મને હજી યાદ છે – ૭૮ (બાબુ સુથાર)


ભાષાશિક્ષણ અને ટેકનોલોજી: પાણીનું નામ ભૂ

જેમ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની પોતાની ભાષાનીતિ હતી એમ એની પોતાની ભાષાશિક્ષણનીતિ પણ હતી અને એ નીતિનું પાલન કરવા માટે જે તે વિભાગોમાં Language Coordinator પણ નીમવામાં આવેલા. એમનું કામ શિક્ષકોને નવી ભાષા પદ્ધતિઓથી સજ્જ કરવાનું, ભાષાશિક્ષણની ગુણવત્તા જાળવવાનું, ભાષાના વિદ્યાર્થીઓની ફરીયાદોનો ઉકેલ શોધવાનું અને ભાષાશિક્ષકો તથા જે તે વિભાગના અધ્યક્ષ અને ભાષાશિક્ષણકેન્દ્રના નિયામકની સાથે સંપર્ક રાખવાનું.

દક્ષિણ એશિયા વિભાગમાં પણ એવા જ એક language coordinator હતા. એમનું નામ વિજય ગંભીર. એમણે પ્રોફેસર જ્યોર્જ કાર્ડોનાના હાથ નીચે હિન્દી વાક્યરચના પર શોધનિબંધ લખેલો. એ અર્થમાં એ એક ભાષાવિજ્ઞાની હતાં. એમના પતિ સુરેન્દ્ર ગંભીર. એમણે પણ ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કરેલું. ભાષા અને સમાજ વચ્ચેના સંબંધો પર. પણ, મેં આ અગાઉ ઘણી વાર લખ્યું છે એમ ભારતથી અહીં ભાષાશાસ્ત્રમાં પીએચડી કરવા આવેલા ઘણા બધા વિદ્વાનો ભાષાશાસ્ત્ર બાજુ પર મૂકીને પોતાની ભાષા ભણાવવા માટે અમેરિકામાં રોકાઈ ગયેલા. વિજય ગંભીર પણ એમાંનાં એક હતાં. એ અને એમના પતિ પણ હિન્દી ભાષા ભણાવતાં હતાં. જો કે, એમના પતિ હિન્દી ઉપરાંત, હિન્દુ પુરાકથાઓ અને ભાષા અને સમાજ જેવા વિષય પણ ભણાવતા હતા.

શરૂઆતમાં એ બન્નેને મારા માટે ખૂબ માન હતું. અથવા તો મને કદાચ એવું લાગતું હતું. અમેરિકામાં, ખાસ કરીને ભારતીય સમૂદાયમાં, મોટા ભાગના લોકો એકબીજાને મળે ત્યારે વ્યવહારના એક ભાગ રૂપે એકબીજાને માન આપે છે. એ ય મોટે ભાગે તો પરસ્પર હોય. એટલે કે એમાં પણ વાડકીવ્યવહાર વધારે હોય અને લાગણીવ્યવહાર ઓછો. જો કે, હું એ બન્ને ભાષાશાસ્ત્રી હતાં એટલે એમને વિશેષ માન આપતો હતો. એટલે સુધી કે મારી કોઈક સમસ્યા હોય તો હું એમની સાથે એની ચર્ચા પણ કરતો. જો કે, એમણે મારી કોઈ સમસ્યા ઉકેલી હોય એવું મને યાદ નથી. પણ, આ દેશમાં સમસ્યાને સાંભળે એવા શ્રોતા પણ ક્યાં મળતા હોય છે!

૧૯૯૭માં મેં જ્યારે અહીં ગુજરાતી ભાષા ભણાવવાનું શરૂ કર્યું ત્યારે વિજય ગંભીરે એક વર્કશોપનું આયોજન કરી અમને બધાંને દક્ષિણ એશિયાની ભાષાઓ કઈ રીતે ભણાવવી એની તાલિમ આપેલી. એ વખતે communicative અભિગમની બોલબાલા હતી. એથી દેખીતી રીતે જ અમને પણ એમ કહેવામાં આવેલું કે અમારે પણ communicative અભિગમથી અમારી ભાષા ભણાવવાની.

