મને હજી યાદ છે-૭૩ (બાબુ સુથાર)


બા પછી બાપુજી

હું અમેરિકામાં, મોટા ભાઈ મારા ગામ પાસે આવેલા વીરપુરમાં અને નાનો ભાઈ વડોદરામાં. હું બાની મરણોત્તર વિધિઓમાં ભાગ લેવા જઈ શકું એમ ન હતો. મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરેલી એટલે જો મારે અમેરિકા છોડીને બીજા કોઈક દેશમાં જવું હોય તો નિયમ પ્રમાણે ઇમિગ્રેશન વિભાગની મંજુરી લેવી પડે. એ મંજુરી આવતાં જ ત્રણ-ચાર અઠવાડિયાં થઈ જાય. મોટા ભાઈ પર ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. અલબત્ત, અનૌપચારિક. એ પણ કૌટુંબિક રાજકારણના એક ભાગ રૂપે. અને નાના ભાઈએ, મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એમ, ગામથી રૂસણું લીધેલું હતું. એ સંજોગોમાં બાની મરણોત્તર વિધિઓ મારા ભત્રીજાના માથે આવેલી અને એણે નિભાવેલી પણ ખરી. મેં એને કહેલું કે બાપુજી જેટલો ખર્ચ કરવાનું કહે એટલો ખર્ચ તું કરી શકે છે.

હું મરણોત્તર વિધિઓમાં માનતો નથી. પણ મેં ક્યારેય મારાં માબાપ પર મારી વિચારણા લાદી નથી. મારાં પત્ની અને મારા દીકરા પર પણ નહીં. વળી મારે તો બાપુજીને રાજી રાખવાના હતા. એમને એમ ન થવું જોઈએ કે હું એમની ઇચ્છા વિરુદ્ધ કંઈક કરી રહ્યો છું. બાપુજી પણ આમ તો વ્યવહારના માણસ હતા. એ પણ ન હતા ઇચ્છતા કે હું બાની મરણોત્તર વિધિઓ પાછળ આડેધડ ખર્ચ કરું. એમણે મારા ભત્રીજાને કહ્યું કે, “બધું સમાજમાં થાય છે એ રીતે કરવાનું. ભાઈ પરદેશ રહે છે એ બતાવવા માટે નહીં.” મને પણ એમની વાત ગમી ગયેલી. એટલે મારા ભત્રીજાએ નાતના અને ગામના રિવાજ પ્રમાણે બાની મરણોત્તર વિધિઓ કરેલી.

          ભારતમાં વસતા કોઈ કુટુંબીજનનું અવસાન થાય તો અહીં અમેરિકામાં વસતા ગુજરાતીઓ મોટે ભાગે તો મંદિરમાં જાય, ત્યાં થોડીઘણી વિધિઓ કરે, પૂજા કરે, ઘેર બેસણું રાખે, બેસણામાં સદ્‌ગતની છબી મૂકે. ગીતાના શ્લોક કે ભજન વગાડે. બધા મળવા આવે. એ રીતે બધા સુખદુ:ખમાં ભાગી દાર થાય. મેં આમાંનું કશું જ કર્યું ન હતું. રેખાએ પણ કોઈ આગ્રહ ન હતો કર્યો. હા, બેચાર નિકટના મિત્રો મળવા આવેલા. એમની સાથે બેસીને બાની વાતો કરેલી. હું બધાંને એક વાત કહેતો હતો: આપણે દેશ છોડીએ એ સાથે જ આપણે આ વાસ્તવિકતા સ્વીકારી લેવાની રહી. મને અંદરથી એક વાતની પીડા થતી હતી: બાની અમને ત્રણેયને જોવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. પણ મને એક વાતનો આનંદ હતો: બાને અમે બધાંએ એમને જે રીતે જીવવું હોય એ રીતે જીવવા દીધેલાં. બા દમામભેર જીવેલાં.

          બાની મરણોત્તર વિધિઓ પત્યા પછી અમારે બાપુજીની કાળજી લેવાની હતી. હવે બાપુજી ફોન પર ભાગ્યે જ વાત કરી શકતા હતા. એમની શ્રવણશક્તિ ખાસી બધી ચાલી ગઈ હતી. એટલે મારે કોઈકને મધ્યસ્થી તરીકે રાખીને વાત કરવી પડતી. કરૂણતા એ હતી કે એ મધ્યસ્થીઓ, મેં ધાર્યા હતા એટલાં પક્ષપાત વગરના ન હતા. હું કહેતો એક વાત ને મધ્યસ્થીઓ એમાં બીજી બે વાતો ઉમેરીને બાપુજીને કહેતા. ઘણી વાર એ લોકો મારી વાતને વિકૃત પર કરી નાખતાં.

