આશા રાહ જુએ છે.
વિચાર કરે છે.
નિર્ણાયક ઘડી આવી ગઇ છે.
તેની પાસે માત્ર નવ મિનિટનો સમય છે.
સિંગાપોરની ફલાઇટનું બોર્ડીંગ શરૂ થાય તે પહેલાં નક્કી કરવાનું છે.
એકલા જવાનું કે અમર સાથે?
અમર સાથે વાત તો થઇ છે.
છતાં હજુ આવ્યો નથી.
શું કરવું?
×
આશા અને અમર.છ મહિનાનો એક ન ઓળખી શકાયેલો સંબંધ.
આશાને કંઇ સમજાતું નથી. કંઈક હાથમાં આવે તે પહેલાં જ હવામાં ઊડી જાય છે.
ઑફિસમાં સાથે કામ કરવું અને રોજ રીસેસમાં સાથે પ્રદીપ્ત જઠરાગ્નિને પ્રસન્ન કરવા આહૂતિ આપવી.
આટલી નાની વાત .કાયમી સંગીત ઉત્સવ. નિરાકાર ચીલાચાલુ ઘરેડને જુદો અર્થ આપશે?
તેનો આધાર લઇ સાથે જીવી શકાય?
.×
અમર એરપોર્ટ પર છે.
ફોન સ્વીચઑફ કરી દીધો છે.
એવું નથી કે કંઈક અણગમતું -અણધાર્યું બની ગયું છે.
છતાં સંબંધની ભીનાશ -કોમળ સુગંધ ખોવાઈ ગઇ છે.
તેને ખબર છે કે થોડી જ વારમાં ફલાઇટનું બોર્ડીંગ ચાલુ થશે.
આશા જશે કદાચ.
પણ નિર્ણયો પાણીના મોજાં જેવા ઉછળે. ….પડે. ….પાછા ફીણફીણ થાય છે.
×
આમ જુઓ તો ખાસ કંઇ કહેવા જેવું લાગતું નથી અમરને.
બસ એક અસંમતિ.
તું ઘરમાં રહીને કામ કરી શકે.
અને જવાબમાં ના.
આશાને તો આ વાત પણ કદાચ ભૂલાઈ જવા આવી છે.
×
આશા રાહ જુએ છે.
થોડી સેકન્ડોમાં નક્કી કરવાનું છે.
અમર ન આવે તો સિંગાપોરની સર્વિસ સ્વીકારવાની?
હું છું. સ્વતંત્ર છું.
સહકાર ગમશે.
આજ્ઞા ખટકશે.
છતાં મનમાં ઝીણો અજંપો શાન્ત જળમાં કાંકરા નાખી હેરાન કરે છે.
આ રસ્તા તરફ જઇશ તો સિંગાપોરથી આકર્ષક ઉભરાતી જિંદગીને ભેટીશ.
બેસી રહીશ. ફલાઇટ જવા દઇશ તો ફિર વોહી રફતાર.
×
અને એક વળાંક પર.
આશા ચાલે છે.
અમર સ્થિર છે.
——————————————————