જીપ્સીની ડાયરી-૪૦ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


આખ્યાયિકાઓ અને સત્યકથા…

આખ્યાયિકાઓ કહો કે દંતકથા, બધા ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસ એટલા માટે કે જૂના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ વાતો હોય છે પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. ગપગોળો લાંબા વખત સુધી ચાલી શકતો નથી. રાણકદેવીને સિદ્ધરાજ જયસિંહ લઈ જઈ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઈ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તૂટી પડતા ગિરનારને `મા પડ, મારા આધાર, ચોસલાં કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે..’. ગાયું હતું. પહાડ પરથી પડતા ખડકની થઈ આખ્યાયિકા, પણ રાણકદે તો ઐતિહાસિક સતી હતા, તેનો ઇન્કાર થઈ શકે નહીં. કચ્છની આખ્યાયિકાઓ પણ એવી જ છે.

માધાપર પાસેના `જખ’ના મંદિરની જ વાત જુઓને! અહીંની આખ્યાયિકા છે કે બે હજાર વર્ષ પહેલાં કચ્છના આ ગામ પર લૂંટારાઓએ ઘાતક હુમલો કર્યાે હતો. તે વખતે ગોરા યક્ષોની સેના ઘોડા પર બેસીને આવી અને ગામલોકોને તેમણે બચાવ્યા. લડાઈમાં કેટલાક યક્ષ મૃત્યુ પામ્યા અને તેમની સ્મૃતિમાં ખાંભીઓ રચાઈ. આજે માધાપર પાસેના ટેકરા પર આવેલા `જખ’ના મંદિરમાં સદીઓ પહેલાં મૃત્યુ પામેલા યક્ષગણની ખાંભીઓની પૂજા થાય છે. દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ તેમના બલિદાનની વાત કહે છે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો આકાશમાંથી ઊતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા અને કચ્છના કોઈ બંદર પરથી પોતાને વતન જવા નીકળ્યા હતા. આવી જ આખ્યાયિકા હતી સિંધમાં. એક ઊંચા, વિશાળ ટેકરાને તેની આસપાસ રહેતા ગ્રામવાસીઓ ભૂતોનો વાસ ગણતા. આ ટેકરાનું નામ જ પડી ગયું – મરેલાઓનું સ્થાનક. સ્થાનિક સિંધી ભાષામાં તેનું નામ હતું મૂંએ-જો ડેરો. અંગ્રેજોએ તેનો જેવો ઉચ્ચાર કર્યાે તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ તેનું ભારતીયકરણ કર્યું, મોહન-જો-દરો. પુરાતત્ત્વવિદ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઈ. ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે તેનો નક્કર પુરાવો મળ્યો. આપણા કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ ઇતિહાસ છે. ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-બાળકોની કરુણ ઘટના રણમાં થઈ અને તેની આસપાસ વણાઈ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે મને નાડાબેટની સામેના રણમાં થયેલ અનુભૂતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4×4 મીટરની દેરી હતી તેનું આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી સેંકડો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષિત સહાય – આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે અને સામાન્ય લોકો તેને ચમત્કાર માને તો તેમાં અજુગતું કશું નથી. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું અમૃત મૂર્ત અને અમૂર્ત રીતે વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઈને મળે તો તેની ધન્યતામાં ચમત્કારની ચમક રહેલી છે એવું મારું માનવું છે.

