શીલત ગઢવીની કલમે


અમદાવાદ  સ્થિત બહેન શીતલ ગઢવી ગઝલ, માઈક્રોફીક્શન અને ટુંકી વાતાઓ લખે છે. એમની કૃતિઓ  ગુજરાત ગાર્ડિયન અને ગઝલ અરસ પરસમાં પ્રકાશિત થાય છે. આજે ઊજાણીમાં શીતલ બહેનની બે ગઝલ અને એક અનોખા  પ્રકારની  ટુંકી વાર્તા રજૂ કરી છે. (સંપાદક)

 

લાગી શરત

વાદળોમાં ઝોલ છે, લાગી શરત?

જળમાં પોલમ પોલ છે, લાગી શરત?

છે ગજબ શણગાર આજે મ્હેફિલે,

પણ ઉછીના બોલ છે, લાગી શરત?

કાન સૌના ખેંચતો’તો તીક્ષ્ણ સ્વર

ફાટવાનો ઢોલ છે, લાગી શરત?

એક ખૂણાની વ્યથા સંતાડતી,

ચીંદરીની છોલ છે, લાગી શરત?

યૌવને ડૂબી રહી જળથી સતત,

તળ વિનાની ડોલ છે, લાગી શરત?

કૈક ગરબડ છે હજી એ ભીંતમાં

ઈંટ વચ્ચે ખોલ છે, લાગી શરત?

-શીતલ ગઢવી

 

સ્પર્ધામાં ઊતરવું નથી

કોઈ સ્પર્ધામાં જ ઊતરવું નથી.

વેગમાં આવી હવે મરવું નથી.

ઇસવીસન પૂર્વેની વાતો જાણવા,

શાસ્ત્રના ઊંડાણમાં સરવું નથી.

પાંદડીથી વેંત છેટું રાખ જો,

હાલ ઊગી છું તરત ખરવું નથી.

આંગળીથી વેગળા થ્યા નખ તો શું?

શોક માથે લૈ સતત ફરવું નથી.

આપવાની હું અલગ ફોરમ સખી,

કંટકોમાં સ્વને ઊભરવું નથી.

-શીતલ ગઢવી

 

ઘર ઘરની રમત

મધ્યમ આવક ધરાવતા સયુંકત કુટુંબમાં બે ભાઈઓ તેમની પત્નીઓ અને માતા પિતા સાથે રહેતા હતા. બે રૂમના ચાલ જેવા મકાનમાં ત્રણ યુગલનું સહજીવન જેમ તેમ પસાર થતું. મોટા ભાઈને ત્યાં રાહુલ અને સોનુ એમ બે સંતાનનું આગમન થઈ ચૂક્યું હતું.

“રાહુલ ચલ આજે તારા ઘરે રમીએ. કાલે મારા ઘરે ખૂબ ધમાલ કરી હતી. હવે આજે મમ્મી મારા ઘરે તમને બધાને બોલાવવાની ના કહે છે.” રાહુલના એક મિત્રએ પોતાના ઘરમાં આવતા રાહુલને રોકીને કહ્યું.

દિવાળી વેકેશન ચાલતું હોવાથી ગલીના છોકરાઓ રોજ બપોરે કોઈકના ઘરે રમતાં. ઘરમાં રમવાથી છોકરાઓ ખોવાઈ ન જાય અને આડું અવળું વાગી ન જાય એનું પણ ધ્યાન રહેતું. વેકેશનના કારણે દાદા દાદી ગામડે ગયા હતા.

“સારું.. ચલો.” બોલી રાહુલ બધાને પોતાના ઘરે લઈ ગયો. સાથે બે ત્રણ એમની જ ઉંમરની છોકરીઓ પણ હતી. હા.. એ દરેકની ઉંમર હજી પાંચથી સાત વર્ષ માંડ હશે.

“આવો બધા.. ચલો.. ઘરઘત્તા રમીએ. હા.. એક શરત.. આજે હું કહું એમ બધાએ કરવાનું.. આ મારું ઘર છે.. મંજૂર?” બધા છોકરા એક સાથે બોલી ઉઠ્યા.

