ભૂજ પાછો ફર્યાે અને બે માસમાં અમદાવાદમાં આવેલ અમારા ડીઆઈજી હેડકવાર્ટર્સમાં મારી નિમણૂક જોઇન્ટ આસિસ્ટન્ટ ડાયરેક્ટરના પદ પર થઈ. નવી ઘોડી નવો દાવ શરૂ થયો.
અમદાવાદમાં મને સાબરમતીના કાંઠે ડફ નાળાના સાત નંબરના વિશાળ સરકારી આવાસમાં રહેવા મળ્યું. આગળ સુંદર ઉદ્યાન હતો. અહીં રોજ સવારે એક મોર સપ્તરંગી કલા ફેલાવી નૃત્ય કરતો અને બે ઢેલ તેની આગળપાછળ ફરતી રહેતી. પક્ષીદર્શનના શોખને કારણે આ સરકારી બંગલાના બાગમાં 23 જાતનાં પક્ષીઓને મહાલતાં જોયાં. આ એવું પોસ્ટંગિ હતું જેનું મેં કદીક સ્વપ્ન સેવ્યું હતું. વતનમાં મારા પોતાના શહેરમાં અનુરાધા અને અમારાં બાળકો સાથે એકાદ બે વર્ષ રહેવા મળે તેવી અમારી ઇચ્છા હતી. સ્વપ્ન સાકાર થયું, પણ તે અધૂરું હતું. અમદાવાદનો મારો વસવાટ દોઢ વર્ષનો રહ્યો. તે દરમિયાન કેટલાક ભાંગી પડેલા પુલના નવનિર્માણનું કાર્ય કરવાનો મેં પ્રામાણિક પ્રયત્ન કર્યાે.
બીએસએફના જવાનોની જિંદાદિલીની મને મારી નોકરીની શરૂઆતથી જ ખાતરી થઈ હતી. પરંતુ તેમનાં અસીમ ઔદાર્ય તથા સહિષ્ણુતાનો અનુભવ મને અમદાવાદમાં આવ્યો.
મારી બહેન મીનાનો સૌથી નાનો પુત્ર રજનીશ ગંભીર માંદગીમાં સપડાઈ ગયો. તેની બરોળમાં એવી બીમારી થઈ હતી કે તેને ઓપરેશન દ્વારા કાઢી નાખવાની જરૂર પડી. ઓપરેશન પહેલાં કરવામાં આવેલ પૅથોલોજિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના રક્તનું ગ્રૂપ અસામાન્ય, `બી નૅગેટિવ’ હતું. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની રક્તબેંકમાં આ વર્ગનું લોહી નહોતું. જ્યાં સુધી ત્રણ બાટલા બી નૅગેટિવ રક્તની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેનું ઓપરેશન થઈ શકે તેમ નહોતું.
હું ઓફિસમાં બેસીને ગંભીર વિચાર કરી રહ્યો હતો ત્યાં મારા પર્સનલ આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર રવીન્દ્રન્ નાયર આવ્યા. તેમણે મને ચિંતાનું કારણ પૂછ્યું. તેમને મેં વાત કરી. એક કલાક બાદ તેઓ મારી પાસે આવ્યા. તેમણે ડ્યૂટી પ્લૅટૂનના જવાનો સાથે વાત કરી, જેના પરિણામે 54 જવાનો રક્તદાન કરવા તૈયાર થયા. અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા અને તેમાંના પાંચ જવાનોનું લોહી બી નૅગેટિવ નીકળ્યું, તેમાં રવીન્દ્રન્ પણ હતા. મારું રક્તગ્રૂપ જુદું હતું તેમ છતાં મેં પણ રક્ત બેંકને મારા જવાનોની સાથે મળીને રક્તદાન કર્યું. રજનીશનું સફળ ઓપરેશન થયું. જવાનોએ કોઈ પણ પુરસ્કાર લેવાનો ઇન્કાર કર્યાે. તેમના સૌજન્યનો સ્વીકાર કરવા દરેકને પરાણે એક એક કિલો સાગર ઘીનો ડબો આપ્યો. આ ઋણમુક્તિનો પ્રયત્ન નહોતો. તેમણે મારા ભાણાને આપેલ જીવનદાનનું ઋણ કોઈ કાળે ઊતરી ન શકે.
