જીપ્સીની ડાયરી-૪૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


નગાધિરાજની સમીપે

રજૌરીમાં શાંતિ(!)પૂર્વક સમય ગાળ્યા બાદ અમારી બટાલિયનને 13,000 ફીટની ઊંચાઈએ આવેલા તંગધાર વિસ્તારમાં જવાનો હુકમ મળ્યો. મને બટાલિયનની એડવાન્સ પાર્ટીના કમાન્ડર તરીકે ત્યાંની ચોકીઓનો ચાર્જ લેવા માટે મોકલવામાં આવ્યો. સંધ્યાના યોગ-ક્ષેત્રની વાતો રજૌરીથી અમારી બટાલિયન આ `high altitude’માં આવેલ વિકટ વિસ્તારમાં જવા નીકળી ત્યારથી શરૂ થઈ.

બટાલિયનના સોએક જેટલા જવાનો તથા જરૂરી શસ્ત્ર-સામગ્રી લઈ દસ ટ્રક સાથે અમે સુંદરબની, ખૂની નાલા અખનૂર અને જમ્મુ થઈ ઉધમપુર પહોંચ્યા. અહીં રાત રોકાઈ, કાશ્મીરના ખતરનાક રસ્તા પર બનીહાલ ટનલ, સોપોર, બારામુલ્લા, કૂપવાડા થઈ, અગિયાર હજાર ફીટની ઊંચાઈએ આવેલ ભયાનક એવા નસ્તાચુન પાસ પર પહોંચ્યા. નસ્તાચુન પાસ એટલે માણસનાં ધૈર્ય, હિંમત અને આત્મબળની કસોટી. ઉનાળામાં સૌંદર્યની ખાણ સમાન નસ્તાચુન શિયાળામાં વિકરાળ પહાડનું સ્વરૂપ ધારણ કરી લે છે. તે વખતે ત્યાંથી કોઈ ગાડી – 4×4 જીપ પણ પાર જઈ શકતી નથી. આવા ભયાનક ઘાટને પાર કરી અમે ઝર્લા નામની ખીણમાં ઊતર્યા અને ત્યાંથી આગળ કર્ણા નામના નાનકડા કસબામાં અમારું નવું બટાલિયન હેડકવાર્ટર્સ હતું ત્યાં પહોંચ્યા.

નસ્તાચુન પાસને એક રંગીન મિજાજના બ્રિગેડ કમાન્ડરે તે સમયની લોકપ્રિય અભિનેત્રીનું નામ આપ્યું: સાધના! શિયાળામાં નસ્તાચુન પાસને પસાર કરવામાં અગાઉ ઘણા જવાનો અને અફસરોએ જાન ગુમાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાંથી નસ્તાચુનનો ડર નીકળી જાય એટલા માટે તેનું આકર્ષક નામાભિધાન કરવામાં આવ્યું. નસ્તાચુનની ટોચ પર અફસરો, જુનિયર કમિશન્ડ અફસર તેમજ જવાનો માટે રહેવાની લાકડાંનાં ઘરોની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં સાધના પાસ પર વાહનવ્યવહાર બંધ પડી જાય છે. બરફનાં તોફાન તથા હિમવર્ષાનું પ્રમાણ બેહદ હોય છે, તેથી રજા પર જતા કે રજા પરથી પાછા આવતા જવાનોને પગપાળા જ સાધના પાસને પસાર કરવો પડે છે. બરફ પડ્યા બાદ સાધનાની ટોચથી કર્ણા સુધી વળીઓ રોપી, તેના પર લાલ રંગનાં દોરડાં બાંધવામાં આવે છે. આ દોરડાના સહારે માર્ગ શોધવો સહેલો પડે.

નસ્તાચુન પાર કરતી વખતે અમારા સિવિલિયન પોર્ટરે મને કહ્યું, `સર, `સાધના’થી નીચે ઊતરો ત્યારે ઝર્લાની ખીણમાં સાવચેત રહેવું. આ ખીણમાં એક બલા વસે છે. અત્યંત રૂપવતી યુવતી બની તમારી સામે આવશે અને તમને મંત્રમુગ્ધ કરી સહવાસ માટે પ્રેરશે. તમે તેની સાથે વાત કરો તોપણ તે તમારી રૂહને ગુલામ બનાવી દેશે. કર્ણામાં તમને એવા કેટલાક માણસ દેખાડીશ જેમના રૂહને ઝર્લાની બલા ભરખી ગઈ છે. આ માણસો પ્રેતની માફક રઝળતા દેખાશે

તેની વાતમાં કેટલું તથ્ય હતું તે હું નહીં કહી શકું. એટલું સાચું કે સાધનાની નીચે ઊતરતી વખતે રસ્તામાં જીપને રોકી ઝર્લાનું નિરીક્ષણ કર્યું ત્યારે લીલાછમ, નયનરમ્ય ગીચ જંગલથી ભરાયેલી ખીણમાં એક પ્રકારની ભયાનકતાનો ખ્યાલ આવ્યો જ.

કર્ણા કૅમ્પમાં અમારી બટાલિયન તેમજ બ્રિગેડનું હેડકવાર્ટર્સ હતું. સમુદ્રની સપાટીથી કર્ણા 6,000 ફીટની ઊંચાઈ પર. સાધના પાસથી અહીં ઊતર્યા બાદ અમારી બટાલિયનની જવાબદારી હેઠળ આવતી બધી ચોકીઓનો ચાર્જ મારે લેવાનો હતો. સૌપ્રથમ હું કર્ણાના તંગધારની આસપાસનો વિસ્તાર જોવા ગયો. મારી સાથે ગામના તહેસીલદાર (આપણા મામલતદારના સમકક્ષ) હતા. તેઓ મને પહાડમાંથી ખળખળ કરી ઊતરતા એક ઝરણાની પાસે લઈ ગયા. ઝરણાની પાછળ ઘેરું જંગલ હતું. આ જંગલમાં `બન બૂઢા’ રહે છે. તેના આખા શરીર પર લાંબા લાંબા વાળ હોય છે. સફેદ વાળને કારણે અહીંના લોકો તેને જંગલમાં રહેનારો બુઢ્ઢો – બન બુઢો કહે છે. સાત-આઠ ફીટ લાંબો આ બન બુઢો અહીંની સ્ત્રીઓને ઉપાડી જવા કોઈ વાર આવતો હોય છે. ઝરણાની નજીક એક મકાન હતું. આ મકાન બતાવીને તહેસીલદારે કહ્યું, `આ મકાનમાં રહેતા પરિવારની યુવાન સ્ત્રીને એક બન બુઢો ચારેક વર્ષ પહેલાં ઉપાડી ગયો હતો. ગામના લોકો બંદૂક લઈને તેની પાછળ દોડી ગયા અને મહામુશ્કેલીએ તેને છોડાવી આવ્યા. બન બુઢાને બે નાળી બંદૂકના છરા વાગ્યા તેથી તે પેલી સ્ત્રીને મૂકીને નાસી ગયો. પેલી સ્ત્રી એટલી ગભરાઈ ગઈ હતી કે ડરના માર્યા તેણે ખાવાપીવાનું છોડી દીધું હતું અને થોડા દિવસ બાદ તે મરી ગઈ.’ હું વિચારમાં પડી ગયો. જે રીતે તહેસીલદારે બન બૂઢાનું વર્ણન કર્યું તેના પરથી તો એવું લાગ્યું કે તે યતિ – હિમમાનવની વાત કરી રહ્યો હતો. આપણને પરીકથા લાગે તેવી બન બૂઢાની વાત કર્ણામાં અત્યંત સામાન્ય અને પ્રચલિત વાયકા છે. બીજા દિવસે હું મારા સહકારીઓ સાથે ચોકીઓનો ચાર્જ લેવા નીકળ્યો. હું જ્યારે પહેલી ચોકીની તળેટીએ પહોંચ્યો ત્યારે ત્યાંના પહાડ જોઈ મારું હૈયું બેસી ગયું. હિમાલય વિશાળ છે એ તો બધા જાણે છે, પણ તેની વિશાળતાનું પરિમાણ આટલી નિકટતાથી જોયું નહોતું. તળેટીથી પહાડની ઊંચાઈ આવડી હશે તેની મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. પહાડના આ શિખર પર અમારી ચોકી હતી અને મસ્તક ઊંચું કરી ત્યાં નજર કરી તો મારી હૅટ પીઠની પાછળ પડી જશે એવું લાગ્યું! લગભગ 60 અંશના ઢાળના સીધા અને 11,000 ફીટ ઊંચા પહાડ પર આવેલી પહેલી ચોકી પર મારે ચઢવાનું હતું. આવાં અન્ય પંદર સ્થળોનો ચાર્જ લેવા જવાનું બાકી હતું. બધાં જ સ્થળો લગભગ આવી જ ઊંચાઈએ આવેલાં. તળેટીએ હોય તેવી એક જ ચોકી હતી અને ત્યાંથી પ્રખ્યાત એવી કૃષ્ણગંગા નદી સાવ નજીક હતી. ત્યાં જઈને નહાયો તો નહીં, પણ હાથ, પગ અને મોં ધોયા, તેનાં નીર માથા પર ચઢાવી શક્યો!

