કાવ્યધારા-૬


ગોષ્ઠિ વિપિન પરીખ

બે વૃક્ષ મળે ત્યારે

સોના અને રૂપાનું પ્રદર્શન નથી કરતાં

માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.

બે પંખીઓ મળે ત્યારે

રેલવેના ટાઇમટેબલની ચિંતા નથી કરતાં.

કેવળ સૂરને હવામાં છુટ્ટો મૂકે છે.

બે ફૂલ મળે ત્યારે

સિદ્ધાંતોની ગરમાગરમ ચર્ચા નથી કરતાં

ફ્કત સુવાસોની આપલે કરે છે

બે તારા મળે ત્યારે

આંગળીના વેઢા પર

સ્કવૅર ફીટના સરવાળા-બાદબાકી નથી કરતા

અનંત આકાશમાં વિરાટ પગલાંની વાતો કરે છે.

વિપિન પરીખ

વિપિન પરીખની કવિતા ગોષ્ઠિનો આસ્વાદ હિતેન આનંદપરા

  બે અજાણ્યા લોકો મળે ત્યારે વાત શું કરવી એ પેચીદો પ્રશ્ન હોય છે. બ્રેક થ્રૂ થતાં વાર લાગે. એક રસપ્રદ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એક રૂમમાં એકબીજાથી અપરિચિત પુરુષોને ભેગા કરવામાં આવ્યા. બીજા રૂમમાં અપરિચિત સ્ત્રીઓને રાખવામાં આવી. પછી જોવામાં આવ્યું કે કેટલી વારમાં તેઓ અંદરઅંદર હળેમળે છે. કહેવાની જરૂર નથી કે સ્ત્રીઓ દૂધમાં સાકર ઓગળે એટલી સહેલાઈથી વાતોમાં ભળી ગઈ. પુરુષોને વાર લાગી એટલું જ નહીં ખુલીને તેઓ એકબીજાને મળ્યા પણ નહીં. પુરુષને પોતાપણું પૂરવાર કરવામાં રસ હોય છે, સ્ત્રીને પોતીકાપણું જન્મથી મળેલી દેણ છે.

    કુદરતના સર્જનો જ્યારે એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે એમાં એક ધન્યતા વર્તાય. તેમને પ્રદર્શનમાં નહીં દર્શનમાં વધારે રસ હોય છે. બે વૃક્ષ મળે ત્યારે વસંત ને પાનખરની વાતો કરી જાણે. પોતાની પાસે કેટલાં પાંદડા છે, ફળ છે, ફૂલ છે એની બડાઈ કરવામાં તેમને રસ નથી હોતો. ભાર વધે તો પોતે જ જાતે ખેરવી નાંખે.

   બે પંખીઓ મળે ત્યારે ટહુકાઓની આપલે થાય. એકબીજાની પાંખો મજામાં છે કે નહીં તેની પૃચ્છા થાય. સાંજના ચણની ફિકર જરૂર હોય, પણ ડર ન હોય. માળો બનાવવા સારી સળીઓ ક્યાં મળે છે એની ઈન્કવાયરી હોય, પણ ચોવટ ન હોય.

    બે ફૂલ મળે ત્યારે બે સુવાસ એકમેકને ભેટતી હોય છે. બંનેની પાંદડીઓના રંગ ભલે જુદા હોય, પણ બંને એક જ સર્જકના સર્જન છે એનું ગૌરવ હોય. મને સવારે જેટલું ઝાકળ મળ્યું એટલું તને પણ મળે એવી શુભેચ્છા હોય. મારા કરતાં તારા પર વધારે પતંગિયા બેસે એની બેસ્ટ વિશિઝ હોય.

    બે તારા મળે ત્યારે અનંત બ્રહ્માંડની વાતો છેડાય. સચરાચરમાં ફેલાતી ચેતનાની ચર્ચા થાય.

    બે માણસ મળે ત્યારે? કવિએ ઉલ્લેખ કર્યા વગર એવી સલૂકાઈથી ચાબખા માર્યા છે કે ઠંડો આઘાત લાગે. બે માણસ મળે ત્યારે શું લાભ થશે એની ગણતરીઓ રચાતી જાય. પ્રતિસ્પર્ધી હોય તો બેટમજીને કેમ સાણસામાં લેવો એની બાજી રમાતી હોય. વૅવલેન્થ ન મળતી હોય ત્યારે હવામાનથી વાત શરૂ થાય અને ત્યાં જ પૂરી જાય.

