હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૦ (ડો. ભરત ભગત)


સિમિતથી અસિમિત ક્ષેત્રમાં ઊડાન :

સન ૨૦૦૩થી આગળનો સમય થોડોક સ્થગિતતાનો સમય શરૂ થયો. પોલિયો કરેક્ટીવ સર્જરી અને સેરેબ્રલ પાલ્સીના યુનિટ સરસ રીતે ચાલી રહ્યાં હતાં. હવે બધું એનું એજ લાગતું હતું. નવા વિચાર કે નવા પડકારનો અભાવ હતો. હું સ્પષ્ટ માનું છું કે સ્થગિતતા એટલે મૃત્યુ. વિચારની યાત્રા અટકે એટલે વિકાસની યાત્રા પણ અટકે, નવું કરવાની ધગશ, જોમ અને જુસ્સો હતો પરંતુ નવું સૂઝતું જ ન હતું. કારણો અસંખ્ય હશે પણ ચીલાચાલુ કાર્ય પ્રોત્સાહક ન હતું. સંસ્થા વહેતી સરિતા સમી હોવી જોઇએ જે નીત નવીન માર્ગોની સફર ખેડી સાગરમાં સમાઈ જાય. વ્યક્તિ, સંસ્થા કે વ્યવસાય જો અટકી જાય તો બંધિયાર પાણીની માફક ગંધાઈ ઊઠે એટલે એણે પોતાના લક્ષ્યરૂપી સાગરતરફ અટક્યા વિના વિસરવું જ પડે.

પોલિયો કરેક્ટીવ સર્જરી કે સેરેબ્રલ પાલ્સીના બાળકોનું કાર્ય જે સહજતાથી મળી આવ્યું હતું એવી સહજતાથી નવું જડતું ન હતું. મારા મનમાં એક વિચાર દઢ થયેલો કે અમારે તબીબીક્ષેત્રે એવી જ પ્રવૃત્તિ કરવી જે બીજા કોઈ ના કરતાં હોય અગર ખૂબ ઓછા લોકો કે સાર્વજનિક ટ્રસ્ટો કરતાં હોય. જે જે સૂઝયું એ એ પ્રવૃત્તિમાં ક્યાં તો નિષ્ણાંતોનો અભાવ કે અમારી જવાબદારીઓ ઉપાડવાની ક્ષમતાનો અભાવ જણાયો. બદલાતા સમયમાં તબીબી વ્યવસાયમાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. પોતાની અંગત આવકમાં કાપ મૂકી, નિઃશુલ્ક સેવાની અપેક્ષા કોઈ પણ તબીબ પાસે રાખવી તે હવે મુશ્કેલ હતું અને વ્યાજબી પણ ન હતું. જેને અંદરથી ઊગે એક બીજાના માટે ઘસાઈને પોતાની જિંદગી જીવી શકે, બીજાના માટે જતુ કરીને જીવનને ઉજાળી શકે. પરંતુ આતો મારી સમજ હતી, માન્યતા હતી. ક્યારેક એમના પક્ષે વિચારું તો પ્રશ્ન થાય કે એક વ્યાવસાયિક શા માટે પોતાના ભૌતિક સુખ, સંપત્તિ અને સમય બીજા માટે આપે? એનો આનંદ કે જીવન દિશા સૂચવનાર હું કોણ? આ બધા પરસ્પર વિરોધોની વચ્ચે પણ નવા કાર્યકર્તાઓ, તબીબો અને દાતાઓ આવતાં જ રહે છે ત્યારે મારી સ્થગિતતા માટે હું જ મને દોષી ભાસતો હતો. મર્યાદાઓ છતાંયે બધું મળી શકતું હતું પણ હું કરી શકતો નહતો.

