મને હજી પણ યાદ છે – રેખા ભટ્ટી


                         મને હજી પણ યાદ છે                                                 

સરકારી હોસ્પીટલમાં હું નર્સની નોકરી કરું છું. અનેક બહેનોની ડીલીવરી કરાવી છે પણ આ દરમ્યાન ક્યારેય મારી સાથે આવું નથી બન્યું. હું હજી પણ વિચારોમાં છું. મને હજી પણ વિશ્વાસ નથી આવતો કે મેં આ બધું જોયું છે. મેં આ બધું અનુભવ્યું છે. કે પછી મારી સાથે આવું બની ગયું છે. ખરેખર એક માને એક જનેતાને પોતાના વહાલસોયા બાળક માટે કેટલો બધો પ્રેમ હોય છે;  તે મેં જાણ્યું છે;  અનુભવ્યું છે. માં પોતાના બાળકને જીવથી પણ વધારે પ્રેમ કરતી હોય છે એટલે જ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ”માં તે માં બીજા બધા વગડાના વા”  માની તુલનામાં કોઈ આવી શકાતું નથી. ભગવાન પોતે બધી જ જગ્યાએ પંહોચી શકતા નથી, તેથી જ ભગવાને આ સૃષ્ટિમાં માનું સર્જન કર્યું છે.

એક વખતની વાત છે તે વખતે મારી ડયુટી નાઈટની હતી કાળી ડીબાંગ રાત્રી સમસમ કરતી પસાર થઇ રહી હતી લગભગ રાત્રીના ત્રણેક વાગવા આવ્યા હશે. ત્યાં મને કૈક અવાજ સંભળાયો. મેં ચોકીદારને સાદ પડ્યો પણ તેણે મને કઈ જવાબ ન આપ્યો. તેથી હું તેની પાસે જવા ઉભી થઇ અને હોસ્પિટલની પહેલા માળની બાલ્કનીમાં ઉભી રહીને ચોકીદારને સાદ પાડવા લાગી. પણ તે ક્યાય નજર ન આવ્યો. એકદમ સન્નાટો છવાયેલો હતો મેં બાલ્કનીમાંથી નીચે જોયું ત્યાં રોડ ઉપર થાંભલાની લાઈટો ચાલુ બંધ ચાલુ બંધ થતી હતી. તેથી આજુબાજુના બીજા થાંભલાઓ બીક લાગે તેવા દેખાતા હતા.

હું 15 થી 20 મિનીટ ચોકીદારની રાહ જોતી ત્યાં જ ઉભી રહી. તે દરમ્યાન હું જે બાલ્કનીમાં ઉભી હતી; તેની નીચેના રૂમની બારીએ એક સ્ત્રી; કે જેણે લાલ રંગની સાડી પહેરી હોય તેવું લાગતું હતું, તે બે વાર બારી પાસે આવી; બારીની અંદર ડોકિયું કરી કૈક જોઈ લેતી અને પછી જતી રહેતી હતી.

તે ક્યાંથી આવતી હતી અને પછી થોડી વાર માં ક્યાં જતી રહેતી હતી તે મારી સમાજ માં આવતું ન હતુ. પણ આમ બે વખત બારીમાં ડોકિયા કરતી મેં જોઈ, તેથી મને લાગ્યું કે આ સ્ત્રી કૈક ચોરી કરવાના ઈરાદે પણ આવી હોય. તેથી હું ચુપચાપ ત્યાં જ બાલ્કની માં ઉભી રહી પછી મને ફરીથી તે સ્ત્રી જોવા મળી નહિ. કદાચ મને જોઈ ગઈ હશે તેથી પાછી નહિ આવે, તેવું માની હું ફરીથી મારી જ્યાં ડયુટી હતી ત્યાં જ જતી રહી.

બીજે દિવસે સવારે મારી નાની બહેન જાગૃતિનો ફોન આવ્યો કે તેની દીકરી ખુશાલીને બે ત્રણ દિવસથી સતત ઉલટીઓ થાય છે. તેથી તેને ઘણી જ નબળાઈ વર્તાઈ રહી છે. અમે અમારી સોસાઈટીમાં રહેતા ડોક્ટરની દવા લીધી પણ કઈ ફેર પડતો નથી. તેથી મેં કહ્યું તેને લઈને અહીં આવી જા. અહી બાળકોના સ્પેસીયાલીસ્ટ ડોક્ટર પણ છે. તેમને બતાવી જોઈએ. તે બેબીને લઈને આવી. અમે બંને ડોક્ટર પાસે ગયા. ત્યારે ડોકટરે તપાસીને કહ્યું કે બેબીમાં ઘણી બધી નબળાઈ આવી ગઈ છે તેમજ ઉલટી બંધ કરવા તેને ગ્લુકોઝના 2 થી 3 બાટલા ચડાવવા પડશે. તેથી ડોકટરના કહેવાથી અમે બેબીને તે જ હોસ્પિટલમાં દાખલ કરી દીધી.

