાવ્યું અને કહ્યું, “જુઓ સાહેબ, હું ચાલી શકું છું.” દાક્તર તો આભા થઈ ગયા. એણે કોઈ દરદીને આ રીતે ચાલી બતાવતાં જોયા ન હતા. જ્યારે નાનાભાઈએ મને આ વાત કરી ત્યારે મને આશ્ચર્ય ન હતું થયું. બા તદ્દન સ્વતંત્ર જીવન જીવવા ટેવાયેલાં હતાં. દીકરાઓના ઘેર રહી, એમની વહુઓનું સાંભળવા બા જરા પણ તૈયાર ન હતાં.

       આ બાજુ નાનોભાઈ પણ હવે ધીરજ ગુમાવવા લાગ્યો હતો. એને થતું હતું: બાને સમય અને સ્થળની સુઝ ક્યારે આવશે? આખરે એક દિવસે મેં એને ફોન પર કહ્યું, “બાને ભરોડી મોકલી આપ. એ કહે, “આવી પરિસ્થિતિમાં?” મેં કહ્યું, “હા. ભરોડી જશે. એમની બહેનપણીઓને મળશે. સાથે બેસશે. બધાંને ઓળખશે. છીંકણી સૂંઘશે. એટલે દિશા અને સમયનું ભાન આવી જશે.” પણ સવાલ એ હતો કે ભરોડીમાં એમની કાળજી કોણ રાખશે?

મેં મારા ભત્રીજાને વાત કરી તો એણે ના પાડી દીધી. નહીં તો ભાભી અને ભત્રીજાની વહુ એમની કાળજી લઈ શકે એમ હતાં. ભાભી આમેય એકલાં હતાં. કેમકે મારો મોટો ભાઈ એમને છોડીને બીજી કોઈક સ્ત્રી સાથે રહેતો હતો. અલબત્ત, પાડોશના વીરપુર ગામમાં. પણ એમણે કહી દીધું કે બાને નવડાવવાધોવડાવવાનું કામ અમારાથી નહીં થાય. એવી ઠોંઠવેડ કોણ કરે. હું એમને જેટલા પૈસા નર્સને આપવાનો હતો એટલા પૈસા આપવા માગતો હતો. આખરે નાનાભાઈએ પેલી નર્સને સમજાવી. એને એકેબે બાળકો હતાં. પણ પૈસાની પણ ખૂબ જરૂર હતી. એનાં બાળકો નિશાળમાં ભણતાં હતાં. પણ, ગામડામાં જવા કોણ તૈયાર થાય? ભાઈએ એને કહ્યું કે અમે તને મોં માગ્યો પગાર આપીએ. એણે મહિને ચૌદ હજાર રૂપિયા માગ્યા. ભાઈ સંમત થયો. મારે તો સંમત અસંમત થવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. અમે બાને બને એટલા જલ્દી એમના માહોલમાં પાછાં મૂકવા માગતા હતા.

આખરે અમે બાને વડોદરાથી ખસેડી પાછાં ભરોડી લાવ્યાં. સાથે પેલી નર્સ પણ હતી. અજાણ્યા ગામમાં એક અજાણી સ્ત્રી. એ પણ યુવાન. એને કારણે પણ ઘણી સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ હતી. નાનાભાઈએ એ બાબતમાં એને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી. એટલું જ નહીં, એણે એક સ્થાનિક માણસને પણ કાળજી રાખવાનું કામ સોંપી દીધું હતું. મારે ભાઈને પૈસા મોકલવાના હતા અને ભાઈ પેલા સ્થાનિક માણસને પૈસા મોકલતો. પગાર ઉપરાંત, કરિયાણું તથા દવાઓના બીજા છ હજાર રૂપિયા જેટલો ખર્ચ મારે આપવાનો હતો. એટલે કે દર મહિને વીસ હજાર રૂપિયા. બીજા ખર્ચ આવે તે જુદા.

