ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૧૦


અધૂરી સ્ત્રી

જાણે એનામાં રહેલી એક સ્ત્રી આજે સામે જ મરી ગઈ. ઊગતા ડૂસકાનું ગળું દાબીને

અંદર જ દાટી દીધું. છરીની તેજ ધારથીય તીવ્ર અવહેલના. છાતીના ડાબા ભાગ પર પડેલો એનો જમણો હાથ. જ્યાં સમથળ જમીન ઊગી નીકળી હતી. ત્યાં સાફ અનુભવાતી હતી હૃદયની ધડકન કે વસેલા એક સ્મશાનમાં બળતી એકલતાની ચિતાની આંચ…

સત્તાવીશ વર્ષ જેનું પડખું સેવ્યું હતું એ અજાણ્યો બની આજે વિરુદ્ધ દિશામાં પડખું ફેરવી નસકોરાં બોલાવવાનો ઢોંગ કરી રહ્યો હતો. ઑપરેશન પછી પોતે ઘરે શું આવી કે એનો પરિચિત સંસાર જાણે અજાણ્યો બની ગયો. કોઈકની આંખનો તારો સાચે જ ખરી ગયો. કદાચ પોતાનું અનુમાન કે વિચારવું ખોટું છે. મન સામે એ બહાનું ધરતાં ઊર્મિએ વહાલથી જમણો હાથ પતિના જમણા ખભા પર મૂક્યો. પરિણામ? ખભો સહેજ હલ્યો માત્ર… ટેરવાંના સ્પર્શની ઝણઝણાહટ વહાલનું ઝરણું ન પ્રગટાવી શકી. મનમાં ઊગેલાં સંશયના કોશેટામાંથી વાસ્તવિકતાનું પતંગિયું ઊડીને એની અધૂરપતાના શિલાલેખ પર જઈ બેઠું.

રાબેતા મુજબ સૂરજ તો ઊગ્યો, પણ જાગેલી રાતનો બળવો લાલાશ બની આંખોમાં છુપાયેલો રહ્યો. એ જોતાં પુત્રવધૂ અર્ચનાએ ટકોર પણ કરી, ‘મમ્મી રાતભર જાગ્યા કે શું? આજે તો રવિવાર છે. આરામથી ઊઠવું હતું.’

કહેવાનું મન જરૂર થયું, ‘કદાચ બાકીની જિંદગી માટે જાગવું જ પડશે. જીવનભર સાથે આપવાનો કૉલ આપનાર આ જ બેડરૂમમાં અલગ પંથ ચાતરીને બેઠો હતો.’ પણ સંબંધ સાચવવા ઊર્મિએ જવાબ આપ્યો, ‘એવું નથી બેટા સપનાંને વાંકે મારી આંખો દુ:ખી થઈ છે.’

સાચું કારણ ન સમજતા, પોતાનાં સાસુ જે હમણાં જ બ્રેસ્ટ કૅન્સરની સર્જરીમાંથી પસાર થયાં હતાં, એટલે એક સ્ત્રી હોવાને નાતે એમની વ્યથા સમજી શકતી હતી.

‘મમ્મી તમે હજુય આઘાત અનુભવો છો? ભગવાનનો પાડમાનો કૅન્સર શરૂઆતમાં જ પકડાયું. જો શરીરમાં પ્રસરી ગયું હોત તો? તમે અમારાં માટે એવાં ને એવાં જ છો જેમ પહેલાં હતાં. ડિપ્રેસ થવાની જરૂર નથી. અમારો સપોર્ટ તમારી સાથે જ છે. કશું જ બદલાવાનું નથી.’ અર્ચનાના સાંત્વનાભર્યા શબ્દો એને ગમ્યા.

‘મારી દીકરી મારી અંદર થઈ રહેલી સર્જરીથી તું અજાણ છે. એ સર્જરી કરનાર અંગત વ્યક્તિ…’ ન બોલતાં, ગમ ખાતા ઊર્મિએ ચૂપ રહેવાનું પસંદ કર્યું. પોતે શું ગુમાવ્યું છે એની મધુકરને ક્યાં પરવા છે.