હું ભારતમાં હતો ત્યારે મેં ભાષાશાસ્ત્રના એક પેપરમાં communicative પદ્ધતિ વિષે ભણાવેલું. એથી મારા માટે એ પદ્ધતિ નવી ન હતી. એ પદ્ધતિ મૂળે તો અંગ્રેજી ભાષાને second language તરીકે ભણાવવા માટે વિકસાવવામાં આવી હતી. એનો પહેલો સિદ્ધાન્ત એ હતો કે વર્ગમાં વ્યાકરણ બિલકુલ નહીં ભણાવવાનું. વિદ્યાર્થીઓ પોતે જ જે કંઈ વાંચે અને સાંભળે એના આધારે વ્યાકરણના નિયમો શોધી કાઢે અને પછી એ નિયમોને આત્મસાત કરી લે. બીજો સિદ્ધાન્ત એ હતો કે શિક્ષકે વર્ગમાં પોતે જે ભાષા ભણાવતો હોય એ જ ભાષા બોલવાની/લખવાની. એટલે કે પહેલા દિવસે તમે વર્ગમાં જાઓ તો તમારે સીધા ગુજરાતીમાં જ વાત કરવાની. વિદ્યાર્થીઓને સમજાય કે ન સમજાય. એની ચિન્તા નહીં કરવાની. વળી એમ કરતી વખતે વચ્ચે એક પણ અંગ્રેજી શબ્દ કે વાક્ય બોલવાનું નહીં. કેટલાક વિદ્વાનો કહે છે કે જ્યારે અંગ્રેજ પ્રજા બીજા પ્રદેશનાં ગઈ અને એ પ્રદેશની ભાષા એ બિલકુલ જાણતી ન હતી ત્યારે એ પ્રદેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા ભણાવવા માટે એમણે આ પદ્ધતિ વિકસાવેલી. કેમ કે એમની પાસે જે તે પ્રદેશની ભાષા શીખવાનો પૂરતો સમય ન હતો. મેં વિજયજીને (હું ‘વિજય ગંભીર’ને ‘વિજયજી’ કહેતો) કહ્યું કે આ સિદ્ધાન્ત બરાબર છે પણ તમને લાગે છે ખરું કે આપણે એનું આંધળું અનુકરણ કરવું જોઈએ? કેમ કે અહીં તો અધ્યાપક પણ અંગ્રેજી ભાષા જાણતો હતો અને વિદ્યાર્થી પણ. એટલે કે અહીં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કડી બને એવી એક ભાષા હતી જ. તો એ કડીનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ? હું માનતો હતો કે ભાષાશિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે સહિયારું જગત હોય એનો પહેલાં ઉપયોગ કરવો જોઈએ. બીજું, ગુજરાતી અને દક્ષિણ એશિયાની બીજી ભાષાઓ ભણવા આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ heritage languageના વિદ્યાર્થીઓ હતા. એટલે કે એ વિદ્યાર્થીઓએ જે તે ભાષાના વર્ગમાં આવતાં પહેલાં જે તે ભાષાનું થોડુંક જ્ઞાન એમના કુટુંબ અને મિત્રો પાસેથી મેળવીને આવતા હતા. જ્યારે તમે ઊંધું ઘાલીને communicative અભિગમનો સ્વીકાર કરો ત્યારે વિદ્યાર્થીઓ પાસે જે તે ભાષાનું જ્ઞાન હોય છે એ હકીકતને પણ તમે અવગણતા હો છો.

મેં આ અને આવી બીજી કેટલીક દલીલો કરેલી. પણ, કોણ જાણે કેમ વિજયજીએ કે બીજા કોઈએ એના પર ધ્યાન આપ્યું ન હતું. એ લોકો મને સાંભળી લેતાં. પછી માથું હલાવતાં. ક્યારેક એમાં અપમાન પણ લાગતું. હું અવારનવાર આવા પ્રશ્નો ઊભા કરતો એથી હું ઘણા લોકોને communicative અભિગમનો વિરોધી લાગેલો.