અમારા બટાલિયન સેક્ટરની બધી ચોકીઓ પર જવામાં કેવી તકલીફ નડી તેની વિગત નહીં આપું. કેવળ સૌથી વધુ મુશ્કેલ સ્થળ – જે 13,200 ફીટની ઊંચાઈ પર હતું, તેની વાત કરીશ.

સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે. જેમકે પોઇન્ટ 635, બડા ચિનાર, લોન ટ્રી, અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલિટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની 13,200 ફીટની ઊંચાઈ પર આવેલી સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું વિમલા – મારી માતાનું નામ!

વિમલા ક્ષેત્રની ભૂમાતાનાં દર્શન વર્ષના ફક્ત ચાર કે પાંચ મહિના પૂરતું થાય. તે વખતે અહીંનું દૃશ્ય રમ્યાતિરમ્ય હોય છે. ટ્રી-લાઇનની નીચેના ઢાળ પર અદભુત ઔષધિગુણ ધરાવતા બનફશા નામના ઝીણાં નીલા રંગનાં ફૂલ ઉગે. આ ફૂલ કેસર જેટલાં મોંઘાં હોય છે. તળેટીમાં રહેતા લોકો બનફશાનાં મૂલ્યવાન ફૂલ ચૂંટવા અહીં આવે. લાલ, લીલી ઝાંયવાળા પાંદડાંના હેધર (heather)નાં નાનાં નાનાં છોડ અને હરિયાળી. ત્યાર પછી શરૂ થાય વૃક્ષહીન, ખડકાળ પહાડ જ્યાં ઘાસનું એક તણખલું પણ જોવા ન મળે. ઉનાળાના ચાર-પાંચ મહિના છોડીએ તો બાકીના સાત મહિના આખો પ્રદેશ બરફથી ઢંકાય. અહીં ટ્રી-લાઇનનું ચિત્ર આપવામાં આવ્યું છે, જેના પરથી ખ્યાલ આવશે વૃક્ષોની સીમા પાર આવેલા નક્કર પથરીલા પહાડની ટોચ પર રહેનારા ભારતના સૈનિકો કેટલા ખડતલ હોય છે. તંગધારના પહાડોમાં ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે અમારી ચોકીઓનાં અમુક સ્થળોએ 50 ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન શૂન્યની નીચે 30થી 40 ડિગ્રી જાય. હવામાન કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર એટલી હદ સુધી બગડે કે તેમાં સપડાયેલા લોકો પર મૃત્યુનો ભય તોળાય. હિમવર્ષાની સાથે 40-50 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી સુસવાટા મારતાા બરફની કણોથી સભર એવા પવન blizzard – ફૂંકાય. કોઈ ઊભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલિંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. આવા સમયે તેમની તથા અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ કરતા નથી. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં – એટલે કર્ણામાં તોફાન સાથે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે વિમલા અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે અમારી જગ્યાથી પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઈ શકીએ. એવું લાગે જાણે હિમાચ્છાદિત પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઈ રહ્યા છીએ!

મે મહિનાથી જુલાઈ-ઓગસ્ટ સુધી મારા સેક્ટરમાં દસેક મહિનાની રસદમાં કેરોસીન, ટિનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણજાર પર લાદીને ઉપર પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે વિમલા સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણજાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલસામાન મોકલવાનું બંધ! ક્યારેક હવામાન સારું હોય તો હવાઈદળનું હેલિકોપ્ટર અઠવાડિયામાં એકાદ વાર જવાનોની ટપાલ લઈને આવે અને તેમણે લખેલા પત્રો લઈ જાય. ચોકી પર કોઈ સખત બીમાર પડે તો તેને હોસ્પિટલ લઈ જવા માટે પણ હેલિકોપ્ટર આવે. ભારતીય ટેલિવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ તે સમયે અમારા બ્રિગેડ કમાન્ડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા. કેવળ વિમલા ચોકી જ નહીં, તેમની બ્રિગેડના બધા સૈનિકોની સુખાકારી પર તેમનું ખાસ ધ્યાન રહેતું.

અમારી જવાબદારીના નવા વિસ્તારનો ચાર્જ લીધા બાદ રજૌરીથી બટાલિયનના અફસરો તથા જવાનો તંગધાર આવી પહોંચ્યા. કંપનીઓને તેમની યુદ્ધવિષયક જવાબદારીની માહિતી આપી તેમના મોરચાનો ચાર્જ સોંપ્યા બાદ હું મારી કંપનીમાં ગયો.

નવેમ્બરમાં મેં એક મહિનાની રજા લીધી. તે જ દિવસે મારા કમાન્ડંગિ ઓફિસર સુરજીતસિંહ પણ દસ દિવસની રજા પર ઊતર્યા. તેમનાં પત્ની તેમની સાથે હતાં અને શિયાળાની તકલીફમાંથી બચવા તેઓ તેમને પતિયાલા મૂકવા જઈ રહ્યા હતા. અમે બધા એક જીપમાં નીકળ્યા. પ્રથમ સાધના પાસને પાર કરી તળેટીએ આવેલ ચોકીબલ પહોંચવાનું. ત્યાંથી શ્રીનગર. કર્ણાથી નીકળતી વખતે વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. સોનેરી તડકામાં જબરી હૂંફ હતી. અમે અફસરોએ સાદા ગરમ શર્ટ અને પૅન્ટ પહેર્યાં હતાં. સ્વેટર પહેરવા જેટલી ઠંડી નહોતી. સી. ઓ.ના પત્નીએ સુતરાઉ સલવાર-કમીઝ અને પગમાં પટિયાલાની સુંદર, નકશીદાર પાતળી મોજડીઓ પહેરી હતી. બધા રજા માણવાના આનંદમાં કૅમ્પમાંથી બહાર નીકળ્યાં.

