ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૧૨


થેંક યુ

કૅલેન્ડરે આવનાર મધર્સ-ડેની છડી પુકારી. ‘મર્સી’ નર્સિંગહૉમમાં આનંદની લહેરી ઉત્સવ મનાવવા ઊતરી. અનેક નિસ્તેજ આંખોમાં આશાના આગિયા ચમક્યા. ટૂંટિયુંવાળી પડેલા જીવને ટટ્ટાર બેસવાનો પ્રયત્ન જારી કર્યો. મધર્સ ડેના દિવસે ત્યાં રહેનારાઓને મળવા આવતા એમનાં સંતાનો દ્વારા અપાતી Hug અને Kiss, સુંદર ફ્લાવર બુકે, ચૉકલેટના બૉક્સ અને એ સાથે દર્દીઓના મુખ પર પ્રગટતી સંતોષની આભા (ભલેને એક દિવસ પૂરતી જ હોય) અનુરાધામાં ઈર્ષા જરૂર જગાવતી, પણ બીજે જ દિવસે એ જ આનંદનો સૂર્યાસ્ત જોઈ એ રડી પણ પડતી. તેથી આ મધર્સ-ડેના દિવસે અનુરાધા પોતાની રૂમમાં બારી પાસે બેસી રહી.

બારી બહાર ફેલાતી અનુરાધાની નજર પાર્કિંગ લોટમાં ગોઠવાતી કારો અને એમાંથી ઊતરી નર્સિંગહૉમ તરફ આવતી યુાવન સંતાનોની હારમાળા પર ચોંટી ગઈ. આ અજાણ્યા ચહેરાઓના ટમટમતા તારલાઓ માત્ર અમાસની રાત્રિ લઈને આવ્યા છે પોતે એ જ જાણતી હતી. જાણીતા ચંદ્રની એક ઝલક જોવાની વાંઝણી અભીપ્સા પાંપણે આંસુ બની પ્રગટી.

‘એ હવે નહીં આવે…’

કોણ… કોણ નિર્દયીએ આવા કઠોર શબ્દો ઉચ્ચાર્યા? આંખમાં ગુસ્સો આંજતા અનુરાધાએ ઝડપથી વ્હિલચૅર પાછળ ફેરવીને જોયું તો માર્થા રડમસ ચહેરે ઊભી હતી.

‘એ હવે નહીં આવે’ વાક્યનું પુન:ઉચ્ચારણ… ચહેરાના ચિત્રપટ પર વિષાદનું દૃશ્ય બદલતા આશ્ચર્યભર નજરે મૂંઝવણમાં તરબોળ અનુરાધા માર્થાને તાકી રહી.

‘આપણા દીકરાઓ મળવા નહીં આવે.’

અનુરાધાની પાંપણે પ્રયત્નપૂર્વક મર્યાદા જાળવતાં આંસુઓ અદબપૂર્વક ટપકી જ પડ્યાં.

‘ઓહ ગોડ ટેક મી પ્લીઝ, હું એકલી પડી ગઈ છું’ બોલતાં માર્થા રડી પડી.

પોતાના મનમાં સાચવી રાખેલી પ્રાર્થના માર્થના મુખેથી સાંભળતાં જ, માર્થા પણ પોતાના જ જેવા સંજોગની શિકાર છે નો અહેસાસ અનુભવી રહી.

‘Oh! no, તું પણ…’ અનુરાધાએ હાથ લાંબા કર્યા. માર્થા એને ભેટી પડી. અનુકંપાથી માર્થાના વાળમાં હાથ ફેરવતાં અનુ આગળ બોલી, ‘પ્લીઝ હિંમત રાખ, તે મને પહેલાં કેમ જણાવ્યું નહીં?’

પુછાયેલા પ્રશ્નનો જવાબ પોતે જાણતી હતી. છેલ્લા બે મહિનાથી પરિચય વધારવા માગતી માર્થાને પોતે જ ક્યાં પોતાની નજદીક આવવા દીધી હતી.

માર્થા સાથેની પ્રથમ મુલાકાત…

‘ગૂડ મૉર્નિંગ… ગૂડ મૉર્નિંગ… ગૂડ મૉર્નિંગ…

એ જ રોજિંદા ચવાઈ ગયેલા શુષ્ક શબ્દોની વર્ષાને, પથારીમાં સુસ્ત પડેલી કાયામાં જાગતા અનુરાધાના મને ઇગ્નોર કરવાનો પ્રયાસ કર્યો.

