મને હજી યાદ છે-૭૫ (બાબુ સુથાર)


હેતુ સ્વતંત્રના માર્ગે

હેતુનું નર્સિંગનું શિક્ષણ હવે પૂરું થઈ ગયું હતું. એણે હવે નર્સિંગની પ્રેકટીસ માટે લાયસન્સ લેવાનું હતું. એ માટે એણે પરીક્ષા આપવી પડે. અમેરિકામાં આવી પરીક્ષાઓ ખૂબ પડકારરૂપ હોય છે. ઉમેદવાર એક પ્રશ્નનો જવાબ આપે અને જો એ જવાબ સાચો હોય તો કૉમ્પ્યુટર એ જ ક્ષેત્રનો બીજો વધારે પડકારરૂપ પ્રશ્ન પૂછે. એમ કરતાં સૌથી વધારે પડકારરૂપ પ્રશ્નનો જવાબ તમે આપો ત્યારે એ ક્ષેત્ર પૂરતા તમારી ચકાસણી પૂરી થાય. ખોટો જવાબ હોય તો સિસ્ટમ એ જ ક્ષેત્રનો બીજો સરળ સવાલ પૂછે. જો એનો જવાબ સાચો હોય તો તમને આગળ વધારે પડકારરૂપ સવાલ પૂછે.

ક઼ૉલેજની અંતિમ પરીક્ષામાં હેતુને સારા ગુણ આવેલા. એટલે અમને બધાંને એમ હતું કે લાયસન્સની પરીક્ષામાં એને કોઈ મુશ્કેલી નહીં પડે. પણ, ના એવું ન બન્યું. એ પહેલા પયત્નમાં અસફળ રહ્યો. હું ચિન્તામાં પડી ગયો. પણ રેખા જરા પણ હતાશ થાય એવી ન હતી. એ વખતે એ એક સ્ટોરમાં કામ કરતી હતી. દેખીતી રીતે જ એના સ્ટોરમાં અનેક પ્રકારના માણસો આવતા. જો કોઈ નર્સ આવતી તો તરત જ એ એને પૂછતી: લાયસન્સ માટે તેં કઈ રીતે તૈયારીઓ કરેલી? એટલું જ નહીં, એણે હેતુને પણ કહેલું તું તારા પ્રોફેસરોને મળીને પૂછી જો કે નર્સિંગના લાયસન્સની પરીક્ષા માટે કોઈ ખાનગી ટ્યુશન આપે છે ખરું? હું એવું માનતો હતો કે એને કોઈ ટ્યુશનની જરૂર નથી. બધું જાતે કરી શકશે. પણ, મા તે મા. સંતાનોની ચિન્તા બાપ કરતાં માને વધારે હોય.

       એ દરમિયાન સુચીબહેને રેખાને કહ્યું કે ટેક્સાસના હ્યુસ્ટનમાં એમની દીકરી રહે છે. એની નજીકમાં જ એક બહેન નર્સિંગ લાયસન્સ માટે ખાનગી ટ્યુશન આપે છે. એ પણ ગેરેન્ટેડ. રેખા હેતુને હ્યુસ્ટન મોકલવા તૈયાર થઈ ગઈ. કહે: “જે ખર્ચ થાય તે. મને જરા પણ વાંધો નથી. તમે દીકરીને પૂછીને મને જણાવો.” મારા કુટુંબમાં એક જમાનામાં હું લડવૈયો હતો. હવે હું જરા થાકી ગયો હતો. હવે મારું સ્થાન રેખા લેવા માંડી હતી.

