હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૭ (ડો. ભરત ભગત)


નથીંગ કેન બી ડનમાંથી સમથીંગ મસ્ટ બી ડનની યાત્રા….

લ્યો, દાખ્તર સા’બ આને “તપાહો.” કહીને પચ્ચાસે પહોંચેલા’ ખભેથી પોટલું ઉતારીને મૂકતો હોય તેમ પંદર વર્ષના બાળકને ટેબલ ઉપર મૂકી દીધું. પંદર વર્ષના આ બાળકે પચ્ચાસ વર્ષના બાપને વૃદ્ધ બનાવી દીધો હતો. માથે બાંધેલો ફેંટો, ક્યાંક ક્યાંકથી સફેદ દેખાતો ઝભ્ભો અને સાવ નધોણો ચોયણો, ક્યારેય એના શરીર ઉપરથી નીચે ઊતર્યો હશે કે કેમ એવો પ્રશ્ન થાય. આ પહેરવેશ એને વધુ ઘરડો ગણાવતો હતો, અનુભવી ડોક્ટરે માપી લીધું કે અહીં સારવારની નહીં, સમજની જરૂર છે. જ્ઞાનનાં ચક્ષુએ વાંચી લીધું કે આ બાળકને હવે દવાની નહીં, માત્ર દુવાની જરૂર છે.

સૌરાષ્ટ્રના માંગરોળ મુકામે આયોજિત પોલિયો નિદાન-સારવાર કેમ્પમાં અગણિત દર્દીઓ આશા અને અરમાનો સાથે આવ્યાં હતાં. સહુને ઉમ્મીદ હતી કે, “ઑપરેશન થયું નથી ને અમારું બાળક દોડતું થયું નથી.”

આવી જ આશા સાથે આવેલો આ બાપ, ડૉક્ટરને આગ્રહ કરી રહ્યો હતો કે, “આનું ઑપરેશન કરી અને એને હાલતો કર”, બોલતો કર ! ડૉક્ટર પામી ગયો હતો કે આ પોલિયોનો દર્દી નથી પરંતુ ‘સેરીબ્રલ પાલ્સી’ નો કેસ છે. એણે કેસના મથાળે લખ્યું, “સી.પી., નથીંગ કેન બી ડન” એને ખબર હતી કે આ તકલીફનો કોઈ ઉપાય મેડિકલ સાયન્સ પાસે નથી. બધી જ અપેક્ષાઓ અને આશાઓ માત્ર વિજ્ઞાનથી પૂરી થઈ શકતી નથી. આ લાચારી હતી છતાંયે હકીકત હતી. ડૉક્ટર માટે આ મજબૂરી હતી, પરંતુ બાપની પાસે તો આશાઓનો સમંદર ધૂધવતો હતો.

ડૉક્ટરને કેસના માથે લખતો જોઈ એની આંખમાં ચમકારો હતો પરંતુ ડોક્ટરની આંખમાં નિરાશાનું દર્દ હતું. આ બાપને સમજાવવા માટે એની પાસે શબ્દ અને સમયની મર્યાદા હતી. એ જાણતો હતો કે પંદર વર્ષના આ બાળકે બાપને માત્ર ગરીબી નહીં અકાળે વૃદ્ધત્વ આપી દીધું હતું. એ સમજતો હતો કે બાળકની સેવામાં બાપે શું શું નહીં કર્યું હોય ! પણ શું બોલવું એની દ્વિધાનો રસ્તો ડૉક્ટરે શોધી કાઢ્યો. એણે કહ્યું “કાકા, આ કેસ અને દર્દીને લઈ બહાર ટેબલ ઉપર બેઠેલાં બહેનને મળો.” વૃદ્ધ હઠાગ્રહથી પૂછતો રહ્યો કે, “ઓપરેશન ક્યારે?” ડૉક્ટર કહેતો રહ્યો કે, ‘બહાર બેનને મળો.’

અંતે બાપે, પોટલું ઉઠાવ્યું. બહાર બેઠેલા કાઉન્સેલર ડૉ.માલતીબહેનના ટેબલ ઉપર છોડ્યું. એક જ મિનિટમાં માલતીબહેન ચીખી ઊઠ્યાં, “આ શું ગંધાય છે?” જવાબ હતો કે “છોકરાએ કપડામાં પેશાબ કરી દીધો છે.” “પણ તમારે એને બાથરૂમમાં લઈ જવો હતો ને” માલતીબહેને સહજતાથી કહ્યું.

