મને હજી યાદ છે – ૭૭ (બાબુ સુથાર)


અમેરિકામાં ગુજરાતી ભાષાશિક્ષણ ધોવાણના માર્ગે

અગાઉ મેં નોંધ્યું છે એમ હું ૧૯૯૭માં અમેરિકા આવેલો. ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં દક્ષિણ એશિયા વિભાગની બોલબાલા હતી. આ વિભાગમાં જ ત્રણ તો ભાષાશાસ્ત્રીઓ હતા: જ્યોર્જ કાર્ડોના, ફ્રેંકલિન સાઉથવર્થ અને હેરોલ્ડ શિફમેન. તદ્ઉપરાંત, ત્રણેક philologists પણ હતા: વિલ્હેમ હાલ્ફબાસ, લુડો રોશર અને રોઝાન રોશર. એમ કહોને કે આખો દક્ષિણ એશિયા વિભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ભાષાશાસ્ત્ર સાથે સંકળાયેલો હતો. આવું જ અમેરિકાની બીજી યુનિવર્સિટીઓના દક્ષિણ એશિયા વિભાગોમાં પણ હતું. દરેક વિભાગમાં વધારે નહીં તો બે ભાષાકૂળોના ભાષાશાસ્ત્રીઓ તો જોવા મળતા જ. એક તે ભારતીય-આર્ય કૂળના અને બીજા તે દ્રવિડીયન કૂળના. આ ઉપરાંત સંસ્કૃતના વિદ્વાનો તો જુદા.

       એ વખતે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા ભણવા આવતા. ૧૯૯૭માં જ મારે Beginning Gujaratiમાં એકવીસ વિદ્યાર્થીઓ હતા. દક્ષિણ એશિયા વિભાગે એ વિદ્યાર્થીઓને બે વર્ગમાં વહેંચી નાખેલા. પહેલા વર્ગનો ક્લાસ સોમવારે અને બુધવારે જ્યારે બીજા વર્ગનો ક્લાસ મંગળવારે અને ગુરુવારે મળતો. ત્યારે અમે Intermediate Gujarati પણ ભણાવતા હતા. એ ક્લાસ પન્નાબેન (નાયક) ભણાવતાં.

       અમેરિકાની ઘણી બધી યુનિવર્સિટીઓએ પોતાની ભાષાશિક્ષણ નીતિ ઘડી છે. એ નીતિના ઉપક્રમે યુનિવર્સિટીઓ અંગ્રેજી સિવાયની બીજી ભાષાઓના જ્ઞાનને પણ મહત્ત્વ આપતી હતી. ત્યારે યુનિવિર્સટી ઓફ પેન્સિલવેનિયાની પણ પોતાની નીતિ હતી. આજે પણ છે. એ નીતિ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ માતૃભાષા અંગ્રેજી ઉપરાંત બીજી ભાષામાં કૌશલ્ય પ્રાપ્ત કરવું પડે. મોટા ભાગનાં ગુજરાતી માબાપોનાં સંતાનો ત્યારે એ શરત પૂરી કરવા માટે ગુજરાતી અને બીજી ભારતીય ભાષાઓ ભણતાં. આવા વિદ્યાર્થીઓ માટે એક પારિભાષિક શબ્દ પણ છે: heritage language students. વારસાગત ભાષાને ભણતા વિદ્યાર્થીઓ. આવા વિદ્યાર્થીઓ માબાપ અને સગાંવહાલાં તથા મિત્રો પાસેથી થોડુંક ગુજરાતી શીખીને આવતા. કેટલાકને ગુજરાતી બોલવા સમજવામાં જરાય મુશ્કેલી ન’તી પડતી. એ વિદ્યાર્થીઓ ગુજરાતી લેખન અને વાંચન પર વધારે ભાર મૂકતા. તો વળી કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ આવતા જે ગુજરાતી ભાષા ‘કેમ છો’ સારું’થી વધારે ભાગ્યે જ જાણતા. ત્યારે પહેલી પેઢીના મોટા ભાગના ઇમિગ્રન્ટ એમનાં સંતાનો ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ સમજે એ માટે ગુજરાતી ભાષા શીખે એવો આગ્રહ રાખતા હતા. એટલું જ નહીં, એ ઇમિગ્રન્ટ ગુજરાતીઓનાં માબાપ અને મોટા ભાગનાં સગાંવહાલાં ભારતમાં રહેતાં હતાં. પહેલી પેઢીના ઇમિગ્રન્ટ ગુજરાતીઓ ઇચ્છતા કે એમનાં બાળકો ગુજરાતી ભાષા શીખે અને દાદાદાદી સાથે તથા બીજાં સગાં સાથે પણ ગુજરાતીમાં વાતચીત કરે.