બા ઘેર આવ્યાં પછી મેં ધાર્યું હતું એવું જ થયું. ગામ આખું બાને મળવા આવ્યું. પણ, બા કોઈને ઓળખી શકતાં ન હતાં. એમની બહેનપણીઓ પણ રોજ સાંજે વાળુ કરીને એમને મળવા આવવા લાગી. છીંકણીની ડાબલીઓ ખાલી થવા લાગી. એમ એમ બા બધાંને ઓળખવા લાગ્યાં ને એક અઠવાડિયામાં પાછાં હતાં એવાં ને એવાં થઈ ગયાં. એ હરફર કરવા લાગ્યાં. પણ, હવે રસોઈ વગેરેનું કામ તો પેલી બાઈ કરતી હતી. આ વખતે બાએ એ બાઈની નાતજાત વિશે કોઈ પ્રશ્ન ન’તો ઊઠાવ્યો. બાકી બા તો નાતજાતનાં માણસ. જો કે, નાનાભાઈએ પેલી બાઈને સમજાવી રાખેલી કે તને કોઈ નાતજાત વિશે પૂછે તો તારે કહેવાનું કે અમે બ્રાહ્મણ છીએ. આ બધું નાટક મારી ઇચ્છા વિરુદ્ધ ચાલતું હતું. કેમ કે હું તો વાસ્તવવાદી જીવ. પણ નાનોભાઈ કહે, “અહીં વાસ્તવવાદ નહીં ચાલે. થોડુંક જૂઠું બોલી લેવાનું.”

હવે બાનું ગાડું ગબડવા લાગ્યું હતું.

જો કે, બાની સામાજિક પ્રવૃત્તિઓ પર કોઈ નિયંત્રણ આવ્યું ન હતું. કોઈના ત્યાં કોઈ પ્રસંગ હોય તો બા એકલાં જતાં. ઇસરોડામાં એમની જમીન હતી. વારસામાં મળેલી. એટલે અવારનવાર ત્યાં પણ જતાં. બાને કદાચ હવે સાસરી કરતાં પીયર વધારે ગમતું હતું. એથી એ અવારનવાર ઇસરોડા જતાં. ક્યારેક પેલી બાઈને પણ સાથે લઈ જતાં.

એ બાઈ અને ગામના કેટલાક માણસો સાથે ક્યારેક વિવાદો પણ થતા. એ વિષે બહુ લખવા જેવું નથી. પણ એ બધા વિવાદો ઊકેલવાનું કામ અમે પેલા સ્થાનિક માણસને સોંપી દીધેલું. અમે એને કહેલું કે કોઈ કાયદાકીય પ્રશ્ન ઊભો થાય તો જ અમને પૂછવું. બાકીના બધા કોયડા તારી જાતે ઊકેલવા. તો પણ નાનીમોટી ફરિયાદો નાનાભાઈ સુધી પહોંચતી અને નાનોભાઈ એ બધી ફરિયાદોનો સારાંશ મને ફોન પર કહી સંભળાવતો. એમાંની ઘણી બધી ફરિયાદો વ્યવહારું હતી જે હું ઊકેલી શકું એમ ન હતો. વચ્ચે વચ્ચે એ બાઈ કામ છોડી દેવાની ધમકી આપતી હતી અને વધારે પગાર પણ માગતી હતી. ડોશીનો દીકરો પરદેશ હોય એટલે ડોશીની ભેંશ પણ ફોરેન ખાણ માગે. ધીમે ધીમે એનો પગાર, એક જ વરસમાં, મહિને સોળ હજાર રૂપિયા જેટલો, કરવો પડેલો. ડૉલરમાં ગણીએ તો પણ ત્યારે આ બધી રકમ ત્રણસોથી સાડાત્રણસો ડૉલર થતી હતી. મને એની સામે પણ વાંધો ન હતો.

છસાત મહિના બધું ઠીકઠાક ચાલ્યું. બા ખુશ હતાં. બાપુજી, ગામલોકો અને સમાજના માણસો પણ બે ભાઈઓની અને ખાસ કરીને તો રેખાની વાહ વાહ કરતા હતા. જે કોઈ બાને મળવા આવતું એ કહેતું કે તમે નસીબદાર છો કે દીકરા તમને આવી બધી સગવડો પૂરી પાડે છે. બા પણ ખુશ થઈ જતાં. ત્યાં જ એક દિવસે ફોન આવ્યો: “બા બેભાન થઈ ગયાં છે. લુણાવાડા દવાખાને લઈ જઈએ છીએ.”

મારે તો પૈસા મોકલવા સિવાય અને ફોન પર વાત કરી સલાહ આપવા સિવાય બીજું કંઈ કરવાનું ન હતું.

