જીપ્સીની ડાયરી-૪૮(કેપ્ટન નરેંદ્ર ફણસે – અંતીમ


ભારતીય સેનાની ભીતરના સ્વાનુભવો સરળ ભાષામાં રજૂ કરી કેપ્ટન નરેંદ્ર ફણસેએ આંગણાંના વાચકોને દુર્લભ માહીતિ પ્રદાન કરી છે. વ્યુઅરશીપના આંકડા દર્શાવે છે કે શ્રેણી ખુબ જ લોકપ્રિય રહી. આંગણાંના સર્વ વાચકો વતી હું કેપ્ટનસાહેબનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

 

1981 – પશ્ચિમથી વિંઝાતા વાયરા…

અમદાવાદની ડ્યૂટી પૂરી કરી ભૂજ પાછા જવાનો સમય આવ્યો ત્યાં મને બ્રિટિશ હાઈકમિશનમાંથી વિઝા માટેના ઇન્ટરવ્યૂનો પત્ર મળ્યોે! મારી બે મહિનાની રજા બાકી હતી તેથી હું રજા પર ઊતરી ગયો. તે સમયે અખબારોમાં બ્રિટનના ઇમિગ્રેશન ઓફિસર્સ ઘણી સખ્તાઈ દાખવે છે, આપણા લોકો પ્રત્યે વર્ણદ્વેષભર્યાે વ્યવહાર કરે છે એવા સમાચાર આવતા રહેતા હતા. મને તેની ચિંતા નહોતી. મારી પાસે સત્તાવાર વિઝા હતો, અનુરાધાને સારી નોકરી મળી હતી, અમારી પાસે રહેવા માટે સ્વતંત્ર ફ્લૅટ હતો તેથી અમને સરકારી બૅનિફિટનો આશ્રય લેવાની જરૂર નહોતી. આ સખ્તાઈ પાછળ કયાં કારણ હતાં તેની માહિતી અખબારોમાં આવતી નહોતી. એટલું જાણવા મળ્યું હતું કે દંપતીમાંથી કોઈ એક બ્રિટનમાં હોય અને તેના પતિ કે પત્નીને માનવતાની દૃષ્ટિએ એકત્ર રહેવા માટે વિઝા આપવામાં આવતો હતો, પરંતુ તેનો અમલ કરવામાં Primary Purpose નામનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમની અંતર્ગત લગ્નજીવન નિભાવવાના બહાને લોકો બ્રિટન જતા હતા અને ત્યાં પહોંચ્યા બાદ વિનાવિલંબે છૂટાછેડા લઈ બ્રિટનમાં રહી પડતા હતા. તેથી આવો વિઝા આપવા પાછળનો પ્રાથમિક ઉદ્દેશ પૂરો થાય છે કે કેમ તેની પૂરી તપાસ કરવાનો ઇમિગ્રેશન અધિકારીઓને ખાસ હુકમ અપવામાં આવ્યો હતો. અનુરાધા અને હું આ શ્રેણીમાં નહોતાં તેથી હું નિશ્ચિંત હતો.

મેં વોલન્ટરી રિટાયરમેન્ટની અરજી કરી. ફોર્સ હેડકવાર્ટર્સમાં મારા ડાયરેક્ટર જનરલ મારા સંજોગોથી વાકેફ હતા. તેમણે મારી અરજી મંજૂર કરી. બધી કાર્યવાહી સમયસર પૂરી થઈ. મિત્રો અને પ્રિયજનોની વિદાય લઈ હું મુંબઈ ગયો અને ત્યાંથી સિંગાપુર એરલાઇન્સ દ્વારા લંડન જવા નીકળ્યો.

