અંકિતા
કરોડપતિ સુમનલાલ શેઠના એકના એક પુત્ર મોન્ટુએ જયારે પોતાની સાથે M B A ના ફાઇનલ ઈયરમાં ભણતી સુમનલાલ શેઠના જ પાર્ટનર શાંતિલાલ શેઠની એકની એક દીકરી અંકિતાને પ્રપોઝ કર્યું, ત્યારે મોન્ટુના આશ્ચર્ય વચ્ચે અંકિતાએ તેનો ઇન્કાર કર્યો. છેલ્લા 3 વર્ષથી તે અને વિકી ગળાડૂબ પ્રેમમાં હતા. વિકી મધ્યમ વર્ગનો પણ હોશિયાર છોકરો હતો. જયારે મોન્ટુને તો તેના પપ્પાનો ધંધો સાંભળવાનો હોવાથી કોલેજ તો તેને માટે એક મોજ મસ્તી કરવાની જગ્યા હતી. તેના પૈસાને કારણે ઘણી છોકરીઓ તેની આગળ પાછળ ફરતી અને કેટલીક તો તેની જીવન સાથી બનવાના ખ્વાબો પણ દેખતી. મોન્ટુને બિલકુલ ખબર ન પડી કે અંકિતાએ તેને કેમ ના પાડી. કારણકે વિકી અને અંકિતાનો પ્રેમ એટલો બધો છૂપો છૂપો ચાલતો કે કોઈને પણ તેની ગંધ આવતી નહિ.
સુમનલાલ શેઠ પણ ઇચ્છતા હતા કે તેમના દીકરા મોન્ટુનું અંકિતા સાથે ગોઠવાઈ જાય તો સારું. અંકિતા બીજે લગ્ન કરે તો નફાનો અમુક હિસ્સો વહેંચાઈ જાય; ત્યારે જો આ સંબંધ બંધાઈ જાય તો; બધો જ નફો એક જ કુટુંબમાં રહે. પણ આવી આંટીઘૂંટીથી અજાણ અંકિતા, વિકી અને મોન્ટુ પોતપોતાની મસ્તીમાં જીવતા હતા. પણ એક દિવસ જયારે શાંતિલાલ શેઠ પાસે સુમનલાલે વાત મૂકી ત્યારે શાંતિલાલ કોઈ રીતે ઇન્કાર કરી શક્યાં નહિ. કારણકે ધંધાકીય રીતે શાંતિલાલ, સુમનલાલના ઘણા ઉપકારો તળે દબાયેલા હતા.
પણ જયારે શાંતિલાલ શેઠે પોતાની દીકરી અંકિતાને પૂછ્યું; તો અંકિતાએ ઇન્કાર કર્યો, અને જયારે ખુબ જ પ્રેમથી તેને પૂછવામાં આવ્યું કે કેમ મોન્ટુમાં શું વાંધો છે? ત્યારે અંકિતાને સાચું બોલી જ જવું પડ્યું. પોતાના એકના એક સંતાનને શાંતિલાલ શેઠ દુઃખી કરી શક્યા નહિ, આમ આ વાત પર પડદો પડી ગયો. જોકે મોન્ટુ બહુ જ ઉદાર હૃદયનો યુવાન હતો અને તેને પણ આ વાત ભૂલી જવા જેવી જ લાગી. આખરે વિકી અને અંકિતના લગ્ન લેવાયા અને મોન્ટુએ તેમાં હાજરી પણ આપી, મોન્ટુના મનમાં આ અંગેનો કોઈ રંજ ન હતો.
પણ સુમનલાલ શેઠનું મન શાંતિલાલ શેઠ સાથે હવે ઉઠી ગયું અને એક દિવસ બહુ જ પ્રેમથી તેમણે શાંતિલાલને ધંધામાંથી છુટા થવાનું કહ્યું. શાંતિલાલ શેઠ, અંકિતા કે મોન્ટુને આ સમજતા વાર ન લાગી કે આટલા બધા વર્ષની ચાલી આવતી પાર્ટનરશિપનો અચાનક અંત કેમ આવ્યો.
