પ્રકરણ ૩: ભારત પહોંચતાં પહેલાં
પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીની શરૂઆતના એ દિવસો હતા. ભારત જવાની મહત્ત્વાકાંક્ષા તો હતી જ, પણ કંપનીએ હજી તો પહેલા પડાવે પહોંચવાનું હતું. હજી તો ફેબ્રુઆરી ૧૬૦૧ છે અને લૅંકેસ્ટર એના ‘રેડ ડ્રૅગન’ જહાજમાં વૂલવિચથી ઈસ્ટ ઇંડીઝ તરફ જવા નીકળી પડ્યો છે. ૬૦૦ ટનનું આ માલવાહક જહાજ યુદ્ધ જહાજ જેવું સજ્જ હતું. ૨૦૦ માણસો એમાં સહેલાઈથી સમાઈ શકતા અને ૩૮ તો તોપો હતી. એની સાથે બીજાં ત્રણ નાનાં જહાજો છેઃ હેક્ટર (Hector), સૂઝન (Susan) અને ઍસેન્સન (Ascension). ચારેય જહાજો પર ૪૮૦ ખલાસીઓ અને મજૂરો છે.
દક્ષિણ ઍટલાન્ટિક પ્રદેશ એ વખતે જીવલેણ સ્કર્વીના રોગના પ્રદેશ તરીકે નામચીન હતો. ૧૫૯૧માં લૅંકેસ્ટરને એનો ખરાબ અનુભવ હતો અને એ વખતે એણે લીંબુના રસનો અખતરો કર્યો હતો. દક્ષિણ ઍટલાન્ટિકમાં પ્રવેશતાં જ એણે પોતાના બધા માણસોને દરરોજ ત્રણ ચમચી લીંબુનો રસ આપવાનું શરૂ કરી દીધું હતું. (૨૦૦ વર્ષ પછી એ જાણી શકાયું કે વિટામિન ‘સી’ની ઉણપથી સ્કર્વી થાય છે). પરિણામે, રેડ ડ્રૅગન પર તો બીમારી ન ફેલાઈ પણ સાથી જહાજોમાં હાલત ખરાબ હતી. કુલ ૧૦૫નો સ્કર્વીએ ભોગ લીધો. આમ પાંચમા ભાગનો કાફલો તો ક્યાંય પહોંચ્યા વિના જ સાફ થઈ ગયો.
આરામ માટે ક્યાંક રોકાવાની જરૂર હતી. આખરે છ મહિનાની હાલાકી પછી જહાજો કૅપ ઑફ ગૂડ હોપની દક્ષિણે દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન પાસે ‘‘ટેબલ બે’ (Table Bay)’ (આફ્રિકાન ભાષામાં નામઃ ‘તાફેલબાઈ’) પહોંચ્યાં. ખાધાખોરાકીનો સામાન પણ ખૂટી ગયો હતો. આફ્રિકનો યુરોપિયનોથી દૂર જ રહેતા અને એમની ભાષા આવડે નહીં. લૅંકેસ્ટરે ઘેટાંબકરાંની જેમ ‘બેં…”, અને ગાય–બળદ માટે “અમ્ભાં…” કર્યું ત્યારે લોકો સમજ્યા અને પોતાનાં ઘેટાંબકરાં, ગાય–બળદ વેચવા એમની પાસે ગયા. ગરીબ અને અણસમજ એટલા કે લોખંડના બે જૂના સળિયામાં લૅંકેસ્ટરે મોટો બળદ ખરીદી લીધો! હજારેક ઘેટાં અને ચાળીસેક બળદ અને એક પોર્ચુગીઝ નૌકા પર છાપો મારીને લૂંટેલાં વાઇન, ઑલિવ તેલ વગેરે બધો સામાન લઈને લૅંકેસ્ટરનું જહાજ આગળ વધ્યું પણ મુસીબત કેડો મૂકતી નહોતી. હવે એક પછી એકને ઝાડા થઈ ગયા અને મરવા લાગ્યા. લૅંકેસ્ટરની ડાયરી લખનાર લખે છે કે એક પાદરી, એક ડૉક્ટર અને ‘tenne [ten] other common men’ મૃત્યુ પામ્યા. (એ વખતની અંગ્રેજી ધ્યાન આપવા જેવી છે). આમ લૅંકેસ્ટર લંડનથી નીકળ્યા પછી ૧૬ મહિને માડાગાસ્કર અને સુમાત્રા થઈને આસેહ (ઇંડોનેશિયા) પહોંચ્યો. ત્યાં પહોંચ્યા ત્યારની નોંધ ગુજરાતીઓને રસ પડે તેવી છેઃ “Here we found sixteen or eighteen sail of shippes [ships] of diverse nations – Gujeratis, some of Bengal, some of Calicut called Malibaris, some of Pegu [Burma] and some of Patani [Thailand] which came to trade here.”
આસેહના સુલતાન અલ્લાઉદ્દીન રિઆયત શાહે લંડનના વેપારી જહાજનું સ્વાગત કર્યું. અને લૅંકેસ્ટરના શબ્દોમાં ‘sixe [six] greate [great] ellifants [elephants] with many trumpets, drums and streamers’ એમને દરબારમાં લઈ ગયા.