આખરે બાને લુણાવાડાના એક દવાખાનામાં દાખલ કર્યાં. મેં તરત જ લુણાવાડામાં રહેતા સાહિત્યકાર મિત્ર કાનજી પટેલને ફોન કર્યો ને કહ્યું કે તું જરા રૂબરૂ જઈને મને અહેવાલ આપ કે ખરેખર શું થયું છે. કદાચ એમને બીજો સ્ટ્રોક આવેલો. આ બાજુ નાનાભાઈને પણ સમાચાર આપી દીધા. એ પણ વડોદરાથી લુણાવાડા આવી ગયો. બાને ખરેખર શું થયેલું એની મને પણ ખબર નથી. કેમ કે મારી સાથે કોઈ મેડીકલ ભાષામાં વાત કરવા તૈયાર જ ન હતું. હું જેને ફોન કરીને પૂછતો એ એમ કહેતું કે દાક્તર કહે છે કે અઠવાડિયામાં બરાબર થઈ જશે. જીવને જોખમ નથી. મેં એક તબક્કે બાને ખરેખર શું થયું છે એ વિશે પૂછવાનું બંધ કરી દીધું. હું અંદરથી ખૂબ જ અકળાતો હતો. નાનાભાઈ પર પણ હું અકળાઈ ગયેલો. મેં એને કહ્યું કે તું તો ભણેલો માણસ છે. દાક્તરને પૂછ કે બાને સાચેસાચ શું થયું છે? પણ એ પણ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી શકતો ન હતો. હું પણ, મેં આગળ નોંધ્યું છે એમ, ઇમિગ્રેશન અને નોકરીના કારણે, ભારત જઈ શકું એમ ન હતો. અહીં યુનિવર્સિટીઓમાં તમે લાંબી રજા લો તો તમારે એ સેમસ્ટર પૂરતા કોર્સ રદ કરવો પડે અને ટૂંકી રજા લો તો જેટલા ક્લાસ તમે ન લીધા હોય એ બધા પાછા ભરપાઈ કરી આપવા પડે. માનો કે હું એક અઠવાડિયા માટે ભારત જાઉં તો મારે એક અઠવાડિયાના ક્લાસ પાછા ભરી આપવા પડે. એ કામ ખૂબ મુશ્કેલ બની જાય. કેમ કે, ભાષાના વર્ગમાં વિદ્યાર્થીઓ જુદી જુદી અનેક ફેકલ્ટીઓમાંથી ભણવા આવતા હોય છે. જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે એમાંના બેત્રણ વિદ્યાર્થીઓ પાસે સમય ન હોય. અમેરિકામાં પહેલા ક્લાસમાં જ તમારે વિદ્યાર્થીઓને કયા દિવસે તમે શું ભણાવશો એનું ટાઈમટેબલ આપી દેવું પડે. પછી એ ટાઈમટેબલમાં તમે છૂટ લો તો વિદ્યાર્થીઓ તમારી સામે ફરિયાદ કરે.

પંદરેક દિવસ દવાખાનામાંથી ગાળીને બા પાછાં ઘેર આવી ગયાં. બાની એક ખાસિયત હતી. એ સાજાં થઈ જાય પછી એવું માનતાં કે એ અમર બની ગયાં છે. હવે એમને કશું થવાનું નથી. મને એમનો એ અભિગમ ખૂબ ગમતો હતો. મને ક્યારેય એમ ન’તું થતું કે હવે બાની ઉંમર થઈ છે. જાય તો વાંધો નહીં. મને એમ જ લાગતું કે યમરાજા પાડો લઈને બા પાસે આવે છે ત્યારે બા એમને ચા પીવડાવીને પાછા મોકલી દે છે. હું ક્યારેક રેખાને કહેતો કે બા મરણને પણ ઊઠબેસ કરાવે એવાં છે.

આ બીજી વારની માંદગી પછી પણ એમણે એમનો સ્વભાવ ન’તો બદલ્યો. જો કે, પેલી બાઈને કારણે એ સમયસર દવા લેતાં અને સમયસર ખાતાં. ત્યારે મને આજે છે એવી healthcareની સુઝ ન હતી. જો હોત તો મેં અહીં બેંઠાં બેઠાં બાની વધારે સારી કાળજી રાખવાના પ્રયાસ કર્યા હોત.