બે ત્રણ દિવસમાં લગભગ ત્રણેક બાટલા ગ્લુકોઝના ચડાવવામાં આવ્યા હવે તેને ઉલટીઓ બંધ થઇ ગઈ હતી. અને એક બે દિવસ પછી તેને રજા આપવાની હતી

આ હોસ્પિટલની બાજુમાં જ શહેરનું નામાંકિત મોટું નર્સિંગ હોમ હતુ. પતિ-પત્ની બંને અહીંના જાણીતા સર્જન હતા. બંને હોસ્પિટલ સાવ નજીક હતી. જેથી એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જઈ શકાય.

સતત રાત દિવસ જાગવાથી મારી બેન જાગૃતિને પણ તાવ જેવું લાગતું હતું  તેથી મેં તેને પેરાસીટામોલની ટીકડી આપીને ઘરે જઈ આરામ કરવા કહ્યું જેથી તે ઘરે શાંતિથી આરામ કરી શકે. તેથી તે ઘરે જતી રહી અને હું બેબી પાસે હોસ્પિટલમાં જ રહી. હવે બેબીને ગ્લુકોઝના બાટલા ચડાવવાનું કામ ચાલુ હોવાથી મારે આજની રાત પણ ફરજીયાત જાગવાનું હતુ. મને પેલી સ્ત્રીના વિચાર સતત આવતા હતા. મેં તે દિવસ પછી તે સ્ત્રીને ક્યારેય જોઈ ન હતી. હું વિચારતી જ હતી કે મારી બહેન હોસ્પિટલમાં પાછી બનેવી સાથે આવી મેં કહ્યું કેમ તું આવી? અહીં હું હતી ને? તો તે કહે મને એમ ખુશાલી વિના ઊંઘ ન આવે. તેથી હું પાછી આવી. હવે  હું અહીં બેસું છું તમે આરામ કરી લ્યો હું થોડી આડી પડી. ત્યાં જ નીચેના રૂમમાંથી કોઈ બે ત્રણ મહિનાનું બાળક રડતું હોય તેવો અવાજ આવ્યો, તો થોડીવાર પછી મને બારી ખખડતી હોય તેવો અવાજ આવ્યો. અને હું એકદમ બેઠી  થઇ ગઈ. મારી છાતી ધકધક ધડકવા લાગી. મને પેલી સ્ત્રીના વિચાર આવ્યા તે સાથે જ હું ઉભી થઇ ગઈ. મને એમ થયું કોણ હશે?

હું એકદમ જ્યાં અવાજ આવતો હતો તે તરફ ભાગી. પણ મને ત્યાં કોઈ જોવા મળ્યું નહિ. તેથી હું પાછી વળતી હતી. ત્યાં દરવાજા પાસે થી કોઈએ બુમ પાડી ઓ નર્સ બેન ઉભા રહો. મેં પાછું વાળીને જોયું તો પેલી સ્ત્રી જ હતી જેને મેં પહેલી વાર જોઈ હતી તે જ . અને આજે પણ તે પહેલાની જેમ લાલ સાડીમાં જ હતી.. હું તેની પાસે ગઈ તો તે મને કહે બહેન તમે અંદરના રૂમમાં જતા હો તો પેલો મુન્નો ક્યારનો રડે છે. તો મારા દેરાણી, જેનું નામ રજની છે, તેને ઉઠાડીને કહો કે મુન્ના ને દૂધ પીવડાવીને છાનો રાખે. મેં એકદમ પૂછી લીધું તમે કોણ છો? તો તે સ્ત્રી કહે હું રજનીની જેઠાણી છું. મારું નામ રેખા છે હું અહીં બાજુમાં નર્સિંગ હોમમાં દાખલ થયેલી છું. મને મુન્નાનો રડવાનો અવાજ સંભળાયો તેથી મારી દેરાણીને ઉઠાડવા આવી હતી. તે બહુ ઊંઘણશી છે. તેમ બોલી હસવા લાગી. તો તમે તેને જલ્દીથી ઉઠાડો. અને મુન્નાને દૂધ પાઈને છાનો રાખે તેમ કહેજો.