બટાલિયનથી અમે લગભગ 8000 ફીટની ઊંચાઈએ પહોંચ્યા કે બરફ પડવાની શરૂઆત થઈ. સીઝનનો પ્રથમ બરફ! નાનકડા બાળકના અંગ પર પાઉડર છાંટીએ તેવો મૃદુ છંટકાવ જોઈ મિસિસ સિંહે હાથ બહાર કાઢી તેનો આનંદ લીધો. અમારી જીપ ધીરે ધીરે ચઢાણ પર જતી હતી અને ઝીણા પાઉડર જેવો બરફ હવે મોતી જેટલો મોટો થયો. જાણે અમારી રજાને મોતીડે વધાવવા નિસર્ગ મોતીઓ ઉછાળી રહ્યું હતું. નવ હજાર ફીટની ઊંચાઈએ પહોંચ્યા ત્યાં તો હિમવર્ષાની તીવ્રતા વધી ગઈ. જીપના વિન્ડ-સ્ક્રીન પર હવે દૂધની મલાઈ પડતી હોય તેવું લાગ્યું. અચાનક હવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બરફનું વાવાઝોડું શરૂ થઈ ગયું. અમે એવી જગ્યાએ હતા જ્યાંથી ન તો અમે નીચે હેડકવાર્ટર્સ જવા માટે ગાડી પાછી વાળી શકતા હતા, ન તોે ઉપર આવેલા સાધના પાસ પર જઈ શકતા હતા. દૂધની મલાઈ હવે એવા વેગથી આવીને પડવા લાગી કે જાણે વિન્ડસ્ક્રીન પર કોઈ મલાઈથી થપાટ મારી રહ્યું હતું. કાચ પર મલાઈ જામવા લાગી. વાઇપર કામ કરતાં બંધ થઈ ગયાં. અમને રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો. અમારે હજી 500-600 ફીટની ઊંચાઈ કાપવાની બાકી હતી અને જીપ બંધ પડી ગઈ.

અમારી પાસે ફક્ત એક જ વિકલ્પ બાકી રહ્યો હતો: આ છસો ફીટની ઊંચાઈ પગપાળા ચઢવી. બરફનું તોફાન હવે ઉગ્ર થયું હતું. સૂર્યદેવ તો ઘનઘોર આકાશ પાછળ કેદ થયા હતા. બરફની આંધી અને તોફાનમાં અંધારાનો સમાવેશ થયો. તંગધારમાં આવ્યા બાદ અમને કહેવામાં આવ્યું હતું કે અહીંના હવામાન પર કદી પણ વિશ્વાસ ન કરવો. ક્યાંય જતાં પહેલાં બ્રિગેડ હેડક્વાર્ટર્સના સિગ્નલ્સ ડિટૅચમેન્ટના મેજર પાસેથી હવામાનનો વર્તારો લીધા વગર નીકળવું નહીં એવું કહેવામાં આવ્યું હતું. અમને લાગ્યું કે આવું તો ડિસેમ્બરથી માર્ચ કે એપ્રિલ દરમિયાન કરવું પડે. આ તો નવેમ્બર મહિનો હતો! અમે નીકળ્યા ત્યારે ખુલ્લા આકાશમાં પ્રકાશી રહેલા સૂર્યનાં કિરણો અમને એવું લોભાયમાન વચન આપી રહ્યા હતા કે આવું હવામાન ચાલુ રહેશે. એવું લાગી રહ્યું હતું કે બે-ત્રણ કલાકમાં સાધનાનો ઘાટ પાર કરીને ત્યાંથી શ્રીનગરના નિશાત બાગ પાસે આવેલ અમારા કૅમ્પમાં રાતવાસા માટે પહોંચી જઈશું. આવાં સ્વપ્નોમાં રાચતા અમે નીકળ્યા હતા અને…

વાતાવરણની વણસેલી પરિસ્થિતિ જોઈ અમારા સી. ઓ. સાહેબે હુકમ આપ્યો કે બધા ચાલીને સાધના પાસના શિખર પર પહોંચી જઈએ. ત્યાં અફસરો તેમજ જવાનો માટે લાકડાંનાં આવાસ બનાવવામાં આવ્યા હતા. અચાનક બદલાતા હવામાનનો ભોગ આપણા સૈનિકો ન બને તે માટે સાધના પાસ પર આ કૅમ્પ બનાવવામાં આવ્યો હતો. અમે અફસરોએ નાયલોનનાં મોજાં તથા સાદા બૂટ પહેર્યાં હતાં. મિસિસ સિંહે તો કેવળ મોજડી પહેરી હતી. જીપને રસ્તામાં મૂકી અમે પગપાળા પહાડ પર ચઢવાની શરૂઆત કરી. બરફની મલાઈ અમારા ચહેરા પર જાણે ગોફણમાંથી વીંઝાઈને આવી પડતા ગારાની જેમ આવી પડતી હતી, જાણે ઝર્લાની બલા અમને થપ્પડ પર થપ્પડ ન મારતી હોય! સુસવાટા કરતા પવનમાં અમે ઊડીને ખીણમાં તો નહીં જઈ પડીએ એવો ડર લાગી રહ્યો હતો. આ એવો અકથ્ય અનુભવ હતો જેને કહેવાનો પ્રયત્ન કરીએ તો કોઈ માનવા તૈયાર ન થાય. અમારા સી. ઓ.નાં પત્ની મિસિસ સિંહના પગ એવા તો ઠરી ગયા હતા કે તેમનાથી એક પણ પગલું ભરી શકાતું નહોતું. દરેક પગલું માંડતાં તેઓ કણસતાં હતાં અને રોતાં હતાં: હાયે રબ્બા, મૈં મર ગઈ! વાહે ગુરુ, તું હી બચા, હાયે મૈં મરી જા રહીં હાં, રબ્બા તું હી બચા… અમારાથી તેમની વ્યથા સહન નહોતી થતી. એક એક ડગલું ભરવામાં અમને એટલી તકલીફ થતી હતી જેનું વર્ણન કરવું અશક્ય છે. અમે તો કેળવાયેલા સૈનિક હતા. મિસિસ સુરજિતસિંહ તો અબળા હતાં. સૌને આ સહન કર્યા વગર છૂટકો નહોતો.

થોડું અંતર ચાલ્યા બાદ ઘનઘોર બરફવર્ષામાં પણ અમને પહાડ ઉપરથી નીચે આવતી બૅટરીઓનો ઝાંખો પ્રકાશ દેખાયો. અમે કર્ણાથી સાધના જવા નીકળ્યા હતા તેનો બ્રિગેડથી વાયરલેસ પર સાધનાના કૅમ્પ કમાન્ડરને સંદેશ ગયો હોવો જોઈએ. તેથી જ ત્યાંથી બચાવ કરનારી ટુકડી અમારી તરફ આવી રહી હતી. અર્ધા કલાકમાં તેઓ અમારી પાસે આવી પહોંચ્યા. અમારા માટે તેઓ પર્કા કોટ, બરફમાં પહેરવાનાં મોટાં ચશ્માં લઈ આવ્યા અને અમને થરમોસમાંથી ગરમ ચા આપી. અમારો સામાન ઉપાડવા માટે તેમણે પોર્ટર્સ મોકલ્યા અને અમને લેવા આવેલી બચાવટુકડી અમને મારગ બતાવીને આગળ ચાલવા લાગી.

