મને હજી યાદ છે – ૭૯ (બાબુ સુથાર)


ગુજરાતીના અધ્યાપક તરીકેનાં મારાં સોનરી વરસો

મારું પીએચ.ડી. પૂરું થયું પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાએ મને ગુજરાતી વિષયના પૂર્ણ સમયના અધ્યાપકની નોકરીની ઓફર કરી. ત્યાં સુધી હું ક્યારેક teaching assistant હતો તો ક્યારેક ખંડ સમયનો અધ્યાપક હતો. ક્યારેક હું શું હતો એની મને પણ ખબર ન હતી. કેમ કે એ દિવસો દરમિયાન દક્ષિણ એશિયા વિભાગનું વહીવટીતંત્ર પણ હખળડખળ ચાલતું હતું. સિનિયર માણસો, એમાં પણ ખાસ કરીને જે લોકોને ગુજરાતી ભાષા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ લગાવ હતો એ બધા નિવૃત્ત થઈ ગયા હતા. એમાંના કેવળ કાર્ડોના જ રહ્યા હતા. એ પણ આમ જુઓ તો હવે દક્ષિણ એશિયા વિભાગ સાથે ઓછા અને ભાષાશાસ્ત્ર વિભાગ સાથે વધારે જોડાયેલા હતા. હવે દક્ષિણ એશિયા વિભાગના અધ્યક્ષ પણ બદલાઈ ગયા હતા. પ્રોફેસર વેલબૉનનું સ્થાન હવે આદિત્ય બહેલે લીધું હતું.

આદિત્ત બહેલ ભારતીય ઇસ્લામિક પરંપરાના નિષ્ણાત હતા. એમને યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ટકાવી રાખવામાં રસ હતો. મારું પીએચ.ડી. પૂરું થયા પછી એમણે મને કહેલું કે તમને એક વરસ અમે તાલિમના એક ભાગ રૂપે ગુજરાતી ભણાવવાનું કામ સોંપીએ છીએ. પછી તમને ગુજરાતી વિષયના અધ્યાપક બનાવીશું. એ વખતે મારી પાસે બે વિકલ્પો હતા. કાં તો હું ભારત પાછો જાઉં, કાં તો હું અમેરિકામાં જ રહી જાઉં. મેં અગાઉ નોંધ્યું છે એમ ભારત પાછા જવા માટે મેં ઘણા પ્રયત્નો કરેલા પણ મને છાજે એવી નોકરી આપવા કોઈ તૈયાર ન હતું. એટલું જ નહીં, એ દરમિયાન ભારત પણ ઘણું બદલાઈ રહ્યું હતું. એ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ. ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. ખાસ કરીને શિક્ષણમાં. જો તમે આર.એસ.એસ. કે ભાજપ સાથે જોડાયેલા ન હો તો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભાગ્યે જ તમને કોઈ પ્રોફેસરની નોકરી આપે. અને ભારતમાં બીજે નોકરી મેળવવા માટે ડીગ્રી કરતાં વધારે તો કોઈક કિંગ મેકરની જરૂર પડે. મારે કોઈ કીંગ મેકર કે કોઈ ક્વિન મેકર પણ ન હતાં. હું શરૂઆતથી જ જરા વધારે પડતો અતડો રહેતો આવેલો. જો કે, મેં અગાઉ નોંધ્યું છે એમ ભીખુ પારેખ અને સિતાંશુ યશશ્ચંદ્ર મને મદદ કરવા તૈયાર હતા. પણ મને નવા ગુજરાતનો, નવા ભારતનો સાચે જ ડર લાગી રહ્યો હતો. મને લાગતું હતું કે ભારત હવે ધીમે ધીમે theological state બનવા તરફ આગળ જઈ રહ્યું છે. જો હું પાછો જઈશ તો મારે ત્યાં જઈને પણ મૂરઝાવાનું છે. તો પછી અહીં રહીને મુરઝાવામાં શો વાંધો? મારું નહીં તો મારા સંતાનનું ભાવિ તો સારું રહેશે. મેં એક અર્થમાં અહીં રહીને મરણોત્તર જીવન જીવવાનું શરૂ કર્યું.

