ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૬


 હેપ્પી….!

પ્રથમ એણે બંધ બારી ખોલી નાંખી. તરત જ બાળતડકો ‘ગૂડમૉર્નિંગ’ કહેવા બારીમાંથી કૂદકો મારતાં બેડ પાસે દોડી ગયો. તાજી ભીની હવા શ્વાસમાં ભરતાં એનાં ફેફસાં પણ જાગ્યાં. પાછા ફરી ધીમેથી પથારી પાસે આવી પત્નીના કપાળ પર એણે હળવેથી ચુંબન કર્યું. પાંપણો ખૂલતાં જ ચાર આંખો મળી. પત્નીના નાકમાં ઑક્સિજનની નળી ઠીક ગોઠવતાં એ બોલ્યો :

‘ડિઅર… આજે…’ એ વાક્ય પૂરું ન કરી શક્યો. કારણ?

કંપતા હોઠોના સાયુજ્યમાંથી માંડ… માંડ શબ્દો બહાર આવ્યા ‘મ… મને… ખબર છે.’ અવાજના ભારને વહન કરતી હવાયે કંપી ઊઠી.

એ અનિમેષ પત્નીના કપાળ પર શોભાયમાન કંકુના ચાંદલાને તાકી રહ્યો. આકાશ વિનાના સૂર્યની કલ્પના એને થરથરાવી ગઈ. આંખોમાં બળપૂર્વક ધસી આવતા વિષાદભાવોને અટકવાની મનોમન વિનંતી કરતાં, એણે અનુકંપા સભર સ્વરે પૂછ્યું.

‘આજે કેમ લાગે છે?’

‘થોડા શ્રમભર્યા શ્વાસો પછી પત્નીના ગાલ પર આછેરી લાલાશ તરવરતી એ જોઈ રહ્યો.

‘તું… તું… કેમ… છે?’ શબ્દો હૂંફાળા હતા.

પથારીમાં બેઠા થવાની ચેષ્ટા કરતી પત્નીને ટેકો આપતાં એ બોલ્યો.

‘હું? હું તો ઠીક છું.’ ચહેરા પર સ્વસ્થતાનું લીંપણ કરતાં આગળ કહ્યું : ‘જો તારા માટે બ્રશ લાવ્યો છું.’ પત્નીના હાથમાં ટૂથપેસ્ટ લગાડેલું બ્રશ થમાવી એ પ્લાસ્ટિકનો બાઉલ અને પાણીનો ગ્લાસ હાથમાંથી ધરી સામે બેઠો. બ્રશિંગ પૂરું થતાં, એ ઊભો થયો અને ફરી બોલ્યો, ‘હું તારા માટે ગરમાગરમ ચા લઈ આવું.’

અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં ‘ઓય… મા’ કહેતા પત્ની બેવડ વળી ગઈ. બાઉલ અને ગ્લાસને ઝડપથી બાજુની ટિપોય પર મૂકી, પત્નીને સુવાડવામાં મદદ કરતાં બોલ્યો, ‘હું તને પેઇન કિલરની ટેબલેટ આપું છું.’

કબાટ ખોલી, દવાની બૉટલ ખોલી એક ટૅબલેટ પત્નીના હાથમાં મૂકી પાણીનો ગ્લાસ પત્ની સામે ધર્યો. પથારીમાં અર્ધા બેઠા, ગોળી પાણીના ઘૂંટડા સાથે ગળી પત્નીએ દર્દભર્યા સ્વરે કહ્યું.

‘હવે… એક… ટૅબલેટ… કામ નથી કરતી અને બે પણ નહીં. આખી બૉટલ જ.’

એ ઉતાવળે બોલી ઊઠ્યો, ‘ગાંડી થઈ ગઈ છે. તને ભાન છે તે શું બોલે છે?’ એના હૃદયની ધડકનોય ચોંકી ઊઠી.

‘હજી… લગી તો… મને ભાન છે… તને…?’

