જીપ્સીની ડાયરી-૪૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


1975 – પશ્ચિમના વાયરા…

યુવાનીમાં મારો પરિચય ગુજરાત સમાચારના જ્યોતિષ વિભાગના લેખક સ્વ. બાબુભાઈ ચાહવાલા સાથે થયો હતો. 1957માં તેમણે મારું ભવિષ્ય ભાખ્યું હતું કે આગામી જીવનમાં મારું વાસ્તવ્ય પશ્ચિમમાં થવાનું છે. હું જ્યોતિષમાં માનતો નથી. મેં તેમને હસીને કહ્યું, `બાબુભાઈ, તમારી વાત સાચી ઠરે તોપણ મારું ગજું ફક્ત ઓખા કે બેટ દ્વારકા સુધી પહોંચવાનું છે! ત્યાંથી આગળ જવાની મારી પહોંચ નથી, કે નથી કોઈ શક્તિ. તમારી વાત આ જન્મે તો શક્ય નથી.’

તેમણે મારી તરફ વેધક દૃષ્ટિથી જોયું અને કહ્યું, `ઓખામંડળથી પણ દૂર પશ્ચિમમાં જવાનું થાય તો મને યાદ કરજો.’

વાત ત્યાંજ પૂરી થઈ અને ભુલાઈ ગઈ.

1975ના શિયાળામાં અનુરાધાના સૌથી નાના ભાઈ ડો. રમેશ અને તેમનાં પત્ની ડો. વીણા, જેઓ લંડનમાં જનરલ મેડિકલ પ્રૅક્ટિશનર્સ હતાં, ભારતની મુલાકાતે આવ્યાં. સમય કાઢીને અમને મળવા તેઓ ખાસ ભૂજ આવ્યાં. એક સાંજે મને 1971ની લડાઈમાં જે કામગીરી માટે ગૅલન્ટ્રી એવોર્ડ મળ્યો તેનું વર્ણન કરવાનું કહ્યું.

મેં તેમને શરૂઆતથી આખર સુધી વાત કહી.

`નરેન, સાચે જ તારે આવા ભયાનક પ્રસંગોમાંથી જવું પડ્યું?’ તેણે ગંભીરતાપૂર્વક પૂછ્યું.

`રમેશ, આ તો સૈનિકોના જીવનનું એક અવિભાજ્ય અંગ છે. દરેક સૈનિકને આવા પ્રસંગોનો સામનો કરવો પડે છે. આ તો લડાઈ હતી. આવા પ્રસંગો શાંતિના સમયમાં પણ થતા હોય છે.’ કહી મેં 1969ના અમદાવાદના હુલ્લડની અને ભીવંડીનાં તોફાનોની વાત કરી.

`Really! મને આ વાતનો જરા પણ અંદાજ નહોતો. દાદાને આનો જરા પણ ખ્યાલ નથી. તમે આવી હંમેશની દારૂણ પરિસ્થિતિમાં રહો તે અમને ઠીક નથી લાગતું. તમને કશું અજુગતું થઈ જાય તો અનુરાધા અને તમારાં બાળકોની શી સ્થિતિ થાય? અમે તમને સ્પોન્સર કરીએ તો તમે લંડન આવવા તૈયાર થશો?’ અનુરાધા અને તેનાં ભાઈબહેનો તેમના પિતાજીને `દાદા’ કહીને બોલાવતા.

મેં રમેશને ના કહી. મને એક્સિલરેટેડ પ્રમોશન મળ્યું હતું અને એકાદ બે વર્ષમાં કમાન્ડન્ટના (કર્નલના સમકક્ષ) પદ પર પ્રમોશન મળે તેવું હતું. મિલિટરીમાં જોડાતા દરેક અફસરની મહેચ્છા હોય છે કે તે પોતાના સેવાકાળમાં કર્નલ તો બને જ. રિટાયર થતાં પહેલાં મારી અભિલાષા મારી યુદ્ધકાળની 23મી બીએસએફ બટાલિયનની કમાન લેવાની હતી. રમેશે મને અનુરાધા સાથે ઊંડો વિચારવિમર્શ કરીને નિર્ણય લેવા સૂચવ્યું.