એક વરસ પૂરું થયા પછી આદિત્યએ મને ગુજરાતી ભાષાનો પૂર્ણ સમયનો અધ્યાપક બનાવ્યો. એ નિમણૂંક ત્રણ વરસ માટે હતી. એમાં એક શરત એવી હતી કે બે વરસની નોકરી પછી યુનિવર્સિટી મારા કામનું મૂલ્યાંકન કરે. જો મારું કામ યોગ્ય લાગે તો એ લોકો મને બીજાં ત્રણ વરસ આપે. એમાં પણ બધાં મળીને પાંચ વરસ પૂરાં થાય એટલે યુનિવર્સિટી પાછું મારું મૂલ્યાંકન કરે. જો યોગ્ય લાગે તો પાછાં બીજાં પાંચ વરસ આપે. હજી મને ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ મળતા હતા એથી મને એમ હતું કે મને કોઈ મુશ્કેલી નહીં પડે.

ત્યારે યુનિવર્સિટીએ બહેલને દક્ષિણ એશિયા વિભાગ ફરીથી બેઠો કરવા માટે પૂરતો ટેકો આપેલો. એથી યુનિવર્સિટી આદિત્યની ભલામણોનો ભાગ્યે જ અસ્વિકાર કરતી. પણ, કોણ જાણે કેમ, આદિત્યએ ગુજરાતીની બાબતમાં હજી પણ હું સમજી નથી શકતો એવો અભિગમ અપનાવેલો. ત્યારે ભાષાના મોટા ભાગના પૂર્ણ સમયના અધ્યાપકો પોતાની ભાષા ઉપરાંત વધારે નહીં તો વરસે બે કોર્સ એવા ભણાવતા જેમાં ભાષા કરતાં વધારે વિદ્યાર્થીઓ હોય. ઘણી વાર એવું બનતું કે ભાષા ભણવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જતી. આવું થાય ત્યારે જે તે ભાષાશિક્ષકને ટકાવી રાખવા માટે વિભાગના અધ્યક્ષ એને બીજા કોર્સિસ ભણાવવાનું કામ સોંપતા. દાખલા તરીકે આદિત્યએ વિજય ગંભીરને ભારતીય ટૂંકી વાર્તાઓનો કોર્સ ભણાવવા આપેલો. એમને એ કોર્સમાં પંદરથી વીસ વિદ્યાર્થીઓ મળી રહેતા. વિજયજી પોતે સાહિત્યકાર ન હતાં, એમનો સાહિત્યનો અભ્યાસ પણ નહીંવત્, ભાષાશાસ્ત્રમાં એમની સમજ ઘણી સારી. એમાં પણ હિન્દી ભાષાની વાક્યરચનામાં તો ખાસ. એ જ રીતે, વિજયજીના પતિ સુરેન્દ્રજીનું ઉદાહરણ લો. એમને હિન્દી ભાષા ઉપરાંત ભારતીય પુરાકથાઓ અને ભાષા અને સમાજ વચ્ચેના સંબંધોનો કોર્સ ભણાવવાનું કામ સોંપેલું. પુરાકથાઓના કોર્સમાં એમને ઘણી વાર સાઈઠથી એંશી જેટલા વિદ્યાર્થીઓ મળતા હતા. એ જ રીતે ભાષા અને સમાજ વચ્ચેના સંબંધોના કોર્સમાં પણ એમને પંદરથી વીસ વિદ્યાર્થીઓ મળી રહેતા. મેં બહેલને કહ્યું કે મને પણ સાહિત્યના કે ભાષાને લગતા એક બે કોર્સ ભણાવવા દો જેથી મને પણ વધારે વિદ્યાર્થીઓ મળે અને મારા પર જે અસલામતિની તલવાર લટકી રહી છે એનો ભય ઓછો થાય. મેં એમને એ માટે બેત્રણ કોર્સ પણ સૂચવેલા. એમાંનો એક કોર્સ સાહિત્ય અને કુદરતી દુર્ઘટનાઓ પર હતો. મેં એમને એમ પણ કહેલું કે હવે આપણા વિભાગે પાછા ક્લાસિકલ મોડલ તરફ જઈ વધારે નહીં તો ભારતીય-આર્ય અને દ્રવિડીયન ભાષાકૂળોના અભ્યાસ શરૂ કરવા જોઈએ. પણ, એમણે મને ચોખ્ખી ના પાડી દીધી. એમણે કહ્યું કે ના, તમે કેવળ ગુજરાતી ભાષા પર જ ધ્યાન આપો. એ દિવસે મને ખ્યાલ આવી ગયેલો કે મને આદિત્ય અને એમના સલાહકારો એક પાતળા દોરા પર લટકાવી રહ્યા છે. મારી નીચે એક ઊંડી ખાઈ છે જેનું તળિયું મને કે બીજા કોઈને પણ દેખાતું નથી. પણ મેં નીચે જોવાને બદલે ઊંચે જોયે રાખ્યું.