કચ્છમાં મને સૌથી મોટો ફાયદો થયો હોય તો તે પક્ષીદર્શનમાં જાગેલા રસમાં. શિયાળામાં એક વાર અમે ચાર મિત્રો સ્કૂટર પર ભૂજથી માંડવી જવા નીકળ્યા. રસ્તાની બન્ને બાજુએ સુંદર વૃક્ષો પર કાબર જેવા પણ ભૂખરા રંગને બદલે કાળા, તથા પીળી ચાંચને બદલે લાલ રંગની ચાંચ ધરાવતાં આ પક્ષીઓનાં ઝુંડ જોઈ કુતૂહલ થયું. નાનાં તળાવોમાં મોરપિચ્છની ઝાંયવાળી ગરદન પર પાતળી સફેદ પટ્ટીવાળાં બતક જોયાં. થોડા દિવસ બાદ અમારી મેસમાં થયેલ પાર્ટીમાં મહારાવશ્રીના નાના ભાઈ સ્વ. હિંમતસિંહજી આવ્યા હતા. કચ્છની સંસ્કૃતિ, ઇતિહાસના નિષ્ણાત હોવા ઉપરાંત તેમની ખ્યાતિ પક્ષીવિદ તરીકે પણ ફેલાયેલી હતી. તેમણે અમને કહ્યું કે કાબર જેવા પક્ષીનું અંગ્રેજી નામ Rosy Pastor છે અને પેલા રંગબેરંગી બતક maillard હતાં. અમે મુંબઈથી ડો. સલીમ અલીનું `Book of Indian Birds (BIB) મગાવ્યું અને ત્યારથી પેટ્રોલિંગ પર જવાનું થાય તો મારા હૅવરસૅકમાં દૂરબીન અને સલીમ અલીનું પુસ્તક અચૂક લઈ જતો. શિયાળામાં રશિયાના બરફથી થીજેલા રાજ્ય સાઇબીરિયાથી આવતાં કુંજ (અં. Demoiselle Crane), સ્પેનથી આવતા ઊંધી વળેલી ચાંચવાળાં Avocet (એવસેટ) અને યુરોપથી આવતાં જંગલી હંસ (ગ્રેલૅગ) જેવાં અનેક પક્ષીઓ જોયાં. તેમને ઓળખવા લાગ્યો અને પક્ષીદર્શન જીવનભરનો શોખ બની ગયો. મજાની વાત તો ત્યારે થઈ કે કાશ્મીરમાં મારી બદલી થઈ ત્યારે મારા કંપની સાર્જન્ટ મેજર ગુરબચનસિંઘને પણ તેનો શોખ લાગ્યો. કેટલીય વાર તેઓ મારું BIB લઈ જતા. અમારી એક FDL (સુરક્ષાપંક્તિ) ખીણમાં આવેલા ગીચ જંગલમાં હતી. તેની મુલાકાતે અમે ગયા ત્યારે ગુરબચનસિંઘે મને ઉત્તેજિત સ્વરે કહ્યું, `સર, યહાં મૈંને `White Eye’ ઔર `Wagtail’ દેખા! ચલેં આપકો દિખાયેં’ અને ખરેખર આ પક્ષીઓ ત્યાં હતાં!

કચ્છ માટે મિલિટરી અને બીએસએફમાં કહેવત પ્રચલિત છે: કચ્છમાં બદલીનો હુકમ સાંભળીને આવતા અફસરો રડતાં આવે છે, અને ત્રણ વર્ષ પૂરાં થતાં જતી વખતે પણ રડે છે. બન્ને વખતનાં કારણો જુદાં છે. કચ્છ એટલે રેતીથી છવાયેલો અરબસ્તાન કે ગોબીના રણ જેવો પ્રદેશ એવી માન્યતાને લઈને લોકો ગભરાતા હોય છે. પરંતુ અહીં આવ્યા બાદ કચ્છની મહેમાનગતિ, લોકોનું સૌજન્ય અને `કચ્છડો બારે માસ’ની રમણીયતાનો ત્રણ વર્ષ સુધી આનંદ ભોગવીને બીજી જગ્યાએ પોસ્ટંગિ પર જતાં અત્યંત દુ:ખી થઈને જતાં જોયા છે.

આ છે પરપ્રાંતીયો પર આપણા ગુજરાતની અસર!

1 thought on “જીપ્સીની ડાયરી-૪૦ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s