અમે ધીમે ધીમે સાધનાના કૅમ્પમાં પહોંચ્યા. આખી રાત તોફાન ચાલુ રહ્યું. સવારે એકાદ કલાક તોફાનમાં સોપો પડ્યો અને ફરીથી તોફાન શરૂ થયું. તાપમાનમાં ઠંડી ઓછી થવાથી બરફને બદલે વરસાદ શરૂ થયો, પણ વરતારો હજી અનિશ્ચિતતા દર્શાવતો હતો. સાધના પર અમારે ત્રણ દિવસ રહેવું પડ્યું. સવારના પહોરમાં બારીમાંથી બહાર જોઈએ તો છતમાંથી બરફના stalactites લટકતા દેખાતા. ઝર્લાની ખીણ બરફથી એવી રીતે ઢંકાઈ ગઈ હતી જાણે ઝર્લાની બલા સફેદ રજાઈ ઓઢીને સૂઈ ગઈ હોય!

તંગધાર બ્રિગેડની બટાલિયનોને હવામાનના વરતારાની ખબર ન આપવા માટે બ્રિગેડના સિગ્નલ્સના મેજરને પગપાળા કર્ણાથી સાધના પર જવાની શિક્ષા થઈ. એવી જ રીતે સાધનાને પાર આવેલી કુમાયૂં બટાલિયનના કમાન્ડંગિ અફસર કર્નલ નાયરને ચોકીબલથી સાધના પગપાળા ચઢવાનો હુકમ થયો. અમારા બચાવ માટે રક્ષકટુકડીને મોકલવામાં વિલંબ થયો તે માટે તેમને સાધના-સ્થિત તેમની ડિટૅચમેન્ટને ખાસ પ્રશિક્ષણ આપવા તેમને મોકલવામાં આવ્યા હતા. મિલિટરીમાં કોઈ અફસરના કાર્યમાં સાધારણ ક્ષતિ જણાય કે તેમની પાસેથી તેમની ફરજ સંબંધી અપેક્ષામાં જરા પણ કમી દેખાય તે સાંખી લેવાતું નથી. આવું વલણ આપણા કેન્દ્ર કે રાજ્ય સરકારના કામચોર અફસરો સાથે કરવામાં આવે તો દેશમાં રામરાજ્ય આવ્યા વગર રહે ખરું? લોકો ગમે તે કહે, ઇંદિરાજીએ ઇમર્જન્સી દરમિયાન આવી કડક નીતિ અપનાવી હતી તેથી દેશમાં અવર્ણનીય શાંતિ અને કાર્યદક્ષતા આવી હતી. સરકારી કર્મચારીઓ સમય પહેલાં કામ પર આવી જતા હતા. લાંચરુશવત અલોપ થયાં હતાં અને તુમારશાહીનો અંત આવ્યો હતો. જનતાના કામ તત્કાળ કરી આપવામાં આવતાં હતાં. લોકો ભલે કહે કે ઇંદિરાજીએ લોકશાહીનાં મૂલ્યોનો અનાદર કર્યાે, સરમુખત્યારશાહી ચલાવી, પણ આજે દેશમાં જે અનાચાર, લૂંટ, ખૂન, બળાત્કાર, ખૂનની સજા પામેલા માણસને કોઈ રાજ્યના મુખ્યમંત્રી બનાવવા, ચોમેર ભ્રષ્ટાચાર, અરે, બે પૈસા વધુ કમાવાના લોભમાં બાળકો માટે વેચાતા દૂધમાં ડિટર્જન્ટ ભેળવવામાં આવે છે તે જોઈ મને વિચાર આવે છે, શું ભારતની પ્રજા અને રાજસત્તા એકબીજાને અનુરૂપ છે? જનતાને એક બીજા પ્રત્યે, રાજસત્તા પરત્વે અને રાજસત્તાને જનતા પ્રત્યે કોઈ ફરજ, પ્રેમ, જવાબદારી અને ઉત્તરદાયિત્વ છે?

સૈનિકોને રાજકારણ સાથે કશું લાગેવળગે નહીં, પણ વિચારો પર કોણ તાળું મારી શકે? ટૂંકમાં કહું તો મૂલ્યો બદલાતા રહે છે. જૂના જમાનામાં કહેવાતું, `યથા રાજા તથા પ્રજા’. આધુનિક મૂલ્યોએ આ વ્યાખ્યા બદલી છે. જેવી પ્રજા, તેવી રાજ્યવ્યવસ્થા. પ્રજાને પોતાનાં મૂલ્યો કે અવમૂલ્યો અનુસાર રાજકર્તાઓ મળે છે, કારણ કે પ્રજા પોતાની નૈતિકતા કે અનૈતિકતાને અનુરૂપ હોય તેવા જ પ્રતિનિધિઓને લોકસભા કે વિધાનસભામાં ચૂંટીને મોકલતી હોય છે. બાકીના વિચારકો આરામખુરશીમાં બેસી `ते ही नो दिवसा गता:’ કહીને નિ:શ્વાસ નાખતા રહે છે. ખરેખર તો મને આ વિષયમાં કશું કહેવાનો અધિકાર નથી, કારણ કે ભારત છોડીને મને ત્રીસથી વધુ વર્ષ થઈ ગયા તેથી આ સવાલોનું વિવરણ કર્યા વગર, તેમને અહીં જ અધૂરા મૂકી મારી વાત ચાલુ રાખીશ!

સાધના પાસના શિખર પર પહોંચ્યા પછી ચોથા દિવસે અમારા માટે `ઓલ ક્લિયર’નો હુકમ આવ્યો. રસ્તામાં ઠરી ગયેલી અમારી જીપને ટો કરી સાધના પર લાવી ચાલુ કરવામાં આવી અને અમે બધાં રજા પર જઈ શક્યા. તોફાન શમ્યા બાદ અમારા સી. ઓ.સાહેબ તથા તેમનાં પત્નીની લીધેલ છબી પરથી ખ્યાલ આવશે કે અમારો પ્રવાસ કેટલો વિકટ હતો.

રજા પૂરી થયા બાદ ડિસેમ્બરના અંતમાં ચોકીબલ બેઝ કૅમ્પમાં પાછો આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મારી કંપનીને વિમલા સેક્ટરમાં મોકલવામાં આવી હતી. ચોકીબલથી વિમલા જવા બે દિવસ લાગે. મને લેવા મારા સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ આવ્યા હતા. તેમની સાથે મારા સહાયક સિપાહી તોતારામ, કંપની ક્લાર્ક બલબીરચંદ તથા ચાર પોર્ટર્સ હતા. પોર્ટર્સમાં ગુલામહૈદર સૌથી વધુ અનુભવી વૃદ્ધ સજ્જન હતો.

છ હજાર ફીટની ઊંચાઈએ આવેલા ચોકીબલ બેઝ કૅમ્પથી સવારના દસેક વાગ્યે અમે પહાડ પર ચઢવાનું શરૂ કર્યું. પ્રથમ 7,500 ફીટની ઊંચાઈએ આવેલી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ શાકા વૅલીમાં રાતના આઠેક વાગ્યે પહોંચ્યા. શાકા વૅલી સમુદ્રતટથી 6,500 ફીટની ઊંચાઈ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વલોક કદાચ આ જ હશે! અહીં જોયેલી સૌંદર્યશાળી બહેનો અને એટલો જ રળિયામણો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા સુંદર પતંગિયાં સુધ્ધાં મને ક્યાંય જોવા મળ્યાં નથી.

