ઘડપણ (કિરણસિંહ ચૌહાણ)
ખારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો
ખોવાયેલો હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઈશ નહીં
કારણ એ ધ્રુજારી
ન ભોગવાયેલા સ્પંદનોનો
સામટો વરસાદ હોઈ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે
એ
એના સમયે આવે.
-
કિરણસિંહ ચૌહાણ
કિરણસિંહ ચૌહાણની કવિતા “ઘડપણ” નો આસ્વાદ – હિતેન આનંદપરા
નરસિંહ મહેતાએ સદીઓ પહેલાં ગાયું: ઘડપણ કેણે મોકલ્યું. યુવાનીમાં એકસાથે ત્રણ-ચાર દાદરા ચૂકાવી ભાગતા પગ માટે ઘરનો ઉંબરો ઓળંગવો પણ અકારો થઈ પડે. નદીઓમાં ભૂસકાં મારવાની જાહોજલાલીને પાણીનો ગ્લાસ ધ્રૂજતા હાથે પકડવો પડે. વડવાઈઓ પર બેફામ લટકેલી મસ્તીને વૉકરના સહારે ચાલવું પડે. સમય બળવાન છે. કાળ કોઈને છોડતો નથી. જિંદગીની અલગ અલગ અવસ્થાના રૂપ અને સ્વરૂપ જુદા જ હોવાના. સમજણ સ્વીકારમાં છે. હોંશિયારી અગમચેતીમાં છે. આર્થિક આયોજનની જેમ દૈહિક આયોજનની વિભાવના પણ એટલી જ મહત્વની છે. કવિ અવસ્થાને આવકારવાનું શીખવે છે.
સાંપ્રત સમયની વાત કરીએ તો છોકરીઓ જલદી સગીરા થઈ જાય છે. બાળકો જલદી તરુણ અવસ્થામાં પ્રવેશી જાય છે. ઝડપી જિંદગી હવે આપણા જનીનમાં પણ પ્રવેશી ગઈ છે. ત્રીસીની ઉંમરમાં અરીસામાં ધોળો વાળ દેખાય ને આંખો આંચકો ખાઈ જાય. ધોળા વાળ હવે વનપ્રવેશની પ્રતીક્ષા નથી કરતા. શ્વેત રંગ દિવ્યતા સાથે જોડાયેલો છે, પણ એ વહેલો આવકાર્ય નથી.
કરચલીઓ ચામડીએ રળેલી આવક છે. ખેતરમાં જેમ ચાસ પડે એમ અનુભવોના ચાસ ચહેરે છપાતા હોય છે. દરેક કરચલી કોઈ સ્મરણ સાચવીને બેઠી હોય. અનેક પ્રસંગોથી તેના આરોહ-અવરોહ ઘડાય. શૈશવમાં કરેલા તોફાનોથી કરચલી જાનદાર બને. યુવાન પ્રેમને કારણે કરચલી સુંવાળી લાગે. દાંપત્યજીવનની મધુરપને કારણે લોહીને બદલે ઘણી વાર કરચલીઓ જ ડાયાબિટિસ લઈને હરખાતી હોય. એનો ઈલાજ કરવાની કોશિશ પણ ન કરવી જોઈએ. બાળકોના નિર્દોષ સ્મિતની ઓકળીઓ કરચલીને વધારે વિસ્મયકારક બનાવે. કારકિર્દીના ઉતારચઢાવથી એ વધારે ઠરેલ લાગે.
ધ્રૂજતા શરીરમાં અનેક કંપનો ઊભરી આવે. આ કંપનો વીતેલા સમયના સાક્ષી છે. આ કંપનોમાં ન રળેલા સ્પંદનોનો વરસાદ હોય. બધા ભેગા થઈને વિઝિટે આવે, ખબરઅંતર પૂછે અને પાછા જતાં રહે. એમને આવવા દેવા અને પોતાની મેળે જવા દેવા. એ એમનો હક છે. ધ્રૂજતી આંગળીઓને સેલો ટેપ મારીને જકડી ન શકાય.
