રાત્રિના લગભગ પોણાબારનો સમય. ચંદ્રે બગાસું ખાતા વાદળની ચાદર ખેંચી. મેડિકલ આર્ટિકલનો આર્ટિકલ પૂરો કરી, મૅગેઝિન બાજુમાં મૂકી, લાઇબ્રેરીની લાઇટ ઑફ કરી રાકેશ ખંડરૂમમાં આવ્યો. નાઇટ ગાઉનમાં સજ્જ થઈ બેડમાં લંબાવ્યું. ક્ષણાર્ધ પછી પડખું ફેરવી પાયલને આલિંગનમાં લેવા હાથ…
આ સુખદ ઘડીની ઈર્ષા કરતો ફોન તુર્ત જ રણકી ઊઠ્યો. પથારીમાં બેઠા થઈ, રિસિવર હાથમાં ઉઠાવી એ ધીમા સ્વરે બોલ્યો, ‘હલ્લો…’
પાયલે રીસભર્યા ચહેરે પડખું ફરી જતાં આંખો ફરી બંધ કરી લીધી. સારપ જેવી સરી જતી ક્ષણને અનુભવતાં અંધકાર થરથરી ઊઠ્યો.
‘ડૉક્ટર…’
‘યસ…’
‘આઈ ઍમ રાલ્ફ…’
‘યસ…’
‘માય વાઇફ…’
‘યસ…’
રાકેશની બાજુમાં હોવા છતાં જાણે પોતે નથીનો અહેસાસ એને અકળાવી ગયો. પત્ની તરીકેનો સંપૂર્ણ સંતોષ હોય એવું નહોતું, પણ રોમાન્સની પળોમાં ફોનના અટકચાળાથી એ કંટાળતી. અને એમાંય છેલ્લાં ચાર વીકથી આ ફોન સાવ નિર્લજ્જ બની ગયો હતો. દુનિયા માટે રાકેશ ભલેને ડૉક્ટર હોય પણ પહેલાં એ પોતાનો પતિ… આંખો ભલે બંધ હતી પણ કાન રાકેશ તરફ તાકી રહ્યા હતા.
‘આજે નૅન્સીએ ફરી પાછું ઘર માથે લીધું છે. લવારા કરે છે. તોફાને ચઢી છે.’
મિતાક્ષરી ઉત્તર ત્યજતા ડૉક્ટર રાકેશને હવે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી.
‘રાલ્ફ, મેં તને મેડિસિન આપી હતી.’
‘એની અસર હવે થતી નથી.’
અંધકારમાં પાયલને જોવાનો પ્રયત્ન કરતાં રાકેશે પોતાનો જમણો હાથ પાયલના ખભા પર મૂકતા બોલ્યો, ‘આઈ સી, નૉ વન્ડર…’
‘ડૉક્ટર, પ્લીઝ હેલ્પ…’
‘બાર વાગ્યે જ ફોન કરવાનો ટાઇમ મળ્યો’ વાક્યનું જીભેથી એબોર્શન કરતા સહાનુભૂતિ સ્વરે રાકેશે કહ્યું, ‘રાલ્ફ, મેં તને પહેલાં જ વૉર્નિંગ આપી હતી.’
