દર્શના વ્યાસ “દર્શ” ની કલમેથી


દર્શના વ્યાસ “દર્શ” ઉપનામથી કાવ્યો, ગઝલ, ટુંકી વાર્તાઓ, માઇક્રોફીક્શન અને નવલકથા લખે છે. વર્તમાન પત્રો અને સામયિકોમાં એમની કોલમ પ્રગટ થાય છે. દૂરદર્શન તેમને સંસ્થાઓ દ્વારા આયોજીત કવિસંમેલનોમાં ભાગ લે છે. આજે અહીં એમની એક ટુંકી વાર્તા અને એક માઈક્રોફીક્શન રજૂ કર્યા છે.

વરસાદી કન્યા    (ટુંકી વાર્તા)

હું અદ્દલ મા જેવી રુપાળી. સોળ વર્ષેતો એવી લાગું જાણે આખુંય ચોમાસુ મારામાં બેઠું. વીજળી જેમ નાચતી, ત્યારે ઘર ગુંજી ઉઠતું.

દોડતી વાદળી જેવી હું, પગ વાળીને ક્યાંય ન બેસું. ખોબલે ઝીલેલ વરસાદ જેવું હસતી.. અને મન તો એવું આળૂ જરાક કોઈ કંઈ કહે એટલે ધોધમાર આંખ વરસે..

મને વરસાદ ખુબ વ્હાલો અને કદાચ એને હું…એટલે એ મારામાં જીવે, મને ભીંજવે..હું ગાઉં એ વરસે, વાદળોમાં મનગમતાં ચહેરા જોતી, “કલાપીનો કૅકારવ” મારાંમાં આત્મસાત. હું વરસાદને મારામાં જીવતી..પણ મારું નામ તૃષા પડયું, તેનાથી હું ખુબ ચિડાતી અને માને  ફરિયાદ કરતી “મારું નામ મેધા કેમ ન પાડ્યું? પણ જોજે હું કોઈ મલ્હારને પરણીશ”? મા બોદું હસતી ત્યારે..

હું નાની હતી ત્યારે મા પાસે અનેક વાર્તાઓ સાંભળતી. હજુ મને બરાબર યાદ છે જ્યારે મા કહેતી ‘રાજકુમારી ઝરૂખામાં ઊભી છે અને બહાર ઝરમર ઝરમર વરસાદ વરસે છે..’આટલું સાંભળતા તો હું ગાંડી થઈ જતી. અને મન આગળ એ રમ્ય દ્રશ્ય ખડું  થઈ જતું,  કે હું આલીશાન મકાન ના બગીચામાં લીલા ઘાસ વચ્ચે હીંચકે બેઠી છું. આસમાની જોર્જેર્ટનું ફ્રોક પહેર્યું છે. કમર સુધી લહેરાતા ખુલ્લા વાળ અને પગમાં રૂપેરી ઝાંઝર. આકાશમાંથી ઝીણાં ઝીણાં વરસાદનાં ફોરાં પડ્યાં ..તેની સાથે તાલ મિલાવતી મારી ઝાંઝરી.. અને હું દોડી જાઉં છું વરસાદમાં, ભીની માટીની મહેક મને તરબતર કરી દે છે, તો કોઈ વરસાદના ફોરાં નાચતાં કૂદતાં આવી મારા નાક, ગાલ, હડપચીને ચૂમી જાય છે,  તો કોઈ વળી મોતી જેવા ફોરાં મારી છુટી લટો પર ઝૂલવા લાગે છે.

હું મારી બંને બાહોને ખોલું અને આખે આખ્ખો વરસાદ મારામાં ભરી લેવા ઈચ્છું. એ કાળા ડીબાંગ વાદળોની કાળાશ મારી આંખે હું આંજી દેતી, અને પાંપણમાં સપનાં સજાવતી સફેદ ધોડે આવતો રાજકુમાર જે હાથ ઝાલી મને ઘોડા પર લઈ લેતો અને પછી હું, રાજકુમાર અને ધોધમાર વરસાદ..