પત્નીની સભાનતા ક્ષણિક ખૂંચી. વીતેલાં વર્ષોનું ગળપણ ગળે ડૂમો બની બાઝી ગયું. બારી બહાર સાવ જ કોરા આકાશની કોર સૂર્ય છોડી ચૂક્યો હતો. પણ પોતાના મનના પડછાયા ટૂંકા નહીં થાય એ સત્ય એને સતાવી રહ્યું. ‘અસ્ત પામી રહેલા અસ્તિત્વને ક્યાં સુધી અર્ધવિરામ પર અટકાવી શકાય?’ મને પ્રશ્ન કર્યો, પણ હૃદય તો પ્રેમની ચાદર ઓઢીને બેસી રહ્યું.

સામેના ડ્રેસિંગ ટેબલ પર માથાની બિંદી, હાથની બંગડીઓ, પગનાં ઝાંઝર, કાનનાં બુટિયાં, મંગળસૂત્ર કોકની પ્રતીક્ષામાં સૂનમૂન પડ્યાં હતાં. એણે કિચન તરફ પગલાં ભર્યાં.

પત્નીએ બારી બહાર નજર કરી. બાજુમાં આવેલો બાગ તો ન દેખાયો. પણ એમાં ઊગેલાં વૃક્ષોએ ડાળી હલાવતાં કહ્યું, ‘ગૂડ મૉર્નિંગ!’

‘ગૂડ’ તો ક્યાંક સંતાઈ ગયું હતું અને ‘મૉર્નિંગ’ –

કિચનમાં ગૅસ પર ઊકળતી ચાની સપાટી પરથી ઊર્ધ્વગામી થઈ વીખરાતી વરાળ ગઈ કાલે એમની વચ્ચેના સંવાદનું રૂપ ધારણ કરવા લાગી.

‘મૅરેજ… સમયે… સાથે ભરેલાં સાત પગલાં…’

પત્નીના હાથમાં ઢીલી ખીચડી અને બટેટાનું શાક બાઉલમાં ભરી આપતાં એ બોલ્યો –

‘મને યાદ છે.’

‘સાથે… આપેલું વચન…’

‘કયું વચન!’ એણે અજાણ્યા બનવાનો ડોળ કર્યો.

‘તારી પત્નીને સુખી… રાખવાનું…’ અવાજમાં જાણે પ્રાણ પુરાયો.

‘ઓહ! સૉરી, મને લાગે છે હું નિષ્ફળ ગયો છું.’ નિરાશભાવે એ બોલ્યો.

‘આ ક્ષણ… સુધી તો નહીં જ. પણ હવે… સુખ હાથ છોડાવી રહ્યું છે… ત્યારે તું… આંગળી પકડી રાખવાની જીદ લઈને બેઠો છે.’

‘તુંય આ સમયે’ એ સહેજ અકળાયો.

‘જો તું ખુશ હોય તો… હું ય.’ પત્નીએ એક પ્રેમાળ નજર ફેંકી.

‘હું તને ખુશ જોવા માગું છું.’ કહેવાને બદલે ખીચડીનો કોળિયો ગળે ઊતારી પ્રશ્ન કર્યો, ‘તને ઍમ લાગે છે કે હું ખુશ નથી?’

‘કારણ કે હું ખુશ નથી.’ પાણીના બે ઘૂંટડા ભરી એ આગળ બોલી, ‘હું જવાબ નથી માગતી, પણ આ જ સત્ય છે.’

‘પ્લીઝ’ એ જાણે કરગર્યો.

‘હવે સુખની વ્યાખ્યા બદલ્યે શું ફાયદો?’ પત્નીનો શ્વાસ ઊંચો થયો.

‘તું ઇમોશનલ થઈ રહી છે. પ્લીઝ ટેક રેસ્ટ’ એણે આજીજી કરી.

થોડા શ્વાસોની આવનજાવન બાદ – ‘છૂટકારો જ આનો… હલ છે… બંને માટે…’ અવાજ દૃઢ થયો.

