કાવ્યધારા-૯


ને પછી    –     જયશ્રી વિનુ મરચંટ

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,

અટકળને અંધ પાંખો ફૂટે ને પછી,

એ..ને… અટકળ ઊડી, ઊડી ને એવી તે ઊડી, ને, પછી,

અટકળ બની ગઈ અફવા, ને, પછી,

અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને, પછી,

ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને, પછી,

ઊડી ઊડીને અફવા થાકે, ને, પછી,

ચરણ સંકોરે, અંધ પાંખો ખેરવે, ને, પછી,

કોશેટામાં પેસીને પાંખો ઉઘાડે બંધ આંખો ને, પછી,

કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે ને, પછી,

 કહે કે “હું અટકળ નથી, હું અફવા નથી” ને, પછી,

છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું..!” ને, પછી,

કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે, એના સત્ય હોવાના દાવા પર, ને, પછી,

                   ત્યારથી, કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે…!

 

જયશ્રી મરચંટની કવિતાને, પછીનો આસ્વાદલતા હિરાણી – (સૌજન્યઃ દિવ્ય ભાસ્કર, કાવ્યસેતુ, લતા હિરાણી)

જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય

કોઈ કાવ્ય એવું પણ હોય કે, અચાનક, એના શબ્દો પર નજર પડે, ને નજર આગળ વધવા લલચાય ને, એક સુંદર, “જરા હટકે” કાવ્ય મળી આવે, એવું ક્યારેક ક્યારેક જ બને, આજે ફરી બન્યું! ને પછીજેવો મજાનો લય અને રવ લઈને આવતું આ કાવ્ય એનો નમૂનો. પહેલાં અટકળો થાય, એમાંથી અફવા જન્મે અને ધીરે ધીરે આ અફવા ફેલાવનારાઓ એને સત્યનું મહોરું પહેરાવીને જ જંપે! જી હા, આ એક કડવું પણ સત્ય છે. જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય યાને કે અસત્યનું સત્ય! અફવાને મારી મચડીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે એ તો આપણા સહુનો રોજેરોજનો અનુભવ છે. એટલે વાત બહુ ગંભીર છે, મુદ્દો ગહન છે, પણ રજૂઆત માટે કોશેટાનું કલ્પન ખૂબ મુલાયમ અને છતાંયે ડંકાની ચોટ જેવું સશક્ત અને સબળ છે.

                ભ્રમણાનો કોશેટો ને એમાંથી પેદા થતી અટકળની બંધ આંખો! એક એક શબ્દ વિચારીને મુકાયેલો છે. આંખો છે પણ બંધ છે, એ કહું જોવા એટલે કે સચ્ચાઈ જાણવા સમજવા કે વાસ્તવિકતાને ઓળખવાનો ધરાર ઈન્કાર કરે છે. જુઓ, એ પછી ‘અંધ’ ને ‘બંધ’નો માત્ર પ્રાસ જ નથી મળતો, એ અત્યંત અર્થસભર વાત બની જાય છે. આંખો બંધ છે ને, પાંખો ફૂટે એય અંધ છે! નહીંતર તો યોગ્ય અયોગ્યની પરખ ઈચ્છા ન હોય, તોય થાય. એ નથી જ કરવું એટલે પાંખોને અંધ બનાવી દીધી. એ ફફડે, ઊડે પણ ગમે ત્યાં ઊડે, આડેધડ ઊડે. ન હોય એની દિશા કે દશા, માત્ર અવદશા જ હોય! એટલે આ અટકળની પાંખો એને જલદીથી અફવામાં પરિવર્તિત કરી શકે. અફવાની સત્ય (અસત્ય) બનવાની દોડમાં કવિએ એક પછી એક પગલાં સમજીને ભર્યા છે. ઓક્ટોપસને આઠ હાથ હોય છે ને મિનીપેડને સહસ્ત્ર પગ હોય છે, પણ અફવાને તો સહસ્ત્ર પગ ને સહસ્ત્ર હાથ છે. દરેક હાથ પાસે જુદું હથિયાર અને દરેક પગ પાસે જુદો રસ્તો ફૂટી નીકળે છે જે તેને મારીમચડીને સત્ય (?) બનાવવા તરફ લઈ જાય! અહીં માત્ર દોડ જ નથી થતી, એલાન થાય છે, ડંકા નિશાન સાથે સવારી નીકળે છે.

પૂરી સામાજિક બાબતને કલામયતાથી રજૂ કરી છે.

*****************************************

 સમયને શિક્ષાપન્ના નાયક

મારી આસપાસ સતત ફરતો

સમય પણ

મારી જેમ

વૃદ્ધ થતો જાય છે.

આજે મેં

એની સફેદ દાઢી પકડી

એને ગલીપચી કરી.

એ હસતો હસતો બેવડ વળ્યો

ત્યારે

એને ખેંચીને

પૂરી દીધો કબાટમાં.

હવે

કરવાનાં બધાં કામ પતે નહીં

ત્યાં સુધી

એને બહાર કાઢીશ જ નહીં…! 

