સ્મશાનના એક ખૂણે આવેલી ઝૂંપડીની સ્મશાનવત્ શાંતિમાં અચાનક ખલેલ… તડ્ દઈને કાચની જેમ તૂટતી માંડ માંડ ટકેલી ખામોશી, સ્હેજ ઝોકાં ખાતી માના કાનમાં ડંકા વગાડી ગઈ. જેનો ડર હતો, એ જ રાક્ષસ જાગી રહ્યો હતો.
‘ખાવાનું માંગ મા’ ઍમ માને કહેવાનું મન જરૂર થયું, પણ આખરે એ મા હતી. મા, જેના ખોળામાં ચાર વર્ષની જિંદગી ટૂંટિયું વાળી પડી હતી… નિસ્તેજ. માત્ર બોલવા પૂરતી શક્તિ ધરાવતી બાળકના જટિલ પ્રશ્નનો કોઈ સહેલો જવાબ મા પાસે નહોતો એ જાણતી હતી એથી ચૂપ રહી જાણે કશું સાંભળ્યું નથી ઍમ સ્થિર બેસી રહી.
‘મા… મા… ખાવાનું?’
પોતાના જ શ્રેષ્ઠ સર્જનને ભૂખની ભેટ આપી. એને સદાય પાંગળો રાખનાર ઈશ્વર પ્રત્યે ચીડ ઘણી જ આવી. લાચાર હતી. શું કરી શકે? એણે જીવન આપ્યું ખરું, પણ પૂર્ણવિરામની જગ્યાએ અલ્પવિરામ લખવાનુંય એ ભૂલી ગયો હતો. પ્રશ્નો અનેક આપ્યા હતા. જવાબ?
બાળકને ખોળામાંથી ભોંય પર મૂકતા એને ઊભા થવું પડ્યું. એને ઊભી થતી જોઈ બાળકની આંખમાં આશાના આગિયા ચમક્યા. ખૂણામાં પડેલાં બે-ચાર વાસણોને સૂંઘીને નાકનું ટેરવું ઊંચે ચઢાવતા ઊંદરો પણ ચાલી ગયા હતા. મા ચાલીને અભરાઈ પાસે આવી. એના પર પડેલા ડબ્બામાં જો ચપટી લોટ મળે તો પાણીમાં ઘોળી આપી શકાય. એવી લંગડી આશાને મનમાં સાચવતા ડબ્બો ખોલ્યો. ડબ્બો માત્ર હવાથી જ ભરેલો હતો. એણે પાણિયારા પાસે આવી આંખોને પાણીથી ધોઈ. સહેજ ઠંડક વળતાં એણે આજુબાજુ નજર ફરી ફેરવી. આમ તો દૃશ્ય સાફ હતું ખાલીપણું ઠેર ઠેર વેરાયેલું હતું. આમતેમ બેચાર વાસણો ફંફોસતાં રોટલાનો નાનકડો ટુકડો હાથમાં આવ્યો. સૂકો પણ સુખ આપે એવો. કદાચ પાણી છાંટવાથી નરમ બનાવી બાળકને ખાવા આપી શકાય, પણ એક ટુકડાથી શું વળે? એણે ફરી બાળક તરફ જોયું.
પછી એ ચાલીને ઝૂંપડીના દરવાજા લગી આવી. બહારનુંય દૃશ્ય સાફ હતું. ઉપર નજર કરી તો લાગ્યું નભના આંગણમાંય ભૂખ્યો સૂર્ય લથડિયાં ખાતો હતો. એણે સામે નજર કરી, ઝૂંપડીથી થોડે દૂર ઊગેલા લીલાછમ લીમડાના ઝાડની છાયામાં એનો ધણી, બાળકનો બાપ, અર્ધતૂટેલા ખાટલામાં પડ્યો પડ્યો અર્ધબળેલી બીડી ફૂંકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ખાંસી આવતા બેવડી વળી જતી કૃષ કાયાને જોઈ પ્રશ્ન એની જીભ પર જ વિરમી ગયો. નજરથી નજર મળી અને મૌન પરિસ્થિતિ બયાન કરી ગઈ. ખિન્નતાને આંખોમાં ભરતીએ ઝૂંપડીમાં પાછી વળી ગઈ. ખાલી ઝૂંપડીમાં ફરી એક વાર બેબાકળી નજર ફેરવી. બાળક એ જ પ્રશ્ન સાથે સાંત પડ્યું હતું. છાતીના ધાવણ જેમ બાળકની આંખોમાં આંસું સુકાઈ ગયાં હતાં.