વળતી જ પળે ‘વૉટ્સ ધ મેટર મિસિસ શાહ?’ નર્સના પ્રશ્ને જાણે તમાચો માર્યો.

જવાબ આપવાને બદલે પથારીમાં બેઠાં થતાં એક ફિક્કા હાસ્યને ધક્કો મારી હોઠોં સુધી ધકેલ્યું.

અહીંનો રિવાજ હતો. સાથે ઊઠવામાં મોડું થાય તો બ્રેકફાસ્ટ ઠંડો થઈ જવાનો ભય હતો. આર્મી જેવી જ રેજિમેન્ટલ લાઇફ. નર્સની હેલ્પ લઈ કપડાં સરખા કરતી અનુએ વ્હિલચૅરમાં ગોઠવાઈને વોશબેસિન પાસે આવી બ્રશ કર્યું.

‘નાવ આઈ વિલ મેનેજ.’ નર્સ ટેરીને જવાનું સૂચન કરી વ્હિલચૅરના પૈડાંને હાથ લગાવવા ગઈ ત્યાં જ –

‘લેટ મી હેલ્પ યુ…’

સાંભળતાં ખુશી જરૂર થઈ, પણ એ અવાજ એક સ્ત્રીનો હતો. સામેના નાનકડા ટેબલ પર ગોઠવાયેલી ફોટોફ્રેમ પર નજર પડતાં જ સરી ગઈ. આંખો ફેરવતાં એણે જોયું તો એક સમવયસ્ક સ્ત્રી હસતી ઊભી હતી ત્યાર બાદ આવ્યું કે આ નવતર પ્રાણીની પધરામણી ગઈ કાલે જ પોતાની રૂમમાં થઈ હતી.

‘મર્સી’ નર્સિંગહૉમ, દરેક રૂમમાં બે જણની રહેવાની સગવડ. અહીં આવનાર કદીક બહાર પણ જતો અને કદાચ પાછો ન પણ ફરતો. છતાંય રૂમો હંમેશાં ભરેલી રહેતી. આ હતી અભાગિયાઓની વસતિ. અનુરાધાનો પડાવ રૂમ નં. 214માં, એનો બેડ મારી પાસે.

‘માય નેમ ઇઝ માર્થા’ વ્હિલચૅરના હૅન્ડલને પકડી ચલાવતાં એ બોલી, ‘હાવ આર યુ?’

અનુરાધાએ પ્રતિભાવ ન આપતાં એ આગળ બોલી, ‘આપણે બ્રૅકફાસ્ટ માટે ક્યાં જવાનું છે?’

ન બોલવાનો પસ્તાવો સહન કરતાં અનુ ચૂપચાપ બેસી રહી. નર્સને પૂછી માર્થા અનુ સાથે બ્રૅકફાસ્ટ રૂમમાં દાખલ થઈ. છાની રીતે અનુએ માર્થાનો દીદાર કરી લીધો. ગોરો વાન એટલે યુરોપિયન અને ગળામાં ક્રોસ એટલે ક્રિશ્ચિયન છે સમજાયું.

ક્રિચનના સ્ટાફ જૉસેફ પસાર થતાં કહ્યું, ‘હાય અનુ, હાય માર્થા, રેડી ફૉર બ્રૅકફાસ્ટ?’

અનુરાધાને કહેવાનું મન થયું, ‘રેડી ફૉર માય ડેથ.’ નર્સિંગહૉમની દીવાલોમાં બે વર્ષથી ભીંસાતું જીવન ક્યારે એનું ગળું દાબી દે એની રાહ જોઈ રહી હતી. અહીં માત્ર જીવાતું હતું. અભિશપ્ત જીવન, જેનું કોઈ મહત્ત્વ નહોતું. જેનો કોઈ મતલબ નહોતો. પોતે હતી સિર્ફ વટાવેલું મનીઑર્ડર. બ્રૅકફાસ્ટ કરી પાછાં વળતાં જોયું તો હૉલ-વેમાં ગોઠવેલી ચૅરોમાં અર્ધજાગ્રત, અર્ધમૂર્છિત, નિરાશ, હતાશ, થોડા વર્તમાનમાં હાજર, થોડા ભૂતકાળમાં ગૂમ, પોતાના જેવા કેદીઓ. પિંજરાનો દરવાજો ખુલ્લો હતો, પણ એમની પાંખો ખરી પડી હતી.