ઘડપણનો સ્વીકાર એ ઉત્તમ આવકાર છે. દરેક અવસ્થા પ્રમાણે આપણી હયાતી ઘડાતી હોય છે. આ ઘડતરમાં લિકેજ ન હોય એ જોવાની જવાબદારી દરેકે પોતે નિભાવવાની. બાળપણ આવે, યુવાની આવે એમ વૃદ્ધાવસ્થા પણ આવવાની. કવિ છેલ્લે ટકોરાબંધ વાત છેડે છે. એ એના સમયે આવવી જોઈએ, વહેલી નહીં.
ઉંમર ત્રીસની હોય, પણ જિંદગીથી નાસીપાસ થઈ જાય, હારી જાય એ માણસ ઘરડો ગણાય. ઘરડું થવું ક્યારેય પોષાવાનું નથી. એમાં પણ તમે ઍડવાન્સ બુકિંગ કરાવો તો ઈશ્વરનું અપમાન ગણાય. શારીરિક અવસ્થાઓ કુદરતી છે, માનસિક અવસ્થા આપણી સમજણ પર અવલંબે છે.
ટેન્શન લઈને ફરતું કોઈનું ચાલીસમું વર્ષ જો પંચાવનમું લાગવા માંડે તો ચેતી જવું જોઈએ. આપણે સમયને પસાર કરવા આવ્યા છીએ. સમય આપણને પસાર કરી ન નાખે એ આપણે જ જોવાનું છે.
*********************************************************
જાણે વાદળી! (પન્ના નાયક)
પાછું વળીને જરા જોઈ લ્યો વ્હાલમ!
કે વરસે છે આંખ: જાણે વાદળી,
મારી વરસે છે આંખ: જાણે વાદળી.
યમુનામાં તર્યા કરે પડછાયો શ્યામનો,
વૃક્ષો આ રટ્યા કરે મહિમા તવ નામનો.
મારી આ આંખ કદી નહીં મારું માને,
એ તો તરસ્યા કરે છે ઉછાંછળી.
મારી વરસે છે આંખ: જાણે વાદળી.
તારા આ પગલાં પર ફૂલો મેં મૂક્યાં છે,
તારાં આ પગલાં પર દીવા મેં મૂક્યાં છે,
મારી આ કુંજમાં ઝૂર્યા કરે છે,
એક મોરપીંછ, ફૂલ અને વાંસળી.
મારી વરસે છે આંખ: જાણે વાદળી.
આસ્વાદ– કવયિત્રી પન્નાબેન નાયકની કવિતા– “જાણે વાદળી” – જયશ્રી વિનુ મરચંટ
આજે, પન્નાબેનની સાદગીના આભૂષણો ધારી, સહજ, સ-રસ અને સૌંદર્યસભર કવિતા “જાણે વાદળી” આપ સહુ સાથે માણવાનું મન છે. પન્નાબેન પ્રથમ પંક્તિમાં જ એલાન કરી દે છે કે પ્રેમી નાયિકાને છોડીને જઈ ચૂક્યો છે છતાં હજુયે નાયિકાની નજરની સીમામાં જ છે. નાયિકા કહે છે કે, જતાં જતાં એકવાર પાછું ફરીને તો જોઈ લે પ્રિયતમ, કે તારા વિના મારી અહીં શું દશા થઈ છે! મારી આંખોનું અક્ષયપાત્ર ખુદ એક વાદળી બનીને વરસી રહ્યું છે. વાદળી રૂપે મોસમનું પ્રતીક અહીં એક શબ્દમાં ઘણું કહી જાય છે. આ જ આંખોમાં, તારી નજર મળતાં, મેઘધનુષી વાદળીઓ સંતાકૂકડી રમતી હતી, પણ, એ રંગો તો તારી સાથે, તારી પાછળ ચોરપગલે ચાલ્યા ગયા છે. હવે બાકી રહી ગયેલી રંગહીન વાદળી, અવિરત રંગહીન પાણી વરસાવ્યા જ કરશે. નાયિકા છતાં પણ આજીજી કરી લે છે કે, વ્હાલમ, તું પાછું વળીને જો, બસ એકવાર! મનનો માનેલો જો પાછું જોશે તો શું થશે, શું નાયિકાની આ સ્થિતિ જોઈને એનું હ્રદય પીગળશે કે નહીં, એની મથામણમાં કવયિત્રી પડતાં જ નથી, બસ, વિદાય તો નિશ્ચિત છે તો એકવાર પાછું ફરીને પ્રેમી એને જોઈ લે, એનું જ મહત્વ આ કાવ્યની વિરહિણી માટે છે. અહીં ગુજરાતના “ગાલિબ”, જનાબ “મરીઝ”નો એક શેર યાદ આવે છે,
“બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતાં મહોબતના પુરાવાઓ!”
