મને હજી યાદ છે – ૮૧ (બાબુ સુથાર)


પહેલી વાર બેકાર

હવે મને અણસાર આવી ગયેલો કે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષાનું કોઈ ભાવિ નથી. એક બાજુ અમેરિકામાં બદલાતી જતી ભાષા પરિસ્થિતિ, બીજી બાજુ યુનિવર્સિટીની બદલાતી જતી ભાષાનીતિ, ત્રીજી બાજુ ડીપાર્મેન્ટનો ગુજરાતી ભાષા પરત્ત્વેનો અભિગમ. એમાં વળી વહીવટીતંત્રના અભિગમનો પણ સમાવેશ કરવો પડે. ચોથી બાજુ ઘટતા જતા વિદ્યાર્થીઓ. આ બધાની વચ્ચે હું ‘ગાંધીજીની ભાષા ભણો’-ની જાહેરાતો આપું તો પણ કોઈ અર્થ સરે એમ ન હતો. એટલે મેં વિચાર્યું: મારે કોઈક વૈકલ્પિક માર્ગ શોધવાનું શરૂ કરી દેવું જોઈએ. પણ વરસો સુધી ભાષાનું અને એ પણ એકેડેમિક કામ કર્યા પછી ભલભલા માણસો અર્થહીન (insignificant­) થઈ જતા હોય છે. મને પણ એવું લાગવા માંડ્યું હતું કે હું હવે ધીમે ધીમે insignificant માણસ બનવા તરફ જઈ રહ્યો છું.

એમ છતાં મારે હારવું ન હતું. હજી વધુ એક પ્રયાસ કરવો હતો. અહીં પણ મેં પાછી એક ભૂલ કરી. મેં એકેડેમિકનો વિકલ્પ શોધવાને બદલે એકેડેમિકમાં જ વિકલ્પ શોધવાનું નક્કી કર્યું. હું જ્યારે મુંબઈની મણીબેન નાણાવટી કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો હતો ત્યારે પણ મારી નોકરી એક જ વાક્યમાં જતી રહેલી: આચાર્યાએ મને બોલાવીને, અલબત્ત જરા ધીમા સાદે, જાણે કે કોઈના મરણનો સંદેશો આપતાં ન હોય એમ, કહેલું: સરકાર તમારી નિમણૂંકને મંજુર કરતી નથી. એટલે તમે આવતી કાલથી જ નોકરી પર નથી. આ તો મને કહેવામાં આવેલું કારણ હતું. મને હજી ઊંડે ઊંડે શંકા જાય છે કે એમાં સરકારની કોઈજ ભૂમિકા નહીં હોય. કોઈકે ચોક્કસ મારો વિરોધ કર્યો હશે. બની શકે કે હું એમને બધાંને ‘રામપુર કા લક્ષ્મણ’ જેવો લાગ્યો હોઈશ. પણ ત્યારે હું એક ચોક્કસ અર્થમાં માનવજગત માટે નવો હતો. નાનપણથી મને મારાં માબાપે, એમાં પણ ખાસ કરીને મારાં બાએ, દરેક બાબતે દોષનો ટોપલો મારે માથે લઈ લેવાનું શીખવેલું. મને યાદ નથી આવતું કે એમણે ક્યારેય પણ સામેના છોકરાનો કે માણસનો વાંક કાઢ્યો હોય. કોઈ મને મારે ને હું રડતો ઘેર આવું કે પેલાએ મને માર્યો છે એની સામે મને રક્ષણ આપવાને બદલે હું એની સાથે કેમ રમવા ગયેલો એમ કરીને મને ખખડાવતાં. વળી હું નાસ્તિક હતો. એટલે હું કર્મના સિદ્ધાન્ત પ્રમાણે પણ એમ કહી શકું એમ ન હતો કે આ તો બધું મારા કર્મ પ્રમાણે થઈ રહ્યું છે. ગયા જનમમાં મેં ચોક્કસ કોઈક પાપ કર્યું હશે. ખેર, આટલાં વરસો પછી મારે સાચાં કારણો વિશે જાણવું પણ નથી. શંકરાચાર્ય કહે છે કે જ્ઞાન અજ્ઞાનમાંથી મુક્તિ અપાવે. સાચી વાત. પણ કેટલાંક અજ્ઞાન મરણ સુધી આપણી સાથે એવા જ સ્વરૂપે રહે તો ચાલે.