એ દરમિયાન આદિત્યએ વિજયજીને બોલીવુડ પરનો એક કોર્સ ભણાવવાનું કહ્યું. જો કે, વિજયજીએ સિનેમાનો કોઈ અભ્યાસ ન’તો કરેલો. પણ દક્ષિણ એશિયા વિભાગે ફિલ્મ દિગ્દર્શક હરિહરનને એ કોર્સ ભણાવવા માટે ભારતથી બોલાવેલા. શરૂઆતમાં હરિહરન એક સેમેસ્ટર માટે આવતા. પછી ધીમે ધીમે એ બે સેમેસ્ટર માટે આવતા થયા. ત્યાર પછી હરિહરન ઊર્ફે હરિ અને મારી વચ્ચે ભાઈબંદી બંધાઈ ગઈ. કેમ કે બોલીવુડમાં અમારા કેટલાક કૉમન મિત્રો હતા. મેં એમનાં નામ આપ્યાં ને એ ખુશ થઈ ગયા. એ દરમિયાન યુનિવર્સિટી પુસ્તકાલયે પણ એક ક્રાંતિકારી પગલું ભર્યું. એમણે પુસ્તકાલયમાં જ બેસીને ફિલ્મો જોઈ શકાય એવી વ્યસવ્થા ઊભી કરી. પુસ્તકાલયે આઠેક ઓરડા બનાવ્યા. એમાં એક મોટો ટીવી, એક વીએચએસ પ્લેયર. ડિવીડી પ્લેયર અને ત્રણચાર વિદ્યાર્થીઓ બેસી શકે એટલી જગ્યા. દરેક વિદ્યાર્થી પોતાપોતાનો હેડસેટ લઈને બેસી જાય. એ રીતે એ બીજા કોઈને ખલેલ ન પહોંચે એ રીતે ફિલ્મો જુએ.

ત્યારે હું અને હરિ રોજ બપોરે પુસ્તકાલયમાં પહોંચી જતા અને સાથે બેસીને ફિલ્મો જોતા. મને પ્રયોગશીલ, ખાસ કરીને યુરોપિયન ફિલ્મો ખૂબ ગમતી. હરિને એવી ફિલ્મો માટે ખાસ રુચિ ન હતી. એથી અમે ક્યારેક દલીલો કરતા. ઝગડતા પણ ખરા અને લડતા પણ. એ દરેક વાતમાં અનુસંસ્થાનવાદ લઈ આવતા અને હું કહેતો કે અનુસંસ્થાનનું તર્કશાસ્ત્ર તો જગતની તમામ ફિલ્મોને લાગુ પાડી શકાય. એ કેવળ ભારતની ફિલ્મોને જ લાગુ પડે એવું નથી. અમેરિકામાં અને હવે ભારતમાં પણ અનુસંસ્થાનવાદ એક મોટો ઉદ્યોગ થઈ ગયો છે. જો તમે અનુસંસ્થાનવાદની વાત કરો તો તમે વિદ્વાન કહેવાઓ. એ પણ મોટા ગજાના. એ ઘણી વાર મને થિયરીના માણસ કહીને પજવતો.