હિથ્રો એરપોર્ટમાં ઊતર્યા બાદ ઇમિગ્રેશન ઓફિસરે મને રોકાવાનું કહ્યું. મને પ્રવેશ આપતાં પહેલાં તેમને અનુરાધા સાથે વાત કરવી હતી! તેમને ખાતરી કરવી હતી કે અમે Primary Purpose Ruleનો પૂરો અમલ કરી રહ્યાં હતાં. તેમણે લાઉડસ્પીકર પર એનાઉન્સ કરી અનુરાધા, કાશ્મીરા અને રાજેનને ઇમિગ્રેશન બૅરિયર પર બોલાવ્યાં. તેમને પૂછપરછ દ્વારા ખાતરી કરવી હતી કે તેમને ખરેખર મારી સાથે સ્નેહ સંબંધ હતો! તેઓ આવ્યાં અને ઇમિગ્રેશન ઓફિસરે અમારા સૌનાં ચહેરા પર સ્નેહ અને આનંદનો પ્રકાશ જોયો, હર્ષાેલ્લાસભર્યા હાસ્ય જોયાં. તેમણે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર મારા પાસપોર્ટ પર સિક્કો માર્યાે, `Good Luck’ કહ્યું અને બૅરીયરનો દરવાજો ખોલી નાખ્યો. ચાર વર્ષ પહેલાં આ જ સ્થળે મારા પ્રિયજનો મને મૂકવા આવ્યાં હતાં. આજે ઇમિગ્રેશન ચેકપોઇન્ટના દરવાજાથી અનુરાધા અને અમારાં બાળકો સુધી ચાલેલા ચાર પગલાંમાં અમારો ચાર વર્ષનો વિયોગ ઓગળી ગયો હોય તેવું લાગ્યું. આ ચાર વર્ષની ખડતલ જિંદગી દરમિયાન મારી સાથે રણના ખારાપાટ તથા હિમાચ્છાદિત પહાડો ખૂંદનાર મારા સાથી સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ, બલબીરચંદ, તોતારામ, ડોક્ટર મોહાન્તી, અજિતપાલ, રવીન્દ્રન્ નાયર, ગજેન્દ્રસિંહ જામવાલ, ઠાકુર કરમચંદ, દર્શનસિંહ, અજિતસિંઘ, અરવિંદ વૈષ્ણવ… મારા જીવનના ભાગીદાર એવા મારા સાથીઓની સ્મૃતિ મારી આસપાસ જીવી રહી હતી. અંતરના કાનમાં સંભળાતો હતો સરકંડાના જંગલમાં કાળા તેતરનો અવાજ `સુભાન તેરી કુદરત’, રાતના અંધારામાં મારી તરફ તણાયેલી લાઇટ મશીનગનનો કોક થવાનો અવાજ… કડક સ્વરે `હોલ્ટ હુકમદાર’નો પડકાર…

તંગધારના હિમાચ્છાદિત શિખર અને મારી નજર સામે કડાકા સાથે થયેલો હિમપ્રપાત…

આ બધા પ્રસંગોની સ્મૃતિ મને આખરી વિદાય આપી રહી હતી. હાથ હલાવીને જાણે સહુ એક સંદેશ આપતા હતા:

शुभास्ते पंथान:

નવો દેશ, નવું સાહસ તને મુબારક નીવડે એવી અમારી દુઆ છે!

ઓફિસર્સ મેસમાં થયેલી મારી વિદાયમાનની પાર્ટીમાં મારા મિત્ર ડોક્ટર ચાંદે ગીત ગાયું હતું તે યાદ આવ્યું:

`ચલતે ચલતે, મેરે યે ગીત યાદ રખના, કભી અલ્વિદા ન કહના!’

મારા દેશ, મારા મિત્રો, તમને `અલવિદા’ કઈ રીતે કહી શકું? તમે તો મારા હૃદયમાં અમીટ અંકાઈ ગયા છો.

બ્રિટનમાં થયેલો મારો પ્રવેશ મારા માટે પુનર્જન્મ હતો. એક નવો અવતાર. અહીં હું કેવળ નામધારી જીવ હતો. લાખો નાગરિકોમાંનો એક અજાણ્યો માનવ. સ્લોન વિલ્સનના નાયક – Man in a Gray Flannel Suit જેવો. લંડનની ટ્યૂબ કે ન્યૂયોર્કની મેટ્રોમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરનાર હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું, સમ્રાટ અશોકના ત્રણ સિંહોનું રાજચિહ્ન નહોતું. મારી ડિગ્રીની અહીં કોઈ કિંમત નહોતી. ઉંમરના 49મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જિંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઈ મારી સામે નવા પડકાર લઈને ઊભી હતી. હું તૈયાર હતો. ભારતીય સેના તથા બોર્ડર સિક્યોરિટી ફોર્સની સખત પણ ગૌરવપૂર્ણ કારકિર્દીએ મને જીવનના કોઈ પણ પડકારને ઝીલવા માટે તૈયાર કર્યો હતો.