પણ ત્યારે મેં એકેડેમિક ક્ષેત્રમાં જ બીજા વિકલ્પો શોધવાનો પ્રયાસ કરેલો અને એ વિકલ્પો સુધી પહોંચવા માટે, વચગાળાની રાહત તરીકે, મેં સમાચાર પત્રોમાં કામ કરવાનું સ્વીકારેલું. મેં ભાષાશાસ્ત્રમાં ડીપ્લોમા કરેલો. પછી મને થયું કે લાવ હવે ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરવા દે. એથી મેં ગુજરાતી ભાષા અને સાહિત્યના શિક્ષણકાર્યને ‘રામ રામ’ કરી ભાષાશાસ્ત્રમાં પ્રવેશ લીધેલો અને એ નિર્ણય સાચે જ મને ઘણો કામ લાગેલો. હું એ વાત ભૂલ્યો ન હતો કે ભાષાશાસ્ત્રમાં એમ.એ. કર્યા પછી મને એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપકની નોકરી મળેલી. એટલું જ નહીં, ભાષાશાસ્ત્રના અભ્યાસના કારણે જ હું અમેરિકા પણ આવી શકેલો.

જ્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષાની નાવડી હાલકડોલક થવા લાગી ત્યારે મને થયું કે લાવ, હવે મુંબઈની નોકરી ગઈ પછી ત્યાં જે મૉડલ અપનાવેલું એ મૉડલ અહીં પણ અપનાવવા દે. કદાચ મારી હોડી આ દરિયામાં નહીં તો બીજા દરિયામાં તરી શકશે. હું ઘણી વાર, ખાસ કરીને મારા પર કોઈ આપત્તિ આવી પડે ત્યારે, મારી જાતને એક જ વાત કહેતો: આટલો જ જનમ કાઢવાનો છે ને આ પૃથ્વી પર. મારે ક્યાં વારંવાર અહીં આવવું છે? મને આમેય કદી પણ જીવવાની હોંશ થઈ નથી. ઘણા લોકો હોંશે હોંશે જીવતા હોય છે. એમને જોઈને મને થતું હોય છે કે આ લોકો આ પૃથ્વી પર એવું તે શું ભાળી ગયા હશે?

મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એમ અમેરિકા આવ્યા પછી મેં સિનેમાના અભ્યાસમાં રસ કેળવેલો. હું દેશવિદેશની ફિલ્મો જોતો, એમના વિશે વાંચતો, ક્યારેક કોઈક મળી જાય તો એ ફિલ્મોની ચર્ચા પણ કરતો. એને કારણે મને થયું: જો હું સિનેમાના અભ્યાસમાં એક ત્રીજું એમ.એ. કરું તો કેવું? હું જ્યાં ગુજરાતી ભાષા ભણાવતો હતો એ સાઉથ એશિયા વિભાગમાં સિનેમા ભણાવવા માટે કોઈ માણસ ન હતો. કદાચ એ લોકો મને સિનેમાનો કોર્સ ભણાવવા આપે અને એ રીતે મારી રોજી રોટી ચાલું રહે. જો કે, મારા એકબે મિત્રોએ મને બીજી જ સલાહ આપેલી. એમણે કહેલું કે તને ગણિત અને વિજ્ઞાનમાં રસ છે, તો એ સંજોગોમાં તું કોઈક સોફ્ટવેર શીખી લે. નબળીપાતળી નોકરી મળી જશે.