પછી એક્સરસાઇઝનું ધતિંગ, ગૅમ્સ, લંચ, આફ્ટરનૂનના રેસ્ટ, મ્યુઝિક, ડિનર અને સૂતાં પહેલાં ટીવી સાથેનું મિલન… રોજનું રૂટિન લોહી બનીને વહેતું હતું. અનુ્એ સમયને સાચવવો પડતો હતો, કારણ કે સમય એને સાચવવાનું ભૂલી ગયો હતો.

બીજે દિવસે સવારે માર્થાએ બ્રશ કરતાં પૂછ્યું, ‘અનુ તું ક્યારથી રહેવા આવી છે?’ પ્રશ્ન સ્વાભાવિક હતો. કદાચ પૂછવા માટે પુછાયેલો હતો. છતાંય કટુતાભર્યા સ્વરે જવાબ આપ્યો, ‘મને અહીં નાખી જવામાં આવી છે.’

‘આનું કારણ જાણી શકું?’

પોતે ક્યારથી મર્સી નર્સિંગહૉમમાં છે અને શા કારણે આવી છે? જેવા પ્રશ્નોના ઇતિહાસની કબર ખોદવાની પીડાથી અલિપ્ત રહેવા અનુએ હોઠ બંધ રાખ્યા.

‘કોઈક તો પોતાની મરજી મુજબ આવતું હશે. હું મારી મરજીથી અહીં આવી છું.’

‘મૂર્ખ લાગે છે’ મનમાં બબડી.

‘લાઇફમાં કદી આવો નિર્ણય લેવો પડે.’

‘બસ, બસ, તારું બોલવાનું બંધ કરે.’ મનોમન ઉચ્ચારાયેલા આ વાક્યને અનુએ શબ્દાતીત રૂપ ન આપતાં માત્ર સાંભળ્યા કર્યું.

ત્યાં જ ડૉક્ટરની પધરામણી થઈ ‘હાઉ આર યુ ટુ ડે મિસિસ શાહ?’

મહિનામાં બે-ત્રણ વાર આંટો મારી જતાં ડૉક્ટરને જોઈ ‘લો, આવી ગયો વિઝિટના પૈસા ભેગા કરવા.’ ધૂંધવાતી એ મનમાં ફરી બબડી.

અનુને તપાસી જેવાં ડૉક્ટર માર્થ તરફ વળ્યા કે તરત જ વ્હિલચૅરના સહારે એ રૂમની બહાર નીકળી ગઈ. આમ કરવાનું કારણ એને સમજાયું નહીં.

પોતે જ બાંધેલી અફલાતૂનની ઈમારતના દ્વાર પર માર્થા બે મહિનાથી ટકોરા મારતી રહી. એને અશ્રાવ્ય કરી અનુ માર્થાને અગવણતી હતી.

અનુરાધા બને એટલું બોલવાનું ટાળતી. પતિના સ્વર્ગવાસ બાદ પાંચ વર્ષના એકના એક પુત્રના ઉછેર માટે યુવાની સભર વર્ષો સળગાવી દીધાં હતાં. આજે એ જ પુત્રની મહેરબાનીથી જતી, એની જિંદગીના દિવસો એને બાળી રહ્યા હતા. એક તરફી ડચકાં ખાતું અંગત ગણાતું. સગપણ – અનંત આગની આંચ, જીવન ખરું પણ લાઇફલેસ. વાંક ખુદનો – દીકરાનો – અહીંની પરિસ્થિતિનો? દીકરા પાસે એટલું બધુંય નહોતું માગ્યું.

એક ટેકણ લાકડી જેટલો જ સહારો…

ડૉક્ટરે અનુને ઘણી વાર સમજાવી હતી.

‘અનુ, તારા દુ:ખી થવાથી એ મળવા આવશે?’

‘સંતાન માને ભૂલી જાય?’

‘પશુ-પંખીઓ એમનાં સંતાન પાસે કોઈ આશા નથી રાખતા, તો પછી?’

‘હું માણસ છું.’

‘અપેક્ષા જ આપણા દુ:ખોનું મૂળ છે.’

‘યુ આર નૉટ અ મધર…’ મંદ સ્વરે અનુ બોલી.

‘ટ્રાય ટુ અંડરસ્ટૅન્ડ ધ સિચ્યુએશન…’

આજે માર્થાની જીવનકહાણી સાંભળતાં અનુરાધાને વસવસો થયો ‘બચારી બે મહિનાથી એના દિલનો ભાર હળવો કરવા માગતી હશે અને મેં ધ્યાન જ ન આપ્યું. માર્થા બે-બે દીકરાનો વિયોગ સહી રહી છે. પોતાના કરતાં એ વધુ કમભાગી છે, વધુ દુ:ખી છે.’ની પ્રતીતિ થતાં અનુનું વર્તન માર્થા પ્રત્યે હૂંફાળું બનવા લાગ્યું. પોતાની જેવી સમદુખિયા તરફ અનુકંપા જાગી.