આવી વર્કશોપો લગભગ દર મહિને થતી. એ વખતે દક્ષિણ એશિયા વિભાગના ભાષાશિક્ષકો ‘communicative’ શબ્દ બોલતા ત્યારે એમના ચહેરા પર એમના દીકરાનો કે દીકરીનો વિવાહ નક્કી ન થઈ ગયો હોય એવો ભાવ જોવા મળતો. જો કે, કેટલાક ભાષાશિક્ષકો, ખાસ કરીને પાર્ટ ટાઈમ ભાષાશિક્ષકો, એનાથી મુંઝાઈ જતા. વર્કશોપ પૂરી થઈ ગયા પછી એ લોકો મારી સાથે કૉફી પીવા આવતા ને ત્યાં ‘યે સબ ક્યા ચલ રહા હૈ’ જેવો પ્રશ્ન પૂછતા. એમાંના ઘણા તો આવી દલીલો સમજી શકતા ન હતા. મને ઘણી વાર થાય છે કે અમેરિકન શિક્ષણજગતમાં જો સૌથી વધુ અવગણાયેલો વર્ગ હોય તો એ દક્ષિણ એશિયા, આફ્રિકા અને બીજા કેટલાક દેશોની ઓછી જાણીતી ભાષાઓ ભણાવતા ભાષાશિક્ષકોનો વર્ગ. એમાંના મોટા ભાગના પાછા પાર્ટ ટાઈમ. એમાંના ઘણાને તો વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે મહેનતાણું મળે. બીજા કોઈ લાભ નહીં. યુનિવર્સિટીનું આઈડી કાર્ડ મળે એટલે એને લટકાવીને ફરે. કોઈને એમ લાગે કે આ તો મોટા પ્રોફેસર હશે. જો કે, મારો એ વર્ગમાં સમાવેશ ન’તો થતો. એ માટે જો મારે કોઈને યશ આપવો હોય તો કાર્ડોના, વેલબૉન, રીચ કોહનને આપવો પડે. એ લોકો મને ખૂબ માન આપતા હતા.

દક્ષિણ એશિયા વિભાગમાં આ communicative સિદ્ધાન્ત ધીમે ધીમે એક સંપ્રદાય બનતો ગયો અને એનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામો આવતાં ગયાં. વિજયજી હોંશે હોંશે અમે પણ communicative અભિગમથી ભણાવીએ છીએ એવો રીપોર્ટ વિભાગના વડાને આપતાં, વિભાગના વડા એ રીપોર્ટ ડીનને આપતા. એને કારણે સર્વત્ર આનંદમંગળ થઈ રહેતો. હું અવારનવાર ફરિયાદ કરતો કે આપણે દક્ષિણ એશિયાની આટલી બધી ભાષાઓ ભણાવીએ છીએ તો એના અનુભવના આધારે આપણે communicative અભિગમમાં થોડા ફેરફારો કેમ ન કરી શકીએ? આપણી ભાષાઓની સંરચના જુદી છે, આપણા ક્લાસરૂમની પરિસ્થિતિઓ જુદી છે, આપણી જરૂરિયાતો જુદા પ્રકારની છે. પણ, વ્યર્થ. વનમાં સોનબાઈ એકલાં. એ પણ ભાઈ વગરનાં. આપણું કોણ સાંભળે? ઘણી વાર એવું પણ બનતું કે આપણી અસંમતિને આપણી મર્યાદા ગણવામાં આવતી અને બોસ લોગ મોટા બોસ લોગોને પ્રિય થવા એ ‘મર્યાદાઓનો’ રીપોર્ટ પણ કરતા.

અમેરિકામાં, અને કદાચ બીજા બધા વિકસિત દેશોમાં પણ, ભાષાશિક્ષણ ધીમે ધીમે માણસના હાથમાંથી છટકીને ટેકનોલોજીના હાથમાં જઈ રહ્યું છે. આવું બીજા ઘણા બધા વિષયોમાં પણ બની રહ્યું છે. મને લાગે છે કે થોડાંક વરસોમાં જ કદાચ આપણને actualના બદલે virtual ભાષાશિક્ષકો જ જોવા મળશે. અત્યારે એવા શિક્ષકો કૉમ્પ્યુટર પ્રોગ્રામના એક ભાગ રૂપે મળી રહે છે. હવે પછી એ યુનિવર્સિટીઓના સત્તાવાર શિક્ષકો હશે. એનો અર્થ એ થયો કે ભાષાશિક્ષકોની આ પેઢી કદાચ છેલ્લી હશે. તો પણ આ શિક્ષકોએ ટકી રહેવા માટે ભાતભાતના પ્રયોગો કરવા પડે છે. આવા પ્રયત્નો કદાચ ગણિતના કે વિજ્ઞાનના શિક્ષકે કરવા પડતા નથી. હું જ્યારે ગુજરાતી ભાષા ભણાવતો હતો ત્યારે શિક્ષકોએ છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી વાપરવી પડતી. શિકાગો યુનિવર્સિટીમાં મારાં એક ઓળખીતાં શિક્ષિકા હતાં. એમને ટેકનોલોજી ન’તી ફાવતી. એક દિવસે યુનિવર્સિટીએ એમને કહી દીધું કે હવે તમે ભારત પાછાં જઈ શકો છો. તમારું કુટુંબ તમારી રાહ જોતું હશે. અમેરિકનોની ક્રુરતા ખરેખર ‘માનવીય’ હોય છે. ખાસ કરીને શિક્ષણજગતમાં.