બીએસએફના જવાનોની ઉદારતા, તેમની કર્તવ્યપરાયણતા અને તેમના અફસરો પ્રત્યેની અદ્વિતીય નિષ્ઠાનો મને સતત અનુભવ મળ્યો હતો. આવી સેનામાં જોડાયાનું મને અભિમાન અને ગૌરવ છે. તે મને હંમેશાં યાદ રહેશે.
અમદાવાદમાં સફળ સેવા બજાવ્યા બાદ મારી બદલી કાશ્મીરમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીરની સરહદ પર આવેલ પૂંચ-રજૌરી સેક્ટરમાં થઈ. મારા જીવનમાં થયેલા અનેક રહસ્યમય યોગાનુયોગમાં એકનો વધારો થયો.
રજૌરીના જે યુનિટમાં મારી બદલી થઈ હતી, તે 1971ના યુદ્ધ સમયની મારી 23મી બીએસએફ બટાલિયન હતી! બીએસએફમાં તે સમયે લગભગ 60 જેટલી બટાલિયનો હતી અને તેમાં કોઈ અફસરનું એક જ બટાલિયનમાં બે વાર પોસ્ટંગિ ભાગ્યે જ થતું.
જમ્મુમાં એક રાત રહી બીજા દિવસે જ્યારે મારી બટાલિયનમાં હું પહોંચ્યો ત્યારે સાંજ થઈ હતી.
સંજોગો કેવા વિચિત્ર હોય છે!
રાતે જ મને જણાવવામાં આવ્યું કે બીજા દિવસે મહિનામાં એક વાર કમાન્ડન્ટના પ્રમુખ પદ હેઠળ લેવાતું સૈનિક સંમેલન હતું, સૈનિકસંમેલનમાં સરકાર તરફથી જવાનોને આપવામાં આવેલી સવલતો, ડાયરેક્ટર જનરલના સંદેશ ઉપરાંત સેનાના માળખામાં થતા ફેરફાર વગેરેની માહિતી જવાનોને આપવા ઉપરાંત સ્થાનિક વિસ્તારને લગતી રણનીતિને અંગેના હુકમ સંભળાવવામાં આવે છે. સંમેલનમાં જવાનો પોતાના વ્યક્તિગત પ્રશ્નો અને અંગત મુશ્કેલીઓ કમાન્ડન્ટ સમક્ષ રજૂ કરી શકે છે અને કમાન્ડન્ટ તેમની સમસ્યાઓનું તે જ સમયે નિરાકરણ કરી આપતા હોય છે. સંમેલનમાં હેડકવાર્ટર્સમાં રહેલી કંપનીઓ ઉપરાંત બોર્ડર પર સેવારત કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહે છે. જ્યારે કમાન્ડન્ટની સાથે અમે બધા અફસરો સભામાં પહોંચ્યા ત્યારે હાજર રહેલા 300 સૈનિકોએ તાળીઓના ગડગડાટથી સંમેલનનો હોલ ગજાવ્યો! આ અગાઉ કદી પણ સંમેલનની શરૂઆતમાં તાળીઓ વાગી નહોતી. મારા નવા સી. ઓ.એ સૂબેદાર મેજરને પૂછ્યું, `પીછલે દો સાલમેં સંમેલનમેં કભી તાલિયાં નહીં બજી, આજ કિસ ખુશીમેં બજ રહીં હૈં?’
`સર, યે જવાન અપને પુરાને અફસર નરેન્દરસાહબકો દેખ કર ખુશીકા ઇઝહાર કર રહે હૈં.’ બધા અફસર મારી તરફ જોવા લાગ્યા. તેમને કોઈને જાણ નહોતી કે આ બધા મારા 1971ના યુદ્ધના સાથી હતા, મારો પરિવાર હતો. જવાનોએ મને આપેલા સ્વાગતથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
સંમેલન બાદ કમાન્ડન્ટ સાથે મારો ઇન્ટરવ્યૂ થયો. તેમને જાણ થઈ કે મારો પરિવાર લંડનમાં હતો તેથી હું અધિકૃત રીતે સિંગલ ઓફિસર હતો. તે સમયે બટાલિયનના લગભગ બધા યુવાન અફસરો પોતાની નવપરિણીત પત્ની સાથે હેડકવાર્ટર્સમાં રહેતા હોવાથી તેમને રાહત આપવા LC15 – એટલે લાઇન ઓફ કન્ટ્રોલ પર આવેલ ચોકીઓમાં લિખિતંગને જવાનું થયું. ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે મારી નિમણૂક બે કંપનીઓના સેકટર કમાન્ડર તરીકે કરવામાં આવી. જે કંપનીમાં મારું કમાન્ડ હેડકવાર્ટર્સ હતું તે મારી જૂની ફોક્સ-ટ્રોટ કંપની હતી!