શાકામાં રાતવાસો કરી અમે વહેલી સવારે ચાર વાગ્યે ફરી પર્વત પર ચઢવાનું શરૂ કર્યું. અહીંથી અમારે 13,200 ફીટની ઊંચાઈએ આવેલ વિમલા ચોકી પર જવાનું હતું. હિમાલયની આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો મીટર પહોળી છે. પગદંડીની કિનારની નીચેની ખીણ 1,500થી 2,000 ફીટ ઊંડી! એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે, કારણ કે આ સ્થળે હિમપ્રપાત (avalanche) હંમેશાં આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે. તેના જોખમમાંથી બચવા માટે અમારે શાકામાંથી ચાર વાગ્યે પ્રયાણ શરૂ કરવું પડે. બે વર્ષ પહેલાં આ જગ્યાને સમયસર પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઈને કેટલાક જવાનો ઊંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છએક મહિના બાદ બરફ પીગળ્યો ત્યારે તેમનાં શબને શોધવા આ ઊંડી ખીણમાં ખાસ સર્ચ પાર્ટી મોકલવી પડી હતી. મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઈને અદૃશ્ય થઈ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઊંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી કેડીના છેલ્લા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતાં આ માનચિહ્ન સૈનિકો માટે જીવાદોરી સમાન હોય છે. આ દોરડાની નીચે કે કેટલીક જગ્યાએ તેની સાથે ચાલીને જ બીજી ચોકીએ જવા બરફમાં પદયાત્રા કરવી જરૂરી હોય છે. મેં જ્યારે આ સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને બે એવી જગ્યાઓ બતાવવામાં આવી જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે શિખર વચ્ચે પુલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહે છે. પ્રથમ દૃષ્ટિએ સીધી સડકવાળા પુલ જેવી લાગતી આ કોર્નિસ પર પચીસ-પચાસ રતલ વજન પડે તો તે ભાંગી પડે છે. લોકોને લાગે કે આ પુલ પાર કરવાથી બે-અઢી કલાકની કૂચમાંથી બચી જવાય. કેટલાક સમય પહેલાં દક્ષિણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યાે.

તેમનાં શબ છ મહિના બાદ હાથ લાગ્યાં હતાં.

*

શાકા વૅલીની આજુબાજુ સેંકડો ચોરસ કીલોમિટરના પરિસરમાં સરુ, દેવદાર અને પાઇન વૃક્ષોનાં ગીચ જંગલ છે. ત્યાંથી થોડી વધુ ઊંચાઈ પર ખાસ પ્રકારનાં પોપ્લર ઉગે છે. તેના થડની છાલ નોટબુક જેવા પાતળા કાગળની થોકડી જેવી. આના પર તમે પત્ર પણ લખી શકો! મોંઘી કિંમતના – બે-ત્રણ હજાર રૂપિયા પ્રતિકિલો પર મળતા ખાસ પ્રકારના મશરૂમ અહીંના જંગલમાં ચારે તરફ ઊગતા હોય છે, પણ રીંછ અને ચિત્તાના ભયને કારણે ગ્રામવાસીઓ અહીં આવતા નથી. દસથી અગિયાર હજાર ફીટની ઊંચાઈએ tree line સમાપ્ત થાય. ત્યાર પછી અહીંના પહાડ પર ઝાડ કે પાન ઊગતાં નથી. ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થાય. વળી અહીંથી છેલ્લી ત્રણ હજાર ફીટની ઊંચાઈ અતિ કષ્ટદાયક અને સીધાં ચઢાણની. દર ત્રણ-ચાર પગલાંએ શ્વાસ લેવા-છોડવા પડે. નાજુક ફેફસાંવાળા અહીં ટકી ન શકે.

અમે માર્ચિંગ કરી રહ્યા હતા ત્યાં નીચેના જંગલમાંથી વિકરાળ ત્રાડ સાંભળી. અમે થંભી ગયા. અમારા ગાઇડ ગુલામહૈદર માટે જાણે આ સામાન્ય ઘટના હોય તેમ તેણે કહ્યું, `શાબ જી, યે બનબૂઢેકી આવાજ હૈ. ઈસ મૌસમમેં સાથી કો ઢૂંઢને કે લિયે ઐસી હી પુકાર દેતા હૈ. ઇસ મૌસમમેં લકડી કાટને હમારી ઔરતેં જંગલમેં નહીં જાતીં.’ આ બાબતમાં મેં તેને અનેક સવાલ પૂછ્યા. શાકાની ખીણમાં પણ આ બનબૂઢા પાછલાં કેટલાંક વર્ષાેમાં આવ્યા હતા અને તેને તે પ્રસંગો બરાબર યાદ હતા. હા, વળી આ જંગલમાં `કસ્તુરા’ (કસ્તુરી મૃગ), રીંછ અને ચિત્તાઓનો પણ નિવાસ છે, તેવું તેણે જણાવ્યું. કસ્તુરાનો શિકાર કરવાની મારી ઇચ્છા હોય તો તે મને લઈ જવા તૈયાર હતો!

અસહ્ય ઠંડીવાળા આ શીતપ્રદેશમાં રહેતા જવાનો માટે કોઈ બૅરેક નથી હોતી. પહાડમાંથી ભેગા કરેલા પથ્થરની ભીંત બનાવીને તૈયાર કરેલા બંકરમાં રહેવું પડે. બંકરની છત પર વળીઓ, તેના પર ટિનનાં પતરાંનાં છાપરાં અને છાપરાં પર બે-ત્રણ ફીટ માટીનો થર ચઢાવેલો હોય. આની રચના એવી રીતે કરવામાં આવે છે કે તેના પર મોર્ટર બોમ્બ પડે તોપણ અંદર રહેનારા જવાનો સુરક્ષિત રહે. દુશ્મનનું પાયદળ હુમલો કરે તો આ બંકરમાં રાખેલી નાનકડી બારીઓમાંથી રાઇફલ ચલાવીને તેમનો સામનો કરી શકાય. જોકે આ બંકર મોટી તોપના ગોળા સામે ટકી શકતાં નથી. અસહ્ય ઠંડીથી બચવા તથા બંકરમાં પૂરતી ગરમી મળે તે માટે તેમાં `બુખારી’ નામનું ટિનના બંબા જેવું એક સાધન મૂકવામાંઆવે. આ સાદા ઉપકરણના નીચેના ભાગમાં બર્નર હોય છે, જેમાં નળી દ્વારા કેરોસીનનાં ટીપાં પડે. કેરોસીન વડે બુખારીનું બર્નર આખી રાત બળતું રહી શકે. બર્નરની આસપાસ લોખંડની પાતળી ચાદર ધખીને ચારે તરફ ગરમી ફેલાવે. બુખારીની ટોચ પર એક્ઝોસ્ટ પાઇપ જેવી ચીમની હોય છે, જે દ્વારા બુખારીનો ધુમાડો બંકરની છતમાંથી બહાર જાય. જોકે અમે બુખારીને આખી રાત ચાલુ રાખી શકતા નહોતા. કેરોસીન બળે ત્યારે અતિશય ઠંડીને કારણે તેની ધૂમ્રસેરનું ટાલ્કમ પાઉડર જેવી ઝીણી મેશમાં રૂપાંતર થતું. બુખારીની કિનારમાંથી નીકળતી મેશની રજકણ અમારા શ્વાસમાં જઈને અમારા ગળામાં અને નાકમાં ચોંટી જતી. માણસ થૂંકે અથવા તેની ખાંસીમાંથી બલગમ નીકળે તો તે આ મેશને કારણે કાળા રંગનાં હોય. આથી રાતના સમયે થોડી હૂંફ આવે કે અમે લાકડાની પાટલીઓ પર મૂકેલી સ્લીપિંગ બૅગમાં પેસી જઈએ. સૂતી વખતે પણ અમારે સ્નો બૂટ પહેરીને સૂવું પડતું. સ્લીપિંગ બૅગની બહાર બૂટ રાખવાથી સવાર સુધીમાં ઠંડીને કારણે તે લાકડા જેવા કડક થઈ જાય અને લાંબો વખત બુખારીની નજીક રાખીએ ત્યારે પહેરવાલાયક થાય.