     રોજિંદી સમસ્યાઓની રોકકળ, પાણીના પ્રોબ્લેમ, શેરમાં પૈસા ડૂબી ગયાનો વસવસો, શાકભાજીના વધતા ભાવ, ગેસના વિસ્તરતા ઘાવ, પ્રમોશન અટકી પડયાનો રંજ, ઑફિસમાં ચાલતા રાજકારણનો આતંક, નવું ઘર લેવામાં પડતી ઘટની ઘટમાળ, છોકરાવના ઍડમિશનનું ચક્કર, દીકરીને સારી જગ્યાએ પરણાવવાની ચિંતા… વગેરે અનેક અનેક મુશ્કેલીઓનું મહાભારત ખેલાતું હોય ત્યારે પ્રકૃતિની પારાયણ વળી કોણ માંડે?

    આપણને પ્રકૃતિ કરતાં પ્રદર્શનમાં, સ્વીકારની બદલે અધિકારમાં, પ્રાપ્તિને બદલે પરિગ્રહમાં, પૃચ્છાની બદલે પંચાતમાં, સંતોષને બદલે સ્વાર્થમાં વધારે રસ છે. એટલે આપણે કુદરતનો અવાજ સાંભળી શકતા નથી. અહોભાવને બાદ કરતી આકાંક્ષાઓ માનવીને મૂળથી વિખૂટો પાડે છે.

    ****************************************************************

મારું ગળુંપન્ના નાયક

તારું ગળું બહુ સાંકડું છે

બા કહેતાં.

હું ટીકડી ય ગળી શકતી નહીં.

ગળવા જાઉં

કે તરત ગળામાં અટકી જતી

અંતરાસ આવતી

આંખમાંથી પાણી દદડવા માંડતું

ઉબકા જેવું થતું

છતાંય

બાને રાજી રાખવા

પ્રયત્ન કરતી.

 બાનો હાથ વાંસે ફરતો હોય તોય

મારા બધા પ્રયત્નો નિષ્ફળ જતા.

હવે

ટીકડી તો શું

જીવનને હચમચાવતા

કોઈ પણ પ્રકારના સંજોગોની

લખોટા જેવડી ગોળીઓ પણ

હસતે મોઢે

ગળી શકું છું.

પન્ના નાયકનીમારું ગળુંકવિતાનો આસ્વાદઃ હિતેન આનંદપરા

 

     અમેરિકામાં વસતાં કવયિત્રી પન્ના નાયકના 11મા કાવ્યસંગ્રહ ‘અંતિમે’માંથી આ રચના તારવી છે. પરદેશમાં રહીને ભાષાનું જતન કરી જાણનાર આવા સર્જકોથી ભાષા ગૌરવવંતી છે. પ્રસ્તુત કાવ્યમાં વાત છે સ્વીકાર અને સમાધાનની.

     ઉંમરની સાથે ઘાટ ઘડાતો જાય. સ્કૂલમાં સાથે ભણતા વિદ્યાર્થીઓમાં પહેલે નંબરે પાસ થનાર વિદ્યાર્થી સામાન્ય એકાઉન્ટન્ટ કે શિક્ષક બનીને રહી જાય અને 35 ટકાના ફાંફા હોય એવો વિદ્યાર્થી બે-બે ફેક્ટરીનો માલિક બને. જિંદગી કંઈ એવા વળાંક લે કે બધી પ્રતિભાની પૂર્ણાહુતિ થઈ જાય. ટેલેન્ટને યોગ્ય તક ન મળે.  બીજી તરફ જેની કાયમ મજાક ઊડાવતા હોઈએ એવા ટીનુ, મીનુ કે રાજાને સલામ ભરવી પડે એવા સ્ટેટસે પહોંચી જાય.

જિંદગી અનેક રોમાંચ અને વળાંકોથી ભરપૂર હોય છે. સંજોગો આપણને સમાધાન તરફ દોરી જાય. આંધીઓ વચ્ચે અડીખમ રહીને જીવનાર લોકો વિરલ હોય છે. સામાન્ય માનવીએ કાં તો તૂટવું પડે કાં નમવું પડે.