          બાના ગયા પછી મને એમ હતું કે હવે મારો ભત્રીજો અને એનાં કુટુંબીજનો બાપુજીની કાળજી લેશે. કેમ કે બાપુજી પ્રમાણમાં ઘણા સ્વસ્થ હતા. એ લાકડીને ટેકે ચાલી શકતા હતા. એક ઘેરથી બીજે ઘેર જઈ શકતા હતા. જાતે નાહીધોહી શકતા હતા અને ખાઈ પણ શકતા હતા. આખા ગામમાં એ સૌથી મોટી ઉમરની વ્યક્તિ હતા. ગામલોકો પણ એમને માનથી જોતા હતા. એમની કોઠાસુઝ હજી પણ પહેલાં જેવી જ હતી. એ બારણે બેઠા હોય તો રસ્તે જતા કોઈ પણ જુવાનિયાને બોલાવીને મદદ માગી શકતા અને લગભગ બધા જ જુવાનિયાઓ એમને મદદ કરવા આવી જતા.

          બાપુજીની ઘણી ઇચ્છા હતી કે અમે પેલી બાઈને પાછી બોલાવીએ. એ કદાચ કુટુંબીઓ પર આધાર રાખવા ન હતા માગતા. પણ, એ બાઈએ પાછા આવવાની ના પાડી દીધી. એનાં પોતાનાં કારણો પણ હશે. નાના ભાઈએ એને સમજાવી. તો પણ એણે ના પાડી દીધી. આ બાજુ કેટલાક લોકોએ બાપુજીની કાનભંભેરણી શરૂ કરી દીધી. એમણે બાપુજીને કહ્યું કે બાબુભાઈ હવે કોઈને પૈસા આપવા માગતા નથી. એમણે બા માટે પૈસા ખર્ચ્યા. હવે એ તમારા માટે એટલો ખર્ચ કરવા માગતા નથી. બાપુજી આમ આવી વાતો માને એમ ન હતા. પણ જ્યારે એક કરતાં વધારે લોકો કહે ત્યાં જૂઠાણું પણ સત્ય બની જાય. વધારે નહીં તો થોડો વખત માટે તો ખરું જ. પછી હું જ્યારે પણ બાપુજીને ફોન કરતો ને કહેતો કે તમે ચિન્તા ન કરતા. હું બેઠો છું. તો મધ્યસ્થી એમને બીજી જ કંઈક વાત કરતો.

          ટૂંકમાં, બાપુજીની આસપાસ જે લોકો હતા એ બધા હવે એવું માનતા હતા કે બાપુજી બહુ વરસોથી જીવે છે. હવે જાય તો વાંધો નહીં. એક કુટુંબીજન એવું બોલી પણ ગયેલું. લોકો કેટલી સરળતાથી બીજા માણસના મરણની વાત કરી શકતા હોય છે એ જોઈને મને આશ્ચર્ય થયેલું ને આઘાત પણ લાગેલો. હું જ્યારે મરણ પથારીએ પડેલા માણસ પાસે ઊભો હોઉં ત્યાં એવું ન વિચારું કે આ માણ઼સને હવે મુક્તિ મળે તો સારું. હું એમ વિચારું કે આ માણસની પીડા ઓછી થાય તો સારું. પણ મરણ મને કદી પીડાનું ઓસડ નથી લાગ્યું. પણ આ બધા સામાજિક માહોલનું એક પરિણામ એ આવ્યું કે એક તબક્કે બાપુજીને પણ એવું લાગ્યું કે અમે કદાચ એમને એકલા છોડી દઈશું. એમની કાળજી નહીં રાખીએ. મારી દૃષ્ટિએ આ એમના અને અમારા જીવનમાં બનેલી એક કરૂણ ઘટના હતી. અમે એમને વિશ્વાસ ન અપાવી શક્યા કે અમે તમારી પડખે છીએ. પરિણામે બાપુજી દિવસે દિવસે એક વરસ જેટલા વૃદ્ધ થવા લાગેલા. એમણે કદાચ હવે નક્કી કરેલું કે મારે બહુ લાંબું જીવવાની જરૂર નથી. બા નવેમ્બર ૨૦૧૨માં ગયાં. બાપુજી, એમની પાછળ પાછળ, ફેબ્રુઆરી ૨૦૧૩માં ગયા. મને હજી ઘણી વાર એવું લાગે છે કે બાપુજીનું કુદરતી અવસાન નથી થયું. એમનું અવસાન કદાચ માનવસર્જિત હતું. એ માટે સૌ પ્રથમ તો અમે ત્રણેય ભાઈઓ જવાબદાર હતા. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. ઘણી વાર દુશ્મનોને આપણે જલ્દી સમજી શકીએ. સ્વજનોને સમજતાં વાર લાગે. સ્નેહમાં સ્નેહ સિવાયના બીજા આશયોને છુપાવવાની શક્તિ ઘણી બધી હોય છે. દુશ્મનાવટમાં ઓછી.