“શું કરું બુન, જન્મ્યો ત્યારથી એ બોલ્યો જ નથી. ઝાડા-પેશાબનું ભાન નથી. બધું જ કપડામાં કરે છે. કેટલીવાર સાફ કરું? ખાવાનું પણ ખવડાવું ત્યારે ખાય, પડખું પણે જાતે માંડ ફરે છે. એની માં હતી ત્યાં સુધી સંધુએ એ કરતી પણ હવે એય ઉપર ચાલી ગઈ. હું મજૂરીએ જાઉં. રસોડે બેસું. આને સાચવું… શું કરું બુન? હવે એનું ઓપરેશન કરી આપો તો અમારો જન્મારો સુધરી જાય.” બાપના શબ્દો હતાં.

માલતીબહેન પાસે જિંદગીનો અનુભવ હતો. ઉંમરની પાકટતાએ સામાની મુશ્કેલીને સમજવાની શક્તિ આપી હતી. ધીરજ એમને સહજ હતી. માલતીબહેને બાપ સાથે વિગતે વાતો કરવા માંડી. ઘરની વાતો જાણી. સુવાવડ થઈ ત્યારે શું સ્થિતિ હતી એ જાણી. બાળકના વિકાસના દરેક તબક્કાને બાપના શબ્દોમાં સાંભળ્યા અને ધીરે ધીરે કડવી વાત તેમણે અતિપ્રેમે બાપને કરી. અપજશ બધો એમણે ઉપરવાળાને આપી બાપને સમજાવ્યો કે “ભાઈ, હવે આમાં આપણાથી કંઈ ના થાય. જે ભગવાને દીધું એને સાચવી જાણવું.” સી.પી. વિશે એ ગામડિયો ન સમજે તો પણ એક વાત એને ગળે ઉતરાવી દીધી કે “હવે તારે જે છે એ સ્વીકારી લેવું પડશે.”

અડધો કલાક વહી ગયો. બાપને આઘાતમાંથી કળ વળી અને હવે એની આંખમાં આંસુ હતાં, અફસોસનાં ! બોલી ઉઠ્યો : “બુન, આટલી વાત કોઈએ અમને કરી હોત તો અમે એક કેમ્પથી બીજો કેમ્પ, એક ગામથી બીજા ગામ દોડ્યાં ના હોત. સારું થશે જ નહીં એની ખબર હોત તો અમે એંસી હજારનું દેવું ન કરત.”

માલતીબહેન જયારે મને આ પ્રસંગ કહી રહ્યાં હતાં, ત્યારે એમની આંખમાં મારા ઉત્તરની આશા હતી. હું મૌન હતો. પણ મારી જાણ બહાર અંદર એક બીજ રોપાઈ ગયું હતું.

માંગરોળ અને ચોરવાડનો કેમ્પ પૂરો કરી પરત ફરતાં રસ્તામાં આ દર્દીની વાત ફરી નીકળી. ડૉક્ટર્સનું કહેવું હતું કે આપણાં કેમ્પમાં હવે સી.પી. ના વધારે દર્દીઓ આવી રહ્યાં છે. પોલિયોનાં દર્દી ઘટતાં જાય છે પરંતુ માતાપિતા સી.પી. વિશે જાણતાં નથી એટલે બાળકને “પોલિયો થયો છે” એમ માની આપણાં કેમ્પસમાં લાવે છે. ક્યારેક તો આવા દર્દીની સંખ્યા ૨૫ થી ૩૦ ટકા જેટલી હોય છે. કેસ ઉપર લખાઈ જાય છે, ‘સી.પી. નથીંગ કેન બી ડન’, મારી બહાર મૌન હતું, પણ અંદર ઘમસાણ !

