જીપ્સીની ડાયરી-૪૩ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


યુદ્ધ અને શાંતિ

રજૌરીમાં મારો સમય અનેક રોમહર્ષક ઘટનાઓમાં વીત્યો. મારું પોતાનું સેક્ટર હેડકવાર્ટર્સ 7,000 ફીટની ઊંચાઈએ આવેલ શિખર હતું. અમારી દરેક પોસ્ટની સામે પાકિસ્તાની સેનાના ડિફેન્સનાં થાણાં હતાં. અહીંની ભૌગોલિક રચના રસપ્રદ હતી. પાકિસ્તાનની લગભગ બધી ચોકીઓ અમારી બધી ચોકીઓ કરતાં થોડી ઊંચેની પહાડી પર હતી, તેથી તેઓ અમારી પોઝિશન પર ફાયર કરે તો ઘણો અસરકારક નીવડે. અમારા માટે અહીં વધારાની અગવડ હતી સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકોની નીતિની (અમે તેને અ-નીતિ કહેતા!). બહુધા પાકિસ્તાન તરફથી તેમની ખાતરબરદાસ્ત સારી થતી હોય કે પછી અમેરિકાની સાથે પાકિસ્તાનની પાક્કી દોસ્તી જગજાહેર હોવાને કારણે જ્યારે પણ પાકિસ્તાની સૈનિકો તરફથી સીઝ ફાયર એગ્રીમેન્ટનો ભંગ થાય તોપણ તેઓ આપણી વાત માનવાને બદલે સામાવાળાની વાત પર વધુ વિશ્વાસ રાખતા. પાકિસ્તાની સૈનિકો વિના કારણ આપણી ચોકીઓ પર ગોળીબાર કરતા અને ભારત પર ખોટો આક્ષેપ લાગતો કે આપણે પહેલ કરી હતી જેથી તેઓ સ્વબચાવ માટે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. પરિણામે અમારા GOC (ડિવિઝન કમાન્ડર)નો હુકમ હતો કે આપણા તરફથી પાકિસ્તાનની ચોકીઓ પર small armથી ફાયરિંગ કરવું હોય તો બટાલિયન કમાન્ડરની, ઓટોમૅટિક હથિયાર માટે બ્રિગેડ કમાન્ડરની અને ભારે હથિયાર (મીડિયમ મશીનગન વ.) થી જવાબી કાર્યવાહી કરવી હોય તો ડિવિઝનમાંથી રજા લેવી જરૂરી હતી. આમાં એક જ અપવાદ હતો કે પાકિસ્તાન તરફથી અસહ્ય અતિક્રમણ કે આક્રમણ થાય તો ઉપરી અધિકારીઓની રજા લીધા વગર સ્થાનિક કમાન્ડરને યોગ્ય પગલાં લેવાનો અધિકાર હતો. પાકિસ્તાનના સૈનિકો વિના કોઈ ઉશ્કેરણીથી આપણા સૈનિકો પર ગોળીબાર કરતા હતા તેવું હું કહું તો મારી વાત પ્રચારાત્મક લાગે તે સ્વાભાવિક છે. પાકિસ્તાની ધૌંસનો મને પોતાને અનુભવ ન આવ્યો હોત તો હું પણ એવું કહેત કે તાળી હંમેશાં બે હાથે વાગે છે.

આનો એક દાખલો આપું.

અમારી એક ચોકીનું નામ હતું બડા ચિનાર (ચોકીનું નામ બદલવામાં આવ્યું છે). તેના કમાન્ડર ભારતીય સેનાની ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાંથી મારા સેક્ટરમાં ડેપ્યુટેશન પર આવેલા કૅપ્ટન ક્રિશન મોહન હતા. સેક્ટરનો ચાર્જ લઈને મને એક દિવસ પણ નહોતો થયો અને વહેલી સવારે લાઇટ મશીનગન (LMG)ના ફાયરિંગનો અવાજ આખી ખીણમાં ધણધણી ઊઠ્યો. મેં ફિલ્ડ ટેલિફોનથી તપાસ કરી તો જાણવા મળ્યું કે બડા ચિનાર પર ફાયરિંગ થઈ રહ્યું હતું. બે કલાકની પદયાત્રા બાદ ત્યાં પહોંચ્યો ત્યારે પણ થોડી મિનિટોના અંતરે ફાયરિંગ ચાલુ જ હતું. ક્રિશન તથા જવાનો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે ફાયરિંગ સામેની પાકિસ્તાની પોસ્ટ જે કેવળ 150-200 મીટર પર હતી ત્યાંથી થતું હતું. અમે જ્યાંથી સામાન્ય વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યાં સામેવાળાનું ફાયરિંગ ફરી શરૂ થઈ ગયું. બડા ચિનારની અમારી પોસ્ટ તથા તેમનાં બંકરો વચ્ચે 1971ની લડાઈ બાદ `ચૂના પટ્ટી’ – cease fire line – ને દર્શાવતી ચૂનાની પાઉડર વતી દોરેલી સીમા હતી. આ 1979નું વર્ષ હતું. ચૂનો ગયો, ચૂનાની લાઇન ગઈ અને લાઇન રહી હોય તો તે આપણી અને પાકિસ્તાનની મિલિટરીના નકશામાં. જોકે પાકિસ્તાને કદી પોતાનાં વચન અને સંધિને માન આપ્યું છે? બપોર બાદ ત્યાંથી નીકળવાનો વિચાર કરતો હતો ત્યાં બડા ચિનારની સામેના પાકિસ્તાની સેનાના મોરચામાંથી આપણી મા-બહેનોને સંબોધતી ગંદી ગાળો સાંભળવામાં આવી.

`અબે કંજરો (હીજડાઓ), ક્યા તુમ્હારી ઇંદ્રા (ઇંદિરા ગાંધી)સે અભી તક લડનેકી ઇજાઝત નહીં મિલી? ઉસકો હમારા યહ પૈગામ દેના…’ કહી તેમણે LMGથી ગોળીબાર શરૂ કર્યાે. તેઓ એટલા નજીક હતા કે તેઓ બૂમ પાડીને બોલે તે અમે સાંભળી શકતા. લાઇટ મશીનગનની બે-ચાર મૅગેઝિન16 ફાયર કરી નાખ્યા બાદ તેમણે ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું. `હજી તમને ઇંદ્રાનો હુકમ નથી મળ્યો? ભારતીય સેના હવે ઘાઘરાપલટન થઈ ગઈ છે?’