          જો કે, જતાં પહેલાં બાપુજીએ એમની પાસે જે ‘વિદ્યા’ હતી એ મારા ભત્રીજાને આપેલી. મેં અગાઉ નોંધ્યું છે એમ બાપુજી સુથારીકામ અને ખેતી ઉપરાંત ભૂવાનું, અર્થાત્ ભૂતપ્રેત કાઢવાનું કામ, પણ કરતા. પણ એ એમનો વ્યવસાય ન હતો. એ કદી પણ કોઈની પાસેથી પૈસા લેતા નહીં. કોઈકના ત્યાં માંલ્લું (ભૂતપ્રેત કાઢવાની વિધિ) કરવા જાય પછી એનું પાણી પણ નહીં પીવાનું. જો કે એ જવલ્લેજ, અથવા તો ના છૂટકે જ, માંલ્લામાં ભાગ લેતા. મરણના પંદરેક દિવસ પહેલાં એમણે મારા ભત્રીજા બળદેવને બોલાવીને કહ્યું કે હવે મારા દિવસો પૂરા થવા આવ્યા છે. એથી હું જે વિદ્યા જાણું છું એ તને સોંપી દેવા માગું છું. જો તું તૈયાર હોય તો. ભત્રીજાએ હા પાડી અને બાપુજીએ પોતે જે ગૂઢ વિદ્યા જાણતા એના મંત્રો અને એ મંત્રો સિદ્ધ કરવાની રીતો ભત્રીજાને આપી. જો કે, પાછળથી મારા ભત્રીજાએ મને કહેલું કે મને તો આ બધું ધતીંગ લાગે છે. એમાં કંઈ દમ લાગતો નથી. મને પણ ખબર નથી કે એમાં સાચું શું હતું અને ખોટું શું હતું. પણ, બાપુજીનું વર્તન આ પ્રકારની ગૂઢ વિદ્યાના જાણકારોના રિવાજને બંધબેસતું હતું. એમાં ગૂઢ વિદ્યા જાણનારા શિષ્યો બનાવે. એક કે બે. બન્નેને મંત્ર આપે પણ એની છેલ્લી પાંખડી પોતાની પાસે જ રાખે. એ પાંખડી મરણના થોડા દિવસ પહેલાં ગુરુ બેમાંથી કોઈ એક શિષ્યને આપે. બાપુજીએ પણ એમ જ કરેલું.

          બાપુજી બિમાર ન’તા રહ્યા. એમણે ખાવાપીવાનું ઓછું કરી દીધેલું. એક દિવસે એ સૂઈ ગયા ને પછી કદી ન ઊઠ્યા. જ્યારે મારા ભત્રીજાએ મને ફોન કરીને કહ્યું કે બાપુજી ગયા, ત્યારે હું મનમાં મનમાં બોલેલો: ગયા નહીં, કાઢી મૂક્યા. કદાચ એ મારો આક્રોશ હતો. એ સમાચાર સાંભળતાની સાથે જ મને થયેલું: હું હવે સાચા અર્થમાં અનાથ થઈ ગયો. જો કે, અમુક ઉમર પછી અનાથ થવું એક સ્વાભાવિક પ્રક્રિયા હોય છે. આપણે એ પ્રક્રિયા સ્વીકારવી જ પડે.