મેં કહ્યું તમે પોતે જ ત્યાં જઈને તમારી દેરાણીને જગાડોને ? તો તે સ્ત્રી કહે મારું હમણા જ તાજું તાજું ઓપરેશન થયેલું છે. ડીલીવરીનું. તેથી ડોકટરે મને ચાલવાની પણ ના પાડી છે. પણ હું મુન્નાને રડતો સાંભળી રહી શકી નહિ. એટલા માટે અહીં સુધી આવી છું. પણ હવે મારાથી આ પગથીયા નહિ ચડાય અને મેં તમને અહીં જોયા તેથી મેં તમને કહ્યું.

આ વાત સાંભળી મને થયું ઠીક છે હું તેને સાદ પાડીને જગાડી દઈશ. તો તે સ્ત્રી કહે જલ્દી જાવ ને મુન્નો બહુ રડે છે. તેથી મેં કહ્યું હા હું જાઉં જ છું. ‘ને તમારી દેરાણી ને જગાડું જ છું. એમ કહીને હું પગથીયા ચડવા લાગી. હું લગભગ પાંચ છ પગથીયા ચડી હઈશ ત્યાં મેં પાછું વાળીને જોયું  તો તે સ્ત્રી ત્યાં ન હતી.

મેં આમતેમ નજર નાખી પણ કોઈ દેખ્યું નહિ ત્યાં સામેના રૂમનો દરવાજો પણ બંધ હતો તે ઉઘાડવાનો અવાજ પણ મને આવ્યો નહિ. બંને બાજુએ દીવાલો હતી. તો આ સ્ત્રી આટલી વારમાં ક્યાં ગઈ? તે સાથે જ હું એકદમ પેલા બાળકનો જ્યાંથી રડવાનો અવાજ આવતો હતો તે બાજુ ચાલવા લાગી. અને જ્યાં બાળક રડતું હતું તે રૂમ પાસે આવીને ઉભી રહી મેં બારણું ખખડાવ્યું ત્યાં જ બારણું મારા હાથ અડતાની સાથે જ ખુલી ગયું. મેં અંદર જોયું તો પેલા રજનીબેન સુતા છે અને બાળક પારણા માં રડે છે મેં તેમની નજીક જઈને તેમને જગાડ્યા. કહ્યું કે આ તમારું બાળક ક્યારનું રડે છે. તે સાંભળીને તેઓ એકદમ ઉઠ્યા અને બાળકને પારણામાંથી પોતાના ખોળામાં લીધું. અને પછી તે બાળકના મોઢામાં દૂધની બોટલ મૂકી. તેથી બાળક છાનું રહી ગયું

હું ત્યાં જ થોડી વાર ઉભી રહી. રજની બહેન મારી સામે જોઇને કહે આ દવાઓ પીવાથી મને બહુ જ ઘેન રહેતું હોય તેમ લાગે છે. જુઓને મુન્નો આટલો બધો રડતો હતો તો પણ મને કઈ ખબર નથી, ‘ને તમારે અહિયાં આવીને મને જગાડવી પડી. તમારો આભાર કે તમે મને જગાડી.

મેં કહ્યું કઈ વાંધો નહિ મને તો તમારા જેઠાણી રેખાબેને સામેના નર્સિંગ હોમમાંથી આવીને કહ્યું એટલે હું તમને જગાડવા આવી, બાકી મને ક્યાં ખબર હતી કે બાળકના રડવાનો અવાજ અહીંથી જ  આવે છે. બાળકો તો કેટલા બધા અહીં દાખલ થયેલા હોય છે. પણ તમારા જેઠાણીએ કહ્યું એટલે હું તમને જગાડવા અહિયાં આવી છું. હું આમ કહેતી હતી તે દરમ્યાન રંજનબેન મારી સામે એકીટસે જોઈ રહ્યા. જાણે મારી વાત સંભાળીને તેમને આઘાત લાગ્યો હોય તેમ મારી સામે જોઈ એકદમ બોલ્યા, કે તમને મારી જેઠાણી ક્યાં મળ્યા? અને તમે તેમને કેમ અને કેવી રીતે ઓળખો? તમે તો મારા જેઠાણી ને ક્યારેય જોયા પણ નહિ હોય.

મેં કહ્યું હું તમારા જેઠાણીને ઓળખાતી નથી પણ હમણા જ જે બહેને મને મોકલી છે તેમણે જ મને કહ્યું કે હું તેમની જેઠાણી છું. અને બાજુમાં જ જે નર્સિંગ હોમ છે ત્યાં તે દાખલ થયેલા છે. અને હાલમાં જ ડીલીવરીનું ઓપરેશન કરાવ્યું છે. તેમ મને તમારી જેઠાણી એ જ વાત કરી છે.