આગળની કડીઓમાં કવયિત્રી આ નિષ્ફળ પ્રણયને પવિત્રતાના સોપાન પર મૂકી દે છે, આટલું કહીને, કે,
“યમુનામાં તર્યા કરે પડછાયો શ્યામનો.”
શ્યામનું નામ આવતાં જ, વાચક અહીં એક “Passive Obedience” – મૂક આજ્ઞાપાલનના “Spell” – મોહનીમાં આવી જાય છે. એક પ્રેમી નામે કઈં પણ ને કોઈ પણ વ્યક્તિ વિષે વિચાર કરતાં જ, બંધ આંખો સામે દેખાય છે, યમુનાના કિનારા પર આવેલા કદમવૃક્ષ પર બેસીને વાંસળી વગાડતા કૃષ્ણ અને યમુનામાં પડતો શ્યામનો શ્યામ પડછાયો! કૃષ્ણનું નામ આવતાં જ પ્રેમી વ્યક્તિવિશેષ રૂપે મટી જાય છે અને પ્રેમ નાયક બનીને પોતાને પ્રસ્થાપિત કરી લે છે, સાવ સહજતાથી. શ્યામનું નામ લઈને કેટલું અદભૂત આ રૂપક કવયિત્રી યોજે છે! આ સાથે જ, કાન સાંભળી શકે છે, શ્યામનું નામ સતત જપતા, રટતા વૃક્ષો. પ્રેમ કૃષ્ણમય બને અને આંખો ઉન્માદથી ઉછાંછળી બનીને, પ્રણયમાં તરસ્યા ન કરે તો જ નવાઈ! શ્યામના પગલાં પર રાધા ફૂલો પાથરે અને ઝૂરતા નયનોના દીવા પ્રગટાવી રાખે પણ, કદી પાછા ન આવનારા એ કૃષ્ણમય પ્રેમ, એની પાછળ રેશમથીયે મુલાયમ, મોરપીંછી
સ્પર્શ, ફૂલોની સુગંધ અને મધુર વાંસળીના સૂરો સમી મધમીઠી વાતો નાયિકાના મનની કુંજગલીમાં સદા માટે મૂકીને જાય છે. વાત આમ અહીં પૂરી થાય છે પણ વાચકનું મન એ Divinity – અલૌકિક પ્રેમ તત્વ સાથે અનાયસે જોડાઈ જાય છે. બસ, ત્યાં જ આ કવિતા પન્નાની ન રહીને વાચકની બની જાય છે.
ક્લોઝ–અપઃ
“હું જ પૃથ્વી છું,
અને હું જ પૃથ્વી પર ફરી એકવાર આવીશ.
જીવન અને મરણ તો જૂના મિત્રો છે, અને,
હું તો એ બેઉ સાથે સતત સંવાદમાં જ રહું છું.
હું જ તો એ બેઉ દોસ્તોની મોડી રાત સુધીની લાંબી ગોઠડી છું,
એમના હાસ્ય અને આંસુઓ પણ હું જ છું.
હું જ જીવનને મૃત્યુની અને મૃત્યુને જીવનની અપાતી સોગાત છું.
આ પ્રણય-જગત કદીયે મારું હતું જ નહીં,
હું જ બસ, જીવન અને મરણ, બેઉની માલિકીની છું.”
(ઉપરની પંક્તિઓ, રુપી કોરના નીચેના અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ છે.)
“I am of the earth
And to the earth I shall return once more
Life and death are old friends
And I am the conversation between them
I am their late-night chatter
Their laughter and tears
What is there to be afraid of
If I am the gift they give to each other
This place never belonged to me anyway
I have always been theirs.”
-
Rupi Kaur