          બાપુજીની અંતિમક્રિયા માટે હવે મારે કોઈ ખાસ સૂચનાઓ આપવાની ન હતી. બાએ કેવળ એમની જ નહીં, બાપુજીની અંતિમક્રિયાની વ્યવસ્થા કરી રાખેલી. બાપુજીની નનામી માટેનાં વાંસ બા પોતે જ લઈ આવેલાં. એક વાર અમારા ફળિયામાં એક સુથારનું મરણ થયું. એ સુથારને બે દીકરા. પણ બન્ને વચ્ચે મેળાપ નહીં. એને કારણે બાપની નનામીના પૈસા કોણ ખર્ચે એ બાબતે ઝગડો થયેલો. બા એ ઝગડાનાં સાક્ષી. એ ઘટના બની એના બીજા જ દિવસે એ એમની અને બાપુજીની નનામીનો સામાન લઈ આવેલાં. કહેતાં: ભલું પૂછવું. આપણાં છોકરાં પણ આમ લડે તો? બાએ અંગ્રેજોની ગુલામી જોએલી. સ્વતંત્રતા પણ જોએલી. આધુનિકતા પણ જોએલી. આ પ્રકારના ઝગડાઓને એ આધુનિકતા સાથે, અલબત્ત નામ દીધા વિના જોડતાં. પછી ગ્લોબલાઈઝેશન પણ જોયેલું. એમણે એક જ વાક્યમાં ગ્લોબલાઈઝેશનની વ્યાખ્યા આપી દીધેલી. ફોન પર વાત કરતાં એમણે મને કહેલું: ભાઈ, હવે પહેલાંના જેવું નથી રહ્યું. હવે મોંઘવારી ગામડાંમાં પણ આવી ગઈ છે.” બાપુજીની અંતિમક્રિયા વખતે પણ મોટા ભાઈ તો એમની જીદને વળગી રહેલા. એમણે કહેલું કે મારી નવી પત્ની સાથે ઘેર આવવા દો તો જ હું આવું. ભત્રીજાએ ના પાડી દીધેલી. નાનો ભાઈ વડોદરાથી સીધો સ્મશાનમાં ગયેલો. આ વખતે એ સમયસર પહોંચેલો. એટલે અગ્નિદાહ એણે આપેલા. એ જ રીતે અસ્થિવિસર્જનની જવાબદારી પણ એણે લીધેલી. બાકીની બધી વિધિઓ મારા ભત્રીજાએ કરેલી. મરણોત્તર વિધિઓ પણ.

          બા ગયાં. બાપુજી ગયા. એ સાથે જ હવે કુટુંબકારણ શરૂ થઈ ગયું. વતનમાં મારે બે ઘર હતાં. એક ઘર વારસામાં મળેલું. મૂળે દાદાનું. બીજું બાબાપુજીએ ખરીદેલું. ફળિયાના જ એક સુથારે એ ઘર વીરપુરના એક વાણિયાને ત્યાં ગીરવે મૂકેલું. બાબાપુજીએ એ વાણિયા પાસેથી એ ઘર ખરીદેલું. એ પણ ૮૦૧ રૂપિયામાં. એ જમાનામાં બાપુજી રોજના અઢી રૂપિયા લેતા. ત્યારે આજે છે એવી દસ્તાવેજની વ્યવસ્થા ન હતી. મોટા ભાગનો વહેવાર વચન પર ચાલતો. એટલે ઘર વેચ્યાનો કરાર સાદા કાગળ પર કરેલો. પછી ઘર બાબાપુજીના નામે થયું. એનો વેરો પણ એ જ ભરતાં. પછી ગામમાં વીજળી આવી. બાબાપુજીએ પણ એ ઘરમાં ‘લાઈટ નંખાવેલું’. એનું બીલ પણ બાબાપુજી ભરતાં. હું એ ઘરમાં પણ ઘણો વખત રહેલો. બાબાપુજીની સાથે, એ ઘર બાએ હકીકતમાં તો મારા માટે લીધેલું. પણ, પછી પરિસ્થિતિ બદલાઈ. નાના ભાઈને પૈસાની જરૂર પડી. એટલે બાએ એ ઘર એને આપ્યું જેથી એ વેચી શકે કે ગીરવે મૂકી શકે. નાના ભાઈએ એ ઘર એક પટેલને આપેલું. ગીરવે. પણ એના કોઈ દસ્તાવેજ કર્યા ન હતા. કાળક્રમે નાના ભાઈએ પટેલને પૈસા ચૂકવી દીધા. એટલે ઘર પાછું બાબાપુજીના નામે આવ્યું. નાનો ભાઈ ગામમાં આવીને રહેવાનો ન હતો. એટલે બાબાપુજી પાછાં થોડોક વખતે એ ઘરમાં રહેવા ગયેલાં. પછી એક વાર ભારે વરસાદ પડ્યો. વરસાદમાં એ ઘર પડી ગયું. નાના ભાઈને કે મને એ ઘર પાછું બેઠું કરવામાં રસ ન હતો. કેમ કે અમે કોઈ ત્યાં રહેવા જવાનાં ન હતાં.