16 એક મૅગેઝિનમાં 28 ગોળીઓ હોય છે.

મારા માટે આ જગ્યા સાવ નવી હતી. હું અહીં ફક્ત એક દિવસ પહેલાં જ પહોંચ્યો હતો. અહીંના Op Orders (Operational Orders) મને સમજાવવામાં આવ્યા હતા તેથી હું કશું કરી શકતો નહોતો. બીએસએફની કંપનીઓ માટે મુશ્કેલીની વાત હતી કે અમારા બે શેઠ હતા: એક તો અમારા પોતાના કમાન્ડન્ટ અને બીજા શેઠ હતા અમારા ઓપરેશનલ કમાન્ડર – મિલિટરીના કમાન્ડંગિ ઓફિસર.

અમારી કંપનીઓ જે વિસ્તારમાં મોરચા ખોદીને બેઠી હતી ત્યાં ઝાઝી વસ્તી નહોતી, તેથી જમ્મુ-કાશ્મીરની સરકારે પાણીની કોઈ વ્યવસ્થા કરી નહોતી. અમારા રોજિંદા ઉપયોગ માટે નજીકનાં પહાડી ઝરણાં, જેને કાશ્મીરમાં ચશ્મા કહે છે ત્યાંથી પાણી લાવીએ. એક દિવસ અમારા લંગર (રસોડા)માં કામ કરનાર સ્ટાફ ચશ્મા પર પાણી લેવા ગયા, પાકિસ્તાની સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યાે. અમે ફ્લૅગ મિટિંગ કરી તો તેમણે કહ્યું, `આ ચશ્મો અમારા વિસ્તારમાં છે. એક પણ ડગલું મૂકશો તો જાન ગુમાવી બેસશો.’ યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકે કહ્યું, `આ disputed territory છે તેથી અમે કંઈ પણ કરવા અશક્તિમાન છીએ!’

સામાવાળાઓની ધૌંસ એટલી વધી ગઈ હતી કે તેમના કોઈ સૈનિકને કંટાળો આવે તો અમને બે-ચાર ગાળો આપી રાઇફલ કાઢી અમારી ચોકી તરફ દસ-બાર ગોળીઓ છોડી દે.

કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ પર આવી પરિસ્થિતિ હતી.

અમારો વિસ્તાર ઘણો લાંબો તેથી મારા સાથીઓ – સૂબેદાર કિશનસિંહ છેત્રી (જેઓ ફર્સ્ટ ગોરખા રાઇફલ્સમાંથી નિવૃત્ત થઈને બીએસએફમાં આવ્યા હતા), કંપની સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ, મારો સહકારી તોતારામ અને કંપની ક્લાર્ક બલબીર ચંદ સાથે અમે દરરોજ અમારી ચોકીઓની મુલાકાતે જતા. હિમાલયની કંદરાઓ, ખીણ અને ઝરણાં એટલાં નયનરમ્ય હતાં કે તેમના સૌંદર્યનો આસ્વાદ લેતાં લેતાં પહાડો ચઢવા-ઊતરવામાં થાક કરતાં આનંદ જ વધુ મળતો.

અઠવાડિયામાં બે વાર અમારો રનર ચંગામુથુ નામનો જવાન રજૌરી ટપાલ લેવા જતો. સવારના પહોરમાં ખાખી શોર્ટસ અને સ્વચ્છ સફેદ બનિયન પહેરી તે નીકળતો. સાંજે રજૌરી પહોંચી, ટપાલ લઈ રાતે ત્યાં રહે. બીજા દિવસની વહેલી સવારે ત્યાંથી નીકળે તે સાંજે પાંચેક વાગ્યે સેક્ટર હેડકવાર્ટર્સમાં પહોંચે. હું અઠવાડિયામાં બે પત્રો અનુરાધા, કાશ્મીરા અને રાજેનને લખતો. બપોરના ચાર વાગ્યાથી હું ચંગામુથુની રાહ જોતો. અમારી ચોકી ગિરિમાળાની જે ધાર (ridge) પર હતી તે અર્ધચંદ્રાકારમાં હતી. તેની ઊંચી કિનાર પર પગદંડી હતી. ધારની નીચે 2000 ફીટ ઊંડી ખીણ. પેલેપારની પગદંડી પર ચાલીને આવતો, દૂરથી નાનકડા ટપકાં જેવો અમારો આ રનર દેખાય કે હું મિનિટો ગણવા લાગી જતો. બરાબર દોઢ કલાકે તે મારી પાસે પહોંચતો. તે દરમિયાન ખીણની તળેટીમાં આવેલાં ગામડાંઓનાં રસોડાંમાંથી નીકળતી વરાળમાં થોડી ઘનતા આવી, સફેદ રૂના પૂમડાં જેવી થઈ ઉપર ઊડવા લાગતી. દર વીસ-પચીસ મિનિટે આ પૂમડાં એકબીજાને વળગે અને તેનું વાદળું બનવા લાગે! આ વાદળાંનાં જૂથ જોડાતાં જાય અને આકાશમાં ઘટાટોપ સ્વરૂપ ધારણ કરવા લાગે. ચંગામુથુ મારી પાસે પહોંચે ત્યાં સુધીમાં તો કેટલીક વાર આ વાદળાં વરસવા લાગી જતાં. સરકારી ટપાલ મને આપતી વખતે મ્લાન મુખે તે કહે કે `સાબજી, આજ વિલાયતસે કોઈ ચિઠી નહીં..’ ત્યારે મને જેટલું દુ:ખ થાય તેના કરતાં વધુ દુ:ખ ચંગામુથુને થતું!