ઊર્મિને શાંત જોતાં અર્ચના આગળ બોલી, ‘મમ્મી તમે આરામથી બેસો, હું તમને ગરમાગરમ ચા આપું છું.’

બ્રેકફાસ્ટ ટેબલ પર બા પાસે ચાનો કપ અને છાપું લઈને બેસતાં ચિરાગે પૂછ્યું, ‘મમ્મી કેમ છે? તું ઘરે આવી તો તને હાશ થઈ હશે! અમને પણ તારી કેટલી ચિંતા થતી હતી.’

ચાલો કોઈને કેમ છો પૂછળાની ફુરસદ મળી છે અને પોતાના ઘરે આવવાનો આનંદ થયો છે. ચાની બેત્રણ ચૂસકીઓ સાથે ઊર્મિના ચહેરા પર સંતોષની બેચાર રેખાઓ જાગી ઊઠી.

પછી પાર્થ અને રીચા દોડતાં આવી દાદીને વળગી પડ્યાં. ‘દાદી, દાદી આજે રાતે તમારે નવી વાર્તા કહેવાની છે. મમ્મી પાસે વાર્તાનો સ્ટૉક ખતમ થઈ ગયો છે.’

નવી વાર્તા હમણાં જ મંડાઈ હતી. જેની શરૂઆત અને અંત સાથે જ લખાયાં હતાં. મનને બાળકો તરફ વાળતાં તેમનાં ગાલે ચુમીઓ ભરતાં ઉત્સાહિત સ્વરે બોલી, ‘તમે સ્કૂલમાં જઈને આવો પછી. જાવ તૈયાર થઈ જાઓ.’

‘દાદી પ્રૉમિસ…?’

ઊર્મિએ માથું હલાવ્યું. ‘પ્રૉમિસ… !” એનું વૅલ્યૂ? અને છેલ્લે ‘અખંડ સૌભાગ્યવતી ભવ’નો આશીર્વાદ જેના કારણે મળ્યો હતો એની પધરામણી થઈ. વહુ પાસેથી ચાનો કપ મળતાં જ મધુકરે છાપા પાછળ ચહેરો છુપાવી દીધો. આછો નિસાસો નાખી. ઊર્મિ ચાનો કપ હાથમાં લઈ અર્ચનાને મદદ કરવા કિચનમાં દાખલ થઈ. કો’કને ઉપયોગી થવું એને ગમ્યું.

પહેલાં તો રોજ એની સવાર પતિ, પુત્ર, પુત્રવધૂ અને બાળકોની સંભાળ લેવામાં સ્ટેશને ન ઊભી રહેતી ફાસ્ટ ટ્રેનની જેમ વહી જતી. બપોરથી સાંજ સુધીનો સમય સાફસૂફી અને રસોઈમાં ઢોળાઈ જતો. સાંજથી સૂવા જતાં સુધીનો વખત ઘરમાં પાછા ફરતાં પગલાંમાં અટવાઈ જતો, પણ રાત્રે મધુકરની છાતી પર માથું ઢાળતાં અનેરા આનંદનો ઉત્સવ આવનાર નવા દિવસ માટે એનામાં શક્તિ ભરી દેતો. સત્તાવીશ વર્ષ પહેલાં પરણતાની સાથે જ એનું જીવન બદલાઈ ગયું હતું અને આજે ફરી એક વાર…

એ જ ઘર, એ જ બેડરૂમ, એ જ પથારી અને એ જ મધુકર. હવે જાણે તેઓ અજાણ્યા બની ગયા હતા. બાજુમાં પુરુષ જરૂર સૂતો હતો, પણ પોતે હવે પૂર્ણ સ્ત્રી નથી રહી એની કડવી પ્રતીતિનો તૂરો અહેસાસ… વર્ષો સુધી પોતે મધુકર પર મન મૂકીને વરસી હતી અને આજે એક મુઠ્ઠી તડકો માગ્યો, તો મધુકરે આખો સૂરજ જ ચોરી લીધો. આવા અંધકારને ઉજાળવો કેમ?