          પણ ઘર પડી ગયું પછી લોકોએ બાબાપુજીની વૃદ્ધાવસ્થાનો અને અમારી અનુપસ્થિતિનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું. લોકો ઘરનો સામાન, ખાસ કરીને વળીઓ વગેરે, ચોરી જવા લાગ્યાં. જોતજોતામાં એ ઘર ભેળાઈ ગયું. આ બાજુ, જે સુથારે એ ઘર વાણિયાને ત્યાં મૂકેલું એના સંતાને એ ઘરથાળ પર દાવો કર્યો. કોઈ પણ પ્રકારના પૂરાવા વગર. એને ખબર હતી કે હું કે મારો નાનો ભાઈ આમાં રસ નહીં લઈએ. મોટો ભાઈ તો આમેય વચ્ચે પડવાનો ન હતો. ભત્રીજો રસ લે પણ એ માટે અમારે એને વહીવટી સત્તા આપવી પડે. એ માટે મારે અને નાના ભાઈએ મળવું પડે. એ કામ અઘરું હતું. મેં ઉપર નોંધ્યું છે એમ એ ઘરમાં હું થોડાં વરસો રહેલો એટલે મને અંદરથી એમ થતું હતું કે મારે એ ઘર સાચવવું જોઈએ. એટલું જ નહીં, હું એ ઘર જો ગામને જરૂર હોય તો દાનમાં આપવા પણ તૈયાર હતો. પણ પેલા મૂળ માલિકના સંતાનની દાદાગીરી સામે મારા ભત્રીજાનું ખાસ ઊપજતું નથી. મને ઘણી વાર એક પ્રશ્ન થાય છે: મારું ગામ છે માંડ ખોબા જેવડું. ગામના લગભગ બધા જ માણસો મને માનથી જુએ છે. કોઈકે તો મારો પક્ષ લઈને પેલા માણસને કહેવું જોઈએ કે ભાઈ, આ યોગ્ય થતું નથી. જરૂર પડે અમે બાબુભાઈના પક્ષે રહીશું. મને ઘણી વાર થાય છે કે ભાષાશાસ્ત્રના કોયડા ઊકેલવા સહેલા. પણ આવા, ઘરના અને કુટુંબના કોયડા ઊકેલવા ખૂબ અઘરા. હું આવા કોયડા ઊકેલવાના આવે ત્યારે શરણાગતિ સ્વીકારી લેતો હોઉં છું. હજી આશા છોડી નથી. પણ જોઈએ. આ બધામાં ભાગ લેવા માટે પણ કેટલીક શક્તિ જોઈએ. હવે હું નીચોવાઈ ગયો છું.

          એવું જ જમીનની બાબતમાં બન્યું. અમારી જમીન તો બધી વેચાઈ ગયેલી. પણ બાને પીયર પક્ષથી જમીન મળેલી. હવે બા નથી, બાપુજી નથી. એટલે એ જમીન અમારા ત્રણ ભાઈઓના નામે થાય. એ પહેલાં, બાના પીયરમાંથી એક સુથારે – જે અમારા સગા પણ થાય – મારા ભત્રીજાને કહ્યું કે બાએ એમની અંતિમ વિધિનાં વસ્ત્રોના બદલામાં આ ખેતર મને આપ્યું છે. બાબુભાઈને વાત કરજો. મારા ભત્રીજાએ જ્યારે મને વાત કરી ત્યારે મને એ રિવાજની ખબર પડી કે કોઈ પરણિતાનું અવસાન થાય ત્યારે એના મૃતદેહ પર ઓઢાડવાનાં વસ્ત્રો પીયરમાંથી આવે. જ્યારે મારા ભત્રીજાએ મને આ વાત કરી ત્યારે મેં એને એક જ પ્રશ્ન પૂછેલો, “એ જ સગા બાના મૃતદેહ પરનાં વસ્ત્રો લઈને આવેલા કે?” ભત્રીજાએ હા પાડી. મેં કહ્યું, “જો બાએ બધી જ જમીન એ વસ્ત્રો બદલ એમને આપવાનું કહ્યું હોત તો પણ હું જરાય આનાકાની વગર એ બધી જ જમીન એમને આપી દેત. તું મારા વતી એમનો આભાર માનજે અને કહેજે કે એ જમીન તમારી જ છે અને તમારી જ રહેશે. હું ભારત આવીશ ત્યારે જરૂરી કાગળિયાં કરી આપીશ.”