પણ, કોણ જાણે કેમ મારે શિક્ષણમાં જ રહેવું હતું. મને થતું હતું કે સોફ્ટવેરની નોકરીમાં મને જે શીખવા મળશે એનો વ્યાપ ખૂબ મર્યાદિત હશે. મારે એમ ન’તું કરવું. મારે વિકસવું પણ હતું અને વિસ્તરવું પણ હતું. આખરે મેં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી જ સિનેમાના અભ્યાસમાં એમ.એ. કરવાનું નક્કી કર્યું. આ મારું ત્રીજું અને ટેકનીકલી જુઓ તો ચોથું એમ.એ. હતું. યોગાનુયોગ મારે એ માટે કોઈ ફી ભરવાની ન હતી. કેમ કે હું યુનિવર્સિટીનો કર્મચારી હતો.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા બીજી ઘણી બધી અમેરિકન યુનિવર્સિટીઓની જેમ Liberal Studiesમાં માસ્ટર ડીગ્રી આપે છે. આ ડીગ્રીની એક ખાસિયત એ છે કે એમાં તમે તમારી પસંદગીના વિષયો ભેગા કરીને એમાં માસ્ટર ડીગ્રી કરી શકો. મેં સિનેમા, સમૂહ માધ્યમો અને કળાનું એક મિશ્રણ કરેલું. કેમ કે સિનેમાને સમૂહ માધ્યમો અને કળા સાથે પણ નિકટનો સંબંધ છે. મેં એક બાજુ યુરોપિયન સિનેમા, સ્પેનિશ સિનેમા, ઇટાલિયન સિનેમા, World Cinema, સિનેમાની સૌંદર્યમીમાંસા જેવા, તો બીજી બાજુ ફિલસૂફી અને સિનેમા જેવા કોર્સ લીધેલા. ફિલસૂફી અને સિનેમામાં અમે ફ્રેંચ ફિલસૂફ દેલ્યુઝનાં સિનેમા પરનાં બન્ને પુસ્તકોનો તથા ફ્રેંચ ફિલ્મ દિગદર્શક ગોદારના History of Cinemaનો અભ્યાસ કરેલો. બન્ને ખૂબ અઘરા. હજી સિનેમાના અભ્યાસનો કોર્સ નવો નવો શરૂ થયેલો. યુનિવર્સિટી પાસે પોતાનો સ્ટાફ ઓછો હતો. એથી યુનિવર્સિટી વિઝિટીંગ પ્રોફેસરોને બોલાવતી. આ બન્ને કોર્સ ભણાવવા માટે યુનિવર્સિટીએ ન્યૂયોર્ક યુનિવર્સિટીના Alexander Gallowayને બોલાવેલા. Galloway પોતે લેખક, પાછા કૉમ્પ્યુટર પ્રોગ્રામર. વળી સમકાલીન યુરોપિયન ફિલસૂફીના નિષ્ણાત. હોમવર્કમાં અઠવાડિયાનાં સો-દોઢસો પાનાં વાંચવાનાં આપે. એની સમાન્તરે મેં સ઼મૂહ માધ્યમો અને સમાજશાસ્ત્ર તથા ભારતીય કળા પરના કોર્સ પણ લીધેલા. એ કોર્સ David Grazian ભણાવતા. લોકપ્રિય સંસ્કૃતિ, સમૂહ માધ્યમો, નગર અભ્યાસના નિષ્ણાત. એ પણ પુષ્કળ હોમવર્ક આપતા. પણ, મને ગમતું. સમૂહ માધ્યમો અને સમાજશાસ્ત્રને બાદ કરતાં બીજા બધા કોર્સમાં મારે કાં તો A કે A+ આવેલો. સમૂહ માધ્યમો અને સમાજશાસ્ત્રના કોર્સમાં -A આવેલો. એના પ્રોફેસરે મને કહેલું કે બાબુ, તારાં પેપર ખૂબ સરસ છે પણ તારું અંગ્રેજી હજી એકેડેમિક નથી બન્યું. એમની વાત સાચી હતી. એ પ્રોફેસરના કોર્સ માટે મેં પેપ્સી અને કોકાકોલાની જાહેરાતોનો તથા ન્યૂજર્સીમાં આવેલી એક ગુજરાતી રેસ્ટોરાંનો અભ્યાસ કરેલો. એ રેસ્ટોરાં કઈ રીતે authentic Gujarati foodનું ‘ઉત્પાદન’ કરે છે એના પર મેં મારું ફાઈનલ પેપર લખેલું. એ માટે જરૂરી ફિલ્ડવર્ક પણ કરેલું. એ રેસ્ટોરાંની દિવાલો પર ગુજરાતનાં જે ચિત્રો દોરેલાં હતાં એવું આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે. પણ, ગ્રાહકો એ ચિત્રોના આધારે એ રેસ્ટોરાંના foodને કેમ authentic ગણતા હશે? એ મારા માટે તપાસનો વિષય હતો. મેં દસેક ગ્રાહકોના ઇન્ટરવ્યુ પણ કરેલા અને બધાંને એક સવાલ અચૂક પૂછેલો: તમે કેમ એવું માનો છો કે અહીં જે ખોરાક પીરસવામાં આવે છે એ સાચે જ authentic છે?