એક વાર હરિ મને કહે, “બાબુ, મેં બહુ પ્રયાસ કર્યો છે પણ મને પાસોલિનીની ‘Salo’ ફિલ્મ ક્યાંય જોવા મળતી નથી. ત્યારે હું બેએક વિડીયો સ્ટોરનો મેમ્બર હતો. એમાંના એક સ્ટોરમાં મેં એ ફિલ્મ જોયેલી. હું લઈ આવ્યો. મેં હરિને કહ્યું, “હરિ, ‘સાલો’ લઈ આવ્યો છું. ક્યારે જોવી છે?” અમે બીજા દિવસે સાથે એ ફિલ્મ જોવાનું નક્કી કર્યું. એ વખતે એક કોંકણી ભાષાના લેખક પણ અમારા ત્યાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે આવ્યા હતા. ત્યારે દક્ષિણ એશિયા વિભાગમાં દર વરસે ભારતથી કોઈકને કોઈક મુલાકાતી પ્રોફેસર તરીકે આવતું. એ રીતે અનંતમૂર્તિ પણ આવેલા, ગુલામ મોહમ્મદ શેખ પણ આવેલા, ગીવ પટેલ પણ આવેલા અને સુમન શાહ પણ. એમાંના ઘણા બધા કાં તો મારા મિત્રો હતા, કાં તો એ આવે પછી મિત્રો થઈ જતા.અમે ઘણી વાર સાથે જમવા જતા. હું ત્યારે કુટુમ્બ સાથે રહેતો હતો એટલે એ બધા પ્રોફેસરોને હું મારા ઘેર જમવા માટે પણ બોલાવતો. પણ મને ફોટા પાડી રાખવાનો શોખ નહીં. એટલે આટલા બધા મોટા માણસો મારા ત્યાં આવ્યા અને ગયા. મેં કોઈના ફોટા પાડ્યા નહીં. મને થાય છે કે મેં ત્યારે ભૂલ કરેલી.

જ્યારે પેલા કોંકણી લેખકને ખબર પડી કે બીજા દિવસે અમે એક ફિલ્મ સાથે જોવાના છીએ તો એ કહે: મારે પણ જોવી છે. મેં એમને કહ્યું કે આ ખૂબ જ વિવાદાસ્પદ ફિલ્મ છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં ન આવ્યો હોય એવો એક પણ દેશ નથી. અમેરિકાએ પણ એના પર પ્રતિબંધ મૂકેલો. જો કે, હવે એ પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવ્યો છે. ફિલ્મમાં પુષ્કળ હિંસા છે, જુગુપ્સાપ્રેરક દૃશ્યો છે અને છેક પોર્નોગ્રાફીની નજીક પહોંચી જાય એવાં અનેક ઇરોટીક દૃશ્યો છે. મેં નોંધ્યું છે કે ભારતથી આવતા ઘણા મિત્રોને પોર્નોગ્રાફી કે ઇરોટીક ફિલ્મોમાં વિશેષ રસ પડતો હોય છે. ઘણી વાર એવા મિત્રો આવે ત્યારે કહે, “બાબુભાઈ, એવી ફિલ્મો હોય તો બતાવોને.” હું ઘરમાં પોર્નોગ્રાફીક ફિલ્મો ન’તો રાખતો. પણ ઇરોટિક અને ખૂબ જ ચર્ચાયેલી ફિલ્મો ચોક્કસ રાખતો. હું એમને બતાવતો. પણ ઘણા એ સમજી શકતા નહીં. એને કારણે એ લોકો એમાં નગ્ન દેહોનો વ્યાપાર જ જોઈને ખુશ થતા. હું એમને ઘણી વાર કહેતો કે ચાલો, અહીં શહેરમાં પોર્નોગ્રાફી બતાવતાં થિયેટરો છે. હું તમને ત્યાં લઈ જાઉં. તો એમને સંકોચ થતો. એ કહેતા: એવું જાહેરમાં ન જોવાય.

મેં આપણા કોંકણી લેખકને કહ્યું કે આ તમે માનો છો એવી પોર્નોગ્રાફીક ફિલ્મ નથી. આ એક આર્ટ ફિલ્મ છે. પહેલાં એના વિશે થોડું વાંચી લો. પછી જુઓ. પણ, એમને એમની રુચિ પર કદાચ વધારે ભરોસો હતો. બીજા દિવસે હરિહરન, એ લેખક અને મેં- એમ ત્રણેય સાથે બેસીને એ ફિલ્મ જોઈ. હરિહરન તો ફિલ્મ દિગ્દર્શક હતો. એટલે એને એમાં જરા જુદી રીતે રસ પડ્યો. મને એમાં રહેલી ફિલસૂફીમાં રસ પડ્યો. આપણા કોંકણી લેખક બિચારા ખૂબ હેરાન થઈ ગયા. એ બે દિવસ ખાઈ ન શક્યા. મને કહે, “બાબુભાઈ, ખાવા બેસું ને ફિલ્મનાં સીન યાદ આવી જાય. પછી ઉલટી જેવું થાય. આવી ફિલ્મ આ લોકોએ કઈ રીતે બનાવી હશે?”