લગભગ આ સમયે જનસત્તાના શ્રી ભાવસારના ઉત્તેજનથી નરેન્દ્રના તખલ્લુસથી જનસત્તામાં એક કોલમ લખવાની શરૂઆત કરી. પહેલાં તેનું શીર્ષક હતું `આસપાસ ચોપાસ’. આની લોકપ્રિયતા વધતાં તેનું નામ `અત્ર તત્ર સર્વત્ર’ થયું અને જનસત્તાની રવિવારની આવૃત્તિમાં દેખાવા લાગ્યું. તેમાંના ઘણા લેખ લોકપ્રિય થયા. તેમાંના પાનના શોખ વિશેના લેખ માટે જનસત્તાના સંપાદક શ્રી ઈશ્વરભાઈ પંચોલીએ મને અભિનંદન આપ્યાં અને મારા લેખો માટે પુરસ્કાર સ્વીકારવાનો આગ્રહ કર્યાે. હું તો સ્વાનંદ માટે લખતો હતો તેથી નમ્રતાપૂર્વક કશું લેવા માટે અસામર્થ્ય દર્શાવ્યું.

પૂંચ-રજૌરીના સંવેદનશીલ વિસ્તારમાં પાકિસ્તાનના સૈનિકો પાંચમાંની એક નમાઝ બાદ `આમીન-સુમામીન’ કહી અમારી પોઝીશન્સ પર નિયમિત રીતે ગોળીબાર કરે. અમેરિકા તરફથી મફત મળતા દારૂગોળાનો સ્વચ્છંદ ઉપયોગ કરવામાં દેખાતી તેમની મૂર્ખતાથી અમને હસવું આવતું. દસ-પંદર મિનિટના ગોળીબાર બાદ રાઇફલ કે લાઇટ મશીનગનની બૅરલમાં એટલી મેશ ચોંટતી હોય છે કે તેને સાફ કરવા બે જવાનોને એકાદ કલાક સુધી સખત મહેનત કરવી પડતી હોય છે. આપણી મોરચાબંધી મજબૂત હતી તેથી અમને કોઈ ફરક પડતો નહોતો. જોકે જવાનોનું મનોબળ મજબૂત રાખવા અમારા ટીમ સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ, બલબીરચંદ, તોતારામ મળીને અમે દરરોજ એક એક પ્લૅટૂનની મુલાકાતે જતા. બધા જવાનોને મળી તેમની સાથે તેમના પરિવારની અને ગામની વાતો કરતા. ઘણી વાર સામૂહિક ભોજનનો કાર્યક્રમ યોજતા. ભોજન બાદ જવાનોનો સંગીત કાર્યક્રમ થતો. અમારા એક જવાન રાજેન્દ્રન્ નાયરનો અવાજ અસ્સલ યેસુદાસ જેવો હતો અને તેમનાં ગીતો ગાઈ સંભળાવતો. કાંગડા (હિમાચલપ્રદેશ)નો જવાન મહેંગારામ ત્યાંનું લોકપ્રિય ગીત `લાઇયાં તે તોડ નિભાવીં, છડ-કે ન જાઈં…’ (ગીત ગાનારી યુવતી છે, અને પ્રિયતમને કહે છે, પ્રેમ કર્યાે છે તો તેને નિભાવ, મને તરછોડીને જઈશ મા. હું તો ગરીબ માબાપની દીકરી છું, પણ પ્રેમ તો અનહદ કર્યાે છે…) સાંભળી જવાનોની આંખમાંથી અશ્રુ આવી જતાં. પંજાબના ગુરમીતનું પ્રિય ગીત હતું, જૂતી કસૂરી, પહેરી ના પૂરી, હાયે રબ્બા વે, સાનૂ ટૂરના પયા…’ (કસૂરમાં બનાવવામાં આવેલી સુંદર મોજડી મેં પૂરી પહેરી પણ નહોતી, અને હે ભગવાન, મારે દૂર આવેલ સાસરિયે જવા પગપાળા ચાલવું પડ્યું…)

આમ અમારા દિવસ વીતતા હતા.

એક દિવસ અમને બધા ફિલ્ડ કમાન્ડરોને હેડકવાર્ટર્સમાં ખાસ મિટિંગ માટે બોલાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનામાં `સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ’ (SSG) નામની કમાન્ડો રેજિમેન્ટ છે. SSGને પાકિસ્તાનની `શાન’ ગણવામાં આવે છે. પાકિસ્તાની ફોજમાં પુરવાર થયેલા શ્રેષ્ઠ નિશાનબાજ તથા શારીરિક અને માનસિક દૃઢતાની પરમોચ્ચ કસોટીમાં સફળ થનાર અફસર અને જવાનોને તેમાં લેવાય છે. (વાચકોને યાદ હશે કે પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ મુશર્રફ SSGના કમાન્ડો હતા.) આ રેજિમેન્ટના સૈનિકોની ટ્રેનિંગ પૂરી થતાં તેમને અસાધ્ય ગણાતી કામગીરી સોંપવામાં આવે છે.

મિટિંગમાં અમને જણાવવામાં આવ્યું કે ગુપ્તચરોની ખબર મુજબ SSGના ટ્રેનિંગ સેન્ટરમાં પ્રશિક્ષણ પૂરું કરનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઈ જવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.

તેમને અમારા જવાનોની શક્તિનો કે કર્તવ્યપરાયણતાનો અંદાજ નહોતો.

બ્રીફિંગ બાદ ત્રણ કલાકના માર્ચ બાદ રાતે હું મારી ટીમ સાથે મારા સેક્ટરની ફોર્વર્ડ લોકેલિટીમાં ગયો. બધી ચોકીઓમાં બે દિવસ અને બે રાત ત્યાં રહી, ત્યાંના દરેક સૈનિકની ટ્રેન્ચમાં પોઝિશન લઈ બેઠેલા જવાનો સાથે સમય ગાળ્યો. તેમની જવાબદારીનો વિસ્તાર, જ્યાંથી દુશ્મન આવવાની સંભાવના છે અને દુશ્મનની હિલચાલ દેખાય તો તેમણે શી કાર્યવાહી કરવાની છે તેના હુકમ આપ્યા અને દરેક જવાન તે બરાબર સમજ્યો છે કે નહીં તેની ચોકસાઈ કરી. અમારા જવાનો ભારતનાં ઘણાં રાજ્યોમાંથી આવ્યા હતા. પોતાની જવાબદારી ઉપરાંત તેમની દેશપ્રેમની ભાવના મજબૂત હતી, મને સાચે જ હૈયાધારણ થઈ કે SSGની કોઈ યુક્તિ અમારા સૈનિકોની સામે ચાલી નહીં શકે. ખાસ તો મેં તેમને એ હુકમ આપ્યો કે જો દુશ્મન તેમની સંરક્ષક ખાઈ સુધી આવેલો દેખાય તો મારા હુકમની રાહ જોયા વગર તેમણે ગોળી ચલાવવી. આનું જે કાંઈ પરિણામ આવે, તેની હું અંગત જવાબદારી લઈશ એવું જણાવ્યું. જવાનોને મારા પર વિશ્વાસ હતો. આખરે અમે 1971ની સાચુકલી લડાઈમાં સાથે હતા ને!