રજની બહેન તો જાણે મારી વાત ખોટી લગતી હોય તેમ મારી સામે જોઈ રહ્યા  અને પૂછ્યું કે મારી જેઠાણી એ શું પહેર્યું હતું? અને તેમની ઉમર તમને કેટલી લગતી હતી? મેં કહ્યું તમે તો તમારી જેઠાણીને ઓળખો છો, તો પછી આવું મને કેમ પૂછો છો? શું તમને નથી ખબર કે તમારી જેઠાણીની ઉમર કેટલી છે? છતાં તમે પૂછ્યું એટલે કહી દઉ કે મને તમારી જેઠાણીની ઉમર લગભગ 26-27 વર્ષની હોય તેવું લાગ્યું. અને આ પહેલા પણ મેં તેમને બે વાર જોયા હતા. જયારે જયારે જોયા ત્યારે તમારી જેઠાણીએ લાલ રંગની સાડી જ પહેરી હતી. પણ પહેલી વાર મેં તેમને ફક્ત જોયા હતા જયારે બીજી વાર તેમણે મારી સામે ઉભા રહી ને વાત પણ કરી હતી. અને મેં પણ તેમની સાથે વાત કરી હતી. મને યાદ છે તમારી જેઠાણીના ગાલ પર એક મોટું લાખુ પણ છે. આવી વાત સંભાળીને રજનીબેન તો રડવા લાગ્યા. મને લાગ્યું કે આ બન્ને  દેરાણી જેઠાણીને બનતું નહિ હોય, અથવા તો બીજું કઈ હશે.

હું તેમને છાના રાખીને બોલી કે ચાર વાગવા આવ્યા છે મારી બેન મારી રાહ જોતી હશે તેને થતું હશે કે હું આ એક કલાકથી ક્યાં ગઈ હઈશ? તો હું હવે જાઉં છું. તો તે બોલ્યા કે એક મિનીટ તમે મારી વાત સંભાળતા જાવ. ઘડીક બેસો. હું બેઠી પછી તે બોલ્યા:-તમે અહીં હોસ્પીટલમાં જ નોકરી કરો છો? મેં કહ્યું કે હા પણ હમણા મારી બહેન ની બેબી ને અહીં દાખલ કરી છે એટલે હું રજા પર છું. બાકી મારી ડયુટી તો દિવસ ની જ હોય છે. ત્રણ દિવસ પહેલા નાઈટ માં જે નર્સ આવે છે તે રજા પર હોવાથી મને નાઈટ ડયુટી મળેલી પણ અત્યારે તો હું રજા પર છું.

પછી રંજન બહેન કહે બહેન તમે મારી વાતથી ગભરાશો નહિ. અને મારી વાત ખોટી પણ માનશો નહિ. હું તમને બધી જ વાત કરું છું. તમે જે મારી જેઠાણીની વાત કરો છો તે આજે આ દુનિયામાં નથી. તેમને મરી ગયે આજ ત્રણ મહિના થઇ ગયા છે. અને આ મુન્નો પણ મારી જેઠાણી રેખાબેનનો જ દીકરો છે. આ તેમની બીજી ડીલીવરી હતી તેમનો પહેલો દીકરો છ મહિનાનો થયો ત્યારે તેને કમળો થયો અને પછી કમળામાંથી કમળી થઇ ગઈ અને તે આ દુનિયાને છોડીને જતો રહ્યો. મારી જેઠાણીને ગર્ભાશયમાં ચાંદા પડી જવાથી તેમને બાજુના જ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવેલા અને ત્યાંજ મારી જેઠાણીની ડીલીવરી કરવામાં આવી હતી. આ મુન્નાનો જન્મ ત્યાં જ નર્શિંગ હોમમાં થયેલો. પણ મારી જેઠાણીને ગર્ભાશયમાં ઘણો જ દુખાવો રહેતો હતો. તેથી તેમને ઓપરેશન કરાવવું પડશે તેમ ડોકટરે કહેલું. તેથી મારી જેઠાણીને દસ પંદર દિવસ ત્યાજ રહેવું પડે તેમ હતું. ઓપરેશન પણ થયું અને સફળ પણ રહ્યું. છતાં કોણ જાણે કેમ મારા જેઠાણી અઠવાડિયાની અંદર જ આ દુનિયા છોડીને જતા રહ્યા. મુન્ના ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે મુન્નો તેમને બહુ જ વહાલો હતો અને અમે દેરાણી જેઠાની બહેનોની જેમ રહેતા હતા

મને તો ભગવાને ઉપરા ઉપર બબ્બે દીકરીઓ આપી છે. મારે એક પણ દીકરો નથી. હવે આ મુન્નો એ જ મારો દીકરો છે. ‘ને હું જ તેની માં છું.