હું સાચે જ ખૂબ નસીબદાર હતો. Liberal Studiesની ડીગ્રી માટે હું જે અધ્યાપકોના હાથ નીચે ભણી રહ્યો હતો એ બધ્ધાનાં ખૂબ મોટાં નામ હતાં. એ લોકો મારા ભાષાવિજ્ઞાનના અને મારા સાઉથ એશિયા ડીપાર્ટમેન્ટના કેટલાક પ્રોફેસરો કરતાં પણ સ્વભાવે સારા હતા. મને એમની સાથે સંવાદ કરવાનું ખૂબ ગમતું. આમ જુઓ તો હું વિદ્યાર્થી હતો તો પણ મેં મારાં ટર્મ પેપરોમાં કેટલીક નવી વાતો કરેલી અને જે તે પ્રોફેસરોએ એ પેપરો એમના ‘રેકોર્ડ’ માટે રાખી પણ મૂકેલાં. દાખલા તરીકે, આરંભની મૂંગી ફિલ્મોના એક વિશ્વવિખ્યાત વિદ્વાને એવી દલીલ કરેલી કે આવી ફિલ્મોમાં કથન નથી હોતું. મેં એની સામે એવી દલીલ કરેલી કે આવી ફિલ્મોમાં કથન હોય છે પણ સ્ક્રીન પર નથી હોતું. એ કથન ભાવકે એના ચિત્તમાં રચવું પડતું હોય છે. જો એ એમ ન કરે તો એ આ પ્રકારની ફિલ્મો માણી ન શકે. મારા પ્રોફેસર એનાથી એવા રાજી થઈ ગયેલા કે એમણે મારું પેપર પેલા વિદ્વાનને મોકલી આપેલું. એ જ રીતે, ભારતીય કળાના પેપરમાં મેં અકબર પદમશીની એક અમૂર્ત ફિલ્મ Syzygy (૧૯૬૯) પર એક પેપર લખેલું. મારા પ્રોફેસરને એ પેપર એટલું બધું ગમી ગયેલું કે હું ફિલાડેલ્ફિયામાં હતો ત્યાં સુધી એ દર વરસે મને એમના ભારતીય કળાના ક્લાસમાં બોલાવતા અને એ પેપર વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવાનું કહેતા. હજી પણ એ ક્યારેક મને કહે છે કે તમે એ પેપર મઠારીને કોઈ સારા સામયિકમાં મોકલો. પદમશીએ એ ફિલ્મ જ્યારે પેરીસમાં બતાવી ત્યારે એક જણે કહેલું કે દરેકે માથાના દર્દની દવા લઈને જોવી. એમાં  પદમશીએ ગણિતનો ભરપૂર ઉપયોગ કર્યો છે. World Cinemaના કોર્સમાં મેં ત્યારે નાના દેશોના સિનેમા પર વિશેષ ધ્યાન આપેલું. અત્યારે તો નાના દેશોના સિનેમા પર નિષ્ણાત હોય એવા ઘણા પ્રોફેસરો મળશે. ત્યારે એ ક્ષેત્રની હજી તો શરૂઆત થઈ રહેલી.