“મંજૂર”.

રાહુલે એના નાના ભાઈ સોનુને કામ પર મોકલ્યો. એક છોકરીને રસોઈ બનાવવા કહ્યું.

“વિધિ.. તું મારા માટે રસોઈ બનાવ. તું મારી પત્ની. રસોઈ કરીને પછી તારે કામ કરવા બહાર જતા રહેવાનું.” વિધિ માની ગઈ.

“સોનુ… ચલ હવે બપોર થઈ તારે જમીને કામ પર પાછા જવાનો ટાઈમ થયો. હવે મારે તારી પત્ની.. એટલેકે આ જાનકીને લઈ રૂમમાં ઇન્જેક્શન આપવા જવાનું.”

ઇન્જેક્શનનું નામ સાંભળી જાનકી રડવા લાગી.

“જા.. જા.. રાહુલિયા.. મારે ઈંજી નૈ લેવું.”

રાહુલ દોડતો એની પાસે ગયો. આંસુ લૂછયા.

“જાનુ.. એ તો ખાલી ખાલી.. આ જો.. એની પર સોય નથી. ઘરઘત્તામાં આવું હોય..”

જાનકી શાંત થઈ. રાહુલના કહ્યા મુજબ સોનુ ત્યાંથી જતો રહ્યો. જાનકી રૂમમાં ગઈ. બેડ પર આડી પડી ત્યાં જ રાહુલ રૂમમાં ગયો.

“કોઈ બારણું તો આડું કરો.”

સોનુએ દોડતા જઈને બારણું બહારથી બંધ કર્યું. વાત આગળ વધે એ પહેલાં સોનુ અને રાહુલના કાકી ત્યાં આવી પહોંચ્યા.

“સોનુ.. શું માંડ્યું છે? અને મારા રૂમનું બારણું બહારથી બંધ કેમ કર્યું?

ત્વરાથી તેણીએ બારણું ખોલ્યું. અંદરનું દ્રશ્ય જોતા જ એ અવાક થઈ ગઈ. રાહુલને જોરથી એક લાફો માર્યો.

“મારા દીકરા પર આટલો જોરથી હાથ ઉગામવાની હિંમત ક્યાંથી આવી?” આજે જાહેર રજા હોવાથી અત્યાર સુધી પડોશી સાથે પંચાત કરી રહેલી રાહુલની મા એની દેરાણી ઉપર તાડૂકી.

“જુઓ, તમારાં દીકરાઓ કેવા પ્રકારની રમત રમે છે!”

રાહુલના હાથમાં ખાલી ઇન્જેક્શન અને જાનકીની અર્ધ ઉતરેલી નિકર જોઈ રાહુલની મા બધું સમજી ગઈ.

“રાહુલ.. સાલા.. આટલી ઉંમરમાં.. આવુ બધું કોણે શીખવ્યું?”

રાહુલ રડતા રડતા બોલ્યો.

“મા..પપ્પા દર આંતરે દિવસે.. જ્યારે તું કામ પર ગઈ હોય ત્યારે આવે અને કાકીને ઇન્જેક્શન મારવા રૂમમાં બોલાવે. બારણું બંધ કરી દે. મને આ સોય વિનાનું ઇન્જેક્શન બતાવે.” બોલી એને હાથ ઊંચો કરી ખાલી ઇન્જેક્શન બતાવ્યું.

“હા.. રાહુલ.. તારી મમ્મી પણ ઘણીવાર મારા પપ્પા પાસે ઈંજી લેવા આવે.. બોલ.. ખાલી ખાલી..અને મારે તો મમ્મી પણ નથી. વિધિ બોલીને રડવા લાગી.

ઘરમાં એક અકળ સોંપો પડી ગયો. દેરાણી અને જેઠાણી બંનેય મૌન એક બીજાને જોતી રહી.

-શીતલ ગઢવી

2 thoughts on “શીલત ગઢવીની કલમે

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s