સદ્‌નસીબે મને પહેલેથી જ ટેકનોલોજી માટે વળગણ રહ્યું છે એટલે જેમ જેમ નવી ટેકનોલોજી આવતી ગઈ એમ એમ મને એનો વિનિયોગ કરવામાં ઝાઝી મુશ્કેલી પડતી ન હતી. પણ, હું ઊંઘું ઘાલીને, અથવા તો એમ કહો કે બોસજીને રાજી રાખવા માટે ટેકનોલોજીના વિનિયોગ ભાગ્યે જ કરતો.

૧૯૯૭માં મેં ગુજરાતી ભાષા ભણાવવાનું શરૂ કર્યું ત્યારે દક્ષિણ એશિયા વિભાગે મને મૅક કૉમ્પ્યુટર આપેલું. પ્રો. કાર્ડોના અને બીજા કેટલાક પ્રોફેસરોએ પણ મને કહેલું કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને હેન્ડ આઉટ આપવા. મને પણ એ વિચાર બહુ ગમી ગયેલો. ત્યારે મારા મનમાં વિત્ગેન્સ્ટાઈન ફિલસૂફ પણ પડેલો હતો. એણે એક વાર એના વિચારો ટાઈપ કરીને વિદ્યાર્થીઓને વહેંચેલા અને કહેલું કે વિદ્યાર્થીઓ મગજમાં નહીં તો હાથમાં તો કંઈક લઈને જવા જોઈએ. પણ, એ માટે મારે ગુજરાતી સોફ્ટવેર જોઈએ. ત્યારે યુનિકોડ ન હતા. કેવળ ટ્રુ ટાઈપ ફૉન્ટ્સ હતા. જો કે, ઍપલ કંપનીએ ત્યારે ગુજરાતી સૉફ્ટવૅર બનાવેલું. પ્રો. કાર્ડોના પાસે એ સોફ્ટવૅર હતું. એમણે એ સોફ્ટવૅર મારા કૉમ્પ્યુટર પર નાખી આપેલું. એમાં રોમન આલ્ફાબેટ અથવા ગુજરાતી ટાઈપરાઈટર બેમાંથી કોઈ એક શૈલી પસંદ કરવાની સગવડ હતી. દેખીતી રીતે જ હું રોમન આલ્ફાબેટની શૈલી પસંદ કરતો. કેમ કે મને ગુજરાતી ટાઈપરાઈટ આવડતું ન હતું. એ સોફ્ટવૅરના ગુજરાતી મરોડ પણ ખૂબ સરસ હતા. એથી મને કોઈ મુશ્કેલી પડતી ન હતી. વેબ ટેકનોલોજી તો હજી ૧૯૯૧ના ઑગસ્ટ મહિનામાં શરૂ થયેલી. છ વરસ થયાં હતાં. એટલે ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી શબ્દ પણ જોવા મળતો ન હતો. એથી હજી ભાષાશિક્ષણને વેબ ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યું ન હતું.

