ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૯


ત્રીજો કિનારો

એન્ટિએબોર્શન ગ્રુપે જોર જોરથી સ્લોગન ઉચ્ચારવાનું છોડીને ટમેટા અને ઇંડા ક્લિનિક પર ફેંકવા માંડ્યા… એ જોતાં ડૉ. બ્રાઉને પોતાના સ્ટાફની ચિંતા કરતાં લોકલ પોલીસનો કૉન્ટેક્ટ કર્યો. થોડીવારમાં પોલીસ ફૉર્સ આવી પહોંચતા ગ્રુપે ફરીથી હાથ ઊંચા કરી કરીને ડૉ. બ્રાઉન વિરુદ્ધ સ્લોગનો બમણા જોરથી પોકારવા લાગ્યા. પંદર-વીસ મિનિટની રકઝક બાદ પોલીસ ટોળાને વિખેરવામાં સફળ થઈ એ જોઈને આભાર માનવા ડૉ. બ્રાઉન બહાર આવ્યા.

લેડી સાર્જન્ટ એલિઝાબેથે ‘થૅંક્યુ’ સ્વીકારતા માત્ર એટલું જ કહ્યું, ‘ડૉક્ટર એક દિવસ આમાંથી કોઈ માથાફરેલ વ્યક્તિ તમારા પર જીવલેણ હુમલો ન કરી બેસે એ ધ્યાનમાં રાખજો.’

‘થૅંક્યુ ફોર યૉર કન્સર્ન’ હેન્ડશેક કરતા આગળ બોલ્યા, ‘આઈ અંડરસ્ટેન્ડ!’ મનમાં એક જ વસવસો સાથે કે તેઓ પોતાનો પોઇન્ટ ઑફ વ્યૂ કેમ સમજતા નથી!’

ડૉ. બ્રાઉન ગાયનેકોલોજિસ્ટ, વુમન્સ રાઇટ્સમાં માનનારા, વારે-તહેવારે એન્ટિ ઍબોર્શન ગ્રુપ પ્રોફાઇલની મુવમેન્ટને સમર્થન આપવા પિકેટિંગ કરવા પહોંચી જતું. અંદર જતાં પેશન્ટોને સમજાવતું, હેરાન કરતું ત્યારે ડૉ. બ્રાઉન પોલીસની મદદ લેતાં. પણ હવે આ ગ્રુપમાં સિમાન્થાને ન જોતાં એમના મનમાં શાંતિ રહેતી.

અઢાર વર્ષ પહેલાં ડિલિવરી દરમિયાન થયેલાં કૉમ્પ્લિકેશનમાં એમની વાઇફ સિમાન્થાને એમના હાથમાં સોંપી અલવિદા કહી ગઈ હતી. યુવાનીમાં પ્રવેશતી સિમાન્થામાં સમજણના થોર ઊગતા– ઉઝરડાથી પિતા-પુત્રીનો સંબંધ લોહીલુહાણ થવાં લાગ્યો હતો. સિમાન્થા પ્રોલાઇફમાં માનનારી. આ બાબતમાં બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થતી અને ઘવાયેલા મને બંને નારાજ થતાં છુટા પડી જતાં.

એકાદ વર્ષ પહેલાં ડિનર ટેબલ પર સિમાન્થાએ કહ્યું, ‘ડેડી આઈ ઍમ નૉટ હેપ્પી.’

‘કેમ? હવે મેં શું કર્યું?’ આફ્ટર ડિનર ડ્રિંકના ગ્લાસને હોઠે અડકાડતા પહેલાં તેમણે વિસ્મયતાથી પૂછ્યું.

‘બસ તમે એબોર્શન કરવાનું બંધ કરી દો.’

ગ્લાસ ટેબલ પર મૂકતા તેઓ બોલ્યા, ‘ફરી પાછી એ જ વાત!’

‘આ મર્ડર છે મર્ડર’ એ જુસ્સાથી બોલી રહી.

‘અમેરિકામાં એબોર્શન લીગલ છે.’

‘તો શું થયું, તમે એક આવનાર જિંદગીને…’

‘સિમાન્થાને અધવચ્ચેથી રોકતા તેમણે કહ્યું, ‘જેને કોઈએ જોઈ નથી. પણ જે મારી સામે આવીને બેસે છે, એ લાચાર, મજબૂર જિંદગીનું શું. ચોઈસ એમની પોતાની હોય છે. હું માત્ર હેલ્પ જ કરું છું.’