મારું મનોમંથન સતત ચાલતું રહ્યું. એક વસ્તુ સમજાઈ ગઈ કે મારે જ મારા બંધિયારપણાથી બહાર નીકળવું પડશે. મારે જ રસ્તો શોધવા ગુગલમેપ કે નેવીગેશન પદ્ધતિનો સહારો લેવો જોઇએ એ વિચાર આવ્યો એટલે મિત્રો સાથે ગોષ્ઠિઓ કરતો રહ્યો. સૂચનો અનેક આવ્યા પરંતુ વ્યાવસાયિકતાનો અભાવ લાગતો. મેં જોયું કે અમારી ટીમ સુંદર કાર્ય કરી રહી હતી. બધું જ વ્યવસ્થિત ગોઠવાયું હતું પરંતુ પ્રત્યેક વ્યક્તિએ પોતાની આસપાસ મર્યાદાનું એક આવરણ બાંધી દીધું હતું, હું પણ એમાં જ બંધાયો હતો. કદાચ લાયન્સ ક્વેસ્ટની પ્રવૃત્તિ મારો સમય અને શક્તિ વધુ ખેંચી રહ્યા હતાં.

એક દિવસ ઓચિંતા જ વીજળી ઝબકે એવો વિચાર ઝબક્યો કે રાયપુરની જગ્યા અને એનું બંધિયાર વાતાવરણ છોડી હવે કોઈ નવા સ્થાને પોતાની જગ્યા ઉપર જઈ વિકાસયાત્રાને પાટા ઉપ૨ મૂકવી. મિત્રો સમક્ષ વાત મૂકી બધાને ગમી. આ વિચાર ઝબકવાનું કારણ હતું કે વર્ષો પહેલાં સદ્દગત શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીએ સોલા ભાગવત વિદ્યાપીઠમાં જગ્યા આપવાનું આમંત્રણ આપેલું અને ત્યારબાદ સ્વ. હરિભાઈ પંચાલે સમર્પણ વિદ્યાપીઠમાં હૉસ્પિટલ માટે જગ્યા આપવાનું વિચાર્યું હતું. બંને દરખાસ્તો શક્ય બની ન હતી એટલે મારી મૂંઝવણયાત્રા બીજા ૨ – ૩વર્ષ ચાલી.

૨૦૦૭માં અમારી પ્રતિષ્ઠા અને નાણાંકીય પારદર્શિકતાના કારણે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીએ જીવરાજપાર્કમાં ૬ હજાર ચોરસ વાર જગ્યા વિનામૂલ્યે આપી જે ભૂતકાળમાં ભાગ્યેજ બન્યું  હશે.

જગ્યાતો મળી પરંતુ પૈસા ન હતાં અનેકવિધ પ્રશ્નોની વચ્ચે અમે પડકાર ઉપાડી લીધો. મને વિચાર આવ્યો કે અમદાવાદમાં બધા એક સાથે મળે, કલાકો સુધી ચર્ચા કરે એ શક્ય જ ન હતું એટલે મેં માઉન્ટ આબુમાં ચિંતન શિબિરનું આયોજન ક્યું. બધા માટે સાવ નવો પ્રયોગ હતો. મેં SWOT Analysisનો સહારો લીધો.

પરિણામે અમે આગળની એક રૂપરેખા નક્કી કરી શક્યા. જવાબદારી વહેંચી શક્યા. કયા મેડિકલ કાર્યોથી શરૂઆત કરવી એની કાચી વિચારધારા પ્રગટાવી શક્યા. શ્રી બંકિમ પંડ્યાએ આર્કીટેક્ટ તરીકે સુંદર ડીઝાઇન આપી અને પરેશભાઈ તલાટીએ ત્રણ વર્ષ મહેનત કરી અધ્યતન સેવા સંસ્થાન નિર્મિત કર્યું.

પ્રોજેક્ટના પ્રમાણમાં અમારી પાસે નાનુ ફંડ હતું, હવે વાત ૮ – ૧૦ કરોડની હતી. કારણકે માત્ર બિલ્ડીંગ નહીં, સાધનો પણ વસાવવાના હતાં. આશ્ચર્ય એ હતું કે જયારથી આ પ્રોજેક્ટ હાથમાં લીધો ત્યારે બધી જ દિશાઓમાંથી ખૂબ જ સરળતાથી સહયોગ મળી રહ્યો હતો.