અમારા બંકરની બહારની આસપાસની જમીન પર છવાયેલો બરફ બંકરમાંની બુખારીની ગરમીને કારણે પીગળી જતો, અને જમીનના તળિયામાંથી અને બંકરની દીવાલની ભેગમાંથી બરફ પીગળીને બનેલું પાણી અમારા બંકરના ફરસમાંથી ઉપર આવે. તેથી બુખારી ઓલવી નાખ્યા બાદ પણ જમીન પર પાણી તો રહે જ અને સવાર સુધીમાં ત્યાં બરફની પર્ત થઈ જાય. ભૂલથી પણ ઉઘાડો પગ આ પાણીમાં પડે તો વીંછીના ડંખ જેવું દર્દ થાય! એટલું જ નહીં, તેનાથી frost bite થવાની સંભાવના હોય છે. પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો તેનું gangreneમાં રૂપાંતર થતાં વાર ન લાગે. અસહ્ય ઠંડી તથા હવામાં ઓક્સિજનની કમીને કારણે રાતે ઊંઘ ન આવે. આખી રાતનો ઉજાગરો થાય. અતિશય થાકને લીધે જે થોડાં ઝોકાં આવે તેમાં રાતની નીંદર પૂરી થઈ સમજવું. સાંભળ્યું છે કે આપણા ઋષિઓ તથા સંતો આવી જગ્યામાં આવેલી ગુફાઓમાં રહીને તપ-સાધના કરતા. તેમનો વિચાર કરું છું ત્યારે મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે. તેમણે કેવું તપોબળ કેળવ્યું હશે જે અમારી પાસે હતા તેવા પોશાક કે સાધનો વગર પરમાત્મા સાથે આત્માનું સંધાન કરી શકતા હતા! અમે તો સામાન્ય માનવી હતા. ફરજ હતી તેથી ત્યાં રહેવું પડતું હતું, પણ અમારી સાથે અમારો સૈનિક પરિવાર હોવાથી અહીંના જીવનની વિષમતા કદી વસમી ન લાગી. આટલી ઊંચાઈ પર હવાનું દબાણ ઓછું હોવાથી રસોઈ ચઢવામાં લાંબો સમય લાગતો હોય છે, તેથી દાળ ભાત લાંબો સમય રાંધવા છતાં થોડાં કાચાં રહી જાય. શિયાળાના દિવસોમાં ચોકીના રસોડાની નજીક એક સ્વચ્છ જગ્યાની આસપાસ લાલ દોરડાથી માર્કિંગ કરવામાં આવે. આ અમારો કૂવો! આ જગ્યામાં જામેલો બરફ ખોદી, તેને ડોલમાં મૂકી ગરમ કરીને પાણી થાય ત્યારે તેનો ચા-પાણી અને રસોઈ માટે અમે ઉપયોગ કરતા!

કેટલીક વાર રાતના સમયે એટલો બરફ પડે કે તેના ભારથી બંકર તૂટવાનો ભય હોય છે. મારા બંકરના પ્રવેશદ્વારની વળીઓ જૂની થઈ હતી, જેને અમે ઉનાળામાં બદલવાના હતા. એક રાતે ભારે બરફવર્ષામાં પ્રવેશદ્વાર પડી ગયું અને હું બંકરમાં જ ફસાઈ ગયો. જોકે મારી રહેવાની જગ્યા મજબૂત હતી, પણ પ્રવેશદ્વારમાં બરફની શિલાઓ પડી હોવાથી તેમાંથી બહાર નીકળાય તેવું નહોતું. મારા બંકરમાં ફિલ્ડ ટેલિફોન હતો તેથી સાર્જન્ટ મેજરને આ વાત જણાવી અને તેમણે અર્ધા કલાકમાં પ્રવેશદ્વાર ક્લિયર કર્યું. ત્યાર પછી કેટલાક દિવસ તાડપત્રી ઢાંકીને મારા બંકરમાં આવતા સૂસવાતા પવનને રોકવામાં આવ્યો.

રોજ રાતે સૂતાં પહેલાં જવાનો અને તેમના નોન કમિશન્ડ ઓફિસર બુખારી ફરતા બેસી સુખદુ:ખની વાતો કરે. અફસરો માટે જુદું બંકર. મારા તાબાની એક પ્લૅટૂન પોસ્ટના કમાન્ડર તેજ ક્રિશન ભટ્ટ નામના એક કાશ્મીરી પંડિત હતા. એક રાતે તેઓ આવી જ રીતે જવાનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક તેમની નજર બંકરના પ્રવેશદ્વાર પર સ્થિર થઈ. ધીરે ધીરે જાણે આંખો કાચની હોય તેમ તેમાંથી નૂર ગયું. યાંત્રિક પૂતળાની જેમ તેઓ ઊભા થયા અને સીધી લાઇનમાં ચાલવા માટે ડગલું ભર્યું. સામે જ ધગધગતી બુખારી હતી. તેમણે બન્ને હાથ વડે બુખારીને ઊંચકવાનો પ્રયત્ન કર્યાે. હાથમાં ઊનના ગ્લવ પહેર્યાં હતાં, તે સળગી ઊઠ્યાં. હથેળી પરની ચામડી બળી ગઈ, પણ ભટ્ટને તેની પરવા નહોતી, કે ન તો તેમને તેની કોઈ અસર થતી જણાઈ. જવાનો એક સેકંડ માટે તો વિમાસણમાં પડી ગયા, પણ બીજી જ ક્ષણે ત્રણ-ચાર જવાનોએ તેમને પકડીને પાછા ખેંચ્યા. પાટલી પર જબરજસ્તીથી સુવાડી તેમના પર સ્લીપિંગ બૅગ તથા કામળાઓ નાખી ઢાંકી દીધા. પ્લૅટૂનમાં ફર્સ્ટ એડ્નો સામાન હતો તેમાંથી બર્નાૅલ કાઢી તેમની હથેળી પર લેપ કર્યાે. ભટ્ટની આંખો હજી બંકરના દરવાજા તરફ તાકી રહી હતી, પણ બળી ગયેલા હાથમાં થતી પીડાની તેમના પર કોઈ અસર વર્તાતી નહોતી. થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે જે વાત કહી તેથી સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વાતની મને જાણ કરવામાં આવી, પણ મધરાત વીતી ગઈ હોવાથી હું બીજે દિવસે સવારે ભટ્ટની ચોકી પર ગયો. તેમની બન્ને હથેળીઓ જોઈ મને પણ નવાઈ લગી. આટલી હદ સુધી બળેલી હથેળી મેં કદી પણ જોઈ નહોતી. તેજ ક્રિશન એક જવાબદાર અફસર હતા અને ફોજમાં કોઈ અફસર પોતાના સિનિયર અફસર આગળ કદી મિથ્યા ભાષા બોલે નહીં. વળી જાણી જોઈને કોઈ પોતાના હાથ શા માટે બાળે? ભટ્ટે મને જે વાત કહી તે આ પ્રમાણે હતી:

`આવી ઊંચાઈ પર બલા (યક્ષિણી) રહેતી હોય છે એવી અમારા કાશ્મીરમાં માન્યતા છે. એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જેમાં તેમનો ભોગ બનનાર માણસ જીવતો રહી શકતો નથી. આ એવી શરીરધારી `રૂહ’–આત્મા હોય છે, જે ધારે ત્યારે માનવી રૂપ ધારણ કરી શકે છે. જેને તે પસંદ કરે એ જ વ્યક્તિ તેને જોઈ શકે એવી તેમની શક્તિ હોય છે.’

