ડેસ્ટીની અને સેરીનીટી બન્ને બહેનો. ચાર વર્ષની જોડિયા બહેનો પણ બન્ને ના સ્વભાવ વચ્ચે આસમાન જમીનનો ફરક. આ વર્ષે અમારા ક્લાસમાં જ્યારે બન્ને બહેનો આવી તો શરૂઆતમાં અમે પણ ભુલ કરી બેસતા એટલો દેખાવ સરખો. મમ્મી પોતે થોડી રઘવાઈ લાગે. એવું લાગે કે કદાચ એમનુ માનસિક સંતુલન પણ બરાબર નહિ હોય. મમ્મી ને માસી બન્ને સાથે મુકવા આવે. તરત ખ્યાલ આવી જાય કે માસી જ મુખ્ય કર્તાહર્તા છે. પિતા ક્યાં છે તેની અમને જાણ નહિ. લગભગ અઠવાડિયું મમ્મીને માસી સાથે આવે અને બાર વાગે બન્નેને સાથે પાછ લઈ જાય, ત્યાં સુધીમા એમની ફાઈલ પણ આવી ગઈ.
ડેસ્ટીની અને સેરીનીટી ભલે જોડિયા બહેનો, દેખાવ સમાન પણ સ્વભાવ એકદમ વિરોધાભાસી. શારિરીક અવસ્થામાં પણ ફરક, જમવામાં ફરક.જન્મ એમનો સમય કરતાં વહેલો થયો હતો એટલે મગજ અને શરીર બન્ને પર અસર થઈ હતી. પગમાં પુરી તાકાત નહિ એટલે બન્નેને પગ મજબૂત રાખવા કૃત્રિમ બુટ પહેરાવવા પડે. વજનદાર બુટ સાથે પણ બન્ને બહેનો દડબડ દડબડ દોડે. રમવાના મેદાનમાં પણ લસરપટ્ટીના પગથિયા બન્ને ચઢે. સેરીનીટીને લીવરમાં કાંઈક તકલીફ, પેટ પર કોઈ નાની નળી જેવું મુકેલુ એટલે દરરોજ બાર વાગ્યે મમ્મી કે માસી આવીને એને લઈ જાય, પણ ડેસ્ટીની બીજા અઠવાડિયાથી આખો દિવસ સ્કૂલમાં રહેવા માંડી. તકલીફ હોવા છતાં સેરીનીટી હમેશ હસતી અને બધા સાથે સહજતાથી ભળી જાય.
સ્કૂલ બસના ડ્રાઈવરને એમની બહુ ચિંતા!!! એટલા સંભાળીને બસમાં થી ઉતારે, હાથ પકડીને અંદર મુકવા આવે. મને કહે “મીસ મુન્શા તુ બીજા બાળકોને લઈ જા, હું ડેસ્ટીની, સેરીનીટીને લઈ આવું છું.”
થોડા દિવસ તો હું કાંઈ બોલી નહિ પણ પછી મેં એમને કહ્યું, “તમે બે મિનીટ અહીંયા ક્લાસના દરવાજા પાસે ઉભા રહો અને જુઓ શું થાય છે?” ડેસ્ટીની ફક્ત પ્રોટીનવાળા દુધ પર જ જીવે. બસમાંથી ઉતરે ત્યારે દુધની બોટલ મોઢામાં હોય. સેરીનીટી આમ તો બધુ ખાઈ શકે પણ ડૈરી પ્રોડક્ટ બહુ ના અપાય, નહિ તો ઝાડા થઈ જાય. ડેસ્ટીનીનો ગુસ્સો ગજબનો. ક્લાસમાં આવતાની સાથે જો એને ગમતું રમકડું બીજા કોઈ બાળકના હાથમાં હોય તો એં એં કરીને ઝડપ મારી એ રમકડું બીજાના હાથમાંથી ઝુંટવવાની કોશિશ કરે અને જો ના મળે તો એક ઠુંસો, એક ધક્કો કે એક થપ્પડ મારી દે. અરે!! જો એનુ ધાર્યું ના થાય તો અમારી સામે પણ હુંકાર કરે. દિવસમાં એને ત્રણ વાર દુધની બોટલ આપવાની હોય, પણ એ બેનને તો આખો દિવસ મોઢામાં બોટલ રાખી મુકવાની આદત. ઘરે કદાચ મમ્મી એમ કરતી હશે પણ અમારે તો એની તબિયતની કાળજી અને ડોક્ટરની સુચનાનુ પાલન કરવાનુ હોય એટલે બોટલ માટે અમારી સામે પણ એટલો ગુસ્સો દેખાડે.
આ બધું પેલા ડ્રાઈવરને બતાડ્યું અને કહ્યું “આ બાળકીઓને વધારે પડતી દેખભાળની જરૂર નથી”
બન્ને બહેનોમાં ડેસ્ટીની આળસુ, એને ક્લાસની બીજી પ્રવૃતિમાં બહુ રસ નહિ, બાળગીતો ચાલતા હોય, સ્માર્ટ બોર્ડ પર એ, બી,સી, ડી કે બાળકોને ગમતા કાર્ટુન કાંઈ પણ હોય ડેસ્ટીનીને જરાય રસ નહિ. જો એને આઈપેડ આપો તો આખો દિવસ એમાં મગન પોતાને જોવી હોય એ જ ગીતોની વેબસાઈટ આખો દિવસ જોયા કરે. જ્યારે સેરીનીટી બધા સાથે ગીતો ગાવામાં ભાગ લે, ક્લાસની પ્રવૃતીમાં ભાગ લે, હમેશા હસતી અને પરાણે વહાલી લાગે એવી. ઝડપથી બીજા બાળકોના નામ શીખવા માંડી. અમે કોઈને બોલાવીએ તો અમારી સાથે એ પણ નામ લઈને બુમ પાડે, અને પછી ખિલખિલ કરી હસી પડે. તમે જ કહો આવા બાળકો પર કોને વહાલ ના આવે??
લાગે છે સેરીનીટી ઝડપથી આગળ વધશે પણ ડેસ્ટીની અમારી બરાબર કસોટી કરશે, પણ એમા જ તો મઝા છે જ્યારે આ બાળકોના જિવનમાં, એમને પ્રોત્સાહિત કરવામાં, એમને પ્રગતિના પંથે આગળ વધારવામાં અમારો પણ કાંઈક ફાળો હોય અને જ્યારે એમના કુટુંબીજનોના ચહેરા પર અહોભાવની લાગણી હોય એ જ અમારો સહુથી મોટો સરપાવ છે.
અમને ખુશી છે કે ડેસ્ટીની ને સેરીનીટીને મમ્મી સાથે મા તુલ્ય માસી મળી છે જે અમારી બધી સુચનાને અમલમાં મુકવા પુરેપુરો સાથ આપે છે અને જરૂર એક દિવસ આ ચમકતી તારલીઓ નીલગગનના ચમકતા સિતારા બનશે.
Thank you so much Davada Saheb.
LikeLike
We appreciate teachers patience and equal love for all children and wishing them best of best Future.
LikeLike