એકાદ વરસમાં જ મારું ઍપલનું કૉમ્પ્યુટર કાળગ્રસ્ત બની ગયું. પછી એની જગ્યાએ મને વિન્ડોઝનું નવું કૉમ્પ્યુટર આપવામાં આવ્યું. ત્યારે વિન્ડોઝ માટે ગુજરાતી સોફ્ટવેર ન હતાં. કદાચ હશે તો મને એની ખબર નહીં હોય. એટલે એને બદલે હું ટ્રુટાઈપ ફૉન્ટ વાપરતો. મેં પાંચછ પ્રકારના ફૉન્ટ્સ ડાઉનલોડ કરેલા. દરેક ટ્રુટાઈપ ફૉન્ટમાં mapping જુદું જુદું. એકમાં ટાઈપ કરેલું બીજામાં ન સુધારી શકાય. આ વાડાબંધી મને ઘણી પજવતી હતી. સાથોસાથ એ ગુજરાતી ભાષાની દરિદ્રતા પણ પ્રગટ કરતી હતી. કેમ કે આપણે keyboard mappingનું કોઈ માન્ય સ્વરૂપ નક્કી ન’તું કર્યું. હવે હું હેન્ડઆઉટ અને હોમવર્ક બન્ને ગુજરાતીમાં ટાઈપ કરીને વિદ્યાર્થીઓને આપવા લાગ્યો હતો. પણ, વિદ્યાર્થીઓ હજી ગુજરાતીમાં ટાઈપ ન’તા કરતા. એમની પાસે જેનો પ્રાસંગિક ઉપયોગ કરવાનો હોય એવી નવી ટેકનોલોજી શીખવાનો સમય ન હતો.

એ દરમિયાન વેબ:૨ ટેકનોલોજી વિકસી. એ સાથે જ ભાષાશિક્ષણની ટેકનોલોજી પણ બદલાઈ. અંગ્રેજી, ફ્રેંચ, રશિયન, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ અને સ્પેનિશ જેવી ભાષાઓને કોઈ મુશ્કેલી ન હતી. પણ ઓછી માંગ ધરાવતી ભાષાઓને મુશ્કેલી હતી. એ ટેકનોલોજીના વિકાસની સમાન્તરે અમને, ભાષાશિક્ષકોને, પણ એમ કહેવામાં આવ્યું કે ક્લાસરૂમમાં તમારે authentic ભાષાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે native speakerએ native speaker માટે native speakerના સામાજિક/સાંસકૃતિક સંદર્ભમાં વાપરેલી ભાષાનો જ ઉપયોગ કરવાનો છે. ફરી એક વાર અમારી ભાષાશિક્ષણની વર્કશોપો authentic ભાષાના નારાઓથી ગૂંજવા લાગી. અમને કહેવામાં આવ્યું: પાઠ્યપુસ્તકો બાજુ પર મૂકો. કેમ કે એમાં જે ભાષા હોય છે એ ભલે native speakerએ લખેલી હોય, તો પણ એ ભાષા native speaker માટે લખાયેલી નથી હોતી. વધુમાં એ ભાષાનો સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભ પણ native નથી. ફરી એક વાર બિચારા પેલા પાર્ટ ટાઈમ શિક્ષકો મુંઝાવા લાગ્યા. અમને કહેવામાં આવેલું: “તમારી ભાષાનાં એવાં ઉદાહરણો વેબ પરથી મળી રહેશે.” એ સાથે જ અમે બધા વેબ પર પોતપોતાની authentic ભાષાઓ શોધવા લાગ્યા. ગુજરાતીમાં એ વખતે ‘અકીલા’ વેબ પર મળતું. એના ફૉન્ટ ડાઉનલોડ ન’તા કરવા પડતા. કેમ કે એ imageના રૂપમાં હતું. એનો પ્રિન્ટ આઉટ વિદ્યાર્થીઓ ભાગ્યે જ વાંચી શકતા. બીજાં પણ એકબે સમાચારપત્રો હતાં. એમના ફૉન્ટ ડાઉનલોડ કરવા પડે. એ પણ કરેલા. પણ એમાં વપરાયેલી ગુજરાતી સામગ્રી એટલી બધી કાચી હતી કે એને ક્લાસરૂમમાં વાપરતી વખતે મને થતું કે હું કોઈક પાપ કરી રહ્યો છું. શિક્ષણ જગતમાં કરેલું પાપ કોઈ ગંગા નદી ન ધૂએ હું એવું માનું છું. કમનસીબે, “ગઈ કાલે વડોદરાના એરપોર્ટ પર એક પ્લેન એક બર્ડ સાથે હીટ થતાં રહી ગયું” જેવાં વાક્યો પણ અમારે authentic ગણવાં પડેલાં. અમને કહેવામાં આવેલું: મૂળ textમાં કોઈ ફેરફાર નહીં કરવાનો!