`હું જવાનો સાથે વાત કરતો હતો ત્યાં બે સ્ત્રીઓ આવીને બંકરના દરવાજા પાસે ઊભી રહી. રૂપનો અંબાર અને યૌવનથી થનગનતું શરીર જોઈ હું ચકિત થઈ ગયો. આગળ ઊભેલી સ્ત્રીએ મારી તરફ લોભામણું સ્મિત કર્યું અને મારી તરફ તેણે પોતાના બન્ને હાથ લંબાવ્યા, જાણે કહેતી હતી, `મારો સ્વીકાર કરો!’ મારી આંખ તેની આંખ સાથે મળતાં જ હું ભાન ગુમાવવા લાગ્યો. એક યાંત્રિક પૂતળાની જેમ હું ઊભો થવા લાગ્યો અને બસ, હું બેભાન થઈ ગયો. શું કરી રહ્યો હતો તેની મને કશી જાણ ન રહી. જ્યારે પ્લૅટૂનના જવાનોએ મારા મોઢા પર પાણી છાંટ્યું અને મને ભાન આવ્યું ત્યારે જ મને હાથમાં થતી અસહ્ય પીડાનો અનુભવ થયો.’

આ વાત સાંભળી અમારા કાશ્મીરી સિવિલિયન `ગાઇડ-કમ-પોર્ટરે’ કહ્યું, `સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષાેથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટસાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહીં તો બલાની નજર સાથે જેની નજર એક વાર મળી જાય તો તે માણસ જાનથી જાય.’

ભટ્ટે શાકા વૅલીની બલાઓની દંતકથા સાંભળી નહોતી. આજે પણ મને તેજ ક્રિશન ભટ્ટની વાત યાદ આવે છે ત્યારે તેમની બળેલી હથેળીઓ મારી નજર સામે તાદૃશ થાય છે. તે વખતે મનમાં આવેલ વિચાર ફરી તાજો થાય છે: દંતકથાઓ અને માન્યતાઓની પાછળ કોઈ સત્ય છુપાયું હશે? સત્ય અને માન્યતા વચ્ચે સંધ્યા સમયનો કોઈ પડદો છે? ભટ્ટની સાથે થયેલ ઘટનાનું રહસ્ય શું હતું? Rarified atmosphereનો આ પ્રતાપ હતો કે દિવાસ્વપ્ન? કે પછી સ્કિઝોફ્રેનિયા જેવો કોઈ પ્રકાર? ભટ્ટને કોઈ માનસિક બીમારી નહોતી. પોતાની ધગશ, બુદ્ધિમત્તા અને બહાદુરીને કારણે આગળ જતાં ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટના પદે પહોંચી ગયા હતા. તેમણે કહેલી વાત કપોલકલ્પિત હતી તેમ પણ મારાથી કહી શકાય નહીં. મારા જવાનોએ જે જોયું અને તેનું વર્ણન કર્યું તેને હું ગપગોળો નહીં કહી શકું. બીજી વાત: ભટ્ટના દાઝી ગયેલા હાથ મેં જાતે જોયા હતા.

આવી હાલતમાં પણ હું તથા મારી ટીમ સાથે જવાનોનાં બંકરમાં જઈ રાજેન્દ્રન્ નાયરનાં, મહેંગા રામનાં ગીતો સાંભળતા. કેરોસીનના ખાલી થયેલા લોખંડના જેરીકૅનનો તબલા તરીકે ઉપયોગ કરતા જવાનોનો ઉત્સાહ જોતાં, ટિનના ડબ્બામાંથી રાંધેલા ભોજનનું સહભોજન કરી અમે આનંદથી રહેતા હતા. આવી હતી અમારી દિનચર્યા!

*

તમે અલેલટપ્પુની વાત સાંભળી છે? એક એવો નોકર જેણે તેના શેઠના હુકમનું શબ્દશ: પાલન એવી વિકૃતિ સાથે કર્યું હતું જેથી શેઠની જિંદગી અકારી થઈ ગઈ હતી? બાળકને નવડાવી ધોવડાવી તૈયાર કરવાનું કહેવામાં આવતાં તેણે શેઠના બાળકને પહેલાં નવડાવ્યો, ત્યાર પછી ધોકા વડે ધોઈ કાઢ્યો હતો તે અલેલટપ્પુ?