એ દરમિયાન સાઉથ એશિયા વિભાગમાં પણ કેટલાંક પરિવર્તન આવેલાં. હવે દાઉદ અલી અધ્યક્ષ ન હતા. એમનું સ્થાન રમ્યા શ્રીનિવાસને લીધું હતું. એક બીજી પણ મોટી ઘટના બની હતી. અમારા ડીન પણ બદલાઈ ગયા હતા. પહેલાં જે ડીન હતા એ માનવવિદ્યાના હતા. દેખીતી રીતે જ એમને સાહિત્ય, કળા અને ભાષાઓના અભ્યાસ માટે ખૂબ આદાર હતો. હવે એમનું સ્થાન ગણિતના એક પ્રોફેસરે લીધેલું. એ વખતે એ પ્રોફેસર વિશે સમાચાર પત્રોમાં પણ આવેલું. એમણે એમના એક વિવાદાસ્પદ લેખમાં એવી દલીલ કરેલી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવાં કામ જો કેલક્યુલેટર કરી શકતાં હોય તો વિદ્યાર્થીઓને કેલક્યુલેટર કઈ રીતે ચલાવવાં એ જ શીખવાડવું જોઈએ. એમને સરવાળા, બાદબાકી, ગૂણાકાર, ભાગાકાર ન ભણાવવા જોઈએ. કોઈને આ અભિગમ વ્યવહારુ લાગશે. પણ, મેં એ વખતે મારા વિભાગના એક પ્રોફેસર સાથે વાત નીકળી ત્યારે કહેલું કે આ ડીનના કારણે માનવવિદ્યાઓને અને એમાં ભાષાઓએ ઘણું સહન કરવું પડશે. કેમ કે એ માણસ વ્યવહારુ છે. એના માટે જેનો વ્યવહારમાં ઉપયોગ ન હોય એનું મૂલ્ય પણ ન હોય. અમેરિકનો આમેય વ્યવહારવાદના જીવ હોય છે. મેં મશ્કરીમાં એમ પણ કહેલું કે હવે આપણે બધા કાર વાપરીએ છીએ. એ સંજોગોમાં બાળકે ચાલવાનું શીખવાને બદલે સીધા જ કાર ચલાવતાં શીખવું જોઈએ. પણ, આ અમેરિકા છે. અહીં જ્ઞાન પણ જો સારા પેકેજમાં ન આપવામાં આવે તો એ નકામું ગણાય છે.

રમ્યા સાઉથ એશિયાનાં અધ્યક્ષ બન્યાં પછી ઘણાં બધાં પલાખાં બદલાઈ ગયાં. એક પ્રોફેસરે એમને એવી દલીલ કરી કે જો આપણી પાસે ગુજરાત પર કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પર સંશોધન કરતા કોઈ પ્રોફેસર ન હોય તો આપણે શા માટે ગુજરાતી ભાષાના પૂર્ણ સમયના અધ્યાપક રાખવા જોઈએ? એમની દલીલ સાવ કાઢી નાખવા જેવી તો ન હતી. એમના સંશોધનનું ક્ષેત્ર તેલુગુ ભાષા અને સંસ્કૃતિ હતાં. એથી એમણે દલીલ કરી કે મને તેલુગુ ભાષાનો પૂર્ણ સમયનો અધ્યાપક આપો. કાં તો ગુજરાતી બંધ કરી એ નાણાં તેલુગુ માટે ફાળવો, કાં તો નવું ફંડ ઊભું કરો. દેખીતી રીતે જ, યુનિવર્સિટી નવું ફંડ ઊભું કરવા માટે તૈયાર ન હતી. જ્યારે મને એ વાતની ખબર પડી ત્યારે મને મારી નાવડીમાં મોટું બાકોરું પડી ગયેલું દેખાયેલું.