પાંચમા દિવસની રાતે છેત્રીસાહેબ અને ગુરબચનસિંહની સાથે અમે અમારા સેક્ટર હેડકવાર્ટર્સની ખાઈમાં હતા. રાતના બે-અઢી વાગ્યે લાઇટ મશીનગનમાંથી નીકળતી ગોળીઓની ધણધણાટી સાંભળી. પાંચ સેકંડનો સમય નહીં વિત્યો હોય ત્યાં પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી બધી FDLs (ફોર્વર્ડ ડિફેન્ડેડ લોકેલિટી) પર ભારે ગોળીબાર શરૂ કર્યાે. એક `મિની-યુદ્ધ’ શરૂ થઈ ગયું હતું. ફિલ્ડ ટેલિફોન પર બધી ચોકીઓના કમાન્ડર સાથે વાત કરતાં જણાયું કે અમારી એક અગ્રિમ FDLમાં લાઇટ મશીનગન ગોઠવવામાં આવી હતી ત્યાં પાકિસ્તાનના SSG કમાન્ડોની ટુકડી આવી હતી. દુશ્મનને લાગ્યું કે તે સમયે આપણા સંતરી ગાફેલ હશે, તેથી ફિક્સ્ડ લાઇન પર ગોઠવેલી LMGને ખેંચીને લઈ જવાના ઇરાદાથી તેઓ આપણી ખાઈ સુધી પહોંચી ગયા. ભારતનો બહાદુર સંતરી શીખ લાન્સ-નાયક તૈયાર બેઠો હતો. તેણે દુશ્મનને જોતાંવેંત મશીનગનની મૅગેઝિનમાંની બધી 28 ગોળીઓ તેમના પર છોડી, બીજી મૅગેઝિન ચઢાવી. દુશ્મન અમારા ગોળીબારમાં સપડાઈ ગયો હતો. ત્યાંથી તેમને કાઢવા માટે પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યાે. આમાંનો સૌથી મોટો ગોળીબાર મારી કમાન્ડ પોસ્ટની સામે આવેલી પાકિસ્તાની ચોકીની મશીનગનમાંથી આવી રહ્યો હતો. બટાલિયન કે મારા આર્મી ઓપરેશનલ કમાન્ડરની પ્રોપર ચૅનલથી રજા લેવા જઉં તો તે આવતાં સુધીમાં કેટલો સમય નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું. તે દરમિયાન આપણા જવાનોની સલામતી જોખમમાં મુકાતી હતી. મેં અમારી પોસ્ટના લાન્સનાયક સાથે ટેલિફોન પર વાત કરી અને તેના પ્લૅટૂન કમાન્ડર પાસેથી રિપોર્ટ માગ્યો. પૂરી માહિતી મળતાં મેં કપરો નિર્ણય લીધો.

મારા જવાનો પર અસરકારક ફાયરિંગ કરી રહેલ દુશ્મનની કાતિલ મશીનગનને શાંત ન કરીએ તો તેના `કવરિંગ ફાયર’ નીચે તેમની SSGની ટુકડી તેમના ઉદ્દેશમાં સફળ થવા અમારા જવાનો પર ઘાતક હુમલો કરે તેવું હતું.

રાતના સમયે કોઈ હથિયારમાંથી ઓટોમૅટિક ફાયરિંગ કરવામાં આવે તો તેમાં ટ્રેસર ગોળીઓ મૂકવામાં આવે છે. રાતાચોળ તણખા જેવી આ ગોળીઓ ક્યાંથી નીકળી ક્યાં આઘાત કરે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. અમે જોઈ શક્યા કે દુશ્મનની કઈ ખાઈમાંથી તેમની મશીનગન ફાયરિંગ કરી રહી હતી.

અમે કેટલીક સેકંડ માટે અમારી ભારે મશીનગનમાંથી દુશ્મનની આગ ઓકતી મશીનગનની ટ્રેંચ પર એક જબરજસ્ત `બર્સ્ટ’ માર્યાે. જે હથિયાર અમે વાપર્યું તેના ધડાકા અને તેના પડઘા આખી ખીણમાં ધરતીકંપની જેમ ગાજી ઊઠ્યા. આ પાંચ સેકંડની કાર્યવાહી બાદ પહાડોમાં ભયંકર શાંતિ ફેલાઈ ગઈ. દુશ્મનના હથિયારો જાણે થીજી ગયા. જ્યાં દુશ્મને હુમલો કરવાની કોશિશ કરી હતી તે પોસ્ટ પર જવા નીકળતો હતો ત્યાં અમારા ફિલ્ડ ટેલિફોન અને વાયરલેસમાં જાણે ભૂત ભરાયું હોય તેમ ધણધણવા લાગ્યા. બ્રિગેડથી માંડી અમારા ડીઆઈજી, બટાલિયન કમાન્ડર, બધા પૂછવા લાગ્યા કે ઓપરેશનલ કમાન્ડરના હુકમ અને રજા વગર ભારે હથિયારનો ઉપયોગ કોણે અને શા માટે કર્યાે. મેં તેમને સત્ય પરિસ્થિતિ જણાવી. મને આદેશ મળ્યો કે મારા તરફથી થયેલા અનધિકૃત ફાયરિંગની તપાસ કરવા અમારા થિયેટર કમાન્ડર બ્રિગેડિયર સમશેરસિંહ જાતે આવી રહ્યા છે, અને મારે તેમનું મારા સેક્ટર હેડકવાર્ટર્સમાં સ્વાગત કરવાનું છે.