હરિહરન સાથે મેં નહીં નહીં તો સોથી વધારે ફિલ્મો જોઈ હશે. એને કારણે મારી ફિલ્મની રુચિ પણ ઘણી ઘડાયેલી. એ દરમિયાન હરિહરનને મદ્રાસમાં જ એક ફિલ્મ ઇન્સ્ટિટયુટમાં ડાયરેક્ટરની નોકરી મળી ગયેલી. એથી એણે આદિત્યને કહ્યું કે બાબુભાઈમાં ફિલ્મની ઘણી ઊંડી સુઝ છે. હું બાબુભાઈને બોલીવુડ માટે તૈયાર કરું જો તમને વાંધો ન હોય તો. દેખીતી રીતે જ આદિત્યના મનમાં બીજું કઈક હશે. એણે ના પાડી. પણ, મારો અને હરિહરન વચ્ચેનો સાથે સિનેમા જોવાનો સંબંધ યથાવત રહ્યો.

મારે હવે Beginning Gujarati I અને II, Intermediate Gujarati I અને II અને Advanced Gujarati I અને II એમ વરસના બધા મળીને છ કોર્સ ભણાવના હતા. મેં અગાઉ નોંધ્યું છે એમ આ કોર્સ ભણાવવાની સામગ્રી પણ મારે જ તૈયાર કરવાની હતી. Intermediate Gujarati માટે મેં ઇસપની કથાઓ ગુજરાતીમાં લખેલી. વિદ્યાર્થીઓને એ કથાઓ ખૂબ ગમતી. એના આધારે એ લેખન અને વાંચન શીખતા. Advanced Gujaratiના કોર્સને પણ મેં ભાગમાં વહેંચી નાખેલો. Fall સેમેસ્ટરમાં હું ક્યારેક ‘સુદામાચરિત્ર’ કે ‘કુંવરબાઈનું મામેરું’ જેવી કોઈ બે મધ્યકાલીન કૃતિઓ અથવા તો નરસિંહ, મીરાં અને દયારામની પસંદ કરેલી કૃતિઓ અથવા તો સંત પરંપરા ભણાવતો જ્યારે બીજા સેમેસ્ટરમાં હું ગુજરાતી લોકપ્રિય સંસ્કૃતિ ભણાવતો. મેં એ કોર્સને લોકપ્રિય ધર્મ, ગરબા અને રાસ, સુગમ સંગીત/બારોટની કથાઓ, સ્ટેન્ડીંગ કૉમેડી અને લોકગીતો એમ પાંચ ભાગમાં વહેંચી નાખેલો. લોકપ્રિય ધર્મના ભાગ રૂપે હું મોરારિબાપુની કથાઓ અથવા તો દાદા ભગવાનનાં વ્યાખ્યાનો ભણાવતો. વિદ્યાર્થીઓ એમનાં પ્રવચનો વાંચતા/જોતા/સાંભળતા. એ જે ગુજરાતી ભાષા વાપરતા એના આધારે તેઓ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું વિશ્લેષણ કરતા. એક વિદ્યાર્થીએ મોરારિબાપુની કથામાં આવતી આડવાતો પર એક સરસ લેખ લખેલો. બીજા એક વિદ્યાર્થીએ ગંગા સતીનાં દસ ભજનોનો અનુવાદ કરીને લગભગ સિત્તેરેક પાનાં જેટલો લાંબો લેખ લખેલો. એક વાર મેં અનુવાદ પર કોર્સ આપેલો. એના નિમિત્તે વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યિક કૃતિઓનો અનુવાદ કરતા. એક વિદ્યાર્થીએ જ્યારે Advanced Gujaratiનો કોર્સ લીધો ત્યારે એને એના બાપુજીએ ખખડાવેલો. કહેલું: શા માટે ગુજરાતી ભણે છે તું? બીજું કંઈક સારું ભણ. પછી એ વિદ્યાર્થીએ મારી એક વાર્તાનો અનુવાદ કરીને એક આંતરરાષ્ટ્રિય સામયિકમાં મોકલ્યો. સ્વીકારાયો અને છપાયો. જ્યારે એ સામયિકની નકલ એ વિદ્યાર્થીના ઘેર ગઈ ત્યારે એના બાપુજી જે કોઈ આવે એને એ સામયિક હોંશે હોંશે બતાવતા ને કહેતા કે જુઓ, મારા છોકરાનું નામ ચોપડીમાં આવ્યું.