હું શૈક્ષણિક વરસ શરૂ થાય એના પહેલા દિવસે જ મારા વિદ્યાર્થીઓને એક પ્રશ્નોત્તરી આપતો અને એમાં એક પ્રશ્ન અચૂક પૂછતો: તમે શા માટે ગુજરાતી ભાષા શીખો છો? અને દરેક વિદ્યાર્થી મોટે ભાગે બે જવાબ આપતો. એક તો યુનિવર્સિટીની ભાષા જરૂરિયાત પૂરી કરવા અને બીજો તે દેશમાં વસતાં દાદાદાદી સાથે ગુજરાતીમાં વાતચીત કરવા. કેટલાક વિદ્યાર્થીઓ પ્રમાણિક બનીને ‘મારાં માબાપ કહે છે એટલે’ એવું પણ઼ લખતા.

ભાષાશાસ્ત્રી હોવા છતાં મને ત્યારે એક વાતનો ખ્યાલ ન’તો આવ્યો: જો ભારતમાં દાદાદાદી અને બીજાં સગાંવહાલાં ન હોય તો શું અહીં વસતાં ગુજરાતી માબાપોનાં સંતાનો ગુજરાતી શીખવા આવશે ખરાં? એ જ રીતે, મને એ વાતનો પણ ખ્યાલ ન’તો આવ્યો કે જો યુનિવર્સિટી એની ભાષાનીતિ બદલી નાખે તો ગુજરાતી પ્રોગ્રામનું શું થશે? અને ત્રીજી બાબતનો પણ મને ખ્યાલ ન’તો આવ્યો કે જો વિદ્યાર્થીઓ બીજી ભાષાની જરૂરીયાત પૂરી કરવા માટે જ ગુજરાતી ભાષા શીખતા હોય અને જો એમની એ જરૂરિયાત હાઈસ્કુલમાં જ પૂરી થઈ જાય તો ગુજરાતી ભાષાશિક્ષણનું ભાવિ કેવું હશે?