‘હની… પ્લીઝ…’ આંખો તરલ…

‘ઝાંઝવાનાં… જળ… પાછળ અમુક હદ… સુધી જ દોડાય, એ આપણે નહીં સમજીએ તો… કોણ…’

શ્વાસ ટૂંકો પડતાં એ બોલતાં અટકી ગઈ.

ચાનું પાણી તપેલીમાંથી સુ…ઉં…ઉં કરતું બહાર પડતાં જ એની તંદ્રા તૂટી. પોતાની હાજરીથી કિચનનો ખાલીપો નથી ભરાયો ઍમ એને લાગ્યું. પત્નીએ અગણિતવાર રાંધેલી રસોઈની સુગંધથી તરબતર કિચનની હવા – આજે એ કિચનની ભૂગોળનો જાણકાર જરૂર બની ગયો હતો. પણ એના ઇતિહાસમાં પોતાનું સ્થાન નજીવું છે એ જાણતો હતો. સુખની વ્યાખ્યા ઊભયનું સાંનિધ્ય માત્ર?

ઝડપથી ચાનો કપ ભરી એ બેડરૂમમાં આવ્યો. પત્ની હાથમાં કપ થમાવતાં બોલી, ‘થોડી ચા પી લે, સારું લાગશે…’

ત્રણ-ચાર ચૂસકીઓ લઈ પત્ની બોલી, ‘ચા… સારી બનાવતાં… આવડી ગઈ છે.’

જવાબમાં માત્ર એ હસ્યો.

બપોરના દુ:ખાવાની એક ગોળી આપતાં –

‘બસ એક જ ગોળી…

એણે પાણીનો ગ્લાસ આગળ કર્યો.

‘એક ગોળીથી કશું નહીં થાય. મારા છૂટકારાની દુઆ ઈશ્વર ક્યારે…’

‘મેં ક્યારે છૂટકારો માંગ્યો છે?’

‘લેટ્સ બી રીયલ, મારો શ્વાસ છૂટે તો તુંય… અભણ માણસ પણ આ સમજી શકે. મને તારી ચિંતા… હું છૂટું તો…’

પત્નીના હોઠો પર આંગળી મૂકતાં ‘શુભ શુભ બોલ, જો તને હાય કહેવા સૂરજે પણ બારીમાં ડોકિયું કર્યું હતું.’

પતિનો હાથ હટાવતાં એ બોલી ‘કદાચ બાય કહેવા માટે…’

એ ઊભો થઈ, એમના મૅરેજના લટકાવેલા ફોટા પાસે ઊભો રહ્યો ‘મને એ દિવસો યાદ આવે છે.’

‘આવવા જ જોઈએ.’

બહાર ધસમસતી કારો અને બસોના કર્કશ અવાજો વચ્ચે બાગનાં પંખીઓનો મધુર સ્વર ઓગળી ગયો હતો. જિંદગીને ક્યાંક અને ક્યારેક તો ધક્કો લાગવાનો જ! પત્નીની કૃશ કાયા, ફિક્કો ચહેરો, અસ્ત પામતા સૂર્યને આંખોમાં સમાવી લેવાની હિંમત ક્યાંથી લાવે? બધું જ માઇનસ… માઇનસ… પ્લસ ક્યાં છે?

ચહેરા પર સ્મિત લાદતાં ‘આજે સાંજે તારી કોઈ ખાવાની ફરમાઇમ?’

‘સ્વાદ જીભને છોડી ગયો છે’ બોલવાનું ટાળતાં દાળ-ઢોકળી ચાલશે.’ પત્ની બોલી.

‘યસ… તારી ફેવરીટ ગૂડ ચૉઇસ.’

‘મારી બેસ્ટ ચૉઇસ તું…!’

‘તું આરામ કર, હું તૈયારી કરીને આવું.’

