દીપ્તી દેસાઈ
ડો. દીપ્તી દેસાઇ ડેંટીસ્ટ છે પણ કલાના શોખીન છે. ચિત્રકળામાં એમણે ઓઈલ, એક્રીલીક, પેસ્ટલ અને વોટર કલરમાં સર્જન ક્ર્યું છે. ગ્રાફીક આર્ટમાં અને દ્વીપ્રમાણ કળામાં પણ એમણે ડીપ્લોમા મેળવ્યો છે. ચિત્રકળાને એ માત્ર શોખ જ નહીં પણ આધ્યાત્મિક દૃષ્ટીએ જુવે છે. એમના ક્લીનકની દીવાલો ઉપર પણ એમણે કલામય ચિત્રો દોર્યા છે. તેઓ માને છે કે ચિત્રો જોવામાં મશગૂલ દર્દીઓને ટ્રીટમેંટ દરમ્યાન ઓછી તકલીફ મહેસૂસ થાય છે. એ હળવા રંગોથી જોનારને ગમી જાય એવા ચિત્રો તૈયાર કરે છે.
મુંબઈના જીવન લગતા એમના ત્રણ ચિત્રો અહીં રજૂ કર્યા છે. ૧૯૬૦ સુધી મુંબઈના જીવનના એક અવિભાજ્ય અંગ જેવી ઈરાની હોટેલનું આ ચિત્ર, મુંબઈના વતનીઓને એમના ઈતિહાસની યાદ અપાવી દે એવું છે. અમેરિકાના કોફી હાઉસ જેવું કલ્ચર હતું ઇરાની હોટેલનું. ખૂબ જ ઓછા દરમાં ચા, કેક અને ખારી બિસ્કીટ એમનું મુખ્ય મેનુ હતું. ચાર આઠ આનામાં બે મિત્રો ત્યાં કલાકો સુધી ગપ્પા મારી શકતા. આ ચિત્રમાં ભીંત ઉપરનું ઘડિયાળ, ઈરાની ટેબલ અને ખુરસીઓ, અરીસા, ફ્રેમ કરેલા ફોટાઓ વગેરે એ સમયમાં જેવા હતા એવા બતાવ્યા છે.
૨૪ ઈંચ બાય ૨૪ ઈંચના આ મીક્ષ મીડીયમવાળા ચિત્રની કીમત ૬૦૦૦૦ રૂપિયા મૂકવામાં આવી હતી.
ઈરાની હોટેલની જેમ જ નાની નાની મારવાડિઓની અને મહારાષ્ટ્રીયનોની હોટેલો પણ મુંબઈની શાન હતી. આ ચિત્રમાં એવી એક ચાય અને સમોસા વેંચતી હોટેલનું નિરૂપણ કર્યું છે. દિવલ ઉપરના બોર્ડમાં અહીં શું શું ન કરી શકાય એની યાદી છે. દરેક ટેબલ ઉપર ચાર જણ માટે ચાર ખુરસીઓ ગોઠવી છે.
૩૨ ઈંચ બાય ૨૩ ઈંચના આ મીક્ષ મિડીયમથી બનેલા આ ચિત્ર્ના પણ ૪૦૦૦૦ રૂપિયા મળ્યા હતા.
આ ચિત્ર હાલના મુંબઈ શહેરની શાન ગણાતી વર્લી સીલીંકનું છે. સમુદ્ર ઉપર થઈને વાંદ્રાને વરસી સાથે જોડતા આધુનિક ટેકનિકથી બાંધેલા આ પુલના ચિત્રમાં દરિયો અને કીનારાના ઉંચા ઉંચા મકાનો સુંદર રીતે દર્શાવ્યા છે. દરિયાના પાણીમાં પડતા આકાશના પડછાયાને સુંદર રીતે ચિત્રમાં કેદ કર્યા છે.
૪૨ ઈંચ બાય ૩૪ ઈંચના આ મીક્ષ મીડિયાવાળા ચિત્રના ૪૦૦૦૦ રુપિયા મળ્યા હતા.