પ્લેટમાં ફોર્ક પછાડતા સિમાન્થા જોરથી બોલી, ‘તમે ખોટો બચાવ કરી રહ્યાં છો.’

ધીરજ રાખતા ડૉ. બ્રાઉન વહાલસભર સ્વરે બોલ્યા. ‘સિમાન્થા, હું જો આ સર્વિસ નહીં આપું તો કેટલીય સ્ત્રીઓ પાછલી અંધારી ગલીઓ અનક્વોલિફાઈડ બુચરો પાસે જતાં પોતાનો જાન જોખમમાં મૂકશે એનું શું?’

સિમાન્થા ગુસ્સાભરી આંખે ડેડીને જોઈ રહી.

‘જો તું હજી નાદાન છે.’

‘એમ તમારું માનવું છે.’

‘કેન વી ડ્રોપ ધીસ ટોપિક… પ્લીઝ!’

‘નો…’ પીછેહઠ ન કરતાં તે બોલી.

‘પ્લીઝ રિલેક્સ, એન્જોય યૉર લાઇફ ફર્સ્ટ’ સહેજ હસતા તેમણે કહ્યું.

‘આ ઘર એ શક્ય નથી.’

‘સમજવાની કોશિશ કર.’

‘હું પણ ઍમ જ કહી રહી છું.’ તે અડી રહી.

‘તારી સાથે આર્ગ્યુમેન્ટ કરવીય નકામી છે. મારે તને કોઈ સફાઈ આપવી નથી.’ કહી હાથમાં ડ્રિંકનો ગ્લાસ લઈ ડૉ. બ્રાઉન ઝડપથી લાઇબ્રેરી તરફ ચાલવા લાગ્યા.

સવારે ઊઠીને જોયું તો સિમાન્થા ઘર છોડીને ચાલી ગઈ હતી. એન્ટિએબોર્શન ગ્રુપમાં કદી કદી નારો લગાવતી સિમાન્થા ત્યારબાદ તેમને જોવાં ન મળી.

રવિવાર, 11 સપ્ટેમ્બર 2011, દસ વર્ષ પહેલાં ન્યૂયૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ટ્રેજડીની એનવર્સરીનો સ્પેશિયલ પ્રોગ્રામ ટીવી પર ચાલુ હતો. આ હોનારતના દસ દિવસ બાદ જન્મેલી છોકરી, જેના ડેડી આ હાદસામાં મૃત્યુ પામ્યા હતા, બોલી રહી હતી. ડૉ. બ્રાઉનની આંખો ભીની થઈ ગઈ. ડૉરબેલ સંભળાતા, ત્વરિત સોફામાંથી ઊભા થઈને ફ્રન્ટ ડોર ખોલ્યું. કદાચ સિમાન્થા આવી હોય. બહાર વાતા ઠંડા પવનમાં ડોલતી ડાલી ‘કોઈ નથી આવ્યું’નો સંદેશો આપતા ઝૂકી ગઈ. નિરાશાનો ઘુંટડો ગળતા દીવાલ પર લટકાવેલા ક્રોસ પાસે તેઓ નતમસ્તક ઊભા રહ્યાં. આશાનું પોત જીર્ણ થતું જતું હતું.

સિમાન્થાને જોવાની પ્રબળ ઇચ્છાએ તેમની આંખોમાંથી નિંદ્રાને કિડનેપ કરી લીધી. અકળાતા બેડમાંથી ઊભા થઈ બાથરૂમમાં વૉશ બેસિન પાસે આવીને ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ સામેના મિરરમાં નજર કરતા તેમને બે પ્રતિબિંબો દેખાયા. એક ડૉક્ટરનું– એક ડેડીનું – હવે? પોતાની જાતને ભૂંસે તો જ ખબર પડે કે કયું પ્રતિબિંબ સાચું છે. જવાબ ન મળતા તેઓ બેડરૂમની બારી પાસે આવી ઊભા રહ્યાં. જો સિમાન્થા સમજી હોત તો? જો પોતે સમજ્યા હોત તો? તો… તોના પડઘાઓ વિસારતા રાત્રિના અંધકારને ગાઢ બનાવવા લાગ્યા. પાછળના ગાર્ડનમાં વૃક્ષો પરથી પર્ણો ખરવા માંડ્યા હતાં, ચાંદનીમાં એટલું ડૉ. બ્રાઉનને જરૂર દેખાયું. માત્ર ક્રિસમસ ટ્રીપર મોસમની કોઈ અસર થઈ નહોતી. ન છૂટકે આંખો મીંચતા તેમણે ફરી બેડમાં ઝંપલાવ્યું.