એક વાત જે હું વારંવાર દોહરાઉ છું કે મને અહેસાસ થતો હતો કે કોઈ અગમ્ય શક્તિ, પરમ કે પરમેશ્વર સહાયરૂપ થઈ રહેલ હતા. એની સહાય સદાય કોઈ વ્યક્તિ થકી જ મળે છે. જયારે ચારેય બાજુથી સહાય મળે, અજ્ઞાત ખૂણેથી લોકો માંગે એ પહેલાં આપી દે, સંજોગો બધા જ તમારી તરફેણમાં આવતાં જાય, ચારેય બાજુ ઉજાસ દેખાય ત્યારે માનવું કે પરમેશ્વર તેની કૃપા વહાવી રહ્યાં છે.

અમે સફળ ભૂમિપૂજન કાર્યક્રમ કર્યો અને તે સમયે અકલ્પનીય દાનનો પ્રવાહ વહ્યો. ભૂમિપૂજન પછી બાંધકામને આગળ ધપાવવાનું હતું. પ્રશ્નો આવતાં ગયાં, ઉકેલતાં ગયાં.

ઈન્દુકાકા ઈપ્કોવાળાના જમાઈ શ્રી દેવાંગભાઈ પટેલે અમારૂ કાર્ય જોઈ અને જાણીને રૂપિયા ૨ કરોડનું દાન આપ્યું જેથી અમારો ઉત્સાહ અનેકગણો વધી ગયો. ત્યારબાદ દાનનો પ્રવાહ સતત વધતો રહ્યો અને અમે આખી હોસ્પિટલ સાધનો સાથે ૮ – ૯ કરોડના ખર્ચે ઉભી કરી શક્યા. ૨૦૧૦માં અમે પૂજય મોરારિબાપુના હસ્તે પોલીઓ ફાઉન્ડેશનનું લોકાર્પણ કર્યું.

પરિવર્તનશીલતા અને સ્થિતિસ્થાપકતા બે એવા ગુણ છે જે પ્રગતિ માટે અત્યંત આવશ્યક છે. આ સત્ય અને સમજતા હતા એટલે જ સમય સાથે બદલાતા રહ્યાં. અત્યાર સુધી અમારી વિચારધારા વિકલાંગો માટેના કાર્યની હતી પરંતુ હવે વિશાળ અને ખુલ્લા આકાશમાં ઉડાન ભરવાના હતાં ત્યારે માત્ર આ બેજ પ્રવૃત્તિથી ઉપર જવાની જરૂર હતી. પરંપરાથી પર થઈ નવપ્રસ્થાન કરવાનું હતું. પાછળ નજર નાંખું છું તો સમજાય છે કે તે સમયનો નિર્ણય કેટલો સાચો હતો.

પહેલો વિચાર આવ્યો અંધત્વ નિવારણના કાર્યક્રમને અપનાવવાનો. સામાન્ય લાગતી આંખની બિમારીથી અસંખ્ય લોકો અંધત્વ અનુભવે છે જે રોકી શકાય અને નિવારી શકાય. ભારતમાં જે રોકી શકાય તેવા અંધત્વના દર્દીઓ છે એમાં મોટા ભાગે મોતિયાનું કારણ છે અને બીજું કારણ ડાયાબિટિસથી થતી રેટીનાની બિમારી છે. ડો. અલ્ય બેન્કર ગુજરાતમાં જાણીતા રેટીના સર્જને રેટીના વિભાગની જવાબદારી ઉપાડી લીધી. આજે આઠ વર્ષના ગાળામાં તેમણે અમારા રેટીના ડિપાર્ટમેન્ટને ચેરીટેબલ સંસ્થાઓ કે જ્યાં આ કામ થાય છે તેમાં અગ્રીમસ્થાન અપાવી દીધું. કીરીટભાઈ પછીતો અમારી સાથે એવા જોડાઈ ગયાં કે તેઓએ બે મોટા દાન આપી રેટીનોપથીના કાર્યને વેગ આપ્યો.