મારા માટે આ ગંભીર બાબત હતી. નિર્ણય લેવામાં મારી ભૂલ જણાઈ આવે તો મારો કોર્ટમાર્શલ થઈ શકે તેમ હતો. આ માટે જ ઊંચા હોદ્દાના અફસર જાતે તપાસ કરવા આવી રહ્યા હતા.

બોર્ડર પર યુદ્ધની સ્થિતિ હોય તો તે માટે અમારો ડ્રેસકોડ હોય છે, જેમાં કોઈએ અમારા યુનિફોર્મના ડાબા ખિસ્સાની ઉપર લડાઈમાં જીતેલા મેડલની રંગીન રિબન કે અમારા હોદ્દાદર્શક ચિહ્ન પહેરવાનાં ન હોય. તે દિવસે મેં dress codeનો ભંગ કરી બીજો અપરાધ કર્યાે. મારી યુદ્ધ અને ફિલ્ડ પોસ્ટંગિમાં કરેલી સેવાના મને આઠ મેડલ મળ્યા હતા. દરેક મેડલને અગ્રક્રમ હોય છે. મારો પહેલો મેડલ હતો 1971માં મળેલ રાષ્ટ્રપતિનો ગૅલન્ટ્રી માટેનો પોલીસચંદ્રક.

બ્રિગેડિયર સમશેરસિંહ ડોગરા રાજપૂત હતા. મેં તેમને સૅલ્યૂટ કરી સ્વાગત કર્યું ત્યારે તેમણે મને પ્રથમ સવાલ કર્યાે, `મેજર, આ પહેલો મેડલ શાનો છે? આ રિબનમેં પહેલાં જોઈ નથી.’

મેં તેમને જવાબ આપ્યો અને તેઓ થોડા પ્રભાવિત થયા હોય તેવું લાગ્યું. ત્યાર બાદ મને જ્યાંથી મેં મારું હથિયાર વાપર્યું હતું ત્યાં અને જે પોસ્ટ પર SSGએ હુમલો કર્યાે હતો ત્યાં તેમને લઈ જવાનો હુકમ આપ્યો. બ્રિગેડિયરની સાથે અમારો ઓપરેશનલ કમાન્ડર ઇન્ફન્ટ્રી બટાલિયનનો `રક્ષાકોષ’ ટાઈપનો અફસર હતો. આ પ્રસંગ માટે loose command and control તથા lack of proper liaison and coordination માટે બ્રિગેડિયરસાહેબે તેમની પાટલૂન ઉતારી હતી એ તેમના મોઢા પરથી જણાઈ આવતું હતું. બ્રિગેડિયર ન જુએ તે રીતે તેઓ હોઠ ફફડાવીને મને ગાળો આપી રહ્યા હતા. કારણ સાફ હતું કે મેં જે કાર્યવાહી કરી હતી તે માટે મેં ન તો તેમની રજા લીધી હતી, ન તો તેનો રિપોર્ટ આપ્યો હતો. આ અગાઉ મારા ઓપરેશનલ કમાન્ડર તરીકે તેમણે કદી મારા સેક્ટરની મુલાકાત નહોતી લીધી, કદી પણ મને તેમની ઓપરેશનલ મિટિંગમાં બોલાવ્યો હતો અને કોઈ દિવસ સાદા ટેલિફોન દ્વારા ખબરઅંતર પૂછવા જેટલો પણ સંપર્ક નહોતો રાખ્યો. મારા તરફથી મેં પ્રયત્ન કરી જોયો હતો. વાચનનો શોખ હોવાથી હું મુંબઈથી તારાપોરવાલા તથા ઓરિયેેન્ટ લોંગમૅન્સ પાસેથી હું ઘણાં અંગ્રેજી પુસ્તકો મંગાવતો, અને વાંચ્યા બાદ મારા ઓપ કમાન્ડરના અફસરો માટે ભેટ તરીકે મોકલતો. મને હજી યાદ છે કે જોન લ’કારેના પ્રખ્યાત પુસ્તક Tinker Tailor, Soldier, Spyની આખી સિરીઝ તેમને મોકલી હતી, પણ તેમના તરફથી સાદો આભારનો સંદેશ પણ નહોતો મળ્યો.

અમે તેમના ઓપરેશનલ કમાન્ડ નીચે હોવાથી દર મહિને યોજાતી ઓપરેશનલ મિટિંગમાં મને સામેલ કરવાની જવાબદારી તેમની હતી, જેની તેમણે કદી દરકાર નહોતી કરી. આથી મારી બધી ગતિવિધિઓનો રિપોર્ટ હું મારા કમાન્ડન્ટને જ આપતો હતો. બ્રિગેડિયરસાહેબે તો કાયદા પ્રમાણે આ પ્રસંગ માટે મારા ઓપરેશનલ કમાન્ડરને જવાબદાર ઠરાવ્યા હતા. આ બાબતમાં તેમની પાસે કોઈ જવાબ નહોતો તેથી બ્રિગેડિયર તેમના પર બરાબર વરસ્યા હતા, અને ઈન્ફ્ન્ટ્રી કમાન્ડર મારા પર જરા પણ ખુશ નહોતા!