તે રાત્રે અનુરાધા અને હું સૂઈ શક્યાં નહીં. અમે આખી રાત વિચાર કર્યાે. જીવનનાં દરેક પાસાનો વિચાર કર્યાે. છાશ વલોવીને જેમ માખણ નીકળે તેમ અમારી ચર્ચામાં જીવનનું સત્ય બહાર તરી આવ્યું. સીમા પર રહીને બાળકોનું શિક્ષણ સરખી રીતે થાય નહીં, અને તે માટે અનુરાધાએ કોઈ શહેરમાં સ્થાયી રીતે રહેવું પડે. વર્ષમાં બે મહિનાની રજા મળે ત્યારે પરિવાર સાથે રહી શકાય, અને જ્યારે બાળકોને વૅકેશન પડે ત્યારે તેઓ બોર્ડર પર મારી પાસે આવે. તે દરમિયાન અમારે કૌટુંબિક જીવનને ભૂલવું પડેે. બીજી તરફ સેનામાં કાર્યરત રહેતાં મારા જીવન પર એવી કોઈ અનુચિત ઘટના થાય તો અનુરાધાનો લંડનસ્થિત પરિવાર તેમના વ્યવસાયને મૂકીને અનુરાધાના પેન્શન વગેરેની કારવાઈ માટે ભારત અનંતકાળ સુધી ન રહી શકે.

અંતે અમે નિર્ણય કર્યાે કે લંડન જવાથી બાળકોનું હિત સચવાશે. ત્યાં તેમને સારું શિક્ષણ મળશે, પરિવારનો સાથ મળશે. અમે બધાં સાથે રહીને બાળકોના અભ્યાસ અને તેમના વિકાસમાં ભાગીદાર બની શકીશું.

અમારો નિર્ણય સાંભળી રમેશ ખુશ થયા. તેમણે પાછા જઈને તરત તૈયારી કરવાનું વચન આપ્યું.

1976ના મધ્યમાં રમેશ તથા દાદાએ અમને લંડનની ટિકિટો અને સ્પોન્સરશિપ મોકલી. મને ત્રણ મહિનાની રજા મળી. મેં મારા બ્રિગેડિયરને પૂરી વાત કરી. તેમણે સહાનુભૂતિપૂર્વક વાત સાંભળી મને કહ્યું કે, `જો મારે ત્યાંથી રાજીનામું મોકલવું પડે તો તેઓ તેના સ્વીકાર માટેની ભલામણ કરશે.’

અમે લંડન ગયાં. ત્યાં પહોંચ્યા બાદ અનુરાધાના બ્રિટિશ પાસપોર્ટના આધારે તેને તથા અમારા સગીર બાળકોને ત્યાં રહેવાનો પરવાનો મળી ગયો. મારી અરજીને લાંબો સમય લાગે તેમ હતો, તેથી મેં રજા વધારવાનો ટેલિગ્રામ મોકલ્યો. કમનસીબે દેશમાં સીમા પર હાલત ચિંતાજનક થઈ હતી, અને બોર્ડર પર અનુભવી અફસરોની તાતી જરૂર હતી. મારી રજા મંજૂર ન થઈ અને હું એકલો ભારત પાછો આવ્યો.

મને લાગ્યું હતું કે છ-આઠ મહિનામાં વિઝા મળી જશે. લંડન ગયા ત્યારે કાશ્મીરા દસ વર્ષની હતી અને રાજેન છ વર્ષનો. આ સમય એવો હતો જ્યારે તેમને માતા અને પિતા બન્નેનાં સંયુક્ત માર્ગદર્શન, સ્નેહ અને હૂંફની જરૂર હતી. તેમના સદ્ભાગ્યે અનુરાધાનો બહોળો પરિવાર તેમની આસપાસ રહેતો હતો. તેની ત્રણ બહેનો, બે ડોક્ટર ભાઈઓ, માતા-પિતા, બધાં જ લંડનના હૅરો વિસ્તારમાં રહેતાં હતાં. તેમનાં બાળકો કાશ્મીરા અને રાજેનના સમવયસ્ક હતાં તેથી તેમને ભાઈબહેનોનું વિસ્તૃત સંકુલ મળ્યું. અનુરાધા તથા અમારાં બાળકો નજીકના એપાર્ટમેન્ટમાં સ્વતંત્ર રહેવા છતાં તેના પરિવારની નિકટતાને કારણે `મહેફૂઝ’ હતા એવું મને લાગ્યું. આ ઉર્દૂ શબ્દની વ્યાખ્યા મારી દૃષ્ટિએ `સુરક્ષિતતા’ પૂરતી મર્યાદિત નથી. હું તેને `હૃદયની ઉષ્માભરી ઊર્જા દ્વારા અપાયેલ સુરક્ષાની ભાવના’ કહું છું.