અડધો એક સૂતેલી ખામોશીનો ખભો હલાવતા ફોન રણક્યો. ભારી થવાંનો ઢોંગ કરતાં પાંપણોને ઉંચકતા રિસીવર કાને લગાડ્યું. સામેથી ‘હલ્લો’ પરિચિત સ્વરે એમને બેડમાં બેઠા કરી દીધાં. નાઇટલેમ્પ ઑન કરી આંખો પર ચશ્મા ચઢાવતા વિભોરસ્વરે બોલી ઊઠ્યા, ‘સિમાન્થા ઇઝ ધેટ યુ?’

‘યસ ડેડી’ સાંભળતા જ અતૃપ્તિનો મહાસાગર શોષાઈ ગયો. સાંભળેલા બે શબ્દો પચાવતા થોડીવાર લાગી. પણ આનંદ જરૂર થયો.

‘ડેડી…’

‘યસ, યસ.. આઈ ઍમ હીઅર…’ આનંદનો ઉમળકો મમળાવતા આગળ બોલ્યા, ‘મને ઘણી જ ખુશી થઈ.’

‘હું જાણું છું.’

‘તું કેમ છે?’

‘ઓ.કે. અને તમે?’

‘બધુ ખાલી ખાલી લાગે છે, પણ તું ક્યાંથી બોલે છે?’ સિમન્થાને ચિંતા થશેના વિચારે ઍમણે વાત બદલવા સૂચવ્યું.

‘શિકાગોથી…’

‘શિકાગોથી!’ આગળ શું બોલવુંના વિચારોને કતારબંધ ઊભા રાખવામાં જરા વાર લાગી.

‘ડેડી આર યુ ઓ.કે.?’

‘સરપ્રાઈઝ… તું ત્યાં શું કરે છે? બધું બરાબર છે ને? તબિયત ઠીક છે ને?’

‘ડેડી… ડેડી… સ્લો ડાઉન…’

‘આઈ ઍમ સોરી બેટા!’

‘સોરી શા માટે? મેં તો ગૂડ ન્યૂઝ આપવા માટે ફોન કર્યો છે.’ શબ્દો પાછળ નાનકડું હાસ્ય દોડી આવ્યું.

‘વન્ડરફૂલ, હું તો રાહ જોઈને બેઠો છું. બોલ, બોલ.’

‘હું, મૅરેજ કરી રહી છું.’

‘રિયલી?’

‘કેમ આમ પૂછો છો?’

‘એમ જ, કોણ છે એ લકી ગાય.’

‘મારી કંપનીમાં મેનેજર છે, રોબર્ટ.’

‘વેરી ગૂડ! તારે મારી એક વાત માનવી પડશે. મૅરેજ ન્યૂજર્સીમાં થશે… હું… હું ગોઠવીશ…’

‘ડેડી ન્યૂઝ તો પુરા સાંભળો…’

‘આથી સારા ન્યૂઝ શું હોઈ શકે?’

‘આમ તો આ ન્યૂઝ મારે પહેલાં રોબર્ટને જણાવવા જોઈએ. લાગે છે એનો મોબાઇલ બંધ છે, તો બસ તરત જ તમને ફોન કર્યો.’

‘ચાલો એ બહાને મારી યાદ તો આવી.’

‘ડેડી’ ડૉ. બ્રાઉને રિસિવર કાન પર વધારે જોરથી દબાવ્યું. ‘ડેડી આઈ ઍમ પ્રેગ્નન્ટ.’

‘ઓહ સ્વીટહાર્ટ!’ ખુશીનો ડબલ ડોઝ, સ્વરમાંનો આનંદ બેડરૂમમાં વેરાઈ ગયો. ‘આઈ ઍમ સ્પીચલેસ.’ કહી આગળ બોલ્યા વગર રહી ન શક્યા, ‘યુ મસ્ટ બી વેરી હેપ્પી.’

‘યસ… યસ…’ પ્રસન્નતા સામે કાંઠેય છલકાતી હતી.

