ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૮


 ઠંડો સૂર્ય

રાત્રિનું ફૂલ હવે મૂરઝાયું. પ્રભાતની કળી ધીમે ધીમે ઊઘડી રહી. હમણાં જ કોઈ સુંવાળી કાયા હાથમાંથી સરકી હોય એવા ભાવ સાથે વિનાયકે પથારી ત્યાગી.

મુંબઈનું એક પરું, પરામાં આવેલો એક રસ્તો, રસ્તા પરનું એક મકાન, તેમાં એક બ્લોક, એ બ્લોકની બહાર લટકતી એક તકતી, વિનાયક દેસાઈ, એલ.એલ.બી. સૂર્ય એની બારીમાંથી ડોકિયાં કરવાનો પ્રયત્ન કરી રહ્યો. થોડી વારમાં જ ગૌરવને લેવા બસ આવશે એવું વિચારતાં ગૌરવને તૈયાર કરતાં પોતે પણ તૈયાર થઈ ગયો. સ્નેહા અડધા કલાક પહેલાં જ સર્વિસ માટે બહાર નીકળી ચૂકી હતી. રામો અઠવાડિયાની રજા પર હતો. એટલે ગૌરવને સ્કૂલ બસ સુધી લઈ જવાની જવાબદારી એના માથે હતી. ઝટપટ ગૌરવને નાસ્તો કરાવી વિનાયક તેને સ્કૂલબસમાં મૂકી આવ્યો. અને નિરાંતનો શ્વાસ લેતાં પોતાના માટે કોફી તૈયાર કરી. કોર્ટમાં પહોંચવાને હજુ કલાકની વાર હતી તેથી કોફીની સંગતમાં તેણે છાપામાં નજર ફેરવવા માંડી. વર્ષો થયા, સમાચાર તો એ જ હતા, માત્ર હેડિંગ બદલાયાં હતાં. બધાં જ સમાચાર જાણે મોઢે થઈ ગયા હતા. કશું જ બદલાયું ન હતું અને આમ જુઓ બદલાવાનું ય નહોતું.

સમાજનાં મૂલ્યો બદલાયા હતા, માનવીનો સ્વભાવ હજુયે આદિમાનવ જેવો જ હતો.

સમાજનાં બંધનોના શિકાર તેના જેવા સામાન્ય માણસો હજુયે થતાં હતા.

અચાનક વિચારશૃંખલાની કડી તૂટી, ડિંગ… ડોંગ…, ડિંગ… ડોંગ. ડૉરબેલ મધુર અવાજે રણકી ઊઠ્યો. સાથે જ એક ધ્રુજારી તેના શરીરમાં જાગી ઉઠી, ભ્રમણા છે કદાચ એવું ધારી તે બારણાને તાકતો બસી રહ્યો. ડિંગ…ડોંગ… સત્યની ઘંટડી ફરી તેને ઉઠવા મજબૂર કરી બેઠી.

ધીમેથી ઉઠતા સાવચેતીપૂર્વક વિનાયકે દરવાજા તરફ કદમ ઉઠાવ્યા. દરવાજાના લોક પર ધ્રુજતો હાથ લગાડયો.

બારણું ખોલતાની સાથે જ પવનની લહેરખી સમી વંદના અંદર ધસી આવી. વિનાયકની મનવીણાના તાર ઝણઝણી ઉઠયા.

નયનોમાં આશ્ચર્ય, વિસ્મયતાના તારલા ઝબુકી ઉઠયા.

એના હોઠમાંથી વાક્ય સાહજિક્તાથી સરી ગયું…

‘વંદના… તું…તું… આ સમયે?’

વંદનાની આંખો લાલ હતી, ગોરા કપાર પર વિખરાયેલી અલક લટો, પ્રસ્વેદથી ભીંજાયેલો તંગ ચહેરો, મુખ પર થાક અને રાતના ઉજાગરાના ઉઝરડા હતા.

હતાશાની આંધીમાં લપેટાયેલી તે વિનાયકની બાંહોમાં ઢળી પડી.

‘નથી સહેવાતું આ દુ:ખ, વિનાયક નથી સહેવાતું હવે.’

તું મારા ખોળામાં જીવનની બે ચાર ક્ષણો ન નાંખી શકતો હોય, તો મોતની એક ક્ષણ મેળવવા પૂરતી તો મારી મદદ કર…! રોજ રોજનું આ મરણ મારું, જીવન ક્યાં સુધી ઉપાડીને ફરશે?’