આવતી નવી સવારો સાથે અનુરાધા, માર્થામાં વધુ ને વધુ ઇંટરેસ્ટ લેતી ગઈ. માર્થાની સાથે સાથે અનુનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાવા લાગ્યો. માર્થાને કંપની આપવા, અનુએ સૌની સાથે ભળવાનો અને બોલવાનો વહેવાર શરૂ કર્યો. પોતે માર્થાને જીવવામાં મદદ કરી છે, જેના દ્વારા તેને પોતાને અનુભવતા ડિપ્રેશનની પકડ ઢીલી થઈ રહી છે, એની અનુને જાણ ન રહી. એક નવી અનુનો ઉદય થતો જોઈ ડૉક્ટર પણ આશ્ચર્ય પામ્યા.

‘થૅન્ક યુ ફૉર હેલ્પિંગ મી’ માર્થા જ્યારે જ્યારે અનુનો આભાર માનતી ત્યારે એ ગદ્-ગદ્ થતી ધન્યતા અનુભવી રહેતી. જાણે-અજાણ્યે બધું બદલાઈ રહ્યું હતું.

દિવસો, મહિનાઓ અને વ…ર…સ, મધર્સ-ડે ફરી ચોવીસ જ કલાક દૂ… ર! અનુરાધા ફરી પાછી ઉદાસી ઓઢી રહી. એ સાંજે માર્થાને બેચેન બનતી જોઈ અનુની મૂંઝવણ વધી. ડિનર બાદ છાતી પર હાથ મૂકી, પથારીમાં ખામોશ પડેલી માર્થા, અનુરાધાની વાતનો પ્રતિભાવ આપવામાં મૂડમાં નહોતી એની અનુને ચિંતા થઈ. એ રાત્રે અનુની પાંપણો મોડેથી માંડ માંડ ઢળી ત્યાં…

અચાનક રૂમમાં જાગેલા કોલહલે અનુરાધાની ઊંઘ ઉડાડી દીધી. માર્થાના બેડની આસપાસ પાંચ-છ જણાં બીઝી હતા. ઑક્સિજન, ઈન્જેક્શન, હાર્ટમસાજ, અડધોએક કલાકની ધમાલ બાદ ‘આઈ થિંક વી લૉસ્ટ હર.’ હેડ-નર્સનો ભારી નિરાશ અવાજ સંભળાતાં અનુ ચમકી.

‘બેડ હાર્ટ-ઍટેક’ સાંભળતાં અનુ બેભાન… આંખો ખુલી ત્યારે જાણીતા ડૉક્ટર એની પલ્સ તપાસી રહ્યા હતા. ‘હાવ આર યુ?’

‘માર્થા…?’

‘જસ્ટ ટેક સમ રેસ્ટ…’

‘આઈ ઍમ સૉરી…’

‘હાર્ટ-ઍટેક?’

‘યસ’ જવાબ આપતાં ડૉક્ટર ઊભા થયા.

પથારીમાં બેસતાં રડમસ અવાજે અનુ બોલી : ‘હવે તો એનું સપનું સાચું પડશે.’

‘પણ એ તો હવે નથી.’

‘એટલે જ કહું છું’ આંખો લૂંછતાં અનુ બોલી.

‘તમારા આમ કહેવાનો મતલબ હું સમજ્યો નહીં.’

‘આ બહાને એના દીકરાઓ મળવા તો આવશે!’ અનુના અવાજમાં સ્થિરતા આવી.

‘આ તમે શું કહી રહ્યા છો? આઈ ડૉન્ટ અંડરસ્ટૅન્ડ.’

‘માર્થાના દીકરા ફ્યુનરલમાં માને રિસ્પેક્ટ આપવા જરૂર આવશે. માને જીવતી જોવા તો ન આવ્યા…’

અનુને અટકાવતાં ડૉક્ટર ઉતાવળે બોલ્યા : એવું નહીં બને… અસંભવ!

