જીપ્સીની ડાયરી-૪૭ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


1980-ફરી એક વાર ગુજરાત!

હું ભૂજ પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે અહીં એક નવી જ બટાલિયન આવી હતી. ચાર વર્ષ પહેલાં અહીંથી બદલી થઈ તે સમયે અહીં પંચાવનમી બટાલિયન હતી. અત્યારે 48મી બટાલિયન આવી હતી. 1968 બાદ ભૂજમાં આવેલી આ ત્રીજી બટાલિયન. નવા અફસરો અને નવા ભરતી થયેલા સૈનિકો પ્રથમ વાર ભૂજ આવ્યા હતા. હું પહોંચ્યો ત્યારે રાજસ્થાનથી શ્રી નારાયણસિંહ નામના પ્રૌઢ અને સાત્ત્વિક પ્રકૃતિના અફસર કંપની કમાન્ડરના હોદ્દા પર પદોન્નત થઈને આવ્યા. તેમને વિગો કોટ મોકલવાનું નક્કી થયું. મારી જવાબદારી સામરિક (Operations) ક્ષેત્રની હતી, તેથી નવા કંપની કમાન્ડરને તેમની જવાબદારીનું ક્ષેત્ર, સીમા પરના બાઉન્ડરી પિલર્સ (સીમાસ્તંભ)નું સ્થાન વગેરે સમજાવવા હું ચોકી પર ગયો. નારાયણસિંહજીને મેં તેમની ઓપરેશનલ જવાબદારી તથા આખા વિસ્તારની બારીકાઈથી માહિતી આપી. બ્રીફિંગ પૂરું થતાં તેમણે મને પૂછ્યું, `સર, આપ હમણાં જ પોસ્ટંગિ પર આવ્યા છો, પણ આ વિસ્તાર વિશે આટલા ઊંડાણમાં કેવી રીતે જાણો છો?’ મેં સહજતાપૂર્વક કહ્યું કે એક તો હું ગુજરાતનો વતની છું, અને બીજું, આ પહેલાં કચ્છના મોટા અને નાના રણમાં સેવા બજાવી ચૂક્યો છું!

રાતવાસો ત્યાં કર્યા બાદ હું પાછો ભૂજ પહોંચ્યો.

બીજા દિવસે સવારે મને નારાયણસિંહજીનો ફોન આવ્યો.

`સર, આપે ગઈ કાલે કહ્યું હતું કે આ પહેલાં આપ આ ક્ષેત્રમાં રહી ચૂક્યા છો. ગઈ કાલે રાતે એક એવો પ્રસંગ બની ગયો, જેમાં ચાર-પાંચ વર્ષ પહેલાં થઈ ગયેલી વાતનો ઉલ્લેખ થયો. મને ખબર નથી કે આપ તે વખતે અહીં હતા કે નહીં. પહેલાં તો આપને ગઈકાલના પ્રસંગની વાત કરું.’

વાત આ પ્રમાણે હતી.

અમારી ચોકીઓમાં નાની-મોટી હાજત માટે નિયત સ્થાન હોય છે. નવી આવેલી કંપનીના એક આળસુ જવાને રાત્રે રોન ફરતી વખતે નિયત સ્થાનને બદલે ચોકીની બહાર એક ઝાડના ઠૂંઠા પાસે લઘુશંકા કરી. થોડી વારમાં જ તે એકાએક ધૂણવા લાગ્યો. રાતના રોનમાં સૈનિકોની નાની ટુકડી ડ્યૂટી કરતી હોય છે. સાથીઓ તેને ધૂણતો જોઈ ચોંકી ગયા. તેમણે તરત નારાયણસિંહજીને ખબર કરી. જવાનને મેડિકલ રૂમમાં ખસેડવામાં આવ્યો. નારાયણસિંહજી અત્યંત ધાર્મિક અને સંત પ્રકૃતિના સદ્ગૃહસ્થ હોવા ઉપરાંત psychic હતા. તેમણે મંત્રોચ્ચાર શરૂ કર્યા અને મંદિરમાંથી લાવેલ ચરણામૃત જવાનના મોઢા પર છાંટ્યું.

થોડી વારે જવાન નિશ્ચેષ્ટ થયો. તેની આંખો હજી પણ અધ્ધર ચઢેલી હતી. ધીમે ધીમે તે કશુંક બબડવા લાગ્યો. તે કોઈ વિચિત્ર ભાષામાં બોલી રહ્યો હતો. નારાયણસિંહજીએ તેને ઉદ્દેશીને કહ્યું, `મહારાજ, અમને સમજાય તેવી ભાષામાં આદેશ આપો. અમારાથી બનશે તે બધું કરીશું’.

જવાનના મુખમાંથી ફરીથી શબ્દો નીકળવા લાગ્યા. હવે તે હિંદી બોલવા લાગ્યો. `કેવા ખરાબ લોકો અહીં આવવા લાગ્યા છે! આ માણસે મારી જગ્યા અપવિત્ર કરી. તેને સજા મળવી જ જોઈએ. અમે ભલે ભૌતિક રીતે હાજર નથી, પણ હંમેશાં તમારી મદદ કરતા રહીએ છીએ, તેમ છતાં તમે અમારો નિરાદર કરો છો. અમારું અપમાન કરો છો, તેનું તમને ભાન છે ખરું?’

