પન્નાને, જન્મદિને – નટવર ગાંધી
નથી કહેવાનું કૈં, કહી દીધું બધું પ્રેમ કરીને,
લખ્યાં કાવ્યો, પૃથ્વી, વળી શિખરિણી, છન્દ ઝૂલણે,
કદી મન્દાક્રાન્તા, કદીક હરિણી, લેખ લખીને,
સખી તારી વાતો લળી લળી કરી રાત દિન મેં.
નથી કહેવાનું કૈં, કહી દીધું બધું પ્રેમ કરીને,
ત્યજી શબ્દો બોદા, રસવિહીન, કૈં અર્થવિહીન,
હવે તો ઈશારે બધું જ સમજુ, આંખ છલકે,
સખી તારી પ્રીતિ તણું પીયૂષ આકંઠ ઉભરે.
નથી કહેવાનું કૈં, કહી દીધું બધું પ્રેમ કરીને,
હવે તો ઝંખું છું જીવનભર સંગાથ તુજનો,
સહુ સુખે દુ:ખે, ભવ ભવ પૂરો સાથ મધુરો.
સખી તારી ઝંખું સતત પ્રીતિ ને રીતિ રતિની.
છતાં જે કૈં બાકી, કહીશ બધું, હું પ્રેમ કરીને.
સખી તારી સાથે જીવીશ નિત હું પ્રેમ કરીને.
-
નટવર ગાંધી
“પન્નાને, જન્મદિને” – શ્રી નટવરભાઈ ગાંધીની કવિતાનો આસ્વાદ – જયશ્રી મરચંટ
પ્રેમ એટલે શું? આ એક એવો સવાલ છે જેના જવાબની શોધમાં માણસ ભવ આખો વિતાવી દે છે. જેમ પૃથ્વી એની ધરી પર સતત ગોળ ફરતી રહે છે તેમ, આપણા સહુનું જીવન પણ પ્રેમની ધરી પર સતત વર્તુળમાં ભ્રમણ કરતું રહે છે. આ સફરમાં ક્યારેક જ કોઈક સાચા પ્રણયીને પ્રેમ નામના અમૃતનો આખેઆખો કુંભ મળી જાય છે. એ સાયુજ્યની પરમ પુનિત ઘડી છે કે જ્યારે હ્રદયથી હ્રદય વાતો કરી લે છે અને શબ્દો એનું અસ્તિત્વ ને સામર્થ્ય ગુમાવી બેસે છે. એક કવિ જ્યારે પ્રેમને શબ્દોમાં કહેવા અને પામવા, અનેક કાવ્યો જુદાજુદા છંદોમાં, અલગ અલગ રીતે લખે છે, તે પ્રેમ તો માત્ર “કરવા”નો છે, “કહેવા”નો નથી. પ્રેમ કરવા માટે કે એની અભિવ્યક્તિ માટે જ્યારે કોઈ શબ્દો કોઈ છંદ, વ્યાકરણ કે ગ્રંથોની જરૂર નથી પડતી તે સમયે પ્રેમ લૌકિક મટીને અલૌકિક બની જાય છે. પ્રેમ એ જ તો સાચી પ્રભુતા છે, એની પ્રતિતી અહીં અનાયસે થાય છે. અહીં કવિ એક સુંદર વાત કહી જાય છે, સાવ સાદા શબ્દોમાં,
“હવે તો ઝંખું છું જીવનભર સંગાથ તુજનો,
સહુ સુખે દુ:ખે, ભવ ભવ પૂરો સાથ મધુરો.
સખી તારી ઝંખું સતત પ્રીતિ ને રીતિ રતિની.”