આજે હું આ લખી રહ્યો છું ત્યારે મને એક પ્રશ્ન થાય છે: જ્યારે એ સગા બા સાથે અંતિમ વિધિનાં વસ્ત્રો આપવા સંમત થયા હશે ત્યારે બાને કેટલો બધો સંતોષ થયો હશે. એમને થયું હશે કે હાશ, મારો મૃતદેહ હવે મારા પીયરિયા શણગારશે. હું બાને જે થયું હશે એ અનુભવી શકું છું. મરણ જીવનના અંત ઉપરાંત બીજા ઘણા બધા અનુભવો કરાવતું હોય છે.

          આ બધું ચાલી રહ્યું હતું ત્યાં જ મોટા ભાઈનો ફોન આવ્યો. જીંદગીમાં પહેલી વાર. કહે, “બાની જમીનમાં મારો ભાગ છે. મને પૂછ્યા વગર એ જમીન કોઈને વેચતા નહીં.” મેં કહ્યું, “હા, કાયદેસર તમારો ભાગ છે. પણ તમે વધારે નહીં તો બાબાપુજીની અંતિમક્રિયામાં તો ભાગ લેવો જોઈતો હતો. જેમ જમીન પર દાવો કર્યો એમ મૃતદેહ પર પણ દાવો કર્યો હોત તો સારું લાગત.” ત્યાર પછી થોડા વખતમાં મારી એક ભત્રીજીનો પણ ફોન આવ્યો, “એ જમીન મારે જોઈએ છે.” મેં ના પાડી. કહ્યું કે નથી વેચવાની. ત્યાં જ મારા માસીના એક જમાઈનો ફોન આવ્યો. “બાએ જેટલા પૈસા એમની બહેનને, એટલે કે મારાં માસીને, આપેલા એટલા અમે આપી દઈએ. એ જમીન અમારી.” મને ખૂબ જ આઘાત લાગેલો. કેમ કે આ સોદો બે બહેનો વચ્ચેનો હતો અને બન્ને બહેનો એકબીજા માટે જીવ આપી દે એટલી નજીક હતી. તો પણ માસીએ ત્યારે બજારભાવ પ્રમાણે જમીનની કિમત કરીને એમના ભાગમાં આવે એટલા પૈસા બા પાસેથી લીધેલા. હવે બાએ આપેલા પૈસામાં જમીન એમને આપવાની એટલે શું?

          હજી બાબાપુજીના અવસાનના આઘાતમાંથી અમે પૂરાં બહાર પણ ન હતાં આવ્યાં એ પહેલાં કુટુંબીજનો અને સગાંવહાલાં પણ બાની જમીન અંકે કરવા પાછળ પડી ગયાં. મોટા ભાઈ તો અમારી સાથે કોઈ સબંધ રાખતા જ ન હતા. એટલે એમનાથી દૂર થઈ થવાનું મને કોઈ દુ:ખ ન હતું. માસીની દીકરીઓને તો હું બહેન ગણતો. કેમ કે મારે બહેન નથી. પણ જ્યારે એમાંની એક દિકરીના, એ પણ ભણેલાગણેલા પતિએ, કહ્યું કે બાએ આપ્યા છે એટલા પૈસા અમે તમને આપી દઈએ ત્યારે મને થયેલું કે શું હું સાચે જ મૂરખ છું? એ ઘટના બન્યા પછી મારો એમની સાથેનો સંબંધ પણ કપાઈ ગયો. બાબાપુજીના અવસાન પછી હવે આમેય હું એકલો પડવા માંડ્યો હતો.

          આખરે મેં નક્કી કર્યું કે ઘર અને જમીન બન્ને મારે મારા ભત્રીજાને વાપરવા આપવાં. ન વેચવાની શરતે. ભલે એણે મારાં માબાપની કાળજી ન લીધી પણ એની હાજરી માત્રએ એમને થોડીક સલામતિ પૂી પાડી હશે. એટલું જ નહીં, અમારી અનઉપસ્થિતિમાં બા અને બાપુજીની મરણોત્તર વિધિ પણ એણે કરેલી. એ જ કદાચ એમનો સાચો વારસદાર હતો.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s