જે દેખાય નહી એનું મોટું દુ:ખ! આ ઈશ્વર… મન… વિચાર ભૂખ અને હવા જેવી જિંદગીનો અહેસાસ! માણસે બળવું જ પડે… સંદેહે કે મનદેહે. ત્રણ દિવસ મૃત્યુએ ગામમાં શું હડતાળ પાડી કે પોતાની ઝૂંપડીમાં જિંદગીનો શ્વાસ અધ્ધર થઈ ગયો! પણ પોતાના બાળકના જીવન માટે કોઈના મોતનો આશીર્વાદ ઈશ્વર પાસે માંગી નગુણા થોડા થવાય?
પાંચ વર્ષ વીતી ગયાં હતાં. પરણીને સ્મશાનના ખૂણે આવેલી આ ઝૂંપડીમાં રહેતાં. ભસ્મ થતાં દરેક દેહની સાથે પોતાના સંસારમાં નવા જીવનકોષો રચાતા. ચિતા બાળવામાં માહિર થયેલા પતિને જિંદગી બાળવાનો અનુભવ ટૂંકો પડતો હતો. પોતે પણ પોતાના જ જેવાં ગરીબો પાસેથી કદીક કદીક માંગી લાવીને બે છેડા ભેગા કરવાની મથામણ તો કરતી જ હતી.
‘મા, ખાવાનું?’
તંદ્રામાંથી જાગતી, ‘હા… બેટા…’ વાક્યને મુખમાં જ ધરબી રાખીને એ રોટલાના ટુકડા તરફ વળી, થયું પાણીથી ભીંજવી ભૂકો કરી ખવડાવુંતો કદાચ જીવને ટાઢક વળશે. નાની વાટકીમાં સૂકા રોટલાના ટુકડા પર થોડું પાણી રેડ્યું. આંગળીથી મસળતાં થોડી જ ક્ષણોમાં લોટના લોંદા જેવું થઈ ગયું પછી બાળક તરફ નજર કરી.
એને બરાબર યાદ હતું. બળતી ચિતાના પ્રકાશે જ પરણીને આવતા ઝૂંપડીનો માર્ગ સંધ્યાકાળે બતાવ્યો હતો. અને પ્રસવની પીડા પછી, બળતી ચિતાના પ્રકાશના ઓછાયામાં જન્મેલા બાળકને જોઈ કદીક કહેવાનું મન થતું કે તું નસીબદાર છે કે જવાના સ્થળે જ તું જનમ્યો છે.
ખોં… ખોં… ખોં… ખાંસીના નિર્દય અવાજે એની વિચારધારા અટકાવી. બહાર બેઠેલા પતિના મનમાંય પણ પોતાને જ સતાવતા સવાલો ઘોળાતા હશે?
પતિ ઝૂંપડીમાં દાખલ થયો. પત્નીનો હાથમાં વાટકી જોઈ બે ઘૂંટડા પાણી પી નજર નીચી કરી બહાર ચાલ્યો ગયો. એની ચાલમાં રહેલી અસ્થિરતા એ પળવાર જોઈ રહી. ઝૂંપડીમાં ફરી શાને એમે નજર ફેરવી તે સમજાયું નહીં. પોતાની જિંદગી સિવાય બાકી વેચવા જેવું બધું જ વેચી નાખ્યું હતું.
ત્રણેક દિવસની લાંઘણ પછીય વિચારવાની શક્તિ મંદ ન પડી હતી એનું આશ્ચર્ય જરૂર થયું. ખુદ પોતે પણ હમણાં જ માંદગીમાંથી ઊઠી હતી. એને લાગ્યું કે નબળાઈ હોવા છતાંય બહાર જઈ કંઈ મદદ માગ્યે કે કામ કર્યે જ છૂટકો છે. દમની બીમારીથી પોતાના પતિ પાસે હવે ચિતાના લાકડાં ઊંચકવાં જેટલી શક્તિ બાકી રહી ન હતી.