અહીં પ્રણય- Beyond the Horizon- ક્ષિતિજની પેલે પારનો બની જાય છે. આ ક્ષિતિજો દુન્યવી વ્યવહારની છે અને એને વટાવી જવાય તો પછી હદ કોઈ રહેતી નથી, કોઈ પાર્થિવ મનષા પછી બાકી રહેતી નથી. અને, ત્યારે જ આ ભાવ અંતરમનમાંથી પ્રગટે છે કે “હું પ્રેમ કરું છું પણ તારી પાસેથી સામે કઈં જ નથી જોઈતું. બસ, આ શ્વાસ ચાલે ત્યાં સુધી તારો સાથ મને મળે. આ સાથ મન અને હ્રદયનો છે, શરીરનું માધ્યમ ત્યાં લુપ્ત થાય છે. તારી પ્રીતિ અને રતિને ઝંખું છું, અને ઝંખ્યા કરીશ. આ ઝંખના તારી સાથે માણેલી સુખ અને દુખની ક્ષણોમાં પણ કાયમ રહેશે.” બસ, આ ઝંખનામાં જ પ્રેમ જીવે છે અને આ સ્ટેજ પર, સ્નેહ, ઈશ્ક, પ્રેમ, મહોબત, બધું જ બંદગી બની જાય છે. પ્રેમનું અશરીરી દિવ્ય તત્વ પામવાનું પહેલું સોપાન, શારીરીકતાની ઝંખનાને સમજીને આત્મસાત કરવામાં અને સ્વીકાર કરવામાં છે. એક વાર આ સમજણ પડી જાય પછી જ એને આંબી જવાની શક્યતા ઉજાગર થાય છે. અને, ત્યારે જ પ્રણયમાં ઈશ્વરનું સામીપ્ય અનુભવાય છે. અહીં કવિ “કાન્ત”ના ખંડકાવ્ય, “ચક્રવાક મિથુન”ની આ પંક્તિઓ યાદ આવે છે કે,
“પ્રણયની પણ તૃપ્તિ થતી નથી
પ્રણયની અભિલાષ જતી નથી
સમયનું લવ ભાન રહે નહીં
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં!”
આ કાવ્ય જ નથી પણ એક પ્રણયીનું એના સાથીને આપેલું આહવાન છે કે, “આ ચલ કે તુઝે, મૈં લે કે ચલું, એક ઐસે ગગન કે તલે,
જહાં ગમ ભી ન હો, આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે,
એક ઐસે ગગન કે તલે”
કવિનું આ ઈજન, પન્નાબેનને જન્મદિન નિમિત્તે અપાયું છે પણ, દરેક વાચક એની સાથે તાદાત્મ્ય અનુભવી શકે છે. આ શક્તિ કવિના અંતરના પ્રણયની છે. પરમ પ્રેમને નમન.
ક્લોઝ–અપઃ
“હમ ઈશ્કેમિજાજી ફરમાયે જાતે હૈં, સહી હૈ મગર,
ઈશ્કેહકીકી તક જાનેકા દુસરા રાસ્તા ભી હૈ કહાં?”
શ્રી ગાંધીની સુંદર હૃદય સ્પર્શી પ્રેમ છલકતી કાવ્ય રચના અને એવો જ એનો સુંદર જયશ્રીબેનનો રસાસ્વાદએ સવાર સુધારી દીધી.
LikeLiked by 1 person
વાહ સરસ કાવ્ય અને આસ્વાદ મન વિભોર થઈગયું
LikeLiked by 1 person
ચાહતના ફુવારે સજાવતું કવન ને મધુરું રસ દર્શન
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLiked by 1 person
નટવર ગાંધી અને પન્નાબેન બંનેના પ્રસન્ન દાંપત્યની મહેક લઇ આવી છે આ કવિતા.
જયશ્રીબેનનો આસ્વાદ લેખ પણ અત્યંત સુંદર.
LikeLiked by 1 person
પ્રસન્ન દાંપત્યની મહેક લઇ આવી છે આ કવિતા. જયશ્રીબેનનો આસ્વાદ લેખ પણ અત્યંત સુંદર. પ્રકાશિત થતા બ્લોગમાં ઉત્તમ વાચન સામગ્રી આપતું દાવડાનું આંગણું અનેક સહ્રદય મિત્રોએ સુશોભિત બનાવ્યું છે. સાહિત્યકારો આવી શુભ ઘટનાઓને આવકારશે એવી આશા રાખીએ.
નમસ્કાર. હરીશ દાસાણી.
LikeLike
“હમ ઈશ્કેમિજાજી ફરમાયે જાતે હૈં, સહી હૈ મગર,
ઈશ્કેહકીકી તક જાનેકા દુસરા રાસ્તા ભી હૈ કહાં?”
.
વાહ
LikeLike