જે સ્થળેથી મેં જવાબી ફાયરિંગ કર્યું હતું ત્યાં પહોંચતાં જ બ્રિગેડિયરસાહેબે મને સૂચના આપી કે તેમની તપાસ દરમિયાન મારે એક અક્ષર પણ ન બોલવો. તેઓ પોતે અંગત રીતે સમગ્ર બનાવની માહિતી મેળવશે. બે કલાકની પદયાત્રા બાદ જ્યાં પાકિસ્તાની કમાન્ડોએ અમારી મશીનગન પોસ્ટ પર દરોડો પાડવાનો પ્રયાસ કર્યાે હતો તે ચોકી પર પહોંચ્યા અને તેમણે તપાસ આદરી. બ્રિગેડિયરસાહેબે દરેક જવાનને બારીકાઈથી પ્રશ્નો પૂછ્યા. દુશ્મનોએ જ્યાં LMG ખેંચવાનો પ્રયત્ન કર્યાે હતો તે ટ્રેન્ચની આગળ જઈ દુશ્મન સૈનિકના બૂટનાં નિશાન જોયાં. બધું જોયા બાદ તેમણે અમારા જનરલસાહેબને રિપોર્ટ આપવાનો હતો. મને મારા કામ પર અને લીધેલા નિર્ણય પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં આ તપાસના પરિણામની ચિંતા મૂકી દીધી હતી. બીજા બે-ત્રણ કલાકની પદયાત્રા અને તપાસ બાદ અમે પાછા મારા હેડકવાર્ટર્સમાં પહોંચ્યા. અમારી આતિથ્યની રીત પ્રમાણે મિલિટરીના મસ મોટા સફેદ ટમલરમાં રજૂ કરેલી ચા અને ભજિયાંનો શિષ્ટતાપૂર્વક સ્વીકાર કર્યાે અને બ્રિગેડિયરસાહેબ તમારા આતિથ્ય માટે હાર્દિક આભાર કહી ત્યાંથી રવાના થયા.

પંદર દિવસ બાદ પહાડોમાં સંરક્ષણની વ્યૂહરચના કેવી રીતે થવી જોઈએ તેની ચર્ચા અને પ્રશિક્ષણ માટે બ્રિગેડના અફસરોની બે દિવસની મિટિંગ થઈ. બ્રિગેડિયર સમશેરસિંહ અને અમારા ડિવિઝન કમાન્ડરે બીએસએફને પોતાની સેના ગણીને અમને સમાન સ્થાન આપ્યું હતું તેથી તેમની બધી પ્રશિક્ષણની ગતિવિધિઓમાં અમને સામેલ કરતા હતા. મિટિંગના અંતે બ્રિગેડિયરસાહેબે મારા સેક્ટરમાં થયેલ બનાવ વિશે વિસ્તારથી વાત કરી. તેમણે એક ઇન્ફન્ટ્રીના મેજરને પૂછ્યું, `આ બાબતમાં તેણે શું કરવું જોઈએ.’

`સર, Op Orders પ્રમાણે વળતી કાર્યવાહી માટે હું બ્રિગેડની રજા માગીશ. જો મને ફાયરિંગ કરવાનો હુકમ મળે તો હું જવાબી ફાયરિંગ કરીશ.’ સ્ટેંડિંગ ઓર્ડર પ્રમાણે મોકા પર હાજર હોય તે અફસરને પ્રસંગની ગંભીરતાને જોઈ યોગ્ય કારવાઈ કરવાનો અધિકાર છે, તે તમે જાણો છો? આ હુકમમાં સ્પષ્ટ આદેશ છે કે સામાવાળા તરફથી grave and serious provocation થાય તો તમે પહેલાં જવાબી ફાયર કરી, તેની જાણ બ્રિગેડને કરી શકો છો. આવી હાલતમાં સ્થળ પર હાજર તમે છો, હું નહીં. સ્થાનિક સેનાનાયક તરીકે પ્રસંગનું મૂલ્યાંકન કરી જરૂરી કાર્યવાહી કરી શકો તેવી તમને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમ છતાં તમે રજા માગતા રહેશો?’

`બીએસએફના આ અફસરે યોગ્ય કારવાઈ કરી હતી તેના માટે હું તેને અભિનંદન આપું છું.’ તેમ કહી તેમણે એક પ્રસંગનો દાખલો આપ્યો.

`બડા ચિનાર’ પર બીએસએફની ટુકડીઓ મોકલવામાં આવી, તે પહેલાં મિલિટરીની એક કંપની અહીં ફરજ બજાવતી હતી. આપણા લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને આપણી પ્રતિકાર કરવાની અશક્તિની મજાક ઊડાવવા પાકિસ્તાની ચોકીના જવાનો ઈદના દિવસે આપણા જવાનોની નજર સામે જાણી જોઈને લાઇન ઓફ કંટ્રોલ પર વાછરડું ખેંચી લાવ્યા અને તેને હલાલ કર્યું. આ જાણે ઓછું હોય તેમ તેમણે તેના માંસના ટુકડા ભારતની સીમામાં વસતા કાશ્મીરીઓને વહેંચવાની શરૂઆત કરી. આપણા આ ભારતીય કાશ્મીરીઓ ખુશીથી ત્યાં જઈને તેમની મહેરબાની લાવતા હતા. આપણી ચોકીના કૅપ્ટને આ ક્રૂર હરકત રોકવા માટે ફાયરિંગ કરવા માટે બ્રિગેડની રજા માગી. કમાન્ડરે તેને સ્થળ પરના કમાન્ડર (Commander on the spot) તરીકે યોગ્ય એક્શન લેવા જણાવ્યું. કૅપ્ટને `ઓપ ઓર્ડર્સ’ના મર્મનો ખ્યાલ કર્યા વગર શબ્દોનો આધાર લીધો અને તેણે આ બાબતમાં કશું કર્યું નહીં. બ્રિગેડિયર સમશેરસિંહની દૃષ્ટિએ આ ગંભીર પ્રોવોકેશન હતું. તેમણે કહ્યું કે સૈનિક અધિકારીએ આક્રમક કાર્યવાહી કરી હોત તો પરંપરા મુજબ બ્રિગેડે તેને ટેકો આપ્યો જ હોત.

