લાલ ફૂલો વાળો સફેદ ડ્રેસ (સરયૂ પરીખ)


                                         

મારા પ્યારા ભાવનગરમાં, મારા માતાપિતાની શિક્ષકની નોકરીની આવકમાં, અમારા નાના કુટુંબની જરુરિયાતો સચવાઈ જતી. અમારૂ પોતાનું ઘર હતું, બગીચામાં દસેક આંબા અને ગુલાબ હતાકેવળ ગુલાબના છોડની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી પાસે આંગળીને ટેરવે ગણી શકું એટલા પોશાક હતા. કબાટમાં, કાચના બારણા પાછળ, સંકેલીને એક ખાનામાં ગોઠવાઈને મારા કપડા મૂકાયેલા રહેતા. અમારા મધ્યમ વર્ગના પરિવારમાં જીવન જરૂરિયાત કરતાં વધારે એશો આરામનો અનુભવ નહોતો તેથી અદ્યતન સગવડતાઓની કમી છે, એવી સમજ નહોતી પડતી.

         મને દસ વર્ષની ઉંમરે ટાઇફૉઇડ થયો અને ત્યાર પછી કોઈ અજાણ કારણથી હું જરા જાડી થઈ ગઈ હતી. મને ચિડવવાડબલ ટાઈફોડનામ પણ આપેલું. પાછા ઉપરથી સલાહ આપનાર કહેતાં, “તું ચિંતા કરે તો પાતળી થઈ જાય.” તો હું ભોળા ભાવે પૂછતી, “મને કહો, ચિંતા કેમ થાય?” 

         ઘરની લગભગ બધી ખરીદી મારા બાપુજી કરતાં, પણ મારા કપડાં ખરીદવા મારે બાની સાથે જવાનું થતું. શનિવારે બાને સવારની અરધા દિવસની શાળા ચાલુ હોય તેથી બપોરે જવાનું શક્ય બનતું. ખરીદી કરવા જવાના દિવસે ઉત્સાહને કાબૂમાં રાખવાનું કિશોરી માટે અઘરું હતું. બપોરનું જમવાનું પૂરું થતા બા જલ્દી આરામ કરી લે તે વાસ્તે શેત્રંજી અને ઓશીકું ગોઠવીને તૈયાર કરીને મૂકી દેતી. પછી ચા પણ બનાવી આપું. પણ, સૌથી મોટો ભય અતિથિ આવીને ઊભા રહેશે એનો રહેતો. અને એવું બને ત્યારે મારા અણગમાનો ભાવ વાંચી લે તેથી હું રસોડામાં જઈ ચા બનાવવા લાગી જતી. પછી જલ્દી ચા પતી જાય પ્રાર્થના કરતી કરતી ઘરના બારણા પાસે ઊભી રહેતી. નાની લાગતી વાતોનું સમયે કેટલું મોટું સ્વરૂપ હતું!

            શનિવારે અમે નવી ખુલેલી કાપડની દુકાને ગયેલા. ડ્રેસ બનાવવા માટે કપડું પસંદ કરવાનું હતું. “બહેનને પેલા ઉપરના તાકામાંથી બતાવો.” માણસે એકાદ બે ખોલ્યા પણ મારી નજર એક નાજુક લાલ ફૂલોવાળા સફેદ મુલાયમ જ્યોર્જેટ તરફ આકર્ષાઈ. ખોલતાં મારો ચહેરો ખીલી ઊઠ્યો. મેં બાને કહ્યું, “ તો લેવું છે.” ત્રણ વાર કાપવા માટે માપતા છેલ્લે જરા કાણા દેખાયા. બાને લાગ્યું કે સારૂ કાપડ નથી સમજીને કહ્યું, “ના આ રહેવા દો.” અગ્યાર વર્ષની હું આંખમાં આંસુ છુપાવવા એક બાજુ જઈ ઊભી રહી. બાએ મારી લાગણી દુભાય તેથી સંમતિ આપી કાપડ લઈ આપ્યું. ખૂબ હોંશથી ડ્રેસ તૈયાર થઈ ગયો અનેસાચવીને ખાસ પ્રસંગે પહેરવાનોએવી સલાહ સાથે મારા કબાટના ખાનામાં ગોઠવાયો. લાલ ફૂલવાળા સફેદ ડ્રેસને ખોલવો, ને ફરી સંકેલવો, મુલાયમ કાપડ પર નાજુક હાથ ફેરવવો, ગમતી પ્રવૃત્તિઓ હતી.