ક્યારેક હું વિદ્યાર્થીઓને સ્વતંત્ર કોર્સ પણ આપતો. એમાં વિદ્યાર્થી કોઈ એક પ્રોજેક્ટ લઈને કામ કરતા. આપણા મોટા ભાગના ગુજરાતી વિદ્યાર્થીઓ મેડીકલમાં જતા. એટલે હું એમને મેડીકલ કૉલેજમાં પ્રવેશ મેળવવામાં મદદરૂપ થાય એવા સ્વતંત્ર કોર્સિસ આપતો. એક વિદ્યાર્થીએ બક્ષીની ‘પેરેલેસિસ’ અને ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથામાં લકવો અને પોલિયોના નિરૂપણ પર કામ કરેલું. તો એ જ રીતે, એક વિદ્યાર્થીએ ગુજરાતી ભાષામાં રોગનાં નામો પર કામ કરીને જે તે રોગને ગુજરાતી ભાષકો કઈ રીતે જુએ છે એના પર કામ કરેલું. જેમ કે તાવ આવે કે જાય, અથવા ચડે કે ઊતરે. પણ શરદી આવે નહીં, કે ચડે નહીં. શરદી થાય. એ જ રીતે, ઘા પડે, થાય નહીં. વગેરે. સ્વતંત્ર કોર્સમાં વિદ્યાર્થીઓએ ખૂબ કામ કરવું પડતું. એમણે નહીં નહીં તો દોઢથી બે હજાર પાનાં વાંચવાં પડતાં. ગુજરાતીમાં ઓછાં. અંગ્રેજીમાં વધારે. ગુજરાતી કેવળ સામગ્રી પૂરતા જ.

એ દિવસો દરમિયાન જ મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરેલી. મેં કહ્યું છે એમ યુનિવર્સિટી મારી ગ્રીન કાર્ડની અરજીને ટેકો આપવા તૈયાર હતી પણ પોતે અરજી કરવા તૈયાર ન હતી. કેમ કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એ લોકો સિનિયર અધ્યાપકને જ કે પ્રોફેસરને જ સ્પોન્સર કરી શકે એમ હતા. એટલે એ કામ મારે જાતે જ કરવું પડે. અલબત્ત, યુનિવર્સિટીના ટેકાથી. જે મેં કરેલું. એના વિશે મેં આગળ લખ્યું છે.

એ દરમિયાન, બીજી ઘણી બધી ઘટનાઓ બની. વિજયજી નિવૃત્ત થઈ ગયાં. એ અમારાં Language Coordinator પણ હતાં. બીજું, દક્ષિણ એશિયા વિભાગ થોડોક બેઠો થઈ ગયો. કેટલાક સિનિયર પ્રોફેસરો નિવૃત્ત થયા; કેટલીક નવી નિમણૂંકો પણ થઈ. વિદ્યાર્થીઓની સંખ્યા ફરી એક વાર વધવા લાગી. હરિહરને આવવાનું બંધ કરી દીધું. મને થયું: લાવ, ભારતમાં કરેલું એમ અહીં પણ કરવા દે. ભારતમાં મને ગુજરાતીમાં નોકરી ન મળી ત્યારે મેં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરેલું અને આખરે મને ભાષાશાસ્ત્ર વિભાગમાં નોકરી મળેલી. મેં અહીં સિનેમા સાથે ત્રીજું (આમ તો ચોથું) એમ.એ. કરવાનું નક્કી કર્યું. મને એમ કે આ એમ.એ. કદાચ મારી રોજીરોટી અટકવા નહીં દે.

આ જ દિવસો દરમિયાન આદિત્ય બહેલનું અકુદરતી અવસાન થયું. એ સાથે જ મેં મારા માટે થોડી ઘણી સહાનુભૂતિ ધરાવતો એક માણસ હતો એ પણ ખોયો.

બહેલના અવસાન પછી મારા માટે વાસ્તવિકતા ઘણી બધી બદલાઈ ગઈ.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s