એક ચોથો મુદ્દો પણ મહત્ત્વનો હતો. મોટા ભાગની અમેરિકન યુનિવર્સિટીઓમાં ઓછી જાણીતી ભાષાઓ ભણાવવામાં આવતી નથી. જો ગાંધીજી ન હોત તો વૈશ્વિક સ્તરે કદાચ ગુજરાતી ભાષાનું કોઈ નામ પણ ન લેતું હોત. જ્યારે જ્યોર્જ કાર્ડોનાએ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ વર્ણનાત્મક ભાષાનું વ્યાકરણ લખ્યું ત્યારે એમણે એની પ્રસ્તાવનામાં લખેલું કે ગાંધીજીની ભાષા હોવાથી આપણને ગુજરાતી ભાષામાં રસ પડવો જોઈએ. અમેરિકન યુનિવર્સિટીઓમાં ગુજરાતી જેવી ઓછી જાણીતી ભાષાઓ અમુક સંજોગોમાં જ ભણાવવામાં આવે. સૌ પહેલાં તો એ ભાષા અમેરિકાની સુરક્ષા માટે ખૂબ જરૂરી હોવી જોઈએ. દેખીતી રીતે જ ગુજરાતી ભાષાનો એમાં સમાવેશ ન થાય. બીજું, એ ભાષા સ્કોલરશીપની ભાષા હોવી જોઈએ. જેમ કે બંગાળી ભાષા. ટાગોરને સાહિત્યનું નોબલ ઇનામ મળ્યું એ પૂર્વે અને પછી પણ બંગાળી સાહિત્યમાં જે વિકાસ થયો છે એના કારણે બંગાળી ભાષા સ્કોલરશીપની ભાષા ગણાય છે. વળી એ ભાષા બંગલાદેશમાં પણ બોલાય છે અને બંગલાદેશ ઇસ્લામિક રૂઢિચૂસ્ત પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. એટલે દેખીતી રીતે જ અમેરિકાને બંગાળી ભાષામાં પણ રસ પડે. ત્રીજું, જે ભાષા ભણાવવામાં આવતી હોય એમાં પાયાનું સંશોધન થતું હોવો જોઈએ. માનો કે ભીખુ પારેખ જેવા વિદ્વાન અમેરિકાની કોઈક યુનિવર્સિટીમાં ભણાવવા આવે અને યુનિવર્સિટીને કહે કે હું મારા વિદ્યાર્થીઓ પાસે ગુજરાતના રાજકારણ પર સંશોધન કરાવવા માગું છું અને એ માટે મારે ગુજરાતી ભાષાનો એક અધ્યાપક જોઈએ તો યુનિવર્સિટી એમને ગુજરાતી ભાષાનો એક અધ્યાપક આપવા વિશે વિચારે. અમેરિકામાં ઘણા ગુજરાતી વિદ્વાનો અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણાવે છે પણ એમાંના અજય સ્કારિયાને બાદ કરતાં એક પણ વિદ્વાન ગુજરાતી ભાષાને ધ્યાનમાં લેતા નથી. અજય સ્કારિયા યુનિવર્સિટી ઓફ મિનોસોટાના ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર છે અને એમણે ગાંધીજી ઉપરાંત પણ બીજા કેટલાક ગુજરાતી મહાનુભાવોની વિચારણા પર કામ કર્યું છે. આ પરિસ્થિતિમાં અમેરિકામાં ગુજરાતી ભાષાનું શિક્ષણ મૂળ નાખી શકે એમ હતું જ નહીં. પણ, આ ખ્યાલ મને ત્યારે ન’તો આવ્યો. એના કારણે પણ મેં કેટલાક વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં ભૂલ કરેલી. જે ભૂલ હું આજે કોઈને કોઈ રીતે ભોગવું છું.

       દક્ષિણ એશિયા વિભાગે શરૂઆતમાં તો મને ખૂબ સરસ રીતે રાખેલો. આખી યુનિવર્સિટીમાં હું એક માત્ર પીએચડી વિદ્યાર્થી હતો જેને મારો વિભાગ સમગ્ર કુટુંબને આવરી લેતો આરોગ્યનો વિમો આપતો હતો. એટલું જ નહીં, હું આરંભમાં તો Teaching Assistant હતો છતાં ય મને એક સ્વતંત્ર ઑફિસ આપવામાં આવેલી અને નવુંનકોર કૉમ્પ્યુટર પણ આપવામાં આવેલું. એ પણ સ્વતંત્ર પ્રિન્ટર સાથે. પાછળથી મને ખબર પડેલી કે કેટલાક સિનિયર પ્રોફેસરોએ મને શા માટે આવી બધી સગવડ પૂરી પાડવામાં આવે છે અને એમને નહીં એવો પ્રશ્ન પણ ઊભો કરેલો. જેણે મને આ વાત કરેલી એણે જે પ્રોફેસરોનો ઉલ્લેખ કરેલો એ બધા પાછા દક્ષિણ એશિયાના, આંગળી મૂકીને કહેવું હોય તો ભારતના, હતા. એ લોકો જ આવી ઇર્ષ્યા કરી શકે, મેં જોયું છે કે અમેરિકન પ્રોફેસરોએ ક્યારેય આવી બાબતોમાં મારી ઇર્ષ્યા ન’તી કરી.