એક નવું જ પ્રસ્થાન : રેટીનોપથી ઓફ પ્રિમેચ્યોરીટી…

અમારી રેટીના ઓપીડીમાં એક દિવસ સવા-દોઢ મહિનાના બાળકને લઇને વાલી આવ્યા. બાળકની આંખ તપાસી ડૉ. અલયભાઈ હલબલી ગયા. રેટીના સર્જનને સમજાઈ ગયું હતું કે પ્રિમેચ્યોર જન્મેલા આ બાળકને હવે ક્યારેય કશુંય નહીં દેખાય. જીવન આખું અંધકારમય જ રહેશે. કહેવાની હિંમત ન હતી પરંતુ કહ્યા વિના છૂટકો ન હતો. સાંભળીને કોડ ભરેલી માતા ત્યાંજ ભાંગી પડી. દિલાસાના શબ્દો પણ શું કરી શકે જયારે જેનો કોઈ ઇલાજ જ ના હોય ત્યારે ? દરેક પ્રિમેચ્યોર બાળકની રેટીનાની તપાસ જન્મના મહિનામાં જ થવી જોઇએ. નિષ્ણાંત બાળરોગ તબીબે સમજાવ્યું હતું કે તુરંત પોલિયો ફાઉન્ડેશન જઈ તપાસ કરાવી આવો. માતાપિતાએ આ સૂચનાને હળવાશથી લઈ મોડું કરી નાંખ્યું. શક્ય છે કે સમયસર આવી ગયા હોત તો જરૂર અંધત્વ રોકી શકાત.

અલયભાઈ એમની વેદનાનું પોટલું લઈ મારી પાસે આવ્યા. સીધી જ વાત : “સાહેબ, આપણે આના માટે કંઇક કરવું જ પડે. જો પોલિયો ફાઉન્ડેશન આ પ્રોજેક્ટ માટે તૈયાર હોય તો હું મારી સેવા આપવા વચનબદ્ધ છું.” મારો જવાબ ટૂંકો અને સ્પષ્ટ હતો : “સંસ્થા આવા કાર્યો માટે તો સર્જાઈ છે. તમે વિગત, ખર્ચ અને જરૂરી માહિતી આપો . અમારી જવાબદારી સમજાવો અને આગળ વધો.” ટ્રસ્ટીઓ ના નહીં પાડે એ અપેક્ષાએ મેં હકાર ભણી દીધો. અલયભાઇએ ચેતવ્યો : “સાહેબ, સવા કરોડ રૂપિયા જો ઇશે, અલાયદો સ્ટાફ જોઇશે, ભારતમાં માત્ર કર્ણાટકમાં જ આ ટેલિમેડીસીન પ્રોજેક્ટ ચાલે છે એટલે ત્યાં સ્ટાફને મોકલી તાલીમ અપાવવી પડશે.”

“એક વાર હા એટલે હા જ, પૈસાની જવાબદારી અમારી – બાકીનું તમારા માથે.” મારો જવાબ હતો. ટ્રસ્ટીઓએ ભારતમાં આ બીજા અને પશ્ચિમ ભારતમાં પહેલા પ્રોજેક્ટ માટે મંજૂરીની મહોર મારી દીધી. કારણકે હેતુ ઉમદા હતો અને અનેક બાળકોને જન્મથી જ અંધ થતા રોકવાની આશા હતી.

કર્ણાટકમાં આ પ્રોજેક્ટ માટે ભારત સરકારના નેશનલ રૂરલ હેલ્થ મિશન તરફથી સહાય મળી હતી. જો એક રાજયમાં આ સહાય મળતી હોય તો ગુજરાતમાં આપણને પણ મળે જ એવી અમને ખાત્રી હતી.