15 જેને આપણે LOC કહીએ, તેની મિલિટરીની અધિકૃત સંજ્ઞા `LC’ છે.
રજૌરી ઐતિહાસિક સ્થળ છે. હિમાલયની પીર પંજાલ પર્વતમાળાની તળેટીએ આવેલ અમારા હેડકવાર્ટર્સની નજીક એક પ્રખ્યાત મજાર છે: પંજ પીર. પાંચ પીરના સ્થાનક પર દર ગુરુવારે ધૂપ બત્તી થાય છે. નામ ભલે `પંજ પીર’ હોય, પણ ત્યાં છ કબર છે. પાંચ પવિત્ર ભાઈઓ અને છઠી કબર તેમની બહેનની છે એવું ત્યાંના લોકોનું કહેવું છે. રજૌરીના હિંદુઓ આને પાંચ પાંડવ અને પાંચાલીનું સમાધિ સ્થાન માને છે. શિયાળામાં સંપૂર્ણપણે હિમાચ્છાદિત થઈ જતા `પીર પંજાલ’ વિશે અહીંના હિંદુઓની આસ્થા છે કે જ્યારે પાંડવો `હેમાળે હાડ ગાળવા’ નીકળ્યા, ત્યારે તેમણે પૂર્વદિશાથી હિમાલય પર આરોહણ કર્યું અને પશ્ચિમ તરફની ઊંચાઈ ચઢવા લાગ્યા. પીર પંજાલની કપરી ધાર પાર કરતી વખતે તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા હતા. તેમનાં શરીર રજૌરીની તળેટીએ લાવી તેમની સમાધિ બાંધવામાં આવી. પંજાલ એ `પાંચાલ’ શબ્દનો અપભ્રંશ છે એવું અહીંના કેટલાક લોકોનું માનવું છે. પતિવ્રતા પાંચાલીના નામને અમર કરવા પહાડોનું નામ પીર પંજાલ રાખવામાં આવ્યું એવું મનાય છે. આની પાછળ જે સત્ય હોય તે શોધવાનું કામ પુરાતત્વવિદ્ જ કરી શકે! પંજ પીરમાં પાંચને બદલે છ સમાધિઓ હોવી આશ્ચર્યજનક બીના છે.
રજૌરીની બીજી હકીકત: `જગતમાં સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે અને અહીં જ છે’ કહેનાર મોગલ બાદશાહ જહાંગીર જ્યારે કાશ્મીરથી દિલ્હી પાછો જઈ રહ્યો હતો ત્યારે રજૌરીની સીમમાં તેનું મૃત્યુ થયું. અફીણ અને શરાબના નશામાં હંમેશાં ડૂબેલા બાદશાહની રાજ્યની સત્તાનો દોર નૂરજહાંના હાથમાં હતો. રજૌરીમાં જહાંગીર મૃત્યુ પામ્યો છે તેવા સમાચાર સાંભળી દિલ્હીમાં સત્તા માટે પડાપડી શરૂ થઈ જાય તેવું હતું. આવી હાલતમાં નૂરજહાંના હાથમાં રહેલી રાજસત્તા અને પૂરા રાજઅધિકાર ખુર્રમ અને અન્ય શાહજાદા પાસે જતા ન રહે તે માટે જહાંગીરના મરણના સમાચાર નૂરજહાંએ ગુપ્ત રાખ્યા. રજૌરીમાં જ રાતોરાત બાદશાહના મૃત શરીરમાંથી vital organs કાઢવામાં આવ્યાં. શરીરમાં મસાલા ભરી, જહાંગીરના શબને હાથીની અંબાડીમાં આરામ કરે છે તેવી સ્થિતિમાં રખાયું અને પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો. તેના શરીરમાંથી કઢાયેલા આંતરડા વ. રજૌરીની નજીક તેના અંતિમ આરામગાહની નજીક દફનાવવામાં આવ્યા એવી આખ્યાયિકા છે.
great experience of Gujarat at the time of need of rare blood group and all about rajouri beauti panch peer- panchali and story of Jahangir .
LikeLike