       પણ પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા માંડી. એ માટે અનેક કારણો હતાં. અમેરિકન સરકારે ઇમિગ્રેશનની નીતિ બદલેલી. એને કારણે જે વિદ્યાર્થીઓનાં દાદાદાદી ભારતમાં હતાં એમાંનાં ઘણાં બધાં કાં તો અમેરિકા આવી ગયાં હતાં કાં તો એમનો સ્વર્ગવાસ થયો હતો. અમેરિકા આવી ગયેલાં દાદાદાદી સાથે હજી નવી પેઢી ગુજરાતી ભાષામાં વાતચીત કરે એવો આગ્રહ માબાપ રાખતાં હતાં. એ ઇમિગ્રેશનની નીતિના કારણે  મોટા ભાગના ગુજરાતીઓનાં સગાંવહાલાં પણ અમેરિકા આવી ગયાં હતાં. એ પણ ગુજરાતીને બદલે અંગ્રેજી ભાષા બોલવાનો આગ્રહ રાખતાં હતાં. કેમ કે એમને પણ અંગ્રેજી ભાષા શીખવી હતી. દેખીતી રીતે જ, એટલે પણ ‘દાદાદાદી સાથે અને અન્ય કુટુંબીજનો સાથે વાતચીત કરવા માટે’ ગુજરાતી ભાષા શીખવાની જરૂરીયાત ઓછી થવા લાગી.

એ જ રીતે, અમેરિકામાં પણ ભાષા પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ હતી. સ્પેનિશ પ્રજાની વસ્તિ વધવાને કારણે અમેરિકાના ઘણા બધા વિસ્તારોમાં સ્પેનિશ લગભગ બીજી ભાષા બની ગઈ હતી. એને કારણે નોકરીઓમાં પણ અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ ભાષા જાણતા માણસોની માંગ વધી ગઈ હતી. એને પહોંચી વળવાના એક ભાગ રૂપે અમેરિકાની મોટા ભાગની શાળાઓએ સ્પેનિશ જેવી ભાષાઓ ભણાવવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતી બાળકો પણ શાળામાં સ્પેનિશ શીખીને કૉલેજમાં આવતાં અને placement test લઈને પોતાની વિદેશી ભાષાની જરૂરિયાત પૂરી કરતાં. એને કારણે પણ ગુજરાતી ભાષા ભણનારાઓની સંખ્યા પર ઘણો નકારાત્મક પ્રભાવ પડવા માંડ્યો હતો.

એટલું જ નહીં, યુનિવર્સિટીએ પણ, ખાસ કરીને તો ખર્ચા બચાવવા માટે, એની ભાષાનીતિમાં ધરખમ ફેરફારો કરવા માંડેલા. અમુક ફેકલ્ટીઓએ વિદેશી ભાષાનું કૌશલ્ય ફરજિયાત હતું તે મરજિયાત કરી નાખેલું. એક જમાનામાં ઇજનેરી ફેકલ્ટીમાંથી અને ડેન્ટલ ફેકલ્ટીમાંથી પણ વિદ્યાર્થીઓ ગુજરાતી ભણવા આવતા હતા. મને સૌથી વધારે વિદ્યાર્થીઓ વૉર્ટન સ્કુલમાંથી અને એન્જિનિયરીંગમાંથી મળતા. મારી લગભગ પચ્ચીસ વર્ષની કારકીર્દીમાં મને માનવવિદ્યાઓમાંથી ભાગ્યે જ બધા મળીને પાંચ વિદ્યાર્થીઓ મળ્યા હશે. કેમ કે ગુજરાતી વિદ્યાર્થીઓ કાં તો મેડીકલમાં જતા, કાં તો બિઝનેસમાં, કાં તો એન્જિનિયરીંગમાં. એ ફેકલ્ટીઓએ એવી દલીલ કરી કે વિદ્યાર્થીઓ માનવશાસ્ત્રોના ભાગ રૂપે ભાષા ભણવી હોય તો ભણી શકે. એમને એ સ્વતંત્રતા છે.