ડૉ. પ્રકાશ ભટ્ટ તુરંત જ કામે લાગી ગયા. ડૉ. અલયભાઇની મદદથી સરસ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવ્યો. આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. ધોળકિયાને બતાવ્યો. ખૂબ સંવેદનશીલ અધિકારી સંસ્થા માટે એમને ખૂબ સારી છાપ. એમનો જવાબ હકારાત્મક હતો એટલે અમે અધિકૃત રીતે સરકારમાં રજૂ કર્યો અને મિશન ડાયરેક્ટરની મુલાકાતનો સમય મેળવ્યો. મિશન ડાયરેક્ટર આઇ.એ.એસ. અંજુ શર્મા, ખૂબ હોંશિયાર અને ઘડાયેલાં અધિકારી. એમને સમજાવતા મુશ્કેલી પડી કારણકે સરકારમાં નવા વિચાર કે પરિવર્તન માટે ઘણી મુશ્કેલીઓ હોય જ છે. છતાંયે અમે એટલું સમજાવી શક્યા કે તમે કર્ણાટકમાંથી આ પ્રોજેક્ટ માટે જરૂરી માહિતી મેળવો અને પછી આગળ વધજો. એમને પૂછ્યું અને માહિતી મંગાવવાની ગોઠવણ કરી.

સમય નીકળતો ગયો પણ અમારી ધીરજ અખૂટ હતી, ફોલોઅપ ખૂબ. છેવટે એમણે અમને વિસ્તૃત ચર્ચા અને માહિતી માટે બોલાવ્યા. હું, અલય અને કલ્પન પહોંચ્યા. ડૉ. ધોળકિયાની હાજરીમાં પ્રેઝન્ટેશન થયું. પ્રત્યેક સ્લાઇડ ઉપર પ્રશ્નો, ટીકાત્મક વિધાનો પરંતુ અલયભાઇનો અભ્યાસ એમના એક-એક પ્રશ્ન માટે પૂરતો હતો. અંતભાગમાં તો એમણે તબીબો અને તબીબી વ્યવસાયની ખૂબ ખરાબ શબ્દોમાં ટીકા કરી ત્યારે મેં એમને રોકીને કહ્યું કે મેડમ બધી આંગળીઓ સરખી નથી હોતી. અપવાદરૂપ અનુભવને આપણે સહુ માટે લાગુ ના પાડીએ તો સારું. સાથે સાથે એ પણ ઉમેર્યું કે મેડમ શું આપને નથી લાગતું કે આ દૂષણો સમાજના તમામ ક્ષેત્રોમાં, સરકારી કે બિનસરકારી તંત્રોમાં પણ જોવા મળે છે ? એમણે વાત વાળી લઈ પાછા પ્રેઝન્ટેશન ઉપર આવવાનું પસંદ કર્યું.

છેલ્લે તેમણે પૂછ્યું કે તમે સરકારી સંસ્થાઓમાં તો વિનામૂલ્ય કરશો પરંતુ ખાનગી હોસ્પિટલમાં શું ચાર્જ લેશો ? અમે અંદાજે અમારો વિચાર જણાવ્યો અને એમણે ફરીથી ચાબખો માર્યો કે તમે પોલિયો ફાઉન્ડેશનમાં ખૂબ ચાર્જલો છો . એમને ખબર ન હતી કે એમણે ‘નો’ બોલ નાખ્યો હતો અને ‘નો’ બોલને હળવાશથી જવા દેવાની તક કોઈ સારો બેટ્સમેન કેમ ચૂકે ?

મેં તરત જ પડકાર આપ્યો : “મેડમ, આપણે આ પ્રેઝન્ટેશન અહીંજ મૂકી દઇએ અને સીધા જ પોલિયો ફાઉન્ડેશન જઇએ. તમે ચાહો તો દર્દીને, એના સગા કે સ્ટાફને અમારા ચાર્જ વિશે પૂછી શકો છો.” થોડા મૌન પછી મેં ઉમેર્યું કે તમને અત્યારે ના ફાવે ત્યારે તમારી અનુકળતાએ વિના ખબર આપે આવવાની છૂટ છે. આત્મવિશ્વાસથી અમે આ કહી શક્યા કારણ કે મોટાભાગની સારવાર વિના મૂલ્ય કે સાવ સામાન્ય ચાર્જમાં અમે કરતાં હતાં. પાછી એમણે વાત વાળી લીધી. આઈ.એ.એસ. અધિકારીઓની પરીક્ષા લેવાની પદ્ધતિ અલગ હોય છે. જેમાં અમે પાસ થઈ ગયા. સાથે જ રૂા. ૬૫ લાખનો કેમેરો આપવાની મંજૂરી આપી દીધી.