વંદનાને બાહોમાં ભીંસી નાંખવાની અદમ્ય ઇચ્છા જાગૃત થઈ.

વિનાયકના અંતરે એને ટોકતાં કહ્યું, વંદના એક વિશ્વાસે તારા શરણમાં આવી છે… પણ પણ વંદનાના માથા પર હાથ ફેરવતાં ભૂતકાળને સજીવન થતો એ જોઈ રહ્યો.

રવિવારની સવારે સ્નેહાએ કહ્યું, તુષારભાઈના બા–બાપુજી દેશમાંથી આવ્યાં છે. આજે મેં તેમને ચા–નાસ્તા માટે આમંત્રિત કર્યા છે. જરા જલ્દી તૈયાર થઈ જાવ.

વંદના સાથેની એ પ્રથમ મુલાકાત.

વંદના તુષારની પત્ની, ટેબલ પર બેસી નાસ્તો કરતી વંદનાની સાસુને આડકતરી રીતે વંદનાને ટોણાં મારતી વિનાયક જોઈ રહ્યો.

ત્યારે તુષાર નિસ્પૃહભાવે નાસ્તો કરતો રહ્યો. ચૂપચાપ! ગૌરવને જોતાં જ સાસુજી બોલ્યાં, ‘લો સ્નેહાબેન, ગૌરવને લીધે અમારો સમય આનંદમાં જશે.’

લગ્ન કરીને મુંબઈ આવ્યે તુષારને પાંચ વર્ષ થઈ ગયો. વરસમાં બે–ત્રણ વાર એની સાથે રહેવા આવીએ છીએ. તો ઘર ખાવા ધાય છે. આ તો સારું થયું કે વાલકેશ્વરનો ફલેટ છોડી તુષાર પરામાં તમારી બાજુમાં રહેવા આવી ગયો. વાલકેશ્વરના મકાનમાં આજુબાજુના ફલેટમાં તો એક છોકરાનું મોંઢુંય જોવા ન મળ્યું.

વંદના અકળામણ, વ્યથા અનુભવતી બેસી રહી.

વિનાયકની આંખના ખૂણા ભીના થઈ ગયા. એને ઊભા થઈને બોલવાનું મન થયું. બસ… બસ… કરો હવે… ને સ્નેહા વણબોલ્યે નાસ્તો પીરસતી રહી. ત્યારબાદ જ્યાં સુધી તુષારનાં માબાપ મુંબઈમાં રહ્યાં ત્યાં સુધી વિનાયકના કાન પર, વંદનાની સાસુનાં મહેણાં પડતાં રહ્યાં. વેદનાની આંખોમાં તડપતી વેદના તેને ફરી ફરી વાંચી, વિનાયકના દિલમાં વંદના માટે સહાનુભૂતિના કૂંપળ ફૂટી. દેશમાં જતાં જતાં વંદનાનાં સાસુ વિનાયક અને સ્નેહાને કહેતા ગયા. ‘ભ’ઈ, જુઓને, તમારો ગૌરવ હતો, તો અમારો સમય પસાર થઈ ગયો. બાકી આ મુંબઈમાં રહેવું અમારા માટે આકરૂં થઈ પડ્યું હોત…’

પછીના એક વર્ષના વહેણમાં તુષારના પિતાને મૃત્યુએ બાથ ભીડી લીધી. સાથે જ વંદનાની સાસુ કાયમને માટે તુષારની સાથે રહેવા આવી ગયાં. ધૈર્યની મૂર્તિ સમી વંદના વિનાયકની નજર સામે પીગળવા લાગી.

વંદના સાથેની એ આકસ્મિક મુલાકાત હતી. ઘરેથી કોર્ટમાં જતાં બસમાં વંદના તેની સાથે થઈ ગઈ. વંદના તેની બાજુમાં આવીને બેસતાં વાતની શરૂઆત કરવામાં વિનાયકને થોડો સંકોચ અને ગભરામણ થઈ. ફિક્કો ચહેરો, નિસ્તેજ સ્મિત, ગોરા આકર્ષક મુખની પ્રતિભા ઝાંખી પડી ગઈ હતી. જાણે સમયે પહેલાંજ એનું હીર ચૂસી લીધું હતું. લાગ્યું એની ઉંમર આઠ–દસ વરસની વધી ગઈ છે.