      કવયિત્રીએ જિંદગીની વાત કરવા માટે ટીકડીનો સહારો લીધો છે. આપણને નાનપણમાં શરદી થતી ત્યારે ગળચટ્ટો સીરપ ભાવતો, પણ ગોળી ગળવાની આવે કે કડવી દવા લેવાની આવે ત્યારે હૈયે ઘા વાગતા. આજે પણ લાંબીલચક રૂપાળી કેપ્સુલના દર્શન માત્રથી ગૂંગળામણ ગળે પડે છે. એક સાથે ચાર-ચાર ગોળી ગળી જતા બહાદુર દરદીને જોઈએ ત્યારે કૂતુહલવશ મસ્તક નમી જાય.

       નાનપણમાં તો મમ્મીનો વ્હાલસોયો હાથ ફરતો હોય એટલે એક સધિયારો જરૂર રહે. મોટા થઈએ એટલે વ્હાલ મેળવવાની જગ્યાએ વ્હાલ આપવાની ભૂમિકામાં આવવાનું હોય. એકલી રહેતી વ્યક્તિને ખબર હોય છે સાજે-માંદે એકલા રહેવાની પીડા. ત્રણ ડિગ્રી તાવ હોય તોય માથે પોતું મૂકનારું કોઈ ન હોય. સ્ટ્રીપ તોડી, ગોળી કાઢી, પાણીનો ગ્લાસ જાતે જ ભરી ગળવી પડે. ફાટફાટ માથું દુઃખતું હોય ને વિક્સ જાતે જ ઘસવું પડે.

     એકલતા આપણને એક તરફ મજબૂત બનાવે છે તો બીજી તરફ હૂંફથી વંચિત રાખે છે. દુઃખનું કામ માણસને ઘડવાનું છે. ઉંમર વધવાની સાથે વૃક્ષ મજબૂત બનવું જોઈએ. કાચીપોચી રહેતી જિજિવિષા ગમે ત્યારે ફસડાઈ પડે. પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું માનવીએ શીખી લેવું પડે. મનોબળ એ સૌથી ઉત્તમ પ્રકારની મેડિસિન છે જે કોઈ ફાર્મા કંપની બનાવી નથી શકતી. દરેકે એ પોતે જ બનાવવી પડે.

     મુશ્કેલીઓમાં આમ પણ આપણી પાસે બે પર્યાય હોય છે. દુઃખી થઈને સામનો કરો અથવા હસતે મોઢે સામનો કરો. જિંદગીની યુનિવર્સિટીમાં સંજોગ નામનો પ્રાધ્યાપક શીખવાડવા તૈયાર જ હોય છે.

     ઍડજસ્ટ થવાનું દરેકે શીખવું પડે. મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન સામે મસમોટું ઓવલ મેદાન છે. એમાં નાળિયેરીના વૃક્ષો પાસપાસે લહેરાતા જોવા મળશે. બે વૃક્ષોની વચ્ચેનું વૃક્ષ સ્માર્ટ બનીને ઊંચે જવાની બદલે રીતસરનું આડું ફાટ્યું ટયું છે. તેને ખબર છે કે મારે ટકવું હશે તો ઊંચે જવાની મમત છોડી સમાધાન કરવું જ પડશે. વાત જ્યારે સર્વાઈવલની આવે ત્યારે ટીકડીઓનો તરજૂમો કરતા શીખી જવું પડે.

 

 

 

 

 

 

3 thoughts on “કાવ્યધારા-૬

  1. very nicely expresses philosophy of life : “બે ફૂલ મળે ત્યારે બે સુવાસ એકમેકને ભેટતી હોય છે. બંનેની પાંદડીઓના રંગ ભલે જુદા હોય, પણ બંને એક જ સર્જકના સર્જન છે એનું ગૌરવ હોય. મને સવારે જેટલું ઝાકળ મળ્યું એટલું તને પણ મળે એવી શુભેચ્છા હોય. મારા કરતાં તારા પર વધારે પતંગિયા બેસે એની બેસ્ટ વિશિઝ હોય.”
    and :”એકલતા આપણને એક તરફ મજબૂત બનાવે છે તો બીજી તરફ હૂંફથી વંચિત રાખે છે. દુઃખનું કામ માણસને ઘડવાનું છે. ઉંમર વધવાની સાથે વૃક્ષ મજબૂત બનવું જોઈએ. કાચીપોચી રહેતી જિજિવિષા ગમે ત્યારે ફસડાઈ પડે. પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું માનવીએ શીખી લેવું પડે. મનોબળ એ સૌથી ઉત્તમ પ્રકારની મેડિસિન છે જે કોઈ ફાર્મા કંપની બનાવી નથી શકતી. દરેકે એ પોતે જ બનાવવી પડે.”

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s