સ્તનના કૅન્સરની બીમારી પોતે વરદાનમાં નહોતી માગી. ત્રણ મહિના પહેલાંની જ વાત હતી. સોમવારની સવારે નહાતા, એને ડાબા સ્તનમાં… મધુકરને ડૉક્ટર પાસે લઈ જવાના હતા. એ ત્રણેક દિવસથી માથું દુખવાની ફરિયાદ કરતા હતા. મોડું ન થાય એ માટે ઝટપટ તૈયાર થઈ મધુકર સાથે ચાલી નીકળી. ‘એમને હાઈ બી.પી. છે. ધ્યાન રાખજો.’ ડૉક્ટરની સલાહ માનતા, મધુકરની ખાવાપીવાની અને દવાની કાળજી રાખવા પોતાની બીમારીને પતિની બીમારી પાછળ ધકેલી દીધી.

‘મધુકરનું બી. પી. નોર્મલ છે.’ સાંભળતાં ‘હાશ’નો શ્વાસ લેતાં ગણપતિના મંદિરમાં ઊર્મિ પ્રસાદ ચઢાવી આવી. પછી જતાં સમય સાથે ઊર્મિને લાગ્યું કે પોતાને માટે કોઈનું ધ્યાન દોરવું પડશે. થોડા સંકોચ સાથે મધુકરને વાત ન કરતા અર્ચના સાથે આડકતરી રીતે વાત છેડી.

‘અરે મમ્મી, તમેય ખરાં છો! આવી બાબતમાં શાંત ન બેસી રહેવાય. આપણે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.’

‘પણ બેટા, પપ્પા…’

‘તમે એમને પણ જણાવ્યું નથી?’

‘એમની તબિયત…’

‘મમ્મી…’ અવાજને હળવો કરી અર્ચનાએ કહ્યું, ‘તમે ગભરાશો નહીં, મારા ગાયનેકોલૉજિસ્ટ પાસે હું તમને લઈ જઈશ.’

પછી ડૉક્ટર સાથે મુલાકાત, તપાસ, બાયૉપ્સી અને નિદાન. ચહેરા પર ઘટ્ટ થતી ચિંતાને જોતાં, ડૉક્ટરે સહાનુભૂતિભર્યા સ્વરે જણાવ્યું, ‘અર્ચના, ઊર્મિબહેનને તું સમયસર લઈ આવી છે. કરેલી ટેસ્ટના રિઝલ્ટ પ્રમાણે શરીરના બીજા ભાગોમાં કૅન્સરનું પ્રસરણ થયું નથી. વહેલી તકે સર્જરી કરવી પડશે.’

‘સર્જરી…’ ઊર્મિના મુખમાં આગળના શબ્દો હવાઈ ગયા.

‘એ જ એની ટ્રિટમૅન્ટ છે. મને કહેતાં દુ:ખ થાય છે કે તમે ડાબું સ્તન ગુમાવશો, પણ જિંદગી બચી જશે. આ જ બૅસ્ટ ઑપ્શન છે.’

ઊર્મિ સાંભળતાં જ ગભરાઈ ગઈ, હેબતાઈ ગઈ, પણ અર્ચનાએ ઘણી હિંમત આપી. ચિરાગે સપોર્ટ આપ્યો અને મધુકર ગંભીરતામાં કશું બોલી ન શક્યા. ઊર્મિને લાગ્યું પોતાની બીમારીની વાત સાંભળતાં કદાચ એમને શોક લાગ્યો હશે. એમનું બી.પી. વધી જશેની બીકે એણે પણ મૌન સેવ્યું, પણ પતિ પાસેથી ધીરજ અને આશ્વાસનના બે શબ્દો સાંભળવાની ઇચ્છા કુંવારી જ રહી ગઈ.