       એ દરમિયાન હેતુ ક્યાંકથી માહિતી લઈ આવ્યો કે ફિલાડેલ્ફિયામાં જ એક બહેન નર્સિંગના લાયસન્સ માટે ખાનગી ટ્યુશન આપે છે. મારા ઘેરથી એ બહેનનું ઘર ડ્રાઈવ કરીને જઈએ તો ચાલીસેક મિનિટ થાય. ફિલાડેલ્ફિયા આમ તો એક મહાનગર. આ મહાનગરમાં જાહેર બસો અને ટ્રેનોની સગવડ ઘણી સારી. પણ, એ બહેન જ્યાં રહેતાં હતાં ત્યાં જો હેતુએ જવું હોય તો એણે ત્રણ બસો બદલવી પડે. એમ કરતાં એને સહેજે ય બે અઢી કલાક થઈ જાય. વળી બસમાંથી ઊતર્યા પછી એ બહેનના ત્યાં જવા માટે એણે પાછું એકાદ માઈલ ચાલવું પડે એ જુદું. એટલે એને ત્યાં લાવવા લઈ જવાની જવાબદારી મારા શિરે આવી પડી. એ બહેન કલાકના સો ડૉલર લેતાં હતાં. રેખા કહે: વાંધો નહીં. હેતુએ એ બહેનનું અઠવાડિયાના બે કલાક ટ્યુશન શરૂ કર્યું. મારા ધાર્યા કરતાં એ બહેનની ટ્યુશનની પદ્ધતિ વધારે સારી હતી. હું હેતુને લઈને ત્યાં જતો. પછી નજીકમાં જ એક ખ્રિસ્તી સેમિટરિ હતી. ક્યારેક હું ત્યાં ચાલવા જતો. આ પહેલાં પણ જ્યારે હું પશ્ચિમ ફિલાડેલ્ફીયામાં રહેતો હતો ત્યારે ઘણી વાર ત્યાં આવેલી વિખ્યાત વુડલેન્ડ સેમિટરિમાં હું ચાલવા જતો હતો. એ બહેનના ઘરની નજીકમાં જ એક મૉલ પણ આવેલો હતો. ક્યારેક હું એ મૉલમાં પણ જતો. આમેય મૉલ, એરપોર્ટ, મંદિર જેવાં સ્થળો ફ્રેંચ ફિલસૂફ ઑગ કહે છે એમ non-places હોય છે. લોકો ત્યાં ખરીદી કરવા માટે જ જાય એવું નથી હોતું. સમય પસાર કરવા માટે પણ જાય. એ વખતે મેં ભરત નાયક અને ગીતા નાયકના વાર્ષિક સામયિક ‘સાહચર્ય’ માટે અમેરિકાની મૉલ સંસ્કૃતિ પર એક લેખ લખવા માટે જરૂરી ફિલ્ડ વર્ક શરૂ કરેલું. પણ એ મૉલની મુલાકાત લીધા પછી મારે એ પ્રોજેક્ટ પડતો મૂકવો પડેલો. મેં એના જેટલો ગમગીન મૉલ બીજો કોઈ જોયો નથી. મોટા ભાગની દુકાનો બંધ. જે ખુલ્લી એમના પ્રવેશદ્વાર પર અને બીજે જે તે દુકાનો કાયમ માટે બંધ થવાની જાહેરાતો. બીજી કેટલીક દુકાનોમાં ગ્રાહકો કરતાં સેલ્સ આસિસ્ટન્ટની સંખ્યા વધારે. મૉલની જાહેર જગ્યાએ પણ ચકલાં ઊડે. આપણે કોઈક દુકાન પાસેથી પસાર થઈએ તો સેલ્લ આસિસ્ટન્ટ આપણી સામે જોઈ રહે. આપણે એના સ્ટોરમાં ન જઈએ તો એને એક potential ગ્રાહક ગુમાવ્યાનો શોક થાય. અને એને શોકમય જોઈને આપણા શોકમાં પણ વૃદ્ધિ થાય. ઓન લાઈન સ્ટોરના કારણે અમેરિકાની મૉલ સંસ્કૃતિ હવે બદલાઈ રહી હતી. એમાં વળી આર્થિક મંદી ઉમેરાઈ. મોટા ભાગના મૉલોમાં પુસ્તકોની દુકાનો બંધ થઈ ગઈ હતી. એ જ રીતે રમકડાંની દુકાનો પણ. મોટા મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરો ટીબીના દર્દી જેવા લાગતા હતા. હેતુ ટ્યુશન ક્લાસ પૂરો ન કરે ત્યાં સુધી મારી પાસે સેમિટરિ કે મૉલમાં રખડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