        એક દિવસ મારી તબિયત ખરાબ લાગતાં મારા ડોક્ટરમામાને દવાખાને બા લઈ ગયા. સમયે બહુ કોમળતા બતાવવાની રીત નહોતી. “ન્યૂમોનિઆ લાગે છેએવા નિદાન સાથે દવા લઈ, ચાલતા ઘરે આવી પથારીમાં સૂતી. બા નોકરી પર ગયા. આખી બપોર શ્વાસ લેતા ખૂબ દર્દ થયું, ત્યારે ન્યૂમોનિઆ એક ગંભીર બીમારી છે, બધાના ધ્યાનમાં આવ્યું. અમારે ત્યાં ફોન નહોતો. એક દિવસ અમે બાને શાળામાં ફોન પાડોશીના ઘેરથી કરાવ્યો હતો. પછીના પાંચેક દિવસ કેમ ગયા એની મને સભાનતા નહોતી. જ્યારે આંખ ખોલી જોતી ત્યારે બાબાપુજીના ચિંતિત ચહેરા અને ભાઈ રૂમની અંદર બહાર આવજા કરતો દેખાતો. બાને વધારે ચિંતાનુ કારણ પણ હતું કે થોડા મહિનાઓ પહેલા , બે દિવસના તાવમાં, મારી પાંચ વર્ષની બહેન અમે ગુમાવી હતી. આઘાત ઘેરો ઘૂંટાતો હતો.

         પાંચમે દિવસે મારી તબિયત જરા સારી લાગતા મને તાજગી લાગે માટે સ્પંન્જ બાથની તૈયારી કરી રહ્યા હતા. મારી નજર  કબાટમાં ગોઠવાયેલા રાતા ફૂલોવાળા ડ્રેસ પર અટકી રહી હતી. મારા બા પણ મારી નજરને અનુસરી એક સ્મિત સાથે ડ્રેસ જોઈ રહ્યા.પછી મને ડ્રેસ પહેરાવ્યો. તાજગી ભરી હું મારા ગમતા ડ્રેસમાં ખુશ હતી અને મારો ભાઈ આવીને મજાક કરતાં, દિવસો પછી, હું ખડખડાટ હસી પડી.
મને સ્વસ્થતા આવતા મારી નજર  મારા હાથ પર પડતાં ખ્યાલ આવ્યો કે મારો અંગુઠો પાતળો દેખાતો હતો. મને ધ્યાનમાં આવ્યું કે મારું વજન  ઘણું ઊતરી ગયું હતું. વાહ! મારું સપનું સાકાર થયું.

        મારા આરામ કરવાના દિવસો દરમ્યાન ઘણાં મિત્રો આવતા રહેતા. એમાં એક દિવસ મારી બેનપણી હંસા પણ સંકોચ સાથે આવી. હંસાને મારા માટે બહુ લાગણી હતી, પણ હું એની કિંમત નહોતી કરતી અને નજીવા બહાનાથી થોડા સમયથી બોલતી નહોતી. મારા બા કહેતાં કે, સ્નેહની કદર કરીએ તો સ્નેહ મળતો બંધ થઈ જાય. મારા અબોલા છતાં હંસા મારી ખબર કાઢવા આવી તેથી મારું દિલ આભારવશ થઈ ગયું. માંદગીના સમયે મને એવી ઘણી અણજાણ, અંતર્હિત લાગણીઓની કદર  સમજાઈ.

         દિવસે મારી તબિયત સારી હોવાથી મેં મારા ગુલાબના છોડને મળવાનું વિચાર્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એક મજાનું લાલ ગુલાબ હસી રહ્યું હતું. બધાને બતાવવા એને જતનથી ઘરમાં લઈ આવી. પણ સામે બા બેઠક પર બેસીને એમની કવિતાની નોટમાં લખી રહ્યા હતા. “બા! લો તમારા માટે ભેટ.” બાના મુખ પર ગુલાબ જેવું હાસ્ય ફરક્યું. બીજા દિવસ પછી ગુલાબ દેખાયું નહીં તેથી વિષે હું ભૂલી ગઈ. પછી ઉત્સાહભરી સુકુમારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો સાથે લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ, નાનો પડી ગયો હતો તો પણ, હંમેશા સૌથી વધારે મનગમતો બની રહ્યો.