*

મહિનામાં એક વાર જવાનો માટે પગાર લેવા મારે રજૌરી હેડકવાર્ટર્સ જવું પડે. ત્યાં સેક્ટર કમાન્ડર્સની કોન્ફરન્સ થતી અને હેડક્વાર્ટર્સમાં રહેતા અફસરો સાથે સંપર્ક થતો. અમારા અફસરો એટલા ભલા હતા, બન્ને દિવસ બપોર અને સાંજના ભોજન માટે તેમના ઘેર મને બોલાવતા. ચોકીમાં પાછા જવાના દિવસે કૅન્ટીનમાંથી મહિનાની સામગ્રીમાં જ્યૂસના ડબા, કન્ડેન્સ્ડ મિલ્ક અને ટિનમાં પૅક કરેલ તૈયાર ભોજન ખરીદી જતો. જવાનોને ફ્રી રાશન હતું. મારો સાથી તોતારામ મારા માટે જુદી રસોઈ કરતો. તેને આપણી ગુજરાતી વાનગી બનાવતાં શીખવી હતી, અને જ્યારે જ્યારે તે આ રાંધે, ત્યારે હું મારા સેકન્ડ-ઇન-કમાન્ડ ઇન્સ્પેક્ટર કિશનસિંહ છેત્રી તથા મારા સાર્જન્ટ મેજર ગુરબચનસિંહને જમવા નિમંત્રણ આપતો. આ એવા સાથીઓ હતા, જેઓ મારા હૃદયમાં કાયમ માટે વસી ગયા છે. સારા કે મુશ્કેલ સમયમાં, મુસળધાર વરસાદમાં, બરફના તોફાનમાં અને દુશ્મનો તરફથી થતા અકારણ ગોળીબારમાં તેમણે મારો સાથ કદી છોડ્યો નહીં. ઘણી વાર ખતરનાક જગ્યાએ મારે જવાનું થતું જ્યાં તેમને મારી સાથે જવાની જરૂર પણ નહોતી, ત્યાં પણ તેઓ મારી સાથે જતા. અહીં એકલી વફાદારી નહોતી. આનો અંગ્રેજી શબ્દ છે camaraderie: પરસ્પર વિશ્વાસ, ભાઈચારો તથા એકબીજા પ્રત્યેનો આદર. વિશ્વમાં આવો સંબંધ ભાગ્યવાનને જ મળે છે. ભારતીય સેનામાં આ ભારોભાર ભર્યાે છે.

રજૌરી સેક્ટરમાં રક્ષાકોષના અફસર છોડીએ તો મિલિટરીના બાકી બધા અફસરોનો ઘણો સારો અનુભવ આવ્યો. ત્યાં એક વર્ષ બાદ મારી કંપનીને રોયલ શીખ (શીખ રેજિમેન્ટની બે નંબરની) બટાલિયનના ઓપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવી. તેઓ મને હંમેશાં તેમની ઓપરેશનલ મિટિંગમાં બોલાવતા અને જ્યારે જ્યારે તેમના હેડકવાર્ટર્સમાં મિટિંગમાં જઉં, તેમના CO, એજુટન્ટ અને અન્ય અફસરો અમારા પ્રત્યે અત્યંત માનપૂર્વકનું વર્તન દાખવતા. ગમે તે હોય, હું 1971ની લડાઈનો decorated officer હતો, તેનો તેમણે હંમેશાં આદર કર્યાે. અમે લાઇન ઓફ કંટ્રોલ પર પેટ્રોલિંગ પર જતા, ત્યારે તેમની મોર્ટર્સ અને મીડિયમ મશીનગન અમારા રક્ષણ માટે તૈયાર હાલતમાં રહેતી. તેમના સિગ્નલ્સ ઓફિસર અમારી સાથે સતત વાયરલેસ સંપર્કમાં રહેતા. પેટ્રોલિંગ પરથી પાછા આવ્યા બાદ તેમના એજુટન્ટ અમારી સુખાકારી વિશે ખાસ પૂછપરછ કરતા. વર્ષ દરમિયાન અમે યુદ્ધ માટે કેટલી કક્ષા સુધી તૈયાર છીએ તેનું પરીક્ષણ કરવા આવતા રોયલ શીખના અફસરો અમારી સાથે અમારી ખાઈઓમાં રહેતા અને અમારા જવાનોના લંગરમાં તૈયાર થયેલું ભોજન પણ અમારી સાથે આનંદથી જમતા. શીખ અફસર અને સૈનિકો યુદ્ધમાં જેટલા જવાંમર્દીથી લડતા એટલી જ જિંદાદિલી તેમના હૃદયમાં છે તેની પ્રતીતિ મને હંમેશાં થતી રહી. અફસોસ તો એ વાતનો છે કે આપણા આ બહાદુર શીખ જવાંમર્દાેની સરદાર જોક્સ કહી તેમની હાંસી ઉડાવનારા લોકોને ભાન નથી કે તેમની બહાદુરીને કારણે પંજાબના માર્ગેથી પાકિસ્તાનીઓ આપણા દેશમાં કદી આક્રમણ કરી શક્યા નથી. દેશ સુરક્ષિત છે.

LC પર ફરજ બજાવતી વખતે ઘણા મજાના અનુભવ થયા.

અમારા પ્રથમ ડાયરેક્ટર જનરલ શ્રી રુસ્તમજી અત્યંત પરગજુ અફસર હતા. બોર્ડર પર રહેલી કંપનીઓ માટે તેમણે લોકપરાયણતાની નીતિ બનાવી હતી જેમાં બે વાતો મુખ્ય હતી. એક તો સરહદના વિસ્તારમાં જ્યાં શાળા ન હોય ત્યાં ફરજ બજાવી રહેલી કંપનીનો ભણેલો નોન કમિશન્ડ ઓફિસર પ્રાથમિક શાળા શરૂ કરે. બીજી વાત: દરેક કંપનીમાં ફર્સ્ટ-એડ તથા સામાન્ય ઉપચારની ટ્રેનિંગ લીધેલ જવાનની નિમણૂક થાય. જરૂરિયાત પ્રમાણે આ જવાન દરેક પ્લૅટૂનની મુલાકાત લે અને જવાનોને સારવાર આપે. એટલું જ નહીં, કોઈ પ્લૅટૂનની મુલાકાતે જતાં રસ્તામાં કોઈ ગામ પડે તો ત્યાંના સરપંચને મળી પૂછપરછ કરે અને ગામમાં કોઈને માંદગી હોય તો તેને જરૂરી દવા આપવામાં આવે. મારા સેક્ટરમાં પડતી એક શાળાનો શિક્ષક નોકરી છોડી ગયો ત્યારે ઉર્દૂ જાણનારા અમારા એક હેડકોન્સ્ટેબલને અમે બાળકોને ભણાવવા મોકલ્યો. જ્યારે પહેલી વાર દેવદારનાં વૃક્ષો નીચે આવેલી ખુલ્લી શાળામાં તે ગયા ત્યારે વિદ્યાર્થીઓ એક ટોપલીમાં 20-25 ઈંડાં લાવ્યા અને માસ્ટરજીને ભેટ આપ્યાં! માસ્ટરજીએ તે સ્વીકારવાની ના પાડી ત્યારે બાળકો અને તેમની સાથે આવેલા બે-ત્રણ વાલીઓ આશ્ચર્ય પામ્યા! તેમણે કહ્યું આ તો જૂના માસ્ટરજીનો શિરસ્તો હતો કે જ્યારે જ્યારે તેઓ ભણાવવા આવે ત્યારે આટલાં ઈંડાં તો ગામલોકોએ આપવાં જ પડે! હા, આ કાશ્મીરી માસ્ટરજીને સરકાર તરફથી પૂરો પગાર પણ મળતો હતો જે આપણા અન્ય રાજ્યો કરતાં દોઢ ગણો કે બમણો હોય છે.