સર્જરી પછી વર્તન તો શું શબ્દોમાંય સહાનુભૂતિની હૂંફ ન મળતાં ઊર્મિ નિરાશ બની ગઈ. મધુકર જાણે બદલાઈ ગયો અને ઊર્મિની અધૂરપતા બેવડાઈ ગઈ. મધુકરની હાલ બીપીની બીમારી કંટ્રોલમાં આવતાં બંને આનંદ પામ્યાં હતાં, પણ પોતાની બીમારી આજે ઊભયને નાખુશ કરી ગઈ હતી. શા માટે પોતાના પ્રૉબ્લેમની વાત ઘરમાં કરી? ઊર્મિ મનમાં પસ્તાવા લાગી.

એક રાતે ઊર્મિએ હિંમત કરી પૂછી લીધું, ‘તમે કેમ મારાથી અતડા રહો છો?’

‘મારું માથું જરા ભારે છે, મને આરામ કરવા દે’ શુષ્ક જવાબ.

‘કહો તો બામ ઘસી આપું?’ મધુકરના માથા તરફ વધતા હાથને હડસેલતાં

‘જરૂર નથી મને સૂવા દે.’

બેડરૂમની વિરુદ્ધ દીવાલોને તાકતી એમની નજર દીવાલ પર ક્યાંય ક્યાં રંગ ઝાંખો પડી ગયો છે એની જાણકાર થઈ ગઈ. બેડરૂમમાં મૌનના ઘૂઘવતા દરિયામાં ડૂબકીઓ ખાતી ઊર્મિ ગૂંગળામણ અનુભવી રહી.

ચમત્કાર! એક સવારે પાંપણો ખૂલતાં ઊર્મિને અહેસાસ થયો કે એનો હાથ પડખું ફરીને સૂતેલા મધુકરના ખભા પર સ્થિર હતો. એને ખસેડવાની મધુકરે ચેષ્ટા ન કરતાં, પથારીમાં સહેજ બેઠા થતાં, પોતાનું આશ્ચર્ય સમાવવા મધુકરના શરીર પર હાથ ફેરવ્યો. શરીર સહેજ કંપ્યું, નાનકડો ઊંહકારો માત્ર, સહેજ રોમાંચ અનુભવતા ઊર્મિએ મધુકરને પોતાની તરફ ફેરવ્યા. એમના મુખના એક ખૂણેથી લાળ ગળી રહી હતી અને આંખો પણ નિસ્તેજ, ઊર્મિ ચીસ પાડી ઊઠી. અર્ચના અને ચિરાગ દોડતાં અંદર આવ્યાં.

ડૉક્ટર મહેતાએ આવીને મધુકરને તપાસ્યો. ‘મને લાગે છે એમનું બીપી વધી જવાથી મગજ પર અસર થઈ લાગે છે. લકવાની હળવી અસર લાગે છે. તેમણે ઘરમાં જ સારવાર શરૂ કરી અને મધુકરનું નસીબ બળવાન કે દવા આપતાં જ બ્લડપ્રેસર નીચે આવી ગયું.

‘ડૉક્ટર, ડૅડીનું બીપી વધી જવાનું કારણ?’

ચિરાગના સવાલનો જવાબ આપતાં ડૉ. મહેતાએ કહ્યું, ‘કોઈ ટેન્શન હશે એમને.’

‘એમને કોઈ ટૅન્શન હોય એવું કોઈ કારણ નથી.’ ઊર્મિ સામે જોતાં અર્ચના બોલી.

મધુકર બોલી શકે ઍમ નહોતા અને ઊર્મિ શું બોલે?

‘પપ્પાને હૉસ્પિટલમાં શિફ્ટ કરવા પડશે?’ ચિરાગે ચિંતિત સ્વરે પૂછ્યું.

‘મને જરૂર નથી લાગતી માઇલ્ડ ઍટેક છે. આપણે ચોવીસ કલાક જોઈએ. મને લાગે છે કે હી વિલ બી ફાઇન.’ ડૉ. મહેતાએ ધીરજ બાંધી આપી ઊર્મિના દિલને રાહત મળી.