અમારા ડૉક્ટરો માટે અનેક અસાધ્ય રોગ સામે ઝઝૂમવાનું હોય છે. જીવન હોય ત્યાં સુધી આશા છોડી શકાતી નથી પરંતુ અંદરથી ખબર હોય છે કે આમાં કશું થઈ શકે તેમ નથી. શરૂ શરૂનાં વર્ષોમાં માનવીય સહજ સંવેદનાઓ ઉપજે, દુ:ખ થાય, દર્દી અને પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ઉપજે. લાચારી અનુભવાય પરંતુ જેમ જેમ વર્ષો વીતતાં જાય તેમ તેમ ડૉક્ટર્સની સંવેદના ઓછી થતી જાય છે. લાચારીને સ્વીકૃતિ મળતી જાય છે. મારાથી થઈ શકે એટલું કર્યું પરંતુ હવે વધારે ન થાય તો હું શું કરું એવો ભાવ આવે છે. અંદર વેદના હોય તો પણ પરિસ્થિતિ સ્વીકારી, બહારથી દર્દી સાથેના વ્યવહારમાં “નથીંગ કેન બી ડન” આવી જાય છે.

ફક્ત સજાગ તબીબો જ વિચારી શકે કે, “સમથીંગ મસ્ટ બી ડન” જે આ વાત વિચારે તે જ નવી શોધ તરફ ડગલું માંડી શકે. જે શસ્ત્રો છોડી દે, હાર સ્વીકારી લે તે ક્યારેય સર્જન કરી શકતો નથી. રોગોની સામે જીતવાના જંગમાં કેટલાય તબીબોએ પોતાના શરીરમાં રોગને દાખલ કરી, જીવનના ભોગે પણ દવાઓ શોધી છે. પોતાના જીવનનો ભોગ આપી, આવનારી આખી પેઢી માટે રોગમુક્તિનો ઇલાજ આપ્યો છે.

હા, આ જ વિચાર અમારા માટે પ્રેરણારૂપ બન્યો. “સમથીંગ મસ્ટ બી ડન” નું બીજ રોપાઈ ગયું હતું. બહારથી કંઈ થઈ રહ્યું ન હતું પરંતુ અંદરની પ્રક્રિયા સતત ચાલુ હતી. સમયની મર્યાદા, વિચારોને ન તો મૂર્તિમંત થવા દેતી હતી કે ન એને વ્યવસ્થિત થવા માટેનો મોકો આપતી હતી.

માંગરોળના વૃદ્ધજનની વાત જેવી વાત આવા બધાં જ દર્દીનાં પરિવારજનો કહેતાં, શબ્દો કે શબ્દોની સહાય વિના ! નકારાત્મક જવાબ સાંભળી તેમના ચહેરા પરના ભાવો, ખૂબ જ મનોમંથનની પળો આપી જતા.

એક દિવસ મળવાનું થયું, શહેરના એક મધ્યમવર્ગીય પરિવારને, જયાં સી.પી. બાળક ઉછરી રહ્યો હતો. એની વાત બીજા કરતાં બહુ જુદી ન હતી. તેમની વ્યથા તેમના જ શબ્દોમાં સાંભળીએઃ “પરંતુ અમે તો લંડન ડિલીવરી કરાવી છે, આવું થઈ શકે જ નહીં.” રાજુની પત્ની દક્ષાનો આક્રોશ હતો જેઠ ડૉ. રોહિતના શબ્દો સામે. સવા મહિનાના જસબીરને લઈ દક્ષા અમદાવાદ એરપોર્ટ ઉતરી ત્યારે રોહિતે જોતાંની સાથે જ કહ્યું કે જસબીરને Nestagmas જ છે. બહાર દેખાય છે એના કરતાં કંઈક વધુ ઊંડું કારણ છે. બીજા દિવસે આંખના નિષ્ણાતે કહ્યું કે “જસબીરને બન્ને આંખે મોતિયો છે. પડદા પણ કંઈક અસામાન્ય છે”, પણ દક્ષા માને જ નહીં.

પ્રસુતિ પછી તુરત જ બાળકનું મોં જોવાનો મોહ દેવી-દેવતા પણ છોડી શકતાં નથી. રાજા-મહારાજા પણ ચૂકતા નથી તો સામાન્ય સ્ત્રી એમાંથી કેવી રીતે અપવાદરૂપ રહી શકે? ત્રણ દિવસની વેદના પછી દક્ષાનો છૂટકારો થયો. ફોરસેપ્સ તો કરવો જ પડ્યો. બાળકને જોતાં દક્ષા હરખાઈ-દસવર્ષની મૂક વેદનાનો અંત હતો. આનંદની શરૂઆત હતી. પણ એને ક્યાં ખબર હતી કે, ‘આવનારો સમય કેટલો કપરો હશે અને તેની કલ્પના પણ એને ક્યાં હતી?