`રાતના વખતે તમારાં ઊંટ અને બકરીઓ ચોકીમાંથી બહાર ભટકી જાય છે તો અમે તેમને પાછાં લાવતાં હોઈએ છીએ. આનો ઉપકાર માનવાને બદલે તમારા લોકોએ કેટલાંક વરસ પહેલાં મા-દીકરીની કબર ખોદી કાઢી હતી. દીકરીએ તો કસૂરવાર લોકોને ઠેકાણે લાવ્યા હતા, તેમ છતાં તમે કશું શીખ્યા નથી. તમારું શું કરવું તે અમને સમજાતું નથી. વાત હદ બહાર ન જાય તે પહેલાં તમે ચેતી જાવ તો સારું.’

`અમારી ભૂલ માટે અમને ક્ષમા કરશો. હવે અમે શું કરીએ તો તમને શાંતિ થાય?’ નારાયણસિંહજીએ પૂછ્યું.

`સદીઓથી હું તરસ્યો છું. મને પાણી આપો.’

એક જવાન તરત પાણીનો પ્યાલો લઈ આવ્યો, પણ નારાયણસિંહજીએ તેને મનાઈ કરી. `આપને તરસ લાગી હોય તો આપના સ્થાનક પાસે પાણીનું કૂંડું મુકાવું છું. જ્યારે જોઈએ પ્યાસ છિપાવી લેજો,’ કહી તેમણે નિર્દેશિત જગ્યામાં પાણી ભરેલું માટીનું કૂંડું મૂકાવ્યું. સવારના પહોરમાં નારાયણસિંહજીએ મને ફોન કરી મીડિયમ જવાને કહેલી વાતોનું તથ્ય જાણવા પૃચ્છા કરી હતી.

મારા માટે આખી વાત વિસ્મયકારક હતી. જે જવાનના મુખેથી આ વાત નીકળી હતી તે આ સ્થાનથી સાવ અજાણ્યો હતો. જિંદગીમાં પ્રથમ વાર તે પંજાબ છોડી, બીએસએફમાં નવો-સવો ભરતી થઈને અહીં આવ્યો હતો. પંજાબી સિવાય તેને કોઈ અન્ય ભાષા આવડતી નહોતી. ભાનમાં કે બેભાન અવસ્થામાં ચાર-પાંચ વર્ષ પહેલાં બની ગયેલી વાતો ઝીણામાં ઝીણી વિગતથી કહી શકે તે માન્યામાં આવે તેવી વાત નથી, છતાં તે બની. હું હજી સુધી આ બનાવનું રહસ્ય પામી શક્યો નથી. આને વહેમ, અંધશ્રદ્ધા, આખ્યાયિકા કે દંતકથા કહો. પણ જે બન્યું તેનો હું સાક્ષી છું. એક વાત સાચી: જે જગ્યાની હું વાત કરું છું, તે જગ્યા લોથલ અને ધોળાવીરા જેટલી પુરાણી છે તેમાં કોઈ શંકા નથી. તમને કદી ત્યાં જવાનો અવસર મળે તો તમને એક વિશિષ્ટ વાતાવરણનો અહેસાસ થયા વગર નહીં રહે. મારી વાત કહું તો આ પ્રસંગના વિચારથી જ રોમાંચ થઈ આવે છે.

નારાયણસિંહજીએ જણાવેલ પૂરા પ્રસંગમાંની એક વાત મને સમજાઈ નહીં. મેં તેમને પૂછ્યું, `પેલા મીડિયમ-જવાન દ્વારા જેણે પાણી માગ્યું હતું, તે તમે તે વખતે પીવા માટે કેમ ન આપ્યું?’

`સર, આપના માન્યામાં કદાચ આ વાત નહીં આવે. કોઈ એક રૂહ જે માણસના શરીરને મીડિયમ તરીકે વાપરતું હોય છે, તે અચૂક પાણી પીવા માગશે. તેને પાણી આપવામાં આવે તો તે મીડિયમના શરીરમાં કાયમ માટે વાસ કરવા લાગે છે. ત્યાર પછી તે મીડિયમના શરીરનો ઉપયોગ પોતાની અતૃપ્ત ઇચ્છા પૂરી કરવા લાગે છે અને તે વખતે તેના અસલ સ્વભાવ પ્રમાણે વર્તે છે. મનોવિજ્ઞાનીઓ આને મલ્ટિપલ પર્સનાલિટી ડિસોર્ડર કહેતા હોય છે. આ આપણું પુરાતન જ્ઞાન છે, જેને આજના યુગના લોકો અંધશ્રદ્ધા અને વહેમ કહે છે.’