ફોન કટ કરી, પથારીમાં લંબાવતાં, પાયલના આછા નસ્કોરાની સગમર સાંભળી. રાકેશે પાંપણો બીડી, પણ પાંપણની પરસાળમાં નિદ્રાદેવી કે સપનાંઓ ગોષ્ઠિ કરવા આતુર નહોતાં. રાલ્ફ અને નૅન્સી દસ વર્ષથી એનાં પૅશન્ટ, બંનેનો એકબીજા પ્રત્યે અપાર સ્નેહ જોતાં રાકેશને પણ અચરજ થતું. એકની સાથે બીજો પણ બીમાર થઈ જાય. વધતી જતી ઉંમરની સાથે અલ્ઝાઇમરની બીમારીના રાક્ષસે નૅન્સી તરફ હાથ લંબાવ્યા. શરૂઆતમાં દવાએ પ્રતાપ બતાવતાં આશા જાગી, પણ આરતીનો દીવો ધીમે ધીમે બુઝાતાં શ્રદ્ધા પાંગળી બનતી ગઈ. છેવટે અલ્ઝાઇમરે વિજયની પતાકા ફરકાવતા પોતાના સામ્રાજ્યમાં એક વધુ ગુલમાની ભરતી કરી દીધી. રાલ્ફની જીદ ‘Till death do us apart’ સુધી નૅન્સીની સંભાળ લેવી. રાકેશ ડૉક્ટર હોવા છતાંય લાચાર –
છેલ્લાં ચાર અઠવાડિયાંથી ફોનની રિંગ સાથે ‘રાલ્ફ’ શબ્દની રાકેશના જીભે ફૂટતી કૂંપળ અને આંખોમાં પાનખર ભરી લેતી પાયલ…
ડૉક્ટરની બિઝી લાઇફ સ્ટાઇલને પાયલે સમજણપૂર્વક ધીરજથી પોતાના જીવનમાં વણી લીધઈ હતી. ઘરમાં ફોન રણકતાં જ ‘જો તારો જ હશે’ કહેવાની રૂટિનતાથી એ ટેવાઈ ગઈ હતી. જાણતી હતી. રાકેશ પતિ તરીકે પોતાનો છે તો ડૉક્ટર તરીકે બાકી સૌનો. પણ રોમાન્સની ક્ષણો જ્યારે અચાનક વિધવા બની જતી ત્યારે અચૂક ગુસ્સો આવતો. પોતે ફરિયાદ કરે તો કયા ડૉક્ટર પાસે?
ચમત્કાર થયો. છેલ્લા ચાર દિવસથી ફોને જાણે રાલ્ફના નામનું પાણી મૂકી દીધું. અને રાકેશ પણ શાંત.
‘શું વાત કરે છે. યુ આર પુલિંગ માય લેગ, હું નથી માનતી.’
‘નૅન્સીને દાખલ કર્યા બાદ બીજે દિવસે નૅન્સીના દીકરાનો ફોન આવ્યો. ‘નાવ ફાધર હૅઝ ગોન ક્રેઝી.’
‘મને તાજુબી થઈ કે સાજોનરવો રાલ્ફ અચાનક મેન્ટલ બૅલેન્સ ગુમાવી બેઠો. વાઇફના સેપરેશનને ખાતર એક્યુટ ડિપ્રેશનનું સાઇકિયાટ્રિસ્ટે નિદાન કર્યું અને ટ્રીટમૅન્ટ માટે એની વાઇફના નર્સિંગહૉમમાં જ દાખલ કર્યો છે. નાવ યુ નો.’ રાકેશને જાણે વાત કરવામાં મજા આવી રહી છે ઍમ પાયલને લાગ્યું.
‘વૉટ અ ટ્રૅજડી… પણ તું કેમ શાંત થઈ ગયો હતો?’ રાકેશના ખભે હાથ મૂકતા એ આગળ બોલી. ‘યુ આર અ ગૂડ ડૉક્ટર.’
‘થૅન્ક યૂ ફૉર યૉર કૉન્ફિડન્સ.’
ઉભયની વાતચીતમાં ભાગ લેવા માટે ફોનથી રણક્યા વગર રહેવાયું નહીં. એ સાથે જ રાકેશની મશ્કરી કરવા પાયલ ત્વરાથી બોલી ઊઠી. ‘લે તારા રાલ્ફનો ફોન આવી ગયો. હવે ખુશ!’
રાકેશે રિસિવર કાને ધર્યું. પછી માઉથ પીસ પર હાથ મૂકતાં ધીરેથી બોલ્યો, ‘હની, યુ આર રાઇટ ઑન ધ મની.’ અને તરત જ દ્વિધાના આલિંગનથી ખરડાયેલા અવાજે જોરથી બોલ્યો, ‘રાલ્ફ ઇઝ ધૅટ યુ?’