‘અરે વંદના… તું… તું… તો અડધી થઈ ગઈ છે. આટલો સંતાપ સારો નહીં, ‘સુકાતા હોઠને જીભેથી ભીના કરતો વિનાયક બોલ્યો.’

‘શું કરું? નદીનો એકપણ કિનારો મને સંઘરવા તૈયાર નથી.’ વ્યથા, નિરાશામાં મદહોશ શબ્દો બહાર આવ્યા.

‘મારે ધીરજનો પાલવ પકડીને જીવનના વહેણમાં પ્યાસી ક્યાં સુધી તણાયા કરવું?’

‘જીવનની આંટીઘુંટીમાં રીબાતા જ આપણા જેવા સામાન્ય માનવીઓએ જીવવાનું હોય છે. હિમત રાખતાં, પરિસ્થિતિ અને સંજોગ સાથે સમજૂતી કરીને…’ વિનાયકના અવાજમાં પણ હતાશા તરી આવી.

‘સ્ત્રી માટે એ ઘણું જ દુષ્કર કાર્ય છે… તમે તો પુરુષ…’

ત્યાં જ બાજુમાં એક ગર્ભવતી યુવતીને ઊભેલી જોતાં જ વિનાયકે ઊભા થઈ પોતાની સીટ ઓફર કરી. વાત તત્પૂરતી અટકી ગઈ. કોર્ટનું સ્ટેન્ડ આવતાં હેતભરી નજર વંદના પર નાખતાં વિનાયક નીચે ઉતર્યો. ચાલતી બસની ઘરઘરાટીમાં વંદનાનો માંદલો ‘આવજો’ શબ્દ ગુંગળાઈ ગયો. આંખોમાં ઉઠતાં ઝળઝળિયાંને ‘તમે તો પુરુષ…’ અડધા વાક્યને વાગોળતાં, લુછી નાંખ્યા. કોટ અને ટાઈને સરખી કરતાં કોર્ટમાં દાખલ થયો. આખો દિવસ પછી વિનાયક વંદનાના વિચારમાં વિતાવી દીધો. તેને શાંત બેઠલો જોઈ બીજા વકીલ મિત્રો આશ્ચર્ય પામ્યા. વહેતા સમયની ધારામાં સ્નેહાની હાજરી–ગેરહાજરીમાં મુલાકાતો થતી રહી. સ્નેહા મોટેભાગે મૌન ધારણ કરીને શાંત બેસી રહેતી. વિનાયકની સહાનુભૂતિ પ્રત્યે આકર્ષાઈને, કોઈક તો સાંભળવા તૈયાર છે, એની અનુભૂતિ કરતાં વંદના થોડીવાર માટે આછા સુખના આવરણમાં લપેટાઈ જતી. એ વિનાયકની આંખોમાંથી નીતરતી કરૂણામાં સાંત્વન પામતી હતી. સાસુ, પતિ અને સમાજના ત્રિભેટે સિસકતી એની જિંદગીના અંધારપટ પર વિનાયક તારાની જેમ ઝબુકતાં વંદનામાં થોડી હિંમત આવી.

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીનું દોષિત ઠરવું, એ સ્ત્રી પોતાના ભાગ્યમાં લખાવને લાવે છે એવી વંદનાની માન્યતા હતી.

વિનાયક જાણી ચૂક્યો હતો કે, તુષાર-વંદનાના સંસારમાં એક બાળકની ખોટને કારણે, વંદના સાસુના મહેણાં–ટોણાંનો શિકાર બની ગઈ. વંદનાને વિનાયક ઘણું કહેવા માંગતો હતો. પરંતુ કયા મોંઢે કહે? કયા અધિકારથી કહે? શું કહે?  પોતાનામાં કશું કહેવાની લાયકાત છે ખરી? પ્રશ્નના ઊઠતાં વંટોળમાં કહેવાના શબ્દો અને આપવાની સલાહ તણખલાની જેમ જોજન દૂર ઉડી જતાં એ ખામોશ બની નિ:સાસા નાંખી રહી જતો. પોતાની ઊડાનની મર્યાદાની સીમા જાણતો હતો.