‘મને મળવા ક્યારે આવે છે?’

‘રોબર્ટ સાથે નક્કી કરીને તમને ફોન કરીશ.’

વાત પૂરી થઈ નથી, ફોન નીચે મૂક્યો નથી ને ડૉ. બ્રાઉન નાના બાળકની જેમ હાથ ઊંચા કરી નાચવા લાગ્યા. કમરાની ચાર દીવાલો એમનું નવું રૂપ નિહાળતા આશ્ચર્ય પામી ગઈ.

જે હજી જન્મ્યું નથી એનો વિચાર માત્ર જો પોતાને આનંદના અતિરેકનો સુભગ અનુભવ કરાવે છે તો એ જ્યારે પોતાના હાથમાં હશે ત્યારે… ની કલ્પના કરવાનો ભાર મન ન ઝીલી શક્યું. બસ પોતે ઇતિહાસનું પુનરાવર્તન નહીં થવા દે. સિમાન્થાને ફરી કમ્પ્લેઇન કરવાનો ચાન્સ નહીં આપે. સિમાન્થા માટે પોતે પહેલાં ડેડી અને પછી દુનિયા માટે ડૉક્ટર… અને આજથી વધારામાં ગ્રાન્ડપા… હળવાફૂલ થતાં ઍમણે નિરાંતથી આંખો મીંચી.

નવી સહર… નવી સમજ… નવી સફર…

ફોન આવશેની જોવાતી રાહની ત્રીજી સાંજ. સિમાન્થા આવશે, પોતે એને ગૂડન્યૂઝ આપીને ચમકાવી દેશે. પછી સિમાન્થાના ચહેરા પરથી ટપકતા આશ્ચર્યને પોતે ખોબે ખોબે પીશે. ખોબે… ખોબે… કેટલી મજા આવશે. અ…હા! નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. મન સાથે સમાધાન થઈ ચૂક્યું હતું. બસ ટેન્શન વગર બચેલી લાઇફ માણવી હતી. ડેડી બનીને જીવવું હતું.

લાસ્ટ પેશન્ટનો ચાર્ટ નર્સને સોંપી પોતાની ઑફિસમાં દાખલ થતાંની સાથે જ, ચૅરમાં બેઠેલી યુવતીની પીઠ પર તેમની નજર પડી. પાસે આવીને જોતાંની સાથે જ.

સિમાન્થા…! વ્હૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ.’ એનું માથુ ચૂમીને સામે બેસતાં તરત જ પ્રશ્ન કરી બેઠા. ‘ફોન કર્યા વગર અચાનક? રોબર્ટ ક્યાં છે?’

સિમન્થા ખામોશ એમને તાકી રહી. એની ખામોશી કહેતી હતી કે ડૉક્ટર મારે ઍબોર્શન…

‘સમથિંગ રોંગ?’

‘ન પૂછો તો સારું…’

‘ઓહ ગોડ!’

‘પ્રોબ્લેમ મારો છે, ગોડને વચ્ચે ન લાવો.’

‘ઓ.કે.’ ઊંડો શ્વાસ લઈ ડગમગતા અસ્વસ્થ મનને ધારણ આપવાનો યત્ન કરતા તેઓ એટલું જ બોલી શક્યા ‘ડેડી છું તારો, એટલે ચિંતા તો થાય ને જ!’

અનુત્તર સિમાન્થા, પોતે કંઈ જલદી બોલેની જિજ્ઞાસાને ડેડીની આંખોમાં પાંખો ફફડાવતી જોઈ રહી. થોડી ક્ષણો વીતી ગઈ.

‘આજે હું… હું ડેડીને નહીં ડૉક્ટરને મળવા આવી છું.’ અવાજમાં ઉત્તર ધ્રુવની ઠંડકતા.

‘આ તું શું બોલી રહી છે?’

‘યસ… વુમન્સ રાઇટ્સ.’

ખુશીની વર્ષા અચાનક ધુમ્મસમાં પરિવર્તિત થઈ જતાં, પ્રસ્વેદ ભીના ચહેરે વિસ્ફારિત નેત્રે તેઓ સિમાન્થાને તાકી રહ્યાં. વળતી જ પળે તેમના કર્ણપટ પર સિમાન્થાના શબ્દો પડઘાયા…

‘મારે ઍબોર્શન કરાવવું છે.’

 

 

 

 

 

 

 

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s