અમારી બટાલિયનમાં મિલિટરીમાંથી ડેપ્યુટેશન પર આવેલ એક અફસર કૅપ્ટન ક્રિશન મોહન આવો જ અલેલટપ્પુ હતો. આ બટાલિયનમાં મારી બદલી થઈ તે પહેલાં તે અહીં આવ્યો હતો. તેને મળતા હુકમોના લેખિત શબ્દનું અક્ષરશ: પાલન કરવાની તેની વૃત્તિથી કમાન્ડન્ટની જિંદગી ત્રાહિમામ્ થઈ ગઈ હતી. નકલમાં અક્કલ નહીં, તેમ હુકમના શબ્દોમાં પોતાની સૂઝબૂઝ કે અક્કલ વાપરવાની નહીં અને તેથી થતા છબરડાઓને કારણે આખી પલટન દુ:ખી હતી. મને તંગધારની ચોકીઓ ટેક-ઓવર કરવાની કામગીરી સોંપવામાં આવી ત્યારે તેને બટાલિયનમાંથી ટાળવા તેની મારા આસિસ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી. મેં આનો તીવ્ર વિરોધ કર્યાે, પણ કમાન્ડન્ટ જરાયે માન્યા નહીં. અંતે કૅપ્ટન અલેલટપ્પુને મારી સાથે લઈ જવા પડ્યા. નવી બટાલિયનની ચોકીઓનો કબજો લેવા માટે મારે અથવા મારા અલેલટપ્પુએ સંબંધિત ચોકી પર જઈ ત્યાંની મોરચાબંધી, લાઇન ઓફ કન્ટ્રોલના કયા બિંદુથી કયા બિંદુ સુધી સંબંધિત ચોકીની જવાબદારી બને છે ત્યાં પ્રત્યક્ષ જઈને તેનો ચાર્જ લેવાનો, શસ્ત્ર-સામગ્રી વ. ગણીને લેવા સુધીનું બધું કામ એડ્વાન્સ પાર્ટીના અફસરોએ કરવાનું હોય છે. મારા આસિસ્ટન્ટે આ કામમાં મારી સહાયતા કરવાની હોય પણ કૅપ્ટન અલેલટપ્પુએ આ દુર્ગમ પહાડો પર મારી સાથે કે એકલા જઈ ચોકી ટેક ઓવર કરવાનું કામ કરવાનો સાફ ઇન્કાર કર્યાે. કહે, `આ મારું કામ નથી. આર્મી હેડક્વાર્ટર્સે મારી નિમણૂક કંપની કમાન્ડર તરીકે કરી છે. તમારા સેકન્ડ-ઇન-કમાન્ડ તરીકે નહીં! મારી કંપની અહીં આવે ત્યાં સુધી હું બીજું કશું કામ નહીં કરું.’ મેં તેમને ઘણા સમજાવ્યા. કેવળ હેડક્વાર્ટર્સમાં રહી ત્યાં જે વસ્તુઓનો ચાર્જ લેવાનો હતો તે ગણી લે, તેના માટે મારા ક્વાર્ટરમાસ્ટર મદદ કરશે, જે જોઈએ તે સુવિધા આપીશ, એવી સહાયતાની અનેક વ્યવસ્થા કરી આપી. પણ માને તો તે અલેલટપ્પુ શાના? તે મારી કોઈ વાત માનવા તૈયાર જ નહોતા. અંતે મેં તેમને લેખિતમાં હુકમ આપ્યો, તેની કોઈ અસર ન થઈ. અંતે મેં તેમની સામે કાયદેસર પગલાં લેવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરી શરૂ કરાવી તો આ મહાપુરુષ ભૂખહડતાલ પર ઊતરી ગયા. એક રાજકીય નેતાની જેમ પથારીમાં જે સૂઈ ગયા, તે ઊઠવાનું નામ ન લે. ત્રણ દિવસ સુધી કેવળ પાણી પીને પથારી ગરમ કરતા રહ્યા. સશસ્ત્ર દળોમાં ભૂખહડતાલ અત્યંત ગંભીર ગુનો ગણાતો હોઈ મારે તેમને `ઓપન એરેસ્ટ’ (નામ પૂરતા ગિરફતાર) કરી અમારા બ્રિગેડ હેડકવાર્ટર્સમાં મોકલવા પડ્યા.

હવે અમારી બટાલિયન અને મિલિટરી વચ્ચે `ઇજ્જતકી બાત’નો પ્રશ્ન ઊભો થયો. વાત આર્મી હેડકવાર્ટર્સ સુધી ગઈ. આ  મડાગાંઠનો અંત આણવા આર્મી હેડક્વાર્ટર્સે કૅપ્ટન અલેલટપ્પુનું ડેપ્યુટેશન રદ કરી તેમને દિલ્હી બોલાવી લીધા.

આ બધી ભાંજગડમાં મને સરખા પ્રમાણમાં ફાયદો અને નુકસાન થયા: નુકસાન એ થયું કે બટાલિયનની પંદર જેટલી દુર્ગમ ચોકીનો ચાર્જ લેવા મારે જ જવું પડ્યું, અને કામ પૂરું કરવામાં મારો દમ નીકળી ગયો. જેટલી ઊંચાઈઓ ચઢવી અને ઊતરવી પડી, તેનો સરવાળો માઉન્ટ એવરેસ્ટ પર બે-ત્રણ વાર ચઢવા-ઊતરવા જેટલો થયો! ફાયદાની વાત કરીએ તો મને આખા વિસ્તારનો એટલો અભ્યાસ થયો કે પૂરી બટાલિયન જ્યારે આવી પહોંચી, દરેક કંપની કમાન્ડરને તેમની જવાબદારીના સમગ્ર વિસ્તારથી પરિચિત કરાવી શક્યો. હિમાલયનાં ઉત્તુંગ શિખરોનાં જુદાં જુદાં સ્વરૂપોનું મને દર્શન કરવા મળ્યું. શિયાળાના દિવસોમાં વૅગ-ટેઇલ જેવાં પક્ષીઓ જે નીચાણવાળા ભાગમાં હિજરત કરી જતાં હોય છે તે સ્થળ પણ જોવા મળ્યું અને તેમના પ્રવાસનાં બધાં પાસાં જોઈ શક્યો!

કૅપ્ટન અલેલટપ્પુનું શું થયું તેના સમાચાર મને ચાર મહિના બાદ મળ્યા.

આર્મી હેડક્વાર્ટર્સે તેમને તેમની રેજિમેન્ટમાં પાછા મોકલ્યા. ત્યાં અફસરોની કમી હોવાને કારણે તેમને મેજરના પદ પર પ્રમોશન આપી નાગાલૅન્ડ મોકલ્યા! ન્યાયનું આવું અદભુત સ્વરૂપ ક્યાંય જોયું કે સાંભળ્યું નહોતું.

3 thoughts on “જીપ્સીની ડાયરી-૪૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

 1. સતત ભય,જવાબદારી, પ્રતિકૂળ વાતાવરણમાં પણ આટલી સહજ મનની સ્વસ્થતા જાળવી, સૌંદર્ય દ્રષ્ટિ થી સરસ વર્ણનાત્મક ભાષામાં આવી ઉત્તમ ડાયરી વાચકોને આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
  એક સિધ્ધહસ્ત લેખકની કલમે લખાયેલી અદ્ભુત ડાયરી.

  Liked by 1 person

 2. કારમી ઠંડી અને અતિશય ગરમી જેવી સાવ બે અલગ છેડાની આબોહવા અને અત્યંત જોખમી સંજોગોમાં પણ તન-મનની સ્વસ્થતા જાળવીને પૂરેપુરા જોમથી પોતાની ફરજ બજાવતા જવાનોને દિલથી સલામ.

  આજે વર્તમાન સમયમાં જ્યારે દેશમાં ફેલાતા આતંકમાં શહિદ થતા જવાનોનું જોશ અને ખુમારીની વાતો બહાર આવવા માંડી છે. ઉરી એટેક-ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મો થકી આમ-જનતામાં પણ જોશ જાગતું જાય છે . રાઝી જેવી ફિલ્મોથી પણ અનામી જાસુસોના જોખમી કામ વિશે જાણકારી વધવા લાગી છે એવામાં શ્રી નરેન્દ્રભાઈની ડાયરી સૈનિકોના અંતરંગ જોમ વિશે વધુ ને વધુ પ્રકાશ પાડી રહી છે.

  અત્યંત કપરી કામગીરી વચ્ચે પણ મનનું સૌંદર્ય જળવાઈ રહ્યુ હોય એ તો ખુબ આશ્ચર્યની વાત છે અને એ આખો પ્રવાસ આવી રીતે સળંગ કડીબધ્ધ રીતે મુકવા બદલ આભાર…

  Liked by 1 person

 3. “HIMALAY NEE DAIRY” you have explained all hardship in detail as we we were with you in every incident. Hats off to you and all your jawans- all unimaginable and specially those lokvayaka – Bada baba and experience of bhatt..- Yakshini and last about ALLATAPOO…

  and important comment and very right till today: “જેવી પ્રજા, તેવી રાજ્યવ્યવસ્થા. પ્રજાને પોતાનાં મૂલ્યો કે અવમૂલ્યો અનુસાર રાજકર્તાઓ મળે છે, કારણ કે પ્રજા પોતાની નૈતિકતા કે અનૈતિકતાને અનુરૂપ હોય તેવા જ પ્રતિનિધિઓને લોકસભા કે વિધાનસભામાં ચૂંટીને મોકલતી હોય છે. “

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s