દેખીતી રીતે જ અમેરિકામાં, અને એ પણ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા જેવી આઈવીલીગ યુનિવર્સિટીઓમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ હોય છે. એમને લાગ્યું કે ગુજરાતી ભાષાનું કે દક્ષિણ એશિયાની બીજી કોઈ ભાષાનું જ્ઞાન હોય તો એનાથી એમનો CV કે resume પ્રભાવશાળી નથી બનવાનો. કેમ કે CV કે resume વાંચનારને ગુજરાતી ભાષા શું છે એ ખબર ન હોય. અને હોય તો પણ એ લોકો પહેલો પ્રશ્ન એ જ પૂછે કે તમે શા માટે ગુજરાતી ભાષા ભણેલા? એને કારણે પણ વિદ્યાર્તિઓનો ગુજરાતી ભાષામાં રસ ઓછો થવા માંડેલો.

આ ઉપરાંત પણ બીજા ઘણા બધા પ્રવાહોએ નકારાત્મક ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધેલું. એમાંનો એક પ્રવાહ તે આપણું ભાષાવલણ. હું એને ‘શું શાં પૈસા સિન્ડ્રોમ’ તરીકે ઓળખાવું છું. કેમ કે બીજી પેઢીના જે ગુજરાતી ઇમિગ્રન્ટ્સ અમેરિકા આવ્યા એમાંના મોટા ભાગના અંગ્રેજી માધ્યમમાં ભણીને આવેલા. એમના માટે ગુજરાતી ભાષાનું કોઈ મોટું મૂલ્ય ન હતું. એમનાં સંતાનો પણ દેખીતી રીતે જ ગુજરાતી ભાષા શીખવા ન’તાં માગતાં. હું બેચાર એવા ગુજરાતી હેરિટેઝ વિદ્યાર્થીઓને મળ્યો છું જેમણે ગુજરાતીને બદલે હિન્દી ભાષા શીખવાનું પસંદ કરેલું. મેં જ્યારે એમને પૂછ્યું તો એમણે મને કહેલું કે અમારાં માબાપ એમ કહે છે કે ગુજરાતી શીખવાનો કોઈ અર્થ નથી. એને બદલે હિન્દી શીખો. એ આપણી રાષ્ટ્રિય ભાષા છે.

એ દરમિયાન ૯/૧૧ ઘટના બની. દક્ષિણ એશિયા વિભાગો ફરી એક વાર મહત્ત્વના બન્યા. પણ, એને કારણે બહુ ઓછી ભણાવાતી વિદેશી ભાષાઓ પર પણ એક આપત્તિ આવી. યુનિવર્સિટીઓ પાસે ભાષાઓ ભણાવવા માટે જે ફંડ હતું એ એમણે ઉર્દુ તરફ અને અફઘાનિસ્તાનની પશ્તુ તથા દારી ભાષાઓના અભ્યાસ તરફ વાળ્યું. કેમ કે એ ભાષાઓ એકાએક અમેરિકાની સલામતિ માટે અગત્યની બની ગઈ. એટલે ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ જેવી ભાષાઓ પર મોટો કાપ આવ્યો. ઘણી યુનિવર્સિટીઓએ એ ભાષાઓના શિક્ષણ સાથે સંકળાયેલા પ્રોગ્રામ બંધ કરી દીધા.