         લગ્ન પછી પરદેશ વાસને લીધે બા અને જન્મભૂમિની મુલાકાતો વચ્ચે કાળક્રમે અંતરાય વધતો રહ્યો૧૯૯૩માં, બાને છેલ્લી વિદાય આપવા વડોદરામાં ભાઈને ઘરે ભેગા થયેલા. તેમના અવસાન બાદ ભારે હૈયે ભાવનગરના ઘરમાં પ્રવેશ કરતા ઋજુ લાગણીઓ સ્પર્શી ગઈ. બાના કબાટને ખોલી એમની ગમતી ચીજો સાથે મનથી વાતો કરી રહી હતી. એમાં કપડાં પર પડેલી એમની કવિતાની નોટ બુકને મેં સહજ ઉત્સુકતાથી ઉઠાવી અને મૃદુ આંગળીઓથી ખોલી. એમાં જતનપૂર્વક ગોઠવેલું લાલ ગુલાબ! હવે મને ખ્યાલ આવ્યો કે મેં આપ્યું હતું એના બીજા દિવસ પછી ક્યાં સંતાયેલું હતું! પુસ્તકની નીચે મારો લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ! એના પર હાથ ફેરવી એની મુલાયમતા અનુભવી રહી હતી. અચરજ  થાય છે કે કાળની નદી વહે જાય છે, પણ કિશોરી તો અહીં ઊભી છે!

         એવામાં, વર્ષો સુધી બાનું કામ કરનાર, સંતોકબહેન એમની પૌત્રી મેના સાથે ઓરડામાં દાખલ થયાં. ડ્રેસને જોઈને બોલ્યાં કે, “બાને જ્યારે તમારી બહુ યાદ આવતી ત્યારે ડ્રેસને હાથમાં લેતા જોયેલાં.” મેં રેશમી યાદોના પુંજને હાથમાં લઈ, દિલની નજીક થોડી ક્ષણો પકડી રાખ્યો, અને પછી મેનાને પ્રેમથી આપી દીધો. મેના એની દાદી સાથે ચહેકતી બહાર દોડી ગઈ.

         હું બાના લાલ ગુલાબવાળા પુસ્તકને લઈ બચપણની યાદમાં લપેટાઈને બેઠી…                                       

                           માના આંગણની સુવાસ
વહેલી પરોઢ, કોઈ જાણિતી મ્હેક, મારી યાદની પરાગને જગાડતી;
વર્ષોની પારઝૂમી ઓચિંતી આજઅહોમાના આંગણની સુવાસથી.

પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડીધોળા રે ફૂલ પીળી ડાંડલી,
આઘા અતિતમાં અવરી એક છોકરી, કે જોઉં મને વેણી પરોવતી!

ઉષાની ઓઢણીની આછેરી હલચલથી, પર્ણોના થાપ થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથીભીંજી પળભરમાં પમરાટથી!

પહેલા સુગંધ પછી પમરાતી પાંખડીમહેકાવે  યાદને  સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓસ્પર્શે સરયૂને કુમાશથી!

                                        ———
       સરયૂ પરીખ.

 

 

7 thoughts on “લાલ ફૂલો વાળો સફેદ ડ્રેસ (સરયૂ પરીખ)

 1. સુંદર વાર્તા ! કદાચ સત્યકથા જ હશે ! એ દિવસોની યાદ આપણાં સૌની લગભગ એક સરખી જ હશે! ત્યારે બે જોડ કપડાં અને સોસાયટીમાં એકાદ ફોન હોય એટલે ભયો ભયો! બાની વિદાય પછીનું કાવ્ય પણ સરસ છે!

  Liked by 1 person

 2. આ સ્મરણકથા અને સાથે મુકેલ કવિતા દરેક સંવેદનશીલ માણસને ભાવવિભોર કરે તેવી સત્વશીલ અને બળવાન છે.

  Liked by 1 person

 3. આપ સૌના મીઠાં પ્રતિભાવ માટે અને દાવડા સાહેબનો આ વાર્તા પ્રકાશિત કરવા બદલ આનંદ સાથ આભાર.
  સરયૂ પરીખ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s