ખુશીમાં એક મહિનો વીતી ગયો. માવતરમાં રહેવાનું હોય, યુ.કે. નું વાતાવરણ હોય અને પુત્રજન્મનો ઉત્સવ હોય, પછી પૂછવું જ શું! પણ સમય ક્યાં કોઈનાથીય બંધાયો છે. પિયર છોડી પોતાના ઘરે અમદાવાદ સવા મહિનાના જસબીરને લઈને આવી પહોંચી, અમદાવાદ- ‘હવે પોતાનું ઘર આવી ગયું.’ ખુશીઓની–આનંદની ઉજવણી થાય તે પહેલાં જ ખબર પડી કે, બંને આંખે મોતિયો છે ! ‘ઘરમાં કાબેલ ડૉક્ટર એટલે પરિસ્થિતિ કાબુમાં રહી. આશા હતી કે, “ચાલો કેટરેક્ટનું ઑપરેશન થઈ જશે એટલે શાંતિ !’

રોહિત સમજતો હતો કે બાળકનો વિકાસ જોઇએ તેટલો નથી. પીડીયાટ્રીશિયને શંકા વ્યક્ત કરી હતી કે હાથપગનું હલનચલન સામાન્ય કરતાં ઘણું ઓછું છે. જૂનો રેકોર્ડ જોયો ત્યારે ખબર પડી કે ગર્ભાશયમાં જ બાળકનો વિકાસ અપૂરતો હતો. આવા બાળકની પ્રસુતિ માટે સમય ઓછામાં ઓછો થવો જોઇએ જેથી તેના ઓક્સિજીનેશનમાં તકલીફ ન થાય. લંડનની N.H.S. ની હોસ્પિટલે ત્રણ દિવસ કાઢ્યા. સીઝેરીયન ન કરવાનો પ્રયત્ન હતો. પરંતુ તેમાં બાળકને hypoxia થયો. કદાચ સીઝેરીયનથી આ પરિસ્થિતિ ટળી શકી હોત.

સીઝેરિયન કરવાનો નિર્ણય બે-ધારો છે. ડૉક્ટરો પૈસા કમાવા ફટાક દઇને સીઝેરીયન કરે છે એવી ટીકાઓ વચ્ચે જીવતા ડૉક્ટરો ક્યારેક ઑપરેશન મોડું કરીને નુકસાન કરે છે પરંતુ મોટા ભાગે આવી ટીકાની ચિંતા વગર કરેલો નિર્ણય વધુ સારું પરિણામ આપે છે. ‘Error of judgement is always permisible but reasonability must prevail.’ નો સિદ્ધાંત પ્રત્યેક તબીબે અને સમાજે સ્વીકારવો જોઇએ.

દક્ષા કહેવાનું જ ભૂલી ગઈ હતી કે એક મહિનાના લંડનના નિવાસ દરમિયાન જસબીરને ખેંચ આવી હતી. લંડનમાં ડૉક્ટરને મળવું અત્યંત મુશ્કેલ છે અને ક્યારેક એના કારણે દર્દી ખેંચાયા કરે, અમદાવાદમાં બીજી વાર ખેંચ આવી ત્યારે દક્ષાને યાદ આવ્યું પણ એ પછી તો વારંવાર ખેંચ આવવાનું સામાન્ય થઈ ગયું. આ સારી નિશાની નથી, એ સમાચાર આઘાતજનક હતા.

આંખની પીડાના આઘાતમાંથી કળ વળે એ પહેલાં બીજો આઘાત સહેવો અઘરો હતો. ઘરનો ડૉક્ટર, માત્ર ડૉક્ટર નહીં, પતિ રાજુના પિતાને સ્થાને હતો. બધી ચિંતા એમણે ઉપાડી લીધી હતી.