સપનાં ભલે જોતી પણ મૂળે તો હું ભીરું. બાપુની એક હાકલે મનમાં હજાર તોફાનોને ડામી, મનમાં પાંગરેલ મલ્હારને ભૂલી માંડવે બેઠેલી.

વર્ષો વીત્યાં તોયે કોણ જાણે કેમ આજે ક્યાંયે ચેન પડતું નથી.અને આ વાદળાં પણ સવારથી ઉદાસમુખ લઈ ઘેરા વળ્યાં છે. નથી કોઈ ગતિ, નથી કોઈ ગર્જના, ખાલી ધેરા કળામુખે સવારથી ઝઝૂમે છે. અને નિ:સહાય કોઈ અબળાંનાં આંસુ જેમ ટીપે ટીપે વરસે છે. આજે આ વરસાદ જોતાં પ્રયત્ન કરું છું, તોયે એ કલ્પના માણી શક્તી નથી. ઝીણાં ફોરાંમાં જે જીવનની મસ્તી દેખાતી હતી, ત્યાં આંસુઓનો ભાસ થાય છે.

ક્યારની વિચારું શું આ વરસાદ આમ જ ધીરે ધીરે પડ્યાં કરશે? ક્યારેય તેમાં જોમ નહીં આવે? શુ ફરી ધોધમાર એ નહીં જ વર્ષે? આ સવાલોએ મારી ભીરુતાને ઢંઢોળી,

મારી ઈચ્છા, મારા સપનાં ગર્જીને બેઠા થયાં. એક નાની વાદળી પણ પોતાનામાં ઝંઝાવાત લઈ જીવતી હો તેમ હું પણ દ્રઢતાંથી ચાલી.

હું મારાં રૂમમાં આવી, કબાટના તળિયે મુકેલી જોર્જેર્ટની આસમાની સાડી બહાર કાઢી, ખાદીની જાડી સાડી અંગેથી ઉતારી  આસમાની સાડી પહેરી આલીશાન બંગલાંમાંથી બહાર આવી રસ્તાને પહેલે પાર પહોંચુઈ તે પહેલા તો વરસાદ ધોધમાર વરસી પડયો .અને માંગમાં ભરેલું સિંદુર ધોવાઈ અને રેલાયું..મેં હળવે રહી બટવામાંથી રૂપેરી ઝાંઝરી કાઢી પહેરી લીધી. ફરી વરસાદના ટીપા ફરી મારા નાક,ગાલ, અને હડપચીને ચૂમી રહ્યાં.

સંતોષ (શબ્દ સંખ્યા: 80) માઇક્રોફીક્શન

આકાશ મિત્રાની ગાડી તેમની આલીશાન ઑફિસ પાસે રોકાઈ. આકર્ષક વ્યક્તિત્વથી ઓપતા આકાશ મિત્રાએ પોતાના નિઃસંતાનપણાને દત્તકપુત્રી લઈ સમાજને ઉદાહરણથી અને સંસારને ખુશીઓથી ભરી દીધું હતું.

ઑફિસમાં દાખલ થતાં જ ભારોભાર અકળામણ સાથે રણકી ઉઠેલા ફોનને ઉઠાવે ત્યાં તો સામે છેડેથી તે બોલી, “સાહેબ, તમે મને કહ્યું હતું કે ફોન નહીં કરવાનો, પણ હું ખરેખર મુંઝાઈ ગઈ છું. ગામ ધકેલી પેટ તો સંતાડયું પણ આ મારો રોયો અદ્દલ તમારા જેવો ભળાય છે, તે આ નાકનકશો ક્યાં જઈ ઢાંકુ..?”

આકાશ મિત્રાની અકળામણે સંતોષનું રૂપ લીધું.

4 thoughts on “દર્શના વ્યાસ “દર્શ” ની કલમેથી

  1. દર્ષનું મઝાનું કથા કાવ્ય અને અંત ‘આકાશ મિત્રાની અકળામણે સંતોષનું રૂપ લીધું.’ અતિ મધુર

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s