ત્યાર પછીના એકબે મહિનામાં જ રમ્યાએ મને કહ્યું કે બાબુભાઈ, આવતા વરસથી કદાચ અમે ગુજરાતી પ્રોગ્રામ બંધ કરીશું. અમે તમને રાખવાના પ્રયત્નો કરી રહ્યા છીએ પણ અમને સફળતા મળશે જ એવું હું કહી શકું એમ નથી. પણ, તમે એક કામ કરો. થોડાક નવા કોર્સની ડિઝાઈન તૈયાર કરીને મને આપો. હું ડીનને સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમે ગુજરાતી ઉપરાંત બીજા કોર્સ પણ ભણાવી શકશો અને અમારે એવા કોર્સની જરૂર પણ છે. મને ખબર હતી કે એ એક ઔપચારિકતા હતી. અમેરિકન અધિકારીઓ અને ભારતીય અધિકારીઓની વચ્ચે એક જ ભેદ છે. અમેરિકન અધિકારી ઉંદર મારવા માટેનું regular માઉસ ટ્રેપ વાપરે. તમારી ડોક અંદર જાય ને તમને ખબર પણ ન પડે ને તમારો જીવ ચાલ્યો જાય. ભારતીય અધિકારીઓ ગ્લ્યૂ માઉસ ટ્રેપ વાપરે. તમે એમાં ચોંટી જાઓ પછી એ રોજ સવાર સાંજ આવીને તમને કહી જાય કે હું તમને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છું. ક્યારેક બે ટાઈમ ખાવાનું પણ આપે. રમ્યાએ જ્યારે મને એમ કહ્યું ત્યારે મને એમ લાગેલું કે એ મારા માટે ગ્લ્યૂ ટ્રેપ વાપરી રહ્યાં છે. જો કે, મેં રમ્યાને એક વાત કરેલી કે જો તમે આવતા શૈક્ષણિક વરસથી મને વિદાય આપશો તો તમે તમારા જ એક નિયમનો ભંગ કરશો. મને યુનિવર્સિટીના નિયમ મુજબ હજી એક વરસ મળવું જોઈએ. મેં એમને નિયમો પણ બતાવેલા અને સમજાવેલા પણ ખરા. એમણે મને કહ્યું કે હું ડીનને વાત કરીશ. પણ તમે એ પહેલાં ત્રણચાર કોર્સ તો તૈયાર કરી જ આપો.

મેં ચારેક કોર્સ તૈયાર કરી આપેલા. એમાં દેખીતી રીતે જ સિનેમાના બે કોર્સ હતા. એક લોકપ્રિય બોલીવુડનો અને બીજો ભારતીય આર્ટ ફિલ્મોનો. તદ્ઉપરાંત, મેં ડિજિટલ સંસ્કૃતિ પર પણ એક કોર્સ તૈયાર કરેલો. કેમ કે એ વિષે હું મારા સિનેમાના અભ્યાસના ભાગ રૂપે ભણેલો. એ કોર્સમાં મેં ડિજિટલ જગતમાં હિન્દુ ધર્મનું production અને circulation કઈ રીતે થઈ રહ્યું છે અને એમાં શ્રદ્દાનું તત્ત્વ કઈ રીતે કામ કરી રહી છે એના પર ધ્યાન આપેલું. પછી હું ડીન શું કહે છે એની રાહ જોવા લાગેલો.

એ દરમિાયન, મારા Liberal Studiesના બધ્ધા જ કોર્સ પૂરા થઈ ગયા હતા. હવે ડીગ્રી મેળવવા માટે મારે એક dissertation લખવાનું હતું. એ માટે મેં સત્યજિત રેની Ashani Sanket અને મૃણાલ સેનની Akaler Shandhane ફિલ્મોમાં દુકાળનું નિરૂપણનો વિષય પસંદ કરેલો. મારે એ ફિલ્મો ઉપરાંત દુકાળ પરનાં ચિત્રો તથા દુકાળના ફોટાઓ પણ ધ્યાનમાં લેવાના હતા. પણ, હું મારું dissertation લખવાનું શરૂ કરું એ પહેલાં એક દિવસે રમ્યાએ મને બોલાવીને કહ્યું, “સૉરી બાબુભાઈ, ડીન માનતા નથી. મને જણાવતાં બહુ દુ:ખ થાય છે કે આવતા એકેડેમિક વરસથી અમે તમને રાખી શકીએ એમ નથી. અમે અત્યારે તો ગુજરાતી પ્રોગ્રામ બંધ કરીએ છીએ. આશા રાખું કે તમારો દિકરો અને તમારાં પત્ની તમને મદદ કરશે.”

મને આભ તૂટ્યાનો કોઈ અનુભવ ન’તો થયો. કેમકે હું મારી જાતને આ સમાચાર માટે ક્યારનોય તૈયાર કરતો આવેલો. એથી જ તો એક વાર કાર્ડોના મળ્યા ત્યારે મેં એમને કહેલું કે સાહેબ, ગુજરાતી ભાષા અત્યારે હોસપીસ સેન્ટરમાં છે. જ્યારે પણ કાર્ડોના મળતા ત્યારે અમે ગુજરાતીમાં વાત કરતા.

1 thoughts on “મને હજી યાદ છે – ૮૧ (બાબુ સુથાર)

પ્રતિભાવ