હાથ લાંબો કરવાની ઇચ્છા, એક દુ:ખી માણસ બીજા દુ:ખી માણસનો આધાર કેમ બની શકે? એ જાણતો હતો કે, પોતાના તણખલાં જેવા શબ્દો વંદના માટે તરાપાનું રૂપ ધારણ કરી રહ્યા હતા. હૃદયના ઉંડાણમાં જન્મી રહેલા ભયથી તેની પરેશાની વધતી જતી હતી. વંદનાને મળવાનું ગમે છે અને નથી પણ ગમતું એની દ્વિધામાં અટવાતા રાત્રિના અંધકારમાં નિંદ્રાદેવી તેનાથી દૂર રહેવા લાગી. સ્નેહા એના બદલાયેલા વર્તનથી અજાણ નહોતી. છતાંયે સંસારરથ એ જ નીરસ ગીતએ દોડી રહ્યો હતો.

બંનેની છેલ્લી મુલાકાતમાં વિનાયકે સુઝાવ સૂચવ્યો હતો. ‘તમે એક બાળકને દત્તક કેમ નથી લઈ લેતાં?’

‘દત્તક! મારી સાસુને દત્તક શબ્દ પ્રત્યે સખત નફરત છે. પોતાનું લોહી અભડાવા એ તૈયાર નથી. તુષાર વિશે કશું સાંભળવા તૈયાર નથી. તુષારમાં સાચું કહેવાની હિંમત નથી… અને મારું અસ્તિત્વ… જાણે સૂડી વચ્ચે સોપારી.’

‘તુષાર એક પુરુષ થઈને કશું…’ બોલતાં વિનાયક અટકી ગયો. શબ્દો નીકળતાં તો નીકળી ગયા, પરંતુ દિલમાં છૂપાયેલા બોજનો અહેસાસ થતાં જ વાક્યને અડધેથી અટકાવી દેતાં એ ગમગીન થઈ ગયો.’

તુષાર… વિષાદભર્યા અવાજે, ઊંડા શ્વાસ લેતાં વંદના આગળ બોલી… ‘એ પુરુષ હોત તો તો આ પ્રશ્ન ઉદ્ભવતે જ નહીં.’ ફરી પાછી તે હિબકે ચઢી.

વિનાયક અવાચક બની વંદનાને નિષ્પલક જોઈ રહ્યો.

વંદનાની આ કબૂલાત. જાણે રહસ્યમય કોયડાની ખૂટતી કડી હતી. નજર નીચી કરી એ ક્ષોભ પામી રહી. આખરે આજ સુધી ગોપિલ રાખેલું સત્ય, પરાયા પુરુષને જણાવતાં શાને સંકોચ ન થયો? હૃદયના ઊંડાણમાં ધરબી રાખેલી વાત દુ:ખના ઉભરા સાથે હોંઠો પર આવી ગઈ. ખામોશીના ધુમ્મસીયા આવરણ નીચે નજર બચાવતાં બંને ભારે હૃદયે છૂટાં પડ્યાં.

લગભગ બે અઠવાડિયા બાદ આ જ, વંદના આજે ફરી એની સામે હતી. વંદનાને ભૂલવાના પ્રયત્નમાં પોતે જરા સફળ થતો હતો જ ત્યાં…

‘વિનાયક… વિનાયક…’ હીબકાં ભરતી વંદનાની પકડ જરા મજબૂત બનતાં વિનાયકની તંદ્રા તૂટી. વંદનાના કેશકલાપમાં મૃદુતાથી આંગળીઓ ફેરવતાં વહાલભર્યા સ્વરે સાંત્વના આપવાં તે બોલ્યો.

‘વંદના પ્લીઝ… પ્લીઝ… શાંત થા.’

‘હવે તો કદાચ, મારે… મારે જીવનભર રડવું પડશે.’

‘કેમ? કેમ એવું તે શું થઈ ગયું?’ બેબાકળા થતાં વિનાયક પ્રશ્ન કરી બેઠો.’

‘હવે… હવે મારી સાસુ તુષારને છૂટાછેડા લેવા સલાહ આપી ચઢાવી રહ્યાં છે.’

‘વંદના, તું શા માટે તારાં સાસુને સાચી હકીકત…’

વિનાયકને વચ્ચે જ અટકાવતાં વંદના બોલી ઉઠી, ‘દુનિયાની કઈ મા પોતાના બાળકની બુરાઈ સાંભળી શકે?’