       રેખાએ હેતુને કહેલું કે જ્યારે તારાં ટ્યુશનવાળાં બહેન એમ ન કહે કે તું હવે લાયસન્સની પરીક્ષા માટે તૈયાર છે ત્યાં સુધી તારે ટ્યુશન ક્લાસિસ લેવાના છે. હેતુએ બધા મળીને પાંત્રીસેક કલાક ટ્યુશન ક્લાસ લીધા હશે. એ બધો ખર્ચ રેખાએ એની પોતાની કમાણીમાંથી આપેલો. આખરે હેતુએ ફરી એક વાર લાયસન્સની પરીક્ષા આપી. પહેલી વાર પરીક્ષા આપી ત્યારે એ એક કલાકમાં જ બહાર આવી ગયેલો. આ વખતે એણે પૂરા ત્રણ કલાક લડત આપેલી. બહાર આવ્યા પછી એ કહે, “આ વખતે હું પાસ થઈ જઈશ.” પરિણામ બે અઠવાડિયાં પછી આવવાનું હતું. જો કે, કોઈએ એનું બીનસત્તાવાર પરિણામ જાણવું હોય તો એ અમુક ફી ભરીને જાણી શકે. આમેય અમેરિકા એક મૂડીવાદી દેશ છે. અહીં લોકો દરેક બાબતમાંથી પૈસા બનાવવાનો પ્રયાસ કરે. નર્સિંગ લાયસન્સની બાબતમાં પણ એવું જ હતું. જો તમારે વહેલું પરિણામ જોવું હોય તો વીસ ડૉલર ઓન લાઈન ભરીને જોઈ શકો. હેતુને ઉતાવળ ન હતી. પણ મને ઉતાવળ હતી. મારી ઉતાવળને કારણે એ અકળાતો પણ હતો. કદાચ એ વધારે સંતાપ કરવા ન’તો માગતો. પણ મારે તો નિરાંતે ઊંઘવું હતું. આખરે મેં વીસ ડૉલર ખર્ચીને ઊંઘ ખરીદી. એને લાયસન્સ મળી ગયું હતું. જ્યારે એનું સત્તાવાર પરિણામ આવ્યું ત્યારે મેં હેતુને કહેલું: Never underestimate your mother. બધો જશ રેખાને જતો હતો.

       હવે એણે નોકરી માટે અરજીઓ કરવા માંડી. નર્સિંગમાં પણ લાયસન્સ મળ્યા પછી નોકરી મેળવવાનું કામ મુશ્કેલ હોય છે. કેમ કે બધાંને અનુભવી માણસો જોઈતા હોય છે. આરોગ્યની બાબતમાં લોકો જોખમ લેવા માગતા નથી. બધાંને કંઈક ખોટું થાય ને દરદી કે એનાં સગાં અદાલતમાં જાય એનો ડર લાગતો હોય છે. આખરે એક નર્સિંગ હોમમાંથી ઇન્ટરવ્યુ આવ્યો. હજી હેતુ પાસે એની પોતાની કાર ન હતી. એટલે હું એને ઇન્ટરવ્યુ માટે લઈ ગયો. ઇન્ટરવ્યુ માંડ સાતેક મિનિટ ચાલ્યો હશે. ઇન્ટરવ્યુ પૂરો થયા પછી ઇન્ટરવ્યુ લેનાર બાઈએ એને કહ્યું: અમે તને બેત્રણ દિવસમાં જણાવીશું. મને લાગ્યું કે એને આ નોકરી નહીં મળે. કેમ કે એ બાઈએ સાત મિનિટમાંની ત્રણ મિનિટ તો ‘કેમ છો? સારું છે’ જેવી વાતોમાં કાઢેલી. બીજી ત્રણ મિનિટ સર્ટિફિકેટ વગેરે તપાસી એમની ફોટોકૉપી કાઢવામાં અને છેલ્લી એક મિનિટ: મારા બોસ તને બીજા ઇન્ટરવ્યુંની જરૂર હશે તો બોલાવશે – જેવી વાતો કરવામાં! મને તો એમાં નરી ઔપચારિકા લાગેલી. પણ, કોણ જાણે કેમ હેતુને વિશ્વાસ હતો કે એને આ નોકરી મળી જશે. એણે કહેલું કે પપ્પા એ વહીવટ સાથે સંકળાયેલી બાઈ છે. એ નર્સિંગના પ્રશ્નો મને કઈ રીતે પૂછે?