આ બધું સંભાળીને મારા તો બોલવાના હોશ પણ ન રહ્યા. મને થયું શું મેં બધી જ વાતો ભટકતા આત્મા સાથે કરી હતી? હું વિચારતી વિચારતી મારી નાની બહેન પાસે જઈ રહી હતી રાત્રીના સાડા ચાર વાગવા આવ્યા હતા. હું જ્યાં સીડી હતી ત્યાં સુધી પંહોચી, અને પહેલા પગથીયા પર પગ મુક્યો ત્યાં જ જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો એટલે હું ત્યાં સીડીની એક બાજુ ઉભી રહી ગઈ પવનને લીધે પેલા રજનીબેન જે રૂમમાં હતા તેનો દરવાજો જોરજોરથી અથડાવા લાગ્યો. અને તેથી એકી સાથે દરવાજાના બંને બાર ણા એકાએક ખુલી ગયા. અને રજનીબેન  વાળા રૂમમાંથી એક આછો પ્રકાશ સીધો જ મારી ઉપર પડ્યો. દરવાજાની સામે જ જે રજનીબેનનો બેડ હતો તેના પર રજનીબેન કે તેમનો બાબો બંનેમાં થી કોઈ પણ દેખાયું નહિ. તેથી રૂમ સાવ સુમસામ લાગતો હતો. બેડની જમણી બાજુની દીવાલ પર એક કેલેન્ડર લટકતું હતું. તેના પત્તા પવનના સુસવાટથી જોરજોરથી એક અજીબ અવાજ સાથે ઉડતા હતા. અને ખખડાટ કરતા હતા આવું દ્રશ્ય મેં એકાએક જોયુંને મારા હૃદયમાં ફાળ પડી, અને અચાનક ચક્કર આવ્યા. મારું હૃદય બે ધડકારા ચુકી ગયું અને હું ત્યાં જ ઢળી પડી.

તે દરમ્યાન રજનીબેનના જેઠાણી જે રેખાબેન હતા તે ઉત્તર દિશામાંથી અને રજનીબેન તેમના બાબા સાથે દક્ષિણ દિશા તરફથી આવ્યા. બંને હું જ્યાં ઢાળી પડી હતી ત્યાં આવીને  ઉભા રહ્યા. બંને દેરાણી જેઠાણીએ મારી સામે એક નજર કરી. પછી બંનેએ એકબીજા સામે સૂચક નજરે જોયું. તેમના ચહેરા પર એક ભેદી મુસ્કાન આવી. અને તેમણે મને હાથ પકડી ઉભી કરી અને એક અલગ જ દિશા તરફ લઇ ચાલ્યા. મારો નિશ્ચેત દેહ ત્યાં જ ફર્શ પર પડી રહ્યો.

 હજી પણ મને એ ગોઝારી રાત યાદ છે. તે હોસ્પિટલ, પેલા રેખાબેન કે જેમણે લાલ સાડી પહેરી હતી તેમની દેરાણી જે રજનીબેન હતા અને તેમનો મુન્નો જે બહુ જ રડતો હતો; તે બધા મને હજી પણ યાદ છે. થોડી વાર સ્તબ્ધ રહી ગયા પછી ફરીથી કહ્યું,  હા મને હજી પણ યાદ છે.

શ્રોતાઓ નર્સની સામે આગળની વાત સંભાળવા મંત્રમુગ્ધ થઇને જોઈ રહ્યા હતા; તે દરમ્યાન પવનની એક લહેરખી આવી અને નર્સ ધુમ્મસની જેમ એકાએક અદ્રશ્ય થઇ ગયા.

—0—

2 thoughts on “મને હજી પણ યાદ છે – રેખા ભટ્ટી

  1. મને ખબર ન પડી, આ વાર્તા છે કે સત્યઘટના…. ?? મે સત્યઘટના સમજીને વાંચવાની શરૂઆત કરી હતી, અંત સમજાયો નહીં,…ને અંત અધૂરો ય લાગ્યો. નિરાશા થઈ તદ્દન ,. પાંચ મિનિટ બગડી હોવાની નિરાશા.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s