કાવ્યધારા – ૧૨


બંધાઈ રહેલું મકાન મનીષા જોષી

એ ઘરમાં ક્યારેય કોઇ રહ્યું જ નથી.

મકાન બંધાતું હતું ત્યારે

રોજ ઈંટ-રેતી લાવનારી મજૂરણ અને તેનો પતિ

કયારેક ત્યાં બે-ત્રણ ઈંટો ગોઠવીને ખાવાનું બનાવતા હતા.

કયારેક ત્યાં બીજા બે-ચાર મજૂરોના કપડા સૂકાતા દેખાતા.

એ પછી, એક વાર ખબર પડી હતી કે ત્યાં રાતના સમયે

કોઇ એક પાગલ સ્ત્રી પર બળાત્કાર થયો હતો.

ફળિયાના લોકો વળી દયા ખાઇને

એ સ્ત્રીને ગર્ભપાત કરાવવા લઈ ગયા હતા.

મકાન હવે સુંદર બંધાઇ ગયું છે.

સાંભળ્યું છે કે તેના એન.આર.આઇ. માલિક ત્યાં રહેવા નથી આવવાના.

પેલી પાગલ સ્ત્રી હજી પણ કયારેક

આ ગલીમાંથી પસાર થાય છે.

કંઈક યાદ આવતું હશે એને

એટલે બે ઘડી એ સુંદર મકાન સામે ઊભી રહે છે.

તેની આંખોમાં મને દેખાય છે

એક બંધાઇ રહેલું મકાન.

જેની છત હજી ભરાઈ નથી,

દીવાલો હજી અડધી ચણાઈ છે,

બારી-બારણાં હજી નંખાયા નથી,

હાં, સ્ટ્રીટ લાઈટનું અજવાળું

ત્યાં થોડું થોડું પહોંચે છે….

બંધાઈ રહેલું મકાન” – મનીષા જોષીની કવિતાનો આસ્વાદ જયશ્રી મરચંટ

ઈંટ, રેતી અને ચૂનાના બનેલા મકાનને ઘર બનાવે છે એમાં વસનારા લોકો, એમાં આવ-જા કરનારા પરિચિતો, અપરિચિતો, મિત્રો, કુટુંબીજનો અને એવા અનેક વ્હાલાં-દવલા સંબંધો. આ સંબંધોનું સમીકરણ બનાવવામાં અને ઉકેલવામાં જતો સમય મકાનના શ્વાસોચ્છશ્વાસ છે. જ્યારે એ સમીકરણનું “સમ-જણ”માં રૂપાંતર થાય છે ત્યારે ઘર બની ગયેલું મકાન, ઘર ન રહેતાં, એમાં વસનારાઓની આસ્થા બની જાય છે. એક મકાનને આસ્થા બનાવવાની મુસાફરીમાં જ જીવન વસે છે. ઘર એ એવું લાગણીનું વળગણ છે કે જેને કોઈ રીતે સમજાવી શકાતું નથી. પણ, નવું મકાન જેને માટે ચણાતું હોય, એ વ્યક્તિઓ ત્યાં કદી રહેવા ગઈ જ ન હોય, તો, એમને માટે તો બધી સગવડો સાથે બનાવેલું એ મકાન માત્ર દિવાલો અને છતનું નિર્જીવ માળખું બનીને રહી જાય છે. એ મકાન સાથે કોઈ પણ પ્રકારનું emotional attachment – લાગણીનું જોડાણ અનુભવવું જ શક્ય નથી. પણ, મકાન ચણનારા મજૂરો, temporarily- કામચલાઉ ધોરણે, ત્યાં જ રહે છે અને એ મકાનની હવાને જીવતી, ધબકતી કરી નાખે છે. ત્યાં જ ચૂલો સળગાવે છે અને એમના ત્યાં સૂકાતાં કપડાં, એમની એ બંધાતા મકાનમાં વિતાવેલી ભીની ક્ષણોની સાક્ષી પૂરે છે.

વહેતા વખત સાથે, એક ઘટના બાંધકામના સમય દરમિયાન બની જાય છે, જેનો ઉલ્લેખ કવિ અહીં subtly – મર્મજ્ઞતાથી કરે છે. અને, આ જ આ કવિતાનો વસમો વળાંક છે. આ ઘટના છે, ચણાતા મકાનના અંધારામાં માણસ નામના પ્રાણીની હેવાનિયતની. આ બંધાઈ રહેલા મકાનમાં, ફળિયાની એક પાગલ સ્ત્રી પર રાતના અંધકારમાં બળાત્કાર થાય છે અને આ જ ફળિયાના લોકો એ સ્ત્રીને ગર્ભપાત માટે પણ લઈ જાય છે. સમય જતાં પછી તો સઘળું યથાવત ચાલવા માંડે છે, ચણતર પૂરૂં થાય છે. સુંદર, બધી જ સગવડો સાથે બનેલું મકાન, કે જેમાં તેના એન.આર.આઇ. માલિક ત્યાં રહેવા કદી જ નથી આવવાના! પણ, પેલી પાગલ સ્ત્રી, ગલીમાંથી પસાર થતી વખતે ક્યારેક ઓચિંતી જ આ સર્વાંગ સુંદર ઈમારત પાસે ઊભી રહી જાય છે. કવિ અહીં કોઈ સવાલ ન કરતાં માત્ર એક કથન મૂકે છે, “કદાચ કઈં યાદ આવતું હશે એને”. આ કથનમાં વ્યંગ, કરૂણા અને દબાયેલો આછો આક્રોશ પણ છે. એ    સાથે સવાલજવાબ ન કરી શકવાની એક પાગલ સ્ત્રીની લાચારી, અસહાયતાની લાગણી પણ સંભળાય છે. એ સ્ત્રી ના મનમાં શું ચાલતું હશે, એને શું યાદ આવતું હશે? એની કલ્પના આગળની પંક્તિઓમાં કવિ કરે છે અને એમાં કવિતા ડૂમો બનીને ધબકે છે.