એ દરમિયાન, ભારતે મુક્તઅર્થતંત્રની નીતિને વેગ આપ્યો. ડિજિટલ ટેકનોલોજી જોતજોતામાં સમગ્ર વિશ્વમાં પથરાઈ ગઈ. એને કારણે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધી ગયું. ભારતમા ંજ ગુજરાતી ભાષાનું મોટા પાયા પર ધોવાણ થયું અને હજી પણ થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા ભણાવતી શાળાઓ બંધ થવા લાગી. જે ટકી રહી એમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ પાતળી. યુનિવર્સિટીઓમાં પણ ગુજરાતી વિભાગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી.

આવા અનેક પ્રવાહોની વચ્ચે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષાના અભ્યાસને ટકાવી રાખવાનું મુશ્કેલ બની ગયું હતું. હવે ધીમે ધીમે ગુજરાતી વિષય લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી હતી. હું મારી રીતે સંઘર્ષ કરતો હતો. દર વરસે હું ભાતભાતનાં પોસ્ટર બનાવીને ગુજરાતી ભાષા ‘વેચવા’ નીકળતો. બસો પાંચસો પોસ્ટર વહેંચતો. મને વિશ્વાસ હતો કે જે લોકોએ મને અહીં બોલાવ્યો છે એ લોકો મારી કાળજી લેશે. મને કોઈ મુશ્કેલી નહીં પડે. પણ, જે લોકોએ મને અહીં બોલાવેલો એ બધા નિવૃત્ત થઈ ગયા હતા. હવે દક્ષિણ એશિયા વિભાગ નવી પેઢીના હાથમાં હતો. એ નવી પેઢીને પહેલાં પોતે શિખરે ચડવું હતું. એમની પ્રાયોરીટી જુદી હતી.

3 thoughts on “મને હજી યાદ છે – ૭૭ (બાબુ સુથાર)

 1. બાબુભાઈની વાત તદ્દન સાચી છે : ઇતિહાસ ગઁવા હૈ ! અમારાં સંતાનોને ઉછેરતાં આ રીતે “ ગુજરાતી નહીં પણ રાષ્ટ્ર ભાષા હિન્દી શીખનાર” અનેક વિદ્યાર્થીઓના પરિચયમાં આવવાનું થયું છે! આ ( કે પેલો ) બધાં ભૌતિક લાભ જોનારા દેશ છે ! ગુજરાતી શીખ્યે શું લાભ થશે ? વણિક વૃત્તિથી લોકો પૂછે છે! પણ “ મારી માતૃભાષા છે, મારે એને જાણવી છે” એમ કહેનારાં થોડાક યુવાનો છે કે જે અવળા પ્રવાહમાંયે તરે છે!
  ભાષાવિજ્ઞાન અને શિક્ષણની છણાવટ વગેરે સાંપ્રત સમાજનું ચિત્ર સાથે વાંચવાનો આનંદ થાય છે.

  Liked by 1 person

 2. બાબુભાઈએ આ પ્રકરણમાં કહેલી ઘણી વાતો હું મુંબઈમાં પણ જોઈ રહ્યો છું. મુંબઈ અને તમામ મોટા શહેરોમાં નવી પેઢી માતૃભાષાથી વિમુખ થઇ છે.

  Like

 3. સમગ્ર એપિસોડ આપણી માતૃભાષા(ગુજરાતી) પ્રત્યેની વફાદારી અને એક ગુજરાતી પ્રજા ની ખોખલી માનસિકતા પ્રત્યે નું એક ભાષાશાસ્ત્રી નો રોષ, વ્યથા અને કાળજી બતાવે છે. આપણે એક વૈશ્વિક પ્રજા તરીકે નિષ્ફળ પુરવાર થયા છીએ જેનું એક નાગરિક તરીકે અને વધુ તો એક ભાષાના શિક્ષક તરીકે વધુ દુઃખ થાય એ સ્વાભાવિક છે. આ લેખ/ એપિસોડ માટે આભાર સાહેબ. ધન્યવાદ.💐🙏

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s