શાંતિલાલ શેઠે પોતાના ભાગે જે પૈસા આવ્યા તેમાંથી નવી ફર્મ શરુ કરી. આ બધી જ વાતથી વિકી તદ્દન અજાણ હતો. તે પણ ખરા દિલથી સસરા પાસેથી ધંધાની આંટીઘૂંટી શીખવા લાગ્યો. અંકિતા તો પહેલેથી જ આ બધી વાતોથી પરિચિત હતી. શાંતિલાલનો ધંધો ખુબ જ ઝડપથી પ્રગતિ કરવા લાગ્યો જયારે હવે તેના હરીફ બની ચૂકેલા સુમનલાલ શેઠના મોન્ટુએ કોલેજમાં રખડી ખાધું હતું એટલે ધંધામાં જીવ ન લગાડી શક્યો. સુમનલાલ શેઠે ઘણું એડી ચોટીનું જોર લગાવ્યું પણ શાંતિલાલની પેઢી સામે ટકવું મુશ્કેલ બનતું ગયું. વિકી ધંધામાં નવો હતો પણ અંકિતાએ જે કુનેહ બતાવી તે જોઈને તો શાંતિલાલ શેઠ અને સુમનલાલ શેઠ પણ મોઢામાં આંગળા નાખી ગયા. ધીમે ધીમે શાંતિલાલ શેઠ અને સુમનલાલ શેઠ વૃદ્ધ થતા ધંધાની કમાન યુવાનોના હાથમાં આવી. મોન્ટુના અથાક પ્રયત્નો પછી પણ તે અંકિતની કુનેહ સામે ટકી ન શક્યો. થોડા વરસો પછી શાંતિલાલ શેઠ અને સુમનલાલ શેઠનું અવસાન થયું. ચારેક વર્ષ પછી તો મોન્ટુની પેઢીને બઝારમાં ટકવું પણ મુશ્કેલ થઇ ગયું; ત્યારે અંકિતાએ વિકીને સમજાવ્યો કે મોન્ટુ તેમનો એક માત્ર હરીફ છે; જો તેને પોતાની સાથે જોડાઈ જવા માટે રાજી કરી શકાય તો આપણી પેઢી ને ઘણો ફાયદો થાય. અને મોન્ટુ પાસે જયારે આ દરખાસ્ત લઈને વિકી અને અંકિતા ગયા ત્યારે મોન્ટુ ને ખુબ જ આશ્ચર્ય થયું. પણ તેણે સંમતિ આપી. હવે અંકિતા બંને સંયુક્ત પેઢીની સર્વોસર્વા બની ગઈ. વિકી અને મોન્ટુ પણ મિત્રો બની ગયા.
એક દિવસ નવરાશની પળોમાં વિકી મોન્ટુ અને અંકિતા બેઠા હતા, ત્યાં વિકીએ પૂછ્યું ”અરે યાર મોન્ટુ; તે હજી સુધી કેમ લગ્ન નથી કર્યા?” પ્રશ્ન સાંભળીને અંકિતા એક દમ સચેત થઇ ગઈ. મોન્ટુ એ એકદમ સહજ ભાવે કહ્યું ” યાર કોઈ સારી છોકરી તો મળવી જોઈએ ને?” અને ત્રણેય ખડખડાટ હસી પડ્યા.
સમય વીતતો ચાલ્યો અને વિકી ને કેન્સર ડિટેકટ થયું. ઘણા ઈલાજ પછી પણ તેને બચાવી ન શકાયો. અંકિતા એ ધીરજ ગુમાવ્યા વગર પેઢીની બાગડોર સંભાળી રાખી. આજે વરસો પછી આ પેઢીનો કોઈ વારસદાર નથી ત્યારે વૃદ્ધ થઇ ગયેલ મોન્ટુ; વૃદ્ધ થઇ ગયેલ અંકિતાને પૂછે છે કે ”તેણે પુનર્લગ્ન કેમ ન કર્યાં?” ખડખડાટ હસતી પણ હૃદયમાં ગમ છુપાવતી અંકિતા જવાબ આપે છે કે ”યાર, કોઈ સારો છોકરો તો મેળવી જોઈએ ને?”
અને બંને ખડખડાટ હસી પડ્યા. પોતપોતાના ગમને છુપાવીને.
—–રેખા ભટ્ટી
સ રસ સંવેદનશીલ વાર્તા
‘પોતપોતાના ગમને છુપાવીને’ અણકલ્પ્યો અંત….
LikeLike
સ રસ સંવેદનશીલ વાર્તા
LikeLike