તેમણે મને એક અમૂલ્ય ભેટ આપી હતી. તેમણે મને એક અમૂલ્ય ચીજ આપી હતી:

લક્ષ્ય.

ઉત્તરકથા

અમે હિથ્રો એરપોર્ટની બહાર નીકળ્યા. આકાશમાંથી વાદળાં હઠી ગયાં હતાં.

મધ્યાહ્નનો સૂર્ય ઝળહળી રહ્યો હતો મારું ભારતજીવન પૂરું થયુ હતું. મારા જીવનમાં એવા પુણ્યાત્માઓ અને મહાનુભાવો આવી ગયા જેમણે મારા જીવનને ધન્યતાની ઘડીઓ બક્ષી. જીવનમાં એક વધુ તક મળશે તો ક્યારેક તેમની પણ વાત કહીશ. અત્યારે તો અમારા ઝાઝા કરીને જુહાર વાંચશો. આજે તો જયહિંદ કહી આપની રજા લઈશ.

કેપ્ટન નરેંદ્ર ફણસે

9 thoughts on “જીપ્સીની ડાયરી-૪૮(કેપ્ટન નરેંદ્ર ફણસે – અંતીમ

 1. ખૂબજ સરસ..

  સવારે Hotmail ખોલીને શ્રી દાવડસાહેબના જેટલા પણ ઈમેલ આવ્યા હોય તેમાં સૌથી પ્રથમ ‘જીપ્સીની ડાયરી’ વાંચુ. તેમના અનુભવો. ખાસ કરીને એક સૈનીક તૈયાર થવામાં કેટલી મહેનત પડે, પછી કેવા કેવા સંજોગો -સ્થળ-આબોહવામાં- જાન હાથમાં રાખીને દેશકાજે કપરી ફરજ બજાવવાની એ બધી તમારી આંખે દેખ્યા અહેવાલ જેવી શ્રેણી અદભુત છે. હાલમાંજ પુલવામામાં જે હુમલો થયો અને તેમાં લડાઈમાં ગયા વગરજ જવાનો મરી ગયા, કોઈકના લાડાવાયા-પિતાઓ-ભાઈઓ-પતિઓ- મિત્રો… કેટ કેટલા સંબંધો… એક સેકન્ડ્માં સંબંધ પુરો થઈ ગયો.. દેશ સુરક્ષિત રહે તે માટે પોતાના જાનની કુરબાની આપતા સૈનિકની જીંદગીના હાલ જોઈને દિલ તેને કંપતા દિલે પણ લાખ લાખ સલામ કરી ઉઠે છે…

  તમારા લંડનના ૨-૩ પ્રસંગો તમારા અગાઉના લેખમાં વાંચ્યાં હતા. તેની પણ શ્રેણી લખો અને પછી અમેરીકા આવ્યા તેના પણ ‘ડાયરી’ના પાના આપો તેવી અભ્યર્થના…

  Liked by 1 person

 2. આદરણીય નરેન્દ્રભાઈ, હિંમત. ધૈર્ય અને સાહસથી ભરપૂર એવા આપના( પ્રેરણાદાયક જીવન વિષે વાંચી ઘણુ જાણવા મળ્યું તેના આનંદ આભાર અને ધન્યવાદ સાથે સલામ સ્વીકારશો।

  Like

 3. Capt. Narendra Bhai- You taught us what is life of soldier. What all training and hardship he undergoes for our national security. Many lessons are ingrained in our being.many thx.
  By Grace of almighty you have alsways helped every one around and and keeping death in hand (JAAN HATHELI PE RAKHAKAR) you have confronted enemies or adverse situations and always helps by Unseen Power.
  May HIS Blessing be always with you and family.
  See (READ) you in near future.
  Many Thx to Davda Saheb for this most important LEKHAN SHRENI.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s