દર મહિને અમે જવાનોનો પગાર લઈ પાછા કંપની હેડકવાર્ટર્સમાં જઈએ તો પહાડની તળેટી સુધી મને જીપમાં મૂકવા આવે. ત્યાંથી પગપાળા પહાડ પર આરોહણ કરવા લાગીએ અને કલાકોની પદયાત્રા બાદ ઉપર પહોંચીએ. તળેટીમાં જે સ્થાન પર જીપ ઊભી કરવામાં આવતી તેની સામે એક લુહારની `વર્કશોપ’ હતી. દર વખતે મને જોવા મળતું કે ત્યાં હંમેશાં એક ટોળું બેઠું હોય. કેટલાક લોકો વર્કશોપને અડીને આવેલ જમીનમાં મહેનત મજૂરી કરતા દેખાય. બાકીના બધા ગપાટા મારતા હોય. એક દિવસ ત્યાં મારા પરિચિત સરપંચ મળી ગયા. આટલા બધા લોકો કામ કરવાને બદલે ગપ્પાં મારવામાં સમય શા માટે બરબાદ કરે છે એવું પૂછતાં તેમણે જે કહ્યું તેની મને નવાઈ લાગી.

આ વર્કશોપની આસપાસના પહાડોમાં ડાંગરના અનેક નાનાં નાનાં ટૅરેસ-ફિલ્ડ (અગાશી જેવાં ખેતર)ના પ્લોટ હોય છે. ખેડૂતોનાં ઓજારને ધાર કરાવવા કે સમાં કરવા માટે તે વિસ્તારમાં આ એક જ કારીગર હતો. તેથી લોકો પોતાની વસ્તુઓ લાવી પોતાનો વારો આવે ત્યાં સુધી ત્યાં ડેરો નાખીને રહે. ઘણી વાર તેમનો વારો આવતાં ત્રણ-ચાર દિવસ લાગી જાય તેથી તેઓ પોતાની ખાવાપીવાની વસ્તુઓ અને પાથરણું લાવે. આ જાણે ઓછું હોય તેમ લુહારમહાશય પોતાના શાકભાજીના પ્લોટમાં તેમની પાસે કામ કરાવે, જે તેમણે મફત કરવું પડે. ઉપરથી હથિયાર સમા કરાવવા માટે પૈસા તો આપવા જ પડે! દેશને અને લોકોને સફાઈપૂર્વક અને ચાલાકીથી અંગત ફાયદા માટે કેવી રીતે વાપરવા એ તો કાશ્મીરના લોકોની ખાસિયત કહી શકાય! ભારતીય જનતાએ ભરેલા કરમાંથી યાસીન મલિક અને ગિલાની જેવા કાશ્મીરના કટ્ટર અલગતાવાદી નેતાઓ, મહેબૂબા મુફ્તી જેવી મહિલાઓ પોતાની અંગત સલામતી માટે ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયા ખર્ચ કરાવે છે, માર્યા ગયેલા ત્રાસવાદીઓના પરિવારો માટે પેન્શન લે છે અને આ જ લોકો ભારતની સદ્ભાવનાને કેવો પ્રતિભાવ આપે છે એ તો સહુ જાણે છે. પણ પોતાના જ પાડોશીઓનું શોષણ કરવાની વૃત્તિ મારી સમજની બહાર હતી. એક વાર અમને લાઇન ઓફ કન્ટ્રોલ પર પેટ્રોલિંગ પર જવાની ડ્યૂટી આવી. નકશાનો અભ્યાસ કરતાં અમને જણાયું કે લાઇન ઓફ કન્ટ્રોલ પર એક પીરની મઝાર હતી. ગામલોકોએ પણ તેના વિશે અમને વાત કરી હતી. પેટ્રોલિંગ પર જવાના એક દિવસ પહેલાં મેં અમારા ડિસ્પૅચ રનર સિપાહી ચંગા મુથુને પૈસા આપી મઝાર પર ચાદર ચઢાવવા માટે લીલા રંગનું કાપડ મંગાવ્યું. રજૌરીના દુકાનદારે આ કાપડનો 6 મીટરનો પીસ નવા તાકામાંથી કાપી આપ્યો તેથી તેના પરનાં સોનેરી રંગનાં માર્કિંગ સ્પષ્ટ દેખાતાં હતાં. નવાઈની વાત તો એ હતી કે તેમાં મિલના નામની સાથે શિવાજી મહારાજનું ચિત્ર હતું! મારા સાર્જન્ટ મેજર ગુરબચનસિંહની આગેવાની નીચે ગયેલી પેટ્રોલે પાકિસ્તાનની ભૂમિ પર શિવાજીના ચિત્રવાળી ચાદર ચઢાવી ત્યારે તેમના ચહેરા પર અનેરો આનંદ હતો. `સર જી, પાકિસ્તાનમેં હમને શિવાજી મરેઠાકા ઝંડા લહેરાયા!’ જાણે પેશ્વાના સેનાપતિએ એટોકના કિલ્લા પર ભગવો ધ્વજ ન ફરકાવ્યો હોય!

1 thought on “જીપ્સીની ડાયરી-૪૩ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. learnt how pak post behaved in those days also and how instigate religious feeling- misuse usa aid and how you took initiative and boldly mitigated wishes of SSG: “SSGના ટ્રેનિંગ સેન્ટરમાં પ્રશિક્ષણ પૂરું કરનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઈ જવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.”

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s