‘કેમ?’ ડૉક્ટરને ખામોશ જોતાં એ ચીખી ઊઠી: ‘એના દીકરાઓ આટલા નિષ્ઠુર છે, મરેલી માને રિસ્પેક્ટ આપવા નહીં આવે. આવા નાલાયક દીકરાઓ કરતા તો…’

પ્રલંબ નિશ્વાસે અનુને આગળ બોલતાં અટકાવી.

અનુરાધાની પાસે બેસતાં ડૉક્ટર શાંત સ્વરે બોલ્યા :

‘એ પોસિબલ નથી કારણ કે…’

ડૉક્ટરને વચ્ચેથી કાપતા, અધિરાઈથી અનુ ગુસ્સાભર્યો સવાર કરી બેઠી. ‘એવું તે શું કારણ છે?’

‘ટેક ઇટ ઇઝી, ટૅન્શનથી તમારું બીપી વધશે તો ઉપાધિ થશે.’

‘યુ ડૉન્ટ નૉ હર,’ ગુસ્સાની સપાટી વધી. ‘આઈ ઍમ કન્ફ્યુસ્ડ…’ ડૉક્ટરે કપાળે હાથ ફેરવ્યો.

‘સૉરી ડૉક્ટર!’ અનુરાધાને અવાજ ધીમો પડી ગયો. ‘એના દીકરાઓને હું… હું… ફોન કરીશ. પ્લીઝ તમે મને એમનો ફોન નંબર આપશો.’

‘આઈ ઍમ સૉરી.’

‘કેમ?’ અવાજમાં અણગમો વ્યક્ત થઈ ગયો.

ક્ષણ રોકાઈને ડૉક્ટર બોલ્યા, ‘માર્થાને કોઈ ઔલાદ જ નથી, એના કોઈ દીકરાઓ નથી.’

સ્તબ્ધ બનતી અનુરાધાનો શ્વાસ માનો કે રોકાઈ ગયો. હોઠ માંડ માંડ ફફડ્યા ‘ડૉક્ટર!’

‘હકીકતમાં માર્થા મૅરિડ પણ નહોતી!’

તીર હૃદયમાં ઊંડે ઊતર્યું. તીવ્ર વેદના વીજળીની ઝડપે અણુએ અણુમાં પ્રસરી ગઈ. ‘મા…. મારી સાથે વિશ્વાસધાત’ અવિશ્વાસના ભાર નીચે તરડાતો અનુરાધાનો અવાજ ‘એક મધરની ભાવના સાથે… આવો નિર્દય… ખેલ!’

‘કેમ ન કરું… હા… હા… એને દોષ કેમ ન આપું? શું એ મારી સગી થતી હતી?’

‘આપણે એનો આભાર માનવો જોઈએ.’

‘માર્થાનો આભાર!’ અનુની આંખોમાં જિજ્ઞાસાની જ્વાળા પ્રગટી.

‘યસ, યસ’ ડૉક્ટરે ઊભા થતાં કહ્યું,  ‘મારું કામ એ કરી ગઈ.’

‘ડૉક્ટર…’

‘છેલ્લા થોડા મહિનાથી જીવનને માણતી અનુરાધાને તમે મળ્યા હોય ઍમ લાગતું નથી. થોડી વાર માટે એ નવી અનુરાધાને મળી જુઓ પછી…’ વાક્ય અધૂરું છોડતાં ડૉક્ટરે રૂમ છોડી.

દુ:ખી હૃદય વ્હિલચૅરમાં પોતાની જાતને ગોઠવી ટેબલ પાસે આવી પળભર થંભી, પછી ટેબલ પર પડેલી ફોટોફ્રેમ હાથમાં લઈ અશ્રુસજળ નયને થોડી વાર તાકી રહી. કંપતા હાથે એમાંથી પોતાના પુત્રનો ફોટો કાઢીને ટેબલ પર ઊંધો મૂક્યો. ડ્રૉઅર ખોલી પોતાની સાથે માર્થાએ પડાવેલા ફોટાને ફ્રેમમાં ગોઠવતાં ભાવુકતાથી બોલી :

‘Thank you my friend.’

Thank you!

*********

 

 

 

 

 

 

3 thoughts on “ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૧૨

 1. તુમ બેસહારા હો તો કિસીકા સહારા બનો.
  Self-pity and bad attitude doesn’t let an individual live happily.
  The situation is same but right attitude changes her view…a lesson to learn.
  સરયૂ પરીખ

  Liked by 2 people

 2. અત્યંત સુંદર. વાર્તા નો અંત એટલો કલાત્મક છે કે સામાન્ય ઘટના વાર્તામાં રૂપાંતર પામે છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s