લંડનમાંનું મારુ છેલ્લું અઠવાડિયું મને અત્યંત વસમું લાગ્યું. મારા હૃદય તથા આત્માને અહીં મૂકી હું હજારો માઈલ દૂર ભારત જઈ રહ્યો હતો. આત્માને જાંબૂડીના ઝાડ પર ટાંગી મારું ખોળિયું મગરની પીઠ પર બેસીને ક્યાંક જઈ રહ્યું હતું.

હીથ્રો વિમાનઘર પર મને મૂકવા અનુરાધા, કાશ્મીરા અને રાજેનને લઈ રમેશ આવ્યા હતા. એ ઘટના આજે પણ મારા માટે ગઈ કાલની સાંજ જેવી તાદૃશ છે. અનુરાધાના મુખ પર અનિશ્ચિત ભવિતવ્યની વ્યગ્રતા ખગ્રાસ ગ્રહણની જેમ છવાઈ હતી. કાશ્મીરા સમજુ હતી. માતાની સખી બનીને તેને હૈયાધારણ આપી રહી હતી. રમેશે મને કહ્યું કે પાંચ-છ મહિના તો જોતજોતામાં વીતી જશે અને અનુરાધા તથા બાળકોની ચિંતા જરા પણ ન કરવી.

અનુરાધાએ અદ્ભુત શાંતિ જાળવી. તેણે પોતાની વેદના જાહેરમાં કદી પણ વ્યક્ત નહોતી કરી. આજે પણ નહીં. બોર્ડિંગનો આખરી સંદેશ આવ્યો. તે જમાનામાં હીથ્રો એરપોર્ટ પર પ્રવાસીને મૂકવા આવનાર લોકો ઇમિગ્રેશન ચેકપોઇન્ટ સુધી આવી શકતા હતા. બાળકોને આલિંગન આપી, `મમીનું ધ્યાન રાખજો’ કહી કાશ્મીરા–રાજેન, અનુરાધા અને રમેશની રજા લઈ એક અજબ અન્યમનસ્ક ભાવથી ઈમિગ્રેશન ડેસ્કને પાર કરી ગયો. સિક્યોરિટી ચેકની માયાજાળમાં અદૃશ્ય થતાં પહેલાં એક વાર પાછા વળીને જોયું. બધા હજી ઇમિગ્રેશન ડેસ્ક પાસે જ ઊભાં હતાં. છેલ્લી વાર હાથ હલાવી `આવજો’ કહી હું ચાલી નીકળ્યો.

જીવનમાં ત્રીજી વાર જુદાઈનો પ્રસંગ આવ્યો હતો. આ વખતે હું શાંત સરહદ પર જઈ રહ્યો હતો. જીવનની રણભૂમિ પર રોકાઈ હતી અનુરાધા. આ કપરા સમયે તે એકલી નહોતી. તેના ખભા પર હું કાશ્મીરા અને રાજેનનો ભાર મૂકીને જઈ રહ્યો હતો. સૌથી મોટી રાહત હતી તેની સાથે હવે તેનાં માતા-પિતા અને ભાઈબહેનો હતાં. અમે લીધેલો નિર્ણય યોગ્ય હતો કે નહીં એ તો સમય પુરવાર કરવાનો હતો. ત્યાં સુધી અમારે કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે તેનો અમને કોઈને અંદાજ નહોતો.

1 thought on “જીપ્સીની ડાયરી-૪૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s