પન્ના નાયકનીસમયને શિક્ષા  કવિતાનો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

            સામાન્ય રીતે આપને એક એવો ભ્રમ હોય છે કે આપણી આજુબાજુ અને આપણી સાથે સમય ફરે છે. આ એક ભ્રમમાંથી, સમય પર આપણો માલિકી હક સ્થાપવાની હઠ જાણે-અજાણે પેદા થાય છે. વાત ખૂબ જ સૂક્ષ્મ છે પણ સોંસરવી છે. જીવન Delusional – ભ્રાંતિમૂલક છે કે illusion – ઈન્દ્રજાળ છે એની સમજણ હોય કે ન હોય, પણ આપણા હાથમાં સમય ઘણો છે, એવો મનોમન આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. સમય વીતતાં આપણે વૃદ્ધ નથી થતાં પણ આપણી સાથે સમય પણ ઘડપણની અવસ્થામાં સરે છે, અને આપણે એને ફાવે એમ Maneuver – દાવપેંચ રચીને, મહાત કરી શકીશું એવું માનતા થઈ જઈએ છીએ. જો વખત ઘરડો થાય તો એને પણ માણસની હોય છે એવી સફેદ દાઢી પણ હોય, એવું એક Assumption – સ્વીકૃતિ સાથે કાલ્પનિક સમાધાન મનમાં કરી લઈએ છીએ. સમયની દાઢી પકડીને, એને ગલીપચી કરીને હસાવતાં હસાવતાં એક કબાટમાં પૂરી દેવાની વાત, માણસના દગાખોર – Deceptive હોવાની વાત, એટલી તો ઝીણી ને તીણી છે કે, કબાટમાં બંધક બનેલા સમયની ચીસ આપણા સુષુપ્ત મનમાં ઊઠ્યા વિના રહેતી નથી! આ કબાટ સ્ટીલ કે લાકડાનો નથી બન્યો પણ આપણા માલિકી ભાવના Material – ઘટક દ્રવ્યોથી બનેલો છે અને સદંતર અગોચર છે. જ્યાં જગ્યા બાહ્ય રુપે રોકાતી ન હોય ત્યાં એ Delusional – ભ્રાંતિમૂલક બને છે એ વાત સિફતતાથી કવિ કહી જાય છે, અને, અહીં જ કવિતાનો જેવો ઉઘાડ થાય છે તેવો જ કવિ છેલ્લો સ્ટ્રોક મારે છે, એવું કહીને કે,

“હવે કરવાનાં બધાં કામ પતે નહીં

 ત્યાં સુધી એને બહાર કાઢીશ જ નહીં…!”

દેખીતી રીતે કાવ્ય અહીં પુરૂં તો થાય છે, પણ, આપણને વિચારોના એવા અવકાશમાં મૂકીને જાય છે કે જ્યાં આપણું સમયનું સત્ય અને ભ્રમણા વચ્ચેનો ફરક આપણે તારવવાનો હોય છે. આ અવકાશનો વિહાર એક બહુ જ ડરાવણી હકીકત ઉજાગર કરે છે. શું આપણી પાસે સમયને પૂરી દેવાની તાકાત ખરેખર છે? અને, ધારો કે, સમયને બંધક બનાવી લઈએ તો પણ, બધાં જ લૌકિક કે ઐહિક કામો જે કરવાના બાકી છે એનું કોઈ એક લીસ્ટ કે સૂચી છે ખરી? સાચા અર્થમાં તો જે કામો કરીએ છીએ તે બધા જ સમયને અનુસાર પેદા થાય છે અને તે જ અનુસાર પૂરા થાય છે કે પછી અધૂરા રહે છે. અહીં સમય નામનો પ્રમેય પ્રચ્છન્ન રીતે પ્રસ્થાપિત થાય છે કે સમય સત્ય છે અને બાકી બધું જ એક illusion – ઈન્દ્રજાળ છે. કદાચ, માનવામાં પણ ન આવે કે, આ પ્રમેયને સિદ્ધ કરીને અને માણસના હાથમાં સમયને બંધ કરાવવાની વાત કરીને, કવિ માણસની અસહાયતાથી, માણસને જ સભાન કરાવી જાય છે.

આ જ તો આ કવિતાની અને કવિની સિદ્ધિ છે.

ક્લોઝ અપઃ

Last Verses of the Poem “Stopping by Woods on a Snowy Evening” – Robert Frost

“The woods are lovely

  dark and deep.

But I have promises to keep,

And miles to go before I sleep.”

  • Robert Frost

રોબર્ટ ફ્રોસ્ટની કવિતા “સ્ટોપીંગ બાય વુડ્સ ઓન અ સ્નોઈ ઈવનીંગ”ની છેલ્લી પંક્તિઓનો ભાવાનુવાદઃ જયશ્રી મરચંટ

“આ સુંદર, મોહક અરણ્યો

ગાઢ અને ઊંડાણભર્યા આ અરણ્યો.

થાય છે કે અહીં જ રહી પડું, પણ,

મારે હજી તો ન જાણે કોને કોને અને મારી જાતને આપેલાં

કેટકેટલાં વચનો પૂરા કરવાનાં છે?

હજુ તો માઈલોના માઈલો મારે આમ જ આ ગાઢ અને ગૂઢ અરણ્યોમાં

બસ, ચાલ્યાં જ કરવાનું છે, ચાલ્યાં જ કરવાનું છે…!”

2 thoughts on “કાવ્યધારા-૯

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s