બાની સમાન્તરે હું બાપુજીની પણ એટલી જ કાળજી રાખતો હતો. મેં અગાઉ નોંધ્યું છે એમ બાપુજીને બહુ ઓછું સંભળાતું હતું. મેં એક વાર નાનાભાઈને કહ્યું કે કાકા (બાપુજી) સાથે વાત નથી થતી. એને કારણે મને એવું લાગે છે કે મેં એમને કાયમ માટે ખોઈ નાખ્યા છે. તું એમને સાંભળવાનું યંત્ર લઈ આપ. જે ખર્ચ થાય તે. એણે બધા ટેસ્ટ કરાવીને એમને ત્રીસેક હજારનું યંત્ર પણ લઈ આપ્યું પણ થોડા વખત પછી કાં તો એ યંત્ર એમણે ખોઈ નાખ્યું કાં તો કોઈક લઈ ગયું. બાપુજી કહે કે ભાઈ, કોઈક લઈ ગયું. મેં ઘરમાં જ મૂકેલું. ઘરમાં જે લોકો રહેતા હતા એ કહે કે ના, એમણે ખોઈ નાખ્યું છે. મેં ભાઈને કહ્યું, “કોઈના પર આળ ન ચડાવતો. જે થયું તે થયું. પણ હવે બીજું યંત્ર નથી લાવવાનું.” સદ્‌નસીબે, બાપુજીની તબિયત સારી રહેતી હતી એટલે અમારે એમની બહુ ચિન્તા કરવાની ન હતી. પણ એમને સતત એમ થતું કે હું એકાદવાર ભારત જઈને એમને મળી લઉં. હું એમને વચન આપતો પણ એ વચન પાળી શકાય એવી પરિસ્થિતિ ઊભી ન’તો કરતો. મને થતું કે હું જેટલો ખર્ચ ભારત જવાઆવવા માટે કરું એટલો ખર્ચ જો એમની સુવિધા પાછળ કરું તો કદાચ એમના જીવનની ગુણવત્તા વધારે સુધરે.

પણ, હવે બાની તબિયત ધીમે ધીમે કથળતી જતી હતી. યમરાજના આંટાફેરા વધી ગયા હતા. નવેમ્બર ૨૦૧૨માં એક દિવસે મારા પર ફોન આવ્યો: બા હવે બચે એમ નથી. મને લાગ્યું કે ફોન કરનાર મારી સાથે મજાક કરી રહ્યો છે. કેમ કે બા એમ સરળતાથી ચાલ્યાં જાય એમ ન હતાં. પણ, કમનસીબે એ સમાચાર સાચા હતા. એમને દવાખાને પણ લઈ જવાં પડે એટલાં પણ એ સ્વસ્થ ન હતાં. બીજા જ દિવસે પાછો આવ્યો કે બા ગયાં.

મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ જેટલું ફોન પર રડતા હશે એટલું ભાગ્યે જ ઘરમાં એકલા હોય ત્યારે રડતા હશે. હું રડી શકું એમ પણ ન હતો. કેમ કે સામેથી ફોન કરનાર વ્યક્તિ મારા પાડોશી હતા. આપણે રડતી વખતે પણ કોની સામે રડવાનું છે એ નક્કી કરતા હોઈએ છીએ. વળી મારે હવે અહીં બેઠા બેઠા બાની અંતિમક્રિયાની પણ તૈયારીઓ કરવાની હતી. રિવાજ પ્રમાણે અગ્નિદાહ મોટો દીકરો આપે. પણ મોટા દીકરાને એના કુટુંબ સાથે અંટસ. એનાં કુટુંબીઓએ એને કહ્યું કે અંતિમક્રિયામાં આવવું હોય તો એકલા આવો. સાથે બીજી પત્નીને ન લાવો. મોટો ભાઈ કહે કે આવીએ તો અમે બન્ને આવીએ. નહીં તો કોઈ નહીં. બન્નેમાંથી એક પણ પક્ષ નમવા માટે તૈયાર ન હતો. બન્ને પક્ષો, મારી દૃષ્ટિએ, એક મૃતદેહનું પોતપોતાના હીતમાં શોષણ કરી રહ્યા હતા. આખરે મોટાએ ઘેર આવવાની ના પાડી દીધી. એટલું જ નહીં, એણે સીધા સ્મશાનમાં પણ જવાની ના પાડી દીધી. હું આટલે દૂર બેઠો બેઠો કશુંજ કરી શકું એમ ન હતો. નાનોભાઈ સેમિનારમાં ગયેલો હતો. એને સમાચાર આપ્યા. તો એ કહે કે હું સીધો સ્મશાનમાં જ આવું છું. આ બાજુ દેહ પડ્યા પછી એક બીજી રમત પણ રમાઈ. બા ગયાં એ સાથે બાનું ઘર પણ ભેળાઈ ગયું હતું. મૃતદેહ એક બાજુ પડી રહ્યો ને કેટલાક માણસોએ ઘરમાંથી જે કંઈ હાથ લાગ્યું એના પર કાં તો નજર બગાડી, કાં તો હાથ. બાનાં એકબે ઘરેણાં પણ ગૂમ થઈ ગયાં. શરીર પરથી ગયાં કે ઘરમાંથી એ હજી પણ એક કોયડો છે. મેં મારા ભત્રીજાને ફોન કર્યો ને હૈયું કઠોર કરીને કહ્યું કે બાનો દોરો બાજુ પર રાખજે. મારે બાની સ્મૃતિમાં એ દોરો મારા દીકરાની વહુને આપવાનો છે.