દસ મિનિટ પછી બેડરૂમમાં આવતાં જોયું તો પત્ની સૂતી છે. બહાર આવી એ સોફામાં બેઠો. ઉષા પછી સંધ્યા-પ્રકૃતિનો ક્રમ, પોતે અપવાદરૂપ કેમ બની શકે? છોડવું નથી અને છોડીને શેષ જીવનમાં જોડવું શું? સાથ સાથ જીવન જીવવાની આદત… પ્રેમનું વલગણ… થતું રીયલાઇઝેશન…

આંખો સામે તાદૃશ થતો ઇતિહાસ. પ્રેમલગ્ન, ઓનરશિપનો નવો ફ્લૅટ, પત્નીને પોતાના બે હાથોમાં ઊંચકી ક્રૉસ કરેલો ઉંબરો, અંદર આવતાં કરેલી પ્રથમ કિસનું પ્રતિબિંબ હજુય બારણા પર સ્થગિત છે. સુહાગરાત પછી, પોતાના હાથમાંથી ન્યૂઝપેપરને હટાવી, શરમાતાં પત્નીએ આપેલા ચાના પ્યાલામાંથી લીધેલી પ્રથમ ચૂસ્કીની મીઠાશ હજુય એના હોઠો પર તાજી હતી. ઝરણાની જેમ ખળખળ વહેતા આનંદિત જીવનમાં ડૂબી ગયેલાં દિવસો અને રાતોની વાસંતી મહેંક કશું જ ભૂલી શકાય ઍમ નહોતું.

‘જો તને મારી આદત પડી જાય એ સારું નહીં.’ એ હંમેશાં મશ્કરી કરતી.

‘મને આ આદતનું વળગણ જીવનભર રહે, હું રોજ પ્રાર્થના કરું છું. જોઉં છું પછી તું કેમ કરીને છટકે છે!’

‘તારો જોરજુલમ મારી પર નહીં ચાલે.’

‘મૅડમ, ઍમ તને નહીં છટકવા દઉં.’

‘હે ભગવાન, મને આવા પાગલથી બચાવજે.’

‘હું… હું પાગલ’ પત્ની પકડવા એ દોડતો. એ જીભ કાઢતી બેડરૂમમાં દોડી જતી.

એણે ચારે તરફ નજર ફેરવી. આવા કેટલાય સુખદ કિસ્સાઓ એની આજુબાજુ ઘૂમતાં વાતો કરવા તત્પર હતા. મનગમતી હૂંફ અનુભવતા એણે આંખો બંધ કરી. મનગમતાં વર્ષો ક્ષણોની માફક વીતી ગયા હતા અને આવતી ક્ષણોનું વર્ષોનું રૂપ ધારણ કરવાની હતી. પોતે ક્યાંક અટકી ગયો છે. કંઈ જ નક્કી નથી કરી શકાતું. અણધાર્યો વળાંક આવી રહ્યો છે કે આવી ગયો છે. ક્યાંક વાંચેલું વાક્ય પાંપણોમાં ઊગી નીકળે છે. બંધ આંખે સ્પષ્ટપણે વંચાય છે.

‘Better an end with no pain

Then pain with no end…’

પણ આ તો જીવન છે. જીવવા જેવું? ધુમ્મસમાં વાંચેલું વાક્ય ઓગળી જાય છે. એ પકડવા ફાંફા મારે છે. પણ હાથ ખાલી રહી જાય છે.

અચાનક પત્નીની હળવી ચીસ સાંભળતાં, એ આંખો ખોલી સફાળો અંદર દોડી જાય છે.

‘આ ભયંકર દુ:ખાવો’… શબ્દોને હોઠોનું માધ્યમ છોડી, પત્નીની અર્ધખુલ્લી આંખોમાં તરતા એ જોઈ રહે છે. તડકો બેડરૂમ છોડી નાસી ગયો હતો. બહારનું આકાશ ઝાંખું પડી ગયું હતું. વૃક્ષોની ડાળીઓ નમી ગઈ હતી. એકેય પક્ષી દેખાતું નહોતું.