“તેની આંખોમાં મને દેખાય છે

 એક બંધાઇ રહેલું મકાન.

 જેની છત હજી ભરાઈ નથી,

 દીવાલો હજી અડધી ચણાઈ છે,

 બારી-બારણાં હજી નંખાયા નથી,

 હાં, સ્ટ્રીટ લાઈટનું અજવાળું

 ત્યાં થોડું થોડું પહોંચે છે…!”.

અહીં દેખીતી રીતે કવિતા તો પૂરી થઈ જાય છે પણ વાચકના મનમાં એક ચચરાટ મૂકી જાય છે. કોણ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે? એન.આર.આઈ શ્રીમંત વ્યક્તિ કે જેને આ મકાનને “ઘર” બનાવવાની કોઈ જ ખેવના નથી? કે પછી, સમાજના દૂષિત તત્વો? એક બાજુ, જેની દિવાલો જ ચણાઈ છે અને છત ચણાવાની બાકી છે, અને હજુ એમાં વિજળીનું કનેક્શન પણ નથી આવ્યું એવી ઈમારતમાં, એક ગાંડી પર થતો બળાત્કાર અને એની સમજણ કે જાણ વગર કરાવાતો ગર્ભપાત, તો બીજી બાજુ, સાવ ખાલી પડી રહેલું સુંદર પણ જડ મકાન..! બિલ્ડીંગ તો બની જાય છે પણ કેટલું બધું તૂટી જાય છે, માત્ર એક મકાન બનાવવાની ક્રિયામાં જ? આ મકાનને નિહાળતી એ પાગલ સ્ત્રીની આંખોમાં અંધારું છે કે સ્ટ્રીટ લાઈટના આછાં અજવાળાં સમું કઈંક આછું આછું એને યાદ આવે છે, એ વાચકના લાગણીતંત્ર પર કવિ છોડી દે છે અને આ જ આ કવિતાનું સૌંદર્ય છે.

કાવ્યનું શીર્ષક “બંધાઈ રહેલું મકાન” Positive અને Constructive – હકારાત્મક અને સર્જનાત્મક છે. પણ, જેમ કવિતા ઘડાતી જાય છે તેમ એનો Paradox – વિરોધાભાસ હળવેથી એની પંખ, કોઈ પણ ‘શોરશરાબા’ વિના ફેલાવે છે. એક સમયે બંધાઈ રહેલું મકાનનું ચણતર સુંદર ઈમારતમાં આકાર તો પામી લે છે પણ એના પાયામાં ધરબાયેલી છે, પોતાના ઘર વગરના મજૂરોની જિંદગીના મહિનાઓ અને વર્ષોના સહવાસની એ પળો. આ બંધાતા મકાનમાં દબાયેલી છે, એક પાગલ મહિલાના મા બનીને એક મકાનને ‘ઘર’ બનાવવાના કચડયેલા કોડની કહાની!

જ્યારે સામાજિક સમસ્યા કે દૂષણના પ્રસંગનું નિરૂપણ કવિતામાં થાય ત્યારે કાવ્યત્વને પ્રગટ કરવામાં સંયમિત વિવેકબુદ્ધિ અને સહુ ભાવક સુધી પહોંચે એટલી જ માત્રામાં સંવેદનશીલતાની જરૂર હોય છે જેથી કવિતા લાગણીવેડામાં સરી ન પડે. આ કામ દેખાય છે એટલું સહેલું નથી પણ મનીષા જોષીની સક્ષમ કલમ અહીં સાબિત કરે છે કે એક સિધ્ધહસ્ત કવયિત્રી માટે સંયમિત સમજણ અને સપ્રમાણ લાગણીનું મિશ્રણવાળી, સુંદર, સામાજિક અને કાવ્યત્વસભર કવિતા આપવી કેટલી સહજ છે. આ જ આ કવિતાની પરાકાષ્ઠા છે.

ક્લોઝઅપઃ

બાંધ રખા હૈ કિસી સોચને ઘરસે હમકો,

વર્ના ઈસ ઘરકી દિવાલોમેં રખા ક્યા હૈ

નિદા ફાઝલી (મને યાદ છે ત્યાં સુધી)

 

ચંદ દિવાનોને સર પે ઊઠા રખી હૈ યે દુનિયા,

વર્ના ઈસ જહાંમે યું જીતે રહનેમેં રખા ક્યા હૈ?”

2 thoughts on “કાવ્યધારા – ૧૨

  1. કવિતા સરસ. કવિ તટસ્થ પ્રેક્ષક બને છે પણ ભાવક કવિતા સાથે એક અજાણી પરિસ્થિતિ અનુસાર આગળ વધતા અંતે વિરતિ સુધી પહોંચી જાય છે. જયશ્રી બેન પાસે તો પરકાયાપ્રવેશની વિદ્યા છે. બંને અભિનંદનના અધિકારી.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s