સમય વહેતો ગયો. દક્ષા બાળકની સાથે રમવાનો પ્રયાસ કરે પણ મનનો ડર તેને સ્વાભાવિક ન થવા દે. દરેક ડગલે તેને કંઈક નવી ઉપાધિના એંધાણ દેખાય. એની ફરિયાદ હતી કે જસબીર ખુલીને હસતો નથી. રમતો નથી. ત્રીજો અને મોટો ધડાકો એણે અનુભવ્યો, જયારે તેને ખબર પડી કે એ બેઠો જ થઈ શકતો નથી, બોલી જ શકતો નથી. આંસુઓની ધારમાં એની વેદના વહી રહી હતી. ખબર પડી કે આ તો ‘સી.પી. ચાઇલ્ડ’ છે. પોતે ભણેલી એટલે બધું વાંચી નાખ્યું. એને એવું લાગ્યું કે, આના કરતાં પોતે અભણ હોત તો સારું થાત. વાંચ્યું જ ના હોત તો જાણત નહીં. જાણ્યું એટલે સમજાયું કે આ તો જીવનભરનો સંઘર્ષ છે.

હવે જસબીરનું ચક્કર શરૂ થયું. એક થેરાપીસ્ટથી બીજા થેરાપીસ્ટ પાસે, એક ક્લિનિકથી બીજી ક્લિનિક ઉપર જવાનું, કલાકો સુધી તાલીમ અપાવવાની જોડે પોતે પણ તાલીમ લેવાની !

અંદરનો આઘાત હવે આક્રોશમાં પરિણમી રહ્યો હતો. રાજુ આખો દિવસ નોકરીએ જાય. સાંજે થાક્યો હોય. દક્ષા આખો દિવસ જસબીર પાછળ હોય, એ પણ સાંજે થાકી હોય. ઘર ચલાવવું એ ખાંડાના ખેલ નથી. એક ઇન્ડસ્ટ્રી ચલાવવા જેટલી મહેનત અને એટલું આયોજન માંગે. તેમાં આવું બાળક ! રસોઇના સમયે જસબીરને કુદરતી હાજત માટે મદદ કરવાની. રાજુને થોડુંક રીલેક્સ થવું હોય, ટી.વી. જોવાની ઇચ્છા થાય. ત્યારે જસબીરને કુદરતી હાજત માટે લઈ સાફસૂફ કરવું મુશ્કેલ લાગે. ભારતીય પુરુષ બાળઉછેર માટે ટેવાયેલો જ નથી અને રાજુ એમાં અપવાદ શી રીતે થાય? પછી પતિ-પત્ની વચ્ચે તો તણાવ અને ઝઘડા !

બેન્કની નોકરી, આવકની મર્યાદા અને મોંઘવારીમાં અધિક માસ જેવો જસબીર માટેનો ખર્ચ. બે છેડા ભેગા કરતાં મુશ્કેલી પડે. સવાર-સાંજ પત્નીને મદદ-જસબીરની માવજત સમય લઈ લે. વધારાની આવક ઊભી કરવા રાજુને સમય કાઢવો પડે.

કુટુંબની સમસ્યા સાથે નાણાંકીય સમસ્યા હતી જ, એમાં ઉમેરાઈ સામાજિક સમસ્યા. ઘરની બહાર નીકળવું રાજુ કે દક્ષા માટે મુશ્કેલ બન્યું. આનંદપ્રમોદ માટે બહાર જવાનો તો અવકાશ જ ન હતો પરંતુ મિત્રોને મળવા જવું, કોઈકના લગ્નપ્રસંગે જવું કે સામાજિક કામે કોઈકના ઘરે જવું પણ મુશ્કેલ બનતું ગયું.

માનસિક યાતના, શારીરિક થાક, નાણાંકીય સમસ્યા છતાંયે બંનેએ પરિસ્થિતિ સામે લડવાનું નક્કી કર્યું હતું. જસબીરને સાચવવા તેમણે નિર્ણય કર્યો કે બીજું બાળક જોઇએ જ નહીં. અંદર ડર પણ હતો કે કદાચ બીજું બાળક પણ આવું જ આવે તો ! ક્યારેક જસબીરની નાનકડી પ્રગતિની વાત તેમને આનંદની લહેરખી આપી જાય છે બાકી તેમની વ્યથાની કથા તો એમની એમ જ છે !

આવાં અસંખ્ય બાળકો અને પરિવારોને જોવાનું થયું. પહેલાં પોલિયોના કેંપ્સમાં અને બાદમાં પોલિયો હૉસ્પિટલમાં !

2 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૭ (ડો. ભરત ભગત)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s