ઊર્મિ પોતાનો આઘાત ભૂલી મધુકરની સેવામાં લાગી ગઈ. લકવાની અસરને લીધે અપંગતા અનુભવી રહેલા મધુકરની સંપૂર્ણ જવાબદારી ઊર્મિએ ઉપાડી લીધી. એમને નવડાવવા, કપડાં બદલવાં, જમાડવા, દવાઓ આપવી માલિશ…

‘મમ્મી આપણે પ્રાઇવેટ નર્સ રાખી લઈએ.’

‘ના બેટા, આ મારું કામ છે. કોઈ પારકું એમની સેવા કરે એ મને નહીં ગમે.’

‘તમારે તમારી તબિયત સંભાળવી જોઈએ.’

‘ચિરાગ, મારી ચિંતા ન કર, હું ઠીક છું.’

ડૉક્ટરની ટ્રિટમૅન્ટ અને ઊર્મિની સેવાથી મધુકરની તબિયતમાં ઝડપભેર સુધારો થયો. દસેક દિવસમાં જ વાચા એમના પર મહેરબાન થઈ અને લાકડીને સહારે ચાલતાં થઈ ગયા. ડૉ. મહેતાએ એમને તપાસી કૉમેન્ટ કરી, ‘મધુકર, ઊર્મિભાભીને લીધે જ તને નવો જન્મ મળ્યો છે. યુ આર વેરી લકી.’

ત્યારે મધુકરના ચહેરા પર કે આંખોમાં કોઈ નવી હલચલ ઊર્મિને દેખાઈ નહીં. તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. એ જ રાતે મધુકરને પથારીમાં આંખો મીંચી શાંત પડેલા જોઈ, ઊર્મિ એમની નજદીક બેસતાં બોલી :

‘મારા લીધે તમને ઘણો ત્રાસ થાય છે. હું જાણું છું. આવતી કાલે હું ગામ બા પાસે ચાલી જઈશ.’

મધુકરે આંખો ખોલવાની તસદી ન લીધી. પણ ઊર્મિએ આગળ બોલવાનું ચાલું કર્યું. ‘હું તમારી બીમારીનું કારણ નથી બનવા માગતી. તમારી સેવામાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી આપવા જેટલી ઉદારતા દાખવજો. હું એટલી આશા રાખું છું. સવારે મારો નિર્ણય હું છોકરાઓને જણાવી દઈશ.’

ન કોઈ હલચલ… ન પ્રતિભાવ…

સવારે બેડમાં છાપું વાંચતાં મધુકર પાસે પાર્થ અને રિચા દોડતાં દોડતાં આવ્યાં. એમના હાથમાંથી છાપું ખેંચતાં બંને સાથે બોલ્યાં, ‘દાદા, દાદા, દાદી ગામ જાય છે.

‘જ… જવા… દો એને’ અવાજ લંગડાયો.

તો અમને રાક્ષસની વાર્તા કોણ સંભળાવશે?’ રિચાએ પાંપણો પટપટાવતાં પૂછ્યું.

‘દાદાને રાક્ષસની વાર્તા ન આવડે.’ પાર્થે કહ્યું.

મધુકર અકળાયા અને પોતાનું મોઢું છાપા પાછળ સંતાડી દીધું. બાળકો નિરાશ વદને પાછાં વળી ગયાં.

ઊર્મિ બેડરૂમમાં ચાનો કપ લઈ દાખલ થઈ. મધુકરની પાસે કપ મૂકી પોતે તૈયાર કરેલી બૅગ લેવા વાંકી વળી. કશુંય કહ્યા વગર એ નીકળી જવા માગતી હતી. હવે કહેવા જેવું કશું રહ્યું નહોતું.

‘ઊર્મિ…’

‘ઊર્મિએ ખિન્ન ચહેરો મધુકર તરફ ફેરવ્યો.

‘પ્લીઝ…’

ઊર્મિ વિમાસણભરી નજરે મધુકરને તાકી રહી.

‘તા… તારી… વારતા… નો રા… રાક્ષસ… મા… મારાથી નહીં… સ… સચ… વાય… પ્લીઝ…’ મધુકરનો ગળગળો અવાજ.

અચાનક ચાર આંખો હર્ષના આંસુ છલકાવી બેઠી.

*******

1 thought on “ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૧૦

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s