લૅંકેસ્ટરે રાણીનો પત્ર શાહને આપ્યો અને શાહે બદલામાં વેપારની સમજૂતી સ્વીકારી, એમને રહેવાની જગ્યા આપી અને એમના સંરક્ષણની વ્યવસ્થા પણ કરી. હવે બસ, કંપનીના જહાજોએ સુમાત્રાનાં મરીનો બહુ મોટો જથ્થો ભરીને ઇંગ્લૅન્ડ પાછા ફરવાનું હતું, પણ એક મોટી સમસ્યા આવી. મરીનો પાક નિષ્ફળ ગયો હતો. હવે શું કરવું? લૅંકેસ્ટર બે જહાજ સાથે મલાકાના અખાત તરફ ગયો અને પોર્ટુગલનું એક જહાજ હિંદુસ્તાનથી કાપડ, ‘બાટિક’ વગેરે સામાન ભરીને આવતું હતું તેને લૂંટી લીધું. ખાલી હાથે તો લંડન પાછા જવાય એવું નહોતું. અલ્લાઉદ્દીન શાહ એનાથી એટલો પ્રસન્ન હતો કે એણે આ લૂંટ તરફ આંખ આડા કાન કર્યા. હિંદુસ્તાની કાપડની માંગ હજી યુરોપમાં નહોતી. પરંતુ એશિયામાં એની લોકપ્રિયતા બહુ હતી અને નાણાને બદલે એનો ઉપયોગ સાટા તરીકે થતો. લૅંકેસ્ટર પાસે માલ ખરીદવા ૨૦,૦૦૦ પૌંડનું સોનું અને છ હજાર પૌંડ જેટલી લંડનના માલના બદલામાં મળેલી રક્મ હતી. ભારતનું કાપડ લંડન લઈ જાય તો બહુ કમાણી થવાની નહોતી એટલે એણે પૈસા બચાવી લીધા અને અમુક પ્રમાણમાં ભારતીય કાપડ સાટામાં કિંમત તરીકે ચૂકવ્યું.
લૅંકેસ્ટર આસેહનું મહત્ત્વ સમજ્યો અને એણે ત્યાં ઈસ્ટ ઇંડિયા કંપનીની પહેલી ‘ફૅક્ટરી” સ્થાપી. તે પછી એ બૅન્ટમ થઈને જાયફળના ટાપુ પુલાઉ રુનમાં સ્થાપિત થયો.
જો કે લંડનમાં પહેલી સફરની કોઈ ખાસ અસર નહોતી. તેજાનાનો પુરવઠો મોટા વેપારને લાયક નહોતો. તે પછી કંપનીએ બે ખેપ કરી ત્યારે મરીનો બહુ મોટો જથ્થો હતો. તેમ છતાં, પરંતુ લંડન પહોંચ્યા પછી બહુ મોટો નફો કરવાની કંપનીની મુરાદ મનમાં જ રહી ગઈ. એનું કારણ જાણવા જેવું છે.
૧૬૦૩ના અંતમાં રાજા જેમ્સે પણ કોઈ જહાજ પર હુમલો કરીને એનો બધો માલ લૂંટી લીધો હતો! એની પાસે મરીનો પુરવઠો એટલો બધો હતો કે એણે જ્યાં સુધી પોતાનો માલ વેચાય નહીં ત્યાં સુધી કંપનીના માલને બજારમાં ન મૂકવાનો હુકમ કર્યો. કંપનીએ એ હુકમ માનવાનો જ હતો. ડાયરેક્ટરોએ વાંધો તો લીધો પણ એક યુક્તિ કરી. એમણે શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે પૈસાને બદલે મરી આપ્યાં! આમ મરીનો મોટો સ્ટૉક બહાર આવી જતાં એના ભાવ અડધા થઈ ગયા! શેરહોલ્ડરો માટે મુસીબત ઊભી થઈ. આમ પણ નવી કંપનીમાં હજી નાણાં રોકતાં લોકો ગભરાતા હતા એટલે ફક્ત એક સફર માટે લોકો નાણાં રોકતા. જે મૂળ ૨૧૮ જણે કંપની શરૂ કરવા અરજી કરી હતી તે લોકોએ પણ માત્ર એક સફર માટે રોકાણ કર્યું હતું. દર વખતે નવી સફર માટે કંપનીએ ફરી ભંડોળ ઊભું કરવું પડતું. કંપનીનું માળખું પણ બરાબર નહોતું. એક ગવર્નર, એક ડૅપ્યુટી ગવર્નર અને ૨૪ ‘કમિટી’ (એટલે કે કમિટીના સભ્યો જે ‘કમિટી”ના નામે જ ઓળખાતા)થી કામ ચાલતું. કંપનીના નોકર તો માત્ર પાંચ હતા – એક સેક્રેટરી, એક કૅશિયર, એક સંદેશવાહક, એક સોલિસિટર અને એક જહાજની જરૂરિયાતોનો મૅનેજર!
૦–૦–૦