       હું જોઈ શકતો હતો કે મારામાં એક જુદા જ પ્રકારનું પરિવર્તન આવી રહ્યું હતું. એક તો હું પરિસ્થિતિ સામે લડવાની મારી ક્ષમતા ગુમાવી રહ્યો હતો. અને બીજું, તે મારામાં અસલામતિની લાગણી જરા વધારે પ્રમાણે આવી ગઈ હતી. હું સરળતાથી આશાવાદી બની શકતો ન હતો. કશુંક મને મળે તો હું એમ જ માનતો હતો કે હું એને લાયક નથી પણ અકસ્માતે આ વસ્તુ મને મળી ગઈ છે. હેતુ મારામાં આવેલાં આ પરિવર્તનો જોઈ શકતો હતો. એથી જ તો એ મને વારંવાર ટોકતો અને કહેતો કે પપ્પાને અસલામતિની લાગણી બહુ થાય છે.

       પણ બીજા જ દિવસે પેલા નર્સિંગ હોમે હેતુને ફોન કર્યો અને કહ્યું કે તું આવતી કાલથી જ જોડાઈ શકે. એ લોકોએ એને પગાર પણ સારો ઓફર કર્યો. એ વખતે અમારી સાથે અમારા એક મિત્ર સુઘોષ મજમુંદાર રહેતા હતા (આવતા પ્રકરણમાં હું એમના વિશે લખવાનો છું). એમની પાસે બે ગાડીઓ હતી. બેઉં ખખડ થતીને ખોડંગાતી. કેમ કે સુઘોષે અમેરિકા આવ્યા પછી એક મંત્ર બનાવ્યો હતો: અમેરિકામાં કદી નવીનકોર ગાડી ન ખરીદવી. હજી પણ એ આ મંત્રને વળગી રહ્યો છે. એમાંની એક ગાડી એણે હેતુને આપી એથી હેતુને આવવાજવામાં કોઈ અગવડ ન પડે. જો કે, એનું નર્સિંગ હોમ પણ અમારા ઘેરથી ડ્રાઈવ કરો તો ચાલીસેક મિનિટ તો દૂર હતું જ.

       આ બધાની સમાન્તરે યુનિવસર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં મારું ભણાવવાનું આમ જુઓ તો બરાબર ચાલી રહ્યું હતું. જો કે, એમાં પણ ઘણા ચડાવઊતાર આવેલા. મને ઘણી વાર થાય છે કે મારે એ વિષયને આવરી લેતું એક અલગ પુસ્તક જ લખવું જોઈએ અને એનું નામ ‘મારા ગુજરાતી ભાષા ભણાવવાના પ્રયોગો’ આપવું જોઈએ. આ પ્રયોગોની વાત કરવાની હજી બાકી છે. તમે એક હોડીમાં બેસીને જળના પ્રવાહ સાથે જઈ રહ્યા હો ને ત્યાં જ તમારી હોડી એક ખડક સાથે અથડાય. તમે બચી જાઓ. હાશકારો અનુભવો. સહજે આગળ જાઓ. પાછી તમારી હોડી બીજા ખડક સાથે અથડાય. પાછા તમે બચી જાઓ. આગળ જાઓ. અને ફરી એક વાર તમારી હોડી બીજા ખડક સાથે અથડાય. એમ કરતાં એક તબક્કો એવો આવે કે તમે હોડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છો એ અનુભવ ગૌણ બની જાય અને ખડકો સાથે અથડાવાનું  અને બચી જવાનું કામ મુખ્ય બની જાય. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ ભણાવતી વખતે મેં સતત આવો અનુભવ કર્યો છે.