‘હું એને પ્રેમ કરું છું… પ્રેમ…’ એ મનમાં ચિત્કારી ઊઠે છે. બે મુઠ્ઠીઓ વાળી દે છે.

‘એટલે જ એને બંધન ન બનાવ.’ મનની દલીલ.

‘પ્લી…ઈ…ઈ…ઝ…’ એ કરગરે છે.

‘શું એ ખુશ છે… શું તું ખુશ છે?’

‘પણ… પણ…’

‘અગ્નિ ફરતે ફરેલા ફેરા યાદ કર, આપેલા કૉલ… ઓમ્- સ્વાહા?’

એ કિચનમાં જઈ પાણીનો ગ્લાસ લઈ બેડરૂમમાં આવે છે. પત્ની હજુય દર્દથી કણસી રહી છે. શબ્દો મૂર્છા પામી ગયા છે. એ નાનકડું ટેબલ પાસે ખસેડી એના પર પાણી ભરેલો ગ્લાસ મૂકે છે. પછી કબાટ ખોલી પેઇનકિલરના ટૅબલેટ્સની બૉટલ બહાર કાઢી કંપતા હાથે ઢાંકણું ખોલી એક ટૅબલૅટ પોતાના હાથમાં મૂકે છે. એનું મન અજબ ખેંચતાણ અનુભવે છે. અગ્નિ ફરતે ફરેલા ફેરા… આપેલો કૉલ… એ ટૅબલેટ– બૉટલમાં નાંખી ઢાંકણું બંધ કરી બૉટલને પાણીના ગ્લાસની બાજુમાં મૂકી દે છે. ચાર આંખો મળે છે. પત્નીના ચહેરા પર વિલસતું હાસ્ય એની સજળ આંખોમાં ડૂબી જાય છે. પત્નીનું કપાળ ચૂમી, પરાણે પોતાની દૃષ્ટિની દિશા બદલતો એ બેડરૂમની બહાર નીકળી જાય છે.

આજે એની પત્નીનો જન્મદિવસ છે. ગઈ કાલે લાવીને રેફ્રિજરેટરમાં મૂકેલી બર્થ-ડે કેકને એ સાચવીને બહાર કાઢી બ્રેકફાસ્ટ ટૅબલ પર ગોઠવે છે. ખુરશી ખેંચી ટૅબલ પાસે એ મીણબત્તી સળગાવી કેકમાં ખોસે છે.

પછી મૃદુ સ્વરે ‘હૅપ્પી બર્થ-ડે ટુ યુ… ડીઅર… હૅપ્પી બર્થ ડે ટુ યુ’ બોલતાં હળવેથી ફૂંક મારી મીણબત્તીને હોલવી નાંખે છે. સાથે જ બેડરૂમમાંથી કણસવાનો અવાજ પણ…

પ્રગાઢ ખામોશી ફ્લૅટનો કબજો લઈ લે છે.

***

 

 

 

 

 

 

 

 

 

2 thoughts on “ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૬

  1. very very touching story–Happy Birthday ….!!!! “પછી મૃદુ સ્વરે ‘હૅપ્પી બર્થ-ડે ટુ યુ… ડીઅર… હૅપ્પી બર્થ ડે ટુ યુ’ બોલતાં હળવેથી ફૂંક મારી મીણબત્તીને હોલવી નાંખે છે. સાથે જ બેડરૂમમાંથી કણસવાનો અવાજ પણ…

    Like

  2. જીવન અને મૃત્યુની સમાંતરે ચાલતી લીલાને લીલીયા રજૂ કરતી અત્યંત ભાવપૂર્ણ અને કલાસંયમથી શોભાયમાન વાર્તા. આ વાર્તા મુંબઈ કનુભાઈ ને ઘરે સાહિત્ય સંસદમાં સાંભળેલી.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s