બાએ એમના મરણની તૈયારી કરી રાખેલી. એ મને ઘણી વાર કહેતાં કે હું મરી જઈશ ત્યારે તમારે કોઈએ દુકાનમાં નહીં જવું પડે. નાળિયેર, નાડાછડી, દોરડી વગેરે લાવીને મૂકી રાખ્યાં છે. બાએ એમની નનામીના વાંસ પણ લાવીને મૂકી રાખેલા. એ જ વાંસ, એજ નાળિયેર, એ જ નાડાછડી અને દોરડીથી બાની નનામી તૈયાર કરવામાં આવેલી. આખરે ત્રણ દીકરાઓની માની અંતિમયાત્રા નીકળેલી પણ એમાં એકેય દીકરો હાજર ન હતો. ગામલોકો અને નાતના માણસો પણ મોટા પાયે જોડાયેલા. નાનોભાઈ સમયસર સ્મશાને ન હતો પહોંચી શકો. આખરે ભત્રીજાએ, એટલે કે મોટા ભાઈના દીકરાએ, દાદીને અગ્નિસંસ્કાર આપેલા.

અગ્નિસંસ્કાર પછી મોટા ભાગની વિધિઓ ભત્રીજાએ કરેલી. નાનાભાઈએ અસ્થિવિસર્જનની જવાબદારી સંભાળેલી. એણે મને કહેલું કે અહીં કેટલીક એજન્સીઓ છે. એ લોકો આપણા વતી અસ્થિવિસર્જન કરતી હોય છે. મેં જરાક કઠોર બનીને એને કહેલું: માએ તને કે મને જનમ આપ્યો છે. એજન્સીઓને નહીં. તારાથી ન જવાય તો અસ્થિ કોઈ બેંકમાં મૂકી રાખ. હું આવીને પધરાવી આવીશ. એ મારો આક્રોશ સમજી ગયેલો. નાનોભાઈ બહુ ધાર્મિક જીવ છે. પણ, એ ય ત્યારે અનેક વાવાઝોડાંમાં ફસાયેલો હતો. એનું જીવન મારા જીવન કરતાં વધારે ક્રુર હતું. જો કે, હવે એ ક્રુરતા ઘણી ઘટી ગઈ છે પણ તદ્દન અદૃશ્ય થઈ નથી. જો એ એની આત્મકથા લખે તો એ કદાચ ભારતના આધુનિકીકરણ અને ગ્લોબલાઈઝેશનની પણ એક કથા બની રહે.

બા ગયાં. એ સાથે એક પેઢી ચાલી ગઈ. હવે પછી જે પેઢી આવશે એ કદાચ બાની વાતો સાંભળવા પણ તૈયાર નહીં હોય. આપણે બધા ધીમે ધીમે કથાજગતનું પાત્ર બનવાની ક્ષમતાઓ પણ ગુમાવી રહ્યા છીએ. હવે પછીનાં બાળકો બાની વાતો કરતાં ટીવી પરની જાહેરાતો વધારે જોશે, વધારે સાંભળશે.

હવે (અ)મારે બાપુજીની કાળજી લેવાની હતી. પેલી બાઈ તો બાના અવસાનના દિવસે કે બીજા જ દિવસે ચાલી ગયેલી. હવે (અ)મારે બીજી વ્યવસ્થા ગોઠવવાની હતી.

કાકા,  બા અને મારૂં ઘર

4 thoughts on “મને હજી યાદ છે-૭૨ (બાબુ સુથાર)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s