       એ દરમિયાન એક દિવસે રેખા કહે: ચાલો, હેતુ માટે નવી કાર જોવા જઈએ. હેતુને સુઘોષની કાર સામે કોઈ વાંધો ન હતો. પણ  શિયાળો સામે આવી રહ્યો હતો. વળી અમેરિકાના ઉત્તર-પૂર્વ કાંઠે શિયાળો જરા આકરો હોય છે. વળી હેતુને એ લોકો મોટા ભાગે રાતની નોકરી આપતા. એથી જ તો શિયાળામાં રસ્તે ખોટવાઈ જાય એવી કાર ન ચાલે. મોટા ભાગના લોકો એમની કાર એ પહેલાં બરાબર કરાવી લે. વળી સુઘોષ એની વાન લઈને નોકરીએ જતો જતો. એક જણ બેસનાર ને સાત જણની વાન! અમને એ પણ ગમતું ન હતું.

       એથી હું, રેખા અને હેતુ ત્રણેય નજીકમાં જ આવેલા ટોયેટા કારના ડીલરને ત્યાં ગયા. કોઈ પણ પ્રકારના આયોજન વગર. ત્યાં બેચાર કારો જોઈ. હેતુને એક કાર ગમી ગઈ. રેખાએ તો ત્યાં ને ત્યાં જ એ કારનો સોદો કરી નાખ્યો. દીકરાને ગમે એ માને ગમે – એવા કોઈક ન્યાયે જ તો વળી. મારે તો માથું હલાવવા સિવાય કંઈ કરવાનું ન હતું. હેતુની ક્રેડીટ હજી બંધાઈ ન હતી. એટલે રેખાએ એની ક્રેડીટ વાપરી. મોટા ભાગના ગુજરાતીઓ કાર ખરીદે ત્યારે બેચાર ડીલરો પાસે જાય. કિંમત કઢાવે. ઇન્ટરનેટ પણ સર્ચ કરે. ડિસકાઉન્ટ શોધે. વગેરે વગેરે કંઈ કેટલુંય કરે. અમે એમાંનું કશું જ કરેલું નહીં. કલાકમાં અમે ઘેર આવ્યાં ત્યારે ઘરના બારણે હવે ‘અમારી’ બે કાર પડી હતી. મેં રેખાને કહેલું: “તમે લોકો રીંગણ બટાકાની જેમ કાર ખરીદીને લઈ આવ્યા પણ જરા વિચાર તો કરવો હતો કે…” પણ, જ્યારે હેતુની વાત આવે ત્યારે રેખા આવું બધું ભાગ્યે જ  વિચારતી હોય છે.

       પણ અમને બધાંને એક વાતનું પારાવાર દુ:ખ હતું. ઇન્દ્રભાઈએ અમારા ગ્રીન કાર્ડ માટે અમને ઘણી મદદ કરેલી. જ્યારે ગ્રીન કાર્ડ આવ્યું ત્યારે ઇન્દ્રભાઈ ન હતા. એ જ રીતે, હેતુને નર્સિંગમાં મૂકવાની સલાહ પણ ઇન્દ્રભાઈની હતી. હેતુએ નર્સિંગ પૂરું કર્યું, લાયસન્સ પણ લીધું અને નોકરી પણ લીધી. પણ, આ ઘટના જોવા માટે પણ ઇન્દ્રભાઈ હયાત ન હતા.

 

1 thought on “મને હજી યાદ છે-૭૫ (બાબુ સુથાર)

  1. Babubhai, where did you hide such an emotional and sensitive Babubhai? With each episode of your Autobiography, I always feel like saluting you for your utmost honesty to write so factually and that also about your feelings! It takes a lot of guts and clarity to accept yourself as is! Other than Michell Obama’s Autobiography, I have not read any Autobiography with so much honesty and clarity about the situations and feelings attached to them.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s