અમેરિકન સ્કોલરશીપની, અને એમાં પણ ખાસ કરીને ભાષાશિક્ષણ સાથે સંકળાયેલી સ્કોલરશીપની એક ગંભીર મર્યાદા છે. એના મોટા ભાગના સ્કોલરોને ઓછી જાણીતી ભાષાઓની મર્યાદાઓનો ખ્યાલ નથી હોતો. એથી આપણે કહીએ કે ગુજરાતી સામગ્રી પૂરતા પ્રમાણમાં વેબ પર નથી મળતી અને જે મળે છે એની ગુણવત્તા ખૂબ નબળી હોય છે તો એ લોકો આપણા પર હસે. આપણને સ્વીકારે નહીં. આપણી પ્રમાણિકતા પર શંકા કરે. એ લોકો એવું માને કે આ જગતમાં બધીજ ભાષાઓ અંગ્રેજીની જેમ સર્વવ્યાપી જ હશે. એમની આ અજ્ઞાનતા મારા જેવાને ખૂબ અકળાવી મૂકતી. મારી સાથે તમિળ ભાષા શીખવતા વાસુ રંગનાથન મોટે ભાગે ચૂપ રહેતા અને હું પેલા અમેરિકનોને પડકારતો. પાછળથી વાસુ કહેતો: તને આવડતું નથી. તારે આ શ્વેત પ્રજાને ખુશ રાખવા હા હા કરવાનું. અમેરિકામાં વસતા મોટા ભાગના ભારતીયો બોસજીને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોય છે. મારે એ કામ ન’તું કરવું. મેં વિજયજી સાથે ચર્ચા કરી. એ મારી વાત સાથે સંમત થયાં પણ એ મુદ્દો ઉપલા સ્તર પર ન લઈ ગયાં. કદાચ એમને યુનિવર્સિટીના આજ્ઞાંકિત બનીને રહેવું હશે. એથી જ તો હું ઘણી વાર અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણાવતા ભાષાશિક્ષકો અને વિદેશમાં શેરડીનાં ખેતરોમાં કામ કરવા ગયેલા ભારતીય મજૂરોની વચ્ચે બહુ મોટો ભેદ જોતો નથી. મારી એક બીજી દલીલ પણ હતી: અમેરિકામાં અને યુરોપમાં પણ દક્ષિણ એશિયાની આટલી બધી ભાષાઓ ભણાવાય છે તો second language teachingમાં આપણો કોઈ અવાજ કેમ નથી? આટલા બધા ભાષાશિક્ષણના અનુભવનો આપણે બગાડ કેમ કરીએ છીએ? પણ મારું કોણ સાંભળે?

મેં જોયું છે કે અમેરિકામાં, એમાં પણ શિક્ષણમાં, અને એમાં ય પણ ભાષાશિક્ષણમાં ઘણી વાર ગતકડાં મહાન સિદ્ધાન્ત બની જતાં હોય છે. વેબ:૨ ટેકનોલોજીનો વિકાસ થયો એમ એ દરમિયાન interactive વિડિયો રમતોનો પણ વિકાસ થયો. કોઈક ભાષાશિક્ષકને થયું: વિદ્યાર્થીઓ વિડિયો રમતો ખૂબ રમતા હોય છે. તો પછી આપણે વિડિયો રમતોના ઉપયોગ વડે ભાષાઓ ભણાવવી જોઈએ. અમને કહેવામાં આવ્યું કે chase your students. એ જ્યાં જતા હોય ત્યાં એમની પાછળ પાછળ જાઓ. બ્લોગ પર. ફેઈસબુક પર. યુટ્યુબ પર. જ્યાં પણ એ જાય ત્યાં જાઓ. ભાષાશિક્ષણમાં વિડિયો રમતોનો ઉપયોગની શરૂઆત કરનાર ગણીગાંઠી અમેરિકન યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાનો પણ સમાવેશ થતો હતો. એ વખતે Second Life વિડિયો રમતની બોલબાલા હતી. એમાં ખેલાડી પાત્રો પસંદ કરી શકે, એમના પહેરવેશ પસંદ કરી શકે, એમને રેસ્ટોરાંમાં કે બીજે ક્યાંક ભેગાં કરી શકે અને ત્યાં રેસ્ટોરાં રેસ્ટોરાં જેવી રમત પણ રમી શકે. એમાં કેટલાંક પાત્રો ગ્રાહક હોય, કેટલાંક વેઈટર હોય, તો એકાદ કેશિયર પણ હોય.