નારાયણસિંહજીની વાતે મને ઊંડા વિચારમાં મૂક્યો. ચાર-પાંચ વર્ષ પહેલાં થયેલા આ બનાવને મેં કુતૂહલ ગણી મારા માનસના સ્મૃતિપટલમાં નોંધી રાખ્યો હતો. બચપણથી જ દૈવી આત્મા માણસના શરીરમાં પ્રવેશ કરે છે અને માતાજી સ્વરૂપે આવીને ધૂણવા લાગે છે, ભવિષ્યવાણી અને દુ:ખનિવારણ કરે છે એવા ઢોંગી, ધુતારાઓ પર મેં કદી વિશ્વાસ કર્યાે નહોતો. આવી વૈચારિક પશ્ચાદ્ભૂમાં મેં સાવ નજીકથી જોયેલા-અનુભવેલા પ્રસંગને હું કદી ભૂલી શક્યો નથી.

મારા જીવન દરમિયાન મને થયેલા અનુભવના આધારે કહી શકું કે અગમ-નિગમનો વિષય સંવેદનશીલ છે. તેને ન તો અંધશ્રદ્ધા કહીને કચરાની ટોપલીમાં નાખી શકું, ન તો મારી તર્કબુદ્ધિ તેનો નિ:સંકોચ સ્વીકાર કરી શકે તેમ છે. તેમ છતાં મારો સાળંગપુરનો અનુભવ, હવાલદાર પાન્ડેને થયેેલો અનુભવ તથા નારાયણસિંહજીએ કહેલી વાત અહીં કહ્યા વગર રહી શકતો નથી. આની સાથે મારા સાથી અરવિંદ વૈષ્ણવને થયેલ અનુભૂતિની વાત કેમ કરીને ભૂલી શકું?

કચ્છની સરહદ પર સેવા બજાવવાની મઝા નિરાળી જ છે. અહીં પક્ષીજીવનને નિહાળવાની તક મળી અને જીવન ધન્ય થયું. શિકારીઓના ગોળીબાર તથા જાળ પાથરી પક્ષીઓને પકડનારા પારધીઓથી બચવા પક્ષીઓની રીત નિહાળવા મળી. ઝડપથી ઊડતાં પક્ષીઓનું ટોળું અચાનક પાણીની સપાટીનો ચાંચ વડે સ્પર્શ કરી કેવી રીતે તરસ છિપાવે છે તે જોયું. શિયાળામાં સાઇબીરિયાથી આવતાં કુંજ પક્ષી (ડેમોઝેલ ક્રેન), યુરોપના ઠંડા પ્રદેશમાંથી ઊડીને આવતા ઊંધી વળેલી ચાંચવાળાં એવોસેટ અને કાબર જેવાં રોઝી પૅસ્ટર જોયાં. આગલી ચોકીઓની મુલાકાતે જતાં નિસર્ગની અપરંપાર હેરતભરી કૃતિઓનાં દર્શન કરવામાં સમય કેવી રીતે વીતી ગયો તેનો ખ્યાલ ન રહ્યો.

*

ફોજમાં શાંતિની પળો ગણવા મળતી નથી. કોને ક્યારે અને ક્યાં જવું પડે તેની કોઈ ખાતરી હોતી નથી.

ગુજરાતમાં ફરી એક વાર તોફાન થયાં. અમદાવાદમાં બીએસએફની ચાર બટાલિયનોની જરૂર પડી. ગુજરાત-રાજસ્થાનમાંથી ત્રણ બટાલિયનો આવી અને બાકીના યુનિટ્સમાંથી પાંચ કંપનીઓનું ગઠન કરી તેની એક રિઝર્વ બટાલિયન બનાવવામાં આવી. મારી નિયુક્તિ તેના કમાન્ડન્ટના હોદ્દા પર થઈ અને હું અમદાવાદ ગયો. 1969ની યાદ ફરીથી તાજી થઈ. આંતરિક સુરક્ષાના અમદાવાદના જૂના અનુભવ મને કામ લાગ્યા. મારી જવાબદારીની જગ્યાએ કરવામાં આવેલ ઘનિષ્ઠ પેટ્રોલિંગ, તથા કડક જાપ્તો રાખવાથી પરિસ્થિતિ કાબૂમાં રહી. મને સોંપવામાં આવેલ જવાબદારી હું પૂરી કરી શક્યો. સંતોષ માનવા જેવી એક વાત થઈ કે બે મહિના માટે કેમ ન હોય, મને બટાલિયનની કમાન લેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.

2 thoughts on “જીપ્સીની ડાયરી-૪૭ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. નરેન્દ્રભાઈ ખરું જ કહે છે.તર્કથી ન સમજાવી શકાય તેવી અનેક ઘટનાઓ બને છે. તેનો આંધળો વિરોધ અને યથાતથ સ્વીકાર બંને ભૂમિકા અયોગ્ય છે.

    Like

  2. “મનોવિજ્ઞાનીઓ આને મલ્ટિપલ પર્સનાલિટી ડિસોર્ડર કહેતા હોય છે. આ આપણું પુરાતન જ્ઞાન છે, જેને આજના યુગના લોકો અંધશ્રદ્ધા અને વહેમ કહે છે.’”
    we learnt from you that this too happens so we shoud not see all these with disrespect.

    we too are proud :”સંતોષ માનવા જેવી એક વાત થઈ કે બે મહિના માટે કેમ ન હોય, મને બટાલિયનની કમાન લેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.”

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s