બાકીના રૂા. ૬૦ લાખ માટે અમે વિચારણા કરતાં હતાં ત્યાં અમારા મિત્ર શ્રી હેમંતભાઇનો ફોન આવ્યો. “મારા મિત્ર સુરેન્દ્રને લઇને આવું છું. મેં એને એનેસ્થેસિયા આપ્યો છે તમારે સર્જરી કરવાની છે.” એમની આ કાયમી રીત. એનો અર્થ કે મેં દાતાને સંસ્થા અને પ્રોજેક્ટ માટે વાત કરી છે, બાકીનું કામ તમારું.

શ્રી સુરેન્દ્રભાઈ એકદમ સરળ, જમીની માણસ. ગરીબીમાંથી મોટા થઈ વર્ષે કરોડ બે કરોડ દાન આપવાની ક્ષમતા ધરાવે. મેં એમના હૃદયને સ્પર્શે એવી વાત કરી કે આ પ્રોજેક્ટથી અસંખ્ય બાળકોને અંધત્વથી જન્મતા રોકી શકીશું, તેમનું અને પરિવારનું જીવન સુખી કરી શકીશું. મારી વાત એમના મર્મસ્થાને સ્પર્શી ગઈ અને તુરત જ રૂા. ૫૧ લાખ આપવાની મંજૂરી આપી દીધી. એમને એ પણ ગમ્યું કે રૂા. ૬૫ લાખ ગુજરાત સરકાર આપશે અને નામ એ સૂચવશે એ મુજબ રહેશે.

આ ભલા સજજને પોતાનું નામ નહીં પણ પોતાના ગુરુનાય ગુરુનું નામ મૂક્યું. ઉદ્ઘાટન એમના ગુરુએ ક્યું. મહારાજશ્રીએ માનવસેવાની વાત કરી ટહેલ નાંખી કે એક વ્યક્તિ રૂા. અગિયાર હાર આપે અને એક બાળકને અંધ થતો અટકાવે. રીતસર બોલી બોલાઈ ગઈ. જોતજોતામાં રૂા. ૧૫લાખના વચન મળી ગયા.

બોલી બોલવાની, જૈન સમાજની આ વિશિષ્ટતા બધાયે શીખવા જેવી છે.

આજે આ યુનિટ દ્વારા અમે ૨૦ હજારથી વધુ બાળકોની તપાસ કરી અને ૬૦૦ જેટલા નવજાત શિશુઓને અંધ થતા અટકાવી શક્યા છીએ. વિચાર કરું છું કે જે બાળકને અમે અંધ થતો અટકાવી ના અટકાવી શક્યા એણે મારામનમાં વિચાર રોપી દીધો જેનાથી અસંખ્ય બાળકો અંધત્વથી છૂટ્યા એને કેવી રીતે યાદ કરવો? એની વેદનાથી દુઃખ અનુભવવાનું કે આટલાં બધાં બાળકો બચી ગયાં એનો આનંદ માણવો?

2 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૦ (ડો. ભરત ભગત)

  1. ઉમદા કાર્ય …
    એમને અહેસાસ થતો હતો કે કોઈ અગમ્ય શક્તિ, પરમ કે પરમેશ્વર સહાયરૂપ થઈ રહેલ હતા
    આવા સંતોને આ સહજ થાય…સાથે આપણે નાણાનું દાન ન કરી શકીએ તો મર્યા બાદ રૅટિનાનું દાન કરી શકીએ ! તે અંગે પ્રેરી શકીએ.પ્રચારમા સુત્ર છે -‘મર્યા પછી તમારે જોવું છે? આંખના દાન કરો’
    હવે તમે ડ્રાઇવર્સ લાયસંસ રીન્યુ કરાવવા જાવ તો આ દાનની નોંધ કરાવશો તો તેના પર ડૉનરનું ચિહ્ન લગાવશે જેથી કોઇ સગાવહાલા નો વિરોધ પણ ચાલશે નહીં

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s