ફરી એક વાર વધુ એક વર્કશોપ: Second Lifeનો ભાષાશિક્ષણમાં ઉપયોગ. અમે જોયું કે ચીની ભાષા કે જાપાનીઝ ભાષા શીખવતા શિક્ષકને કોઈ મુશ્કેલીઓ ન’તી પડતી. એમના વિદ્યાર્થીઓ Second lifeમાં વેઈટર બનતા, ગ્રાહક બનતા, ગ્રાહકો એમનાં ચીની/જાપાની કપડાં પણ પહેરતા અને એમની ભાષામાં ઓર્ડર પણ આપતા. પણ લખીને. બોલીને નહીં. એટલે કે એક ગ્રાહક/વિદ્યાર્થી ઓર્ડર આપે ત્યારે પૂછે: “આજે શું છે મેનુમાં?” પછી વેઈટર જવાબ આપે. એ પણ લખીને. એ વર્કશોપમાં હું સાચે જ ખૂબ અકળાઈ ગયેલો. કેમ કે એ પાત્રો માટે સૌ પ્રથમ તો ગુજરાતી પહેરવેશ ન હતો. બીજું, વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ટાઈપ કરી શકે એમ ન હતા. કેમ કે હજી યુનિકોડ એટલા સામાન્ય બન્યા ન હતા. ત્રીજું, રેસ્ટોરાંનો જે માહોલ હતો એ પશ્ચિમનો હતો. મેં કહ્યું કે આ Second Lifeવાળાઓને કહો કે એક એવી રમત બનાવે જેમાં ચાની રેકડી કે પાનનો ગલ્લો હોય. તો જ એ authentic બને. આવું કહ્યું એમાં તો જાણે કે આભ તૂટી પડ્યા જેવું થયું. આયોજકો કહે કે આપણી યુનિવર્સિટી ભાષાશિક્ષણમાં ટેકનોલોજીના વિનિયોગમાં અગ્રણી બનવા માગે છે. આપણે આ પદ્ધતિનો વિનોયોગ કરવો જોઈએ. મેં કહ્યું કે હું યુનિવર્સિટીની ઇચ્છાઓ સમજી શકું છું પણ તમે મારી ભાષાની મર્યાદાઓ નથી સમજી શકતા. દેખીતી રીતે જ, અમારા ભાષાશિક્ષણના બોસને એ ન’તું ગમ્યું.

ટૂંકમાં, મેં યુનિવર્સિટીમાં ભાષા ભણાવવાનું શરૂ કર્યું એ દિવસથી જ ભાષા ભણવા આવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પ્રયોગશાળાનાં દેડકાં બનાવી દેતી હતી. ભાષાશિક્ષણની એક પણ પદ્ધતિને એ લોકો સ્થિર થવા ન’તા દેતા. કંઈ પણ નવું આવે એટલે વર્કશોપ. દરેક વર્કશોપમાં નવી વાત. પછી એના અમલની વાત. માળખાગત મર્યાદાઓ વિશે કોઈ સાંભળે નહીં. મોટા ભાગના શિક્ષકો એનો વિરોધ ન’તા કરતા. એ લોકો ક્લારૂમમાં પોતાની ઢબે ભણાવતા. પણ જાહેરમાં પેલી નવી ટેકનોલોજીનાં તથા ટેકનીકનાં વખાણ કરતા. ભાષાશિક્ષકોની આવી અવદશા જોઈને મને ઘણી વાર મારા ભાવિની પણ ચિન્તા થતી. મને પણ થતું: એક દિવસે, જ્યારે મને પણ પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળે ત્યારે ટકી રહેવા માટે મારે પણ કદાચ આવું કરવું પડશે.

2 thoughts on “મને હજી યાદ છે – ૭૮ (બાબુ સુથાર)

  1. આ વાંચીને અમેરિકન લોકોની બુદ્ધિની દયા આવે છે -બિચ્ચારા અમેરિકન ! તેમને શિક્શણની પાયાની વાત ખબર નથી. -અભણ .

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s