‘મા… ખાવાનું?’ ક્ષીણ અવાજ.
ફાટેલા સાડલાને માથા પર ઠીક કરતી હાથમાં વાટકી લઈ ભોંય પર બેસતા બાળકને ખોળામાં લીધું. બાળકના પેટમાં પડેલા વેંત જેટલા ખાડા પર હાથ ફેરવ્યો. બાળકની આંખોના ગોખલામાં ટમટમતી નિસ્તેજ નજર હવે માના મુખ પર સ્થિર થવાનો પ્રયત્ન કરવા લાગી, એના બધા જ સવાલોનો જવાબ એની મા હતી.
ઢળતા સૂરજે, દાન આપતો હોય તેમ થોડાં કિરણો દરવાજામાંથી ઝૂંપડીમાં ફેંક્યાં. પવનની લહેરખી બાજુમાં ઊગેલી જૂઈનાં ફૂલોની સુગંધ લઈ, ઝૂંપડીમાં આંટો મારી બહાર વહી ગઈ. દૂરના મંદિરમાં ઘંટારવ પણ અંદરનું વાતાવરણ. કુંભકર્ણની માફક ઘોરતું રહ્યું. જીવન એટલે મૃત્યુ પહેલાંની વાર્તા માત્ર…
વાટકીમાંથી લોટના લોંદાને ભાંગતા, એક નાનકડો કોળિયો એણે બાળકના સૂકા મુખમાં મૂક્યો, પળ મુખમાં, ચગળી, બાળકે મોઢું બગાડતા, આંગળી વડે કોળિયાને બહાર કાઢી નાખ્યો. એની જીભને સ્વાદની હજુ ખબર હતી. બાળકે મા તરફ જોયું. મા નીચું જોઈ ગઈ. મૌનની પરિભાષા ઘટ્ટ બની ગઈ હતી. પળભર કહેવાનું મન થયું કે બેટા જીવનભર જીભના સ્વાદને ક્યાં સુધી સાચવશે? જ્યાં જીવન જ બેસ્વાદ હોય ત્યાં પછી બીજા ચટાકા શા માટે? પણ પણ પોતે મા હતી. બાળકને માથે હાથ ફેરવતા,વાટકી પાછી એણે હાથમાં ઊંચકી બાળકનામુખ પાસે ધરી… બાળક.
‘રામનામ સત્ય હૈ…’ ‘રામનામ સત્ય હૈ….’ ‘રામનામ’નો અવાજ કાને પડતાં જ ટૂંટિયું વાળીને ખોળામાં પડેલી જિંદગી બે પગ ઉપર ટટ્ટાર ઊભી થઈ. ઝૂંપડીના દ્વાર તરફ તરત જ દોડી. માની ભીની આંખોના ખૂણે હાથની આભા પ્રભાત સમ પ્રગટી.
બધી ૧૩ વાર્તાઓ હ્ર્દયસ્પર્સી. દૃષ્યો નજર સામે તાદૃષ્ય થાય છે. નિલેશભાઈ તમારો ખૂબ જ આભાર અને માનનીય દાવડા સાહેબનો દાવડાનું આંગણુંમાં આ વાર્તાઓ મૂકવા બદલ આભાર.
બધીજ વાર્તાના વિષયો નવા છતાં એક એકથી ચઢિયાતી વાર્તાઓ.
LikeLiked by 1 person
વિવિધ ગંભીર વિષયો પર ખુબ સરસ વાર્તા.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
ગંભીર વાતો -સ રસ વાર્તાઓ
LikeLike
બધી ૧૩ વાર્તાઓ હ્ર્દયસ્પર્સી. દૃષ્યો નજર સામે તાદૃષ્ય થાય છે. નિલેશભાઈ તમારો ખૂબ જ આભાર અને માનનીય દાવડા સાહેબનો દાવડાનું આંગણુંમાં આ વાર્તાઓ મૂકવા બદલ આભાર.
LikeLike