‘તો… તો… હવે…’ બોલવામાં વિનાયકને શ્રમ પડ્યો.

‘તમારો નાનકડો સુખી સંસાર, તેથી તમે નિશ્ચિંત…’

‘હં…અ…અ…’ વિનાયકના હોઠ સહેજ ફફડ્યા. એક આધુનિક યુવતી અને આવા જૂનવાણી વિચારો ધરાવે છે? ભાવવિહીન ચહેરે વિનાયક સાંભળી રહ્યો. અસમંજસમાં ઝોલાંખાતું એનું મન દ્રવિત થઈ ઉઠ્યું.

‘વિનાયક… વિનાયક… મારી મારી તને છેલ્લી રીકવેસ્ટ છે…’ થોથવાતી જીભે લજ્જાભરી આંખો નીચી કરતાં અચાનક વંદના શાંત બની ગઈ. જાણે આરસની પૂતળી.

‘વંદના… વંદના…’ કહેતાં વિનાયકે એને ઢંઢોળી.

‘વિ…નાયક… મા… મારે મા બનવું છે. મારી તૃષિત ધરા પર મઘ બની તું વરસ. મને આજે તું… તું… સંપૂર્ણ બનાવી દે. મને… પ્લીઝ… નિરાશ ન કરીશ… આજ સૂર્ય બની આ કુંતીની કૂખ ઉજાળી દે… વેદના સભર વ્યાકુળ યાચનામાં તરબોળ થતાં વિનાયકે આ સાંભળી લપસણી ભૂમિકા પર સ્થિર થવાનો પ્રયત્ન કર્યો.

‘વિનુ… મારી લાચારીને તું તો સમજે છે.’ બોલતાં વંદના ફરી પાછી વેલની જેમ વિનાયકને વીંટળાઈ વળી. તેનાં ઉર–ઉરોજની ધડકનો એ મહેસુર કરી રહ્યો. વિનાયકના અંતરે કહ્યું. ‘આજ મેઘ બનીને તૃષિત ધરાને તૃપ્ત કરી દે.’

પરંતુ… પરંતુ… આ… શું?

વંદનાના સ્પર્શથી ખીલવા ઈચ્છતી કાનાની કળી કેમ પુષ્પ બનતાં પહેલાં જ મુરઝાઈ ગઈ? નસોમાં પ્રલયસમાન ધસતો ઊર્મિનો મહાસાગર થોડી જ ક્ષણોમાં ઝાકળરૂપે અદૃશ્ય શાને થઈ ગયો? ઉઠતો એક વંટોળ, બસ માત્ર સુકી હવાની લહેરખી બની શાને શમી ચાલ્યો? મનવીણા પર ઝંકૃત થતાં ઉગ્ર ભાવોના પ્રથમ સૂર સાથે તંગ તાર શાને તૂટી ગયો? ઉદીપ્ત હૃદયની ધડકનો શાને ઠંડી પડી ગઈ?

જોરથી વંદનાને પોતાનાથી અળગી કરી ધક્કો મારતાં પ્રસ્વેદયુક્ત ચહેરાને હથેળીઓમાં સંતાડતાં… ‘ના… ના… વંદના મારાથી…’ હાંફતા અવાજે તે સોફામાં ફસડાઈ પડ્યો. સ્તબ્ધ બની ગઈ, વંદના થોડી વાર માટે.

ત્વરિત સભાન બનતાં, પોતાની જાતને સંકોરતાં, સંભાળતાં તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ‘વિનાયક તમે… તમે… તો દેવતા છો.’

‘તમે તો દેવતા છો…’ વંદનાના શબ્દો સળગતા દેવતાની જેમ વિનાયકના શરીરને ચંપાયા. એક ચિત્કાર મનમાં ઉઠતાં ઝાળ લાગી ગઈ એના સમગ્ર બદનમાં.

‘ગૌરવ ભાગ્યશાળી છે. તમારા જેવા પિતાને પામીને.’ વાક્ય પૂરું થતાં જ ફ્લૅટનું બારણું ખોલી ત્વરાથી વંદના બહાર નીકળી ગઈ.

કોણ પુત્ર? કોણ પિતા? વિનાયકની આંખો એને રડવાને મજબૂર કરવા આંસુઓને આમંત્રણ આપી બેઠી.

*************

1 thought on “ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૮

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s